એક એક વ્યક્તિ એટલે એક અલાયદું જગત. ફિલ્મ 'મેકેનાઝ ગોલ્ડ'માં 'ગોલ્ડ રશ'નું ચિત્રણ હતું. ચોર, ઉચક્કા, અમીર, ગરીબથી લઈને પાદરીઓ પણ સોનું મફતીયા મળવાની લાલચે ઊમટી પડ્યા હતા. એક પાદરીને પૂછવામાં આવે છે, 'તમારે સોનાની શી જરૂર?' પાદરી કહે છે, 'હું સોનેમઢ્યું ચર્ચ બનાવીશ. એમાં સોનાનું આમ હશે ને સોનાનું તેમ હશે.' આ વાત સ્મૃતિના આધારે લખું છું, પણ મૂળ વાત એ કે દરેક વ્યક્તિની એક આગવી સૃષ્ટિ હોય છે. અને આવી સૃષ્ટિઓનાં અનુસંધાનો સધાય ત્યારે જે મઝા આવે એની વાત જ નોખી છે.
અમદાવાદસ્થિત ચંદ્રશેખર વૈદ્યને ઉંમરની રીતે મિત્રમાં ન ગણાવી શકાય, પણ એ સિવાયની તમામ બાબતોમાં તેઓ એક સહૃદયી મિત્ર. અમારો પરિચય સાવ નવોસવો હતો. 'ગ્રામોફોન ક્લબ'ને કારણે તેમનો પહેલો પરિચય ઉર્વીશને થયેલો. પણ પછી રાબેતા મુજબ તેઓ પારિવારીક મિત્ર બની ગયેલા. ક્યારેક સાંજે મહેમદાવાદ આવી ચડે, રેકોર્ડ પ્લેયર પર એક પછી એક રેકોર્ડ ચડતી જાય, અને હીંચકો, સોફા વગેરે હોવા છતાં, ધરાર ભોંય પર પલાંઠી વાળીને જ એને માણવાનો ઊપક્રમ ચાલે. સવાર પડે ત્યારે તેઓ અમદાવાદ રવાના થઈ જાય.
આવી બેઠકોમાં મારે હાજર રહેવાનું બન્યું નથી, કેમ કે, મારી નોકરીને કારણે હું વડોદરા આવનજાવન કરતો. પણ મહેફિલ પત્યા પછી તેમાં પડેલા જલસાની વાતો સતત ચાલ્યા કરતી. અમારા કૌટુંબિક વડીલ કનુકાકા પણ ત્યારે તો હયાત હતા. તેમની એક ખાસિયત હતી કે તેઓ બારણામાં પ્રવેશે એટલે નીચેથી જ કોઈકના (મોટે ભાગે ઉર્વીશના કે મારા) નામની બૂમ પાડે. એ પછી જ તેઓ દાદરો ચડે. ચંદ્રશેખરભાઈ એક વાર આવવાના હતા એ વાતની કનુકાકાને જાણ હતી. એટલે એ દિવસે તેમણે નીચેથી જ 'ચંદ્રશેખરભાઆઆઆઆઈ' કહીને બૂમ પાડી. ચંદ્રશેખરભાઈ આ સાંભળીને ચોંક્યા હશે. પણ પછી ઉપર આવીને કનુકાકાએ તેમની સાથે જે વાતો કરી તેનાથી તેઓ કનુકાકાના પ્રેમી બની ગયા. કહે, 'યાર, કાકાએ જે પ્રેમથી બૂમ પાડી....આહાહાહા....ઓડકાર આવી ગયો!'
આ અરસામા જ મારી દીકરી શચિનો જન્મ થયેલો. પછી અમે વડોદરા રહેવા આવતા રહ્યા. પણ શચિનો એક ફોટો મહેમદાવાદના ઘરમાં એન્લાર્જ કરાવીને રાખેલો. એક મુલાકાત દરમિયાન ચંદ્રશેખરભાઈએ એ ફોટો જોયો અને પૂછ્યું, 'આ બાબો કોણ?' ઉર્વીશે તેનો પરિચય આપ્યો. તેમણે કશુંક મનમાં વિચારી લીધું હશે. એક સંગીતપ્રેમી મિત્રને મનમાં કેવા વિચાર આવે? પાદરીને સોનાનું ચર્ચ બનાવવાના આવે એવા જ તો!
