Sunday, February 27, 2022

બપ્પી લાહિડી: ઐસા ના સિતમ કરો..

સંગીતકાર બપ્પી લાહિડીનું 69 વર્ષની વયે, 15 ફેબ્રુઆરી, 2022ના રોજ અવસાન થયું. હિન્‍દી ફિલ્મોના સંગીતકારોની પ્રથમ પેઢી જો આર.સી.બોરાલ, પંકજ મલિક, અનિલ બિશ્વાસ, ખેમચંદ પ્રકાશ કે ગુલામ હૈદર વગેરેને ગણીએ, શંકર-જયકિશન, મદનમોહન, નૌશાદ, સી. રામચંદ્ર, ઓ.પી.નય્યર, હેમંતકુમાર, એસ.ડી.બર્મન વગેરે જેવા સંગીતકારોની પેઢીને દ્વિતીય ગણીએ, અને લક્ષ્મીકાન્‍ત પ્યારેલાલ, આર.ડી. બર્મન જેવા સંગીતકારોને ત્રીજી પેઢીના ગણીએ તો બપ્પી લાહિડીને ચોથી પેઢીના ગણાવી શકાય. બપ્પીના પિતાજી અપરેશ લાહિડી અને માતા બાંસુરી લાહિડી બન્ને સંગીતક્ષેત્ર સાથે સંકળાયેલાં હોવાથી તેમને સંગીત વારસામાં મળ્યું હતું એમ કહી શકાય. માત્ર ત્રણ વર્ષની ઉંમરથી તેણે તબલાવાદનનો આરંભ કરી દીધો હતો. કહેવાય છે કે નાનપણથી અમેરિકન ગાયક એલ્વિસ પ્રિસલી તેમનો આદર્શ હતો.

(બપ્પી લાહિડીની પહેલી હિન્‍દી ફિલ્મ) 

1973માં રજૂઆત પામેલી શોમુ મુખરજી દિગ્દર્શીત ફિલ્મ નન્હા શિકારી દ્વારા તેમનો ફિલ્મસંગીતક્ષેત્રે પ્રવેશ થયો ત્યારે તેમણે પોતાના મૂળ નામ આલોકેશને બદલે હુલામણું નામ બપ્પી રાખ્યું. નન્‍હા શિકારી ફિલ્મનાં કુલ ચાર ગીતો હતા, જેમાંનું શિર્ષક ગીત નન્‍હા શિકારી અલગ અલગ રીતે ચાર ભાગમાં હતું અને કિશોરકુમારે ગાયેલું હતું.  આ ઉપરાંત એક ગીત મુકેશ અને સુષમા શ્રેષ્ઠે, એક ગીત આશા ભોંસલેએ તેમજ એક ગીત આશા અને કિશોરકુમારે ગાયેલું હતું. આ ફિલ્મનું પાર્શ્વસંગીત મોહમ્મદ શફીએ તૈયાર કર્યું હતું. એ જ વર્ષે રજૂઆત પામેલી, દેખાવડા ક્રિકેટર સલીમ દુર્રાનીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી બી.આર.ઈશારા દિગ્દર્શીત ફિલ્મ ચરિત્રમાં પણ બપ્પીનું સંગીત હતું. જો કે, આ ફિલ્મમાં એકે ગીત નહોતાં. ફિલ્મમાં આવતા રામાયણના દોહા બપ્પીએ પોતે ગાયા હતા. 1974માં આવેલી બાઝાર બંદ કરોનાં ચાર ગીતો પૈકીનાં બે ગીતો આશાનાં એકલ ગીતો, એક આશા-કિશોરનું યુગલ ગીત અને એક ગીત મુકેશના સ્વરમાં હતું. આ ગીતોમાં તેમની એવી કોઈ ખાસ મુદ્રા ઉપસી નહોતી. બાઝાર બંદ કરોનું પ્યાસી નિગાહોં મેં સાવન આર.ડી.ના ગીત જેવું જણાય. તો મુકેશના દર્દભર્યા સ્વરમાં ગવાયેલું વિદાયગીત મોહે કર દે વિદા પણ ખાસ નોંધપાત્ર ન બની શક્યું. 


 1975માં રજૂઆત પામેલી ઝખ્મીનાં ગીતો ઘણા લોકપ્રિય થયા. કિશોરકુમાર અને આશાનું યુગલ ગીત જલતા હૈ જીયા મેરા’, લતા અને સુષમા શ્રેષ્ઠનું યુગલ ગીત આઓ તુમ્હેં ચાંદ પે લે જાયે’, લતા મંગેશકરે ગાયેલું અભી અભી થી દુશ્મની અને કિશોરકુમાર તેમજ સાથીઓનું આલી રે આલી રે આલી હોલી, આઈ મસ્તાનોં કી ટોલીનો ઉલ્લેખ વિશેષ રીત કરી શકાય. એ વરસે આવેલી છોટી સી બાત (સલીલ ચૌધરી), ચુપકે ચુપકે (એસ.ડી.બર્મન), ધર્માત્મા (કલ્યાણજી આણંદજી), ધરમ કરમ (આર.ડી.બર્મન), ગીત ગાતા ચલ (રવીન્‍દ્ર જૈન), જય સંતોષી મા (સી. અર્જુન), જુલી (રાજેશ રોશન), શોલે, ખેલ ખેલ મેં, ખુશ્બૂ (ત્રણે આર.ડી.બર્મન) સહિત બીજી અનેક સંગીતમય ફિલ્મો વચ્ચે પણ ઝખ્મીનાં ગીતોએ પોતાનું સ્થાન બનાવ્યું. અલબત્ત, ગીતોની લોકપ્રિયતાના માપદંડ સમા ત્યારના કાર્યક્રમ બિનાકા ગીતમાલાનાં બત્રીસ વાર્ષિક ગીતોની સૂચિમાં તેનું સ્થાન ક્યાંય નહોતું.

1976માં રજૂઆત પામેલી ચલતે ચલતેનાં ગીતો, ખાસ કરીને કિશોરકુમારે ગાયેલું ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના વિશેષ લોકપ્રિય બન્યું અને એક રીતે બપ્પી લાહિડીની ઓળખ તેનાથી ઊભી થઈ એમ કહી શકાય. આ ફિલ્મનાં આ સિવાયનાં ગીતો જાના કહાં હૈ. પ્યાર યહાં હૈ (બપ્પી, સુલક્ષણા પંડિત), દૂર દૂર તુમ રહે, પુકારતે હમ રહે (લતા), પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ (શૈલેન્‍દ્રસિંઘ, લતા) અને સપનોં કા રાજા કોઈ (શૈલેન્દ્રસિંઘ, સુલક્ષણા પંડિત) એકદમ કર્ણપ્રિય હતાં. આજે પણ એ સાંભળવાં ગમે એવાં છે. અલબત્ત, બપ્પીની આગવી મુદ્રા જેમાં ઉપસી હોય એવું ગીત ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના બની રહ્યું. તંતુવાદ્યથી ગીતના આરંભિક સંગીતનો ઉપાડ, એ પછી લયના પ્રવેશ સાથે કોરસગાન, અને કોરસગાન પૂરું થયા પછી, લય અટકે એટલે એકલગીતનો આરંભ- આ શૈલી તેમની આગવી કહી શકાય એવી અને મધુર હતી, કેમ કે, બાકીની કસર ગાયકી પૂરી કરી દેતી હતી. બપ્પીએ આગળઉપર પણ આ એક જ શૈલીને અનેક વાર પુનરાવર્તિત કરી.

