Sunday, September 18, 2011

કથાબીજ એક, ફિલ્મફળ અનેક


( આ પોસ્ટમાં ઘણી વિડિયો ક્લીપ્સ મૂકેલી છે. એ દરેકેદરેક જોશો તો જ મઝા આવશે અને કથાની સામ્યતા પામી શકાશે. કન્નડ તેમજ તેલુગુ ફિલ્મની ક્લીપ્સ પણ ખાસ જોવી. )


કોઈ પણ ફિલ્મ શાથી હીટ જાય છે? આ પ્રશ્નનો કોઈ એક જવાબ કે ફોર્મ્યૂલા મેળવવાં અઘરાં છે. એવું અવારનવાર જોવા મળે છે કે કોઈક ફિલ્મ હીટ જાય એટલે એના એવી જ કથાવસ્તુ ધરાવતી કે અન્ય બાબતોની સામ્યતા ધરાવતી ઉપરાઉપરી ફિલ્મો આવી જાય. પણ એકેય ન ચાલે. ઘણી વાર હીટ ગયેલી ફિલ્મની ટીમ બીજી ફિલ્મ બનાવે તો એ પણ ન ચાલે એમ બને છે. શોલેનો દાખલો બહુ જાણીતો છે. એની એ જ ટીમ શોલે જેટલી સફળતા શાનમાં દોહરાવી તો ન શકી, ઊલટાની શાન બૂરી રીતે પિટાઈ ગઈ. હોલીવૂડમાં તો સિક્વલનો રિવાજ બહુ પ્રચલિત છે. અને ઘણી વાર એમ પણ જોવા મળ્યું છે કે પહેલી ફિલ્મ કરતાં તેની સિક્વલમાં વધુ મઝા આવે. હિંદી ફિલ્મોમાં સિક્વલ બહુ જૂજ ફિલ્મોની બની છે, અને સફળ તો એનાથીય ઓછી થઈ છે.

તો હિટ થયેલી કોઈ ફિલ્મની રીમેક ચાલે? આનુંય કોઈ ચોક્કસ ગણિત નથી. કેમ કે, એક વાર ફિલ્મ હિટ જાય અને વરસો પછી એની રીમેક બને એ સમયગાળો અલગ હોય છે, પ્રેક્ષકોની રુચિ બદલાઈ ગઈ હોય છે. માનો કે એની એ જ કથાનું પુનરાવર્તન થાય તો પણ કેટલી વાર એમ થઈ શકે? 'કિસ્મત' કે 'શોલે' જેવી બોક્સ ઓફીસ પર ઇતિહાસ સર્જનારી ફિલ્મની રીમેક પણ બની નથી. ('શોલે'ની રીમેક બની હતી, પણ એ એવી અસહ્ય હતી કે એ નથી એમ જ ગણીએ તો સારું પડે.) 
આમ છતાં, અહીં એક એવા કથાવસ્તુની વાત કરવી છે, જેની પરથી અનેક ફિલ્મ બની હોય. 'અનેક' શબ્દ જાણીને વાપર્યો છે. લેખના અંતે સરવાળો માંડીશું એટલે ચોક્કસ આંકડો ખબર પડશે. હજીય ઝડપથી કદાચ આવી કોઈ કથા યાદ ન આવે એમ બને. 
આ કથા છે તો આમ સાદી, પારિવારિક કથા. એનો આ રીતે અભ્યાસ થયો છે કે નહી, એ પણ ખબર નથી. આપણે આ કથાવાળી એકાદ બે ફિલ્મો જોઈ પણ હશે. છતાં આ કથાવસ્તુ એટલું સાદગીસભર છે કે ઝટ ધ્યાનમાં ન આવે કે એના પરથી આટલી બધી ફિલ્મો બની છે, અને એ પણ જુદા જુદા સમયે, જુદા જુદા સ્થળે, જુદી જુદી ભાષાઓમાં. 
નથી એ કથામાં કોઈ ખૂંખાર વિલન યા વેમ્પ કે નથી એમાં હીરો- હીરોઈનનાં પ્રણય દૃશ્યો. સંવાદોની રમઝટ કે ગીત-સંગીતની બહુલતાનીય એમાં જરૂર નથી. અરે, એમાં કથાના કેન્દ્રસ્થાને તરવરીયા, નવજુવાન અભિનેતા-અભિનેત્રી નથી, બલ્કે વૃદ્ધ પુરુષ અને એમની પત્ની છે. અને છતાંય આ કથાવસ્તુ કેવું સદાકાળ છે!
***** ***** *****
બહુ મોટું નહીં એવું એક કુટુંબ. ત્રણ-ચાર સંતાનો, ઘરરખ્ખુ મા અને સામાન્ય નોકરી કરતા પિતા. કુટુંબની આર્થિક સ્થિતિ સાધારણ, છતાં એકંદરે સુખી. સંતાનો દિવસે દિવસે મોટાં થતાં જાય એટલે એમનો ખર્ચ વધતો જાય. સાધારણ નોકરી કરતા પિતા જેમ તેમ કરીને પૈસાનો જોગ કરે. મા પોતાની જરૂરતો પર કાપ મૂકીને સંતાનોની જરૂરતો પૂરી કરે અને સંતાનોને ઓછું ન આવે એનું ધ્યાન રાખે. કરુણા અને સ્નેહ મા-બાપના સ્વભાવની ખાસિયત. સંતાનો ઉપરાંત કોઈ પણ જરૂરતમંદને પોતાની જરૂરતોના ભોગેય સહાય કરતા રહે. માત્ર આર્થિક સહાય નહીં, હૂંફ અને પ્રેમ પણ આપતા રહે. અને આવા તો અનેક લોકો.
 
