Friday, February 18, 2022

ચરમસીમા (5)

(કેટલીક કાલ્પનિક પરિસ્થિતિઓ) 

નિસ્બતની ચરમસીમા
 (Height Of Concern)

"આપ તો આટલા મોટા બિલ્ડર છો, સર! આપના બનાવેલા એક એક ફ્લેટની પ્રાઈસ કરોડોમાં હોય છે, અને તોય બુકિંગમાં લાઈન લાગે છે."
"મુદ્દા પર આય, દોસ. તને પોંચ મિલીટ આલેલી છે."
"હા, સર. હું એમ કહેતો હતો કે અમારો આ એક પ્રોજેક્ટ છે. આપ તો જાણો છો કે ખેતમજૂરોનું કોઈ સ્થાયી ઠેકાણું હોતું નથી. આથી તેમનાં બાળકોને ભણતર..."
"ખબર છે, ભઈ. એ લોકોને શ્કૂલમાં ઠેકોણું ના પડે. તે એમાં હું સું કરું, ભઈબંદ?"
"સર, આપને પેલું સી.એસ.આર. (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી) ફંડ હોય છે ને, એમાંથી થોડું ફાળવી આપો તો..."
"દોસ, બે મિલીટ થઈ ગઈ છે. હવે તેંં આ શીએશારની વાત કરી તો સામે જો. પેલું સું દેખાય છે?"
"સર, એ તો આપની નવી સાઈટ લાગે છે."
"બરોબર. એમાં પેલી મજૂરણો દેખાય છે ? ને પેલા માટીના ઢગમાં રમતા ટાબરિયા?"
"અં..અં...હા. દેખાયા, દેખાયા."
"એ બધીયે મજૂરણો આપડી. એમના આ બધા ટાબરિયા શરકારી શ્કૂલમોં ભણે છે. એનો ખરચ મારી કંપની આલે છે. આ બધીયોનો પેલો કયો વીમો- હેલ્થનો લીધેલો છે. એનું પ્રિમીયમ બી કંપની ભરે. આ શીએશાર બીએશાર બધું અમણોં આયું. અમે તો વરશોથી આ બધુ કરીએ."
"સર! આ તો એક્સેલન્ટ કહેવાય, પણ એક સવાલ થાય છે. અહીં કોઈ મજૂર, આઈ મીન મેલ મજૂર દેખાતો નથી. તો શું આપના મનમાં વીમેન એમ્પાવરમેન્ટનો કોન્સેપ્ટ પણ છે કે શું?"
"અલ્યા, ડફોર! પેલો ફોટો દેખાતો નથી? અહીં કોમ્પ્લેક્સ બનવાનું છે. પાવર પ્લાન્ટ આવામાં થતો અસે? તેં મજૂરોવારુંં પૂછ્યું ને? એ બધા ચગદઈ ગયા."
"હેં? એટલે? યુ મીન...?"
"ના, ભઈ. મીન નહીં, હું વુરશભવારો છું. આ સાઈટ તો અમણો બની. અંઈ એમની ઝૂંપડપટ્ટી અતી. મારા બેટા વિરોધને રવાડે ચડેલા. તો આપડે એક દા'ડો આઈને બુલડોઝરો ફેરવાઈ દીધા. પણ મારા બાપા કઈ ગયેલા કે કોઈનો રોટલો ઝૂંટવતો નહીં. તો આપડે એ બધાયના બૈરીછોકરાને આપડી નવી સાઈટે રાખી લીધા. આપડી બધી સાઈટ પર તને - પેલું તેં સું કહેલું- પાવર પ્લાન્ટ જોવા મલશે. હમજ્યો? ચલ, જા, દોસ હવે! આઠ મિનીટ થઈ ગઈ તારી."
****

સંકલ્પશક્તિની ચરમસીમા
 (Height Of  Will power)

