Saturday, February 19, 2022

રાહુલ દેવ બર્મન: એકલ, છતાં યુગલ ગીતો

(આ પોસ્ટ વાંચતાં પહેલાં સૂચન: આ પોસ્ટમાં કુલ અગિયાર ગીતો છે. એ તમામ ગીતો આ જ ક્રમમાં, લખાણની સાથોસાથ વાંચતા જશો તો પોસ્ટના હાર્દને બહેતર રીતે માણી શકાશે. 

આ પોસ્ટમાં ઉલ્લેખાયેલાં મોટા ભાગનાં ગીતો જાણીતાં અને સાંભળેલાં હોય એવી પૂરેપૂરી શક્યતા છે. પણ અહીં એક ચોક્કસ ઢબ, શૈલીની રીતે તેમને સાંકળ્યાં છે. આથી એ જાણીતાં હોવા છતાં, આ દૃષ્ટિકોણથી એને સાંભળતા જશો તો મઝા આવશે.) 

પડઘાનું આકર્ષણ માનવજાતમાં પહેલેથી હશે, અને હજી એ ઓસર્યું નથી એમ લાગે. કોઈ સ્થળે પડઘો પડે છે એવી ખબર પડે કે તરત કશુંક બોલીને તેનો પડઘો સાંભળવાની ઈચ્છા આપણને થઈ આવે છે. ફિલ્મનાં ગીતોમાં હવે ટેક્નોલોજીની મદદથી ઈકો ઈફેક્ટ સહેલાઈથી મેળવી શકાય છે. પણ ટેક્નોલોજી આટલી સુલભ નહોતી ત્યારે સંગીતકારો માટે ગીતમાં પડઘાનો પ્રયોગ કરવાનો એક પડકાર હતો. ઘણા સંગીતકારોએ એવો પડકાર ઝીલવાની સફળ કોશિશ કરી હતી. 1957માં રજૂઆત પામેલી ફિલ્મ નૌશેરવાન-એ-આદિલના લતા મંગેશકરે ગાયેલા એક ગીત આજા રાત ઢલીમાં સંગીતકાર સી.રામચન્‍દ્રે પડઘાની અસર બખૂબી નીપજાવી હતી. એ વખતનાં ટાંચા સાધનો વડે તેમણે એ શી રીતે કર્યું હશે એ સંશોધનનો વિષય છે. એ પછી 1960માં આવેલી બમ્બઈ કા બાબુમાં આશા ભોંસલે અને મહમ્મદ રફીએ ગાયેલા ગીત દીવાના મસ્તાના હુઆ દિલના અમુક હિસ્સામાં આશાના અવાજમાં ઈકો ઈફેક્ટ સાંભળી શકાય છે. પછીના ગાળામાં આ સુવિધા આસાન બની, પણ અહીં જે પ્રકારનાં ગીતોની વાત કરવાની છે એ પ્રકાર જરા જુદો છે.

એક જ ગાયક કે ગાયિકાના સ્વરને બે અલગ અલગ સ્કેલ પર ગવડાવીને તેના મિક્સિંગ દ્વારા એ ગીત એકલ હોવા છતાં યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરાયો હોય એવો પ્રયોગ ખાસ કરીને રાહુલ દેવ બર્મને અનેક વાર કરેલો છે. આ પ્રયોગમાં ક્યારેક ઈકો ઈફેક્ટ જોવા મળે છે, પણ એ ઈકો ઈફેક્ટ કરતાં કંઈક વધુ છે. વિવિધ તબક્કે આર.ડી.બર્મને કરેલા આવા પ્રયોગો પરથી એ સમજાય છે કે આ પ્રકાર ખેડવાનો પડકાર તેમને બહુ પસંદ હતો અને વખતોવખત તેઓ એની વિવિધ રીતે અજમાયશ કરતા રહ્યા હતા. ટેક્નોલોજી સુલભ થયા પછી પણ તેમનું આ પ્રયોગનું આકર્ષણ ઓસર્યું નહોતું. આવાં કેટલાંક ધ્યાનમાં આવેલાં ગીતો વિશે વાત કરીએ.

1967માં રજૂઆત પામેલી બહારોં કે સપનેના ગીત ક્યા જાનૂં સજન, હોતી હૈ ક્યા ગમ કી શામમાં આ પ્રયોગ આર.ડી.બર્મનના સંગીતમાં કદાચ પહેલી વાર સાંભળવા મળે છે. આમાં મુખડું પૂરું થવા આવે ત્યારે અને અંતરો પુનરાવર્તિત થાય ત્યારે ફક્ત આલાપ મૂકાયો હતો. ગીત લતા મંગેશકરે ગાયું હતું. એટલે તેમનું મૂળ ગાયન ચાલુ હોય ત્યારે જ યોગ્ય સ્થાનોએ એમનો જ આલાપ સંભળાય, જેનો સ્કેલ સાવ જુદો હોય. આને કારણે બે અલગ ગાયિકાઓ હોવાનો આભાસ થાય. આ ગીત અહીં સાંભળી શકાશે.


1972માં રજૂઆત પામેલી રાખી ઔર હથકડીના ગીત આજા આજા સજનમાં આશા ભોંસલેના એકલ સ્વરને અલગ સ્કેલ પર ગવડાવવામાં આવ્યો. આ ગીતમાં મુખડું પૂરું થતા તેમજ અંતરાની સમાંતરે આવતા આલાપ પા...પા...પા.. તરીકે આ સ્વર મૂકાયો હતો. અહીં એ સાંભળી શકાશે.