એક પછી એક સંતાનો પરણે છે. પોતાનું આગવું ઘર માંડે છે અને જીવન સામેના જંગમાં ઝઝૂમે છે. વૃધ્ધ માતાપિતા એકલાં આનંદમાં સમય પસાર કરે છે અને દૂર રહેતા સંતાનોના સુખે સુખી છે. ગામના લોકો એમના પ્રત્યે સ્નેહ દાખવે છે, એમની ઈજ્જત કરે છે.
સમય પલટાય છે. માતાપિતા જે મકાનમાં રહેતા હોય છે એ મકાન ખાલી કરવું પડે એવા સંજોગો ઉભા થાય છે. શહેરમાં રહેતાં સંતાનોને માતાપિતા જાણ કરે છે. પોતે ગામ છોડીને શહેરમાં એમની સાથે રહેવા આવવું પડશે એમ જણાવે છે. આ સમાચાર જાણીને સંતાનોના પેટમાં ફાળ પડે છે. માબાપ તેમને વણનોંતરી ઉપાધિ સમા લાગે છે. સૌ સંતાનો ભેગા મળીને વિચારવિમર્શ કરે છે કે માબાપને રાખે કોણ? છેવટે સૌ એ નિર્ણય પર આવે છે કે મા અને બાપ બન્ને અલગ અલગ સંતાનોના ઘેર થોડા થોડા સમય માટે રહે. મતલબ કે માબાપની વહેંચણી. ગરીબી અને સંઘર્ષના કપરા દિવસોમાં એકમેકની હૂંફને સહારે સ્વમાનભેર જીવેલાં વૃદ્ધ માવતરને ખરેખર એકબીજાની જરૂર છે ત્યારે જુદા પડવાનું આવે છે. માબાપની નાનકડી ખોલીમાં ચાર સંતાનો સમાઈ જાય, પણ ચાર સંતાનોના મહેલમાં માબાપ ન સમાઈ શકે, એવો ઘાટ થાય છે.  મા એક સંતાનને ત્યાં રહે છે અને બાપ બીજા સંતાનને ત્યાં. જિંદગી આખી સ્વમાન સાથે જીવેલાં પતિપત્ની સાથે પોતાનાં જ સંતાનો દ્વારા વણનોંતર્યા મહેમાન જેવો વ્યવહાર થાય છે. ક્યાંક દીકરાની કપરી આર્થિક સ્થિતિ નડે છે, તો ક્યાંક દીકરો કે તેની વહુનો રૂક્ષ વ્યવહાર. પૌત્ર કે પૌત્રી સાથે દાદા-દાદીને ફાવે છે, પણ પૌત્રની માને એ બધું પસંદ નથી. સ્વમાનભેર જીવવાનું તો ઠીક, સ્વમાન જાળવવાના ફાંફા બન્નેને થઈ જાય છે.
વૃદ્ધ દંપતિ માટે એકમેકને મળવુંય દોહ્યલું થઈ જાય છે. શી રીતે મળવું? પત્ર લખવો? ફોન કરવો? છાનેછપને એમને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત પણ કાને પડી જાય છે. દરમ્યાન શહેરમાં વૃદ્ધ પિતાનો ભેટો અનાયાસે અને સાવ આકસ્મિક સંજોગોમાં એક અફસર સાથે થઈ જાય છે. આ અફસર એટલે એક સમયનો પેલો અનાથ છોકરો, જે આ દંપતિએ આપેલી હૂંફ થકી જીવનમાં આગળ આવ્યો હોય છે અને હવે મોટો માણસ બની ગયો હોય છે. સતત આ દંપતિ તેના હૈયે હોય છે. આગ્રહપૂર્વક તે આ દંપતિને પોતાને ઘેર લઈ આવે છે અને પોતાના પરિવાર સાથે જ રહેવા આગ્રહ કરે છે. ક્યાં લોહીની સગાઈ ધરાવતાં પોતાનાં સંતાનો અને ક્યાં સગા પુત્ર કરતાંય વધુ સ્નેહ આપતો આ એક સમયનો અનાથ છોકરો!
પિતાને બચતના પૈસા આવે છે ત્યારે બધાં સંતાનો પ્રેમ જતાવવા આવે છે. સંતાનોના દુર્વ્યવહારને લઈને પિતાના હૃદય પર કેવા જખમો પડ્યા હોય છે! સંતાનો પ્રત્યેનો તિરસ્કાર કેટલો ઊંડો હોય છે કે એ સુણાવી દે છે કે તમે મારા દીકરાઓ નહીં, અને હું તમારો બાપ નહીં.
એક સમયનો અનાથ બાળક, જે હવે અફસર બની ગયો હોય છે, તેના કુટુંબમાં આ વૃદ્ધ દંપતિ માવતરનું સ્થાન પ્રેમપૂર્વક મેળવે છે અને એ કુટુંબ સાથે જ શેષ જીવન વીતાવે છે.
***** ***** *****

