Sunday, July 3, 2011

સર્કસસંહિતા-૨

(પોસ્ટકાર્ડ પર ચિત્રાંકનો: શચિ કોઠારી)  

I know what comes next
આપણે ક્યાં હતા? હા, સીટમાં ગોઠવાઈ ગયા પછી એક ઘંટડી વાગી ગઈ છે. ત્રણ-ચાર મિનીટ પછી બીજી ઘંટડી વાગે એ સાથે થોડી ચહલપહલ દેખાય છે. પણ ક્યાં? રીંગમાં પ્રવેશવાના પડદા વડે બનાવેલા દ્વારની ઉપર બનાવેલા સાજિંદાઓ માટેના પ્લેટફોર્મ પર સાજિંદાઓ ચડતા દેખાય. ત્રણેક સાજિંદાઓ બહુ થઈ ગયા. એ લોકો સીડી ચડીને ઉપર આવે, પોતપોતાની જગા પર ગોઠવાય, વાદ્યોની ઝાપટઝૂપટ કરે અને પોઝીશન લે એ સાથે વાગે છે ત્રીજી ઘંટડી. અને પેલા સાજિંદાઓ મચી પડે છે. એક જણ સેક્સોફોન વગાડે, એક જણ ડ્રમ પર હોય અને એક જણ કેસીયો વગાડે. (કોઈ પણ કંપનીના કીબોર્ડને આપણે ત્યાં કેસીયો તરીકે જ ઓળખવામાં આવે છે.) આ સાજિંદાઓમાં સૌથી મહત્વની ભૂમિકા ડ્રમરની હોય છે. થોડી થોડી વારે એ ડ્રમ પર ડ્રઢઢઢઢઢ…....ઠીશ્શ્શ્શ્શ.. (ડીશનો અવાજ) જેવો તાલ વગાડે છે. નાનપણમાં સર્કસ જોઈને આવ્યા પછી ઘેર કંપાસના બે-ત્રણ ડબલાં અને બે સૂકાં દાતણ વડે દિવસો સુધી ડ્રમરની સ્ટાઈલમાં પ્રેકટીસ કરવાની મઝા જ જુદી હતી. એ વખતે દિવસો સુધી ડ્રમર બનવાનાં સપનાં આવતાં. સર્કસની અંદરની સાઉન્ડ સીસ્ટમ પણ બહાર વાગતી સાઉન્ડ સીસ્ટમ જેટલી જ નબળી હોય છે. સર્કસમાં ડીજીટલ સાઉન્ડનો ઉપયોગ કદાચ શરૂ થયો નથી લાગતો. એમાં લાઈવ સન્ગીતની વચ્ચે ક્યારે રેકોર્ડેડ ગીત-સંગીત શરૂ થઈ જાય એનો ખ્યાલ જ ન રહે.
સાજિંદાઓ તરફ નજર કરીએ ત્યાં ત્રીજી ઘંટડી વાગે એ સાથે જ સંગીત શરૂ થાય, પડદો ઊંચકાય અને છોકરા-છોકરીઓનું ટોળું હાથ ઊંચા કરતું રીંગમાં ધસી આવે. પહેલાં તો એક વાત નક્કી રહેતી. આગળના શોમાં જે આઈટમ છેલ્લી દેખાડાઈ હોય એ આઈટમ પછીના શોમાં પહેલી હોય. મોટે ભાગે પહેલી અને છેલ્લી આઈટમ તરીકે ઝૂલા અને વાઘસિંહના ખેલ જ હોય. હવે વાઘસિંહ બંધ થયા છે. વાઘસિંહનો ખેલ હોય તો પાંજરાં ઉભા કરાયેલાં જ હોય અને ઝૂલાનો ખેલ હોય તો જાળીઓ બંધાયેલી હોય, એ જોઈને ખ્યાલ આવી જાય કે પહેલું શું આવશે.
સર્કસની રીંગની અંદર, ઊપર અને આજુબાજુ એવી એવી અને એટલી બધી ચીજો હોય કે ઘણી વાર જે આઈટમ રજૂ થતી હોય એને બદલે બીજી ચીજો પર નજર વધુ રહે અને એનો કઈ આઈટમમાં ઉપયોગ થશે, એનું અનુમાન કરવાની મઝા આવે. બીજી મઝા જે આઈટમ રજૂ થઈ રહી હોય એના પછી કઈ આઈટમ આવશે, એનું અનુમાન કરવાની હોય. અને આ અનુમાન શેને આધારે કરવાનું? એને માટે રીંગમાં પ્રવેશવાના પડદા તરફ જોયે રાખવાનું. એ પડદો પડેલો હોય, પણ પવનને કારણે વારેવારે ઊડાઊડ થતો હોય. પછીની આઈટમવાળા ખેલાડીઓ કે તેને લગતી ચીજવસ્તુઓ પડદા પાછળ આવી ગઈ હોય. ઊડાઊડ કરતા પડદા પાછળથી એની એકાદ ઝલક પણ નજરે પડી જાય એટલે સર્વજ્ઞની અદાથી કહેવાનું: આના પછી સાઈકલ ચલાવતી છોકરીઓ આવશે અથવા હવે તોપના ગોળાવાળો ખેલ આવશે.
એ વખતે સર્કસમાં કામ કરતા તમામ જોકરો ચેપ્લીન તરીકે ઓળખાતા. ત્યારે અણસાર સુદ્ધાં નહોતો કે આવી ભવ્ય અંજલિ ચાર્લી ચેપ્લીન માટે છે! એક પછી એક આઈટમ રજૂ થતી જાય, સર્કસની ઓરકેસ્ટ્રા પર જૂના-નવાં ગીતો વાગતાં જાય. કયું ગીત વાગી રહ્યું છે એ શોધવાની નિષ્ફળ કોશિશ પણ સાથે જ થતી રહે. કમ સપ્ટેમ્બરની અતિ વિખ્યાત ધૂન પહેલવહેલી કદાચ કોઈક સર્કસમાં જ સાંભળ્યાનો ખ્યાલ છે. ( આ મૂળ ધૂન સાંભળવા અહીં ક્લિક કરો.)