"બાપજી, એક વરસથી આપની સેવામાં સવારે હાજર થઈ જાઉં છું. જોઈ રહ્યો છું કે આપની સંકલ્પશક્તિ મેરુ પર્વત જેવી અડગ છે. આપ ન ઈચ્છો ત્યાં સુધી એને કોઈ ડગાવી ન શકે. કેટલી બધી ચીજોનો ત્યાગ કરવાનો સંકલ્પ તો આપે જાહેરમાં લીધો છે. હું જ નહીં, મારા જેવા અનેક ભક્તો એના સાક્ષી છીએ. અહીં આવ્યા ત્યારે સવારે આંખ ખૂલતાં જ આપને ચા જોઈતી. એક વખત આપે જાહેરમાં સંકલ્પ કર્યો કે હવેથી ચા બંધ. અને પછી કોઈ આપની સમક્ષ ચાના સબડકા બોલાવે તોય આપને કંઈ ન થાય!"
"હં..."
"આવું તો કેટકેટલું ગણાવું, બાપજી! આપને જોઈ જોઈને અમ સંસારીઓ પણ નાનોમોટો સંકલ્પ લેતાં શીખ્યા છીએ. અમનેય લાગ્યું છે કે સંકલ્પશક્તિ કોઈ પણ કેળવી શકે છે. અને સંકલ્પને કોઈ પણ ભોગે પાળવો એ ઉચ્ચ શિખર તરફ જવાનું પ્રથમ પગથિયું છે."
"હં..."
"બાપજી, આપે જેમ ચા ત્યાગી. પછી તો દૂધ પણ ત્યાગ્યું. ભજીયાંં આપને પ્રાણપ્રિય હતાં. એને પણ આપે એક સંકલ્પે ત્યાગ્યાં. હવે પછી આપ કયો સંકલ્પ લો છો અને શો ત્યાગ કરવાના છો એની પર અમારા સૌની નજર છે, બાપજી!"
"તારી મોટીવેશનલ સ્પીચ પતી ગઈ, વત્સ? તો હવે સિધાવ. ક્યારની ગાંજાની તલબ લાગી છે ને તું છોડતો જ નથી! મંડ્યો જ રહ્યો છે! એમ થાય છે કે ભક્તોનો જ ત્યાગ કરી દઉં."
****


એકાગ્રતાની ચરમસીમા
 (Height Of  Concentration)

"અત્યાર સુધી આવેલા ઉમેદવારોમાંથી કોઈકને સામેનું વૃક્ષ દેખાયું, કોઈકને વૃક્ષ પર બેઠેલાં ફળો દેખાયાં, કોઈકને વૃક્ષની શાખાપ્રશાખાઓ દેખાઈ. એકાદ જણને વૃક્ષની ડાળી પર બેઠેલું વિહંગ પણ દેખાયું. હવે તારો વારો છે, હે પાર્થ! આ કસોટી કેવળ તારી નથી, મારા શિક્ષણની પણ કસોટી છે. હવે સૌ સાંભળે એમ કહે કે તને સામે શું દેખાય છે, વત્સ? "
"જેવી આજ્ઞા, ગુરુદેવ! મને જે દેખાય છે એનું વિગતે વર્ણન કરું છું. આઈ કેન સી ધ આઈ લૅન્સ ઑફ ધેટ બર્ડ. એની પાછળ રેટિના છે. ઈવન મને સ્ક્લેરા અને કોરોઈડ પણ દેખાય છે. અરે! એક મિનીટ, પેલું ફોવિઆ પણ છે. પેક્ટેન અને સૌથી પાછળ રહેલી ઓપ્ટિકલ નર્વ પણ દેખાય છે."
"ઓહ! અર્જુન! કૌંતેય! સવ્યસાચિ! યુ હેવ હાઈલી ડિસઅપોઈન્ટેડ મી. અલ્યા બુડથલ! આ બધું કાલે એનેટોમીના વાઈવા વખતે બોલવાનું હતું. આજે તો આર્ચરીનો પ્રેક્ટિકલ છે. રોજ સવારે ગુરુપત્ની તને બે બદામ વધારે આપતાંં હતાંં એ બધી બાત્તલ ગઈ."
"પણ ગુરુદેવ! તમે તો ક્લાસમાં કહેલું કે વન શુડ કોન્સન્ટ્રેટ સ્ટ્રીક્ટલી અપોન..."
"ભૂલ થઈ મારી! હવે ઉઠબેસ કરું?"
****