 અહીં સાવ ટૂંકમાં વાર્તાઓના મુદ્દાની જેમ કથા લખી છે. અવનવાં રસાયણો ભેળવીને વધુ ને વધુ લાગણીસભર બનાવી શકાય એવી ક્ષમતા છે આ કથાની. હવે જોઈએ આ કથાનું ઉદગમસ્થાન અને એના અવનવા મુકામો. એક મૂળ અને એક બીજમાંથી કેવી કેવી ફિલ્મોનાં ફળ ક્યાં ક્યાં બેઠાં?
આવી લાગણીસભર અને કૌટુંબિક કથા તો ભારતની જ હોઈ શકે એમ લાગે, પણ જાણીને નવાઈ લાગે કે આ કથાનાં મૂળ અમેરિકામાં છે. આ કથા પરથી સૌથી પહેલી ફિલ્મ અંગ્રેજીમાં બની હતી, જેનું નામ હતું મેઈક વે ફોર ટુમોરો’/ Make way for tomorrow.  ૧૯૩૭માં આવેલી આ ફિલ્મના દિગ્દર્શક હતા લીઓ મેકરી/Leo McCarey.  વયસ્ક દમ્પતિ બાર્કલે કૂપર અને લ્યુસી કૂપરની ભૂમિકા અનુક્રમે વિકટર મૂર/ Victor Moore અને બેલુઆ બોન્ડી/ Beluah Bondi એ ભજવી હતી. આ ફિલ્મ, જો કે, નાટક પરથી બની હતી, અને નાટક લખાયું હતું જોસેફીન લોરેન્સ/ Josephine Lawrence દ્વારા લખાયેલી એક નવલકથા 'ધ યર્સ આર સો લોન્ગ'/ The years are so long પરથી. ફિલ્મ અતિશય સફળ રહી હતી અને દિગ્દર્શકે તેને પોતાની શ્રેષ્ઠ ફિલ્મ ગણાવેલી. ઓરસન વેલેસ જેવા ખ્યાતનામ અભિનેતા-દિગ્દર્શકે આં ફિલ્મ વિષે કહ્યું હોવાનું નોધાયું છે કે: 'પથ્થરનેય રડાવી દે એવી ફિલ્મ છે આ.' કથામાં દંપતિને પાંચ સંતાનો બતાવાયા હતા. અલબત્ત, આ કથામાં ક્યાંય પેલા અનાથ છોકરાનું પાત્ર નહોતું. તેને બદલે વિવિધ લોકો વૃદ્ધ દંપતિ પ્રત્યે સદવ્યવહાર કરે છે એમ દેખાડેલું.

જુઓ Make way for tomorrow ફિલ્મની એક ઝલક.




