સાંગલાથી નીચે ઊતરી કરછમ બંધવાળા રસ્તે અમારે આગળ વધવાનું હતું. ચંડીગઢથી મુસાફરી શરૂ કરતી વખતે શીલારૂ ગામની હોટેલમાં રોકાયેલા ત્યાં જ અમારે વળતાં પણ રોકાવાનું હતું. આ નેશનલ હાઈવે પાંચ હતો. રોડ ઘણો સારો, અને પર્વતની ધારે ધારે હતો, છતાં વાહનની ઝડપ સારી કહી શકાય એવી હતી. સતલજ નદીની એકદમ સાંકડી ખીણ ક્યાંક વધુ સાંકડી થતી, તો ક્યાંક સહેજ પહોળી. વચ્ચે નાનાં ઝરણાં દેખાતાં. એકાદ સ્થળે થોડોઘણો વરસાદ પણ પડ્યો. તેને કારણે પાછળ પહાડોમાં મેઘધનુષ જોવા મળ્યું. સૂર્ય સંતાકૂકડી રમતો હતો. વચ્ચે પર્વત આવી જાય તો એ સંતાઈ જતો અને એટલા વિસ્તારમાં જાણે કે સાંજ પડી ગઈ હોય એમ જણાતું. વળી પર્વત હટી જાય તો સાંજનું અજવાળું બરાબર દેખાતું. સાંજના સાડા છ- સાત થયા હશે, અને અમારા અંદાજ મુજબ અમારે પહોંચતાં સહેજે સાડા દસ થવાના હતા.
સૂર્ય ધીમે ધીમે સાવ ઢળી ગયા પછી પણ અજવાળું હતું. આથી દૃશ્યો બરાબર જોઈ શકાતાં હતાં.
ઠીક ઠીક લાંબું અંતર કાપ્યા સહેજ બ્રેક લેવા માટે એક હોટેલ પાસે વાહન ઊભું રખાયું. સાદી ચા- લેમન ટી- કૉફી- લેમન જિંજર હની ટી જેવા વિકલ્પમાંથી હજી અમે કશું નક્કી કરીએ એ પહેલાં તો ડ્રાઈવરે ચા પતાવી દીધી હતી. હોટેલની સામે એક ભાઈ પ્લમ લઈને વેચવા બેઠા હતા. કદમાં થોડા નાનાં, રંગ પણ હજી લીલાશ પડતો હતો, છતાં તેની મિઠાશ અને રસાળતા ગજબ હતી. રસ્તામાં ખાવા માટે સૌએ થોડાં થોડાં ખરીદ્યાં. છેલ્લે એ ભાઈ કહે કે આ બાકી રહ્યાં છે એ પણ લઈ લો, તો મારે પાછા લઈ જવા ન પડે. એટલે એ પણ લીધાં.
બ્રેક પછી મુસાફરી પાછી શરૂ કરી. એવામાં અમને યાદ આવ્યું કે આ સમગ્ર મુસાફરી દરમિયાન અમે અંતાક્ષરી રમ્યા જ નથી. આથી અમને પ્રવાસી ગણવામાં આવશે કે કેમ! બહાર અંધારું હોવાથી આમ પણ કશું જોઈ શકાતું ન હતું એટલે અમે અંતાક્ષરી રમવાનું ચાલુ કર્યું. જોતજોતાંમાં સવા દસ આસપાસ અમે ઊતારે આવી પહોંચ્યા. ભોજન પછી થોડું બેસીને છૂટા પડ્યા. આજની રાત આ પ્રદેશની અમારી છેલ્લી રાત હતી.
બીજા દિવસે અમારે અહીંથી ચંડીગઢનો વળતો પ્રવાસ શરૂ કરવાનો હતો. સવારે ચા-નાસ્તો કરીને અમે સૌએ અમારા ડ્રાઈવર દિનેશકુમાર સાથે સમૂહ ફોટો લેવડાવ્યો. એ પછી મુસાફરી શરૂ કરી. ટ્રેન સાંજની હોવાથી અમારા મનમાં એમ હતું કે બપોર આસપાસ ચંડીગઢની નજીકમાં ક્યાંક ભોજન લઈશું અને કલાકેક પહેલાં સ્ટેશને ઊતરીશું.
