(કેટલીક કાલ્પનિક પરિસ્થિતિઓ)
નાગરિકધર્મની ચરમસીમા
(Height Of Civic sense)
"એક્સક્યુઝ મી, સર! જી...આપ..આપસાહેબને જ બોલાવું છું."
"બોલો, ભાઈ. શું કામ પડ્યું મારું?"
"માફ કરજો સાહેબ, પણ આપ ઑન ડ્યુટી છો, તો આપનો ડંડો ક્યાં છે?"
"એટલે? તું કહેવા શું માગે છે %&$#@? તારે મારું કામ છે કે મારા ડંડાનું?"
"ટુ બી ફ્રેન્ક, આપના ડંડાનું."
"હેં? લાવ તારું મોં સૂંઘવા દે."
"સાહેબ, ડિસર્ટમાં છેલ્લે બ્રાઉની જ ખાધેલી. બટ સર, આયેમ અ લૉ-અબાઈડિંગ, ટેક્સપેઈંગ સિટિઝન. એટલે ક્યારનો મને ગિલ્ટ થયા કરતો હતો."
"કેમ? બ્રાઉની એગલેસ નહોતી?"
"સર! ઈટ્સ નોટ અબાઉટ બ્રાઉની. એકચ્યુલી થયું એવું કે હું જ્યારે આ મંડપમાં આવ્યો એ જ વખતે મને હોસ્ટે કહ્યું કે ઓલરેડી પચાસ જણ થઈ ગયા છે એન્ડ માય નમ્બર વૉઝ ફીફ્ટી ફર્સ્ટ. મેં કહ્યું કે હવે એટલું બધું એક્યુરેટ કયો કાકો ગણવાનો છે? આઈ વીલ સૂન ફિનીશ ધ ડીનર, હેન્ડ યુ ઓવર ધ ચાંલ્લા એન્ડ સ્લીપ અવે. પણ સર, મેં જીવનમાં કદી કોઈ ઈલલીગલ કામ કર્યું નથી."
"ઈલલોજીકલ જ કર્યું લાગે છે!"
"સર, ધેટ્સ અ ડિફરન્ટ બૉલગેમ. એટલે મારું હૈયું અંદરથી પારાવાર પશ્ચાતાપ અનુભવતું હતું. એવામાં મેં આપસાહેબને જીપ પાસે ઊભેલા જોયા. મને થયું કે કન્ફેશન ઈઝ ધ બેસ્ટ વે ટુ ગેટ અવે ફ્રોમ ગિલ્ટ. આપની પાસે ડંડો હોય તો શું કે મને અહીં અડાડી દો તો મને થાય કે મને મારા ગુનાની સજા મળી ગઈ."
"અહીં અડાડો એટલે? તમે કહો ત્યાં અમારે ડંડા ફટકારવાના છે એમ?"
"સર, આ તો શું કે તમનેય એક સાચા ગુનેગારને સજા કરવાની તક મળે. યુ નો."
"વેલ, ઈન ધેટ કેસ, ટર્ન બૅકવર્ડ એન્ડ સ્ટાર્ટ રનિંગ અનટીલ આઈ કાઉન્ટ ટેન."
"સર, ના. નહીં. નો એન્કાઉન્ટર, પ્લીઝ!"
"ચલ ભાગ, %$#@&!"
****
વિરક્તિની ચરમસીમા
(Height Of Detachment)
"પણ કાકી, આ સાડીઓ તો કેટલી મોંઘી...એ પહેલાં તમે તમારાં ઘરેણાં પણ..."
"એક અક્ષર બોલવાનો નથી, બેટા. આ બધું તારું જ છે. જો ને, મને હવે 97 થયાં. હવે હું દસકો માંડ કાઢું તો કાઢું."
"એમ ન બોલો, કાકી! હજી તો તમારું ફ્રેન્ડલિસ્ટ પંદરસોએ જ પહોંચ્યું છે. તમારું પ્રોફાઈલ પિક બદલીને તમારા કૉલેજ વખતનું મૂકીશું તો પાંચ હજાર તો આમ થઈ જશે. એક વાર એ થાય એટલે તમારું એફ બી પેજ ચાલુ કરીશું. ને તમે આ બધું સાવ મને ધરી દો તો મને કેવું થાય?"
"બધું સમજીવિચારીને જ કર્યું છે. હવે હું ધીમે ધીમે વાઈન્ડ અપના મોડમાં છું. જો ને, ગયે મહિને મારો પ્રોફાઈલ પણ મેં અનલૉક કરી દીધો. ફ્રેન્ડ લિસ્ટ પાંચ હજારે પહોંચે તોય શું ને ન પહોંચે તોય શું? પણ આ એક નોટ છે એ તું સાચવીને રાખજે."
