આજે અરવિંદ દેસાઈનો જન્મદિવસ છે.
અરવિંદ દેસાઈ અથવા તો 'દેસાઈ' તરીકે ઓળખાતા 'અરવિંદમામા' સગપણમાં મારા સગા મામા થાય. મમ્મીના કુલ છ ભાઈઓ પૈકી તેમનો ક્રમાંક પાંચમો. છ ભાઈઓ વચ્ચે એકની એક બહેન અને તેમનો સૌથી મોટો 'ભાણો' હોવાને કારણે બધા મામાઓ મારા પર પ્રેમ રાખતા, પણ અમારે સૌથી વધુ ભળતું સૌથી નાના બે મામાઓ- અરવિંદમામા અને શરદમામા સાથે. હવે છ પૈકીના કેવળ અરવિંદમામા જ હયાત છે, જેઓ આજે પંચોતેર પૂરાં કરીને છોંત્તેરમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
અરવિંદમામા |
અરવિંદમામાનું લગ્ન ગીતામામી સાથે થયું એ પહેલાંથી તેમની સાથે માયા બંધાઈ ગયેલી. સાંઢાસાલમાં જન્મ્યા પછી શાળાકીય ભણતર પૂરું કરીને તેઓ અમદાવાદ આવી ગયેલા. એ સમયે અમે અમદાવાદ રહેતા ચન્દ્રવદનમામાને ઘેર અવારનવાર જતા ત્યારે અરવિંદમામા ત્યાં મળતા. ગીતામામીના આગમન પછી અમારા પરનો તેમનો પ્રેમ બમણો થયો, કેમ કે, ગીતામામીએ પણ અમારા પર પ્રેમ ઢોળવામાં કંઈ બાકી ન રાખ્યું.
અરવિંદમામાનું લગ્ન થયું ત્યારે તેઓ કલકત્તા નોકરી કરતા હતા. ત્યાંથી તેમના પત્રો નિયમિત આવતા. એ સમયે ભૂગોળમાં વિવિધ રાજ્યો વિશે ભણવામાં આવતું, એમાં બંગાળની રાજધાની કલકત્તા અને રસગુલ્લા, સંદેશ જેવી ત્યાંની બંગાળી મિઠાઈઓ વિશે જાણવા મળ્યું. મેં મામાને લખી દીધું કે આવો ત્યારે રસગુલ્લા અને સંદેશ લેતા આવજો. મામા કોને કહ્યા? એ સમયે હાવરાથી અમદાવાદની બે-અઢી દિવસની થકવનારી મુસાફરી, છતાં તેઓ ખાસ યાદ રાખીને મારા માટે એ ચીજો લઈ આવ્યા. સંદેશની એવી મિઠાશ ફરી કદી અનુભવવા મળી નથી.
લગ્ન પછી મામીએ પણ કલકત્તા જવાનું થયું. એ વખતે દસ-અગિયાર વરસના એવા મેં રીતસર જીદ પકડી કે મારે એમની સાથે જવું છે અને કલકત્તાની સ્કૂલમાં ભણવું છે. મને કલકત્તા, બંગાળ કે બંગાળી સાથે કશો લગાવ નહોતો. આશય એટલો કે મામા અને મામીની સાથે રહેવું છે.
