Friday, July 15, 2022

મનીષ કહો, મોન્‍ટુ કહો, મંટુ કહો કે....!

- બીરેન કોઠારી 

આજે મિત્ર મનીષ શાહનો જન્મદિવસ છે. 

એને આ મૂળ નામે બોલાવનારા પ્રમાણમાં ઓછા. એ ઓળખાય 'મોન્‍ટુ'ના નામે, એનું મૂળ ઉપનામ 'મંટુ' હતું, અમુક લોકો અંગતતા બતાવવા માટે 'મોન્ટુડિયો' કહીને બોલાવે, પણ અમારા મિત્રો માટે તો એ 'જાડીયો' જ. એના શરીરનો બાંધો પહેલેથી મજબૂત, અને એ અનુસાર જ આ નામ પડ્યું હશે, પણ પછી એવું રૂઢ બની ગયું કે એણે પોતેય એ સ્વીકારી લીધું. એ નામ નામ મટીને હોદ્દો ત્યારે બન્યું જ્યારે એનું લગ્ન મહેમદાવાદની જ યત્ના સાથે થયું. એટલે કે 'મોન્‍ટુ' જો 'જાડિયો' તો એની પત્ની યત્ના સ્વાભાવિક ક્રમમાં 'જાડી' તરીકે ઓળખાતી થઈ, અને યત્નાએ પણ બહુ સહજતાથી, જરાય આનાકાની વિના આ 'નામ' કે 'હોદ્દો' સ્વીકારી લીધો. એ પછી તો અમારાં  સંતાનો પણ એમને 'જાડીયાકાકા' અને 'જાડીકાકી' કહેતાં થઈ ગયાં.

અગાઉ અન્યત્ર જણાવ્યું છે એમ અમારા મહેમદાવાદની શાળાકાળના દસ ગોઠિયાઓનું ગૃપ 'આઈ.વાય.સી.' (ઈન્‍ટેલિજન્‍ટ યુથ ક્લબ)માંનો એ એક. મારો તેની સાથેનો પરિચય સાવ નાનપણથી, કેમ કે, પહેલાં તેઓ મારા ઘરથી સાવ નજીકમાં રહેતા. એટલે થતું એવું કે એનાં દાદી અનસૂયાબહેન (અનુમાસી) અને મારાં દાદી કપિલાબહેન એકમેકને જાણે. એના પપ્પા અરવિંદભાઈ (બચુકાકા) અને મારા પપ્પા અનિલકુમાર મિત્રો. એની મમ્મી સૂર્યાબહેન (સૂર્યાકાકી) અને મારાં મમ્મી સ્મિતાબહેન વચ્ચે પણ ઘનિષ્ટ પરિચય. ઉપરાંત એના કાકા હર્ષદકાકા અને હંસાફોઈની પણ અવરજવર મારે ઘેર રહેતી. એનો નાનો ભાઈ નિખિલ અને મારો નાનો ભાઈ ઉર્વીશ સરખા. આ જ ક્રમમાં અમે એકમેકના પરિચીત બન્યા. અમે સાથે રમતા, પુષ્કળ ઝઘડતા, અને નાનીએવી હાથાપાઈમાં એના હાથની પ્રસાદીનો પણ મને લાભ મળેલો. એ પછી તેઓ પોળમાંનું ઘર કાઢીને સોસાયટીમાં રહેવા ગયા. આમ છતાં, કૌટુમ્બિક સમ્બન્ધ જળવાયેલો રહ્યો. એકમેકને ઘેર સારામાઠા પ્રસંગોએ તો આવનજાવન હોય જ, એ સિવાય પણ અવરજવર રહેતી. 