"સ્યુસાઈડ નોટ?"
"તું ટી.વી.ચેનલો જોવાનું ઓછું કર, દીકરી. તનેય 75 થયાં ને હજી તને નોટના નામે સ્યુસાઈડ નોટ જ યાદ આવે છે! એની વેઝ, આ નોટ તારા માટે છે. એટલે કે તારે એને સાચવી રાખવાની છે."
"ઈફ યુ ડોન્ટ હેવ માઈન્ડ, મે આઈ...."
"વ્હૉટ ડુ યુ મીન? આઈ હેવ માઈન્ડ.....તને પહેલેથી કે'તી'તી કે તું મારી પાસે અંગ્રેજી શીખ, પણ તું...."
"સોરી, સોરી, કાકી! એક્ઝિક્યુટ મી, પ્લીઝ!"
"તું મને જલ્લાદ સમજે છે? મારી વાત ભૂલાડી દીધી તારા આ અવળચંડા અંગ્રેજીએ. હું શું કહેતી હતી?"
"પેલી નોટની વાત હતી..."
"હા. તો હું એમ કે'તી'તી કે આજે તો હું છું, પણ માન કે દસવીસ વરસ પછી હું ન હોઉં ત્યારે મારા એફ બી પેજ પર તું આ નોટ મૂકજે. હું નથી ઈચ્છતી કે મારા પછી, મારા વિશે બીજું કોઈ ગમે એમ ભચડી મારે. સો આઈ હેવ પ્રિપેર્ડ માય બાયોડેટા ટાઈપ ઑફ શ્રદ્ધાંજલિ."
"કાકી! તમારા વિરક્તિભાવને નમન! પોતાની જાતથી અળગા રહીને કોઈ પોતાના વિશે આવું લખે એ વાત જ મને થ્રીલ કરી મૂકે છે. હું જરૂર મૂકીશ. પણ..."
"પણ, પાંપણ, ખાંપણ, કૃપણ...જે હોય એ કહી દે આજે."
"કાકી, તમારા એફ બી અકાઉન્ટના આઈડી અને પાસવર્ડ વિના હું એને તમારા પેજ પર મૂકીશ શી રીતે?"
"કમ્મોન, મેં આટલો વિચાર કર્યો તો આનું પ્રોવિઝન બી વિચાર્યું જ હોય ને? તારે લૉગ ઈન થવાની જરૂર જ નથી. મારી ટાઈમલાઈન પર જ પેસ્ટ કરી દેવાનું, ઈઝ ધેટ ક્લીયર?"
"વાહ, કાકી. આર.આઈ.પી; આર.આઈ.પી. હોં! કહેવું પડે!"
****
પ્રામાણિકતાની ચરમસીમા
(Height Of Honesty)
"લ્યા અડબંગ, તું રોકડ લયને હાલી આવ્યો? મગશ સે કે ભૂસું ભયરું સે?"
"બટ સર, તમે ક્લેરીફાય ક્યાં કરેલું? અને આમ જનરલી રેન્સમ મની તો કૅશ જ અપાતા હોય છે ને?"
"કયા જુગમાં જીવે સ તું? ઈ તો ઓલ્યું શરવર ડાઉન સે અટલે, નકર તો ઈ ઑનલાયન જ ભરાવી દેત તારી હાર્યે!"
"નો પ્રોબ્લેમ, સર! આઈ વુડ ડુ ઈટ ધ વે યુ વૉન્ટ. બટ સર, આઈ હેવ અ કન્ફ્યુઝન."
"ભશ."
"તમે મને ફોન કર્યો ત્યારે બિહારી એક્સેન્ટમાં બોલતા હતા. અને હવે આ હાઈબ્રીડ કાઠિયાવાડી....? આઈ મીન, મને નથ્ય હમઝાતું, બાપલા!"
"તને ઈમ શે કે હાયબ્રીડ કાય્ઠ્યાવાડી ડાયરાવારા જ બોલે, ને બીઝા કોયને નો ફાવે? હાલ્ય હવે, બઉ વાયડીનો થા મા! તારી બેગું મૂય્ક ને કાઉન્ટર પરથી કેસ આલ્યાની રશીદ ફડાવી લેજે. એ રશીદ બતાડીસ એટલે તને તારો સોકરો મલી જશે."
