'મિલના-બિછડના'ની કથા માટે હવે કુંભમેળો હોવો બિલકુલ જરૂરી નથી, પણ કુંભમેળાની મોસમમાં જ 23 જાન્યુઆરી, 2019ના રોજ આવો એક મસ્ત સંયોગ રચાયો. જેમના સંપર્કમાં આમ છીએ જ, તેઓ અમારી વાતોમાં અને સ્મૃતિમાં ઉપસ્થિત જ છે, છતાં રૂબરૂ મળવાનું ઓછું થાય એવો એક પરિવાર એટલે અમારા સદ્ગત પાઉલભાઈ સાહેબનો પરિવાર.
પાઉલભાઈ અમારા સહિત મહેમદાવાદના અનેક પરિવારોના વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બની રહેલા, એટલું જ નહીં, એ દરેક પરિવારના પણ તેઓ આત્મીય પરિવારજન બની રહેલા. બિપીનભાઈ શ્રોફનાં સંતાનો શેખર અને ગાર્ગી, ઈન્દ્રવદનકાકા ચોકસીનો દીકરો મૌલિક ચોકસી, અરવિંદભાઈ 'ઓહડીયા'ની દીકરી યત્ના સહિત અનેક પરિવારો આજે પણ તેમને એટલા જ ભાવથી યાદ કરે છે. પાઉલભાઈ અમારા કનુકાકાના હાથ નીચે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા, ત્યાંથી તેઓ આગળ વધ્યા, ભણ્યા અને એમ.એ., એમ.એડ. સુધી પહોંચીને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક બન્યા, પણ પોતાની આ યાત્રામાં મદદરૂપ થનાર સૌને તેઓ કાયમ સ્મરતા.
પાઉલભાઈનાં પત્ની શાંતાબેન, તેમનાં સંતાનો સરોજબેન, જસુ, બીરેન અને (સદ્ગત) બીમલ- પણ એક રીતે અમારા સૌનો વિસ્તૃત પરિવાર કહી શકાય. પાઉલભાઈના પિતાજી સીમોનભાઈ (જેઓ સુમનભાઈના નામે ઓળખાતા), બહેનો ઉષાબેન (જેઓ જર્મનીમાં સ્થાયી થયેલાં) અને શારદાબેન (જેઓ નન હતાં) - આ સૌ સાથેનો સંપર્ક અને પરસ્પર ભાવ એવો હતો કે જ્યારે મળવાનું બને ત્યારે આનંદ જ આવે.
જસુ મારાથી એકાદ બે વરસે નાનો, જ્યારે સરોજબેન મારાથી મોટાં, પણ પાઉલભાઈ પાસે અમે સાથે જ ભણવા બેસતાં. સરોજબેનની મને બહુ જ શરમ આવતી. રક્ષાબંધનના દિવસે તે રાખડીની સાથે કંકાવટી લઈને મને રક્ષા બાંધવા આવતાં ત્યારે હું ત્રીજે માળે જઈને સંતાઈ જતો. સરોજબેનની ઈચ્છા પણ પોતાનાં ફોઈની જેમ 'નન' (સાધ્વી) બનવાની હતી, અને તેઓ એ માર્ગે ગયાં. પાઉલભાઈનો પરિવાર પણ પછી નડીયાદ સ્થાયી થયો. અલબત્ત, સંપર્ક રહેલો. સરોજબેન શ્રીરામપુર નર્સિંગ કૉલેજનાં આચાર્યા બન્યાં, અને ત્રીસ વર્ષની એકધારી સેવા પછી નિવૃત્ત થયાં. હવે તેઓ વસઈની એક હોસ્પિટલમાં સેવારત છે.
સરોજબેન સાથે ફેસબુક પર ફરી મેળાપ થયો એ એવી જ આનંદદાયક ઘટના. બીજો સુખદ યોગાનુયોગ એ કે છેલ્લા થોડા સમયમાં મિત્ર ગિરીશ મકવાણા સાથે પરિચય થયો. ગિરીશભાઈ પાછા પાઉલભાઈના નડિયાદના પડોશી.
સરોજબેન વડોદરા આવવાનાં હતાં, અને જણાવેલું કે મને મળવા આવશે. એ મુજબ તેમનો ફોન આવ્યો અને સાંજે તેઓ ઘેર આવ્યાં. પણ તેઓ એકલાં નહોતાં. સાથે શાંતાબેન, જશુ, (જશુનાં પત્ની) સ્મિતા અને (જશુની દીકરી) મૈત્રી પણ હતાં. સૌને સાથે જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયાં.
તેઓ માંડ અડધા કલાક પૂરતું બેઠા હશે, પણ એ અડધા કલાકમાં અમે અમારા જીવનનો અડધોઅડધ હિસ્સો યાદ કરી લીધો એમ કહું તો અતિશયોક્તિ નહીં. ઝીણીઝીણી વાતો, અવનવા પ્રસંગો યાદ કરીને બહુ જ હસ્યાં, બહુ જ આનંદ કર્યો. કેટકેટલાં પાત્રો, તેમની લાક્ષણીકતાઓ, તેમના સંવાદો યાદ કર્યાં. ગિરીશભાઈ અને તેમનાં બહેન મનીષા (સોલંકી)ને પણ યાદ કર્યાં. જીવનનો એક હિસ્સો ખરા અર્થમાં જીવંત થઈ ઉઠ્યો. ખડખડાટ હાસ્ય સતત ગૂંજતું રહ્યું.
મારું લેખક તરીકેનું ઘડતર રજનીકુમાર પંડ્યા દ્વારા થયું, પણ સાવ કુમળી વયે ભાષા પ્રત્યેનો લગાવ સીંચવામાં પાઉલભાઈનું મોટું પ્રદાન છે.
અહીં એ ખુશમિજાજ ક્ષણોની તસવીરો મૂકી છે. જો કે, તસવીરોમાં એ ક્ષણો આબેહૂબ ઝીલાવી મુશ્કેલ છે.
No comments:
Post a Comment