Sunday, June 17, 2012

ફળની આશાએ કર્મ કરવાનો આનંદ-કેતન રૂપેરા

[ગાંધીવિચાર, શિક્ષણ, ખાદી અને ગ્રામોદ્યોગ, કૃષિ, પશુપાલન, પર્યાવરણ... જેવાં રચનાત્મક ક્ષેત્રોના લેખન-સંપાદનમાં વિશેષ રસ અને સૂઝ ધરાવતા મિત્ર કેતન રૂપેરા દિવ્યભાસ્કર’, અભિયાન જેવા મુખ્ય ધારાનાં પ્રકાશનોમાં ડેસ્ક અને રીપોર્ટીંગની કામગીરી પછી છેલ્લા બે વર્ષથી ફ્રી લાન્સ જર્નલિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. હાથ પર લીધેલા કોઈ પણ વિષયમાં સંશોધનાત્મક દૃષ્ટિએ કાર્ય કરવું એ તેમનો સ્વભાવ છે.
    ૨૦૧૨ના મે મહિનામાં તેમણે સંપાદિત કરેલું સહુ પ્રથમ પુસ્તક ગાંધી સાહિત્યના સારથિ  :  જિતેન્દ્ર દેસાઈ પ્રકાશિત થયું, જે નવજીવનના સદગત જિતેન્દ્રભાઈ દેસાઈનો સ્મૃતિગ્રંથ છે. જિતેન્દ્રભાઈ જેવું બહુમુખી વ્યક્તિત્ત્વ ધરાવતી અને કર્મઠ જીવન જીવી ગયેલી વ્યક્તિ વિષે લખાયેલા સ્મૃતિલેખોનું સંપાદન કરતી વેળાએ પોતાને થયેલી અનુભૂતિ અંગે કેતને લખેલી આ કેફિયત ખરેખર તો પુસ્તકના સંપાદકીય લેખની ગરજ સારે છે.]

સન્ની થોમસ, કાર્લાઇલ, માખનલાલ ચતુર્વેદી, સી. ઈ. મોન્ટેગ્યૂ, રામચંદ્ર તિવારી, ડો. રામગોપાલ મિશ્ર....  ના, ના. ગભરાવાની જરૂર નથી. આમાંના કોઈના વિશે ટૂંકનોંધ નથી લખવાની કે નથી બે મિનિટ બોલવાનું. આ અને આવા ઘણાં મોટા નામો હતાં, જેમના મતે સંપાદન એટલે શું?’ અને સંપાદકમાં હોવી જોઈતી સજ્જતાઅમે પત્રકારત્વના અભ્યાસ દરમિયાન ભણ્યા અને પરીક્ષામાં સારા માર્કસ લેવા એલ.બી.એચ. પણ કરી નાખ્યું. પણ મઝા એ હતી કે આ થિયરીઓ શબ્દશ: યાદ હતી ત્યારે પરીક્ષામાં પૂછાયેલા કોઈ ફકરાનું પૂરેપૂરા માર્કસ મેળવવા પૂરતુંય સંપાદન કરી નાખ્યું હોવાનું યાદ આવતું નથી. અને એ પણ સમજાયું કે ખરેખર સંપાદન કરવા બેસીએ ત્યારે આવું યાદ રાખેલું કંઈ જ કામમાં આવતું નથી.

ગયે વરસે પહેલવહેલી વાર ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ જેવું પુસ્તક સંપાદન કરવાનો મોકો મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે સંપાદન એટલે શું?’ તેની અક્ષરશ: અને સૈદ્ધાંતિક સમજણ સિવાય પણ સંપાદનમાં એવું ઘણું બધું હોય છે જે સંપાદકને પોતાને પણ એ પ્રક્રિયામાં દાખલ થયા પછી જ અનુભવાય છે. એ માટે ચોક્કસ દૃષ્ટિ કેળવાય છે, જેનો લાભ એ પુસ્તકને પણ પ્રાપ્ત થાય છે.