કેટલાંક ઉદાહરણ:

1.    માના હો તુમ, બેહદ હસીં (યેસુદાસ/તૂટે ખિલોને/1978)

2.   પ્યાર માંગા હૈ તુમ્હીં સે (કિશોરકુમાર/કોલેજ ગર્લ/1978)

3.   હાં પહલી બાર, એક લડકી મેરા હાથ પકડકર બોલી હાં રે હાં (કિશોર/ઔર કૌન?/ 1979)

4.   તુમ્હારા પ્યાર ચાહિયે મુઝે જીને કે લિયે (બપ્પી/મનોકામના/1979)

5.   સપનોં કે શહર, હમ બનાયેંગે ઘર (કિશોરકુમાર/એહસાસ/1979)

6.   મુસ્કુરાતા હુઆ, ગુલ ખિલાતા હુઆ મેરા યાર (કિશોરકુમાર/લહૂ કે દો રંગ/1979)

7.   તેરી છોટી સી એક ભૂલને સારા ગુલશન જલા દિયા (યેસુદાસ/શિક્ષા/1980)

8.   એક બાર કહો (બપ્પી, સુલક્ષણા પંડિત/એક બાર કહો/1980)

9.   યે જિંદગી ચમન હૈ (યેસુદાસ/કિસ્મત/1980)

10.  વાદા હૈ ક્યા, ક્યા કસમ હૈ (કિશોરકુમાર/ટેક્સીચોર/1980)

1976થી 1980ના માત્ર ચાર જ વરસના ગાળામાં આવેલાં આ ગીતો મધુર અવશ્ય હતાં, પણ એ એક જ બીબાંનાં હતાં એ સંગીતના સામાન્ય જાણકારને પણ સાંભળતાંવેંત ખ્યાલ આવી જશે. આવાં બીજાંય હશે. 

મિથુન ચક્રવર્તી સાથે બપ્પી લાહિડીનું સંયોજન થયું એ સાથે બપ્પીના સંગીતમાં પરિવર્તન આવ્યું હોય એમ જણાય. એમાં ડિસ્કો તરીકે ઓળખાતા સંગીતનો પ્રવેશ થયો. એ પશ્ચિમી અને ધમાલિયું સંગીત હતું એ તો ઠીક, પણ એ ગીતો એકવિધ હતાં. ખાસ કરીને સુરક્ષા’, વારદાત’, સાહસ’, લાપરવાહ જેવી ફિલ્મોનાં ગીતો. આ ફિલ્મોનાં ઘણાં ગીતોમાં તાલ (બીટ્સ) અને પશ્ચાદ્‍સંગીતનું આવર્તન એનું એ તેમજ મર્યાદિત હતું.

ધીમે ધીમે બપ્પી લાહિડીએ ડિસ્કો સંગીતનું પ્રમાણ વધારવા માંડ્યું. ડિસ્કો ગીતમાં પણ માધુર્ય હોઈ શકે છે, પણ તેમના સંગીતમાં ઘોંઘાટ વધુ જણાતો. એ અરસામાં પ્યારા દુશ્મન (1980)નું હરિ ઓમ હરિ’, અરમાનનું રમ્બા હો હો હો (1981), દો ઉસ્તાદનું પ્યાર મેં જીના, પ્યાર મેં મરના, પ્યાર સે લેના હૈ ઉસકા નામ, રાધેશ્યામ (1982) જેવાં ઉષા ઉથુપે ગાયેલાં ગીતો જબરદસ્ત લોકપ્રિય બન્યાં. એ કદાચ સંગીતના બદલાતા જતા યુગની નિશાની હતી. 1981માં રજૂઆત પામેલી ડિસ્કો ડાન્‍સરનાં ગીતો ખૂબ લોકપ્રિય બન્યાં, અને આજે પણ બપ્પી લાહિડી એના થકી ઓળખાય છે. છતાં આ ગીતો એ જ એકવિધ બપ્પી શૈલીનાં હતાં.

મિથુન ચક્રવર્તીની ઈમેજ ડાન્‍સિંગ સ્ટાર તરીકે ઉપસાવવામાં બપ્પીના સંગીતનું મોટું પ્રદાન હતું. એ દરમિયાન અભિનેતા જિતેન્‍દ્રની કારકિર્દીની નવી ઈનિંગ્સ હિમ્મતવાલા’(1983)થી આરંભાઈ. દક્ષિણ ભારતના નિર્માતાઓની આ સામાજિક ફિલ્મોમાં બપ્પી લાહિડીનું સંગીત ચાલવા લાગ્યું. જસ્ટિસ ચૌધરી (1983), મવાલી (1983), તોહફા (1984), મક્સદ (1984), કૈદી (1984), કામયાબ (1984), હૈસિયત’(1984), હોશિયાર (1985), પાતાલભૈરવી (1985), મજાલ (1987) જેવી ફિલ્મોનાં ગીતો બહુ લોકપ્રિય બનવા લાગ્યાં. આ ગીતોમાં બપ્પી લાહિડીના સંગીતમાં હોઈ શકે એવું અને એટલું જ વૈવિધ્ય હતું. વચગાળામાં પ્રકાશ મહેરાની નમકહલાલ (1982) અને શરાબી (1984) જેવી અમિતાભ બચ્ચનની ભૂમિકાવાળી ફિલ્મોનાં ગીતો બહુ ચાલ્યાં.


વચગાળામાં પ્રવેશેલા ગોવિંદા શરૂઆતમાં ગરીબ નિર્માતાઓના મિથુન તરીકે ઓળખાવા લાગ્યા. (મિથુન શરૂઆતમાં ગરીબ નિર્માતાઓના અમિતાભ તરીકે ઓળખાતા) તેમની મિથુનની જેમ ડાન્‍સિંગ સ્ટાર તરીકેની ઈમેજ ઉપસાવવામાં બપ્પી લાહિડીની ઈલ્ઝામ’(1983), પ્યાર કર કે દેખો (1987), આંખેં (1993) કેટલીક ફિલ્મોના સંગીતે મહત્ત્વનો ભાગ ભજવ્યો. આમ, બપ્પી લાહિડીનું સંગીત બરાબર ચાલી નીકળ્યું. કદાચ 1980ના દાયકામાં તેમણે સુવર્ણ અલંકારો ધારણ કરવાનું શરૂ કર્યું હશે એમ ધારી શકાય, કેમ કે, સફળતાને પગલે આગવી ઓળખ ઉપસાવવાની જરૂર જણાઈ હશે અને એવી ઓળખ ઉપસાવવી સરળ પણ પડે.

બપ્પી લાહિડીનું નામ ચલણી બન્યું એવે સમયે હૃષિકેશ મુખરજીએ સીત્તેરના દાયકામાં મુખ્યત્વે સચીન દેવ બર્મન (અભિમાન, ચુપકે ચુપકે, મીલી) અને રાહુલ દેવ બર્મન (નમકહરામ, ગોલમાલ, જુર્માના, ખૂબસૂરત, નરમગરમ, બેમિસાલ) જેવા સફળ સંગીતકારો સાથે કામ કર્યા પછી પોતાની ફિલ્મ જૂઠી (1985)માં બપ્પીને સંગીતકાર તરીકે લીધા. માયા ગોવિંદ અને બપ્પી લાહિડીની જોડી ગુલઝાર- આર.ડી.બર્મન જેવો જાદુ પેદા ન કરી શકી. આ ફિલ્મનાં પાંચ ગીતો પૈકીનું યાદ રહે એવું એક માત્ર ગીત ચંદા દેખે ચંદા બિલકુલ એસ.ડી./આર.ડી.ની શૈલીની નકલ જેવું હતું. જે રીતે બપ્પી લાહિડીનું સંગીત સફળ થઈ રહ્યું હતું, અને આર.ડી.બર્મનની ફિલ્મો એક પછી એક નિષ્ફળ જઈ રહી હતી એને કારણે આર.ડી.બર્મન અતિશય અસલામતી અનુભવવા લાગ્યા હતા, એવી વાત સાંભળવામાં આવેલી. બપ્પી આર.ડી.બર્મનની પાશ્ચાત્ય શૈલીની નકલ આડેધડ કરવા લાગ્યા એમ ઘણા માને છે, પણ બપ્પી મોટા ભાગનાં ગીતોમાં પોતાની જ નકલ કરતા હતા.