ત્યાર પછી આ કથાવસ્તુ ભારતમાં આવ્યું. ૧૯૫૪માં મરાઠીમાં ફિલ્મ આવી ઉન પાઉસ (=તડકો અને વરસાદ), જેનું દિગ્દર્શન કર્યું હતું રાજા પરાંજપેએ. અસલમાં આ ફિલ્મનું દિગ્દર્શન માડગુળકર કરવાના હતા, અને રાજા ફક્ત ભૂમિકા જ કરવાના હતા. પણ રાજા આ ફિલ્મમાંની બાપુ માસ્ટરની ભૂમિકા પોતાની રીતે ભજવવા માંગતા હતા, એટલે તેમણે દિગ્દર્શન પણ પોતે જ કરવાનો આગ્રહ રાખ્યો, જે સૌએ મંજૂર રાખ્યો. 
રાજા પરાંજપે બાપુ માસ્ટરની ભૂમિકામાં
મુખ્ય ભૂમિકા તેમની પોતાની અને સુમતિ ગુપ્તેની હતી. અને પટકથા લખેલી વિખ્યાત કવિ ગ.દિ.માડગુળકરે. આ ફિલ્મમાં પિતાજીને નિવૃત્ત શિક્ષક બતાવાયા હતા. અને તેમને બે દીકરાઓ હતા. બંને દીકરાઓને ત્યાં જવા માટે પતિ પત્ની વિખૂટા પડતાં હોય છે, ત્યારે બાપુ વેદનાથી ચીત્કારી ઉઠે છે, "કાશી...'. આ એક જ શબ્દમાં પત્ની પ્રત્યેની તમામ લાગણી એ નીચોવી દે છે. આ દ્રશ્ય એટલું અસરકારક રીતે ભજવાયું હતું કે શૂટીંગ કરનાર ટેકનીશ્યનોની આંખમાં પાણી આવી ગયેલાં.
 કાશીનું પાત્ર ભજવનાર સુમતિ ગુપ્તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડેલાં. થોડી વાર માટે શૂટીંગ અટકાવી દેવું પડેલું. ફિલ્મમાં રાજા પરાંજપેનો અભિનય ખૂબ વખણાયો. રાજાએ એક લેખમાં લખેલું એમ: ફિલ્મ ખૂબ વખણાઈ, પણ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ. 
બી.આર. પંથલૂ

મરાઠીમાંથી આ કથા ગઈ દક્ષિણ ભારત તરફ. ૧૯૫૮માં વિખ્યાત કન્નડ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને પદ્મિની પિક્ચર્સના સ્થાપક બી.આર.પંથલૂએ આ કથા આધારિત ફિલ્મનું ત્રણ ભાષાઓમાં નિર્માણ કર્યું.
કન્નડ 'સ્કૂલ માસ્ટર' 
કન્નડમાં સ્કૂલ માસ્ટર’, તમિળમાં એંગલ કુડુમ્બમ પેરીસુ (= અમારો વિશાળ પરીવાર) અને તેલુગુમાં બડી પંતુલૂ’. (=સ્કૂલ માસ્ટર) આ ત્રણેય આવૃત્તિમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા પંથલૂએ પોતે જ ભજવી હતી. દક્ષિણ ભારતની એકેય ભાષા ભલે ને આવડતી ન હોય, પણ મૂળ કથાવસ્તુ એટલું અસરકારક છે કે દૃશ્ય જોઈને ખ્યાલ આવી જાય કે શું કહેવાઈ રહ્યું છે.
પહેલાં કન્નડ ફિલ્મ સ્કૂલ માસ્ટરની ઝલક જોઈએ.




ત્યાર પછી તરત જ ૧૯૫૯માં હિંદીમાં આ જ કથાવસ્તુ પરથી સ્કૂલ માસ્ટર ફિલ્મનું નિર્માણ પદ્મિની પિક્ચર્સદ્વારા જ થયું, જેમાં મુખ્ય ભૂમિકા બી.આર.પંથલૂ અને એમ. વી. રાજમ્માની જ હતી. આ ફિલ્મમાં શિવાજી ગણેશન મહેમાન ભૂમિકામાં હતા.કરણ દિવાન અને બી.સરોજાદેવી ઉપરાંત શકીલા, લલીતા પવાર, ડેવિડ, ઉલ્હાસ, જવાહર કૌલ જેવા જાણીતા કલાકારો પણ આ ફિલ્મમાં હતા. તેનું દિગ્દર્શન બી.આર.પંથલૂએ જ કર્યું હતું. વસંત દેસાઈના સંગીત નિર્દેશનવાળી આ ફિલ્મનું ઓ દિલદાર, બોલો એક બાર, ક્યા મેરા પ્યાર પસંદ હૈ તુમ્હેં (તલત, લતા) ખાસ્સું લોકપ્રિય થયું હતું. બધું મળીને કુલ નવ ગીતો આ ફિલ્મમાં હતા, જે કવિ પ્રદીપે લખ્યા હતા. 