ચંદ્રશેખરભાઈને આવેલા વિચારનો તેમણે કરેલો અમલ એટલે અહીં મૂકેલું કેસેટનું ઈન્લે કાર્ડ. 78 આર.પી.એમ.ની રેકર્ડમાંથી બાળગીતોનું સંકલન કરીને તેમણે એની કેસેટ બનાવી. અને શચિને ભેટ તરીકે મોકલી. તારીખ તેમણે જ લખેલી છે: 3-12-98.
|
કેસેટનું ઈન્લે કાર્ડ |
|
1946ની જાહેરખબર |
કદાચ હજી તેમના મનમાં મારી નોંધણી ખાસ નહીં થઈ હોય, તેથી કેસેટ પર શચિનું અને તેના 'વાલી' ઉર્વીશનું જ નામ છે. (પછી મારું નામ તેમના મનમાં એવું નોંધાયું કે 'સાગર મુવીટોન' જેવા ઐતિહાસિક પુસ્તક માટે તેઓ નિમિત્ત બની રહ્યા.)
આ આખી વાત યાદ આવવાનું કારણ? પાદરીનું સોનાનું ચર્ચ જ સમજો ને! મારી આદત મુજબ હું જાતજાતનાં જૂનાં ચોપાનિયાં ફંફોસતો રહેતો હોઉં. એ દરમિયાન 'નૂતન બાલશિક્ષણ સંઘ' સંચાલિત સામયિક 'શિક્ષણપત્રિકા'ના ડિસેમ્બર, 1946ના અંકમાં અચાનક આ રેકર્ડની જાહેરખબર જોવા મળી. ચંદ્રશેખરભાઈએ આપેલી કેસેટમાંનાં ઘણાં ગીતો તેમાં જોયાં, એટલે કેસેટ સાથે સરખાવી જોયાં.
ચંદ્રશેખરભાઈ અને ગુરુ રજનીકુમાર પંડ્યાનો જન્મદિન એક જ દિવસે 6 જુલાઈએ આવે છે. એટલે યાદ રાખવાની ઝંઝટ નથી. પણ આવા મિત્રોને શુભેચ્છા માટે કદી જન્મદિનની જરૂર નથી હોતી.
****
તેમના જ શબ્દોમાં એ પ્રસ્તુત છે;
Biren Kothari
- Urvish Kothari - Kamini Kothari - Sonal Kothari - વાત જાણે એમ બની હતી -કે- દિવાળીના તહેવારમાં મને ભાઈ ઉર્વીશ તરફથી દિપાવલીની શુભકામનાનું હાથે લખેલુ પોસ્ટ કાર્ડ મલ્યું હતુંં ,જેમાં નાનકડી ( એ સમયે ) શચીએ ચોક કલરથી એને આવડયું હશે તેવું ચિત્ર દોર્યું હતું. મારે મન આ જ નવાઈ હતી , ઉર્વીશના હસ્તાક્ષરની નવાઈ ન જ હોય ..બજારૂ કાર્ડ અને હાથે દોરેલા કાર્ડનો આ તો ફર્ક હતો . તેથી મને પણ સામો વ્યવહાર કરવાની ' ચળ ' ઉપડી ..મારી પાસે કેટલીક ૭૮ આર . પી . એમ . ની ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ હતી તેને કેસેટમાં 'ડબ ' કરાવી ઉર્વીશને મોકલી આપી . મને તો જાણ હતી જ શચીને ગમશે, પણ આખાયે લુહારવાડમાં વસતા કોઠારીઓને પણ ગમશે . હું પણ તેમના જ જેવો અતીતરંગી હતો ...મને કાર્ડ ઉર્વીશ અને શચી તરફથી મલ્યું હતું એટલે જ કેસેટમાં એમનાં નામનો ઉલ્લેખ. બાકી ' મોટા 'ને અને કામિનીને અમારા ગ્રામોફોન કલબનાં નૌશાદ સાહેબ અને અનિલ બિસ્વાસનાં કાર્યક્રમોમાં મલ્યો હતો ચી. સોનલને તો કદાચ નલીન શાહ અને સ્વ. અરવિન્દ ભાઈ દેસાઈ સાથે મહેમદાવાદ આવ્યો ત્યારે મલ્યો હોઈશ ..સ્વ . કનુકાકા , સ્વ . અનિલભાઈ કોઠારી અને સ્મિતા બહેનનો પ્રેમ મને સદા મલતો રહ્યો ..
No comments:
Post a Comment