અલંકારોની સાથેસાથે અહંકાર પણ તેમનામાં પ્રવેશતો હતો એમ તેમના આપેલા ઈન્‍ટરવ્યૂમાં જણાતું. 1989-90ના અરસામાં ફિલ્મફેરને આપેલા એક ઈન્‍ટરવ્યૂમાં તેમણે કહેલું, એમ તો હજી નૌશાદ જીવે છે, છતાં નિર્માતાઓ શા માટે મારી પાસે આવે છે?’ આ ઈન્‍ટરવ્યૂ પ્રકાશિત થયો એ પછીના અંકમાં વાચકોએ બપ્પીના માથે બરાબર અને યોગ્ય રીતે માછલાં ધોયાં હતાં.

આ ઈન્‍ટરવ્યૂ તેમણે સંભવત: ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ દર્જ થયું એ પછીના અરસામાં આપેલો. કયા હેતુસર તેમનું નામ દર્જ થયું? એક વર્ષમાં તેમના સંગીતવાળી સૌથી વધુ- 33 ફિલ્મો રજૂઆત પામી એ બદલ! 1989માં રજૂઆત પામેલી આ 33 ફિલ્મોનાં નામ જોઈએ:

1.આગ કા ગોલા 2. આખરી ગુલામ 3. ગૈરકાનૂની 4. ગરીબોં કા દાતા 5. જેન્‍ટલમેન (આનંદ-મિલિંદવાળી 1993ની) 6. ઘર કા ચિરાગ 7. ગોલાબારૂદ 8. ગુરુ (અભિષેક બચ્ચનવાળી અલગ) 9. હમ ભી ઈન્‍સાન હૈ 10. હમ ઈન્‍તજાર કરેંગે 11. કાલી ગંગા 12. કહાં હૈ કાનૂન 13. કાનૂન અપના અપના 14. કસમ વર્દી કી 15. ખોજ 16. ખૂની મુર્દા 17. લવ લવ લવ 18. મેં તેરે લિયે 19. મતલબી 20. મિટ્ટી ઔર સોના 21. મોહબ્બત કા પૈગામ 22. નાઈન્સાફી 23. નફરત કી આંધી 24. પાંચ પાપી 25. પાપ કા અંત 26. પ્રેમપ્રતિજ્ઞા 27. પ્યાર કે નામ કુર્બાન 28. સાયા 29. સચ્ચે કા બોલબાલા 30. સિક્કા 31. સ્ટેટ રાવડી 32. તૌહીન અને 33. ઝખમ.

આ 33 ફિલ્મોમાંથી બધું મળીને દસ ગીતો પણ યાદ આવે છે? બપ્પીને પ્રિય એવા નૌશાદ સાથે સરખામણી કરીએ તો નૌશાદની માત્ર ત્રણ ફિલ્મો મેલાનાં ચૌદ, અંદાઝ (1949)નાં દસ અને અમર (1954)નાં નવ એમ કુલ તેત્રીસે તેત્રીસ ગીતો સંગીતપ્રેમીઓ આજે પણ ભૂલી શકતા નથી. જો કે, આ સરખામણી જ અસ્થાને છે.

1980ના દાયકામાં હિન્‍દી ફિલ્મસંગીતમાંથી માધુર્યનું મૂળભૂત તત્ત્વ ગાયબ થવા લાગ્યું એમાં બપ્પી લાહિડીનું પ્રદાન ઘણું મોટું હતું. એ પણ કેવી વક્રતા કે ઈન્‍દીવર, અન્‍જાન જેવા દંતકથા સમા પ્રતિભાશાળી ગીતકારોના શબ્દોને પોતાના જીવનના આખરી તબક્કામાં બપ્પી લાહિડીના ઘોંઘાટિયા સંગીતમાં સ્થાન લેવાનું આવ્યું. આમ છતાં, એ સંગીત સફળ હતું એમાં કોઈ બેમત નહોતો.

નકલ હિન્‍દી ફિલ્મસંગીતમાં આદિકાળથી ચાલી આવી છે. પણ પ્રતિભાશાળી સંગીતકારો એ નકલને પોતાનો સંસ્પર્શ આપીને તેને પોતાની શૈલીમાં ઢાળતા. (ઝુક ગયા આસમાનનું કૌન હૈ જો સપનોં મેં આયા ગીત એલિસ પ્રિસલીના આલ્બમ માર્ગરીટાના એક ગીતની સીધી નકલ છે, છતાં હિન્‍દી ગીત સાંભળતાં જણાય કે એમાં શંકર-જયકિશનની મુદ્રા છે) બપ્પીએ ધૂનોની સીધી તફડંચી કરી, અને પહેલી તફડંચી મેં કરીની વરવી સ્પર્ધાના સ્પર્ધક બની રહ્યા. (હમનું લક્ષ્મીકાન્‍ત-પ્યારેલાલનું ગીત જુમ્મા ચુમ્મા દેદે અને થાનેદારનું બપ્પીનું ગીત તમ્મા તમ્મા લોગે’) આ બધું પબ્લિક ડિમાન્‍ડના નામે તેમણે કર્યું.

પોતાની કારકિર્દીમાં તેમણે 355 હિન્‍દી ફિલ્મો અને બીજી સાતેક ભાષામાં મળીને આશરે ચારસો ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે, જેમાં ગુજરાતી ફિલ્મ જનમ જનમના સાથીનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ હિન્‍દી ફિલ્મ ફિર જનમ લેંગે હમની રિ-મેક હતી, અને તેનાં ગીતોની ધૂન હિ‍ન્દી ગીતો જેવી જ હતી.


પછીના અરસામાં તેઓ પોતાના દેખાવ થકી વધુ ઓળખાતા રહેલા. તેમનાં કેટલાંય ગીતો હજી ઘણાને યાદ છે, કેમ કે, પ્રત્યેક પેઢી પોતાના સમયનાં ગીતોની સાથે ઉછરતી હોય છે. બપ્પી લાહિડીને એક અતિશય સફળ સંગીતકાર ગણાવી શકાય, સાથે એ પણ યાદ રાખવું રહ્યું કે સફળતા અને ગુણવત્તા બન્ને અલગ બાબતો છે. બપ્પી લાહિડી પ્રતિભાશાળી સંગીતકાર અવશ્ય હતા, પણ તેમની પ્રતિભા અતિ મર્યાદિત હતી. પુનરાવર્તન અને એકધારાપણું તેમનાં ગીતોની પ્રકૃતિ હતી. સમગ્રપણે તેમની કૌટુમ્બિક પૃષ્ઠભૂમિ જોઈએ તો સમજાય છે કે પોતે ગમે એવા પ્રતિભાશાળી માવતરનું સંતાન હોય, પોતાના યુગમાં ગમે એવા પ્રતિભાશાળી ગીતકારોના શબ્દોને સંગીતમાં ઢાળવાની તક મળી હોય, એ ઊંચાઈ પ્રાપ્ત કરવાના પ્રયત્નને બદલે બપ્પી લાહિડી એ સૌને પોતાના સ્તરે ઊતારી લાવ્યા. સોનાનાં ઘરેણાં પહેરવાં એ તેમનો અંગત શોખ હતો, પણ પોતાના સંગીત કરતાં પોતાના દેખાવથી સમાચારમાં રહેવાની પરંપરાનો આરંભ તેમના ખાતે લખી શકાય.

