Tuesday, December 6, 2011

ફિલ્મસંગીતના ‘શાહ’: નલિન શાહ


અગાઉ  હરીશભાઈ અંગેની પોસ્ટ લખી એ વાંચ્યા પછી અમુક મિત્રોએ બહુ ગંભીરતાથી પૂછ્યું હતું કે ફિલ્મોમાં ખરેખર સંશોધન શેનું કરવાનું હોય? બહુ બહુ તો નટ- નટીઓનાં સરનામાં શોધવાં પડે એ જ ને? એમાંના એક મિત્ર વડીલ હતા, ખાસ્સા સિનીયર હતા. હરીશભાઈ માટે આદર ધરાવતા હતા, છતાં આવો પ્રશ્ન તેમને થયો હતો. એ જવાબ સાંભળવા તત્પર અને જિજ્ઞાસુ હતા, એટલે એમને થોડુંઘણું સમજાવ્યું. એનાથી એમને સંતોષ થયો હશે, પણ મને ન થયો. ઘણાને એમ જ હોય છે કે ફિલ્મો વિષે આટલું બધું છપાય છે, એના અભિનેતા-અભિનેત્રીઓના ફોટા છપાય છે, ગીતોની પબ્લિસીટી થાય છે, એટલે બધી માહિતી તૈયાર જ મળે છે. ત્યાંથી લઈને કંઈ પણ લખવું, એ થયું ફિલ્મવિષયક સંશોધન. જેટલી અજાણી વાત લખો એટલા તમે કાબેલ ગણાવ. પણ પાયાનો સવાલ એ છે કે ત્યાં એટલે ક્યાં? એવો કયો સ્રોત છે કે જ્યાં આપણને જોઈએ એ માહિતી તૈયાર મળે? લોકો આવું માને એમાં વાંક એમનો નથી. કેમ કે સમગ્રપણે આપણે ત્યાં ફિલ્મના માધ્યમને ગંભીરતાથી લેવાતું નથી. એ મનોરંજનનું ક્ષેત્ર છે, એ પણ કદાચ એક કારણ હોઈ શકે.
આવી પરિસ્થિતિમાં હિંદી ફિલ્મસંગીતનો ઈતિહાસ હોય અને કોઈ વ્યક્તિ હિંદી ફિલ્મસંગીતની ઈતિહાસકાર હોય એવો તો વિચાર જ શી રીતે આવે? પણ અમારા (મારા અને ઉર્વીશ) સહિત ઘણા એવા લોકો છે, જેમને હિંદી ફિલ્મસંગીતના ઈતિહાસકાર તરીકે એક જ વ્યક્તિનું નામ યાદ આવે. એ નામ યાદ આવે, એની સાથે જ માથે કારાકુલ કેપ, કેપમાંથી બહાર નીકળેલા સીધા અને કડક સફેદ વાળ, ગાલ પર ઉતરેલા જાડા થોભિયા અને ચશ્મા પહેરેલો ચહેરો દેખાય. એ ચહેરાની સાથે જ સફેદ શેરવાનીની ઉપર ઘેરા ભૂરા રંગનો ઝભ્ભો અને ઉપર જાકીટની વેશભૂષા આંખ સામે આવે. એમને સામેથી આવતા જોઈએ તો પહેલી નજરે એ શાયર જેવા, બલ્કે પાકિસ્તાની શાયર જેવા લાગે. અને એમને ઉર્દૂ જબાન બોલતા સાંભળીને આ વિચાર દૃઢ બને. એમનો પરિચય આપતાં કોઈ મિત્રને આપણે જણાવીએ કે આ છે નલિન શાહ. આવું ટીપીકલ ગુજરાતી નામ સાંભળવા છતાંય એમને પહેલી વાર મળનાર વ્યક્તિ એવી શંકા કરે કે નલિન એમનું તખલ્લુસ હશે. અને કાશ્મીરમાં ઘણા મુસ્લિમોની અટક શાહ હોય છે, એવા શાહ એ હશે. યાદ છે ત્યાં સુધી એમને પહેલી વાર ટી.વી. પર જોઈને સલિલભાઈ(દલાલ)એ પોતાની કોલમમાં પણ આવું અનુમાન કર્યું હતું.
નલિનભાઈની આવી બાહ્ય આભામાંથી એમને પહેલી વાર મળનાર વ્યક્તિ ભાગ્યે જ મુક્ત થઈ શકે. સામેવાળાના મનમાં એમના વિષે જાતજાતના પ્રશ્નો પેદા થાય, પણ ક્યાંથી શરૂ કરવું એનો ખ્યાલ જ ન આવે. એમના વિષે આજે પહેલી વાર લખી રહ્યો છું, ત્યારે મારા મનમાં પણ કંઈક એવી જ મૂંઝવણ છે કે ક્યાંથી શરૂ કરવું?
એમની કલમનો પહેલો પરિચય થયો પ્રિયા નામના ટી સિરીઝ દ્વારા પ્રકાશિત હિંદી ફિલ્મ માસિકથી. માધુરીના માળખા પર એંસીના દાયકાના છેલ્લા વરસોમાં શરૂ થયેલું આ મેગેઝીન એટલું અદભૂત હતું કે એમાંનો એકે એક લેખ અક્ષરશ: વાંચી જતા. આ મેગેઝીનમાં જૂના ફિલ્મસંગીત વિષે બે પાનાંનો એક વિભાગ આવતો,જેમાં કલાકારો વિષે એવી અદભૂત વાતો અને કિસ્સા આવતા અને સાથેસાથે પોતાનાં નિરીક્ષણો પણ શબ્દો ચોર્યા વિના લખવામાં આવતા. આ વિભાગના લેખકનું નામ હતું નલિન શાહ. ધીમે ધીમે આ વિભાગની એવી આદત પડી ગઈ કે પ્રિયાના અંકની રાહ ખાસ એને માટે જ જોવાતી અને દર મહિને એનો અંક બહાર પડે કે એ ખરીદીને પહેલો જ નલિન શાહનો વિભાગ વાંચી જવાનો ક્રમ બની ગયો. એ વખતની અમારી આદત મુજબ અમે નલિન શાહને પત્ર લખ્યો હિંદીમાં, કેમ કે એ હિંદી મેગેઝીનમાં લખતા હતા. પત્ર મેગેઝીનના સરનામે લખેલો, એટલે એમને મળશે કે કેમ એ શંકા હતી. એમનો કશો જવાબ આવ્યો નહીં, એટલે અમે માન્યું કે પત્ર એમના સુધી કદાચ નહીં પહોંચ્યો હોય. એ સમયગાળો એવો હતો કે જૂના હિંદી ફિલ્મસંગીતની સૃષ્ટિમાં અમારો પ્રવેશ થઈ રહ્યો હતો, અને એ આખું વિશ્વ અમારી સમક્ષ ખૂલી રહ્યું હતું. રજનીકુમાર પંડ્યા સાથે ભલે પહેલો પરિચય વાચક લેખે થયો, પણ એ આગળ જતાં ગાઢ બન્યો એમાં હિંદી ફિલ્મસંગીત એક મહત્વનું પરીબળ. એ વખતે તો હરીશ રઘુવંશી, હરમંદીરસિંઘ હમરાઝ, વિશ્વનાથ ચેટરજી જેવાં નામો અમારા માટે પરીકથાનાં પાત્રો જેવા હતા. આમાં વધુ એક નામ જોડાયું નલિન શાહનું.
તલત મહેમૂદને કાર્યક્રમમાં લાવતા નલિન શાહ 
૧૯૯૧માં હિંદી ફિલ્મ ગીતકોશના વિમોચન સમારંભમાં પહેલી વાર હાજરી આપી, ત્યારે પરીકથાના આ પાત્રોને અમે પહેલી વાર સદેહે જોયા. બધાને અમે સામે ચાલીને મળ્યા, એમના ઓટોગ્રાફ લીધા. એ સૌ એવા વિનમ્ર કે એમના ઓટોગ્રાફ માંગીએ એટલે કહે અમે ક્યાં કોઈ આર્ટીસ્ટ છીએ?’ જરા વિચારો કે જે ફંક્શનમાં હિંદી ફિલ્મસંગીતના ધુરંધરો આવવાના હોય એ ફંક્શનમાં અમારા જેવા કોઈ હરીશભાઈ કે હમરાઝ જેવાના ઓટોગ્રાફ માંગે તો એમને પોતાને કેવું લાગે? પણ અમારા માટે એ કોઈ સેલીબ્રીટીથી કમ નહોતા. અમારા મનમાં જેને મળવાની યાદી હતી એમાં મનોમન ટીક કરતા જતા હતા અને વિચારતા હતા કે હવે નલિન શાહ બાકી રહ્યા. કેવા દેખાતા હશે નલિન શાહ? ચપ્પટ વાળમાં એક બાજુએ પાડેલી પાંથી હશે, ઓપન શર્ટ હશે, પેન્ટ કદાચ સહેજ ઉંચું હશે, અને પગમાં તો ચપ્પલ જ હશે. પૂછવું તો કોને પૂછવું?
કારાકુલ કેપ, ઝભ્ભો અને શેરવાની પહેરેલી એક વ્યક્તિ આમતેમ ફરી રહી હતી, અને પોતાના ઘેરા અવાજે સૌને અરે જનાબ, આઈયે, આઈયે કહેતાં હળીમળી રહી હતી. એ કોણ હશે, એવો સવાલ થયો. સાંભળેલું કે પાકિસ્તાનના શાયર કતિલ શિફાઈ પણ આવવાના હતા. આ શિફાઈસાબ તો નહીં હોય ને! છેવટે કોઈકને પૂછી જ લીધું એ સજ્જન વિષે. જવાબ મળ્યો, વો નલિન શાહ હૈ. ઘડીક અમારા માનવામાં ન આવ્યું, એટલે અમે બે-ત્રણ અલગ અલગ લોકોને પૂછીને ખાતરી કરી. છેવટે ખાતરી થઈ એટલે એમને અમે મળવા ગયા. અમારું નામ દઈને પરિચય આપ્યો એટલે એમણે ગુજરાતીમાં જ કહ્યું, તમારો કાગળ મળ્યો હતો. આ સાંભળીને અમને કેવી લાગણી થઈ હશે એ પત્રલેખન કરી ચૂકેલો કોઈ પણ વાચક સમજી શકશે. અમે એમને નિરાંતે મળવા આવવાની વાત કરી તો એમણે તરત કહ્યું, ઘેર આવજો ને! આટલી સરળતાથી આવી વ્યક્તિ પોતાને ઘેર આવવાનું કહી દે એ જરા નવાઈની વાત હતી. એમના પણ અમે પરાણે ઓટોગ્રાફ લીધા.  
એ ફંક્શનમાં નલિન શાહ વક્તવ્ય આપવા ઉભા થયા અને ખવાતીમોહજરાતના સંબોધનથી શરૂઆત કરીને ઉર્દૂ મિશ્રીત હિંદીમાં જે પ્રવચન આપ્યું એની અસર હજી આજ સુધી ઉતરી નથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પોતાના અનુભવો, તારણો, પબ્લિક ડિમાન્ડના નામે પીરસાતો હલકો માલ અને એ પીરસતા સંગીતકારોને એમણે નામજોગ ચાબખા માર્યા, એ સાંભળીને તાળીઓના ગડગડાટ થતા રહ્યા. જીવનનું યાદગાર ફંક્શન એ બની રહ્યું. અમે તો ફક્ત એમાં હાજરી આપવા જ ખાસ મહેમદાવાદથી મુંબઈ ગયેલા એટલે ભવિષ્યમાં એમને ફરી મળવાનું વિચાર્યું.
પહેલી વાર એમને મળનારને એમનું વ્યક્તિત્વ ખાસ્સું ફિલ્મી લાગે. અમસ્તાય નલિનભાઈ મહેફિલના માણસ. મહેફિલમાં લોકોને જકડી રાખવાની કળા એમને હસ્તગત. પ્રસંગોચિત શે, જોક્સ, ક્વોટ્સ તેમને જીભવગાં. પણ એમના પરિચયનું આ બહારનું પડ ભેદીને આગળ વધનારને જ એમના અસલી ગુણોનો પરિચય થઈ શકે. મોટે ભાગે તો નલિનભાઈ જ આ પડ ભેદાવા ન દે.
