- ઉત્પલ ભટ્ટ
[અમદાવાદસ્થિત મિત્ર ઉત્પલ ભટ્ટ 'યુનિફોર્મ પ્રોજેક્ટ' વિષે અહીં અગાઉ જણાવી ગયા છે. આ કામ દરમ્યાન કરાતા પ્રવાસોમાં થતા વિવિધ અનુભવો પણ તે અહીં વહેંચતા રહ્યા છે. આ વખતે આવો જ એક વિશિષ્ટ અનુભવ.]
આ બ્લોગ પર વખતોવખત જેનું આલેખન કરવામાં આવતું રહ્યું છે એવા ‘યુનિફોર્મ પ્રોજેક્ટ’થી હવે આપ સૌ પરિચીત છો જ. (આ અનોખા, નાના પાયાના કાર્યક્રમ વિષે http://birenkothari.blogspot.in/ 2012/01/blog-post_26.html, http://birenkothari.blogspot.in/2012/04/blog-post_21.html અને http:// birenkothari.blogspot.in /2012/08/blog-post.html પર વાંચી શકાશે.) અગાઉ પણ જણાવ્યું છે એમ વિદ્યાર્થીઓને યુનિફોર્મના નામે બે જોડી કપડાં આપવાનો આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી તેમાં અનેક લોકોનો સહયોગ મળતો રહ્યો છે, અનેક નવા સંપર્કો થયા છે, તેમ અવનવાં સત્યોનો ઉઘાડ પણ થતો રહ્યો છે. તેમાંનું એક એટલે ‘ભેંસભાગવત’. (જે http://birenkothari.blogspot.in/ 2012/09/blog-post_26.html પર વાંચી શકાશે.) ફરી એક વખત આ કાર્યક્રમની અપડેટ આપવાનો સમય થઈ ગયો છે, અને બહુ ઝડપથી અહીં તેનો અહેવાલ મૂકવાની ધારણા છે. પણ આ વખતે વાત વધુ એક નવા અનુભવની, જે તાજેતરના એક પ્રવાસ દરમ્યાન થયો.
આ બ્લોગ પર વખતોવખત જેનું આલેખન કરવામાં આવતું રહ્યું છે એવા ‘યુનિફોર્મ પ્રોજેક્ટ’થી હવે આપ સૌ પરિચીત છો જ. (આ અનોખા, નાના પાયાના કાર્યક્રમ વિષે http://birenkothari.blogspot.in/ 2012/01/blog-post_26.html, http://birenkothari.blogspot.in/2012/04/blog-post_21.html અને http:// birenkothari.blogspot.in /2012/08/blog-post.html પર વાંચી શકાશે.) અગાઉ પણ જણાવ્યું છે એમ વિદ્યાર્થીઓને યુનિફોર્મના નામે બે જોડી કપડાં આપવાનો આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી તેમાં અનેક લોકોનો સહયોગ મળતો રહ્યો છે, અનેક નવા સંપર્કો થયા છે, તેમ અવનવાં સત્યોનો ઉઘાડ પણ થતો રહ્યો છે. તેમાંનું એક એટલે ‘ભેંસભાગવત’. (જે http://birenkothari.blogspot.in/ 2012/09/blog-post_26.html પર વાંચી શકાશે.) ફરી એક વખત આ કાર્યક્રમની અપડેટ આપવાનો સમય થઈ ગયો છે, અને બહુ ઝડપથી અહીં તેનો અહેવાલ મૂકવાની ધારણા છે. પણ આ વખતે વાત વધુ એક નવા અનુભવની, જે તાજેતરના એક પ્રવાસ દરમ્યાન થયો.
**** **** ****
હવે તો ‘વૉટર પ્યુરિફાયર’, ‘યુ.વી.’, ‘આર.ઓ.’ જેવા શબ્દો ચલણમાં આવી ગયા છે, અને લોકો સીધા ફ્રીઝમાંથી જ પાણીના બાટલા ગટગટાવતા થઈ ગયા
છે. આવા સંજોગોમાં માટલાની, કુંભારની, ચાકડાની, નિભાડાની
વાત કરીએ તો જાણે કે કોઈક જુદી જ દુનિયાના શબ્દો સાંભળતા હોઈએ એમ લાગે. કેવી
નવાઈની વાત કહેવાય કે હજી હમણાં સુધી આપણા જીવનનો અવિભાજ્ય હિસ્સો હતા એવા આ શબ્દો, એ શબ્દો સાથે જોડાયેલી આખી સૃષ્ટિ જાણે કે લુપ્ત થઈ ગઈ છે.
