- અવિનાશ ઓક
અમે 1979માં રેકોર્ડ કરેલા ગીત 'લૈલા મૈં લૈલા'નો પણ રસપ્રદ ઈતિહાસ છે. ફિરોઝખાનની ફિલ્મ 'કુરબાની'નું એ ગીત હતું, જેનું નામ પહેલાં 'કસક' રખાયેલું. ફિલ્મના સંગીતકાર હતા કલ્યાણજી- આણંદજી. પાકિસ્તાની ગાયિકા નાઝીયા હસને ગાયેલું, બીદ્દુ નિર્મિત ગીત ફિર્ઝખાને લંડનમાં રેકોર્ડ કરી દીધેલું. એ સ્ટિરિયોમાં હતું. 'લૈલા મૈં લૈલા'ના રેકોર્ડિંગનો મુદ્દો આવ્યો ત્યારે ફિરોઝખાને તેને પણ સ્ટિરિયોમાં રેકોર્ડ કરવાનો આગ્રહ રાખ્યો. કલ્યાણજી-આણંદજીએ એમ કરવાની પોતાની અક્ષમતા દર્શાવી, કેમ કે, બોલીવુડમાં એ સમયે એનું ચલણ નહોતું. મોટે ભાગે બધું મોનોમાં જ થતું.
એ તબક્કે બાબલાભાઈએ સૂચવ્યું કે વેસ્ટર્ન આઉટડોર નામના સ્ટુડિયોમાં સ્ટિરિયો રેકોર્ડિંગ કરી શકાશે. પણ કલ્યાણજી-આણંદજી સાશંક હતા. તેમણે કહ્યું કે 'ડબલ્યુ.ઓ.એ.' ફિલ્મનો સ્ટુડિયો નથી. તેમના આવા અભિપ્રાયની પૃષ્ઠભૂમિ પણ મજાની છે. તેમનો મુદ્દો સાચો હતો. એ વખતે એમ જ માની લેવાતું કે તમે ફિલ્મ (સેલ્યુલોઈડ) માટે કશું પણ રેકોર્ડિંંગ કરવાના હો તો એને 35 એમ.એમ. ઓપ્ટિકલ કે મેગ્નેટિક રેકોર્ડર પર જ કરવાનું, તો જ તે ચલચિત્ર સાથે 'સીન્ક' થાય. વાત એકદમ સાચી હતી. (1980માં યશ ચોપડાએ 'સિલસિલા'નાં ગીતો કફ પરેડ વિસ્તારમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંના એચ.એમ.વી.ના નવા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડ કરેલાં. એ સ્ટુડિયો સામાન્યપણે વપરાતી 35 એમ.એમ.ની મેગ્નેટિક ટેપને બદલે એક ઈંચની ટેપ પર આઠ ટ્રેકના રેકોર્ડિંગની સુવિધા ધરાવતો હતો. યુરોપનાં સ્થળોએ શૂટ કરેલાં દૃશ્યો સાથે ગીતો 'સીન્ક' નહોતાં થતાં. મહાન રેકોર્ડિંગ જીનિયસ મંગેશ દેસાઈએ ઊપાય શોધીને ગીતોને ફરી રેકોર્ડ કરવાનો ખર્ચ અને સમય બચાવેલો.)
બાબલાભાઈએ અમારી સાથેનાં તેમનાં ડિસ્કો દાંડિયાનાં બધાં આલ્બમ સ્ટિરિયોમાં રેકોર્ડ કરેલાં. એમણે કહ્યું કે આપણે પ્રયત્ન કરીએ, તો 'સીન્ક'નો મુદ્દો ડબલ્યુ.ઓ.એ.વાળા સંભાળી લેશે. આવી ખાતરી પછી કલ્યાણજી-આણંદજી તૈયાર થયા. 'સીન્ક' બાબતે અમે નિશ્ચિત હતા, કેમ કે, ફિલ્મો માટે અમે રેકોર્ડિંગ કરી જ રહ્યા હતા, પણ એ મોનોમાં હતાં. સ્ટિરિયોમાંનાં ગીતો માટે પ્રક્રિયા આવી જ હતી. અમારી પદ્ધતિ સાદી, પણ જફાવાળી હતી. પહેલાં અમે બે કે ચાર ટ્રેક પર ગીત રેકોર્ડ કરતા. એ પછી તેને પા ઈંચની ટેપવાળા રેકોર્ડર પર મિક્સ કરતા. એમાં એટલું જ હતું કે એ બન્ને ટ્રેક મોનોની રહેતી. પછી અમે ટેપ રેકોર્ડરને પ્રભાદેવીમાં આવેલા રાજશ્રી પ્રોડકશન્સના ફિલ્મ ટ્રાન્સફર રૂમમાં લઈ જતા. ત્યાં દિનશાબાબા (બીલીમોરીઆ) નામના સિનીયર એન્જિનિયર સંભાળપૂર્વક એને 35 એમ.એમ.મેગ્નેટિક કોટ ટેપ પર ટ્રાન્સફર કરતા. એ પછી નિર્માણ માટે 35 એમ.એમ.ટેપ માસ્ટર ટેપ બની જતી. એને તેઓ ઓપ્ટિકલ, પા ઈંચની ટેપ વગેરે વિવિધ ફોર્મેટ પર ટ્રાન્સફર કરતા. પા ઈંચની ટેપ શૂટિંગના હેતુ માટે વપરાતી.
'લૈલા ઓ લૈલા'નું રેકોર્ડિંગ સેશન મને બરાબર યાદ છે. અમે તમામ માઈકને ભોંય પર મૂકીને બધા સાજિંદાઓને સ્ટિરિયો ટેક માટે ગોઠવેલા. બાબલાજી રોટોમ્ડ્રમ્સ નામનું પોતાનું નવું પહેલી વાર ઊપયોગમાં લઈ રહ્યા હતા. ડ્રમહેડ ફેરવીને એના આખા સપ્તકનું ટ્યુનિંગ એક સપાટામાં ઝડપભેર થઈ જતું. અમે બે માઈકને એ-બી સ્ટિરિયો રેકોર્ડિંગ મોડ પર ગોઠવ્યાં અને તેમના આઉટપુટને સાવ જમણા અને ડાબા સ્પીકર આગળ મૂક્યાં. બાબલાભાઈએ એમની પીક અપ પેટર્નમાં જેવું ડ્રમ વગાડ્યું કે લોકો ઊભા થઈ ગયા. મુંબઈમાં ફિલ્મ રેકોર્ડિંગમાં સ્ટિરિયોનો રોમાંચ અનુભવી શકાય એ પહેલવહેલી વાર સાંભળવા મળ્યું.
અહીં મારે એ નોંધવું જ રહ્યું કે એકાદ દાયકા અગાઉ ફિલ્મદૃષ્ટા ડૉ. વી. શાંતારામ અને સૂઝબૂઝ ધરાવતા કુશળ કસબી મંગેશ દેસાઈએ સ્ટિરિયોનો સફળ પ્રયોગ કરેલો. એ ફિલ્મ હતી 'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી.'
(excerpt from 'Unspooling Memories' by Avinash Oak, Hedwig Media House, 2023)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.
- અવિનાશ ઓક ફિલ્મજગતના બહુ જાણીતા સાઉન્ડ રેકોર્ડિસ્ટ છે.)
No comments:
Post a Comment