આ પુસ્તકનું સંપાદન
મને સોંપવાની વાત કરવામાં આવી ત્યારે સૌથી પહેલું એ સૂઝ્યું કે આ કામમાં ઓછું-વત્તું ગમે તેટલું સંકળાવાનું રહે, જિતેન્દ્રભાઈનાં શક્ય એટલાં પુસ્તકો પહેલાં વાંચી જવા. એમના બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વને, મને સંતોષ થાય એટલું ઓળખી ન લઉં, એમની લેખન-સંપાદનની કામગીરીની સમજ મારામાં શક્ય એટલી ઉતારી ન લઉં અને એમના જીવન અને કાર્યને લગતી શક્ય એટલી માહિતીથી વાકેફ ન થઈ જાઉં, ત્યાં સુધી મારે એક પણ લેખ એડિટ કરવા માટે હાથ પર ન લેવો જોઈએ. જેના કારણે પહેલી બેઠકમાં મને તેમના વિશેના કેટલાક લેખો-શ્રદ્ધાંજલીઓ  આપવામાં આવ્યા તે પહેલાં વાચનયાત્રા આરંભાઈ ચૂકી હતી.
શરૂઆત થઈ રવિયા દૂબળાના રખેવાળથી. રચનાત્મક રાજકારણી કહી શકાય એવા પિતા ઠાકોરભાઈ દેસાઈ સાથેના એમના જાહેરજીવનના સંસ્મરણોના આ પુસ્તકે ઠાકોરભાઈના જીવનના પરિચયની સાથે જિતેન્દ્રભાઈનું જીવનઘડતર પણ કેવી રીતે થયું, એનો અંદાજ આપ્યો. મા, બહેન અને પત્ની પુસ્તકે, અંગત જીવનની કઠણાઈઓ વચ્ચે પણ જિતેન્દ્રભાઈ પોતાને અને નવજીવનને કેવી રીતે ઊંચાઈ પર લઈ જતા ગયા, તેનો અણસાર આપ્યો. વિદેશ વસવાટનાં સંભારણાએ યુવાન, સરળ, મહેનતુ, ગંભીર, ધૈર્યવાન, હાજરજવાબી, નવું શીખવા અને સ્વીકારવામાં અચકાય નહિ ને કોઈના પણ આત્મીય થઈ શકે તેવા જિતેન્દ્રભાઈ અને એમની પ્રવાહી કલમનો પરિચય કરાવ્યો. ટોલ્સટોયની 23 વાર્તાઓ પહેલાં પણ વાંચેલી હતી, છતાં આ નિમિત્તે નવી દૃષ્ટિએ તેનાં પાનાં ફેરવ્યાં. દીવો કરતાં પહેલાં દ્વારા ફરીથી જિતેન્દ્રભાઈની લાક્ષણિક હયુમર અને સૂક્ષ્મ અવલોકન દૃષ્ટિનો પરિચય થયો. આટલા વાચન પછી જ એવો વિષયપ્રવેશ કરી શક્યો કે તેમના વિશે લખાયેલા કોઈ પણ લેખનું એડિટિંગ કરવામાં મુંઝવણ રહે નહિ.
સ્મૃતિગ્રંથના સંપાદનમાં પુનરોક્તિ તેમજ અતિશયોક્તિના દોષ સિવાય પણ અનેક ભયસ્થાનો રહેલાં છે. સંપાદકની ભૂમિકા એટલી સૂક્ષ્મ અને છતાં પ્રભાવક હોવી જોઈએ કે એની હાજરી દેખાય નહીં, પણ વરતાય સતત. અન્ય વાચકને એમ જ લાગવું જોઈએ કે આમાં સંપાદન જેવું છે શું? વાંચનારને એમ જ લાગવું  જોઈએ કે પત્રો યા લેખોને એમના એમ મૂકી દીધા છે! એ હદની સાહજિકતા આવવી જોઈએ. એક બાબત મનમાં સ્પષ્ટ હતી કે કોઈ પણ લેખકનો જિતેન્દ્રભાઈ વિશે લેખ આવે અને એમાં મને કંઈ પણ કાપકૂપ કે સુધારો કરવા જણાય તો તે એ રીતે કરવો કે જે તે લખનારની શૈલી બરકરાર રહે, અગાઉ જણાવેલા બંને દોષ નાબૂદ થઈ શકે અને સમગ્ર પુસ્તકનો આત્મા જળવાઈ રહે. એમ થઈ શક્યું હોય એમ વાંચનારને લાગે એટલે બસ.  

પુસ્તકોના વાચન દરમિયાન જિતેન્દ્રભાઈના વ્યક્તિત્વની જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ દરરોજ સવારે, અને ખરા અર્થમાં તો પરોઢિયે 4:00 વાગ્યે ઉઠવાની. આવેલા ઘણા લેખમાં એ વાતનું હંમેશાં અચરજ થયેલું જાણ્યું છે કે, એક માણસ આટલી બધી સંસ્થાઓ સાથે જોડાઈને આટલા બધા કામ કેવી રીતે કરી શકે? એનો જવાબ (અમદાવાદમાં કૂકડો કે મિલનું ભૂંગળું તો હવે સંભળાતા નથી પણ) કોઈનાય ઘરનું એલાર્મ પણ વાગે એ પહેલાં ઉઠીને કામે વળગી જવાની ટેવમાં રહેલું છે. આ પ્રોજેક્ટ પૂરતું આ બાબતને મેં સાંગોપાંગ અનુસરવા પ્રયત્ન કર્યો. સ્કૂલ-કોલેજ વખતે હું સવારે ચાર વાગે જાગીને વાંચવાની ટેવ ધરાવતો હતો. પણ પત્રકારત્વમાં રાતના રાજા બન્યા પછી એમાં ખાસ્સી અનિયમિતતા આવી ગયેલી. એને ફરી પાછી કેળવતાં મહેનત ખાસ્સી કરવી પડી. સવારે વહેલા ઉઠવા માટે રાત્રે વહેલા સૂઈ જતો, પણ વહેલા ઉઠવાની ટેવ જતી રહેલી. એને લઈને વહેલા ઉઠવાનો મેળ ન પડે. એક તબક્કે તો આ કવાયતમાં મારી ઉંઘના કલાકો પણ વધી ગયા. છતાં આખરે એમાં સફળતા મળી ખરી. જોકે, તોય ચાર વાગે જાગવાનું તો ન જ બન્યું. પણ સાડા ચાર વાગ્યે ઉઠીને કામે લાગી જવાતું એનો આનંદ અનેરો હતો. અલબત્ત, પરોઢના શાંત અને શીતળ વાતાવરણમાં કામ કરવાથી જ કામની ગુણવત્તા વધે છે, એમ કહેવું વધારે પડતું છે. એમ જ હોત તો બધા જ દૂધવાળા અને છાપાના ફેરિયાઓ એમનાં ક્ષેત્રમાં ટોચે બીરાજતા હોત, પણ એવું બનતું નથી.