કુંભારના વ્યવસાયનો સીધો અને દેખીતો સંબંધ સર્જન અને સર્જકતા સાથે છે. તેને લઈને જ
ઘણી વાર સૃષ્ટિના સર્જક બ્રહ્માને કુંભાર તરીકે કલ્પવામાં આવે છે. હમણાં ‘યુનિફોર્મ
પ્રોજેક્ટ’ અંતર્ગત
વડોદરા જિલ્લાના પાવી-જેતપુર તાલુકાના નવાગામની મુલાકાત લેવાનું બન્યું.
સામાન્યપણે કુંભારવાડાનું સ્થાન ગામની બહાર હોય છે. એક ગામ પાસેથી પસાર થતાં બેઠા
ઘાટનાં પાંચ-સાત કાચાં મકાનો નજરે પડ્યાં. જોઈને જ તે કુંભારવાડો હોવાનું જણાઈ
આવતું હતું.
ગાડી અમે બહાર ઉભી રાખી. કુંભારવાડામાં પ્રવેશ કર્યો. કમોસમી વરસાદ પડી ગયો હતો, પણ વાતાવરણમાં ભીની માટીની ખૂશ્બુ હતી નહીં. લગભગ દરેક ઘરની બહાર નિભાડો હતો. અને આ નિભાડામાં પકવેલાં માટલાં સુંદર રીતે ગોઠવેલાં હતાં. લાલ અને કાળા એમ બન્ને રંગનાં માટલાં હતાં. એક ઘરની પાસે પહોંચ્યા એટલે અંદર બેઠેલા એક વૃદ્ધ કુંભારની અમારા પર નજર પડી. તેમણે હસીને અમને આવકાર આપ્યો. અમે પણ તેમના આવકારનો પ્રતિસાદ આપ્યો. જો કે, અહીં માટલાં બરાબર નહોતાં એટલે અમે બે ઘર છોડીને આગળ વધ્યા. અમને જોઈને ‘કમલા કુમ્હારીન’ (શબ્દસૌજન્ય: વેલકમ ટુ સજ્જનપુર) બહાર આવ્યાં. અમને આવકાર્યા. ‘માટલાં કેમ આપ્યાં?’થી અમે વાત શરૂ કરી. એ બહેને કશું જવાબ આપ્યા વિના ફક્ત હસીને પહેલાં તો સારાં માટલાં અલગ તારવવા માંડ્યા. અમે ફરી એનો એ સવાલ પૂછ્યો, એટલે એ કહે, “હવે લઈ જાવ ને, સાહેબ!” તેમણે સારામાંના લાલ માટલાં અલગ તારવ્યાં. એ પછી ખાસ તાડી ભરવા માટે વપરાતા લાંબા માટલા પણ કાઢ્યા. આપણે તો તાડફળીથી સંતોષ માનનારા છીએ, એટલે તાડી ભરવાનાં માટલાં આપણે શા કામનાં? એટલે લાલ માટલાની કિંમત પૂછી. જવાબ મળ્યો ૪૦ રૂ. કાળા માટલાની કિંમત હતી ૫૦ રૂ. ‘દસ રૂપિયાનો ફરક કેમ?’ ના જવાબમાં જાણવા મળ્યું કે કાળા માટલાને અંદરથી તેલ લગાવીને બે વખત તપાવવામાં આવે છે, જેથી તેમાં ભરેલું પાણી વધારે ઠંડું થાય છે.
દરમ્યાન અમારી નજરે પંખીઓને પાણી પીવડાવવા માટેની કૂંડી પડી. 'ઈન્સ્ટન્ટ પુણ્ય'ના પ્રતીક સમી આ કૂંડીઓ શહેરમાં ત્રીસ-ત્રીસ રૂપિયે વેચાય છે અને ઘણી સંસ્થાઓ એનું મફત વિતરણ કરીને 'જીવદયા'નો 'ઈન્સ્ટન્ટ સંતોષ' પ્રાપ્ત કરી લે છે. પછી ભલે ને પોતાના કર્મચારીઓનું એ જીવલેણ શોષણ કરતા હોય! અહીં અમે તેનો ભાવ પૂછ્યો, એટલે એ બહેન નવાઈથી કહે, “એના તે હું પૈહા લેવાના?” પણ અમને શહેરમાં તેનો ભાવ જ નહીં, તેનું મૂલ્ય પણ ખબર હતી. એટલે રકઝક પછી છેવટે તેના દસ રૂપિયા ઠરાવવામાં આવ્યા.
