Wednesday, February 16, 2022

ત્રણસોમી પોસ્ટ: એક નવી કેડીનું ખેડાણ

અગિયારેક વરસ અગાઉ, 2011ના જૂનની 12મીએ 'પેલેટ' નામના આ બ્લૉગ પર પહેલવહેલી બ્લોગપોસ્ટ પ્રકાશિત કરી ત્યારે સહેજે અવઢવ નહોતી કે આ સફર કેવી રહેશે, પણ એમાં કેવા કેવા મુકામ આવશે એની જાણ નહોતી. ઉર્વીશ 2008માં પોતાનો બ્લૉગ શરૂ કરી ચૂક્યો હતો અને ચારસો જેટલી પોસ્ટ મૂકી ચૂક્યો હતો. અલબત્ત, તેના બ્લૉગ પર થતી કમેન્‍ટરૂપી તડાફડી જોઈને હું ઘણી વાર  વિચલીત થઈ જતો. સાથે સાથે એ પણ મૂંઝવણ હતી કે હું બ્લૉગ પર લખું તો શું લખું. કેમ કે, એ સમયે હું ક્યાંય લેખો લખતો નહોતો. મારું કામ મોટે ભાગે પુસ્તકો લખવાનું હતું, આથી મારે જે પણ લખવાનું થાય એ ખાસ બ્લૉગ માટે જ લખવું પડે એમ હતું.

ધીમે ધીમે લખવાનું શરૂ થયું અને એક પછી એક પોસ્ટ બ્લૉગ પર આવતી ગઈ. એ સાથે જ મને વિષયો મળવા લાગ્યા. શરૂઆતમાં નિયમીતપણે બ્લૉગ લખાતો એની પાછળ હરીશ રઘુવંશી (સુરત) સહિત બીજા અનેક મિત્રોની મદદ અને ઉઘરાણી જવાબદાર હતી. 

પછીનાં વરસોમાં વધતી જતી વ્યસ્તતાને કારણે નિયમિતતા જાળવવું મુશ્કેલ બનતું ગયું અને લખાતી પોસ્ટની સંખ્યા અચાનક ઘટવા લાગી. ચાર-પાંચ વરસથી ફેસબુક પર સક્રિય થયો એટલે એ માધ્યમ પર નિયમીત લખવાનું બનવા લાગ્યું. એ સમયે ફેસબુક પર લખેલી પોસ્ટ બ્લૉગ પર મૂકતો ન હતો. પણ ધીમે ધીમે સમજાયું કે બન્નેના વાચકવર્ગ અલગ છે, એટલે ફેસબુક પર લખેલાં પસંદગીપૂર્વકનાં લખાણ બ્લૉગ પર મૂકતો થયો. 

આમ ને આમ, આ બ્લૉગપોસ્ટની સફર આ પોસ્ટ સાથે 300ના મુકામે પહોંચે છે. અગિયાર વરસમાં ત્રણસોનો આંકડો કંઈ બહુ મોટો ન કહેવાય, પણ ખરી મઝા આ સફરની છે.  આ બધાની સમાંતરે 'વેબગુર્જરી' પર મૂકાતાં મારાં લખાણો અને લગભગ નિયમીતપણે ફેસબુક પરનાં લખાણોનો સમાવેશ થાય છે. અને આ બધું વ્યાવસાયિક લેખનના કામ ઉપરાંતનું કામ છે. 'વેબગુર્જરી' પર મૂકાયેલાં મારાં વિવિધ લખાણોની લીન્‍ક આ જ બ્લૉગના અન્ય પૃષ્ઠ પર મૂકેલી છે. 

બ્લૉગપોસ્ટના આ ત્રણસોમા મુકામે એક નવી કેડીના ખેડાણની એટલે કે 'પેલેટ'માં અનાયાસે થયેલી એક નવા રંગની મેળવણીની વાત. 

***** 

રામાયણમાં સુંદરકાંડનું આગવું મહત્ત્વ છે. પોતાની પ્રચંડ શક્તિઓને વીસરી ગયેલા હનુમાનજી સમક્ષ તેમનાં પરાક્રમોનું વર્ણન કરવામાં આવે છે. પરિણામે હનુમાનજી વિરાટ રૂપ ધારણ કરે છે અને લંકા સુધી પહોંચવા માટે દરિયો ઓળંગી જવાય એવો પ્રચંડ કૂદકો લગાવે છે. આ ગુણગાન એટલે સુંદરકાંડ. 