જોઈએ હિંદી ફિલ્મ સ્કૂલ માસ્ટરનું એક દૃશ્ય.

 



૧૯૬૪માં બી.આર.પંથલૂએ જ મલયાલમમાં સ્કૂલ માસ્ટર ફિલ્મ બનાવી, જેમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા ટી.એસ.નાયરે ભજવી હતી. 
મલયાલમ 'સ્કૂલ માસ્ટર'

મલયાલમ ફિલ્મનું એક દૃશ્ય
આ ફિલ્મમાં પ્રેમ નઝીર જેવા લોકપ્રિય અભિનેતા હતા, ઉપરાંત તમિલ ફિલ્મોના શિવાજી ગણેશન, બાલાજી, એસ.જાનકી જેવાં તમિલ ફિલ્મોના કલાકારોએ પણ પહેલવહેલી વાર મલયાલમ ફિલ્મમાં કામ કરેલું.
૧૯૭૨માં તેલુગુમાં એન.ટી.રામારાવ અને અંજલિ દેવીની મુખ્ય ભૂમિકામાં ફરી એક વાર બડી પંતુલૂના નામે ફિલ્મ આવી, જેને દિગ્દર્શીત કરી હતી પી.ચંદ્રશેખર રેડ્ડીએ. આ ફિલ્મમાં શ્રીદેવીની બાળ કલાકાર તરીકેની ભૂમિકા હતી.
તેલુગુ ફિલ્મની ઝલક જોઈએ.



૧૯૭૩માં તમિલમાં આ ફિલ્મનું પુનર્નિર્માણ થયું, સ્કૂલ માસ્ટરના નામથી, જેના દિગ્દર્શક પણ પંથલૂ જ હતા. એવું ચોક્કસ કહી શકાય કે બી.આર.પંથલૂએ આ કથાવસ્તુનો ઘણો કસ કાઢ્યો અને તેમને એ ફળ્યું પણ ખરું.
મૂળ અંગ્રેજી નવલકથાના કથાવસ્તુ પર આધારિત નાટક વિસામો હરીન મહેતાએ લખ્યું, જેનું નિર્માણ કર્યું લાલુભાઈ શાહે. મુખ્ય ભૂમિકા હતી વિષ્ણુકુમાર વ્યાસ અને ચંદ્રિકા શાહની. આજે પણ આ નાટક પ્રતાપ સચદેવ અને સચિ જોશીની મુખ્ય ભૂમિકામાં ભજવાઈ રહ્યું છે, જેનું દિગ્દર્શન કર્યું છે મિલન અજમેરાએ.
જોઈએ 'વિસામો' નાટકની એક ઝલક.



'વિસામો' નાટક
 નિર્માતા કે.જી.ભટ્ટે આ નાટકના હક્ક ખરીદ્યા અને એ જ નામે વિસામો ફિલ્મ ગુજરાતીમાં બનાવવાનું નક્કી કર્યું, જેનું દિગ્દર્શન તેમણે સોંપ્યું અભિનેતા- દિગ્દર્શક કે.કે. (કૃષ્ણકાન્ત)ને. આ વાત યાદ કરતાં કે.કે. જણાવે છે, હરીનભાઈએ નાટક લખ્યું અને એ વખણાયું એટલે નિર્માતા એન.એન. સિપ્પીએ હરીનભાઈનો સંપર્ક કર્યો અને આ કથા પરથી ફિલ્મ બનાવવા માટેના હકની માંગણી કરી. પણ આ કથાના હક ગુજરાતી ફિલ્મ માટે અપાઈ ગયા હતા.
'વિસામો' ફિલ્મ
ગુજરાતી ફિલ્મ વિસામોમાં મુખ્ય ભૂમિકા કે.કે. અને ઉર્મિલા ભટ્ટની હતી. ૧૯૭૮માં આવેલી આ ફિલ્મ ખૂબ વખણાઈ. એ દાયકામાં આવેલી અનેક ગુજરાતી ફિલ્મોમાં કથાવસ્તુ અને માવજતને લઈને એ અલગ તરી આવી. તેનું રાષ્ટ્રીય પુરસ્કાર માટે પણ નામાંકન થયું. સિપ્પી આ કથાવસ્તુ સીધું જ વાપરી શકે એમ ન હતા, તેથી તેમણે કથામાં થોડા ફેરફાર કરીને ફિલ્મ બનાવી. ૧૯૭૬માં આવેલી એ હિંદી ફિલ્મ એટલે જિંદગી’, જેનું દિગ્દર્શન કરેલું રવિ ટંડને. આ ફિલ્મમાં દંપતિને (સંજીવકુમાર અને માલા સિંહા) સંતાનમાં બે પુત્રો (અનિલ ધવન અને રાકેશ ટંડન) અને એક કુંવારી દીકરી (મૌસમી ચેટરજી) બતાવવામાં આવ્યાં હતાં. આ ફિલ્મની કથાના કેન્દ્રમાં પણ માબાપને અલગ અલગ સંતાનો સાથે રહેવાનો અને સંતાનોના તેમની સાથેના દુર્વ્યવહારનો મુદ્દો જ કેન્દ્રસ્થાને હતો.
૧૯૭૬માં આ જ કથાબીજ પરથી એક ફિલ્મ આવી ઈન્સાનિયત’,
જેનું નિર્માણ એમ. અહમદ શમ્સીએ કરેલું અને દિગ્દર્શન કર્યું હતું એસ. સુલેમાને. કલાકારો હતા રાહત કાઝમી, બાબરા શરીફ, કવિ ખાન, મસૂદ અખ્તર વગેરે.. સંગીતકાર હતા નાશાદ.આ નામો અજાણ્યા લાગ્યાં?  
સ્વાભાવિક છે, કેમ કે આ ફિલ્મ બની હતી પાકિસ્તાનમાં. અને એ જબરદસ્ત હીટ થઈ હતી.માનવીય સંવેદનાઓને સરહદો ઓછી નડે છે? 