ઉત્તરદાયિત્વની ચરમસીમા
(Height Of Accountability)

"જો ભઈ, ઓફિશર! આ શઉંશ્થાનો ઓલમસોલ ઉં જ છું. પ્રેશિડેન્ટ, ગણો, ચૅરમૅન ગણો, ટ્રેઝરર ગણો કે શભ્ય ગણો. તેં જે ચોપડા તપાશ્યા એ બધામાં મારી શઈ છે. એટલે એ બધાયની જવાબદારી મારી. તને એમોં ગોટારા લાગે તો એ તારા ગણિતનો પોબલેમ છે. તને શ્કૂલમાં નામું સિખવનારો કોઈ હારો માશ્તર નંંઈ મલ્યો હોય. અમે તો અંઈ જે બી કારાધોરા કરીએ એ ખુલ્લેઆમ જ કરીએ છીએ. અવે તું આયો જ છું તો જમીને જજે. મારે ત્યોંથી કોઈ ખાલી હાથે જાય એનો વોંધો નંઈ, પણ ખાલી પેટે ના જવો જોઈએ, હમજ્યો કે નંંઈ?

તું ગમ્મે તારે આય, આ ચોપડા તને કોઈ બી જોવા માટે આલસે. તારે એ જોવાના, વોંચવાના ને પછી ભૂલી જવાના, સું કયું? આ ચોપડામોં 'ગાયકૂતરાંને ભોજન' હેઠન જે ખરચો લખેલ છે એ શેનો છે એ હમજે છે કે નંઈ? તો હોંભર, એ અમે ઈલેક્સન ફંડમોં નિયમીત આલીએ છીએ. અટલે તું આઘુંપાછું કશું કરતો નંઈ. તને કહી દીધું કે ચોપડામોંં જે કંઈ ગરબડગોટારા છે એની જવાબદારી મારી એટલે પત્યું. હમજ્યો ને? તારી નોકરી તો બદલીવારી હોય એટલે તું તો આજ હોઉં ને કાલ નંઈ. પણ અમે ને આ પાર્ટીવારા તઈણસો ને પોંશઠ દિવસ અંંઈ જ ખોડાયેલા હોઈએ. ચલ તારે, તારા શાહેબને યાદ આપજે મારી. કે'જે કે હવે કોરોનાનું પતી ગયું છે અને આપડે કબૂતરાનું ચણ ફરી ચાલુ કરી દીધું છે. એટલે આઈને લઈ જાય."

****


વિનમ્રતાની ચરમસીમા

(Height Of Modesty)