એ પછી મામાની બદલી આણંદ ખાતે થઈ અને તેઓ થોડો સમય અમારે ઘેરથી અપ-ડાઉન કરતા થયા ત્યારે સૌથી વધારે રાજીપો મને થયેલો, કેમ કે, રોજ સાંજે મામા ટ્રેનમાં આવે એ પછી અમારી સાથે સમય ગાળે. અમને રમાડે, હસાવે, લાડ લડાવે, અને પ્રોત્સાહિત પણ કરતા રહે. મામા અને મામીએ થોડા સમય માટે મહેમદાવાદમાં જ મકાન રાખ્યું એ સમયે ઉર્વીશ પહેલા કે બીજા ધોરણમાં ભણતો હતો. એની સ્કૂલેથી મામાનું ઘર અને અમારું ઘર વિરુદ્ધ દિશામાં, પણ લગભગ સરખા અંતરે હતાં. ઉર્વીશ પોતાને ઘેર આવવાને બદલે ધરાર મામાને ત્યાં જાય, અને મામી પણ તેની રાહ જોતાં હોય. એમણે ઉર્વીશને ભાવતું ફ્રૂટસલાડ બનાવી રાખ્યું હોય, સાથે બીજો પણ નાસ્તો હોય.
ક્યારેક રજા હોય ત્યારે મામા મને ફિલ્મ જોવા નડીયાદ લઈ જાય. મારા મનમાં ઉઠતા ગાંડાઘેલા તમામ સવાલોના જવાબ આપવાનો તેઓ પ્રયત્ન કરે, અને કદી હતોત્સાહ ન કરે. તેમને બેન્કમાં નોકરી મળતાં તેઓ સ્થાયી થવા નડિયાદ ગયા અને એક મકાન ભાડે રાખ્યું. અમારા માટે એ મકાન અને એ પછીનાં એમણે બદલેલાં તમામ મકાન સુખનાં સરનામાં જેવાં બની રહેલાં. એક તબક્કે તો દર શનિ-રવિ હું એમને ત્યાં ઊપડ્યો જ હોઉં. પોતાની ગમે એવી વિપરીત પરિસ્થિતિ હશે, પણ મામા-મામીએ સદાય હસતા મોંએ અમને આવકાર્યા છે.
ફિલ્મો જોવાનો મામાને જબરો શોખ. તેમને ત્યાં રહેવા ગયો હોઉં અને અમે સાંજના શાક લેવા માટે સંતરામ ગયા હોઈએ ત્યારે થિયેટરમાં કોઈ ફિલ્મ લાગેલી જુએ એટલે કહે કે ચાલો. અમે એ રીતે અનેક ફિલ્મો જોઈ છે. ઘણી વાર હું એમને ત્યાં ચાલુ દિવસે ગયો હોઉં, ત્યારે તેઓ નોકરીએ નીકળવાના સમયે મને લેતા જાય, ફિલ્મની ટિકિટ લઈને મને બેસાડી દે અને પોતે કામે જાય. ફિલ્મ જોઈને હું એકલો એમને ઘેર આવી જાઉં. અનેક ફિલ્મો સાથે મામાનો કોઈ ને કોઈ સંદર્ભ જોડાયેલો છે. તેમને ગીતો સાંભળવાનો ખૂબ શોખ, અને એ સમયે તેઓ કેસેટમાં ગીતો રેકોર્ડ કરાવતા. તેમનો આ મહામૂલો ખજાનો મારે માટે સદંતર ખુલ્લો રહેતો. નડિયાદમાં એક ભાઈ કેસેટો રેકોર્ડ કરી આપતા હતા. તેમની પાસે અઢળક રેકોર્ડ હતી, અને તેઓ નવી રેકોર્ડ પણ વસાવતા રહેતા. મામા મને અનેક વાર પોતાની સાથે ત્યાં લઈ જતા અને અમે ભેગા મળીને ગીતોની પસંદગી કરતા. આજે વિચારતાં નવાઈ લાગે છે કે મને એ સમયે નવી ફિલ્મોનાં ગીતો વિશે ભાગ્યે જ કશી જાણ હતી, પણ મામા મારો અભિપ્રાય લેતા. તેમની આ પ્રકૃતિને કારણે સામેવાળાને તેઓ પોતાના જ સ્તરે હોવાનું લાગતું. તેમને ત્યાં હોઉં એ દરમિયાન મામા મને નવાં મેગેઝીન લાવી આપે, મને વાંચવા માટેની સામગ્રી હોંશે હોંશે પૂરી પાડતા રહે.