એ પછીની મુંબઈ મુલાકાતમાં નલિન શાહને મળવાનું નક્કી કરીને જ ગયેલા. એમને ફોન કરીને અનુકૂળતા પૂછી એટલે એમણે તરત જ આવવાનું જણાવી દીધું. અને અમે ઉપડી પણ ગયા. એમના ઘરમાં પ્રવેશ્યા એટલે ચારે બાજુ સંગીતનો જ માહોલ. એક રેકમાં લાઈનબંધ એલ.પી.રેકોર્ડ્સ, સામે રેકોર્ડ પ્લેયર, ડેક, કેસેટ પ્લેયર. સામેના કબાટમાં ફિલ્મવિષયક પુસ્તકો. સહેજ અંદર નજર કરીએ તો મુખ્ય રૂમથી રસોડામાં જવાના પેસેજમાં આવેલા શોકેસમાં લાઈનબંધ કેસેટો નજરે પડે. ભીંત પર જૂના સંગીતકારોની તસવીરો. સોફા પર પણ રેકોર્ડ પથરાયેલી. આવામાં બેસવું ક્યાં? એમણે આવકાર આપ્યો અને થોડી રેકોર્ડ ખસેડીને અમારા બેસવાની જગા કરી. ધીમે ધીમે કરતાં અનાયાસે જ કેટલીય વાતો નીકળી. અમારા જેવા લબરમૂછીયાઓને પહેલી જ વાર મળતા હોવા છતાં તેમણે શાંતિથી સાંભળ્યા, એટલું જ નહીં, વાત પણ કરી. દોઢેક કલાક બેઠા હોઈશું. જવાની અમે તૈયારી કરી અને એમને ફરી વાર મળવા આવી શકાય કે કેમ એ પૂછ્યું. એમણે તત્ક્ષણ હા પાડી. અમે બીજે દિવસે એમને ફરીથી મળવા ગયા. બપોરના બે-અઢી વાગે ગયા હોઈશું. એમણે પ્રેમથી આવકાર્યા. વાતોની શરૂઆત થઈ. થોડી વાર રહીને એમણે અમને સુનહરે દિન ફિલ્મની વાત કરી. એના ગીત-સંગીત વિષે કહ્યું. અમને એ ફિલ્મ વિષે કશી જ ખબર નહોતી. તરત ઉભા થઈને એ એક વિડીયો કેસેટ લઈ આવ્યા અને વી.સી.આર.માં લગાવી. પછી કહે, ટાઈમ છે ને?” ખરેખર તો અમારે એમને આવું પૂછવાનું હોય! એ દિવસે અમે રાજ કપૂર અને રેહાનાની, જ્ઞાન દત્તના સંગીતવાળી એ ફિલ્મ આખી જોઈ. ઘેર જવા ઉઠ્યા ત્યારે સાંજના સાડા છ જેવું થયું હતું. અમે હજી તો બીજી જ વાર મળતા હતા અને નલિન શાહે અમારા માટે આટલો સમય ફાળવ્યો હતો. કશી અપેક્ષા વગર! અમારી વચ્ચે આત્મીયતાનો એક સેતુ રચાઈ ચૂક્યો હતો.
નૌશાદજી સાથે અમારી પારિવારિક મુલાકાત
નલિન શાહ થકી શક્ય બની. 
એ પછી સમય વીતતો રહ્યો અને મુંબઈ મુલાકાત દરમ્યાન એમની સાથેની બેઠક અનિવાર્ય બની રહી. થોડા વખત પછી ઉર્વીશને ગુજરાત રિફાઈનરીની નોકરી માટે છ મહિના માટે મુંબઈ રહેવાનું બન્યું. આ ગાળો નલિન શાહ સાથેના સંબંધને મજબૂત કરવામાં અતિ મહત્વનો બની રહ્યો. ઉર્વીશ એમની લગભગ રોજ મુલાકાત લે, બેસે, વાતો કરે, પુસ્તકો, લેખો વગેરે ગોઠવવાનું કામ હોય તો પૂછે. આ બેઠકોથી અમારી સમક્ષ નલિનભાઈના કામનો ખરો વ્યાપ અને તેનું મૂલ્ય ઉઘડતું ગયું. નલિનભાઈને જૂની ફિલ્મોના ઘણા બધા કલાકારો સાથે આત્મીયતા. નલિનભાઈને ઘેર જ ઉર્વીશને ગાયિકા રાજકુમારી, સીતારવાદક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાં જેવાના લાંબા સત્સંગનો લાભ મળ્યો, સારંગીવાદક ઉસ્તાદ રામનારાયણ, નૌશાદ, પ્રદીપજી, સંગીતકાર રામ કદમ (પૂના), ગાયિકા જ્યોત્સના ભોળે (પૂના) જેવા મહાનુભાવોને તેમના નિવાસસ્થાને શાંતિથી મળવાનું, એમની વાતો સાંભળવાનું બન્યું, કતિલ શિફાઈ સાથે મુલાકાત થઈ, તેમ સ્વ.ગુલામ મહંમદના ઘરની મુલાકાત પણ લેવા મળી. (ત્યારે પત્રકારત્વ તો સપનામાં પણ નહોતું.)
કિર્તીદાબેન: મૂક આધારસ્તંભ 
આ ગાળામાં ઉર્વીશ તેમના કુટુંબી જેવો જ બની ગયેલો. ક્યારેક એ જાય અને નલિનભાઈ ઘરે ન હોય તો એમનાં પત્ની કિર્તીદાબેન સાથે બેસે અને ગપ્પાં મારે. કિર્તીદાબેન પણ જૂની ફિલ્મોનાં રસિયા, એટલે એ પણ કલાકારો સાથેના અનુભવોની વાત કરે, પણ એક ગૃહિણીના દૃષ્ટિકોણથી.
એક ઈતિહાસકાર તેમજ સંશોધક તરીકે નલિનભાઈની કાર્યશૈલી નજીકથી એ રીતે નીરખવા મળી કે જર્નાલિઝમની સ્કૂલમાંય આવું જ્ઞાન ન મળે. સાયગલ જલંધરમાં મૃત્યુ પામ્યા ત્યારે તેમની અંતિમયાત્રામાં જબ દિલ હી તૂટ ગયા ગીત વગાડવામાં આવેલું એવી વાત ખુદ નૌશાદ અને મજરૂહ સુલતાનપુરી પણ કરતા. નલિનભાઈએ આ અંતિમયાત્રામાં હાજર રહેલી ત્રણ વ્યક્તિઓની મુલાકાત લીધી. નૌશાદ અને મજરૂહસાબ પ્રત્યેના પૂરેપૂરા આદર સાથે તેમણે આ વાતની અધિકૃતતા ચકાસી. અંતે આ વાત કપોળકલ્પના હોવાનું પુરવાર કર્યું. એ પછી તો સાયગલ પર સંશોધન કરવા માટે કોલકાતાના સ્ટુડિયોની મુલાકાત લીધી,
કોલકાતાની સંશોધનયાત્રા વખતે:
આ હાર્મોનિયમ પર  ક્યારેક
સાયગલસા' બનાં
આંગળાં  ફર્યાં હશે. 
સાયગલસાબના વતન જલંધર પણ ગયા અને સાયગલસાબના કુટુંબીઓને પણ મળ્યા, અને કેટલીય અજાણી, અદભુત અને નક્કર વાતો પ્રકાશમાં લાવ્યા, જે સાયગલસાબના મૃત્યુને પચાસ વરસ કરતાં વધુ  ગાળો વીતવા છતાં, તેમના વિષે આટલાં પુસ્તકો લખાયા છતાં અજાણી જ રહી ગયેલી. એ કહે, કોઈ પણ વ્યક્તિ કશો દાવો કરે તો એને એમ ને એમ માની લેતાં પહેલાં આપણી કોમન સેન્સ વાપરવાની. ત્યાર પછી એની અધિકૃતતા ચકાસવાની. અધિકૃતતા એક વાર ચકાસીને એ વાત પૂરી ન કરે. ઘણી વાર તો એ ચાર-છ મહિને અધિકૃતતા રીન્યુ કરતા રહે. નૌશાદજી,પ્રદીપ કે અન્ય કોઈએ પણ કોઈ કલાકાર વિષે અમુક વાત કરી હોય, તો એ જ વાત બીજી રીતે થોડા સમય પછી ફરી પૂછવાની. બને કે પહેલી વાર તેમણે અહોભાવમાં આવીને અમુક વાત કરી હોય!
એમના લેખોમાં કશી વાત અનુમાન આધારીત કે અદ્ધરતાલ ન હોય. માત્ર કોઈની કહેણી (hearsay) પર પણ આધાર ન રાખે. ફિલ્મસંગીતના અભ્યાસુ વાચકો જાણતા હશે કે ફિલ્મના ગીતકાર, સંગીતકાર કે ગાયકો બાબતે કેટકેટલા અવનવા કિસ્સાઓ પ્રચલિત છે (એક વાર લતાએ નૌશાદને કહેલું ટાઈપના), 
ઔર આપ હૈ જનાબ નલિન શાહ:
સુરૈયાને નલિન શાહનો પરિચય કરાવતા નૌશાદ  
જે દરેક જણ પોતે તેના સાક્ષી હોય એમ લખે છે યા કહે છે. પોતે સાચું જ લખે અને લખ્યા પછી પોતે લખ્યું એ સાચું જ, એવો અભિગમ એમના લખાણમાં કદી જોવા ન મળે. એક વાર વાત નીકળી કે સંગીતકાર શૌકત હૈદરી અને શૌકત દહેલવી બન્ને એક જ જુદા? નલિનભાઈને ખ્યાલ હતો કે બન્ને એક જ છે, પણ છતાંય એ ખ્યાલ નવ્વાણુ ટકા હતો, સો ટકા નહીં. આની ખાતરી શી રીતે કરવી? તેમણે સીધો જ મુબારક બેગમને ફોન જોડ્યો અને આ સવાલ પૂછ્યો. શૌકત દહેલવીના સંગીત નિર્દેશનમાં ગાઈ ચૂકેલાં મુબારક બેગમે ખરાઈ કરી કે બન્ને એક જ વ્યક્તિ છે.
તેમનાં તમામ લખાણો અંગ્રેજીમાં છે. ભાષાની અભિવ્યક્તિની સાથેસાથે યોગ્ય શબ્દોની પસંદગી અને તેની સાથે ઉભો કરવામાં આવતો મુદ્દો તેમજ માહિતીની સાથેસાથે પરિમાણ. આ શૈલી છે નલિન શાહની, જે તેમને ફિલ્મસંગીત વિષે લખતા અનેક લેખકોમાં નોખા તારવે છે. આ બધાને કારણે તેમની કલમની જબરદસ્ત વિશ્વસનીયતા ઉભી થઈ. અનેક કલાકારોની આત્મીયતા તેમને પ્રાપ્ત થઈ. 
કેદાર શર્મા સાથે 
નલિનભાઈના ફિલ્મસંગીત વિષયક લેખો અવારનવાર છપાતા. ફિલ્મફેરમાં તેમણે લખેલી સંગીતકારો વિશેની સંશોધનાત્મક શ્રેણીને હજીય લોકો ભૂલ્યા નથી. વિનોદ, ગુલામ હૈદર, હુસ્નલાલ ભગતરામ, જમાલ સેન, ખેમચંદ પ્રકાશ, એસ.એન. ત્રિપાઠી જેવા સંગીતકારોની કેટલીય ઓછી જાણીતી વાતો, અધિકૃત સ્રોત સાથેની વાતચીત થકી તે પ્રકાશમાં લાવ્યા. ખરું કહીએ તો આ ધુરંધર સંગીતકારોના અસલી પ્રદાનની નક્કર વાતો આ રીતે પહેલી વાર જ લખાઈ. પ્લેબેક એન્ડ ફાસ્ટ ફોરવર્ડ નામના મેગેઝીનમાં પણ તેમની કોલમ આવતી. પણ વખત જતાં ફિલ્મફેરનાં રૂપરંગ બદલાયા, અને બાકીનાં મેગેઝીનનું પ્રકાશન બંધ પડ્યું, એટલે એમના લેખો પણ આવતા બંધ થયા, જે પછી શરૂ થયા મીડ ડેમાં. એકાંતર શુક્રવારે આવતા આખા પાનાના આ લેખ ખૂબ લોકપ્રિય થયા. 