"અત્રે જે મંચસ્થ મહાનુભાવો છે એમની સરખામણીએ તો હું સાવ છૂંછૂં ગણાઉં. અરે! છૂંછૂંય નહીં, છૂંછાની ટોચનો પણ હજારમો ભાગ ગણો ને! હું તો ઝીરો વૉટનો બલ્બ છું. જીવનમાં મેં ક્યારેય કશું કામ સરખું કર્યું નથી. સ્કૂલટાઈમે મારું હોમવર્ક પણ હું બીજાઓ જોડે કરાવતો. હવે મારું અકાઉન્ટ મારા એકાઉન્ટન્‍ટો લખે છે. સમાજને ઉપયોગી થવાના દંભી ખ્યાલ મારા દિમાગમાં કદી આવ્યા જ નથી. ખોટું કેમ કહેવું? પણ અમુક નમૂનાઓને જોઈને તો એમનો ઘોઘરો દબાવી દેવાનું મન થઈ જાય છે. હે મંચસ્થ મહાનુભાવો! આપ મારી આ વાતથી ગભરાશો નહીં. હું આપનું તો ઠીક, કોઈનુંય સાહિત્ય વાંચતો નથી. માટે આપ નિશ્ચિંત રહેજો. મને મારા બાપાએ કહેલું ને મારા બાપાને એમના બાપાએ કહેલું કે મત કર તૂ ગુમાન રે બંદે, મત કર તૂ ગુમાન. તો આપ જોઈ શકો છો કે વિનમ્રતાનો ગુણ મને વારસામાં મળેલો છે. એટલે જ મને નવાઈ લાગે છે, અને આપને સૌને પણ નવાઈ લાગતી હશે કે મારા જેવો માણસ આ કાર્યક્રમમાં સ્ટેજ પર ક્યાંથી ચડી બેઠો! તો વાત એમ છે કે મારા બાપાના બાપાને એમના બાપાએ, અને એમના બાપાને એમના બાપાએ કહેલું કે આપણે જે કંઈ કમાઈએ એને આપણા એકલાનું ન ગણવું."
(તાળીઓ)
"આપણી કમાણીમાં આપણા જેટલો તો નહીંપણ થોડોઘણો હક સમાજનો બી ખરો." 
(તાળીઓ) 
"એટલે આપણે યથાશક્તિ દાનપુણ્ય કરવું. ડાકોર જઈને ત્યાંના કાચબાઓને મમરા નાખવા. દ્વારકાની માછલીઓને લોટની ગોળીઓ નાખવી. ઘરઆંગણે કબૂતરાંને જારના દાણા નાખવા. વગેરે...વગેરે..." 
(તાળીઓ) 
"તો પાંચમી પેઢીએ મેં આ પરંપરા જાળવી રાખી છે એમાં કશી ધાડ નથી મારી. હામેં એમાં થોડું ડાઈવર્સીફાઈ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે."  

(તાળીઓ)  

"દર વરસે મારાથી દ્વારકા ને ડાકોર જઈ શકાતું નથી. એટલે ઘરઆંગણે યોજાતા સાહિત્યના કાર્યક્રમોમાં મહેમાનોને ચાપાણી કરાવવાની વ્યવસ્થા મેંં ઉપાડી લીધી. હવે તમે જ કહોમિત્રો! આમાં મેં કઈ મોટી ધાડ મારીપણ જોવાની વાત એ છે કે આપણા આટલા ગામમાં આટલી ધાડ મારનારો પણ કોઈ મળતો નથી. આથી આ કાર્યક્રમના આયોજકો મને દર વખતે મંચ પર સ્થાન આપે છે. એટલે આ તો પેલા એના જેવું થાય- કે લાખ રૂપિયાનો હીરો શોરૂમમાં શોકેસમાં પડ્યો હોયપણ એને માથે પચ્ચી રૂપિયાનો બલ્બ સળગાવવો પડે. તો એમ સમજો ને કે આ મહાનુભાવો એટલે હીરાઅને હું ઝીરો વૉટનો બલ્બ! આ મહાનુભાવો એમના ફિલ્ડના ગજરાજ એટલે કે હાથી સમા. અને હું છૂંછાની ટોચનો હજારમો ભાગ. હાથીને ગાંડો કરવા એટલું જ પૂરતું છે. બસઆથી વધુ મારે કશું કહેવું નથી. તમતમારે આગળ જે ઝીંકવું હોય એ ઝીંક્યે રાખજોકેમ કેહું કાર્યક્રમમાં બેસવાનો પણ નથી. લ્યો ત્યારે!  વધારે બોલાયેલું ઓછું જાણજો ને મને દાનપુણ્ય કરવાની આવી ને આવી તક આપતા રહેજો." 

(તાળીઓનો ગડગડાટ)

**** 

ત્યાગની ચરમસીમા

(Height Of  Renunciation) 