મુખ્ય પ્રવાહના પત્રકારત્વમાં રહીને વારંવાર અનુભવ્યું છે કે સજ્જ માણસ હોય અને ડેડલાઇન નજીક હોય તો કોઈ પણ સમયે અને ગમે એટલા કલબલાટ કે કકળાટ વચ્ચેય ધોરણસરથી માંડીને ઉત્તમ કામ મળી રહે છે. આમ છતાં વહેલા ઉઠીને કામ કરવાના આ આગ્રહ પાછળનો મુખ્ય આશય હતો જે વિષય પર કામ કરીએ તેને શક્ય એટલું આત્મસાત કરવાના પ્રયત્નોનો આનંદ. એમ.ફિલ.ના શોધનિબંધ પત્રકાર ગાંધીના લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષણ વિચાર (હરિજનબંધુ, 1933-48ના વિશેષ સંદર્ભે)માં એ અનુભવેલો છે. અને અભિયાનમાં કામ કરવાના ગાળા દરમિયાન જે અઠવાડિયે જે સ્ટોરી કરવાની હોય તે સ્ટોરીમાં જ જીવવાની મજા માણી છે. તેમાં કેટલા ટકા સફળતા મળે છે, એ વાત તો પછીની હોય છે પણ આ આનંદ જ આપણને એ કામમાં એટલા ઓતપ્રોત કરી મુકે છે કે તેના કારણે, નબળું કામ થઈ જ ન શકે અને સબળું કામ એટલી સહજતાથી થઈ જાય કે આપણા માટે કામ, કામ નહિ પણ શ્વાસ લેવા જેવી સ્વયંભૂ ચાલતી પ્રક્રિયા બની જાય.

ગાંધીમાં બેન કિંગ્સલે કે લગાનમાં આમીર ખાન કે દેવદાસમાં દિલીપ કુમારને પોતાના પાત્રમાં ઓગળી જવાની વાતો વાંચીએ-સાંભળીએ ત્યારે મજા તો પડતી જ હોય છે અને આપણે પણ કામ કરવું તો આ રીતે જ, એવું મન થઈ જાય. અને એવું કામ કરવા લાગીએ ત્યારે એ કોઈના વિશેનું કે કોઈના માટેનું નહિ, આપણું પોતાનું અને આપણા માટેનું બની જાય છે. ભલે સ્થૂળ તો સ્થૂળ, પણ આય એક રીતે છે કામની. 

આ બધાથી શો ફરક પડ્યો કામમાં? એ તો વાંચનાર એને વાંચીને મૂલવશે. પણ મારા થોડા અનુભવો જણાવું. 
એક લેખ પ્રમાણમાં પૂરતો લાંબો હોવા છતાં વાંચીને થયું કે હજી આમાં કંઈક ખૂટે છે. જિતેન્દ્રભાઈ સાથેની ભાઈબંધીની વાત અને શરૂઆતના લખાણનો હિસ્સો એટલા મજબૂત હતા કે પછી તેને જે રીતે આટોપી લેવામાં આવ્યો, તેનો આગળનાં લખાણ સાથે મેળ બેસતો નહોતો. એ લેખકનો સંબંધ આટલો ઘનિષ્ટ હોય તો વાત આમ પૂરી ન થઈ જાય, એમ મને લાગ્યું. લેખકને ફોન કર્યો. સમય લઈને મળવા ગયો. માંડીને વાત કરી ત્યારે ધારણા સાચી ઠરી. હકીકતે એ લેખ અન્ય કોઈ સામયિકમાં છપાયેલો અને એ માટે લખાયેલો હતો. અને અહીં મોકલાઈ ગયેલો. લેખકે પોતાનો મૂળ લેખ આ પુસ્તક માટે આપ્યો. એ વાંચ્યો, અને પછી થયું, હવે વાત કંઈક જામે છે.