મિડ ડેમાં તેમની કોલમ આ રીતે આવતી. 
નલિનભાઈની લોકપ્રિયતા એક સેલીબ્રીટીની કક્ષાની થઈ ગઈ, જેમાં સંપૂર્ણપણે તેમની કલમનો જ ફાળો હતો. લેખની સાથે તેમની તસવીર છપાતી હોવાને કારણે ચહેરેથી પણ લોકો તેમને ઓળખી કાઢતા. એક કાર્યક્રમમાં શ્યામ બેનેગલ સાથે તેમનો ભેટો થઈ ગયો. નલિનભાઈ પોતાનો પરિચય આપવા જાય ત્યાં જ બેનેગલ સાહેબે હસીને કહ્યું, અફ કોર્સ, તમને તો હું ઓળખું છું. તમારા લેખ નિયમીત વાંચું છું. આપણા લોકપ્રિય હાસ્યલેખક તારક મહેતા પણ આ લેખોના જબરા પ્રશંસક. અને આવા તો કેટકેટલા વર્તુળમાં તેમની લોકપ્રિયતા ઉભી થઈ. (એ પણ યોગાનુયોગ નીવડ્યો કે નલિનભાઈ પણ તારકભાઈનાં લખાણોના પ્રેમી નીકળ્યા.)
વિવિધભારતીના શ્રોતાઓ જાણે છે કે વરસોથી મુંબઈ વિવિધભારતી પરથી રાત્રે દસથી સાડા દસ સુધી જૂનાં ગીતોનો કાર્યક્રમ છાયાગીત પ્રસારીત થાય છે અને આકાશવાણીના ઉદઘોષકો તેની રજૂઆત કરે છે. વરસો જૂની આ પરંપરામાં અપવાદ કરીને આકાશવાણીના મુંબઈ કેન્દ્રે નલિનભાઈને ગાયક, સંગીતકાર પર એક શ્રેણી તૈયાર કરવાનું નિમંત્રણ આપ્યું, જેમાં લેખન ઉપરાંત રજૂઆત પણ તેમની જ હોય. વિશેષ છાયાગીત શીર્ષકથી પ્રસારીત થયેલી આ શ્રેણીમાં કલાકારો પર કાર્યક્રમોની રજૂઆત તેમણે કરી, જે ખૂબ વખણાઈ.
એ જ રીતે તેમની લખેલી સ્ક્રીપ્ટ પરથી દૂરદર્શન પર ગાતા જાયે બંજારા નામે ચાર હપ્તાની શ્રેણીનું નિર્માણ કરવામાં આવેલું, જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ કાકે કરેલું. જો કે, આ શ્રેણીમાં સિદ્ધાર્થ સ્ક્રીપ્ટને યોગ્ય ન્યાય ન આપી શક્યા હોવાનું અમારા સહિત ઘણાને લાગેલું.
નલિનભાઈ અમને મળ્યા ન હોત તો ચાલીસીના દાયકાના ખરા અર્થમાં હિંદી ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનો આટલો ગાઢ પરિચય અમને આ રીતે કદાચ ન થાત અને અમે પણ સી.રામચન્દ્ર, શંકર જયકિશન, મદનમોહન, એસ.ડી.બર્મન કે ઓ.પી.નૈયર સુધી આવીને અટકી ગયા હોત.
ફિલ્મસંગીત સાથે સંકળાયેલા ઘણા લોકો સાથે તેમને ગાઢ અંગત સંબંધ હતો. મુંબઈના સંગીતપ્રેમી ડૉ. પ્રકાશ જોશીને ત્યાં થતા કલાકારોના મિલન ઉપરાંત દર વરસે એક વાર નલિનભાઈને ત્યાં કલાકારોનું અનૌપચારિક મિલન થતું, જે ઐતિહાસિક કહી શકાય એવું હતું. 
ડૉ. પ્રકાશ જોશીને ઘેર સ્નેહમિલનનું સંચાલન કરતા નલિન શાહ :
બેઠેલામાં વચ્ચે કલ્યાણજીભાઇ ડાબે હરીશ રઘુવંશી,
 જમણે મનોહર મહાજન 
આ મિલનમાં હાજરી આપનાર વ્યક્તિઓનાં નામ પરથી જ તેના મહત્વનો ખ્યાલ આવી શકશે. – અનિલ બિશ્વાસ, મીના કપૂર, પ્રદીપ, કમર જલાલાબાદી, ઈન્દીવર વગેરે.. આવી જ એક મહેફિલમાં રજનીભાઈને હાજર રહેવાનો મોકો મળ્યો હતો, જેના વિષે તેમણે પોતાના પુસ્તક આપ કી પરછાઈયાંના મહેફિલ કે બાદ ક્યા પ્રકરણમાં વિસ્તૃત રીતે લખ્યું છે. આ મહેફિલમાં બિનીત મોદી પણ હાજર રહેલો. દિલ્હી રહેતા અનિલ બિશ્વાસે પોતાની અમુક પ્રોપર્ટી માટેનો પાવર ઓફ એટર્ની પણ નલિનભાઈને આપી રાખેલો. જો કે, કલાકારો સાથે અત્યંત અંગતપણે સંકળાયેલા નલિનભાઈ અવારનવાર કહેતા હોય છે, કલાકારની કલાને માણવી. તેનો અંગત પરિચય કેળવશો તો દુ:ખી થશો, કેમ કે માણસ તરીકે એ કદાચ ઉતરતો પણ હોય.
નલિનભાઈ અસલમાં એલ.આઈ.સી.ના કર્મચારી અને યુનિયનના નેતા, એટલે ભારત આખામાં તેમને ફરવાનું બનતું. એમના વ્યક્તિત્વને કારણે લોકો એમની સાથે સંપર્ક કરવા સામે ચાલીને આવે, જે એમને ગમે પણ ખરું. પણ સંપર્કો જાળવવામાં એ માને નહીં. અથવા તો એમને એવું ફાવે નહીં. એમનો અભિગમ પણ આઈ ડોન્ટ કેર પ્રકારનો- અને એ દેખાડા પૂરતો નહીં, પણ સાચેસાચો. 
ગુરુ -ગુરુ દોનોં ખડે: નલિન શાહ અને રજનીકુમાર પંડ્યા 
એ અમદાવાદ આવતા, પણ અમદાવાદમાં એમના એલ.આઈ.સી. પૂરતા ગણ્યાગાંઠ્યા જ સંપર્કો હતા. અમને એ પત્રથી જણાવતા કે પોતે અમુક તારીખે અમદાવાદ આવવાના છે અને અમુક ગેસ્ટ હાઉસમાં ઉતરવાના છે. અમે એમને મળવા અમદાવાદ જઈએ, અને વાતો કરીએ. રજનીભાઈ સાથેય એમનો પરિચય હતો, બલ્કે મિત્રતા હતી. અને હવે તો આ બન્ને ગુરુઓ ભેગા થાય એ મિલનનો લહાવો લેવાની અમને આતુરતા હોય છે. 
મહેમદાવાદમાં મિલન: ડાબે પહેલા અરવિંદ દેસાઇ 'મહાબલિ' ,
ચંદ્રશેખર વૈદ્ય  જમણે પહેલા નલિન શાહ, બિનીત મોદી 
એ વખતે અરવિંદભાઈ દેસાઈના વડપણ હેઠળ શરૂ થયેલી ગ્રામોફોન ક્લબ સાથે નલિનભાઈનો પરિચય થયો, અને નલિનભાઈ-અરવિંદભાઈની યુતિ બરાબર જામી. શરૂઆતમાં મહેશભાઈ શાહ અને ગીતાબેન શાહને ત્યાં અને પછી અરવિંદભાઈને ત્યાં જ નલિનભાઈનો ઉતારો હોય. અને અમારે પણ નલિનભાઈને મળવું હોય તો ત્યાં જ જવાનું. અરવિંદભાઈનું વ્યક્તિત્વ એટલું પ્રભાવક અને ગરવું કે રજનીભાઈએ એમનું નામ મહાબલિ (મુઘલ-એ-આઝમમાં  પૃથ્વીરાજ કપૂર માટે વપરાયેલું સંબોધન) પાડ્યું ત્યારે સૌએ એકમતે સ્વીકારી લીધેલું. નલિનભાઈએ ગ્રામોફોન ક્લબ માટે ઘણા કાર્યક્રમો તૈયાર કર્યા અને રજૂ કર્યા. આ કાર્યક્રમોની વિશેષતા એ હતી કે તેમાં કેવળ જૂનાં ગીતો સાંભળવાનું મનોરંજન મેળવીને છૂટા પડી જવાનું નહોતું, બલ્કે એમાં માહિતી, વિશ્લેષણ અને આસ્વાદનો સમન્વય રહેતો. શ્રોતાઓની ઉંચી રુચિ કેળવવામાં આવા કાર્યક્રમો ખાસ્સા મદદરૂપ બન્યા. એ રીતે અમદાવાદમાં પણ તેમની લોકપ્રિયતા સારી એવી થઈ. અમારા માટે આડલાભ એ થયો કે એમનું અમદાવાદ આવવાનું નિયમીત બનવા લાગ્યું, જેને કારણે મળવાનું નિયમીતપણે થતું રહ્યું. વચગાળામાં અમારો પત્રવ્યવહાર ચાલુ રહેતો. ગુજરાતીની જોડણી તેમને જરાય ન ફાવે, પણ ભાષાની અભિવ્યક્તિ તો એવી જ ધારદાર. એમની આગવી હ્યુમર પણ ઝળકે.
પત્રમાં ઝળકતી એમની શૈલી 
મહાબલિનો ઓચિંતો સ્વર્ગવાસ થયો ત્યારે નલિનભાઈને અમદાવાદનું પોતાનું સરનામું ખોવાઈ ગયું હોય એવું લાગેલું. જો કે, રંજનકાકી (શ્રીમતિ મહાબલિ)એ કદી એમ લાગવા દીધું નહીં અને એ જ ગરિમા સાથે સંબંધ જળવાયેલો રહ્યો. 