જાડીયા-જાડીની જોડી 

અમારી મંડળી 'ગૃપ' હોવાનો અહેસાસ થાય એ પહેલાં તો મંટુએ શાળા છોડી દીધેલી. તેણે દસમા ધોરણ પછી ડિપ્લોમા ઈન કેમિકલ એન્‍જિ.ના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધેલો. (બે વર્ષ પછી- બારમું ધોરણ કરીને હું પણ એને પગલે ગયો.) અમે અગિયાર-બારમાં રહ્યા. આમ, અમારા સૌમાં વ્યાવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર એ સૌ પ્રથમ હતો. તેને કારણે બીજી અનેક બાબતોમાં એ અમારા ગૃપમાં પહેલો બની રહ્યો. ડિપ્લોમા પૂરું કર્યા પછી તેને તરત જ આઈ.પી.સી.એલ.માં નોકરી મળી ગઈ અને અમારા ગૃપનો એ સૌથી પહેલો કમાતો સભ્ય બન્યો. એ પછી યત્ના સાથે એનું લગ્ન થયું અને અમારા ગૃપનો સૌથી પહેલું લગ્ન કરનાર એ બન્યો. એમની દીકરી ઉર્મિનું આગમન અમારા ગૃપમાં મિત્રસંતાન તરીકે પહેલવહેલું બની રહ્યું.  

આ બધી તો મંટુની બાહ્ય ઓળખ થઈ. એની વિશેષતા એટલે એની હસમુખી પ્રકૃતિ. આ બાબત સમજાવવી અઘરી છે, કેમ કે, એ કંઈ વાતેવાતે ખીખીયાટા કરીને હસતો રહેતો નથી, કે નથી એને ગમે એ પ્રસંગે જોક્સ યાદ આવતા. પણ એની કેટલીક વિશેષતાઓથી આનો અંદાજ મળી શકશે. એનો અવાજ પ્રમાણમાં મોટો, અને એ સામાન્ય વાતચીતમાં પણ ઊંચા સાદે બોલતો હોય એમ લાગે. આને કારણે સાવ નાનાં બાળકો એનાથી ગભરાતાં, અને અમુક તો એને જોઈને રડવા લાગતાં. એમાંનો એક મારો દીકરો ઈશાન પણ ખરો. મંટુ ઘરમાં આવે એ સાથે જ ઈશાન રડવા લાગતો. એને રડતો જોઈને મંટુ પૂછે, 'કેમ રડે છે?' પણ એની બોલવાની શૈલી એવી કે પેલો વધારે જોરથી રડે. ઈશાન સહેજ સમજણો થયો અને અમે એને સમજાવ્યો કે 'મંટુકાકા કશું ન કરે'. એ હવે આવે તો તું એમની સાથે હાથ મિલાવજે. આથી મંટુ આવે ત્યારે ઈશાન એની સાથે હાથ મિલાવતો થયો. ધીમે ધીમે એને ખ્યાલ આવ્યો કે મંટુકાકા વઢતા નથી, અને મારતા પણ નથી. એટલે પછી ઈશાન આગળ વધ્યો અને મંટુ સાથે હાથ મિલાવે ત્યારે એ મંટુની હથેળી દબાવવાનો પ્રયત્ન કરતો. મંટુ પણ પછી એને વિશિષ્ટ લહેકાથી બોલાવે, અમુક વાર ધમકાવવાના સાદે વાત કરે, પણ એનાથી ઈશાનને વધુ મજા આવતી. અકાળે, અને અકારણ રડતાં બાળકોને છાનાં રાખવા તેની સેવા લેવામાં આવતી, અને મંટુ એ પ્રેમથી તેમજ સફળતાપૂર્વક પૂરી પાડતો.  