આશ્ચર્ય લાગે એવી વાત છે કે આટલા મર્યાદિત શૈલીના સંગીત થકી પણ તેમની આગવી ઓળખ ઉપસી. અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર બનેલી ફિલ્મ ધ ડર્ટી પિક્ચર (2013)ના એક ગીત ઉ લા લા, ઉ લાલામાં બપ્પીએ સ્વર આપ્યો, એટલું જ નહીં, ફિલ્મના સંગીતકાર વિશાલ-શેખરે બપ્પીની શૈલીને અંજલિરૂપે તેમની શૈલીમાં જ એ ગીત સંગીતબદ્ધ કર્યું.

કિશોરકુમાર નિર્મિત-દિગ્દર્શીત-અભિનિત ફિલ્મ બઢતી કા નામ દાઢીમાં બપ્પી લાહિડીએ પડદે દેખા દીધી હતી.

'બઢતી કા નામ દાઢી'માં બપ્પી (ડાબે), કિશોરકુમાર અને અમીતકુમાર 

મારા યુવાનીકાળમાં રેડિયો સાંભળવાના પ્રચંડ શોખને કારણે બપ્પી લાહિડીનાં નવાં ગીતો સાંભળવા મળતા, પણ એની સાથે કદી સંવેદનાત્મક જોડાણ સાધી ન શકાયું. કેમ કે, એ સમયગાળામાં 1950-60ના દાયકાનાં ગીતો ગમવા લાગ્યાં હતાં. આથી જ બપ્પી લાહિડીનાં ગીતો બાબતે કદી નોસ્ટેલ્જિયા અનુભવાતી નથી, બલ્કે અંગતપણે ઘોંઘાટીયા સંગીતના યુગના પ્રણેતા તરીકે જ એ વધુ યાદ રહ્યા છે. 

આમ છતાં, યે નૈના યે કાજલ યે ઝુલ્ફેં યે આંચલ (દિલ સે મિલે દિલ/1978), સૈંયાં બિના ઘર સૂનાસૂના (આંગન કી કલી/1979), રુઠો ના, રુઠો ના (એહસાસ/1979), ચાહિયે થોડા પ્યાર, થોડા પ્યાર ચાહિયે (લહૂ કે દો રંગ/1979), દિલ ધક ધક કરને લગા (પતિતા/1980), દૂરિયાં સબ મિટા દો (સબૂત/1980), આપને પ્યાર દિયા, પ્યાર સે માર દિયા (એગ્રીમેન્‍ટ/1980), મમ્મી અચ્છી હૈ (પાંચ કૈદી/1981), કિસી નજર કો તેરા ઈંતજાર આજ ભી હૈ (ઐતબાર/1985) જેવાં ગીતો સાંભળતાં બપ્પી લાહિડી યાદ આવશે ખરા.

(નોંધ: અહીં ઉલ્લેખાયેલાં લગભગ તમામ ગીતો યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. સાંભળવા ઈચ્છનાર એ આસાનીથી સાંભળી શકશે.) 

(તસવીર: નેટ પરથી) 

Thursday, February 24, 2022

મુંબઈ સેન્‍ટ્રલના પ્લેટફોર્મ પર...

સ્થળ: મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું પ્લેટફોર્મ. સમય: સાંજના સાતેકનો. વર્ષ: આશરે 1975- 76નું.
પ્લેટફોર્મ પર અમદાવાદ જવા માટેની ટ્રેન ઊભેલી હતી. ટ્રેનના અનરિઝર્વ્ડ ડબ્બાઓમાં અને પ્લેટફોર્મ પર પુષ્કળ ભીડ હતી. એવે વખતે નવ-દસ વરસના નાનકડા એક છોકરાનો હાથ પકડીને એના પપ્પા ડબ્બે ડબ્બે ફરી રહ્યા હતા. બીજા હાથમાં થોડો સામાન હતો. દરેક ડબ્બાની બારીની નજીક જઈ એ બૂમ પાડતા, 'બાબુભાઈ...! એ બાબુભાઈ!'
બાબુભાઈ (સુરેન્દ્ર કોઠારી) એટલે એ સજ્જનના મોટા ભાઈ, જે મુંબઈ રહેતા હતા. એમને ત્યાં બાપ-દીકરો બન્ને રહેવા આવેલા. પાછા ફરવા માટેની ટિકિટ રિઝર્વ થઈ ન શકી હતી. આથી બાબુભાઈ બનતા સુધી પોતાની ઓફિસેથી સીધા સ્ટેશને આવી ગયેલા. તેમણે કોઈ એક ડબ્બામાં ચડી જઈને જગ્યા રોકેલી, પણ એ ક્યાં હતા એ ખબર શી રીતે પડે! જગ્યા રોકેલી હોવાથી એ પોતે તો ડબ્બાની બહાર નીકળી શકે એમ નહોતા. કદાચ અગાઉ થયેલી ગોઠવણ અનુસાર એમને આ રીતે બૂમ પાડીને શોધવાનું નક્કી થયું હશે.
પેલા છોકરાએ આવી ભીડ કદી જોયેલી નહીં. અને આ ભીડમાં પોતે પ્રવેશવાનું છે એ વિચારે એ સહેજ ડરી પણ ગયેલો. આથી તેણે પોતાના પપ્પાનો હાથ બરાબર પકડી રાખ્યો હતો.

**** **** ****
આ છોકરો તે હું એટલે કે બીરેન, અને મારા પપ્પાનું નામ અનિલકુમાર કોઠારી. પપ્પા વિશેની મારી કિશોરાવસ્થાની જે કેટલીક ફ્રેમ મનમાં સજ્જડ રીતે સચવાઈ ગઈ છે, એમાંની આ એક. આ દૃશ્ય મને ઘણી વાર ટાણેકટાણે યાદ આવતું રહે છે, અને જાણે કે હું મુંબઈની એ ભીડમાં ખોવાઈ જઈશ એવો એ સમયે મનમાં વ્યાપેલો ડર ક્ષણભર માટે પુનર્જિવીત થઈ ઉઠે છે. જો કે, હવે 'મોટા' થયા એટલે બહુ ઝડપથી એ ખંખેરાઈ જાય છે.
એ પછીના દસ-બાર વર્ષના ગાળામાં સંજોગો પલટાયા, અને સ્થિતિ એવી ઊભી થઈ કે પપ્પાને ચલાવતી વખતે એમનો હાથ પકડવો પડે. લકવાના જીવલેણ હુમલા પછી તે બચી ગયા અને ક્રમશ: હલનચલન પણ ઘણે બધે અંશે સ્વતંત્રપણે કરતા થયા, છતાં એમનો હાથ પકડીને જ અમે ચાલતા. ચાહે એ મમ્મી હોય, ઉર્વીશ હોય કે હું! એ સલામતિભર્યું હતું. આવી અવસ્થા પચીસેક વરસ સુધી રહી હતી.

**** **** ****

આજે એમની વિદાયને ચૌદ વરસ પૂરાં થયાં. મુંબઈ સેન્ટ્રલના પ્લેટફોર્મ પર એમનો હાથ પકડતાં જે સલામતિ મને અનુભવાયેલી એવી એમને મારો હાથ પકડતાં અનુભવાતી હશે કે કેમ એનો જવાબ મારે મેળવવો નથી, પણ મનમાં વિચારું છું.