એમનાં પત્ની કિર્તીદાબેને ટૂંકી માંદગીમાં વિદાય લીધી ત્યારે અમને અમારું કોઈ સ્વજન ગુમાવ્યાની લાગણી થયેલી. અમદાવાદ આવવાનું થાય એટલે એક દિવસ મહેમદાવાદનો પણ કાર્યક્રમ નલિનભાઈનો હોય જ. મહેમદાવાદ આવે ત્યારે એમને કનુકાકા સાથે વધુ ફાવે, કેમ કે તંદુરસ્ત, સ્વસ્થ અને જીવંત હોય એવી કોઈ પણ વયસ્ક વ્યક્તિની તંદુરસ્તીનું રહસ્ય જાણવાનો એ પ્રયત્ન કરે. પણ છેલ્લા ચાર-પાંચ વરસથી એક નવો ધારો પડ્યો છે. એમને શિયાળો બહુ પસંદ છે. એટલે દર વરસે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન એ અવશ્ય મારે ત્યાં આવે અને એક અઠવાડિયું રોકાય. એ આવે એટલે અમારા ઘરનું વાતાવરણ જુદી રીતે જીવંત બની જાય. તેમને સવારે વહેલા ઉઠવાની ટેવ. એ જ સમય હોય ઈશાનને સ્કૂલે જવાનો. નલિનભાઈ એમની સાથે જાતજાતની સાધનસામગ્રી રાખે, જેમાં ચા બનાવવા માટેની ઈલેકટ્રીક કીટલી, ચાની પત્તી, મધ અને જાતજાતની ભેદી આઈટમો હોય. રોજ સવારે એ ગરમ પાણી સાથે મધ બનાવે- ત્રણ પ્યાલા ભરીને. એક પ્યાલો પોતાના માટે અને એક એક પ્યાલા શચિ તેમજ ઈશાન માટે. કદાચ છોકરાંને જાગવામાં પાંચ-દસ મિનીટ મોડું થાય તો એમની નજીકના ટેબલ પર જઈને ભરેલા પ્યાલા મૂકી દે. ક્યાં આઈ ડોન્ટ કેરનો પેલો દેખાતો અભિગમ અને ક્યાં આવી દરકાર!  
છોકરાંઓ સ્કૂલે જાય એટલે કામિની સાથે એમનો સત્સંગ શરૂ થાય. અવનવી વાનગીઓ, સલાડ, હેલ્થ ફૂડ વગેરે શી રીતે બનાવવાં, એ ખાવાથી શા લાભ થાય એવી બધી વાતોની સાથે સાથે એમની લાક્ષણિક હ્યુમર અને ઉર્દૂ શેરની પ્રસાદી પણ મળતી રહે. શેર બોલીને એ છૂટી ન જાય, પણ સમજાવેય ખરા. સૌથી છેલ્લો હું ઉઠું ત્યારે પાછો ચા-પાણી અને વાતોનો દૌર નવેસરથી ચાલુ થાય.
વડોદરામાં એમને લઈને ક્યાંક જઈ શકું એવાં ઠેકાણાં આમેય ઓછાં.
હોમાય વ્યારાવાલાની જીવનકથામાંથી પ્રશ્નો  પૂછતા. 
હા, એમને સૌથી વધુ આકર્ષણ હોમાયબેનની મુલાકાત લેવાનું હોય. એ બન્નેને વાત કરતા જોવા એ લ્હાવો છે. બન્નેને કાને ઓછું સંભળાય, અને અમારે એમની સાથે વાત કરવી હોય તો અમુક રીતે કાનની નજીક મોં લઈ જઈને બોલવું પડે. પણ એ બન્ને વાત કરે ત્યારે તદ્દન સહજતાથી વાત કરે, એક પણ હેં?’ વગર. સામાન્ય સંજોગોમાં હોમાયબેનનાં ડીસન્સીનાં ધોરણો બહુ કડક, કોઈને ઝટ હળવામળવાનું એ પસંદ ન કરે. પણ એમને જોઈને હોમાયબેન રાજી થઈ જાય અને મૂડમાં આવી જાય. કહે પણ ખરાં, એવા ઈન્ટેલીજન્ટ માનસ સાથે વાત કરવાની મઝા આવે. એમની વાતના વિષયો પણ અવનવા હોય. હોમાયબેનને ફિલ્મ સાથે ખાસ નિસ્બત નહીં, છતાં એમને નલિનભાઈ સાથે વાતો કરતાં જોવા લ્હાવો છે. આ ઉપરાંત મિત્ર પરેશ પ્રજાપતિના ઘરની મુલાકાત હોય જ. પણ એમાં હમણાં નવું, પણ મજબૂત ઠેકાણું ઉમેરાયું છે. એ છે અભિષેક અને તેજલનું ઘર. નલિનભાઈના મૂલ્યને પિછાણીને એમના બે એક વખત ઈન્ટરવ્યૂ પણ વડોદરા વિવિધભારતી પર લેવાયા છે, જેમાં અભિષેકનો સક્રિય ફાળો છે. અલબત્ત, તત્કાલીન સહાયક નિદેશક ડૉ. યજ્ઞેશ દવેનું કાયમી નિમંત્રણ તો ખરું જ. આકાશવાણીના ઈન્ટરવ્યૂ માટે રેડિયો સ્ટેશન જવાની સાથે સાથે અભિષેક અને તેજલની યજમાનગીરીનું પેકેજ હવે તો અનિવાર્ય બની ગયું છે. મુંબઈનો મિત્ર અજિંક્ય સંપટ નલિનભાઈની ટેકનિકલ જરૂરીયાત, ઉપરાંત નાનીમોટી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. એ રીતે જાણે અમે જ મુંબઈમાં એમની સાથે હોઈએ એવી અમને લાગણી થયા કરે છે. અમદાવાદમાં બિનીત મોદી તો તેમને ઘણે ઠેકાણે લઈને ફર્યો છે.  આવાં ઠેકાણાં થકી જ અમે ભેગા થઈને નલિનભાઈને પુસ્તક આપવા માટે દબાણ કરીએ છીએ.
મુંબઈમાં એમના દીકરા હેમલ સાથે એ રહે છે. નલિનભાઈનાં દીકરી અમૃતા શાહનું નામ અંગ્રેજી પત્રકારત્વમાં બહુ આદરથી લેવાય છે. તેમણે લખેલી ડૉ. વિક્રમ સારાભાઈની જીવનકથા ખૂબ પ્રશંસા પામી છે. તો હાલ એ અમદાવાદ વિષે એક પુસ્તક લખી રહ્યાં છે. નલિનભાઈ પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવા માટે લાંબો સમય ઉદાસીન રહ્યા ત્યારે અમૃતાબેને છેવટે અમને સોપારી આપતાં કહેલું, તમારો એ વિષય છે, એટલે તમે એને સરખાં કરી આપો. એને પ્રકાશિત કરાવવાની જવાબદારી હું લઈશ. પપ્પાને હવે પૂછવાની જરૂર નથી.
નલિનભાઈના ફિલ્મ સંગીતવિષયક ઓડિયો વિઝ્યુઅલ કાર્યક્રમોનો એક આગવો ચાહકવર્ગ છે. મુંબઈ ઉપરાંત દિલ્હી, જયપુર જેવાં શહેરોમાં તેમના કાર્યક્રમ યોજાતા રહે છે. વિદેશમાં પણ તે કાર્યક્રમ આપી આવ્યા છે. એમના લોકપ્રિય કાર્યક્રમોમાં 'સરગમ કા સફર' ઉપરાંત સાયગલસાબ વિશેના તથા વિવિધ સંગીતકારો પરના કાર્યક્રમોનો સમાવેશ થાય છે જે અગાઉ જણાવ્યું જેમ માત્ર મનોરંજનલક્ષી ન બની રહેતાં માહિતી વિશ્લેષણ અને આસ્વાદના સમન્વય જેવા હોય છે. 
એક વાચક-લેખક તરીકેના આરંભાયેલા સંબંધને આજે બબ્બે દાયકા વીત્યા પછી આવું પારિવારિક પરિમાણ સાંપડ્યું છે, એથી મોટી ઉપલબ્ધિ શી હોઈ શકે? એમના ઘણા ગુણોને અમે ગુરુપદે રાખ્યા છે.
અમારા જેવા ઘણાની ઈચ્છા, બલ્કે મહેચ્છા છે કે તેમનાં લખાણો ગ્રંથસ્થ થાય. પણ હવે આનંદના સમાચાર આવી રહ્યા છે. કાનપુરના હરમંદિરસિંઘ હમરાઝે પોતે આ લખાણો પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવાની તૈયારી બતાવી છે. નલિનભાઈએ પુસ્તક માટે તેનું પુનર્લેખન પૂરું કરી દીધું છે અને હમરાઝ પોતે જ તે કમ્પ્યુટર પર લખી રહ્યા છે. આમ તો, કુલ બે પુસ્તક થઈ શકે એટલી અને એવી સામગ્રી છે. એક પુસ્તકમાં તેમણે લખેલા ગાયક, સંગીતકાર, અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા વગેરેને લગતી વાતો, કિસ્સા અને એ સંબંધી લેખ આવી શકે, જ્યારે બીજા પુસ્તકમાં ફક્ત સંગીતકારો વિષેના લેખ હોય.
નલિનભાઈ સાથેની વાતો, અનુભવો અને યાદગાર કિસ્સાઓ હજી ઘણા છે, એ ક્યારેક લખવાની ઈચ્છા છે જ. આજે છઠ્ઠી ડિસેમ્બરે નલિન શાહ ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે એમને સ્વસ્થ જીવનની શુભકામનાની સાથે સાથે આપણને એમનાં લખેલાં ફિલ્મસંગીતવિષયક પુસ્તકો ઝડપથી મળે એવી અપેક્ષા પણ રાખવી વધુ પડતી ન ગણાય. તેમને શુભેચ્છા પાઠવવા ઈચ્છનાર મિત્રો તેમનો સંપર્ક 98200 74811 કે 99206 77209 પર કરી શકે.