 
  એ ઉપરાંત બીનાકા ગીતમાલાના શીર્ષકસંગીત તરીકે વગાડાતું કોઈક અંગ્રેજી ઓરકેસ્ટ્રાનું સંગીત સર્કસમાં અચૂક હોય જ. હમણાં સર્કસમાં ડ્રમ અને સેક્સોફોન પર તીસરી કસમનું સજનવા બૈરી હો ગયે હમાર સાંભળવા મળ્યું. આ ગીત આવાં વાદ્યો પર, આટલાં વરસો પછી બીજે ક્યાંય નહીં અને સર્કસમાં વાગે એવો તો અંદાજ જ ક્યાંથી હોય?
સર્કસમાં વિવિધ આઈટમોની સમાંતરે સતત ચાલતી ઘોષણાઓ બહુ રમૂજપ્રેરક હોય છે. દક્ષિણ ભારતીય ઉચ્ચારોની છાંટ સાથે કાં હિંદીમાં, કાં ગુજરાતીમાં વિવિધ માહિતી આપવામાં આવતી રહે, જેમ કે, હીપ્પો રોજનું કેટલા કિલો ઘાસ ખાય છે, કઈ આઈટમ કયો ખેલાડી રજૂ કરે છે વગેરે.. આમાંથી ભાગ્યે જ કશું સમજાય. ક્યારેક કશું સમજાય તો પણ આઈટમનું નામ તો કદી ન સમજાય. સામાન્યપણે તમામ ખેલાડીઓ- સ્ત્રીઓ કે પુરુષો ચમકદમકવાળો પોષાક પહેરેલાં જોવા મળે અને સ્પોટ લાઈટના ફોકસમાં એ વધુ ઉઠાવ આપે છે, પણ આનાથી તદ્દન સામા છેડાનો વિરોધાભાસ હોય છે સરકસમાં બાકીનું કામ સંભાળતા સ્ટાફના માણસો, જેમણે વિવિધ વસ્તુઓ ફટાફટ પાથરવાની, ગોઠવવાની કે સંકેલવાની હોય છે. સાવ સાદા પેન્ટ-શર્ટ અને મોટે ભાગે પગમાં સ્લીપર પહેરેલા આ માણસો રીંગમાં જ એક બાજુએ મોજૂદ હોય છે. એમની કામ કરવાની ચપળતા, ઝડપ અને ટીમવર્ક જોઈને નવાઈ જ લાગે. પંદર-વીસ જણા સાથે કામ કરતા હોય, પણ દરેકને પોતે શું કામ કરવાનું છે, એની ખબર હોય અને એમાં ક્યાંય સમજફેર થતી જોવા ન મળે. ઘણી વાર એમ થાય કે આ માણસોને, અથવા એમના મેનેજરને કોઈ સંસ્થાનું, રાજ્યનું કે દેશનું સુકાન સંભાળવા આપી દઈએ તો કદાચ એ આવી જ શિસ્તથી એ કામ પણ કરી દેખાડે. પહેલાં આવો વિચાર તુક્કા સમાન લાગે, પણ હવે લાગે છે કે અખતરા પૂરતુંય આવું કરી જોવું જોઈએ. દેશની હાલત અત્યારે છે, એનાથી વધુ ખરાબ તો નહીં જ થાય!    
વરસોજૂનું સદાબહાર આકર્ષણ એટલે ઝૂલા
સર્કસમાં ચાલુ ખેલે આવતા ફેરીયાઓ પણ કમાલના હોય છે. મોટે ભાગે એ લોકો સર્કસ સાથે સંકળાયેલા હશે, તો જ આ રીતે ચાલુ ખેલે અંદર ફરી શકે. આ ફેરીયાઓ નાનાં બાળકો જુએ એટલે જાણે કે ભેટ આપતા હોય એમ એમના હાથમાં આઈસ્ક્રીમનો કોન કે ફ્રુટીનું પેક કે પોપકોર્નનું પેકેટ થમાવી જ દે. બાળક બિચારું એ લઈ લે. કદાચ ખાવાય માંડે, ત્યાં એના માબાપનું ધ્યાન જાય. બાળકે ખાવાનું શરૂ કરી દીધું હોય તો એ ચીજના પૈસા ચૂકવ્યા વિના છૂટકો નહીં. ખાવાનું શરૂ ન કર્યું હોય અને એ પાછું ફેરીયાને આપવા જાય તો બાળક જીદ કરે કે એ અપાવો જ.
