Thursday, June 16, 2011

કોંકણ ડાયરી-૨બાળના બાળપણનું ગામ

દાભોલના માર્ગે એસ.ટી. બસોની ફ્રીક્વન્સી ઘણી છે. એસ.ટી.ના વિકલ્પે અહીં ડમડમ તરીકે ઓળખાતી છ સીટવાળી ઓટોરીક્ષા જોવા મળે છે, જેમાં ટુરીસ્ટો પણ સ્થાનિક લોકોની જેમ, તેમના જેટલા જ ભાડામાં, તેમના જેટલી જ અગવડો સાથે મુસાફરી કરી શકે છે. દાભોલથી દસેક કિલોમીટર પહેલાં ચીખલગાંવ નામનું સાવ નાનકડું ગામ છે. લોકમાન્ય ટિળકનું બાળપણ આ ગામમાં ગુજર્યું હતું એમ કહેવાય છે. જો કે, બાળપણના કયા વરસો દરમ્યાન તેઓ અહીં રહ્યા હતા એ વિશે અધિકૃત માહિતી મળતી નથી. તેમના દાદાનું મકાન અહીં હતું એટલે ક્યારેક તો તેઓ અહીં રજાઓમાં આવ્યા જ હશે, એવુંય એક જણે ખાતરીપૂર્વક કહ્યું. છેલ્લા પચીસેક વરસથી આ વિસ્તારમાં કામ કરી એક સંસ્થાએ અહીં ટીળકજીનું સ્મૃતિમંદીર બંધાવીને તેમની બસ્ટ સાઇઝની પ્રતિમા  મૂકી છે, જેની  મુલાકાતે રડ્યા ખડ્યા પ્રવાસીઓ ઉપરાંત ટીળક જ્ઞાતિના લોકો આવે છે. 
આ સ્મૃતિમંદીરની બાજુમાં જ પ્રાથમિક શાળા ચાલે છે, જેમાં આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એકથી ત્રણ ધોરણના આ વિદ્યાર્થીઓ મુલાકાતીને ગુડ આફ્ટરનૂન સર’,’વેલકમ સર કહીને આવકારે ત્યારે આશ્ચર્યની સાથે આનંદ પણ થાય છે. આ શાળાના પાડોશી છે એકનાથ ચાંદોરકર. પગપાળા શાળા સુધી આવતી વિદ્યાર્થીનીઓ શાળા શરૂ થાય એ પહેલાં એકનાથજીના કૂવેથી પાણી ખેંચીને દેગડાઓ ભરી દે છે. શાળામાં થતી પ્રાર્થના જેવો જ આ નિત્યક્રમ છે. ઘરથી સાવ નજીક આવેલા બસસ્ટોપ સુધી પણ પોતાના સંતાનોને બાઇક પર મૂકવા જનાર મા-બાપ પર્વતીય વિસ્તારની અગવડયુક્ત આ શાળા જુએ તો તેમને ખ્યાલ આવે કે પોતાનું બાળક કેવા રાજાશાહી ઠાઠમાં રહે છે.

સાગરકિનારે
ગુહાગરનો દરિયાકિનારો
કોંકણ વિસ્તારમાં બધે વિવિધ પ્રકારની મરાઠી બોલીનું ચલણ છે. કોંકણી તરીકે ઓળખાતી બોલીનું અહીં નામનિશાન નથી. કોંકણી મુખ્યત્વે ગોવાની બોલી છે. અહીંના લોકો હિન્દી સમજી શકે છે ખરા (થેન્ક્સ ટુ હિન્દી ફિલ્મ્સ), પણ હિન્દી બોલવામાં તેમને ઘણી તકલીફ પડે છે. ગુહાગર તાલુકાનું મુખ્ય મથક છે અને અહીંનું બજાર મુખ્યત્વે બસ સ્ટેશનની આસપાસ વિકસેલું છે. વેદ્લોરથી અંજનવેલ થઇને ગુહાગરમાં પ્રવેશતી બસ આખું ગામ પાર કરીને બસ સ્ટેશનમાં પ્રવેશે છે. આ આખા રસ્તાની પહોળાઇ ફક્ત એક જ મોટું વાહન જઇ શકે એટલી છે, પણ અહીં ટ્રાફિક જામની સમસ્યા ખાસ નડતી નથી. ગુહાગરના મુખ્ય રોડથી દરિયાકાંઠો ફક્ત ચાર મિનીટના અંતરે છે. 
ચલ અકેલા
સ્વચ્છ અને નિર્મળ જણાતા આ દરિયાકાંઠે સવાર-સાંજ ગણ્યાગાંઠ્યા લોકો ચાલવા માટે આવે છે. ગુહાગરથી પંદર-વીસ મિલોમીટરના અંતરે આવેલું વેળણેશ્વરનું મંદીર અનેક લોકો માટે દર્શનીય છે, પણ ખરેખરો દર્શનીય છે વેળણેશ્વરનો દરિયાકિનારો. હજી સુધી આ કિનારો પ્રવાસીઓની નજરે ચડ્યો હોય એમ લાગતું નથી. અહીં દરિયાકિનારે આવેલી વાડીમાં લીલા નાળિયેર મળી રહે, પણ ઘેર બેઠાં મળે છે તે જ કિંમતે. આમ છતાં, આ નાળિયેરની મિઠાશ જબરદસ્ત હોય છે. આપણા દેખતાં જ ઝાડ પર ચડીને નાળિયેર નીચે પાડી આપે, એવા ટ્રી ફ્રેશ નાળિયેરનું પાણી પીવામાં જ પૈસા વસૂલ લાગે.