એક વખત મામા-મામી અને મારાં નાની જડાવબાએ ઉત્તર ભારતના પ્રવાસનો લાંબો કાર્યક્રમ બનાવેલો. સાથે મમ્મીને લઈ જવાનાં હતાં, પણ મમ્મીથી નીકળી શકાય એમ નહોતું. આથી મામાએ મને તેમની સાથે લીધો. એ વખતે હું આઠમા ધોરણમાં હોઈશ. ઘરની બહાર, આટલા લાંબા સમયે પહેલવહેલી વાર નીકળતો હતો, પણ સાથે મામા અને મામી હોવાથી એ બાબતે જરાય અવઢવ નહોતી. દિલ્હી- આગ્રા- હરિદ્વાર-ઋષિકેશ-ગોકુળ-મથુરા-વૃંદાવનના એ પ્રવાસને આજે પણ હું મારા જીવનનો યાદગાર પ્રવાસ ગણું છું અને તેની અનેક વિગતો મને યથાતથ યાદ છે. એ પ્રવાસનું સૌથી મધુરું સ્મરણ એટલે મામા અને મામીનો પ્રાપ્ત થયેલો સતત સહવાસ. એ પ્રવાસની અમુક વાતો અમે આજે પણ યાદ કરી કરીને હસીએ છીએ. હવે તો એ વિચાર પણ આવે છે કે તેમની પોતાની નવીસવી નોકરી અને પ્રવાસખર્ચનો જોગ જેમતેમ કર્યો હશે, એમાં મને સામેલ ન કરે તો ખર્ચમાં ઠીકઠીક ફરક પડી શક્યો હોત! આટલાં વરસે મને આ વિચાર આવે છે, પણ તેમને ત્યારેય નહોતો આવ્યો અને હજી નહીં આવ્યો હોય! એટલે તો એ મામા છે.
આગ્રાના લાલ કિલ્લા પર અરવિંદમામા- હું- ગીતામામી (આશરે 1977) |
એ પછી ત્રણેક વરસે હું શાળા દ્વારા આયોજિત પ્રવાસમાં જવાનો હતો. વીસેક દિવસનો- છેક કાશ્મીર સુધીનો પ્રવાસ હતો. ત્યારે મામાએ મને આગ્રહપૂર્વક પોતાનો 'આગ્ફા' કેમેરા વાપરવા માટે આપેલો. એ સમયે કેમેરા હોવો જ વૈભવ ગણાતો, પણ મને એ આપતાં મામાએ સહેજ પણ વિચાર નહોતો કર્યો.
તેમનામાં સર્જકતાના અંશો ખરા, કેમ કે, એમનો રસ વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં હતો. તેઓ કહેતા હતા કે જાદુગર કે.લાલને તેમણે કદાચ પહેલી વાર પોતાની કૉલેજમાં નિમંત્રેલા. કાંકરિયા તળાવમાં સરકસ આવે એટલે અમે એ જોવા ઊપડ્યા જ હોઈએ અને મામા અચૂક અમારી સાથે હોય. તેઓ સરકસની વિવિધ ગતિવિધિઓ સમજાવે પણ ખરા. એક વખત કોઈક સર્કસવાળા એમના બાજુના મકાનમાં ઊતરેલા હોવાનું એમણે જણાવ્યું એ સાંભળીને જ મને જબરો રોમાંચ થઈ ગયેલો. દર દિવાળીએ તેઓ જાતે બનાવેલાં વિશિષ્ટ કાર્ડ મોકલે. રેસાવાળા, બદામી રંગના હેન્ડમેડ પર, સોનેરી દોરી ચોંટાડીને બનાવેલી આકૃતિઓવાળાં તેમનાં કાર્ડ બધામાં અલગ પડી જતાં. અમે રીતસર રાહ જોતાં કે મામા આ વખતે શું દોરીને મોકલશે.