અમુક લેખ એવા હતા જેમાં માત્ર ધ્યાનપૂર્વક વાંચીને, મામૂલી ફેરફાર સાથે સીધા જ કમ્પોઝમાં આપી દેવાના રહે. તો કેટલાક લેખ એવાય હતા જેમાં એક્સક્લુઝિવ માહિતી કે લાગણીસભર સંસ્મરણો વાંચીને આપણનેય એ જાણ્યાનો આનંદ થાય. આમ છતાં એ બધું પોતપોતાની રીતે છૂટુંછવાયું રમ્યે જતું હોય. એને એકસૂત્રે પરોવી શકાશે કે કેમ એ પ્રશ્ન થાય. ક્યારેક એ કામ જફાવાળું લાગવાના કારણે પાછું ઠેલવાનું પણ મન થઈ આવે. પણ આખરે ડેડલાઇન ઇઝ ગોડ. આ ગોડનું સ્મરણ કરતાં જ બધી મૂંઝવણ ટળી જાય અને કામ પૂરું થતાં વાર ન લાગે. અને છેલ્લે વાંચ્યા પછી મનમાં થાય પણ ખરું, સાલું, એડિટિંગ તો સારું થયું.એડિટ થયેલા મૂળ લેખમાં જયાં ત્યાંથી નીકળી આવેલા તીર અને કુંડાળા જોઈને યુદ્ધમાં વેરાયેલા વિનાશનું ચિત્ર ખડું થાય! (જો કે, એ હોય તો ધર્મયુદ્ધ જ. કે પછી 'કર્મયુદ્ધ'.) અને તેમાં લખેલું લખાણ જોઈને એવું પણ થાય કે ઓહો, આ મેં જ કર્યું છે?’ ક્યારેક અફસોસ પણ  થાય કે આ લેખમાં મોડું નહોતું કરવા જેવું. એને લઈને પહેલાં જ બેસી ગયો હોત તો? પણ પછી સમજાય કે એમ તરત જ નથી બેસી શકાતું. જાતે જ પીઠ થાબડીને કહી દીધેલું સારું કામ કરવા માટે જે માનસિક સ્થિતિ જોઈએ, એ મગજમાં સતત ચાલતી રહેતી કામ માટેની મથામણમાંથી જ ઉદભવતી હોય છે. મગજ પર એનું ઝીણું-ઝીણું દબાણ રહ્યા કરતું હોય છે.  ‘ના કેમ થાય? કરી તો નાખીશ જ...એવા આદેશો પણ દિમાગ દ્વારા વખતોવખત છૂટતા રહે છે. અને પછી એવો સમય આવી જાય છે, જ્યારે જ્ઞાનતંતુઓની પૂરી સેના મચી પડે છે અને જંગ જીતી જાય છે.


સદગત જિતેન્દ્રભાઈ દેસાઈ પોતાના કાર્યસ્થળે
(તસવીર સૌજન્ય: વિવેક દેસાઈ) 
કેટલાક કિસ્સામાં કોઈ વ્યક્તિને લેખ લખવા માટે સમયની અનુકૂળતા કે લખવાની ફાવટ ન હોય તો તેની મુલાકાત લેવી, ને પછી તેને આધારે લેખ લખીને વંચાવી દેવો, એવું નક્કી થયેલું. એ રીતે ત્રણેક વ્યક્તિઓ સાથે મુલાકાતો થઈ. એમાંની એક મુલાકાત હતી ચંદ્રસિંહ દરબારની. પૂરા એકવીસ વર્ષ લગી દરબારે જિતેન્દ્રભાઈના સારથિ તરીકેની ભૂમિકા બખૂબી ભજવેલી. તેમનો ઇન્ટરવ્યૂ તો લઈ લીધેલો. પણ એ પછી તેનું લેખમાં અવતરણ કરતાં પૂરા અગિયાર મહિના થયા. કેટલો લાંબો ગાળો! ઈન્ટરવ્યૂ લીધા પછી તેને લખતાં પહેલાં સતત ભીતિ રહે કે બાપ-દીકરા સમાન એ સંબંધની ઘનિષ્ટતા અને તેમાં ચંદ્રસિંહની અભિવ્યક્તિની સહજતાને હું યથાતથ ઉતારી શકીશ કે કેમ? વિલંબનું મુખ્ય કારણ પણ આ જ. પણ આ ગાળા દરમિયાન સતત જિતેન્દ્રભાઈ અને ચંદ્રસિંહના સંબંધની વેવલેન્થને અનુભવતો રહ્યો. હવે તો લખી જ કાઢવું છે, બેસીશ એટલે સારું જ લખાશે.’ એવા વિશ્વાસ સાથે ફરી એક વાર ચંદ્રસિંહને મળીને વાતો કરી આવ્યો. પણ લખવાનું મુહૂર્ત હજુ એનાય એક મહિના પછી આવવાનું હતું તેનો કંઈ થોડો ખ્યાલ હોય. છેવટે પેલા ગોડ પ્રગટ થયા. તેમની ઝાંખી થયા પછી અગિયાર મહિનાથી ઠેલાતું ગયેલું કામ ફક્ત ત્રણ જ કલાકમાં પૂરું થઈ ગયું. લખાયા પછી એમ પણ લાગ્યું કે ઓહો, આ તો ઈન્ટરવ્યૂના બીજા જ દિવસે લખવા બેસી ગયો હોત તો પણ લખાઈ ગયું હોત. પણ પછી લાગ્યું કે ચંદ્રસિંહની લાગણીનું ઊંડાણ અને તળપદી વાણીનો જે ફોર્સ હતો, એ કદાચ આટલો શબ્દશઃ પુસ્તકમાં સમાવી ન શક્યો હોત. એમ નથી કે વિલંબ કરવાથી સારું લખાયું, પણ વિલંબના એ ગાળાનો લાભ એ સંબંધના ઊંડાણની અનૂભુતિરૂપે થયો અને તેનો લાભ લેખન-સંપાદનને મળ્યો એટલું ચોક્કસ. 
એવું જ કંઈક અંશે ઈલા ર. ભટ્ટના લેખમાં પણ બન્યું. તેમનો ઇન્ટરવ્યૂ લઈ લીધા પછી લખવા બેઠો તો અસ્સલ ઈલાબહેનની છટામાં જ લેખ લખાઈ ગયો એમ કહી શકાય. જો કે, પૂરા એક મહિના સુધી મોટે ભાગે દરરોજ તેમની સાથે થયેલા સંવાદને મનમાં વારંવાર સ્મરતા રહ્યા હોવાને કારણે આમ થઈ શક્યું એમ મને લાગે છે.  