પાકિસ્તાની ફિલ્મની ઝલક પણ જોઈએ.



૧૯૮૩માં નિર્માતા દિગ્દર્શક મોહનકુમારે રાજેશ ખન્ના અને શબાના આઝમીને લઈને અવતાર બનાવી. આ ફિલ્મમાં રાજેશ ખન્નાને મિકેનીક બતાવાયા હતા.  
અહીં સંતાનોને લઈને વૃદ્ધ પતિ પત્નીના અલગ થવાની વાત કેન્દ્રમાં નહોતી.
તેને બદલે લોહીની સગાઈ ધરાવતાં સ્વાર્થી સંતાનો માવતરને કેવાં તરછોડે છે અને ઘરનો છોકરડો નોકર આ વૃદ્ધ દંપતિની સગાં માબાપની જેમ સારસંભાળ લે છે અને તેમની પડખે ઉભો રહે છે એ વાત કેન્દ્રમાં હતી. બે દીકરાઓની ભૂમિકામાં ગુલશન ગ્રોવર અને શશી પુરી હતા, જ્યારે વફાદાર સેવકની ભૂમિકા સચીનના ભાગે આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ ગઈ, એટલું જ નહીંફિલ્મફેર પુરસ્કાર માટે અનેક શ્રેણીમાં તેનું નામાંકન થયું. રાજેશ ખન્નાની એક તબક્કે ડામાડોળ થઈ ગયેલી કારકિર્દી ફરીથી ઊંચકાય એવા સંજોગો આ ફિલ્મ થકી દેખાયા.
આ ફિલ્મની એક ઝલક જોઈએ.




ત્યાર પછી ૨૦૦૧માં એક ફિલ્મ આવી ઘરાના’, જેનું નિર્દેશન કરેલું સંગીતાએ અને કલાકારો હતા મીરા, સૂદ, રેશમ, બાબર અલી વગેરે.. આ ફિલ્મ પાકિસ્તાનમાં બનેલી. જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ થઈ નહોતી.
૨૦૦૩માં બી.આર.ફિલ્મ્સ દ્વારા બાગબાન ફિલ્મનું નિર્માણ થયું, જેનું દિગ્દર્શન કરેલું રવિ ચોપરાએ. આ ફિલ્મમાં કથાને જમાના પ્રમાણે નવા અને આધુનિક વાઘા પહેરાવવામાં આવ્યા. આ વખતે વૃદ્ધ દંપતિની મુખ્ય ભૂમિકામાં અમિતાભ બચ્ચન અને હેમા માલિની જેવા મોટા સ્ટાર્સ હતા. રાજ મલ્હોત્રા (અમિતાભ બચ્ચન) આ ફિલ્મમાં બેન્ક કર્મચારી બતાવાયા હતા, જેમને ચાર દીકરાઓ હોય છે. ચાર દીકરાઓની ભૂમિકા અમન વર્મા, સમીર સોની, સાહિલ ચડ્ડા અને નાસીર ખાને કરેલી. એક અનાથ બાળકને મલ્હોત્રા દંપતિ હૂંફ આપીને ઉછેરે છે. મોટા થયેલા આ બાળકની ભૂમિકા સલમાન ખાને કરી હતી, જેમને ત્યાં છેલ્લે આ દંપતિ આશરો પામે છે. આ ફિલ્મની માવજત અને અમિતાભ તેમજ હેમા માલિનીના અભિનયે ફિલ્મને હિટ બનાવી દીધી. કથાવસ્તુ તો જાનદાર હતું જ. 
જોઈએ આ ફિલ્મની એક ઝલક.





