Monday, July 11, 2022

માટીની મમતા

1991ના અરસામાં વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સના પ્રથમ વર્ષની પેઈન્ટિંગની શાખામાં મેં પ્રવેશ લીધેલો. તેમાં વૈકલ્પિક વિષય તરીકે 'પૉટરી' રાખેલો. બધું મળીને અમે આઠ-દસ છોકરા-છોકરીઓ. આ વિભાગનાં વડાં જ્યોત્સ્નાબેન ભટ્ટ. હસમુખાં જ્યોત્સ્નાબેને પહેલાં પોતાનો પરિચય આપ્યો અને એ પછી 'પૉટરી' વિષે સમજાવવાનું શરૂ કર્યું. એક મોટા ટેબલની ફરતે સૌ સ્ટૂલ પર ગોઠવાયેલાં. એ વખતે બે છોકરીઓ ત્યાં પડેલી ભીની માટીની લુગદીમાંથી માટીની નાની નાની ગોળીઓ બનાવીને સામસામી એકબીજીને મારતી હતી. એ જોઈને હસમુખાં દેખાતાં જ્યોત્સ્ના મેડમ બગડ્યાં અને કડક અવાજે બેયને કહ્યું: 'રિસ્પેક્ટ ધ મિડીયમ યુ વર્ક ઈન.' જે માધ્યમમાં પોતે કામ કરી રહ્યા છે એ માધ્યમનું સન્માન જાળવવાની વાત તેમણે જે કડકાઈથી કહી એ પછી ફરી કોઈએ માટી સાથે રમત કરવાની હિંમત ન કરી.

વરસાદની મોસમ હોય એટલે જ્યોત્સ્નામેડમ કહે, 'ભજીયાં કોણ લઈ આવશે?' એક વાર મારી પાસે સ્કૂટર હોવાથી મેં હાથ ઉંચો કર્યો કે તરત જ મારા હાથમાં પૈસા પકડાવી દીધા. અમે બેએક જણ ચાલુ વર્ગે બહાર નીકળ્યા અને ભજીયાં લઈ આવ્યાં, જે સહુએ ભેગા મળીને ઝાપટ્યાં. તેમનો ભજીયાંપ્રેમ પણ માટીપ્રેમ જેવો જ!
એ પછી સંજોગોવશાત મારે આ અભ્યાસ અધૂરો મૂકવાનો આવ્યો, પણ જ્યોત્સ્નાબેનની આ છબિ મનમાં રહી ગયેલી. મારા સંજોગો બદલાયા. મેં લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો. એ પછી ફેબ્રુઆરી, 2009માં 'અહા!જિંદગી' (સંપાદક: દીપક સોલિયા) ની 'ગુર્જરરત્ન' કૉલમ માટે જ્યોતિભાઈને મળવાનું બન્યું. એ વખતે જ્યોત્સ્નાબેન ઘેર ન હતાં, તેથી મુલાકાત થઈ ન શકી. તેમની સાથે મુલાકાતનો યોગ આવ્યો છેક જુલાઈ, 2011માં. તેમની વય ત્યારે 71 વર્ષની. તેમના સ્ટુડિયોમાં મુલાકાત લીધી અને તેમને 'વ્હીલ' પર કામ કરતાં પણ જોયાં. એકદમ થકવી નાખે એવું કામ, છતાં તેમનો તરવરાટ એવો જ હતો. સ્વાભાવિકપણે જ તેમના મનમાં વિદ્યાર્થી તરીકે હું નોંધાયો નહોતો. પણ એ મુલાકાત પછી જાણે કે એક નવા પરિચયનો આરંભ થયો. યોગાનુયોગ એવો બન્યો કે તેમની મુલાકાત ઑગષ્ટ, 2011ના અંકમાં પ્રકાશિત થઈ એ અંક 'અહા! જિંદગી'નો છેલ્લો અંક બની રહ્યો. ('ગુર્જરરત્ન' પુસ્તકમાં એ લેખ સમાવાયો છે.)
જ્યોત્સ્નાબેનને દેશના ઉત્તમ કહી શકાય એવાં સીરામીસ્ટોમાંના એક કહી શકાય. સીરામિક વર્કમાં તેમનું મનગમતું સ્વરૂપ એટલે બિલાડી.




તેમની અને જ્યોતિભાઈની કલ્પના એકમેક વિના થઈ જ ન શકે. જ્યોતિભાઈને આંખની તકલીફ દિનબદિન વધતી રહી હોવા છતાં તે નાગરિકલક્ષી બાબતો માટે ખૂબ ઉત્સાહી. ઈ-મેલ દ્વારા સતત કશુંક મોકલતા રહે. જોવાલાયક ફિલ્મોની લીન્ક પણ મોકલે. જ્યોત્સ્નાબેન ઈ-મેલ ન વાપરે, પણ ટેક્સ્ટ મેસેજનો ભરપૂર ઉપયોગ કરે.
11 જુલાઈ, 2020ના રોજ તેમનું અચાનક અવસાન તેમના અનેક પરિચીતો માટે આંચકા સમાન હતું.
'માટી' પ્રત્યે અપાર મમતા ધરાવનાર આ ઉત્તમ કલાકાર, એવાં જ સહૃદયી વ્યક્તિને શ્રદ્ધાંજલિ.


જ્યોત્સ્નાબહેનના પ્રિય કલાસ્વરૂપ એવા બિલાડીને ધ્યાનમાં રાખીને કામિનીએ તેમને અંજલિરૂપે આ પર્ણરંગોળી તૈયાર કરી હતી.





No comments:

Post a Comment