Saturday, February 19, 2022

રાહુલ દેવ બર્મન: એકલ, છતાં યુગલ ગીતો

(આ પોસ્ટ વાંચતાં પહેલાં સૂચન: આ પોસ્ટમાં કુલ અગિયાર ગીતો છે. એ તમામ ગીતો આ જ ક્રમમાં, લખાણની સાથોસાથ વાંચતા જશો તો પોસ્ટના હાર્દને બહેતર રીતે માણી શકાશે. 

આ પોસ્ટમાં ઉલ્લેખાયેલાં મોટા ભાગનાં ગીતો જાણીતાં અને સાંભળેલાં હોય એવી પૂરેપૂરી શક્યતા છે. પણ અહીં એક ચોક્કસ ઢબ, શૈલીની રીતે તેમને સાંકળ્યાં છે. આથી એ જાણીતાં હોવા છતાં, આ દૃષ્ટિકોણથી એને સાંભળતા જશો તો મઝા આવશે.) 

પડઘાનું આકર્ષણ માનવજાતમાં પહેલેથી હશે, અને હજી એ ઓસર્યું નથી એમ લાગે. કોઈ સ્થળે પડઘો પડે છે એવી ખબર પડે કે તરત કશુંક બોલીને તેનો પડઘો સાંભળવાની ઈચ્છા આપણને થઈ આવે છે. ફિલ્મનાં ગીતોમાં હવે ટેક્નોલોજીની મદદથી ઈકો ઈફેક્ટ સહેલાઈથી મેળવી શકાય છે. પણ ટેક્નોલોજી આટલી સુલભ નહોતી ત્યારે સંગીતકારો માટે ગીતમાં પડઘાનો પ્રયોગ કરવાનો એક પડકાર હતો. ઘણા સંગીતકારોએ એવો પડકાર ઝીલવાની સફળ કોશિશ કરી હતી. 1957માં રજૂઆત પામેલી ફિલ્મ નૌશેરવાન-એ-આદિલના લતા મંગેશકરે ગાયેલા એક ગીત આજા રાત ઢલીમાં સંગીતકાર સી.રામચન્‍દ્રે પડઘાની અસર બખૂબી નીપજાવી હતી. એ વખતનાં ટાંચા સાધનો વડે તેમણે એ શી રીતે કર્યું હશે એ સંશોધનનો વિષય છે. એ પછી 1960માં આવેલી બમ્બઈ કા બાબુમાં આશા ભોંસલે અને મહમ્મદ રફીએ ગાયેલા ગીત દીવાના મસ્તાના હુઆ દિલના અમુક હિસ્સામાં આશાના અવાજમાં ઈકો ઈફેક્ટ સાંભળી શકાય છે. પછીના ગાળામાં આ સુવિધા આસાન બની, પણ અહીં જે પ્રકારનાં ગીતોની વાત કરવાની છે એ પ્રકાર જરા જુદો છે.

એક જ ગાયક કે ગાયિકાના સ્વરને બે અલગ અલગ સ્કેલ પર ગવડાવીને તેના મિક્સિંગ દ્વારા એ ગીત એકલ હોવા છતાં યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરાયો હોય એવો પ્રયોગ ખાસ કરીને રાહુલ દેવ બર્મને અનેક વાર કરેલો છે. આ પ્રયોગમાં ક્યારેક ઈકો ઈફેક્ટ જોવા મળે છે, પણ એ ઈકો ઈફેક્ટ કરતાં કંઈક વધુ છે. વિવિધ તબક્કે આર.ડી.બર્મને કરેલા આવા પ્રયોગો પરથી એ સમજાય છે કે આ પ્રકાર ખેડવાનો પડકાર તેમને બહુ પસંદ હતો અને વખતોવખત તેઓ એની વિવિધ રીતે અજમાયશ કરતા રહ્યા હતા. ટેક્નોલોજી સુલભ થયા પછી પણ તેમનું આ પ્રયોગનું આકર્ષણ ઓસર્યું નહોતું. આવાં કેટલાંક ધ્યાનમાં આવેલાં ગીતો વિશે વાત કરીએ.

1967માં રજૂઆત પામેલી બહારોં કે સપનેના ગીત ક્યા જાનૂં સજન, હોતી હૈ ક્યા ગમ કી શામમાં આ પ્રયોગ આર.ડી.બર્મનના સંગીતમાં કદાચ પહેલી વાર સાંભળવા મળે છે. આમાં મુખડું પૂરું થવા આવે ત્યારે અને અંતરો પુનરાવર્તિત થાય ત્યારે ફક્ત આલાપ મૂકાયો હતો. ગીત લતા મંગેશકરે ગાયું હતું. એટલે તેમનું મૂળ ગાયન ચાલુ હોય ત્યારે જ યોગ્ય સ્થાનોએ એમનો જ આલાપ સંભળાય, જેનો સ્કેલ સાવ જુદો હોય. આને કારણે બે અલગ ગાયિકાઓ હોવાનો આભાસ થાય. આ ગીત અહીં સાંભળી શકાશે.


1972માં રજૂઆત પામેલી રાખી ઔર હથકડીના ગીત આજા આજા સજનમાં આશા ભોંસલેના એકલ સ્વરને અલગ સ્કેલ પર ગવડાવવામાં આવ્યો. આ ગીતમાં મુખડું પૂરું થતા તેમજ અંતરાની સમાંતરે આવતા આલાપ પા...પા...પા.. તરીકે આ સ્વર મૂકાયો હતો. અહીં એ સાંભળી શકાશે.


અગાઉ 1971માં આવેલી હરે રામ હરે કૃષ્ણના અતિ વિખ્યાત ગીત દમ મારો દમમાં મુખડું અને અંતરામાં આશા ભોંસલેના અલગ સ્કેલનો ઉપયોગ રાહુલદેવ બર્મને કરેલો, પણ આ ગીતમાં બન્ને સ્કેલ એક સાથે જોવા મળે છે. એ જ પદ્ધતિ 1972માં રજૂઆત પામેલી અનામિકાના ગીત આજ કી રાત કોઈ આને કો હૈમાં પણ ઉપયોગમાં લેવાઈ. એ ગીતમાં સ્વર આશા ભોંસલેનો જ હતો. તો 1972ની જ ફિલ્મ જવાની દીવાનીના ગીત જાનેજાં ઢૂંઢતા ફિર રહામાં આર.ડી.બર્મને આશા ભોંસલેને બે સાવ અલગ સ્કેલમાં ગવડાવીને કંઈક આવી જ અસર નીપજાવવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, આ ગીતના અંતરામાં બન્ને સ્કેલ અલગ અલગ છે, અને એ ઓવરલેપ થતા નથી. આ ગીતમાં પડદા પર એક જ નાયિકા બે અલગ સ્કેલમાં, એટલે કે અલગ સ્વરમાં ગાય એવી અસર પેદા કર્યા પછી રાહુલ દેવ બર્મને એક જ ગાયિકાના સ્વરનો ઉપયોગ બે નાયિકાઓ માટે કાલા સોનાના આ ગીતમાં કર્યો.

1975માં રજૂઆત પામેલી આ ફિલ્મના ગીત કોઈ આયા, આને ભી દેમાં તો આશા ભોંસલેના સ્વરનો ઉપયોગ યુગલ ગીતની જેમ કરવામાં આવ્યો છે. એટલે કે આશા ભોંસલે એક ચોક્કસ સ્કેલ પર મુખડાનો આરંભ કરે અને એ જ મુખડામાં વચ્ચેથી જ અલગ સ્કેલ પર આશા દ્વારા જ ગવાયેલું મુખડું જોડાય. આને લઈને આ એકલ ગીત હોવા છતાં એ યુગલ ગીત હોવાનો આભાસ થાય. અંતરામાં પણ એક સ્કેલ પર શબ્દો ગવાતા હોય અને બીજા સ્કેલ પર આલાપ એની સમાંતરે ચાલતો હોય. આ ગીત અહીં સાંભળી શકાશે.

