સ્થળ: મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું પ્લેટફોર્મ. સમય: સાંજના સાતેકનો. વર્ષ: આશરે 1975- 76નું.
પ્લેટફોર્મ પર અમદાવાદ જવા માટેની ટ્રેન ઊભેલી હતી. ટ્રેનના અનરિઝર્વ્ડ ડબ્બાઓમાં અને પ્લેટફોર્મ પર પુષ્કળ ભીડ હતી. એવે વખતે નવ-દસ વરસના નાનકડા એક છોકરાનો હાથ પકડીને એના પપ્પા ડબ્બે ડબ્બે ફરી રહ્યા હતા. બીજા હાથમાં થોડો સામાન હતો. દરેક ડબ્બાની બારીની નજીક જઈ એ બૂમ પાડતા, 'બાબુભાઈ...! એ બાબુભાઈ!'
બાબુભાઈ (સુરેન્દ્ર કોઠારી) એટલે એ સજ્જનના મોટા ભાઈ, જે મુંબઈ રહેતા હતા. એમને ત્યાં બાપ-દીકરો બન્ને રહેવા આવેલા. પાછા ફરવા માટેની ટિકિટ રિઝર્વ થઈ ન શકી હતી. આથી બાબુભાઈ બનતા સુધી પોતાની ઓફિસેથી સીધા સ્ટેશને આવી ગયેલા. તેમણે કોઈ એક ડબ્બામાં ચડી જઈને જગ્યા રોકેલી, પણ એ ક્યાં હતા એ ખબર શી રીતે પડે! જગ્યા રોકેલી હોવાથી એ પોતે તો ડબ્બાની બહાર નીકળી શકે એમ નહોતા. કદાચ અગાઉ થયેલી ગોઠવણ અનુસાર એમને આ રીતે બૂમ પાડીને શોધવાનું નક્કી થયું હશે.
પેલા છોકરાએ આવી ભીડ કદી જોયેલી નહીં. અને આ ભીડમાં પોતે પ્રવેશવાનું છે એ વિચારે એ સહેજ ડરી પણ ગયેલો. આથી તેણે પોતાના પપ્પાનો હાથ બરાબર પકડી રાખ્યો હતો.
**** **** ****
આ છોકરો તે હું એટલે કે બીરેન, અને મારા પપ્પાનું નામ અનિલકુમાર કોઠારી. પપ્પા વિશેની મારી કિશોરાવસ્થાની જે કેટલીક ફ્રેમ મનમાં સજ્જડ રીતે સચવાઈ ગઈ છે, એમાંની આ એક. આ દૃશ્ય મને ઘણી વાર ટાણેકટાણે યાદ આવતું રહે છે, અને જાણે કે હું મુંબઈની એ ભીડમાં ખોવાઈ જઈશ એવો એ સમયે મનમાં વ્યાપેલો ડર ક્ષણભર માટે પુનર્જિવીત થઈ ઉઠે છે. જો કે, હવે 'મોટા' થયા એટલે બહુ ઝડપથી એ ખંખેરાઈ જાય છે.
એ પછીના દસ-બાર વર્ષના ગાળામાં સંજોગો પલટાયા, અને સ્થિતિ એવી ઊભી થઈ કે પપ્પાને ચલાવતી વખતે એમનો હાથ પકડવો પડે. લકવાના જીવલેણ હુમલા પછી તે બચી ગયા અને ક્રમશ: હલનચલન પણ ઘણે બધે અંશે સ્વતંત્રપણે કરતા થયા, છતાં એમનો હાથ પકડીને જ અમે ચાલતા. ચાહે એ મમ્મી હોય, ઉર્વીશ હોય કે હું! એ સલામતિભર્યું હતું. આવી અવસ્થા પચીસેક વરસ સુધી રહી હતી.
**** **** ****
આજે એમની વિદાયને ચૌદ વરસ પૂરાં થયાં. મુંબઈ સેન્ટ્રલના પ્લેટફોર્મ પર એમનો હાથ પકડતાં જે સલામતિ મને અનુભવાયેલી એવી એમને મારો હાથ પકડતાં અનુભવાતી હશે કે કેમ એનો જવાબ મારે મેળવવો નથી, પણ મનમાં વિચારું છું.
No comments:
Post a Comment