અમે ઘરની અંદર નજર કરી. ત્યાં કુંભાર કાચા માટલાઓને ટકોરા મારીને ચકાસી રહ્યા હતા. એક તરફ એક નાનકડો ચાકડો પણ જોવા મળ્યો, જે વીજળીથી ચલાવવામાં આવે છે. જો કે, એ હકીકત છે કે ચાકડો વીજળીથી ચાલે કે હાથથી, કુંભારે કામ કરતી વેળાએ સતત ઉકડા બેસી રહેવું પડે છે. તેને લઈને મોટા ભાગના કુંભાર નાની ઉંમરમાં જ કમરથી વળી જતા હોય છે. વીજળીથી ચાલતા ચાકડાને કારણે, અલબત્ત, હાથથી ચાકડો ફેરવવાની જહેમત ઘણે અંશે ઓછી થઈ ગઈ છે, પણ ઘર ચલાવવાની જહેમત સતત વધતી રહી હોય એમ જણાયું. આ વ્યવસાયમાં રહેવાનું હવે તેમના માટે કશું કારણ કે આકર્ષણ નથી.
નિભાડો પણ એક વિશિષ્ટ જગા છે. ચાકડા પર હાથની અને આંગળાની કરામત પછી
તૈયાર થયેલાં ઠામને પકવવાનું કામ પણ એટલું જ મહત્વનું છે. કાચાં માટલાં તૈયાર થઈ
જાય એટલે તેને સંભાળપૂર્વક, ખાસ રીતે નિભાડામાં ગોઠવવા પડતા
હોય છે. માટલાનું એક સ્તર ગોઠવાઈ જાય એટલે તેના પર સાંઠીકડાનો થર કરવામાં આવે. એ
થરની ઉપર ફરીથી માટલાં ગોઠવાય. વળી પાછાં તેની પર સાંઠીકડા ગોઠવવામાં આવે. એમ
કરતાં આખો નિભાડો માટલાથી ભરાઈ જાય એટલે એમાં આગ પ્રગટાવવામાં આવે અને તેમાં
મૂકેલાં ઠામને તપાવવામાં આવે. નિભાડો ગરમ હોય ત્યારે તેમાં ગોઠવેલા કાચાં માટલાંને
સતત ફેરવતાં રહેવું પડે અને ટકોરા મારીને તપાસતાં રહેવું પડે. આ કળા વરસોની મહેનત
પછી આ કુંભારોને પ્રાપ્ત થતી હોય છે અને વારસામાં ઉતરતી હોય છે. એમ પણ જાણવા
મળ્યું કે શહેરની આસપાસ રહેતા કુંભારો નિભાડાને સળગાવવા માટે હવે રબરના ટાયરનો
ઉપયોગ કરતા થઈ ગયા છે. જો કે, જાણકાર
કુંભારોનું કહેવું છે કે લાકડાની ગરમીથી પકાવેલા માટલાનું પાણી વધુમાં વધુ ઠંડુ
થતું હોય છે. માટલાંને ચાકડા પર તૈયાર કરવામાં કળાની પ્રાથમિક સમજણ આપોઆપ
વિકસે છે, તેમ
તેને નિભાડામાં પકવવામાં તકનીકી સમજણ પણ વિકસે છે. આ રીતે મહામહેનતે પકવેલાં
માટલાં રેફ્રિજરેટરમાં મૂકેલા પાણીની ઠંડકને સ્પર્ધા આપવા તૈયાર થઇ જાય એ સાથે જ આ
કુંભારોની કઠણાઇ શરૂ થાય.
પોતે જ ઉત્પાદક, કુશળ કારીગર અને પોતે જ તેને વેચવાના. 'માર્કેટિંગ'માં નબળા એવા આ કુંભારોને શહેરમાંથી આવતા વચેટિયાઓ
રીતસર લૂંટી જાય. એનો સાદો નમૂનો. અમદાવાદમાં લાલ માટલાનો ભાવ ૯૦-૯૫ રૂપિયાથી શરૂ
થાય અને કસીને ભાવ કર્યા પછી પણ આપણને રૂ.૭૦નું પડે, જ્યારે ૧૧૦-૧૨૦રૂ.થી શરૂ થયેલું કાળું માટલું છેલ્લે
રૂ.૯૫-૧૦૦ નું પડે. આની સામે વચેટિયાઓ આ કુંભારોને લાલ માટલાના વધુમાં વધુ ફક્ત
રૂ.૨૫ અને કાળા માટલાના વધુમાં વધુ રૂ.૩૫ પરખાવે.