પછીના વરસે, 1976માં આવેલી ફિલ્મ મુક્તિના ગીત દિલ સજન જલતા હૈમાં પણ આ પ્રયોગ વધુ એક વાર સાંભળવા મળ્યો. આ ગીત પણ આશા ભોંસલેએ ગાયું હતું. આમાં તે આખું મુખડું પૂરું કરીને તેનું આવર્તન કરે છે એ સમયે બીજા સ્કેલ પર તેમના સ્વરમાં આલાપ સાંભળી શકાય છે, જે યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરે છે. નોંધપાત્ર છે કે અંતરો એકલગાન છે, પણ અંતરા પછી આવતા મુખડામાં આલાપ ભળે છે. આ ગીત અહીં સાંભળી શકાશે.


1987માં આવેલા ગૈરફિલ્મી આલ્બમ દિલ પડોસી હૈ વખતે ટેક્નોલોજી પૂરેપૂરી વિકસી ચૂકી હતી, અને તેના રેકોર્ડિંગમાં મોટે ભાગે કી-બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતનો ખ્યાલ કોઈ દિયા જલે કહીં સાંભળવાથી આવશે. આશા ભોંસલે દ્વારા ગવાયેલા આ ગીતમાં અંતરામાં આ પ્રયોગ અત્યંત સુંદર રીતે સાંભળવા મળે છે. એમાં અંતરાની પંક્તિ પૂરી થતાં પહેલાં જ બીજા સ્કેલ પર આલાપ શરૂ થઈ જાય છે.


બિલકુલ આ જ રીતે, 1987માં રજૂઆત પામેલી ફિલ્મ 'ઈઝાજત'માં પણ આર.ડી.બર્મને આશા ભોંસલે પાસે ગવડાવેલા ગીત 'કતરા કતરા મિલતી હૈ'માં આ અસર પૂર્ણપણે પેદા કરી છે. આ ગીત અહીં સાંભળી શકાશે. 



આમ, આ ગીતોનો સર્જનકાળ જોતાં એ ખ્યાલ આવે છે કે આર.ડી.બર્મને તબક્કાવાર પરિવર્તનો કરતા જઈને, આ ચોક્કસ અસર ઊભી કરવાનું, પોતે ધાર્યું પરિણામ મેળવી લીધું હતું. આ પ્રકારનાં ગીતોમાં એક ગીતના અપવાદને બાદ કરતાં તમામ ગીતો આશા ભોંસલેએ ગાયેલાં છે, અને એ કેવળ યોગાનુયોગ નથી. 

(Link courtsey: You Tube) 

(પૂરક માહિતી: જયપાલ થાનકી, નંદિતા મુની) 

Friday, February 18, 2022

ચરમસીમા (5)

(કેટલીક કાલ્પનિક પરિસ્થિતિઓ) 

નિસ્બતની ચરમસીમા
 (Height Of Concern)

"આપ તો આટલા મોટા બિલ્ડર છો, સર! આપના બનાવેલા એક એક ફ્લેટની પ્રાઈસ કરોડોમાં હોય છે, અને તોય બુકિંગમાં લાઈન લાગે છે."
"મુદ્દા પર આય, દોસ. તને પોંચ મિલીટ આલેલી છે."
"હા, સર. હું એમ કહેતો હતો કે અમારો આ એક પ્રોજેક્ટ છે. આપ તો જાણો છો કે ખેતમજૂરોનું કોઈ સ્થાયી ઠેકાણું હોતું નથી. આથી તેમનાં બાળકોને ભણતર..."
"ખબર છે, ભઈ. એ લોકોને શ્કૂલમાં ઠેકોણું ના પડે. તે એમાં હું સું કરું, ભઈબંદ?"
"સર, આપને પેલું સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી) ફંડ હોય છે ને, એમાંથી થોડું ફાળવી આપો તો..."
"દોસ, બે મિલીટ થઈ ગઈ છે. હવે તેંં આ શીએશારની વાત કરી તો સામે જો. પેલું સું દેખાય છે?"
"સર, એ તો આપની નવી સાઈટ લાગે છે."
"બરોબર. એમાં પેલી મજૂરણો દેખાય છે ? ને પેલા માટીના ઢગમાં રમતા ટાબરિયા?"
"અં..અં...હા. દેખાયા, દેખાયા."
"એ બધીયે મજૂરણો આપડી. એમના આ બધા ટાબરિયા શરકારી શ્કૂલમોં ભણે છે. એનો ખરચ મારી કંપની આલે છે. આ બધીયોનો પેલો કયો વીમો- હેલ્થનો લીધેલો છે. એનું પ્રિમીયમ બી કંપની ભરે. આ શીએશાર બીએશાર બધું અમણોં આયું. અમે તો વરશોથી આ બધુ કરીએ."
"સર! આ તો એક્સેલન્ટ કહેવાય, પણ એક સવાલ થાય છે. અહીં કોઈ મજૂર, આઈ મીન મેલ મજૂર દેખાતો નથી. તો શું આપના મનમાં વીમેન એમ્પાવરમેન્ટનો કોન્સેપ્ટ પણ છે કે શું?"
"અલ્યા, ડફોર! પેલો ફોટો દેખાતો નથી? અહીં કોમ્પ્લેક્સ બનવાનું છે. પાવર પ્લાન્ટ આવામાં થતો અસે? તેં મજૂરોવારુંં પૂછ્યું ને? એ બધા ચગદઈ ગયા."
"હેં? એટલે? યુ મીન...?"
"ના, ભઈ. મીન નહીં, હું વુરશભવારો છું. આ સાઈટ તો અમણો બની. અંઈ એમની ઝૂંપડપટ્ટી અતી. મારા બેટા વિરોધને રવાડે ચડેલા. તો આપડે એક દા'ડો આઈને બુલડોઝરો ફેરવાઈ દીધા. પણ મારા બાપા કઈ ગયેલા કે કોઈનો રોટલો ઝૂંટવતો નહીં. તો આપડે એ બધાયના બૈરીછોકરાને આપડી નવી સાઈટે રાખી લીધા. આપડી બધી સાઈટ પર તને - પેલું તેં સું કહેલું- પાવર પ્લાન્ટ જોવા મલશે. હમજ્યો? ચલ, જા, દોસ હવે! આઠ મિનીટ થઈ ગઈ તારી."
****

સંકલ્પશક્તિની ચરમસીમા
 (Height Of  Will power)