Sunday, December 4, 2011

દેવ આનંદની વિદાય:મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા



દેવ આનંદ

(૨૬/૯/૧૯૨૩ થી ૪/૧૨/૨૦૧૧) 

આજે સવારે જ દેવ આનંદના મૃત્યુના સમાચાર મળ્યા. હજી બેએક મહિના અગાઉ જ રજનીકુમાર પંડ્યાએ પોતાના બ્લોગમાં દેવ આનંદ/ Dev Anand વિષેની પોસ્ટ લખી હતી, તે તાજી હતી. એક ચાહકના ચીત્તમાં કલાકાર દેવ આનંદનો ઉદય, વિકાસ શી રીતે થયો અને તેની સંધ્યા કેવી હતી, તેની રસપ્રદ વાત અંગત સંદર્ભો સાથે રજનીભાઈએ લખી હતી. (બે ભાગની એ પોસ્ટ વાંચવા માટે ક્લીક કરો.http://zabkar9.blogspot.com/2011_09_01_archive.html અને http://zabkar9.blogspot.com/2011/10/blog-post.html )  ખરેખર તો એ વાત એકલા રજનીભાઈની નથી, બલ્કે એ યુગની પેઢીના ઘણા બધા લોકોના મનની વાત છે. એ જ પોસ્ટમાં હરનિશભાઈ જાનીએ લખેલી કમેન્ટ આ હકીકતને પુષ્ટિ આપે છે.
દિલીપ, રાજ અને દેવની સ્ટાર ત્રિપુટીમાંથી રાજ કપૂર સૌથી પહેલા ગયા, એ પછી હવે દેવ આનંદે પણ વિદાય લીધી. આમ જોઈએ તો, દેવ આનંદની પડદા પરની મોહિની તો ક્યારનીય ખતમ થઈ ગઈ હતી, છતાં સૌના મનમાં દેવ આનંદ પોતપોતાના મનપસંદ સ્વરૂપે જીવિત રહ્યા હતા. કોઈકને કાલા બાજાર કે કાલા પાનીનો દેવ આનંદ ગમે, તો કોઈકને ટેક્સી ડ્રાઈવર’, ફંટૂસ કે સી.આઈ.ડી.નો. કોઈક જાલમાં યે રાત યે ચાંદની ફિર કહાં ગાતા દેવ આનંદને ચાહે, તો કોઈક ગાઈડના ગાતા રહે મેરા દિલ ગાતા દેવ આનંદને. કોઈકને મન દેવ આનંદ એટલે એસ.ડી.બર્મન કે ઓ.પી.નૈયરની સાથે હેમંતકુમાર, કિશોરકુમાર કે મહંમદ રફીનું સૂરીલું સંયોજન, તો કોઈકને મન જયદેવનાં સંગીતબદ્ધ કરેલાં મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા’, અભી ના જાઓ છોડકર કે કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા જેવાં અદભૂત ગીતો એટલે દેવ આનંદ.
બે-ત્રણ પેઢીને પોતાના ચાર્મથી મોહિત અને સંમોહિત કરનાર આ કલાકારની કારકિર્દીના સરવૈયાનો આ અવસર નથી. ૮૮ વર્ષના ભરપૂર, સતત પ્રવૃત્તિમય અને ઉર્જાશીલ જીવન જીવી જઈને હિંદી ફિલ્મોના ઈતિહાસમાં આગવો અધ્યાય લખનાર આ કલાકારનાં થોડાં તસવીરી સંભારણાં ઉર્વીશે તેના બ્લોગ પર લખ્યા છે. જે અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.
આજે તો બસ, તેમની કેટલીક સૂરીલી યાદોને તાજી કરીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. દેવ આનંદના દેહનું ભલે મૃત્યુ થયું, પડદા પરના અનેક સ્વરૂપે પોતાના ચાહકોના મનમાં તે સદાય જીવંત છે અને રહેવાના.
પડદા પર તેમનો પ્રવેશ થયો હમ એક હૈ (૧૯૪૬) દ્વારા, જે તેમની સાથેસાથે રહેમાનની પણ પ્રથમ ફિલ્મ હતી. પી.એલ.સંતોષી નિર્દેશીત આ ફિલ્મમાં હુસ્નલાલ ભગતરામનું સંગીત હતું. આ ફિલ્મનું એક ગીત.


ત્યાર પછી ૧૯૪૮માં આવેલી ફિલ્મ જિદ્દીમાં દેવ આનંદ કામિની કૌશલ સાથે ચમક્યા. ખેમચંદ પ્રકાશના સંગીતવાળી આ ફિલ્મથી કિશોરકુમારનો પાર્શ્વગાયન ક્ષેત્રે હિંદી ફિલ્મોમાં પ્રવેશ થયો. આ ગીત દેવ આનંદ પર ફિલ્માવવામાં આવ્યું હતું. જોઈએ એ ગીત.