પારિવારીક લેખોએ એક અલગ જ જિતેન્દ્રભાઈનો પરિચય કરાવ્યો હતો. તેમાં સૌથી મોટો પડકાર બની રહ્યો જિતેન્દ્રભાઈના દૂરના પિતરાઈ ભાઈ ડો. રમણ દેસાઈનો લેખ. ચાલીસેક ફૂલસ્કેપ પાનાંની લંબાઈ, છતાં વાંચવાનું શરૂ કરીએ તો પૂરું થયે જ અટકીએ એટલું રસપ્રદ અને સબળ લખાણ. જિતેન્દ્રભાઈનું જીવનચરિત્ર લખવાનું હોય (એ પણ કરવા જેવું કામ છે.) તો અચ્છીખાસી પારિવારીક પૃષ્ઠભૂ તૈયાર મળી રહે એટલી માહિતી. પણ આ લખાણને પુસ્તકના એક પ્રકરણ તરીકે જ જોવાનું હોય ત્યારે ટૂંકાવવું તો પડે જ. વારંવાર વાંચતા-વાંચતા એક સરસ વાત એમાંથી પકડાઈ, જે આખા લખાણના હાર્દ સમી હતી. એ વાત હતી બંને પરિવારના સભ્યોના ચાર પેઢીથી ચાલ્યા આવેલા સંબંધમાં સામ્યતા અને પૂરકતાની. લેખના કેન્દ્રમાં આ જ વાત રાખીને તેનું સંપાદન કરતાં હાથ જરાય કંપ્યો નહિ, જે સામાન્ય સંજોગોમાં મુશ્કેલ બનત.

આ બધું હોવા કે કરવા માત્રથી કામ પૂરું થઈ જતું નથી. આખા લખાણનો આશય પણ મેં કર્યું’ કે 'અપની અદા પે મૈં હૂં ફિદા' પ્રકારનો નથી. પણ મને થયેલી અનુભૂતિ સૌની સાથે વહેંચવાનો છે. સબળ ટીમવર્ક વિના કામ પૂરું થઈ શકતું નથી - શરૂઆતથી લઈને છેક અંત સુધી. પુસ્તકમાં પરામર્શનની ભૂમિકા નિભાવનાર અને એક સમયના અમારા ગ્રામીણ પત્રકારત્વ વિષયના શિક્ષક મણિલાલ એમ. પટેલે કામમાં માત્ર વિશ્વાસ જ નહિ, છૂટો દોર પણ મુકેલો. સવા વર્ષ પહેલાં જેને જિતેન્દ્રભાઈ દેસાઈના ફોટોગ્રાફર પુત્ર વિવેક દેસાઈ તરીકે ઓળખતો હતો તેની સાથે ફેસબુક પર મિત્રતાની વર્ચ્યુઅલ અને ઓફિશિયલ વિધિ તો બહુ મોડી થઈ. પણ કામ આગળ વધતું ગયું તેમ તેમ પુસ્તકસંબંધી વાતચીત પૂરી ગંભીરતા સાથે, છતાં અનૌપચારિકપણે જ થતી રહી. કોઈ કર્મચારીને કે નીમેલા સંપાદકને નહિ, પણ એક મિત્રને કામ સોંપ્યું હોય એ રીતે જ અમારી વાતચીત અને વહેવાર રહ્યાં. આ દરમ્યાન પુસ્તક સિવાયની વાતચીતના રસના વિષયો પણ ખુલતા ગયા. નવજીવનમાં કોપીરાઇટ વિભાગની કામગીરી સંભાળતા ટ્રસ્ટી કપિલ રાવલ મૂળે સંકલનના કામ માટે સંકળાયેલા. પુસ્તકસંબંધી જરૂરી એવી બાબતોની હકીકતલક્ષી તેમજ ટેકનિકલ ખરાઈ કરવામાં તેમજ આમ કરવું કે તેમ કરવુંમાં અનેક વાર ઉપયોગી થઈ પડતો તેમનો મત કોઈ કાબેલ સંપાદકથી ઓછો નહોતો. પ્રૂફરીડર દીપકભાઈની નિસબત પણ કેવી! એમણે એક તબક્કે કહેલું વાક્ય હજુયે સાંભરે છે, તમે હવે કોઈ એક તારીખ નક્કી કરી નાખો કે એ પછી કોઈનો લેખ નહિ લેવાનો. નહિ તો શરૂઆતના લેખોમાં જે અલ્પવિરામ કે અવતરણ ચિહ્નની પણ ચીવટ રાખી છે એ હવેના લેખોમાં નહિ રહે, અને તેના કારણે આખા પુસ્તકને અસર પહોંચે, એ આપણને ગમે નહિ. મયુરભાઈ અને તેમની કમ્પોઝિટર ટીમને નવા લેખો આપીએ ત્યારે અગાઉ આપેલા લેખો કમ્પોઝ અને બે વખત પ્રૂફ થઈને તૈયાર કરેલા જ હોય. નિર્માણ સાથે સંકળાયેલા સૌના આવા ઉત્સાહને લઈને કામ કરવાની મઝા આવતી. અને સૌની આટલી જહેમત પછી અપૂર્વ આશરના બેજોડ ડિઝાઇનિંગે પુસ્તકને જે સુંદરતા બક્ષી એ અપૂર્વ જ છે. એ હદે કે પુસ્તક છપાઈને હાથમાં આવ્યું ત્યારે એને જોતાં અનાયાસે જ બોલાઈ ગયું, ભૂલથી કદાચ એકાદ જોડણીની ભૂલ રહી પણ ગઈ હશે તોય એ નજરે ન ચઢે એવું સરસ ડિઝાઇનિંગ છે. તેમના પિતાજી શિવજી આશરે પણ છેલ્લાં પ્રૂફ વાંચીને કેટલાક મહત્વના સુધારા સૂચવ્યા હતા. 
બીરેન કોઠારી સત્તાવાર રીતે આ પ્રોજેક્ટમાં ક્યાંય હતા નહિ. પણ કામ શરૂ કર્યું ત્યારથી લઈને છેક પુસ્તક તૈયાર થયું ત્યાં સુધીના વિવિધ તબક્કે તેમની સાથે સતત થતી રહેલી લાંબી ચર્ચાઓને કારણે આ પુસ્તકના સંપાદનમાં તેમની પણ પરોક્ષ ભૂમિકા છે એમ કહી શકાય. જો કે, તેમણે સૂચવેલી કેટલીક બાબતોને જ અનુસરી શકાઈ છે. પણ એવા કશા આગ્રહ-દુરાગ્રહ ઉભય પક્ષે ક્યાંય નહોતા. 
આટલી કેફિયત પછી, પત્રકારત્વમાં મારા માટે વર્ગખંડ બહારના પણ શિક્ષક બની રહેનારા જિતેન્દ્રભાઈને ફરીથી યાદ કરવા જ પડે. તેમની સાથે અનેક વાર બેસીને ઘણી જિજ્ઞાસા સંતોષી હોવા છતાં તેમનાં દ્વારા લખાયેલા પુસ્તકો વાંચ્યા હતા ગણીને માત્ર ચાર. આ કામ શરૂ કરતાં પહેલાં જયારે તેમને વાંચવા શરૂ કર્યા ત્યારે વાંચતા વાંચતા ઘણી વાર અટકી પડતો. અનેક તબક્કે થતું, ‘આ પુસ્તક એમની હયાતીમાં વાંચી લીધું હોત તો?’ આ વાત એમને ચોક્કસ પૂછત. એમ થઈ શક્યું હોત તો મને ખાતરી છે કે એ પ્રશ્નોના જવાબ એકદમ જિતેન્દ્રશાઈ ઢબે મળ્યા હોત. એ રીતે વિચારતાં હજીય લાગે કે ખરેખર, એમ થઈ શક્યું હોત તો?