લેખનના ક્ષેત્રે પ્રવેશતાં અગાઉ આવા પાઠ મારા માટે ગુરુ રજનીકુમાર પંડ્યાએ કરેલા. એમ મારી સાથે નવાનવા કામમાં જોડાનાર અનેક સહયોગીઓ માટે મારે ઘણી વાર સુંદરકાંડ જેવા પાઠ કરવા પડ્યા છે. મારી અને ઉર્વીશ વચ્ચે કોઈક એવી વ્યક્તિ બાબતે કદીક ઉલ્લેખ થાય તો અમે એ રીતે જ કરીએ કે, 'એને માટે દર વખતે સુંદરકાંડ કરવા પડે છે.' ત્યારે મને કલ્પના નહોતી કે સાવ જુદી બાબતે મારા માટે આવા પાઠ કોઈક કરશે. 
 
ચારેક મહિના અગાઉ મુંબઈના મિત્ર રાજુ પટેલનો ફોન આવ્યો. રાજુ પટેલ 'વારેવા' (વાર્તા રે વાર્તા) જૂથના અતિશય સક્રિય સ્થાપક સભ્ય છે, અને તે વિવિધ સ્થળોએ વાર્તાલેખનની શિબિર યોજે છે. અમે બન્ને અમેરિકન હાસ્યમાસિક 'મૅડ'ના પ્રેમીઓ છીએ અને  ભેગા મળીને ફેસબુક પર 'MADપૂર્વક' નામનું એક પેજ ચલાવીએ છીએ. આ કારણે ઘણી વાર અનેક મુદ્દે અને મુદ્દા વિના પણ અમારો ફોનાલાપ થતો રહે છે.  ફેસબુક પર આ જ જૂથના 'વારેવા' (વાર્તા રે વાર્તા) નામના પૃષ્ઠનો હું સભ્ય છું, પણ વાર્તાલેખન તરફનો નૈસર્ગિક ઝુકાવ મારામાં ન હોવાથી એની પોસ્ટ વાંચવા સિવાય મારી ખાસ ભૂમિકા હોતી નથી. અને એ પણ દરેક પોસ્ટ હું વાંચી શકતો નથી. સ્વાભાવિક રીતે જ આ જૂથે 'વારેવા' સામયિક શરૂ કરવાની ઘોષણા કરી ત્યારે મને થયું કે ઠીક છે, વાંચીશું, પણ એમાં મારે કશું પ્રદાન કરવાનું નથી.

ફોનમાં રાજુએ મને આ સામયિક વિશે વાત કરી, જે હું જાણતો જ હતો. પણ એ પછી તેમણે કહ્યું, "તમારે આ સામયિક માટે વાર્તાને લગતાં કાર્ટૂન દોરવાનાં છે." કાર્ટૂન મારો પ્રેમ ખરો, ચિત્રો હું ચિરશિખાઉપણે દોરતો હોઉં છું, પણ કાર્ટૂન દોરવાનું? મેં કહ્યું, 'મેં કદી કાર્ટૂન દોર્યાં નથી. મને એ ન ફાવે.' આ સાંભળીને રાજુએ સુંદરકાંડ જેવા પાઠ શરૂ કર્યા. આ પાઠમાંનો એક 'શ્લોક' એવો પણ હતો કે આ કાર્ટૂન 'એમ ને એમ' નથી દોરાવવાનાં. એ માટેનો 'પુરસ્કાર' પણ આપીશું.  'સામ' પછી તરતના પગલે આવેલી 'દામ'ની વાત મને અસર કરી ગઈ. એટલે એમને 'દંડ' અને 'ભેદ' સુધી જવાનો અવસર જ મેં ન આપ્યો. 

આનું પરિણામ એ આવ્યું કે આખરે મારે કાર્ટૂન બનાવવાં એમ નક્કી થયું. આ પ્રસ્તાવના સ્વીકાર અંગેની આનાકાનીના આરંભિક તબક્કા પછી બહુ ઝડપથી અમે બન્ને કાર્ટૂનના આઈડિયાની ચર્ચા કરવા લાગ્યા. એ પ્રાથમિક તબક્કામાં જ મેં સૂચવ્યું કે આપણે એક નિયમિત કાર્ટૂનવિભાગ ઊધઈ અંગેનાં કાર્ટૂનનો કરીએ તો? કેમ કે, પુસ્તકનો વિચાર આવે એની સાથે જ 'મૅડ'પ્રેમીઓને ઉધઈ યાદ આવ્યા વિના રહે નહીં. રાજુએ તરત જ હા પાડી દીધી, અને કહ્યું કે એ તો કરીએ, પણ એ સિવાયનાં સામાન્ય- એટલે કે વાર્તા/સાહિત્ય વિષયક કાર્ટૂન તો કરવાનાં જ. આમ, એક અંકમાં ચારેક કાર્ટૂન મારે બનાવવાં એમ ઠર્યું. 