"રશીદ? યુ મીન રિસીપ્ટ? રેન્સમ મનીની? માય ગ્ગોડ! ભાર્યે કરી બાપુ તમે તો!"
"બે વાત ઈયાદ રાય્ખવી. કાય્ઠ્યાવાડી બોલે ઈ હંધાયને બાપુ નો કે'વું."
"ગૉટ ઈટ. અને બીજી?"
"ઝો, તને ઈમ હસે કે આ તે કેવા બા'રવટિયા? પણ ઝો, આ અમારો ટી.આઈ.એન.નંબર. આ પાન નંબર. ને ઓલ્યું બોરડ દેખાય ઈને માથ્યે વાંશ, જો ગુજરાતી વાંસતા આવડતું હોય તો."
"એ શું લખ્યું છે...અં...રાષ્ટ્રીય લૂંટફાટ નિધિ સાથે સંલગ્ન....નાણાં ચૂકવ્યાની રસીદ લેવાનો આગ્રહ રાખો, નહીંતર આપ ગુનેગાર ગણાશો."
"શંખ! ઈ બધું નકાય્મું નો વાંશ. પેલા લાલ્ય ચકેડાવારું વાંશ."
"લાલ, યુ મીન રેડ...અં...અં...રિવૉર્ડેડ એઝ ધ મોસ્ટ ઓનેસ્ટ ડેકોઈટ ફોર ધ યર 2018-2019."
****
સહાનુભૂતિની ચરમસીમા
(Height Of Empathy)
"ઓ વડીલ! ઓ અન્કલ!"
"અલ્યા, તું જાગી ગ્યો? શ્યોરી, શ્યોરી, મારે તારી ઉંઘ બગાડવી નતી."
"વડીલ, આટલા જોરથી આવો ભારે ધાબળો કોઈની પર ફેંકો તો કોઈ પણ જાગી જાય."
"જોરથી ફેંકો એટલે? તે સું મારી ગાડીમાંથી નીચે ઉતરીને તને ઓરાઢી જઉં? એક તો ફૂટપાથ પર હુવુ ને ચરબી કેટલી?"
"સોરી, કાકા! એવું હોય તો આ ધાબળો લઈ જાવ પાછો. બે દા'ડાથી કશું ખાધું નથી. એની કશી વ્યવસ્થા થાય તો કરો."
"લ્યો, હોંભરો. હવે મારા બેટા ધાબરા લેનારાય ડિમાન્ડ મૂકવા લાગ્યા. ભઈ, અત્તારે ટાઢ બઉ છે. ધાબરો ઓઢીને પડ્યો રે. જીવતો રઈસ તો કોક હરિનો લાલ ખાવાનુંય આપી જસે. હમજ્યો? ચલ, અવે. મારે હજી બે-ચાર એરિયા કવર કરવાના છે."
"એક્સક્યુઝ મી! તમે મને ધાબળો આપતા હો એવો ફોટો નથી પડાવવો?"
"અલ્યા મૂરખ, ધાબરા ઓરાઢતા ફોટા પડાવવા હોય તો ગોમમાં કવિઓ ખૂટી ગ્યા સે? આ તો ગુપ્ત દાન સે, ભઈલા, ગુપ્ત દાન! તને એ નંઈ હમજાય."
"અને મારા માટે આ ગુપ્ત જ્ઞાન છે, અંકલ!"
****
કરુણાની ચરમસીમા
(Height Of Compassion)
"સાહેબ, આપ તો કરુણાના સાગર છો. આપ તો...."
"જ્ઞાનગુણસાગર નથી. મારું જ્ઞાન બહુ લિમિટેડ છે. મને આ નિયમપોથીની બહાર કશાની જાણ નથી."
"પણ સર, આપ અત્રે આપની ફોજ સાથે પધાર્યા છો તો મને સહેજ જાણ તો કરવી હતી? આપને કદાચ ખ્યાલ નહીં હોય કે આ વિસ્તારના એમ.એલ.એ...."
"તમને ઓલરેડી નોટિસ પહોંચાડેલી છે. અને આ વિસ્તારના નહીં, ભારતના કોઈ પણ વિસ્તારના એમ.એલ.એ. તમારા જે કંઈ સગા થતા હોય તો પણ વાંધો નથી. અન્ડરસ્ટેન્ડ?"
"હા. સ્ટેન્ડ, સ્ટેન્ડ! પણ સર, મને આપના વિશે જે જાણવા મળ્યું છે એ મુજબ આપ તો કરુણના સાગર છો. આપના હૈયે સદાય વંચિતોનું હિત વસેલું હોય છે. હું તો એક નાનો બિલ્ડર છું. મુજ ગરીબ અને વંચિતના નિસાસા લેશો આપ?"