"બાપજી, એક વરસથી આપની સેવામાં સવારે હાજર થઈ જાઉં છું. જોઈ રહ્યો છું કે આપની સંકલ્પશક્તિ મેરુ પર્વત જેવી અડગ છે. આપ ન ઈચ્છો ત્યાં સુધી એને કોઈ ડગાવી ન શકે. કેટલી બધી ચીજોનો ત્યાગ કરવાનો સંકલ્પ તો આપે જાહેરમાં લીધો છે. હું જ નહીં, મારા જેવા અનેક ભક્તો એના સાક્ષી છીએ. અહીં આવ્યા ત્યારે સવારે આંખ ખૂલતાં જ આપને ચા જોઈતી. એક વખત આપે જાહેરમાં સંકલ્પ કર્યો કે હવેથી ચા બંધ. અને પછી કોઈ આપની સમક્ષ ચાના સબડકા બોલાવે તોય આપને કંઈ ન થાય!"
"હં..."
"આવું તો કેટકેટલું ગણાવું, બાપજી! આપને જોઈ જોઈને અમ સંસારીઓ પણ નાનોમોટો સંકલ્પ લેતાં શીખ્યા છીએ. અમનેય લાગ્યું છે કે સંકલ્પશક્તિ કોઈ પણ કેળવી શકે છે. અને સંકલ્પને કોઈ પણ ભોગે પાળવો એ ઉચ્ચ શિખર તરફ જવાનું પ્રથમ પગથિયું છે."
"હં..."
"બાપજી, આપે જેમ ચા ત્યાગી. પછી તો દૂધ પણ ત્યાગ્યું. ભજીયાંં આપને પ્રાણપ્રિય હતાં. એને પણ આપે એક સંકલ્પે ત્યાગ્યાં. હવે પછી આપ કયો સંકલ્પ લો છો અને શો ત્યાગ કરવાના છો એની પર અમારા સૌની નજર છે, બાપજી!"
"તારી મોટીવેશનલ સ્પીચ પતી ગઈ, વત્સ? તો હવે સિધાવ. ક્યારની ગાંજાની તલબ લાગી છે ને તું છોડતો જ નથી! મંડ્યો જ રહ્યો છે! એમ થાય છે કે ભક્તોનો જ ત્યાગ કરી દઉં."
****


એકાગ્રતાની ચરમસીમા
 (Height Of  Concentration)

"અત્યાર સુધી આવેલા ઉમેદવારોમાંથી કોઈકને સામેનું વૃક્ષ દેખાયું, કોઈકને વૃક્ષ પર બેઠેલાં ફળો દેખાયાં, કોઈકને વૃક્ષની શાખાપ્રશાખાઓ દેખાઈ. એકાદ જણને વૃક્ષની ડાળી પર બેઠેલું વિહંગ પણ દેખાયું. હવે તારો વારો છે, હે પાર્થ! આ કસોટી કેવળ તારી નથી, મારા શિક્ષણની પણ કસોટી છે. હવે સૌ સાંભળે એમ કહે કે તને સામે શું દેખાય છે, વત્સ? "
"જેવી આજ્ઞા, ગુરુદેવ! મને જે દેખાય છે એનું વિગતે વર્ણન કરું છું. આઈ કેન સી ધ આઈ લૅન્સ ઑફ ધેટ બર્ડ. એની પાછળ રેટિના છે. ઈવન મને સ્ક્લેરા અને કોરોઈડ પણ દેખાય છે. અરે! એક મિનીટ, પેલું ફોવિઆ પણ છે. પેક્ટેન અને સૌથી પાછળ રહેલી ઓપ્ટિકલ નર્વ પણ દેખાય છે."
"ઓહ! અર્જુન! કૌંતેય! સવ્યસાચિ! યુ હેવ હાઈલી ડિસઅપોઈન્ટેડ મી. અલ્યા બુડથલ! આ બધું કાલે એનેટોમીના વાઈવા વખતે બોલવાનું હતું. આજે તો આર્ચરીનો પ્રેક્ટિકલ છે. રોજ સવારે ગુરુપત્ની તને બે બદામ વધારે આપતાંં હતાંં એ બધી બાત્તલ ગઈ."
"પણ ગુરુદેવ! તમે તો ક્લાસમાં કહેલું કે વન શુડ કોન્સન્ટ્રેટ સ્ટ્રીક્ટલી અપોન..."
"ભૂલ થઈ મારી! હવે ઉઠબેસ કરું?"
****

ઉત્તરદાયિત્વની ચરમસીમા
(Height Of Accountability)

"જો ભઈ, ઓફિશર! આ શઉંશ્થાનો ઓલમસોલ ઉં જ છું. પ્રેશિડેન્ટ, ગણો, ચૅરમૅન ગણો, ટ્રેઝરર ગણો કે શભ્ય ગણો. તેં જે ચોપડા તપાશ્યા એ બધામાં મારી શઈ છે. એટલે એ બધાયની જવાબદારી મારી. તને એમોં ગોટારા લાગે તો એ તારા ગણિતનો પોબલેમ છે. તને શ્કૂલમાં નામું સિખવનારો કોઈ હારો માશ્તર નંંઈ મલ્યો હોય. અમે તો અંઈ જે બી કારાધોરા કરીએ એ ખુલ્લેઆમ જ કરીએ છીએ. અવે તું આયો જ છું તો જમીને જજે. મારે ત્યોંથી કોઈ ખાલી હાથે જાય એનો વોંધો નંઈ, પણ ખાલી પેટે ના જવો જોઈએ, હમજ્યો કે નંંઈ?

તું ગમ્મે તારે આય, આ ચોપડા તને કોઈ બી જોવા માટે આલસે. તારે એ જોવાના, વોંચવાના ને પછી ભૂલી જવાના, સું કયું? આ ચોપડામોં 'ગાયકૂતરાંને ભોજન' હેઠન જે ખરચો લખેલ છે એ શેનો છે એ હમજે છે કે નંઈ? તો હોંભર, એ અમે ઈલેક્સન ફંડમોં નિયમીત આલીએ છીએ. અટલે તું આઘુંપાછું કશું કરતો નંઈ. તને કહી દીધું કે ચોપડામોંં જે કંઈ ગરબડગોટારા છે એની જવાબદારી મારી એટલે પત્યું. હમજ્યો ને? તારી નોકરી તો બદલીવારી હોય એટલે તું તો આજ હોઉં ને કાલ નંઈ. પણ અમે ને આ પાર્ટીવારા તઈણસો ને પોંશઠ દિવસ અંંઈ જ ખોડાયેલા હોઈએ. ચલ તારે, તારા શાહેબને યાદ આપજે મારી. કે'જે કે હવે કોરોનાનું પતી ગયું છે અને આપડે કબૂતરાનું ચણ ફરી ચાલુ કરી દીધું છે. એટલે આઈને લઈ જાય."

****


વિનમ્રતાની ચરમસીમા

(Height Of Modesty)




"અત્રે જે મંચસ્થ મહાનુભાવો છે એમની સરખામણીએ તો હું સાવ છૂંછૂં ગણાઉં. અરે! છૂંછૂંય નહીં, છૂંછાની ટોચનો પણ હજારમો ભાગ ગણો ને! હું તો ઝીરો વૉટનો બલ્બ છું. જીવનમાં મેં ક્યારેય કશું કામ સરખું કર્યું નથી. સ્કૂલટાઈમે મારું હોમવર્ક પણ હું બીજાઓ જોડે કરાવતો. હવે મારું અકાઉન્ટ મારા એકાઉન્ટન્‍ટો લખે છે. સમાજને ઉપયોગી થવાના દંભી ખ્યાલ મારા દિમાગમાં કદી આવ્યા જ નથી. ખોટું કેમ કહેવું? પણ અમુક નમૂનાઓને જોઈને તો એમનો ઘોઘરો દબાવી દેવાનું મન થઈ જાય છે. હે મંચસ્થ મહાનુભાવો! આપ મારી આ વાતથી ગભરાશો નહીં. હું આપનું તો ઠીક, કોઈનુંય સાહિત્ય વાંચતો નથી. માટે આપ નિશ્ચિંત રહેજો. મને મારા બાપાએ કહેલું ને મારા બાપાને એમના બાપાએ કહેલું કે મત કર તૂ ગુમાન રે બંદે, મત કર તૂ ગુમાન. તો આપ જોઈ શકો છો કે વિનમ્રતાનો ગુણ મને વારસામાં મળેલો છે. એટલે જ મને નવાઈ લાગે છે, અને આપને સૌને પણ નવાઈ લાગતી હશે કે મારા જેવો માણસ આ કાર્યક્રમમાં સ્ટેજ પર ક્યાંથી ચડી બેઠો! તો વાત એમ છે કે મારા બાપાના બાપાને એમના બાપાએ, અને એમના બાપાને એમના બાપાએ કહેલું કે આપણે જે કંઈ કમાઈએ એને આપણા એકલાનું ન ગણવું."
(તાળીઓ)
"આપણી કમાણીમાં આપણા જેટલો તો નહીંપણ થોડોઘણો હક સમાજનો બી ખરો." 
(તાળીઓ) 
"એટલે આપણે યથાશક્તિ દાનપુણ્ય કરવું. ડાકોર જઈને ત્યાંના કાચબાઓને મમરા નાખવા. દ્વારકાની માછલીઓને લોટની ગોળીઓ નાખવી. ઘરઆંગણે કબૂતરાંને જારના દાણા નાખવા. વગેરે...વગેરે..." 
(તાળીઓ) 
"તો પાંચમી પેઢીએ મેં આ પરંપરા જાળવી રાખી છે એમાં કશી ધાડ નથી મારી. હામેં એમાં થોડું ડાઈવર્સીફાઈ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે."  