હવે થોડી વાત આ કાર્ટૂન વિશે. 'મૅડ'ના તેમજ કાર્ટૂનોના પ્રેમી તરીકે એટલું સ્પષ્ટ હતું કે કાર્ટૂનમાં કેવળ શબ્દોથી હાસ્ય પેદા નથી કરવાનું. કાર્ટૂન મૂળભૂત રીતે દૃશ્યકળા છે, અને તેથી ચિત્રાંકનનું પણ એટલું જ મહત્ત્વ હોવું જોઈએ.

જે પ્રકારનાં ચિત્રો હું બનાવું છું એમાં લેન્‍ડસ્કેપ વધુ હોય છે. માનવાકૃતિઓ બનાવવામાં મારી ફાવટ ઓછી અને રુચિ પણ ખાસ નહીં. મારી આ મર્યાદાની અમે ચર્ચા કરી એ વખતે મારા મનમાં એમ હતું કે કાર્ટૂનમાં જ્યાં પણ માનવાકૃતિની જરૂર પડશે ત્યાં હું 'સ્ટીકી ફીગર'થી કામ લઈશ. 'સ્ટીકી ફીગર'માં આખું શરીર દોરવાની ઝંઝટ નહીં, માત્ર લીટીઓથી શરીર ચીતરી દેવાનું, અને ચહેરાના હાવભાવ દર્શાવવાથી કામ ચાલી જાય. એ મુજબ મેં કાર્ટૂન દોર્યાં, અને મને સંતોષકારક લાગ્યાં. જેમને એ બતાવ્યાં એમને પણ સંતોષકારક જણાયાં. 'સ્ટીકી ફીગર'નો કોઈએ વાંધો લીધો નહીં. આમ છતાં, મને લાગ્યું કે આ રીતે હું માનવાકૃતિ દોરવાથી દૂર ભાગું એ યોગ્ય ન કહેવાય. આથી એ બાબતે થોડો મહાવરો કરીને મેં હાવભાવ સહિતની માનવાકૃતિઓ ચીતરવાનું શરૂ કર્યું. એમાં મઝા આવવા લાગી, એટલે કાર્ટૂનના મૂળભૂત પાઠ જણાવતા એક પુસ્તકમાંથી મેં થોડી ટીપ્સ મેળવી લીધી. આમ, શરૂઆતમાં 'સ્ટીકી ફીગર્સ' અને પછી કેરિકેચર આ કાર્ટૂનમાં દેખા દે છે. 
નીચે મૂકેલાં કાર્ટૂનમાં શરૂઆતમાં 'સ્ટીકી ફીગર'વાળી માનવાકૃતિઓ જોઈ શકાશે, અને પછીનાં કાર્ટૂનમાં નિયમિત પ્રકારની માનવાકૃતિઓ. 


પુસ્તક અને કિન્‍ડલ વચ્ચેનો સંવાદ 



લેખકના અંગત પુસ્તકાલયનો એક્સ-રે 


'સ્ટીકી ફીગર'વાળું કાર્ટૂન 


'સ્ટીકી ફીગર'વાળું કાર્ટૂન 

નિયમિત પ્રકારની માનવાકૃતિઓનો ઉપયોગ 

પહેલો અને બીજો અંક પ્રકાશિત થયો એ વખતે એ ન મળ્યાની ફરિયાદો ખૂબ આવવા લાગી. 'વારેવા' પૃષ્ઠ પર મોટે ભાગે આ ફરિયાદો જ દેખાતી અને તેની સામે સંપાદકો અકારણ ક્ષમાપ્રાર્થી બની જતા જણાયા. મને લાગ્યું કે પોતાના પર હસવા માટે આનાથી ઉત્તમ વિષય શો હોઈ શકે? સંપાદક છાયાબહેન (ઉપાધ્યાય) સાથે પ્રાથમિક વાત કરીને જે કાર્ટૂન ચીતર્યું એ નીચે મૂકેલું છે. માનવાકૃતિઓ ચીતરવા માટેની મારી હિંમત ખૂલી એટલે આમાં વધુ માનવાકૃતિઓનો સમાવેશ કર્યો. 