એ જ વરસે આવેલી વિદ્યા ફિલ્મમાં દેવ આનંદ અને સુરૈયા પહેલવહેલી વાર સાથે ચમક્યા. આ ફિલ્મનું એક ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે એસ.ડી.બર્મને.


દેવ આનંદ અને સુરૈયાની જોડીએ કુલ સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું, જે આ મુજબ છે. વિદ્યા (૧૯૪૮), જીત (૧૯૪૯), શાયર (૧૯૪૯), અફસર (૧૯૫૦), નીલી (૧૯૫૦), દો સિતારે (૧૯૫૧) અને સનમ (૧૯૫૧). આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર હીટ રહી. દેવ આનંદ અને સુરૈયાના પ્રેમપ્રકરણે અનેક યુવા હૈયાંઓને ઘેલા કર્યા. આ ફિલ્મોમાં સુરૈયાએ ગાયેલાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં.
૧૯૪૯માં જ દેવ આનંદે પોતે અભિનયની સાથે સાથે નિર્માતા બનવાનું નક્કી કર્યું અને નવકેતન ફિલ્મ્સ ની સ્થાપના કરી. નવકેતનની ફિલ્મ બાઝી અનેક રીતે મહત્વની બની રહી. આ ફિલ્મનું નિર્દેશન ગુરૂ દત્તને સોંપવામાં આવ્યું. દેવ આનંદ અને ગુરૂ દત્તની યુતિનો એ આરંભ હતો, જેના થકી જાલ’ જેવી ફિલ્મો મળી. આ ફિલ્મની હીરોઈન હતી ગીતા બાલી અને કલ્પના કાર્તિક ઉર્ફે મોના સીંઘ. બાઝી ફિલ્મ હીટ ગઈ અને દેવ આનંદ- કલ્પના કાર્તિકની જોડીને અનેક ફિલ્મોની ઓફર મળી. આ ફિલ્મનું ગીત.


૧૯૫૪માં આવેલી ટેક્સી ડ્રાઈવર પણ આવી જ એક ફિલ્મ હતી, જેના શૂટિંગ દરમ્યાન બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યાં અને લગ્ન પણ કર્યાં.  ટેક્સી ડ્રાઈવરનું આ સદાબહાર ગીત.



હાઉસ નં.૪૪’ (૧૯૫૫) , પોકેટ માર’ (૧૯૫૬) , મુનિમજી’ (૧૯૫૫), ફંટૂશ’ (૧૯૫૬), સી.આઈ.ડી.’ (૧૯૫૬) , પેઈંગ ગેસ્ટ’(૧૯૫૭) જેવી હલકીફૂલકી કે થ્રીલર પ્રકારની ફિલ્મોમાં દેવ આનંદે પોતાની આગવી અભિનયની અને સંવાદ અદાયગીની શૈલી દેખાડી, જે તેમની પડદા પરની ઓળખ બની ગઈ. તેમની આવી શૈલીનાં બે ગીત. આ ગીત નૌ દો ગ્યારહ (૧૯૫૭)નું છે. હીરોઇન છે કલ્પના કાર્તિક.  


 

તો આ ગીત ફન્ટુશ (૧૯૫૬) નું છે. હિરોઈન શિલા રામાણી.  

  

સી.આઈ.ડી.નું આ ગીત જોઈએ, જેમાં દેવ આનંદની ચાલવાની શૈલીએ અનેક યુવકોને ઘેલું લગાડ્યું. અનેક લોકોએ તેની નકલ કરી. વહીદા રહેમાનનો પણ આ ફિલ્મથી પ્રવેશ થયો, જેમાં તે નકારાત્મક ભૂમિકામાં હતાં. 


વહીદા રહેમાન સાથે કાલા પાની’ (૧૯૫૮) , સોલવાં સાલ’ (૧૯૫૮) , કાલા બાજાર’ (૧૯૬૦) , બાત એક રાત કી’(૧૯૬૨) જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી, અને તેનાં ગીતો પણ ખૂબ ગૂંજ્યાં.
સોલવાં સાલનું આ ગીત.


પડદા પર દેવ આનંદની ઈમેજ બનાવવામાં મોટો ફાળો તેમના નાના ભાઈ વિજય આનંદ (ગોલ્ડી)નો રહ્યો. ગોલ્ડીના નિર્દેશનમાં દેવ આનંદની અભિનયકળા નીખરી ઉઠી, તેમ તેમની વધતી ઉંમરને અનુરૂપ કરેલું શૈલી પરિવર્તન પણ કઠ્યું નહીં, અને ચરિત્ર ભૂમિકાઓને બદલે વધતી ઉંમરે પણ દેવ આનંદ હીરોની ભૂમિકા કરતા રહ્યા. ગાઈડ’ (૧૯૬૫) માં ગોલ્ડી અને દેવ આનંદની યુતિ ચરમ સ્થાને હતી. આ ફિલ્મનું ગીત.

ગોલ્ડી દિગ્દર્શિત 'જવેલ થીફ' (૧૯૬૭) નું આ ગીત દેવસા'બની શૈલીના ઓળખ સમું છે. 


જોની મેરા નામ’(૧૯૭૦) જેવું થ્રીલર ગોલ્ડીએ નિર્દેશીત કર્યું, જેમાં દેવ આનંદની હીરોઈન હતાં હેમા માલિની. આ ફિલ્મની સફળતાએ હેમાને સ્ટારની હરોળમાં મૂકી દીધાં. રાજ કપૂરની મેરા નામ જોકર બોક્સ ઓફિસ પર અત્યંત નિષ્ફળ રહી, તેની સામે દેવ આનંદના આ અવતારને સફળતા મળી. ગોલ્ડીના નિર્દેશનની કમાલ દેખાડતું જોની મેરા નામનું આ ગીત સાંભળવા જેવું છે, એટલું જ જોવા જેવું છે.

ગોલ્ડી સાથે તેમનું જોડાણ તૂટવામાં કૌટુંબિક પરીબળ કારણભૂત હતું. ત્યાર પછી દેવ આનંદે પોતે નિર્દેશન પર હાથ અજમાવ્યો અને પ્રેમપૂજારી’ (૧૯૭૦) નું નિર્દેશન કર્યું. આ ફિલ્મ ભયાનક નિષ્ફળતાને વરી. પણ તેનાં ગીતો હજી આજેય લોકોના દિલોદિમાગમાં ગૂંજી રહ્યાં છે, જે નીરજની કલમમાંથી નીપજ્યાં હતાં.


જો કે, નિર્દેશક તરીકે દેવસાબે સફળતાનો ખરો સ્વાદ ચાખ્યો હરે રામ હરે કૃષ્ણ (૧૯૭૧) થી, જેમાં તેમણે ઝીનત અમાનને પહેલી વાર ચમકાવી. હિપ્પીઓના રવાડે ચડેલી હીરોઈનનું કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મમાં સંગીત આર.ડી.બર્મને આપ્યું હતું.


સીત્તેરના દાયકામાં બનારસી બાબુ’(૧૯૭૩) , છૂપા રુસ્તમ’ (૧૯૭૩) , અમીર ગરીબ’ (૧૯૭૪) , હીરાપન્ના’ (૧૯૭૩) , વોરંટ’ (૧૯૭૫) , જાનેમન(૧૯૭૬) જેવી ફિલ્મો આવતી રહી. દેવ આનંદ એ દાયકાની ઘણી હીરોઈન સાથે હીરો તરીકે ચમક્યા. જો કે, એમ લાગતું રહ્યું કે હવે એમના જાદુમાં વો બાત રહી નથી. બનારસી બાબુનું આ ગીત,જેમાં રાખી તેમની હીરોઈન છે.


૧૯૭૮માં આવેલી દેશ પરદેશ હીટ ગઈ, જેમાં અભિનેત્રી ટીના મુનિમનો હિંદી ફિલ્મોમાં પ્રવેશ થયો. આ ફિલ્મનું એક ગીત.  


ત્યાર પછી પણ હમ નૌજવાન’, સ્વામીદાદા’, અવ્વલ નંબર’, લશ્કર’, સૌ કરોડ જેવી ફિલ્મો તે બનાવતા રહ્યા અને તેમાં ચમકતા રહ્યા. અહીં એ યાદી આખી ઉતારવાનો જરાય ઉપક્રમ નથી. જો કે, આમાંની મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. પણ દેવસાબ એક ફિલ્મ પૂરી થાય, રિલીઝ થાય એ સાથે જ આગામી ફિલ્મની ઘોષણા કરી દેતા. તેમના અસલ ચાહકો તેમની આવી ફિલ્મો જોતા હશે કે કેમ એ સવાલ છે. કેમ કે સૌએ દેવસાબની પોતાને ગમતી છબિ પોતાના મનમાં સંઘરી રાખી હતી, જે અવિનાશી હતી. ઉર્જા, ચંચળતા અને જીવંતતા એટલે દેવ આનંદ એવું સમીકરણ સૌના મનમાં એ હદે બેસી ગયેલું કે સાઠ વટાવેલા કોઈ પણ ચુસ્તદુરસ્ત પ્રૌઢને દેવ આનંદનું લેબલ મળી જ જતું, તેના ચહેરાનું ભલે ને દેવસાબ સાથે સામ્ય ન હોય. દરેક કુટુંબમાં, શેરીમાં કે નગરમાં આવા કોઈક ને કોઈક દેવ આનંદ હશે જ.
શ્વેત શ્યામ ફિલ્મોને રંગીન કરવાનું ચલણ શરૂ થયું ત્યારે સૌ પહેલાં મુઘલ-એ-આઝમને રંગીન કરવામાં આવી. ત્યાર પછી નયા દૌર નો વારો આવ્યો. અને હમણાં છેલ્લે હમ દોનોંને પણ રંગીન બનાવવામાં આવી. જેવી ઝટપટ તેમની હિલચાલ હતી, એવું જ ઝપાટાબંધ તેમનું મૃત્યુ રહ્યું. સાવ અચાનક, ઉંઘમાં જ!
જો કે, તેમના સૌ ચાહકો પોતપોતાના દેવસાબને એટલા ચાહે છે કે ભલે આ નશ્વર દુનિયામાંથી તેમણે વિદાય લીધી, સૌના મનમાં તે આજીવન જીવંત રહેવાના છે. હમ દોનોંના આ ગીતમાં દેવસાબ પરદા પર હીરોઈન સાધનાને કહે છે, એ જ શબ્દો તેમના ચાહકો દેવસાબ માટે કહેતા રહેવાના: કિ દિલ અભી ભરા નહીં.