(તાળીઓ)  

"દર વરસે મારાથી દ્વારકા ને ડાકોર જઈ શકાતું નથી. એટલે ઘરઆંગણે યોજાતા સાહિત્યના કાર્યક્રમોમાં મહેમાનોને ચાપાણી કરાવવાની વ્યવસ્થા મેંં ઉપાડી લીધી. હવે તમે જ કહોમિત્રો! આમાં મેં કઈ મોટી ધાડ મારીપણ જોવાની વાત એ છે કે આપણા આટલા ગામમાં આટલી ધાડ મારનારો પણ કોઈ મળતો નથી. આથી આ કાર્યક્રમના આયોજકો મને દર વખતે મંચ પર સ્થાન આપે છે. એટલે આ તો પેલા એના જેવું થાય- કે લાખ રૂપિયાનો હીરો શોરૂમમાં શોકેસમાં પડ્યો હોયપણ એને માથે પચ્ચી રૂપિયાનો બલ્બ સળગાવવો પડે. તો એમ સમજો ને કે આ મહાનુભાવો એટલે હીરાઅને હું ઝીરો વૉટનો બલ્બ! આ મહાનુભાવો એમના ફિલ્ડના ગજરાજ એટલે કે હાથી સમા. અને હું છૂંછાની ટોચનો હજારમો ભાગ. હાથીને ગાંડો કરવા એટલું જ પૂરતું છે. બસઆથી વધુ મારે કશું કહેવું નથી. તમતમારે આગળ જે ઝીંકવું હોય એ ઝીંક્યે રાખજોકેમ કેહું કાર્યક્રમમાં બેસવાનો પણ નથી. લ્યો ત્યારે!  વધારે બોલાયેલું ઓછું જાણજો ને મને દાનપુણ્ય કરવાની આવી ને આવી તક આપતા રહેજો." 

(તાળીઓનો ગડગડાટ)

**** 

ત્યાગની ચરમસીમા

(Height Of  Renunciation) 

"આ કાર્યક્રમના મુખ્ય વક્તા જે ખાસ છાલિયાપુરાથી અત્રે ઉપસ્થિત રહ્યા છેઅને તેમની છાલિયાપુરાની અદ્‍ભુત સંસ્થાની મુલાકાતે હું ગયો ત્યારે મારા માટે ખાસ પ્રભાવશાળી વક્તવ્યનું આયોજન કર્યું હતું એવા પરમ આદરણીય છેલ્લા ચાલીસ ચાલીસ વરસોથી સમાજસેવા ક્ષેત્રે કાર્યરત અદના સમાજસેવક - મારા તો પારિવારિક મિત્ર - ગયે વરસે મારા ભાઈના પરિવારમાં ભવ્ય લગ્નપ્રસંગ અત્યંત સાદગીથી સંપન્ન કરવાનો અનન્ય નિર્ણય લેવામાં આવેલોકેમ કેભાઈ પોતે એક પ્રભાવી સમાજસુધારક છે અને તે માને છે કે ભવ્ય લગ્નમાં ખોટો ખર્ચ કરવા કરતાં તેને સમાજસેવામાં વાપરવાઅને એ એવું જ કરતો આવ્યો છેએણે પોતાનાં લગ્ન પણ એ રીતે કરેલાંએ પછી એનાં સંતાનોનાં લગ્ન પણ અત્યંત સાદગીથી કર્યાં અને હવે એની ત્રીજી તેજસ્વી પેઢીએ પણ એણે એ જ ઉજ્જ્વળ પરંપરા સાતત્યપૂર્વક જાળવી રાખી છેએની વહાલસોયી પૌત્રીનાં લગ્નનું પણ ભવ્ય આયોજન એણે અત્યંત સાદગીપૂર્વક કર્યું  જેમાં માત્ર અગિયાર અંતરંગ વ્યક્તિઓને જ ભાવભીનું નિમંત્રણ પાઠવેલું અને એ અગિયાર અંતરંગ વ્યક્તિઓમાં છાલિયાપુરાની સંસ્થાના યશસ્વી હોદ્દેદાર તરીકે ઉપસ્થિત રહેવાનું ગૌરવ જેમને પ્રાપ્ત થયેલું એવા એ સંસ્થાના પ્રમુખશ્રી જે આજે અહીં મારા સન્માન સમારંભમાં પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે એવા પરમ સન્માનનીય શ્રી........"

ટ્રી....ઈ......ઈ......ઈ.....ઈ....ઈ....ઈ....ન! (સમયમર્યાદા સૂચક ઘંટડીનો રણકાર) 

"ક્ષમા કરજો. હજી બીજા પાંચ મંચસ્થ મહાનુભાવોનો પરિચય અને મારું પ્રાસંગિક વક્તવ્ય બાકી રહે છે. મને લાગે છે કે આપણા જાહેર સમારંભોમાં થતો સમયનો વ્યય અતિ ગુનાહિત છે. કેટલા માનવકલાકોનો વેડફાટ! આ દેશમાં કોરોના કરતાંય ખતરનાક વાઈરસ હોય તો એ છે માઈક. એના ચેપ સામે ભલભલી રસી નકામી છે. આથી હું બાકી મહાનુભાવોના પરિચય અને મારા પ્રાસંગિક ઉદબોધનની લાલચનો ત્યાગ કરીને અત્રે ઉપસ્થિત પ્રબુદ્ધ શ્રોતાગણ સમક્ષ એક અભૂતપૂર્વ દાખલો બેસાડવા માંગું છું. સૌને ખાત્રી આપું છું કે હવે પછી યોજાનારા તમામ કાર્યક્રમોમાં પણ ઘંટડી તથા તેના વગાડનારની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ત્યાગની આ મહાન પરંપરા આગામી પેઢી આગળ ધપાવશે એ જ અભ્યર્થના. અસ્તુ." 

(તાળીઓનો પ્રચંડ ગડગડાટ)

****   

સાચવણીની ચરમસીમા:
સીટ જાઈ, પર સીટકવર ન જાઈ...

 
વફાદારીની ચરમસીમા:
તુમ દાલ કો અગર ભાત કહો, ભાત કહેંગે..


ટ્રોલરની ઉદારતાની ચરમસીમા:
કોઈ પથ્થર સે ના મારે ઐસે દિવાને કો...


ભક્તિની ચરમસીમા:
બખ્શ દો ઈસકો, મૈં તૈયાર હૂં મિટ જાને કો...


જૂઠા દાવાઓની ચરમસીમા:
દો જૂઠ દિયે એક સચ કે લિયે,
ઔર સચ ને ક્યા ઈનામ દિયે