**** **** **** 


 આ પુસ્તકનું વિમોચન ૧ મે, ૨૦૧૨ના રોજ નવજીવન ટ્રસ્ટના કમ્પાઉન્ડમાં જ ઈલાબહેન ભટ્ટના હાથે, પ્રકાશ ન.શાહના પ્રમુખપદે આયોજીત સમારંભમાં યોજાયું હતું, જેમાં ગ્રંથ પરિચય વિદ્યુત જોશીએ કરાવ્યો હતો. 


પુસ્તકના વિમોચન  પ્રસંગની કેટલીક તસવીરો.  

(ડાબેથી): વિવેક દેસાઈ, ઈલાબહેન ભટ્ટ,
પ્રકાશ ન.શાહ, વિદ્યુત જોશી 


(ડાબેથી): અશ્વિન ચૌહાણ, કેતન રૂપેરા, કપિલ રાવલ, ઈલાબહેન ,
(તેમની પાછળ) વિવેક દેસાઈ, પ્રકાશ  ન. શાહ, વિદ્યુત જોશી.

કેતન રૂપેરા સાથે અશ્વિન ચૌહાણ.
પાછળ વક્તવ્ય  આપતા મણિલાલ પટેલ નજરે પડે છે. 

(વિમોચન પ્રસંગની તસવીરો: બિનીત મોદી) 

14 comments:

 1. ભાઈ કેતન,

  તારી ''કેફિયત'' વાંચી. ખરેખર સંપાદન અઘરું છે. પરંતુ આ આખી પ્રક્રિયામાંથી પસાર થતી વખતે જે માનસિક ઘમસાણ બોલે, એને શબ્દોમાં આ રીતે સાંગોપાંગ જ ઉતારવું પણ એટલું જ અઘરું છે એ પણ એટલું જ સાચું છે. સારું કરવાના નિર્ધાર સાથે કામ કરીએ ત્યારે સારું જ પરિણામ આવે છે, પણ એ માનસિક પ્રક્રિયા ને આટલી બખૂબી, એકદમ ચોક્કસ શબ્દોમાં, આટલી નિખાલસતાથી બધા સમજાવી શકતા નથી, એ કામ કેતન રૂપેર જ કરી શકે. ખુબ આનંદ થયો દોસ્ત અને અફસોસ પણ થયો કે એ પુસ્તકના વિમોચનમાં હાજર નહોતો રહી શક્યો. બીરેન ભાઈનો પણ અભાર કે બ્લોગ પર મૂકીને તારી કેફિયતને પુસ્તકના બે પૂંઠા વચ્ચેની મર્યાદામાં કેદના રાખતા નેટવ્યાપી બનાવી. અભાર...