ચાહે કોઈ પણ દિવસ હોય, મામાને ઘેર જઈએ એટલે વેકેશનનો જ માહોલ બની જાય. નાના હતા ત્યારે તો તોફાનમસ્તી પણ કરીએ અને મામા એમાં અમારી સાથે જોડાય. શરૂઆતમાં એકલા રહ્યા હોવાથી તેમને રસોઈ બનાવતાં આવડે, એટલું જ નહીં, તેઓ અત્યંત સ્વાદિષ્ટ રસોઈ બનાવી જાણે. એક વાર હું મારા પિતરાઈ ભાઈઓ કિશનભાઈ અને મયુરભાઈ સાથે મામાને ત્યાં જઈ ચડ્યો. ગયા પછી ખબર પડી કે મામી બહારગામ ગયાં છે. હવે? મામાએ પૂરેપૂરું ભોજન બનાવ્યું, અને અમે બધા પ્રેમથી જમ્યા.
મામા અને મામીની પ્રકૃતિ આમ સાવ ભિન્ન, પણ પ્રેમ ઢોળવાનો, સરભરા કરવાનો અને કોઈકનો વખત સાચવવાનો તેમનો ગુણ એકમેકની સ્પર્ધા કરતો લાગે. કદીક નડીયાદ જવાનું બનતું ત્યારે સાથે કોઈ ને કોઈ મિત્ર હોય. પણ ગમે એ સમયે જઈએ અને ગમે એટલા લોકો જઈએ, મામા-મામીના આવકારમાં સહેજે ફેર ન પડે. તેઓ એ જ પ્રેમથી સમયાનુસાર ચા-નાસ્તો કે જમવાનો આગ્રહ કરે જ, અને એમ ને એમ ન મોકલે.
મારાં કેટલાંક પરિવારજનો અંતિમ વિદાય લેતાં અગાઉ જાણે કે મામા-મામીની સેવા લેવા જ અટક્યા હોય એમ લાગે.
મારાં દાદીમા કપિલાબહેન કોઠારીને અંતિમ અવસ્થાએ થાપાનું ફ્રેક્ચર થયું ત્યારે તેમને નડીયાદના દવાખાને દાખલ કરેલાં. મામા અને મામીએ ત્યારે નડીયાદમાં (1980ની આસપાસ) નવુંસવું ગૃહસ્થજીવન શરૂ કરેલું. કપિલાબાની ખબર જોવા માટે સતત અવરજવર ચાલતી રહેતી. મારાં ફોઈ અને મમ્મી દવાખાને જ રહેલાં. એ સમયે મામાનું ઘર જાણે કે હેડક્વાર્ટર બની ગયેલું. ખબર જોવા આવનારને પોતાને ઘેર લઈ જવા કે ઘેરથી તેમના માટે ચા-નાસ્તો લાવવો તો ખરું જ, સાથે સાથે કપિલાબાની ફરમાઈશ પૂરી કરવી- આ બધું મામા અને મામીએ કપાળ પર એકે સળ પડવા દીધા વિના કરેલું. તેઓ રોજ કપિલાબાને પૂછે, 'બહેન, બોલો, આજે શું ખાવું છે?' કપિલાબા પણ વિના સંકોચે કહે કે 'અરવિંદ, આજે ફલાણું ખાવાની ઈચ્છા થઈ છે.' અને એ વસ્તુ હાજર જ હોય. કદી કોઈ વાયદો કે વિલંબ નહીં. નડીયાદથી આવ્યા પછી થોડા સમયમાં બાનું અવસાન થયું.