સર્કસના ફેરીયાનો એક અનુભવ યાદ રહી ગયો છે. અમે પાંચ-સાત મિત્રો એક વાર સર્કસ જોવા નડીયાદ ગયેલા. એની ટિકીટ પર શાળામાંથી કન્સેશન મળેલું, એટલે ગણતરી એવી હતી કે ત્રણએક રૂપિયામાં બધું થઈ પડશે. ત્રીસ-બત્રીસ વરસ પહેલાંની વાત. એ વખતે મહેમદાવાદથી નડીયાદની ટ્રેનની અડધી ટિકીટ ૬૦ પૈસા હતી. પચાસ પૈસા કે બાર આનાની કન્સેશન ટિકીટ સર્કસની. ચાલુ સર્કસે આઈસ્ક્રીમ વેચતા ફેરીયાઓ જોઈને એક મિત્રે આઈસ્ક્રીમનો ભાવ પૂછ્યો. ફેરીયાએ અંગ્રેજીમાં કહ્યું, ટ્વેન્ટી ફાઈવ (પૈસા). અમને થયું કે આ ભાવમાં ખોટું નહીં. એટલે અમે ત્યાં જ પૈસા ઊઘરાવ્યા અને છ કે સાત આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. ફેરીયાએ પૈસા લેવાને બદલે અમને પહેલો આઈસ્ક્રીમ આપ્યો અને કહે, પહલે ખા લો. અમને શી ખબર કે એ આવું કેમ કહે છે? એટલે અમે તો ખાવા માંડ્યા. અમે ખાધો ત્યાં સુધી એ ઉભો રહ્યો. જોતજોતામાં અમે આઈસ્ક્રીમ પૂરો કર્યો અને પૈસા ચૂકવવા ગયા, એટલે ફેરીયો કહે, વન ટ્વેન્ટી ફાઈવ. એટલે કે એક આઈસ્ક્રીમના એક રૂપિયો ને પચીસ પૈસા. અમારાં તો મોતિયાં મરી ગયાં. અમે દલીલ કરી કે તમે પચીસ પૈસા કહ્યા એટલે જ અમે તો આઈસ્ક્રીમ લીધેલો. બાકી તો લેત જ નહીં ને! એ કહે, પચીસ પૈસામાં આઈસ્ક્રીમ આવતો હશે?” અમે ગમે એમ તોય કન્સેશન ટિકીટવાળા બાળકો હતા. એણે અમને બધાને ઉભા કર્યા અને કહ્યું, ચાલો, બહાર. અમે ગભરાયા, પણ છૂટકો નહોતો. એની પાછળ પાછળ બહાર નીકળ્યા. સર્કસના મેદાનમાં જ આઈસ્ક્રીમની દુકાન જેવું હતું,ત્યાં એ અમને લઈ ગયો. ત્યાં બે-ચાર માણસો એના સાગરિતો જેવા ઉભેલા. એમાંના એકાદની મૂછ ખાસ્સી લાંબી (ક્રિકેટર બ્રીજેશ પટેલ જેવી) હોવાથી એ બધાના સરદાર જેવો લાગતો હતો. ફેરીયાએ એ સરદારને બધી વાત કરી. અમે પણ અમારી વાત રજૂ કરી,પણ અમારું સાંભળે કોણ? અમને એ લોકો ફિલ્મી ગુંડા જેવા જ લાગે. છેવટે એમણે તોડ કાઢતાં કહ્યું, ચાલો, તમારાં ખિસ્સાં ખાલી કરો અને જે પૈસા હોય એ આપી દો. ગભરાતાં ગભરાતાં સૌએ આઠ આના, ચાર આના કે જે નીકળ્યું એ કાઢ્યું અને એ ગેંગને આપ્યું ત્યારે છૂટકારો થયો. પણ આ ઘટનાથી સર્કસ જોવાની મઝા બગડી ગઈ. ઘેર તો આ અંગે વાત કરવાનો પ્રશ્ન જ ન હતો. એ ઘટના યાદ કરવી પણ ન ગમતી એટલે એ વખતે હાજર હતા એમાંના કોઈ મિત્ર સાથે ભાગ્યે જ એ અંગે પછી વાત નીકળી છે. પ્રદીપ (પંડ્યા), વિપુલ (રાવલ) કે જયંત (પટેલ)માંથી કોણ આ વખતે હતું એ બરાબર યાદ નથી. એ લોકો આ વાંચે અને જણાવે તો ખ્યાલ આવે. 
મોતના ગોળામાં ક્યારેક એક તો ક્યારેક બે સવારીઓ:
એક અક્ષાંશ પર, બીજો રેખાંશ પર.