Friday, December 2, 2011

ટીનેજપ્રવેશનું ટીન ટીન: અનોખી ઉજવણી અને એક્સક્લુસિવ અહેવાલ


ના, ના. બહુ ખુશ ન થઈ જતા ! આજની પોસ્ટ ટીનેજરની સમસ્યાઓ વિષે નથી. એ છે એક અંગત પ્રસંગની ઉજવણીનો જાહેર અહેવાલ. હા, ગભરાઈ પણ ન જતા. એમાં આત્મકથાના ટુકડા નથી ઠાંસ્યા. ગઈ કાલે ૧ ડિસેમ્બર હતી, જે મારા દીકરા ઈશાનનો જન્મદિવસ છે. આજથી બરાબર બાર વરસ અગાઉ ૧ ડિસેમ્બર, ૧૯૯૯ના દિવસે ઈશાનનો જન્મ વડોદરા મુકામે થયો હતો. એટલે કે આ તેની તેરમી વર્ષગાંઠ હતી, એટલે કે તે ટીનેજ (teenage) માં પ્રવેશી રહ્યો હતો.
અમેરિકા જેવા દેશમાં અમે રહેતા હોત તો તેના વિધિવત ટીનેજપ્રવેશની જાણ કરતું કાર્ડ દેશમાં રહેતાં સ્વજનોને મોકલ્યું હોત, ભલે ને સ્વજનો એ કાર્ડ શેનું છે એ ઉકેલવા ફાંફા મારે! ભારતમાં ટીનેજનું માહાત્મ્ય જોઈએ એવું કરવામાં આવ્યું નથી. અહીં તો તમામ ઉંમરના લોકો ટીનએજ (tin edge/ પતરાંની ધાર) પર હોય એમ જીવે છે. (સરખામણીમાં સામ્ય ન લાગ્યું? ક્યાંથી લાગે? આ શબ્દપ્રયોગ તો શ્લેષની અસર ઉપજાવવા કર્યો છે.)
સામાન્ય રીતે જન્મદિનની ઉજવણી આપણે ત્યાં કેક કાપીને, મીણબત્તી ઓલવીને અને તાળીઓ પાડતાં પાડતાં બર્થડે સોંગ ગાઈને થાય છે. પણ એ તો વિદેશી પરંપરાની આંધળી અને વિચારહીન નકલ છે. કદી કોઈને પ્રશ્ન થયેલો સાંભળ્યો કે કેક જ કેમ?’ મીણબત્તીઓને કેમ ઓલવવાની જ?’ હેપી બર્થડે ટુ યુની ત્રીજી લીટીમાં જ  વ્યક્તિનું નામ બોલવાનું?’ આવા પાયાના સવાલ કોઈને નહીં થાય ત્યાં સુધી કોઈકની બર્થડે  પાર્ટીમાં ભરાઈ પડેલા આપણે માંડ એકાદ કિલોની બ્લેક કરન્ટ, બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ કે વેનિલા કેકના પાંચ દસ ગ્રામના ટુકડા ખાઈને જ ચલાવવું પડશે.
આ કેક નહોતી મૂકી. 
ગઈ સાલ સુધી અમે ઈશાનના જન્મદિવસની ઉજવણી આ રીતે જ કરતા હતા. અમારા મનમાંય આવા સવાલ પેદા થતા હતા, પણ એનો વિકલ્પ મળતો ન હતો. પણ લાગ્યું કે આ વરસે ઉજવણીની રીત બદલવી જ રહી. કેમ કે, આ વરસ જરા વિશેષ છે. કેમ કે ટીનમાં પ્રવેશ એટલે...(સ્થળસંકોચ હોવાથી ત્રણ જ ટપકાં મૂક્યાં છે. અહીં તમને મનપસંદ એવું કોઈ પણ ક્વોટ મૂકી દેવું.) ઉજવણી શી રીતે કરવી એ માટે ઈશાન જન્મદિન ઉજવણી સમિતિ નામે એક સમિતિ બનાવવામાં આવી. સમિતિમાં અંદરોઅંદર ફાટફૂટ ન પડે એવી દૂરંદેશી રાખીને ફક્ત એક જ સભ્યની નિમણૂંક કરવામાં આવી. અને એક સભ્યની બનેલી આ સમિતિએ ઠરાવ્યું કે ટીનમાં પ્રવેશતી વેળાએ કેક નહીં, પણ ટીન કાપવું. અપેક્ષા મુજબ જાહેર જનતામાંથી તેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો. પણ પોતાની તરફેણમાં આવેલા પ્રતિભાવને વધુ મહત્વ આપીને, તેનો વારંવાર ઉલ્લેખ કરીને, બહુમતિનો મત સમિતિના સૂચનની સાથે છે એવું ચિત્ર ઉપસાવી શકાયું. અને તેનો વેળાસર અમલ કરવા માટે પગલાં ભરવામાં આવ્યાં. કોઈ સમિતિ કશો ચૂકાદો આપે એ જ ઘટના ગણાય, એ ચૂકાદો માન્ય રખાય એ બીજી ઘટના ગણાય, અને એ ચૂકાદાનો અમલ થાય એ ત્રીજી ઘટના ગણાય. એ મુજબ, આ પ્રસંગે ઘટનાઓની હારમાળા સર્જાઈ.
સૌ પ્રથમ તો યોગ્ય પ્રકારના ટીનની શોધ કરવામાં આવી. આ શોધ દરમ્યાન જન્મદિનના આગલા દિવસે જ સમાચાર આવ્યા કે ઘરમાં હવે તેલ ખલાસ થવાને આરે છે, અને નવો ડબ્બો લાવવાનો જ છે. તેથી તેલનો ભરેલો ડબ્બો લાવવાનું નક્કી થયું, અને તેનો અમલ પણ ઝડપથી થઈ ગયો.
પ્રસંગનો આખો દિવસ ઘટનાસ્થળે શાંતિ રહી. પણ સાંજે ભોજન પછી ચહલપહલ શરૂ થઈ. પ્રસંગને અનુરૂપ સાધનસામગ્રી એકઠી કરવામાં આવી, અને તેને યોગ્ય રીતે ગોઠવવામાં આવી. સૌએ યથામતિ સૂચન કર્યાં એ મુજબ પેપર નાઈફ, કાતર, સૂડી, હથોડી શોધીને એકત્રિત કરાયાં, પણ કામિની(મારી પત્ની)એ જણાવ્યું કે સાણસી સિવાય ડબ્બો નહીં તૂટે. એટલે પછી તસવીરી ઔચિત્યને બાજુએ મૂકીને વાસ્તવિકતાનો વિચાર કરીને સાણસીનો પણ સમાવેશ કરવામાં આવ્યો.
ઉજવણી માટે મનમાં ભારતીય પરંપરાનું મોડેલ હતું. એ મુજબ, સારા કે વાહિયાત, કોઈ પણ કાર્યક્રમનો આરંભ આપણે દીપ પ્રાગટ્યથી કરીએ છીએ. અને સાથે કહીએ છીએ કે દીપ એ જ્ઞાનનું પ્રતીક છે. તો પછી જન્મદિનની ઉજવણી કરતી વખતે ફૂંક મારીને દીપ (મીણબત્તી) ઓલવીએ છીએ,એનો અર્થ જ્ઞાનનો છાંટોય આપણને ન ખપે એવો કાઢવો? એવું શી રીતે ચાલે? એટલે આરંભ કર્યો દીપપ્રાગટ્યના પ્રયત્નોથી. ઈશાનના હાથમાં પરાણે ગેસ લાઈટર પકડાવવામાં આવ્યું. તેણે સૌનું મન રાખવા ગેસ લાઈટર પકડ્યું અને તેનાથી દીપ પ્રગટાવવાનો સારો એવો પ્રયત્ન કર્યો. પણ દીવો કેમેય કરીને સળગ્યો નહીં. સૌએ પહેલાં ઈશાનને જાતજાતનાં સૂચનો આપ્યાં. આમ પકડ’, અહીંથી દબાવ’, ઊંધું તો નથી પકડ્યું ને!’, અંદરની પથરી ખલાસ થઈ ગઈ હશે’, ફોરેનની વસ્તુઓનું આ જ દુ:ખ, એક વાર બગડી એટલે ખલાસ! વગેરે જેવા ઉદગારો પણ કાઢ્યા. ગેસ લાઈટરનો વાંક કાઢ્યો. પહેલાંના જમાનામાં લોકો ફૂંકણીથી ચૂલો કેવો સરસ પેટાવતા, અસલના વખતના દીવા કેવા સરસ આવતા, જે આજના સોડિયમ લેમ્પનેય ટક્કર મારે એવા હતા, પછી પેટ્રોમેક્ષ આવ્યાં પણ દીવા જેવી મઝા નહીં, આહાહા! એ દીવા, એ કોડિયાં, એ તેલ ને એ દિવેટો... આવી અનેક વાતો થઈ. પછી યાદ આવ્યું કે દીવો તો હજી સળગ્યો જ નથી.
એટલે છેવટે ગેસ લાઈટરને પડતું મૂક્યું. ભારતમાં રહેતા હોઈએ એટલે આવી કોઈ અણધારી આફત સામેની તૈયારી કરી રાખવાની ટેવ હોય જ. એટલે અમે વિકલ્પરૂપે દિવાસળીની પેટી તૈયાર રાખેલી જ હતી. શચિ  (મારી દીકરી)થી ઈશાનની હાલત જોઈ ન શકાઈ, એટલે એ ઈશાનની મદદે આવી. લૉની વિદ્યાર્થીની હોવાથી પહેલાં તો એણે લાઈટર બનાવતી કંપની પર દાવો માંડવાની વાત કરી. પણ એ વિષય હજી ચોથા સેમેસ્ટરમાં આવશે, જ્યારે હજી તો એ પહેલા સેમેસ્ટરમાં ભણે છે, એ યાદ આવતાં એણે ચૂપચાપ દિવાસળી પેટાવી. પહેલા જ ઝાટકે દીવાસળી સળગી ગઈ. એ ઓલવાઈ ન જાય તે માટે ઈશાનને હથેળી ધરી રાખવાનું કહેવામાં આવ્યું. શચિને એમ લાગ્યું કે એના આવવાથી દીવો સળગ્યો છે. અમને લાગ્યું કે લાઈટર ગમે એવાં મોંઘા લઈએ, છેવટે તો દોઢ રૂપિયાવાળી દિવાસળીની પેટી જ કામ લાગે છે. 
દીપપ્રાગટ્ય તો કરી લીધું. પણ પોઝીટીવ થિંકીંગનાં પુસ્તકોનાં ટાઈટલ જોયેલાં એ યાદ આવી ગયાં. મનમાં થયું કે આપણે ભારતીય સંસ્કૃતિના એવા અંધ ટેકેદાર અને વિદેશી સંસ્કૃતિના ઝનૂની ટીકાકાર ન બનવું જોઈએ કે વિદેશી ચીજને નામમાત્રથી ધિક્કારીએ. સૌ કોઈનું સારું આપણે ગ્રહણ કરવું જ જોઈએ. એટલે પછી એ સળગાવેલા દીવાને ફૂંક મારીને ઓલવ્યો. આમ, આ ઉજવણીમાં દેશી અને વિદેશી પરંપરાનો સુભગ સમન્વય કરવામાં આવ્યો.
હવે મુખ્ય પ્રસંગની ઉજવણી કરવાની હતી. અગાઉ જોયું એમ ભારતીય સંસ્કૃતિમાં પ્રતિકોનું આગવું સ્થાન અને મહત્વ છે અને આપણે પ્રતિકોને જ યાદ રાખીએ છીએ કે અનુસરીએ છીએ. અમે પણ કાપવાનાં, તોડવાનાં પ્રતિકોને એક પછી એક પ્રતિકાત્મક રીતે અજમાવ્યાં. એ તો સૌ કોઈ જાણે છે કે પેપર કટર, કાતર કે સૂડી વડે કંઈ ટીનનો ડબ્બો ન કાપી શકાય. પણ અગાઉ જણાવ્યું એમ આ ચેષ્ટાનું પ્રતીકાત્મક મહત્વ છે.

