(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)
રજનીભાઈનું મિત્રવર્તુળ અતિશય બહોળું. વિવિધ ક્ષેત્રના લોકો સાથે એમને અંગતતા. એમાંય જૂના ફિલ્મસંગીતની બિરાદરીની વાત જ અલગ.
એમના એક મિત્ર પ્રભાકર વ્યાસ જૂના ફિલ્મસંગીતના ઝનૂની ચાહક. પહેલાં મુંબઈ રહેતા અને પછી તેઓ વડોદરા આવી ગયેલા. દિલના બહુ પ્રેમાળ, પણ ફિલ્મસંગીત અને અમુક ગીત, કલાકારો માટે એમનો ભાવ ઝનૂનની કક્ષાનો. રેડિયો સિલોનના અને એના ઉદઘોષક મનોહર મહાજનના એવા પ્રેમી કે ફોન પર કે રૂબરૂ મળે ત્યારે 'જય સિલોન' અને 'જય મહાજન'થી જ અભિવાદન કરે. એક સમયે તેઓ રેડિયો સિલોન માટે નાણાંકીય ભંડોળ એકઠું કરવાનું અભિયાન ચલાવવાનું વિચારતા હતા. વ્યાસસાહેબને એક ટેવ એવી કે તેઓ વાતે વાતે તાલી દેવા માટે પોતાનો હાથ ઊંચો કરે. સામેવાળાએ હથેળી ધરી તો મર્યો સમજવો, કેમ કે, પછી એણે સતત એમ જ કરતા રહેવું પડે. વ્યાસસાહેબની આ ટેવથી પ્રેરાઈને રજનીભાઈએ એમનું નામ પાડ્યું 'તાલી'બાન. એમના વિશેના એક લેખનું શિર્ષક રજનીભાઈએ આપેલું, 'આ તાલીબાન જબરો સંગીતપ્રેમી છે.' વ્યાસસાહેબ રજનીભાઈના પણ એવા પ્રેમી કે એમણે આ નામ જાણે કે તખલ્લુસ લેખે અપનાવી લીધું. ફોન આવે ત્યારે કહે, 'હેલો બીરેનભાઈ! પ્રભાકર બોલું!' પછી તરત જ ઉમેરે, 'અરે યાર, તાલીબાન..!' આ નામ એવું સ્વીકૃત થઈ ગયું કે (રજનીભાઈનાં પત્ની) તરુબહેન પણ તેમને પૂછે, 'તાલીબાનભાઈ, તમે ચા લેશોને?' પ્રભાકરભાઈ પહેલી વાર મારે ઘેર આવ્યા ત્યારે મારી દીકરી શચિ નાની. એટલે મેં એને શીખવેલું કે આ કાકા આવે ત્યારે એમને 'જય સિલોન' કહેજે. પ્રભાકરભાઈ શચિના મોંએ એ અભિવાદન સાંભળીને એવા ભાવવિભોર થઈ ગયેલા અને એમ માની બેઠેલા કે એ પણ એમની જેમ જ 'રેડિયો સિલોન'ની પ્રેમી છે. છેક સુધી તેઓ શચિને એ રીતે યાદ કરતા, 'શું કરે છે સિલોનવાળી બેબલી?'
ધીમે ધીમે અમે સૌએ સંપીને પ્રભાકરભાઈને હાથ ધરવાનો બંધ કર્યો એટલે પ્રભાકરભાઈ સ્વાવલંબી બન્યા. તેઓ પોતાના જ હાથમાં તાલી મારતા.
એક સંસ્થાનું દસ્તાવેજી ચિત્ર બનાવવા માટે અમે સૌ સાથે ગયેલા. એ વખતે લતા મંગેશકરનું એક ગીત રજનીભાઈએ મોબાઈલ ફોન પર સંભળાવ્યું. તાલીબાને પોતાનો આખો હાથ અમને બતાવ્યો. એ ગીત સાંભળીને તેમના રુંવાડાં ઊભા થઈ ગયેલાં. એની મેં વિડીયો લીધેલી. એ જ બેઠકમાં કશીક વાતે પ્રભાકરભાઈએ પોતાના જ હાથ પર એટલા જોશથી તાલી આપી કે રૂમમાં બેઠેલાં તરુબહેન ચમકીને બહાર ધસી આવ્યાં. બહાર અમને ત્રણેને બેઠેલાં જોયા એટલે હાશકારો બતાવીને કહે, 'હં..તાલીબાનભાઈ છે! મને એમ કે કોણે કોને માર્યું?'
No comments:
Post a Comment