અમારી સાથે પ્રવાસ કરી રહેલા મિત્રોના કહેવા પ્રમાણે તો તેઓ બધા કોઈ ને કોઈ જાણીતી કંપનીના આર.ઓ. મશીન વાપરતા થઈ ગયા છે. અને હવે ઘરમાં તેઓ માટલાનો ઉપયોગ સુદ્ધાં નથી કરતા! આ લોકોને માટલું, ગોળો, ગોળી, ઢોચકી, ભોટવો, કૂંજો, ભંભલી, દોણી, હાંલ્લી જેવાં વિવિધ પાત્રો વિષે ખબર પણ ક્યાંથી હોય! ઘણા લોકો પોતે ફ્રીજનું ઠંડુ પાણી નથી પીતા, પણ માટલાનું પાણી જ પીવે છે, એમ દેખાડવા માટલાના પાણીને ‘મટકા કોલા’ કહેતા. હવે ‘આર.ઓ.’ના જમાનામાં ‘મટકા કોલા’નો પણ કોઈ ભાવ પૂછતું નથી.
જો કે, સાવ એવુંય નથી કે ગામડામાં બધા લોકો માટલાં જ વાપરે છે. ગામડાંનાં ઘરોમાં પણ હવે વટભેર ‘આર.ઓ.’ ફિલ્ટર લગાડેલાં જોવા મળે છે. મ્યુનિસીપલિટી દ્વારા ઘેર ઘેર પાણી પૂરું પાડતા નળ આવી ગયા એટલે 'પનઘટ' શબ્દ અને તેની સાથે સંકળાયેલી આખી સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ, એમ હવે કદાચ ‘કુંભાર’ જાતિ (સાથે સંકળાયેલો વ્યવસાય) જ લુપ્ત થઈ જશે કે શું? તો પછી કુંભાર અને ગધેડા પર બનેલી આ કહેવતો પણ ગઈ સમજવી? એક નજર આ કહેવતો પર કરવા જેવી છે, જે એક રીતે સમાજવ્યવસ્થાનું પણ પ્રતિબીંબ છે. એમાં આપ સૌ પણ ઉમેરો કરી શકો છો. અમુક કહેવતો સાંભળેલી છે, પણ તેનો અર્થ ખબર નથી, એ પણ કહી શકશો તો આનંદ થશે. અમુકના સંદર્ભ બાજુમાં લખ્યા છે.
- કુંભાર કરતાં ગધેડા ડાહ્યા.
- કુંભાર રીસે બળે ત્યારે ગધેડીના કાન ઉમેળે.
- કુંભાર સાંજે હાંલ્લે રાંધે નહીં. (આનો અર્થ સ્પષ્ટ કરી આપશો?)
- કુંભારનાં ઘડ્યાં ને માણસનાં જણ્યાં, બધા જીવે તો ધરતી પર સમાય નહીં.
- કુંભારના ઘરનું હાંલ્લું છે તે બદલાવાય? (પરણેલી સ્ત્રીના સંદર્ભે)
- કુંભારવાળું મિચ્છામી દુક્કડમ. (આનો અર્થ કોઈ સમજાવી શકશે?)
- ગધેડાં ચાલે બાર ગાઉ, તો કુંભાર ચાલે ચૌદ ગાઉ. (ગમે ત્યાં રખડતા પોતાના ગધેડાને શોધવા માટે કુંભારને કરવી પડતી મહેનતના સંદર્ભે.)
- પાકે ઘડે કાંઠા ન ચડે.
- ઠામ તેવી ઠીકરી, મા તેવી દીકરી.
- ઠીકરી ઘડાને ફોડે.
- ઠામ જાય ત્યારે ઠીકરું આવે.