ઈન્ટરનેટ પર પાકિસ્તાનની ફિલ્મોની ઘણી સાઈટ્સ પર એવું વાંચવા મળે છે કે બાગબાન ફિલ્મ અસલમાં પાકિસ્તાની ફિલ્મ ઈન્સાનિયતની નકલ હતી. પણ અહીં ખ્યાલ આવે છે કે બધી કથાઓનું કુળ અને મૂળ એક જ છે.
આ એવી ફિલ્મોની વાત છે કે જેના પાયામાં એક જ કથાવસ્તુ રહેલું છે. આમાંના કોઈક કથાતત્ત્વનો અંશ લઈને બની હોય એવી તો ઘણી ફિલ્મો હશે.
૧૯૯૦માં આવેલી રાજેશ ખન્નાની મુખ્ય ભૂમિકાવાળી ડેવિડ ધવન દિગ્દર્શીત ફિલ્મ સ્વર્ગમાં પણ આ કથાનો અર્ક લઈને જુદી પૃષ્ઠભૂમિમાં રજૂ કરાયો હતો. સગા ભાઈઓ પોતાના મોટા ભાઈ (સાહબજીની ભૂમિકામાં રાજેશ ખન્ના)ને તેમની વિપરીત સ્થિતિમાં તરછોડે છે, ત્યારે ઘરનો નોકર (ગોવિંદા) તેમની સંભાળ લે છે, એમ દેખાડાયું હતું.
એક વાત આ તમામ ફિલ્મોમાં સામાન્ય છે. આ ફિલ્મ જોનાર દરેક જણ કોઈ ને કોઈ પાત્ર સાથે પોતાનું યા પોતાના કોઈક સ્વજનનું અનુસંધાન સાધે છે. આને લઈને દરેકને આ ફિલ્મ, કાલ્પનિક કથા નહીં, તદ્દન વાસ્તવિક રીતે જીવાતી હોય એમ લાગે છે. અહીં જે ફિલ્મોની ઝલક મૂકી છે એ તેની સુલભતાના ધોરણે મૂકી છે, છતાંય મૂળભૂત કથાને આધારે કોઈ પણ દૃશ્ય જોતાં જ આપણને એનું અનુસંધાન મળી જાય છે.
બાગબાન’ની પટકથામાં ધ્યાનથી જોઈએ તો ઘણાં ગાબડા નજરે પડે. પણ એવા કેટલાંય સંવેદનશીલ દૃશ્યો છે, જે જોતાં આપણે ભૂલી જઈએ કે આ ફિલ્મ છે. આંખો તદ્દન અનાયાસે, આપણી જાણબહાર ભીની થઈ જાય. વિસામો કે અવતારમાં પણ આવું જ થાય. 
૧૯૩૭માં આવેલી મેઈક વે ફોર ટુમોરો અને ૨૦૦૩માં આવેલી બાગબાન વચ્ચે પડદા પાછળ કેટલીય રીલ ફરી ગઈ. ફિલ્મ મેકીંગથી લઈને કથનની ટેકનીક સમૂળગી બદલાઈ ગઈ. ફિલ્મ બનાવનારાઓની જેમ જ ફિલ્મ જોનારાઓની પણ કેટલીય પેઢીઓ આ દરમ્યાન આવી ગઈ. અને એમ થાય જ ને! આ ગાળો કંઈ દસ-વીસ વરસનો નહીં, પૂરા છાસઠ વરસનો છે. અને છતાંય આ કથા દરેક સમયે, દરેક સ્થળે સહુને પોતાની લાગે છે. હજી આગામી વરસોમાં પણ આ કથાનાં નવાં સંસ્કરણ આવતાં રહેવાનાં અને સૌનાં હૈયાંને સ્પર્શતા રહેવાનાં. બાગબાન આ શ્રેણીની છેલ્લામાં છેલ્લી ફિલ્મ ભલે હોય,પણ છેલ્લી ફિલ્મ નહીં હોય એ નક્કી.