"આ કાર્યક્રમના મુખ્ય વક્તા જે ખાસ છાલિયાપુરાથી અત્રે ઉપસ્થિત રહ્યા છેઅને તેમની છાલિયાપુરાની અદ્‍ભુત સંસ્થાની મુલાકાતે હું ગયો ત્યારે મારા માટે ખાસ પ્રભાવશાળી વક્તવ્યનું આયોજન કર્યું હતું એવા પરમ આદરણીય છેલ્લા ચાલીસ ચાલીસ વરસોથી સમાજસેવા ક્ષેત્રે કાર્યરત અદના સમાજસેવક - મારા તો પારિવારિક મિત્ર - ગયે વરસે મારા ભાઈના પરિવારમાં ભવ્ય લગ્નપ્રસંગ અત્યંત સાદગીથી સંપન્ન કરવાનો અનન્ય નિર્ણય લેવામાં આવેલોકેમ કેભાઈ પોતે એક પ્રભાવી સમાજસુધારક છે અને તે માને છે કે ભવ્ય લગ્નમાં ખોટો ખર્ચ કરવા કરતાં તેને સમાજસેવામાં વાપરવાઅને એ એવું જ કરતો આવ્યો છેએણે પોતાનાં લગ્ન પણ એ રીતે કરેલાંએ પછી એનાં સંતાનોનાં લગ્ન પણ અત્યંત સાદગીથી કર્યાં અને હવે એની ત્રીજી તેજસ્વી પેઢીએ પણ એણે એ જ ઉજ્જ્વળ પરંપરા સાતત્યપૂર્વક જાળવી રાખી છેએની વહાલસોયી પૌત્રીનાં લગ્નનું પણ ભવ્ય આયોજન એણે અત્યંત સાદગીપૂર્વક કર્યું  જેમાં માત્ર અગિયાર અંતરંગ વ્યક્તિઓને જ ભાવભીનું નિમંત્રણ પાઠવેલું અને એ અગિયાર અંતરંગ વ્યક્તિઓમાં છાલિયાપુરાની સંસ્થાના યશસ્વી હોદ્દેદાર તરીકે ઉપસ્થિત રહેવાનું ગૌરવ જેમને પ્રાપ્ત થયેલું એવા એ સંસ્થાના પ્રમુખશ્રી જે આજે અહીં મારા સન્માન સમારંભમાં પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે એવા પરમ સન્માનનીય શ્રી........"

ટ્રી....ઈ......ઈ......ઈ.....ઈ....ઈ....ઈ....ન! (સમયમર્યાદા સૂચક ઘંટડીનો રણકાર) 

"ક્ષમા કરજો. હજી બીજા પાંચ મંચસ્થ મહાનુભાવોનો પરિચય અને મારું પ્રાસંગિક વક્તવ્ય બાકી રહે છે. મને લાગે છે કે આપણા જાહેર સમારંભોમાં થતો સમયનો વ્યય અતિ ગુનાહિત છે. કેટલા માનવકલાકોનો વેડફાટ! આ દેશમાં કોરોના કરતાંય ખતરનાક વાઈરસ હોય તો એ છે માઈક. એના ચેપ સામે ભલભલી રસી નકામી છે. આથી હું બાકી મહાનુભાવોના પરિચય અને મારા પ્રાસંગિક ઉદબોધનની લાલચનો ત્યાગ કરીને અત્રે ઉપસ્થિત પ્રબુદ્ધ શ્રોતાગણ સમક્ષ એક અભૂતપૂર્વ દાખલો બેસાડવા માંગું છું. સૌને ખાત્રી આપું છું કે હવે પછી યોજાનારા તમામ કાર્યક્રમોમાં પણ ઘંટડી તથા તેના વગાડનારની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ત્યાગની આ મહાન પરંપરા આગામી પેઢી આગળ ધપાવશે એ જ અભ્યર્થના. અસ્તુ." 

(તાળીઓનો પ્રચંડ ગડગડાટ)

****   

સાચવણીની ચરમસીમા:
સીટ જાઈ, પર સીટકવર ન જાઈ...

 
વફાદારીની ચરમસીમા:
તુમ દાલ કો અગર ભાત કહો, ભાત કહેંગે..


ટ્રોલરની ઉદારતાની ચરમસીમા:
કોઈ પથ્થર સે ના મારે ઐસે દિવાને કો...


ભક્તિની ચરમસીમા:
બખ્શ દો ઈસકો, મૈં તૈયાર હૂં મિટ જાને કો...


જૂઠા દાવાઓની ચરમસીમા:
દો જૂઠ દિયે એક સચ કે લિયે,
ઔર સચ ને ક્યા ઈનામ દિયે

No comments:

Post a Comment