આ કુંભારો સાથે થઈ રહેલી વાતચીત પછી તેની અસર થઈ હોય એમ સાથે આવેલા દરેક મિત્રે બે-બે માટલાં અને પંખીઓને પાણી પીવડાવવાની બે-બે કૂંડીઓ લીધી. પૈસા ચૂકવતી વખતે તદ્દન રૂઢ થઈ ગયેલો 'વાજબી કરો’ શબ્દ વાપરવાની કોઈની હિંમત ન ચાલી. શહેરના કહેવાતા મોટા સ્ટોર્સમાં કોઈ પણ ખરીદી કરીએ ત્યારે વટભેર લૂંટાઈએ છીએ અને ઉપરથી 'અમે તો આટલી મોંઘી વસ્તુ લીધી' કહીને તંગડી ઉંચી રાખીએ જ છીએ ને! એ કુંભારકુટુંબ થોડે દૂર ઊભેલી અમારી ગાડી સુધી માટલા મૂકવા આવ્યું અને ગાડીના પાછલા ભાગમાં માટલાંને સરસ રીતે ગોઠવી આપ્યાં. પછી જાણે કે કોઈ સ્વજનને વિદાય આપતા હોય એમ ભાવપૂર્વક અમને ‘આવજો’ કહ્યું.
બસ, હવે છેલ્લું અપડેટ: એ કાળા માટલામાં પાણી ભરીને પીવાનું શરૂ થઇ ગયું છે. મે મહિનાની અસહ્ય ગરમીમાં રેફ્રિજરેટરના પાણીને ક્યાંય ટક્કર મારે અને પીધા પછી ગળામાં તેમજ પેટમાં ઠંડક કરે તેવું ઠંડુ પાણી પીવાની મઝા જ ઓર છે. કાળું કે લાલ માટલું ખરીદવા નીકળો ત્યારે યાદ રાખજો કે એ કેવળ તમારા એકલાના જ પરિવારના પેટમાં ઠંડક કરતું નથી, તેને બનાવનાર કુંભારના પરિવારના પેટનો ખાડો પણ તે પૂરે છે.
(તસવીરો: ઉત્પલ ભટ્ટ)
હેલ્લો ઉત્પલભાઈ ,બિરેનભાઈ,
ReplyDeleteમાટલાપૂરાણ અતીસુંદર ..
ઘણું બધું લુપ્ત થઇ ગયું કે થવાને આરે. પરિવર્તનથીજ દુનિયા આગળ વધવાની . હાય બળાપો અરુણ્યેર રુદન સમ જ . ઘણું બધું ગયું . ઘણું બધું જાય છે, અને ઘણું બધું જશે . પ્રાયમસ ?? પીન ? સગડી ચૂલો ટોપલા માફો (શણગારેલી વ્હેલ ) પાઘડી,ગારો ( બ્રાહ્મણી રસોઈ કરે તે વખતે ફરજીયાત રેશમી કાપડનો પહેરવો પડતો ) ચોટલી, પાટલા,ખડિયો કલમ કીત્તો ! જવાદો પાર નહિ આવે
ઓકે .. કુંભાર સાંજે હાંલ્લે રાંધે નહી એમ નહી .. સાજે (સારા) હાંલ્લે .. જરાતરા તુટેલા હાંલ્લે ચલાવી લ્યે . નવું વેચી દ્યે . મિચ્છામી માં પીચ નથી પડતી .
બાકી કુંભાર અને એની છોકરી ને ગધેડાને પરણાવી દઈશ વાળી વાત રહી ગઈ।
મઝા પડી ગઈ
દાદુ શિકાગો
ઉભડક બેસવાની જરૂર નથી।। લાકડાનો માચો બનાવી તેના ઉપર મોટર ગોઠવી સ્ટુલ પર બેસી શકાય . માચા નીચે સાપટીન ની પુલી પર પટ્ટાથી મોટર ઉપર ચાકડો (નાનો હોય તો પણ ચાલે) ફેરવે .
ReplyDeleteDadu chicago ઉભડક બેસવાની જરૂર નથી।। લાકડાનો માચો બનાવી તેના ઉપર મોટર ગોઠવી સ્ટુલ પર બેસી શકાય . માચા નીચે સાપટીન ની પુલી પર પટ્ટાથી મોટર ઉપર ચાકડો (નાનો હોય તો પણ ચાલે) ફેરવે .
નીંભાડો, ચાકડો, માટલું, ગારાનો પીંડો અને કુંભાર (પ્રજાપતી)વગેરે શબ્દો અધ્યાત્મ સાથે જોડાયેલા છે. આ માટી ગુંદવાથી લઈને માટલાં તૈયાર થાય ત્યાં સુધીની બધી જ પ્રક્રિયાઓ સર્જનક્રિયા સાથે જોડાયેલી રહી છે.