  સંદીપ કાનાણી

  ReplyDelete
  Replies
  1. સંદીપભાઈ,
   ધન્યવાદ. માત્ર એક સ્પષ્ટતા કરું કે આ કેફીયત પુસ્તકમાં નથી કે પુસ્તકમાંથી લીધી નથી. કેતને ખાસ બ્લોગ માટે લખેલી છે.

   Delete
 2. કેતન, પુસ્તક વાંચવાનું હજુ બાકી છે. મારી પાસે છે. વાંચીશ ત્યારે એ વિષે લાંબી વાત કરીશ. તારા પુસ્તક સંપાદનનો આ અનુભવ વાંચવો ગમ્યો. પુસ્તક વાંચવા પ્રેરે એવો છે. હું પહેલી વાર તને વાંચી રહી છું. હવે તું લખીશ એ વાંચતી રહીશ એવું નક્કી કરી શકી છું. તારી લેખન શૈલી અને સંપાદનના અનુભવો લખવાની પ્રમાણિકતા સ્પર્શી છે. અભિનંદન.

  - મયુરિકા માયા

  ReplyDelete
 3. સંપાદન ભણ્યા છીએ અને કરીએ પણ છીએ એટલે એની મુશ્કેલીઓથી તો વાકેફ છું. પણ આખા પુસ્તકનું સંપાદન નમૂનેદાર રીતે કરીને તારી આવડત પુસ્તકના પાના પર પ્રગટ કરી છે. મેં પુસ્તક જોયું છે એટલે કહી શકાય કે તારું કામ વખાણવાલાયક જ છે. પુસ્તકના કવર પર જ સંપાદકનું નામ હોત તો વધુ મજા પડત. જોકે પુસ્તકનું કવર પાછુ મને અંગત રીતે આકર્ષક લાગતું નથી. અલબત, પુસ્તકના દેખાવ કરતા ગુણવતા વધુ મહત્વની છે જે એમાં છે!

  ReplyDelete
 4. Shilpa Bhatt-DesaiJune 18, 2012 at 6:55 PM

  Thanks Ketan for sharing your experience..what dedication!! hats off.. Thanks to Birenbhai also.
  Warmth-

  ReplyDelete
 5. ઉર્વીશ કોઠારીJune 18, 2012 at 9:18 PM

  સરસ રીતે થયું છે. પ્રક્રિયા વાંચવાની મઝા પડી. પત્રકારત્વના શિક્ષણ વગરના- અને એટલા પૂરતા- મારા જેવા 'અભણ'ને રસ પડે એવી રીતે સમજાવ્યું છે. રોજ સવારે સાડા ચાર વાગ્યે ઉઠવાની વાત સરસ રીતે આવી છે. તમારી લેખન-સંપાદન સફર વધારે વિસ્તરે-વધારે જશદાયી બને એવી શુભેચ્છા

  ReplyDelete
 6. પ્રિય મિત્ર કેતન,
  મંઝીલે પહોંચ્યાના આનંદ જેટલી જ મઝા સફર માણવાની પણ હોય છે, એ વાતને તમારી ઘટના સબળ સમર્થન આપે છે.
  ખૂબ-ખૂબ અભિનંદન!
  - ધિરેન પંચાલ

  ReplyDelete
 7. maja padi, jitendrabhai nu pustak temna j ek vidyarthi a adit karine temna shikshan ne shraddhanjali aapi chhe. . . keep it up my dear. . .
  Hemant golani

  ReplyDelete
 8. patrakartva na shikshanni tragedy a chhe k 2 varas bhanya pachhi j khabar pade k saalu aa badhu nakkamu bhanya.sampadan saras. yugal prem katha tali shakai hot to vadhu saaru. aavran par nu chhpu blur thai shakat.well, thank u ketan. saheb mara favrit GURUJI hata.

  ReplyDelete
 9. Ketan, congratulations again, not only because your first edited book got published, or first time you’re writing such blog, but also because areas of this book as linkage to where you interest lies.

  I read few of articles, and one of the things touched to me is your ability to write from different ends. In general i'm not avid reader, when I read the article of Chandrasinh, first thought came was, hey, this 'Sarthi' also writes well, might be the impact of tenure he has spend with Jitendrabhai. On other hand when I read Illaben’s article, I never thought that it was written by you until you told me, and i had not realized because I heard her in book publishing ceremony, and article's composition was mirror echo of what she spoke. Similar feeling I get when I read this blog, you've opened yourself nicely, have kept some blog slang, which i've not seen in your normal writing ever. Being versatile in any of field demands lot of efforts, and i can feel and enjoy that in your writings. Awesome!

  Do not have any words on your editing, i didn't see anything fishy in the book, not sure it's because you put lot of efforts, or you have not! Not sure if it's complement! If you feel your did lot, take it as compliment, leaving up to you!!!