અગાઉ 1971માં આવેલી હરે રામ હરે કૃષ્ણના અતિ વિખ્યાત ગીત દમ મારો દમમાં મુખડું અને અંતરામાં આશા ભોંસલેના અલગ સ્કેલનો ઉપયોગ રાહુલદેવ બર્મને કરેલો, પણ આ ગીતમાં બન્ને સ્કેલ એક સાથે જોવા મળે છે. એ જ પદ્ધતિ 1972માં રજૂઆત પામેલી અનામિકાના ગીત આજ કી રાત કોઈ આને કો હૈમાં પણ ઉપયોગમાં લેવાઈ. એ ગીતમાં સ્વર આશા ભોંસલેનો જ હતો. તો 1972ની જ ફિલ્મ જવાની દીવાનીના ગીત જાનેજાં ઢૂંઢતા ફિર રહામાં આર.ડી.બર્મને આશા ભોંસલેને બે સાવ અલગ સ્કેલમાં ગવડાવીને કંઈક આવી જ અસર નીપજાવવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, આ ગીતના અંતરામાં બન્ને સ્કેલ અલગ અલગ છે, અને એ ઓવરલેપ થતા નથી. આ ગીતમાં પડદા પર એક જ નાયિકા બે અલગ સ્કેલમાં, એટલે કે અલગ સ્વરમાં ગાય એવી અસર પેદા કર્યા પછી રાહુલ દેવ બર્મને એક જ ગાયિકાના સ્વરનો ઉપયોગ બે નાયિકાઓ માટે કાલા સોનાના આ ગીતમાં કર્યો.

1975માં રજૂઆત પામેલી આ ફિલ્મના ગીત કોઈ આયા, આને ભી દેમાં તો આશા ભોંસલેના સ્વરનો ઉપયોગ યુગલ ગીતની જેમ કરવામાં આવ્યો છે. એટલે કે આશા ભોંસલે એક ચોક્કસ સ્કેલ પર મુખડાનો આરંભ કરે અને એ જ મુખડામાં વચ્ચેથી જ અલગ સ્કેલ પર આશા દ્વારા જ ગવાયેલું મુખડું જોડાય. આને લઈને આ એકલ ગીત હોવા છતાં એ યુગલ ગીત હોવાનો આભાસ થાય. અંતરામાં પણ એક સ્કેલ પર શબ્દો ગવાતા હોય અને બીજા સ્કેલ પર આલાપ એની સમાંતરે ચાલતો હોય. આ ગીત અહીં સાંભળી શકાશે.

પછીના વરસે, 1976માં આવેલી ફિલ્મ મુક્તિના ગીત દિલ સજન જલતા હૈમાં પણ આ પ્રયોગ વધુ એક વાર સાંભળવા મળ્યો. આ ગીત પણ આશા ભોંસલેએ ગાયું હતું. આમાં તે આખું મુખડું પૂરું કરીને તેનું આવર્તન કરે છે એ સમયે બીજા સ્કેલ પર તેમના સ્વરમાં આલાપ સાંભળી શકાય છે, જે યુગલ ગીત હોવાનો આભાસ ઊભો કરે છે. નોંધપાત્ર છે કે અંતરો એકલગાન છે, પણ અંતરા પછી આવતા મુખડામાં આલાપ ભળે છે. આ ગીત અહીં સાંભળી શકાશે.


1987માં આવેલા ગૈરફિલ્મી આલ્બમ દિલ પડોસી હૈ વખતે ટેક્નોલોજી પૂરેપૂરી વિકસી ચૂકી હતી, અને તેના રેકોર્ડિંગમાં મોટે ભાગે કી-બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતનો ખ્યાલ કોઈ દિયા જલે કહીં સાંભળવાથી આવશે. આશા ભોંસલે દ્વારા ગવાયેલા આ ગીતમાં અંતરામાં આ પ્રયોગ અત્યંત સુંદર રીતે સાંભળવા મળે છે. એમાં અંતરાની પંક્તિ પૂરી થતાં પહેલાં જ બીજા સ્કેલ પર આલાપ શરૂ થઈ જાય છે.


બિલકુલ આ જ રીતે, 1987માં રજૂઆત પામેલી ફિલ્મ 'ઈઝાજત'માં પણ આર.ડી.બર્મને આશા ભોંસલે પાસે ગવડાવેલા ગીત 'કતરા કતરા મિલતી હૈ'માં આ અસર પૂર્ણપણે પેદા કરી છે. આ ગીત અહીં સાંભળી શકાશે. 



આમ, આ ગીતોનો સર્જનકાળ જોતાં એ ખ્યાલ આવે છે કે આર.ડી.બર્મને તબક્કાવાર પરિવર્તનો કરતા જઈને, આ ચોક્કસ અસર ઊભી કરવાનું, પોતે ધાર્યું પરિણામ મેળવી લીધું હતું. આ પ્રકારનાં ગીતોમાં એક ગીતના અપવાદને બાદ કરતાં તમામ ગીતો આશા ભોંસલેએ ગાયેલાં છે, અને એ કેવળ યોગાનુયોગ નથી. 

(Link courtsey: You Tube) 

(પૂરક માહિતી: જયપાલ થાનકી, નંદિતા મુની) 

3 comments:

  1. બીરેનભાઈ, આ તો તમે સાવ અનોખો જ વિષય લઈ આવ્યા. એકદમ રોચક રજૂઆત છે.

    ReplyDelete
  2. સરસ નિરીક્ષણ છે. ગીતો આ રીતે માણવાની મજા આવી.

    ReplyDelete