એની પર કરવામાં આવતી મજાક એ પોતે પણ માણે અને એમાં સૂર પુરાવે. એનો ભોજનપ્રેમ, અને વિશેષ તો મિઠાઈપ્રેમ અમને સૌને ખબર, સાથે એ પણ ખબર કે એને શ્યુગરની તકલીફ છે. એટલે એ દેખાવ એવો કરે કે જાણે પોતે મિઠાઈને ટાળે છે. પણ કોક તો નીકળે જ કે જે એને આગ્રહ કરે- મંટુ એ આગ્રહને વશ થવાનો જ છે એની ખાતરી સાથે! મિત્રોનાં લગ્ન એક પછી એક થતાં ગયા, એમાં અમારા ભાગે રસોડાનો વહીવટ આવે ત્યારે તૈયાર થયેલી 'પહેલી ધાર'ની રસોઈ ચાખવાની જવાબદારી સર્વાનુમતે મંટુની રહેતી. એ 'ચાખતો' અને બેધડક કહેતો, 'મહારાજ, સહેજ (આ શબ્દ લંબાવીને બોલતો) મીઠું ઓછું લાગે છે'. 

સામાજિક મોભો પ્રાપ્ત કરવામાં એ અમારા સૌમાં પહેલો હોવાથી અમારી અનેક મજાકોનો ભોગ એ બન્યો છે. જેમ કે, એ અરસામાં અમે મિત્રો વિપુલના નારાયણ સોસાયટીમાં આવેલા બંગલે રાત્રે નિયમિતપણે ભેગા થતા. (મંટુ-યત્નાની પહેલી દીકરી) ઉર્મિનો જન્મ થયેલો એ અરસામાં મંટુ ક્યારેક આવે, ક્યારેક ન આવી શકે. પણ આવે ત્યારે કહે, 'કાલે આવવા નીકળતો હતો ને છોકરી (ઉર્મિ) રડી. એટલે પછી (મારાથી) નીકળાયું નહીં.' એ બાપડો સહજ ક્રમમાં આમ બોલે, પણ અમને એ સાંભળીને રમૂજ પડતી. એટલે તુષારે એક દિવસ નક્કી કર્યું કે આજે જાડિયો ન આવે તો આપણે એને કાગળ લખીએ. એ રાત્રે મંટુ અમારી રાત્રિસભામાં ન આવી શક્યો એટલે તુષારે એક ઈન્‍લેન્ડ પત્ર લીધો અને લખવાનું શરૂ કર્યું, 'પ્રિય મંટુ, કાલે રાતે અમે બધા તારે ઘેર આવવાના હતા, પણ અમારા બધાની છોકરીઓ એક સાથે રડવા માંડી, એટલે આવી શક્યા નહીં.' (આ લખાણ શબ્દશ: નહીં, પણ ભાવશ: આવું હતું). પત્રને અમે મહેમદાવાદમાં જ મોકલવાનો હોવા છતાં બાકાયદા પોસ્ટ જ કર્યો. એ સમયે અમારા સૌમાંથી મંટુ એક જ પરણેલો હતો, એટલે આ મજાક એને બરાબર પહોંચી હશે, પણ એણે ન એનો જવાબ આપ્યો કે ન ખરાબ લગાડ્યું. એણે પણ એને માણી. 

એ પછીનાં વરસોમાં દરેક મિત્રનું લગ્ન થતું ગયું, અને તેઓ પોતે પિતા બનતા ગયા એમ 'સંતાનનું રડવું એટલે શું' એનો ફર્સ્ટ હેન્‍ડ અનુભવ મળતો ગયો. મંટુએ ધાર્યું હોત તો પોતાના પર થયેલી મજાકનો નવ ગણો (નવ મિત્રો પર) લઈ શક્યો હોત, પણ એણે એ બાબત યાદ સુદ્ધાં કરાવવાની કોશિશ કરી નથી. 