અનેક માનવાકૃતિઓ દર્શાવતું કાર્ટૂન 

ઉધઈને લગતાં કાર્ટૂનમાં એમ વિચારેલું કે એ કોઈ ચોક્કસ શિર્ષકથી આપવાં. એ રીતે નક્કી થયું 'ઊધઈ ઉવાચ' શિર્ષક. મને લાગ્યું કે આ શિર્ષકની કોઈ એક ડિઝાઈન હોવી જોઈએ એટલે ઉધઈએ લાકડું કોરી ખાધેલું હોય એવા લાકડાની ડિઝાઈન ચીતરીને એની પર શિર્ષકના શબ્દો લખ્યા. અહીં એવી પટ્ટી અલગથી મૂકેલી છે. ઉપરાંત એ પટ્ટીનો કાર્ટૂનમાં શી રીતે ઉપયોગ થાય છે એ પણ મૂકેલું છે. ઉધઈની શરીરરચનાનાં કાર્ટૂન નેટ પર જોવાથી એની શરીરરચનાનો ખ્યાલ આવ્યો. એ પછી એમાં મેં મારી રીતે ફેરફાર કર્યો. 

શિર્ષકપટ્ટી 



શિર્ષકની પટ્ટી સાથેનું કાર્ટૂન 


શિર્ષકની પટ્ટી સાથેનું કાર્ટૂન 

સ્કેચબુકમાં દોરેલું કાર્ટૂન 


સ્કેચબુકમાં દોરેલું કાર્ટૂન 

સ્કેચબુકમાં દોરેલું કાર્ટૂન 

સ્કેચબુકમાં દોરેલું કાર્ટૂન 

ફેબ્રુઆરી, 2022 સુધીમાં 'વારેવા'ના ત્રણ અંક પ્રકાશિત થયા છે.  આ ત્રણે અંકમાં પ્રકાશિત થયેલાં મારાં ચીતરેલાં કાર્ટૂન અહીં મૂક્યાં છે.  હજી પહેલો પ્રયત્ન છે, એટલે કાર્ટૂનની સાઈઝ અને તેની દૃશ્યાત્મકતાના અખતરા ચાલુ છે. હજી ડીજીટલ માધ્યમમાં સીધું દોરવાની ફાવટ નથી, એટલે પહેલાં સ્કેચબુકમાં દોરીને પછી એને સ્કેન કરું છું. (કોઈક મિત્ર વધુ સરળ ઉપાય સૂચવશે તો આનંદ થશે) 
આ કાર્ટૂનો માટે રાજુ પટેલ સાથેની ચર્ચા, સામયિકનાં સંપાદિકા છાયા ઉપાધ્યાયનો સક્રિય વિમર્શ અને કિશોર પટેલનું પ્રોત્સાહન પણ એટલું જ જવાબદાર છે. બીજા સંપાદકો યાનિ 'વારેવા ટોળી' સાથે પ્રત્યક્ષ નહીં, પરોક્ષ પરિચય છે. 
એક ગમતા સ્વરૂપમાં, ધાર્યું ન હોય એ રીતે ખેડાણ કરવા મળે એની એક જુદી મજા હોય છે, અને આવા, સુંદરકાંડ ગાનાર મિત્રો મળે એનો પણ અલગ આનંદ હોય છે. 

4 comments:

  1. બીરેનભાઇ, મેડપૂર્વક શરુ થયું ત્યારથી રાજુ દ્વારા તમારા નામથી પરિચીત હતો. તમારી કળાનો પરિચય વારેવાના પ્રારંભથી થયો. હું આ ઘટનાને વારેવાની ઉપલબ્ધિ માનું છું. વારેવા નવા લેખકોને પ્રકાશમાં લાવશે ત્યારે લાવશે પણ એક પ્રતિભાવાન વ્યંગચિત્રકારને એણે ઓલરેડી શોધી કાઢ્યો છે! ગુડ જોબ, બીરેનભાઇ, વારેવા જોડે તમારી જોડેની જુગલબંધી કાયમ રહો એવી શુભેચ્છા!

    ReplyDelete
  2. બિરેન,
    તમારા આ નવા સાહસની શરૂઆત તમે વારેવાથી કરી એ માટે વારેવા ઉપકૃત રહેશે.
    અગાઉ પણ કહ્યું છે, ફરી કહીશ કે વ્યભૂચિત્ર મૂલ્યાંકન શિબિરો તમારે શરૂ કરવી જોઈએ.

    ReplyDelete
  3. 'મેડ'ના અદના ચાહક તરીકે એવી અપેક્ષા રાખું છું કે આ રોચક શ્રેણી પુષ્કળ વૈવિધ્ય સાથે લાંબા સમય સુધી ચાલતી રહે.

    ReplyDelete
  4. ખુબ સહારણીય પહેલ.

    ReplyDelete