 સો વાતની એક વાત. પૂર્વ હોય કે પશ્ચિમ, હિંદુસ્તાન હોય કે પાકિસ્તાન, અમદાવાદ હોય કે હૈદરાબાદ, મૂળભૂત માનવીય સંવેદનાઓ બધેય એક સરખી જ હોય છે, તેનો પરિપ્રેક્ષ્ય ભલે જુદો હોય. આવનારા સમયમાં આ કથાવસ્તુ વધુ ને વધુ પ્રસ્તુત બનતું રહેવાનું. 
હવે જરા સરવાળો માંડી લઈએ. 
(૧) મેઇક વે ફોર ટુમોરો (૧૯૩૭/અંગ્રેજી) 
(૨) ઉન પાઉસ (૧૯૫૪/ મરાઠી) 
(૩) સ્કૂલ માસ્ટર (૧૯૫૮/કન્નડ) 
(૪) એંગલ કુડુમ્બમ પેરીસુ (૧૯૫૮/ તમિળ) 
(૫)  બડી પંતુલૂ (૧૯૫૮/ તેલુગુ) 
(૬) સ્કૂલ માસ્ટર (૧૯૫૯/ હિન્દી) 
(૭) સ્કૂલ માસ્ટર (૧૯૬૪/ મલયાલમ)
(૮) બડી પંતુલૂ (૧૯૭૨/ તેલુગુ) 
(૯) સ્કૂલ માસ્તર (૧૯૭૩/ તમિલ રીમેક) 
(૧૦) જિંદગી (૧૯૭૬/ હિન્દી) 
(૧૧) વિસામો (૧૯૭૮ / ગુજરાતી) 
(૧૨) ઇન્સાનિયત (૧૯૭૬/ ઉર્દૂ/ પાકિસ્તાની) 
(૧૩) અવતાર (૧૯૮૩/ હીન્દી) 
(૧૪) ઘરાના (૨૦૦૧/ઉર્દૂ/ પાકિસ્તાની)
(૧૫) બાગબાન (૨૦૦૩/ હીન્દી) 
આના મૂળ કથાવસ્તુ પરથી અંગ્રેજી નાટક બનેલું, એ ઉપરાંત ગુજરાતી નાટક 'વિસામો' બન્યું છે. 
આ ઉપરાંત 'સ્વર્ગ' જેવી ઘણી ફિલ્મો હશે, જેમાં મૂળ કથામાં થોડો ફેરફાર કરાયો હોય.  


(નોંધ: અહીં મૂકાયેલી તમામ તસવીરો તેમજ વિડીયો ક્લીપ્સ ઈન્ટરનેટ પરથી લીધી છે. આ વિષય પર લખવાનો પહેલવહેલો ખ્યાલ કે.કે. સાહેબ સાથે આ વિષયે વાત નીકળતાં આવેલો. તેમણે 'વિસામો'  ઉપરાંત અંગ્રેજી તેમજ મરાઠી અને હિંદી ફિલ્મો  વિષે વાત કરી હતી. એનું પગેરું અનેક ફિલ્મો સુધી દોરી ગયું. મળેલી માહિતીને અનુરૂપ દ્રશ્ય સામગ્રી નેટ પરથી મળતી ગઈ. કે.કે.સાહેબનો તેમજ પૂરક માહિતી બદલ હરીશ રઘુવંશીનો આભાર.
વિશેષ આભાર: બે મિત્રો પી. કે.શિવકુમાર, જેમણે ફિલ્મના સાચા તમિલ અને તેલુગુ ઉચ્ચાર અને અર્થ જણાવ્યા, તેમજ પ્રો. સંજય ભાવેનો, જેમણે મરાઠી નામના અર્થ જણાવ્યા.)

3 comments:

  1. bhai biren .
    visamo, avtaar na mool par prakash aapva mate jetla dhanyawad aapu tetla
    ochha chhe. kharekhar ABHYAS POORAN- SACHITRA lekh . maza avi.
    aanand thayo.

    ReplyDelete
  2. Awfull! You have painfully collected information on 'Bagban'

    ReplyDelete
  3. એક અદભુત વાતની પીરસણી એવી સ્વાદિષ્ટ રીતે થઇ છે કે કોઇ મિજલસની લિજ્જત આવી ગઇ, ક્યાંથી સૂઝે છે આવા પતાસાંના હારડા બનાવવાનું ?
    મારું સૂચન કે આવા લેખોનું એક બોલતું ઇ પુસ્તક બનાવો. જેને છાપેલા પુસ્તકની માફક પાનાં ફેરવતાં ફેરવતાં વાંચી શકાય.
    અભિનંદન

    ReplyDelete