પત્તાંનો એ જબરો ખેલાડી. ખાસ કરીને જન્માષ્ટમીએ રમે, અને અચૂક મોટી રકમ જીતતો. (વરસોથી એણે ક્ષેત્રસંન્યાસ લઈ લીધો છે‌.) જન્માષ્ટમીના બેએક દિવસ પછી અમારો મિત્ર મુકો (મુકેશ પટેલ) 'જાડીયાનો સ્કોર' બહાર પાડે કે એ આટલા જીત્યો. એ સાથે જ અમે કાર્યક્રમ નક્કી કરવા માંડીએ. કાર્યક્રમ કેવો હોય? સામાન્ય રીતે ફિલ્મ જોવા અમે નડિયાદ જતા, કેમ કે, એ નજીક પડતું, અને અડધા દિવસમાં જઈને આવી જવાતું. તેની સરખામણીએ અમદાવાદ જઈએ તો આખો દિવસ જાય. અમે અમદાવાદ જવાનું નક્કી કરીએ, અને બે ફિલ્મનો કાર્યક્રમ બને. એક ફિલ્મ મંટુ તરફથી, અને બીજી સ્વખર્ચે. સવારથી ગયા હોઈએ એટલે સાથે નાસ્તો કે જમવાનું પણ સામેલ હોય. આખો દિવસ સાથે રખડવાનું અને મઝા કરીને સાંજે કે રાત્રે પાછા આવવાનું. એ સમયના અમદાવાદના ભોમિયા મિત્રો વિપુલ અને પ્રદીપ જમવાનાં કે નાસ્તા માટેનાં ઠેકાણાં ઉપરાંત પગપાળા જઈ શકાય એ રીતે થિયેટરનો રસ્તો જાણતા હોય. 

ટી.વી. જ્યારે સાવ નવીનવાઈનાં હતાં એવે સમયે એને ઘેર ટી.વી. આવેલું. અમે તો જોવા જઈએ જ, પણ એનો આખો રૂમ ભરાઈ જાય એટલા બધા લોકો આવતા. એમાંય ક્રિકેટ મેચ વખતે તો રીતસર પડાપડી થતી. એ રીતે વી.સી.આર. પણ એને ત્યાં આવ્યો ત્યારે એ નવાઈની ચીજ હતી. એ સમયે અમારા પૈકીનો પ્રદીપ અમદાવાદ ભણતો હોવાથી અપ-ડાઉન કરતો. તે ભાડે વિડીયો કેસેટ લઈ આવતો. આ રીતે અમે અનેક ઉત્તમ- ખાસ કરીને ચાર્લી ચેપ્લિનની ઘણી ફિલ્મો મંટુને ત્યાં જોઈ. અલબત્ત, મંટુએ ભાગ્યે જ એમાંની એકે ફિલ્મ આખી જોઈ હશે. એ મોટે ભાગે સૂઈ ગયો હોય. સૂવાની એની આદત જૂની અને જાણીતી. અમે શાળામાં હતા ત્યારે ભેગા થઈને વાંચતા- મોટે ભાગે મારી સામે આવેલા મુકાને ઘેર. એ વખતે અમે સવારે વહેલા જાગતા. પણ મંટુ 'બસ, પાંચ જ મિનીટ!' કહીને એક્સટેન્‍શન માંગતો અને એની એ પાંચ મિનીટ અડધો કલાક સુધી લંબાતી. વરસો પછી મોબાઈલ ફોનમાં એલાર્મ માટે 'સ્નૂઝ'ની સુવિધા જોઈને મને લાગેલું કે મંટુ જેવાની 'બસ, પાંચ જ મિનીટ!'ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ કોઈકે એની શોધ કરી હશે. 

મંટુની બન્ને દીકરીઓ ઉર્મિ (પાર્થ સાથે) અને જૈનાના (શાલિન સાથે) વડોદરા ખાતે યોજાયેલા લગ્નપ્રસંગોએ મને વિશેષ જવાબદારી સોંપાયેલી. એ હતી લગ્ન માટે ચાંલ્લો લખવાની. મારી 'નાણાંકીય આવડત' વિશે જાણનારાઓને આનાથી નવાઈ લાગે, પણ હું મહેમદાવાદનો, અને વળી (ભૂતપૂર્વ) આઈ.પી.સી.એલ.વાળો હોવાને કારણે મંટુના મનમાં આ ભૂમિકા સ્પષ્ટ હતી. 