ફળોથી ફૂલ

ચક્કર ઘુમાવો એટલે પાણી
 કોંકણના ઉચ્ચ પ્રદેશમાં નાળિયેર,  સોપારી,  કાજુ,  આંબા,  ફણસ, કોકમ વગેરેનાં વૃક્ષો બહોળા પ્રમાણમાં જોવા મળે છે.એની સામે શાકભાજી એટલા પ્રમાણમાં થતાં નથી. મુખ્ય ખેતી ચોખાની છે, તેથી દાલ-ચાવલનું ભોજન અહીં આસાનીથી ઉપલબ્ધ છે. ચિખલગાંવ જેવા નાના ગામમાં લોકો હજી ચાર-આઠ આનાની સોપારી ખરીદે તે જોઇને નવાઇ લાગે છે, કેમ કે આપણે ત્યાં ચાર-આઠ આના પાછા લેવાના થાય તો કોઇ માંગતું નથી, અને હવે તો રૂપીયાના સિક્કાનું અસ્તિત્વ પણ જોખમમાં છે. લવિંગ, તમાલપત્ર, મરી જેવા તેજાનાનું પણ અહીં  છૂટુંછવાયું વાવેતર થાય છે. અહીંયાં કૂવા લગભગ ઘેરઘેર હોય છે. કૂવામાંથી પાણી ખેંચવા માટેના ચક્રની રચના પણ એવી હોય છે કે હેન્ડલથી ચક્રને ગોળ ફેરવવાથી તેની પર વીંટાયેલું દોરડું ઉકલવા માંડે.  આમ, કૂવામાંથી પાણી ખેંચવાનું કામનાનું છોકરું પણ કરી શકે એટલું સરળ છે. અહીંયાં વરસાદ સખત હોવા છતાં ખડકાળ ભૂમિ હોવાથી પીવાના પાણીની તંગી રહે છે. શિયાળા અને ઉનાળામાં અહીં માફકસરનું તાપમાન રહેવાથી વાંધો આવતો નથી, પણ એપ્રિલ-મેમાં આ વિસ્તારમાં જવાથી કેરી, કાજુ, ફણસ જેવાં ફળો ખાવાની મઝા લઇ શકાય છે. આ પ્રદેશમાં હજી સહકારી મંડળીઓનું ખાસ ચલણ નથી.  અહીંના ફળોનું સૌથી મોટું બજાર મુંબઇ હોવાથી કદાચ સહકારી પ્રવૃત્તિ વિકસાવવાની કોઇએ પહેલ ન કરી હોય એવુંય બને.પચીસેક વરસથી ચિખલગાંવ નજીક લોકસાધના સંસ્થા દ્વારા આ 
વિસ્તારમાં શિક્ષણ અને લોકસેવાની ધૂણી ધખાવીને બેઠેલા દાંડેકર દંપતિમાંના ડો. રાજા દાંડેકર કહે છે એમ કોંકણવાસી જલદી કોઇનો ભરોસો કરતો નથી. પણ એક વખત ભરોસો મૂકે પછી તે પાછું વાળીને જોતો નથી. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં તો બન્યું છે એવું કે જેમના પર ભરોસો મૂકાયો એ લોકોએ પાછું વાળીને જોયું નથી. આના પરથી એમ પણ સાબિત કરી શકાય કે અતિશય વિકાસ અને અવિકાસ બન્ને સમાન અવસ્થાઓ છે.


કોંકણની તસવીરી ઝલક

કોંકણનું પહાડી ગામ

કાજુનો મોર

લચેલાં લીલાં મરી

  
ફણસનો ફાલ
 
અનાનસ

 

પશ્ચીમ ઘાટનો ઉચ્ચ પ્રદેશ

 
(ડાબે) ટીળક સ્મૃતિમંદીરની બાજુમાં શાળા


ટીળક સ્મૃતિમંદીરહરીયાલી ઔર રાસ્તા(તા.ક.: કોંકણ વિસ્તારમાં ફરવા જવાની શ્રેષ્ઠ મોસમ ચોમાસાને બાદ કરતા શિયાળો છે.  ગુહાગર, વેલનેશ્વર ઉપરાંત બીજા અનેક વર્જિન દરિયાકિનારા છે. આ વર્ણન એક ચોક્કસ વિસ્તાર પૂરતું છે. ઘણા નગરોમાં પેઈગ ગેસ્ટ તરીકે રહેવાની સુવિધા પણ છે.)  

(તમામ તસવીરો: બીરેન કોઠારી)

2 comments:

  1. સરસ લેખ બન્યો છે.વચ્ચે વચ્ચે આવતી કોમેન્ટસ એક સારા લેખકની નિશાની છે. માત્ર રિપોર્ટ નથી. ફોટા આપવાનું ચાલુ રાખશો– હરિયાલી ઓર રાસ્તા– ટાઈટલ ગમ્યું

    ReplyDelete
  2. a great relief and refreshment on watching the photos and reading the report of this konkani village ! a very good and novel piece from an amateur journalist. please go ahead and carry on, it exudes concern for the neglected 'bharat'.

    ReplyDelete