  Sorry for long unedited comments!

  Chirag

  ReplyDelete
 10. Thanks Ketan.
  I read the article and felt that I knew what you are talking about as I could feel all your efforts when I was typesetting and designing the book.
  A french author Gustave Flaubert has said: "An author in his book must be like God in the universe, present everywhere and visible nowhere."
  The same goes for the editor... You have done an excellent job and deserve all the credit.

  ReplyDelete
 11. કેતન રૂપેરાJune 23, 2012 at 1:11 PM

  આપ સૌનો આભાર માનતાં અગાઉ એક આડવાત કરી દઉં, અને પછી મારી વાત પર આવું.
  જિતેન્દ્રભાઈના પુસ્તક ‘દીવો કરતાં પહેલાં’નું સૌ પ્રથમ નક્કી થયેલું ટાઇટલ ‘મને બેતાળાં આવ્યાં’ એવું હતું. સામાન્યપણે ચાલીસીમાં પ્રવેશ્યા પછી જ સૂઝે એવા વિષયો પરના લેખો અને રજુઆતને ધ્યાનમાં લેતાં બકુલ ત્રિપાઠીએ મિત્રનાતે એ સૂચવેલું. જિતેન્દ્રભાઈએ તે આવકાર્યું. પછી આ પુસ્તકના લેખો રઘુવીર ચૌધરીને આવકાર/પ્રસ્તાવના લખવા માટે આપ્યા. લેખો વાંચ્યા પછી તેમણે પુસ્તકનું ટાઇટલ ‘દીવો કરતાં પહેલાં’ એમ સૂચવ્યું. રઘુવીરભાઈનું સૂચન જિતેન્દ્રભાઈને વધારે ગમ્યું અને છેવટે તે જ ટાઈટલ ફાઇનલ કર્યું. (આ બંને ટાઈટલ મૂળે પુસ્તકના અલગ-અલગ લેખોના શીર્ષકો છે.)
  ... પણ મિત્રતાની મજા હવે શરૂ થાય છે. બકુલ ત્રિપાઠીના રમૂજ કરવાના સ્વભાવને પિછાણતા, લેખકના નિવેદનમાં જિતેન્દ્રભાઈએ લખ્યું છે, "લેખોના સંગ્રહનું નામ ‘મને બેતાળાં આવ્યાં’ એવું નક્કી કરી આપ્યું એ માટે બકુલભાઈનો આભાર માનું તો (એ) એમ કહે કે, ‘એમાં આભાર શાનો.’ અને ન માનું તો કહે, ‘યાર તમે તો મને ગપચાવી ગયા.’ ગપચાવવાનું (મારા) સ્વભાવમાં નથી એટલે તેમનો આભાર માનું છું."
  જિતેન્દ્રભાઈ અંગેના પુસ્તક-સંપાદનના આ અનુભવોના લખાણમાં મૂળે નિમિત્ત જિતેન્દ્રભાઈ છે. એટલે તમે 'એમાં આભાર શાનો?' એમ કહો અને હું એ સાચું માનીને આભાર ગપચાવી જઉં તો જિતેન્દ્રભાઈ વિષેના પુસ્તકના સંપાદન માટે ગેરલાયક ઠરું. એટલે સૌનો આભાર માનતાં એટલું જ કહું કે આપ સૌના હૂંફાળા પ્રતિભાવે મને હવેનાં કામો માટે વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ પૂરાં પાડ્યાં છે.
  પુસ્તકવિમોચનના કાર્યક્રમમાં આમંત્રણ આપવા નિમિત્તે બીરેનભાઈ સાથે થયેલી વાતચીત પછી તેમણે મને આ અનુભવો લખી મોકલવા કહ્યું. આમ બીજ રોપવાથી માંડીને તેના રીમાઇન્ડર આપવા સુધી તેમણે પીછો કર્યો ત્યારે આ લેખરૂપી ફળ આપ સુધી પહોચ્યું. પણ તેમનો આભાર માનવાને બદલે એટલું જ કહીશ કે ઈચ્છા થશે ત્યારે કૈંક મનગમતું લખીને મોકલતો રહીશ.

  ReplyDelete
 12. સંપાદન એટલે કોકના છોકરા જણવા જેવું કામ છે. તેમાં જશ મળતો નથી. સંપાદન અને એડિટિંગમાં સત્વ જાળવવું કે સૌને સાચવવા એ પણ સવાલ હોય છે. ડિરેક્ટર કરતા હીરો અને એડિટર કરતા રિપોર્ટર વધારે જાણીતા હોય છે. કદાચ તે સ્વાભાવિક પણ છે, બધાના કામનું પોતપોતાનું મહત્વ હોય છે, પણ એક બીજાના અધિકારક્ષેત્રનો આદર ઘણી વાર થતો નથી. તે થવો જોઇએ. જીવનચરિત્ર, સાચા જીવનચરિત્ર લખાતા જ નથી, તે લખાવા જોઇએ. બાકી બધા સ્મૃત્તિગ્રંથ બની રહે છે. - દિલીપ ગોહિલ

  ReplyDelete
 13. My dear Ketan,
  I have read the copy. You have got a good penmanship with lucidity. My congrats.
  I wish you would give equal weight to the idea,as much you have given to style.
  My best wishes.

  ReplyDelete