ReplyDeleteસતત ફરતો રહેતો બ્રહ્માંડનો ચાકડો અને સતત થતી રહેતી સર્જનપ્રક્રીયા !
અમારા ગામના કુંભારવાડે તો આજ સુધી ન જઈ શક્યા પણ તમે લઈ ગયા!
ReplyDeleteસરસ ચિતાર.અમે આરો(!)નું પાણી માટલામાં ઠંડું કરીને ફ્રીજને ટક્કર મારીએ.
(ક્ષારવાળું પાણી માટલાને થોડા દિવસોમાં જ સફેદ કરી દેતું.)
મહેમાનોને પણ માટલાનું પાણી પાઈને ખુશ કરી દઈએ.
લેખનું શીર્ષક મજાનું રહ્યું.
એક બીજી કહેવત યાદ આવી ગઇ: કીધો કુંભાર ગધેડે ન ચડે.
ReplyDeleteમઝા આવી ગઇ.
બહ સરસ અને સંવેદના ઉપજાવે તેવું વર્ણન છે. "વાજબી કરો" વાળી વાત બહુ ગમી.
ReplyDelete'કુંભાર સાંજે હાંલ્લે રાંધે નહિ'નો મતલબ તે સાંજે ભોજન નહિં પામતો હોય એવો હ્શે ?
'કુંભારનું મિચ્છામી દુક્કડમ' એટલે ગધેડાને અનિવાર્યપણે મારવા પડતા ડફણા અને પછી થતા દુઃખને સંદર્ભે હશે ?
હજુ એક કહેવત - "ગધેડાને કૂલે બકો ભરવો" એટલે કે અપાત્રે વહાલ કરો તો ય લાત પડે એવો અર્થ થાય છે.
Rajnibhai,
ReplyDeleteKamaal kar di aapne !!!
agau bhens ane have prajapati parmatma ! adbhut!! 'hanlle randhe nahi' no matlab k sajhnu andhan a nibhade j chdavi deta hashe.
ReplyDeleteબિરેનભાઈ,
ReplyDeleteકુશળ મંગલ !!
અમિતભાઈના દર્શાવેલ અર્થ ઠીક લાગતો નથી, કારણકે એમના કહેવા મુજબ સાંજે હાંલે રાંધે નહીં એટલે ચૂલે હાંલું ના ચઢાવતા નિભાડે ચડાવે , પરંતુ કુંભારને રોજ નિભાડો સળગાવવાનો હોતો નથી ..બીજું હાંલે રાંધે નહીં એમ છે એટલે ચૂલે રાંધે નહીં એવું નથી અને સાંજે શબ્દ ના હોતા સાજે (સારા) શબ્દ બરાબર અર્થ સભર બેસે છે . બહુ વર્ષોથી અમે આ જ યોગ્ય અર્થ સાંભળતા અને શીખતા આવ્યા છીએ .
દાદુ શિકાગો
majjo dadu. ek bindi thi bhashama kevi uthalputhal thai jay chhe! tame shbda no kanthlo barabar pakdyo chhe.mara adhdhartal gyan ne tame thik thamthoryu.
Deleteવિજ્ઞાન અને ટેક્નૉલૉજીની સ્પર્ધામાં આવી કળા અને આવા વ્યવસાય લુપ્ત થવા ભણી જ હશે, પછી ભલે ને તે માનવી જીવન ખુબ જ જરૂરી હોય. આ પ્રકારના લેખ તેને નવજીવન બક્ષવામાં મદદ ન કરી શકે, પણ આ વ્યવસાય અને તેમાં રહેલાં આજની વિષમ સ્થિતિ વચ્ચે પણ માનવતાનાં પાયાનાં મૂલ્યોસાથે સંધાણ જાળવી રહેલ માનવીને યથોચિત સલામ તો કહી જ શકે છે, જે પણ કોઇ નાનું કામ નથી.
ReplyDeleteસીધે સીધું ફ્રીઝ કે વૉટર કુલર કે મીનરલ વૉટરની બૉટલમાંથી પાણી પીતી પેઢી માટે આવા લેખ જાણે પ્રાગૈતિહાસિક યુગની મુલાકાતનું વર્ણન હોય તેમ પણ જણાય ઓ નવાઇ ન પામવી રહી.