"તમે નાના બિલ્ડર છો એટલે ચાર માળ વિના મંજૂરીએ ખેંચી લેવાના?"
"પણ સર, મોટા બિલ્ડરો તો દસ દસ માળ ખેંચે છે. હું તો નાનો છું એટલે મારા બજેટ મુજબ કરું ને? આપ તો સમજો છો!"
"ઓકે. તો તમે એમ ઈચ્છો છો ને કે હું તમારો નિસાસો ન લઉં?"
"હા, સાહેબ! તમે કહો ત્યાં આવી જઉં."
"કશે આવવાની જરૂર નથી. જુઓ, હું આટલી મોટી ફોજ લઈને આવ્યો છું એટલે હવે એમ ને એમ પાછો વળું તો આ બધાનું ભાડું માથે પડે. એમ કરો. મને ફક્ત એક માળ તોડવા દો. બસ?"
"વાહ સાહેબ! તમારા વિશે મેં સાચું જ સાંભળેલું, હોં! તમે ખરેખર દયાના સાગર છો. "
"સારું, સારું. હવે તમે બાજુએ હટો. અમને અમારું કામ કરવા દો." (કર્મચારીઓને)
"આ બિલ્ડરસાહેબના મકાનના આપણે ચાર માળ તોડવાના નથી. ફક્ત એક જ માળ તોડવાનો છે. તમે લોકો સાચવીને તૈયારી કરવા માંડો. આપણે માત્ર ગ્રાઉન્ડ ફ્લોરને જ તોડવાનો છે. ગૉટ ઈટ?"
****
સર્જકતાની ચરમસીમા
(Height Of Creativity)
"વડીલ, બબ્બે જનરેશનના આપણા રિલેશન્સ ખરા એની ના નહીં. શરૂ થયા ત્યારે બિઝનેસ રિલેશન્સ જ હશે, અને હવે એ ફેમીલી રિલેશન્સ બની ગયા એય ફેક્ટ છે. પણ તમે તો જાણો છો કે...."
"બધુંય જોણીએ છીએ, ભઈ. અમોએ જે નિર્નય લીધેલ છે એ સમજીવિચારીને, અમારા પૂરેપૂરા હોશોહવાસમાં અને બિનકેફી અવસ્થામાં જ લીધેલ છે."
"યુ મીન વિધાઉટ કૉફી? બટ હાઉ અ કૉફી કેન અફેક્ટ ધીસ....?"
"એ બધી સબ્દોની રમત છોડો. તમારું કામ નહીં."
"પ્રિસાઈઝલી, અંકલ. માય પૉઈન્ટ! શબ્દોની રમત મારો કપ ઑફ ટી, આઈ મીન, ઈન યૉર ટર્મ્સ, કૉફી નથી. હું તો આંકડા સાથે રમનારો. અને તમે મને 'શ્રેષ્ઠ સર્જક'નો એવોર્ડ આપવા માંગો એ મને નથી સમજાતું."
"ભઈ, જો. મારા બાપા મને બે વાત કહીને ગયેલા."
"બસ? બે જ?"
"એમ તો બસેં વાત કહેલી. પણ તમને લાગેવળગે એવી બે જ છે. પહેલું તો એ કે કોઈ આપણું સારું કામ કરી આપતું હોય તો એનો યોગ્ય બદલો વાળો. અને બીજું, આ રીતે ઋણ ચૂકવવામાં મોડું ન કરો."
"ઓહ! આઈ એમ સ્ટીલ નોટ ગેટિંગ યૉર પૉઈન્ટ."
"હવે મને ચોખ્ખેચોખ્ખું જ કહેવા દો. તમે જ કહ્યું કે આપડો સંબંધ બબ્બે પેઢીનો છે. તમે અમારા ઑફિશિયલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છો. સાહેબ, મારે ત્યાં જે ચોપડીઓ છપાવવા આવે એ પહેલાં હું વાંચતો હોઉં છું. પણ તમે જે સર્જકતા અમારા હિસાબ લખવામાં બતાવો છો એ લેવલે હજી સુધી કોઈ પહોંચી શક્યું નથી. બોલો, હવે તો અમારી શઉંશ્થાનો એવોર્ડ લેશો ને?"
"અંકલ, અંકલ! સોરી! હું આપની ભાવનાને ઓળખી શક્યો નહીં. આપ મને તારીખ અને સ્થળ કહી દેજો. હું પહોંચી જઈશ."
No comments:
Post a Comment