Friday, February 21, 2025

જૂની મૂડી (2)

(સ્વામી આનંદે પોતાના દીર્ઘ લેખનવાચન દરમિયાન જૂના અને ભરપૂર અભિવ્યક્તિવાળા, છતાં ચલણમાંથી નીકળી ગયેલા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, ઓઠાંઉખાણાં વગેરે એકઠા કર્યા હતા. તેમના અવસાન પછી 1980માં આ તમામનું સંપાદન મૂળશંકર મો. ભટ્ટ અને ન.પ્ર.બુચ દ્વારા 'જૂની મૂડી'ના નામે પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. પ્રકાશક હતા એન.એમ.ત્રિપાઠી પ્રા.લિ; મુમ્બઈ. હવે તો આ પુસ્તક પણ અપ્રાપ્ય બન્યું છે. પ્રસ્તુત છે આ પુસ્તકમાંથી ચખણીરૂપે કેટલાક શબ્દપ્રયોગો. મૂળ જોડણી યથાવત્ રાખવામાં આવી છે.) 

- વેઠતાં વનવાસ ને સેવતાં ઘરવાસ એમાં અંતે લાભ = દુ:ખના દિવસ વેઠી લેતાં અને ગૃહસ્થાશ્રમ સેવતાં છેડે શુભ જ થાય એવી આસ્થાનું સૂચક

- સફેદનો લોપ થાય ત્યારે જ કપડું રંગાય = સફેદ એટલે કે અહંકારરૂપી મૂળ પોત ન ટળે ત્યાં સુધી જ્ઞાનવૈરાગ્યનો રંગ પાકો ન ચડે એ અર્થ
- વાટ્યું ઓસડ ને મૂંડ્યો જતી = આ બન્નેનાં મૂળની ખબર ન પડે, એ ન પરખાય
- પારકે પાદર માવજીભાઈ કાંધાળા = બીજાનો ધનમાલ વપરાતો હોય ત્યાં ઉદાર થાય તેવા માણસો માટે વપરાય છે પારકે ઘેર માવજીભાઈ પો'ળા
- સો વાર બકો ને એક વાર લકો (લખો) = બોલેલું યાદ ન રહે, તેથી એ વિશે ખાતરી ન રાખી શકાય કે આમ જ કહ્યું હતું, પણ લખેલું તો સો વરસેય જેમનું તેમ વંચાય, માટે લખેલું હોય તે જ પાકું ગણવું
- વૈદો વઢે એમાં માંદાનો મરો (અર્થ સ્પષ્ટ છે), When doctors differ, patients suffer
- લૂણી ધરોને તાણી જાય = વ્યાજનો લોભ મુદ્દલ, મૂડીને ડુબાડે. લૂણીની ભાજી ઉગાડનારા ધરોની જોડે લૂણી ઉગી હોય ત્યારે લૂણીને ઉપાડતાં ધોળી ધ્રોને પણ ઉખાડી નાખે તે પરથી
- કુલડીમાં રાંધ્યું ને કોડિયામાં ખાધું = આજકાલનાં માણસોનાં ચકલાચકલી જેવાં પોપલાં ખાનપાન, જેમાં એક પણ અતિથિ-આગન્તુક ન સમાય
- ઊંટે ચડી બકરાં હાંકવાં = 'જા બિલ્લી કુત્તેકુ માર', જાતે કશું ન કરતાં બીજા બધું કામ બરાબર અંકે કરી આપે તેવી અપેક્ષા રાખવી
- મથુરાનો પેંડો ન્યારો = અલગારી માણસ માટે કહેવાય છે (મથુરાનો પેંડો અસાધારણ મોટો, સામાન્ય પેંડા કરતાં અલગ પડે તેવો હોય છે)
(સૌજન્ય: જૂની મૂડી, સ્વામી આનંદ)

(નોંધ: આવા વધુ શબ્દો ધરાવતી એક જૂની પોસ્ટ મારા બ્લૉગ પર અહીં વાંચી શકાશે.

No comments:

Post a Comment