પ્રવાસમંડળી: (ડાબેથી): શૈલી, સુજાત, ઈશાન, પરેશ, ડ્રાઈવર દિનેશકુમાર, બીરેન, કામિની, પ્રતિક્ષા અને મલક (જોઈ શકાય છે કે કોઈએ ગરમ કપડું પહેર્યું નથી) |
વળતાં અમારે શીમલા બાયપાસનો રસ્તો લેવાનો હતો. એ પહેલાં રસ્તામાં નાના સ્ટોલ લગાવીને વિવિધ ફળ વેચનારા બેઠેલા હતા. આ ઊપરાંત મધ વેચનારા પણ હતા. અમે વિવિધ ફળો અને મધ ખરીદ્યાં. અહીંનાં એકે એક ફળો અહીંના વાતાવરણને લઈને એટલાં રસાળ હોય છે કે મોંમાં મૂકતાં જ એ અનુભવાય. બીજું કે એ ફળ અહીંના વાતાવરણમાં ખાવાની મજા જ જુદી છે.
વળતી મુસાફરી શરૂ થઈ એમ ગીચતા વધવા લાગી. હિમશીખરો જાણે દૂર સરકી ગયાં. હરિયાળી પુષ્કળ હતી. રસ્તા પણ એકંદરે સારા હતા. શિમલા નજીક આવતું ગયું એમ ગીચતા ઓર વધી.
એ પછી એ ઘટતી જણાઈ. બાયપાસવાળા રસ્તે ટ્રાફિક પણ ઓછો હતો. ગરમી લાગવા માંડી હતી. એક જગ્યાએ બે જણે રોડની વચ્ચોવચ્ચ ઊભા રહીને અમારું વાહન થોભાવ્યું. વાહન ઊભું રાખતાં તેઓ બારી પાસે આવ્યા અને પૂછ્યું, 'આપ કિતને લોગ હૈ જી?' બે જણા હાથમાં 'ફ્રૂટી'નાં પેકેટ લઈને નજીક આવ્યા. અમે પૂછ્યું, 'યે કિસલિયે?' તો એમણે કહ્યું, 'લંગર હૈ જી.' અમે રાજીખુશીથી 'ફ્રૂટી' સ્વીકારીને એમની સેવાભાવનાની કદર કરી. એ લોકો દરેક વાહનમાં 'ફ્રૂટી' આપતા હતા. અહીં પર્વતો હતા, ઠંડક હતી, છતાં તડકો એવો હતો કે 'ફ્રૂટી'ની જરૂર પડતી હતી.
વચ્ચે એકાદ જગ્યાએ અમે ભોજન માટે ઊભા રહ્યા. એ પછી ચારેક વાગ્યે ચંડીગઢ સ્ટેશને ઊતર્યા. રસ્તામાં ડ્રાઈવર દિનેશકુમાર પર એમનાં બૉસમેડમનો ફોન આવ્યો કે અમારો વિડીયો પ્રતિભાવ એમણે લઈ લેવો. દિનેશકુમાર સહેજ અકળાઈને કહે, 'સબ ખુશ હૈ જી. આપ હમ કો ગાડી ચલાને દો.' છેવટે ચંડીગઢ સ્ટેશને એમણે કહ્યું, 'સર, આપકા ફોટૂ લે લેતે હૈ. મેડમ કો ભેજના હૈ.' અમે પૂછ્યું, 'વિડીયો લેવો છે? તો અમે કંઈક બોલીએ.' એ હસીને કહે, 'ફોટૂ હી ઠીક હૈ.' એમ એમણે અમારો ફોટો લીધો. એમની સાથે 'આભાર-મજા આવી'ની આપલે કરીને અમે ચંડીગઢ સ્ટેશનમાં પ્રવેશ્યા.
અહીં કોઈક બીજી જ દુનિયામાં આવી પડ્યા હોઈએ એમ લાગતું હતું. કાલે દેખાતાં પેલા પહાડ, હિમશીખરો, દેવદારનાં જંગલો બધું જાણે કે ગયા જનમની વાત હોય એમ લાગતું હતું. અને સ્પિતીના પીળા પહાડ? એની મુલાકાત લેનારા અમે જ હતા? કે કોઈ સ્વપ્ન હતું?
હવે એ બધું અમારા સ્મૃતિઆલબમમાં કાયમ માટે સચવાઈ રહેવાનું હતું. 'અમે સ્પિતી ગયેલા ત્યારે...' થી શરૂ થતી વાર્તા બની રહેવાનું હતું.
No comments:
Post a Comment