   

પણ પ્રતીકને પકડીને ક્યાં સુધી બેસી રહેવું? વાસ્તવિકતાનો સામનો પ્રતિકાત્મક રીતે ન થાય. એમાં તો નક્કર પગલાં લેવા પડે. એટલે છેવટે વારો આવ્યો સાણસી અને હથોડીનો. જો કે, ઘરગૃહસ્થીવાળી કોઈ પણ વ્યક્તિ જાણે છે કે કોઈના હાથમાં માત્ર સાણસી અને હથોડી પકડાવી દઈએ એટલે કંઈ એને તેલનો ડબ્બો ખોલતાં આવડી ન જાય! બોઈંગ વિમાનની ચાવી કોઈ આપે અને સ્ટાર્ટર મારીને એને ઉડાડવાનું કહે તો એમ કંઈ ફાવે ખરું? આ સત્ય ઉજવણીમાં હાજર રહેલામાંથી કામિની અને મારા કરતાં વધુ સારી રીતે કોણ સમજી શકે?
કામિની એટલા માટે સમજી શકે કે તેલનો ડબ્બો દર વખતે એ જ ખોલે છે. અને હું એટલા માટે સમજી શકું કે એક વાર ડબ્બામાં ભળતી જગાએ કાણું પડી ગયું ત્યારથી ડબ્બો ખોલવામાં મારી મદદ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. એટલે માત્ર ફોટો પડાવવા પૂરતી ઈશાનના હાથમાં હથોડી પકડાવીને પછી કામિનીએ જ સાણસીથી ડબ્બો ફટાફટ ખોલી નાંખ્યો. અનેક અટપટી વિધિ કર્યા પછી છેવટે ડબ્બો ખૂલ્યો તો ખરો.
ઉપસ્થિત સૌએ આ પ્રસંગને કેક કાપવાની સમકક્ષ ગણીને તાળીઓથી વધાવી અને હેપી બર્થ ડે ટુ યુ ગાયું. અને ત્રીજી વાર ગાતી વખતે યુની જગાએ ઈશાનનું નામ બોલ્યા. અત્યંત મર્યાદિત કુટુંબીઓની આ પ્રસંગે હાજરી હતી. મિડીયાવાળાને જાણી જોઈને દૂર રાખવામાં આવ્યા હતા.
તેલ ભરેલો ટીનનો ડબ્બો કપાઈ ગયા પછી વારો હતો સૌને તેલનો આસ્વાદ કરાવવાનો. આ ક્રિયામાં પણ મહત્વ પ્રતીકનું હતું, એટલે સૌએ પોતાને ગમતું તેલનું પાત્ર અને પદ્ધતિ પસંદ કરી, જેની એક ઝલક અહીં જોઈ શકાશે.
         



ઉજવણીમાં  સૌની હિસ્સેદારી 





સમગ્રપણે આખો પ્રસંગ પરંપરાગત હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવાયો. ભોજન લઈ લીધા પછી આ ઉજવણી રાખવામાં આવેલી હોવાથી ભોજન લેવાનો કોઈ સવાલ પેદા થતો નહોતો. ઉજવણીમાં ભાગ લેનારા સૌ કોઈ ઘરના જ હોવાથી ઉજવણી સંપન્ન થયે વિખરાઈને ઘેર જવાનો સવાલ નહોતો. એટલે સૌ ત્યાંના ત્યાં જ રહ્યા અને સૂવાનો સમય થયો એટલે સૂઈ ગયા.
બિનઅગત્યની નોંધ: આ ઉજવણીનું આયોજન ઘણા લાંબા સમયથી કરેલું હતું. અનેક ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. એવી પણ વાત છે કે આઈ.આઈ.એમ.(અમદાવાદ) સાથે ઓળખાણ ધરાવતા કેટલાક લોકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. એક અફવા મુજબ શહેરના ચોક્કસ ઈવેન્ટ મેનેજર પાસેથી પણ ટેન્ડર મંગાવાયું હતું. આયોજનમાં એટલી ઝીણવટ અને ચોકસાઈ રાખવામાં આવી હતી કે દિવાસળીની પેટીનો સુદ્ધાં ખ્યાલ રાખવામાં આવ્યો હતો. જો કે, નિમંત્રીતોની યાદી બનાવવાનું કામ કોઈને યાદ આવ્યું નહોતું. એટલે અત્યંત મર્યાદિત લોકો અને કુટુંબના સભ્યો વચ્ચે જ આ ઉજવણી સિમીત રહી. જેનું સાટું આ અહેવાલ થકી વાળી લેવાનું સૂચન મળતાં એનો અમલ કર્યો છે.
આ પ્લેટ પણ મૂકી નહોતી. 
અગત્યની નોંધ: આ અહેવાલ વાંચીને ઘણા મિત્રોને દિલમાં હાશ થશે કે ચાલો, બર્થડેની ઉજવણીમાં સમોસાં, વેફર, મંચુરિયન બોલ્સ વડાપાઉં કે ભાજીપાઉં ખાવામાંથી છૂટકારો થયો. 
અમુક મિત્રો મનમાં બચી ગયાનો આનંદ થતો હશે છતાં, અપરાધભાવ બતાવશે કે અમારે મન ખાવાનું મહત્વ નથી, પણ અમારા ભત્રીજાને અમારે ગીફ્ટ આપવાની હતી, એનું શું? આવા મિત્રોને અપરાધભાવ ન થાય અથવા ખરેખર થયો હોય તો દૂર થાય એનો પણ અમે વિચાર કરી રાખ્યો છે. (અગાઉ જણાવ્યું એમ ઝીણવટભર્યું આયોજન!) એ મુજબ નીચેનાં સૂચનો વાંચી જવા અનુરોધ છે.
આ ગીફ્ટ પણ નથી આવી. 
  • ગીફ્ટ આપતાં અગાઉ જરાય સંકોચ વિના અમને પૂછી લેવા વિનંતી, જેથી પુનરાવર્તન ટળે. (ઈશાનની પહેલી વર્ષગાંઠે આવેલી સ્કેચપેનો એ હજીય વાપરે છે.)
  •   ગીફ્ટની (બજેટ મુજબ) પસંદગી કરતી વખતે એ હકીકત યાદ રાખવા વિનંતી કે રીટર્ન ગીફ્ટ આપવામાં અમે માનતા નથી.
  • ગીફ્ટની આઈટમ પર નામ ન લખતાં, તેના રેપર પર જ આપનું નામ લખવું, જેથી આપની ગીફ્ટ અમને પસંદ ન પડે તો બીજાને પધરાવવામાં સુવિધા રહે.
 (સાદી નોંધ: ગીફ્ટ, કેક તેમજ સમોસાની તસવીર નેટ પરથી લીધી છે.)