એ પછી મારાં અમદાવાદ રહેતાં ફોઈને કીડનીની ગંભીર બિમારીને કારણે નડીયાદ દાખલ કરવાં પડ્યાં. ફુઆનો પરિવાર બહોળો, પણ નડીયાદમાં વધુ એક વાર મામાનું ઘર હેડક્વાર્ટર બની ગયું. એ હદે કે મામીએ પોતાનું રસોડું સુદ્ધાં ફોઈની દીકરીઓને હવાલે કરી દીધેલું. રોજેરોજ આઠ-દસ જણનું બે ટંક ભોજન, ઉપરાંત ચા-નાસ્તો બનાવવાનો કે ખબર જોવા આવનારની સરભરા કરવાની- આ બધું જ મામા અને મામીએ હસતા મોંએ કર્યું. આજે વિચારતાં લાગે છે કે તેમની પોતાની આર્થિક સ્થિતિ કંઈ એટલી સંપન્ન નહોતી. તેઓ શી રીતે વ્યવસ્થા કરતાં હશે? ફોઈની બિમારી ગંભીર નીવડી અને એ પછી તેમનું અવસાન થયું, પણ મામા અને મામીએ તેમને પૂરો સંતોષ આપ્યો.
મારા પપ્પા મામાને ઘેર રહેવા ગયા અને ત્યાંથી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એ વખતે પણ મામા અને મામીનું ઘર હેડક્વાર્ટર બની ગયું. ત્યાંથી આવ્યા પછી થોડા સમયમાં પપ્પાએ વિદાય લીધી.
અરવિંદમામા- ગીતામામી |
પ્રેમ ઢોળવાની અને લાડ કરવાની તેમની પ્રકૃતિને કારણે પાત્રો બદલાતાં રહે એમ બને. જેમ કે, અમારાં સંતાનો અરવિંદમામાને ત્યાં જાય તો એમને પણ એવો જ અનુભવ થાય. તેમને એમ જ લાગે કે અરવિંદમામા પોતાના મામા છે. હસીમજાક વચ્ચે 'આ ખા', 'પેલું લઈ આવું', 'ફલાણું બાંધી આપું'- આવું બધું સામાન્ય!
તેમનાં સંતાનો હિમાંશુ અને રેશમા પણ બહુ પ્રેમાળ. રેશમા હવે યુ.કે.માં સ્થાયી છે, જ્યારે હિમાંશુ નડીયાદમાં જ છે. અમારું મહેમદાવાદનું મકાન નવેસરથી તૈયાર કરવાનું આવ્યું ત્યારે તેણે બહુ પ્રેમપૂર્વક એ જવાબદારી ઉપાડી લીધી હતી. મારા પપ્પાને નડીયાદમાં છેલ્લે હોસ્પિટલમાં રહેવાનું બન્યું ત્યારે સવારના પહોરમાં નોકરીના સમયની જેમ હિમાંશુ હાજર થઈ જતો અને મને 'છોડાવીને' ઘેર મોકલતો. તેની આ બાબત ભૂલી ન શકાય એવી છે.
અરવિંદમામાને હવે વયસહજ મુશ્કેલીઓ છે, પણ દરકાર લેવાની એમની પ્રકૃતિમાં કશો ફરક નથી પડ્યો. તેમનો સ્નેહ અમને આટલા લાંબા સમય સુધી મળ્યો એટલા અમે નસીબદાર, એમ અમારાં સંતાનો પણ નસીબદાર કે તેઓ પણ અરવિંદમામાનો પ્રેમ પામી શક્યા. એમનાં સંતાનોને પણ હજી અરવિંદમામા અને મામીનાં લાડ મળશે એવી અપેક્ષા રાખવી સ્વાભાવિક છે.
અમારા સૌ તરફથી અરવિંદમામાને સ્વસ્થ જીવનની અનેક શુભેચ્છાઓ.
(તસવીરો: અરવિંદમામાની ફેસબુક વૉલ પરથી)
ખાસ કરીને દિકરી માટે આપની જેમ " સુખનું સરનામુ" 'પિયર'થી વિશેષ 'મોસાળ' જ હોય છે.
ReplyDelete