નીલના રિસેપ્શન વખતે મંટુ 

અત્યારે પાછું વાળીને જોતાં અહેસાસ થાય છે કે ઓહોહો! અમારી મૈત્રી સાડા ચાર- પાંચ દાયકા જેટલી જૂની થઈ ગઈ, છતાં અહીં લખેલી અને યાદ હોવા છતાં ન લખેલી અનેક વાતો જાણે કે ગઈ કાલે જ બની હોય એટલી તાજી છે. હવે તો તેની બન્ને દીકરીઓ પરણીને પોતપોતાના સંસારમાં સ્થાયી છે. તેઓ અમારા સૌની મૈત્રીને સમજી શકે એટલી સમજદાર છે. કોવિડ દરમિયાન પહેલું લૉકડાઉન આવ્યું ત્યારે ઉર્મિએ અને (વિપુલના દીકરા) નીલે ખાસ આગ્રહ કરેલો કે મારે અમારી મૈત્રીની વાતો સાવ આરંભથી કરવી. તેમની આ અંગેની ગંભીરતા અને આગ્રહની સચ્ચાઈ જાણ્યા પછી રોજેરોજ એ હું ઑડિયો રેકોર્ડ કરીને અમારા વૉટ્સેપ ગૃપમાં મૂકતો. તેઓ એ રસપૂર્વક સાંભળતાં, યોગ્ય પ્રતિભાવ આપતા, અને પૂછવા જેવું લાગે તો કશું પૂછતાં પણ ખરા! એ નિમિત્તે અમારી દોસ્તીનાં અનેક પ્રકરણોને તાજાં કરવાનો રોમાંચ અનોખો હતો, સાથે જ આટલા વરસોની દોસ્તીને અમારાં સંતાનોના દૃષ્ટિકોણથી સમજવાની તક પણ હતી.

સમય કેટલો ઝડપથી વહી જાય છે! મંટુના ખર્ચે અમે જોયેલી 'યે વાદા રહા' અને એ જ દિવસે સ્વખર્ચે જોયેલી (જેમ્સ બોન્‍ડની ફિલ્મ) 'The spy who loved me' જાણે કે ગઈ કાલની જ વાત હોય એટલી તાજી છે, અને હવે આ મહિનાની આખર તારીખે, લગભગ 39 વરસના દીર્ઘ કાળ પછી, મંટુ આઈ.પી.સી.એલ.ની નોકરીમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે. એ રીતે તે જીવનની નવી ઈનિંગ્સનો આરંભ કરશે. અમને ખાત્રી છે કે તેની નવી ઈનિંગ્સ પણ આવી જ ખેલદિલ, હસમુખ, અને મૈત્રીપૂર્ણ બની રહેશે. જન્મદિવસની શુભેચ્છાઓની સાથોસાથ આ નવી ઈનિંગ્સની પણ મંટુને શુભેચ્છાઓ.

બૃહદ આઈ.વાય.સી. પરિવાર- નીલના
લગ્ન વેળાનાં સુખદ સ્મરણો:  
(પાછળની હરોળ: ડાબેથી): બિનીત મોદી, જય પરીખ,
અજય પરીખ, કવન શાહ, ઉર્મિ શાહ, ઉર્વીશ કોઠારી,
ફાલ્ગુની શાહ, ડૉ. પિયૂષ શાહ, યત્ના શાહ,
ભાવશ્રી શાહ અને રશ્મિકા પરીખ
(આગળની હરોળ: ડાબેથી) મનીષ શાહ, ઈશાન કોઠારી,
આસ્થા કોઠારી, સોનલ કોઠારી,
પૈલેશ શાહ અને ગીતા પટેલ 

(તસવીરો: વિપુલ રાવલના સૌજન્યથી) 

No comments:

Post a Comment