હાથી મેરે સાથી ફિલ્મ આવી એ અરસામાં સર્કસમાં શિવપૂજા કરતા હાથીઓની આઈટમ સુપરહીટ હતી. એમાંય આગલા બે પગે આગળ નમીને નમન કરતો હાથી જોઈને ભારે આશ્ચર્ય થતું. હાથીની સૂંઢ પાછળ આવેલા મોંની ફાટનો વળાંક કુદરતી રીતે જ એવો હોય છે કે હાથી હસતો હોય એવું જ લાગે. ઘણા માણસોના હોઠનો આકાર પણ એવો જ હોય છે. હવે ક્રિકેટના યુગમાં હાથીને બોલબેટ રમાડાય છે.
અમારા ગામમાં જીતુકાકા નામે એક સજ્જન હતા મારા પપ્પાની ઉંમરના. છએક ફીટ ઊંચાઈ. એટલે અમે નામ પાડેલું 'જીતુ ઝંડ'. પપ્પાએ એક વાર માહિતી આપેલી, આ જીતુ નાનપણથી બહુ અવળચંડો હતો. એક વાર એ સર્કસ જોવા ગયેલો અને વાઘસિંહનો ખેલ આવ્યો, ત્યારે આ વાંદરપૂંછડાએ સિંહનું પૂછડું ખેંચેલું. સિંહે પૂંછડાની જોરથી ઝાપટ મારેલી,તે એની આંખ આગળ હજીય એનું નિશાન છે. આ માહિતી જાણ્યા પછી જીતુકાકા જ્યારે પણ રસ્તામાં મળે ત્યારે હું અને વિપુલ એની નજીક જઈને પેલી નિશાની શોધવાનો પ્રયત્ન કરતા. એમની આંખ પાસે કદાચ બે-ત્રણ નિશાની હતી, એટલે અમે અનુમાન કરતા કે કઈ નિશાની સિંહવાળી હશે.
સર્કસના ખેલની વિવિધ આઈટમોનું વર્ણન કરવા કરતાં મન પર રહેલી એની છાપ ઉપસાવવાનો આ પ્રયત્ન છે. હવે આજે સર્કસ જોતાં જુદી જાતનું વિસ્મય અનુભવાય છે. આટલા બધા માણસો એક રસોડે જમે, એમના બે ટંકના ખોરાક જેટલો ખોરાક તો એક હાથીનો જ હોય, અને એવા ચાર-પાંચ હાથીઓ હોય, બીજાં પ્રાણીઓ હોય, તો સર્કસનો માલિક કેટલા રૂપિયા કમાય ત્યારે બ્રેકઈવન પર પહોંચતો હશે? ગમે એવી ગણતરી કરતાંય આનો અંદાજ મળતો નથી. એટલે પછી જ્યારે સર્કસ આવે ત્યારે સર્કસ જોવા પહોંચી જઈએ છીએ અને એ રીતે ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે આપણી ટિકીટમાંથી સર્કસના લોકોને એક ટંકનો રોટલો પૂરો પાડ્યાનો સંતોષ લઈએ છીએ.
(હજી ફિલ્મોમાં કે ટી.વી.માં સર્કસનો વિષય તો ઉખેળ્યો જ નથી, પણ એ ફરી ક્યારેક)

No comments:

Post a Comment