(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)
જૂનાં, ખાસ કરીને પચાસના દાયકાનાં ફિલ્મી તેમજ બિનફિલ્મી ગીતો રજનીભાઈને અતિ પ્રિય. એમનું અનુસંધાન એની સાથે હતું. એમની વિશેષતા એ હતી કે એમને સેંકડો ગીતો આખાં ને આખાં કંઠસ્થ. 'સેંકડો' જરાય અતિશયોક્તિ વગર લખું છું. પોતાની યુવાનીના સમયગાળામાં સાંભળેલાં ગીતો એમના મનમાં છપાઈ જતાં હોવાનું એમણે લખ્યું પણ છે. આને કારણે કોઈ પરિસ્થિતિને અનુરૂપ ગીતની પંક્તિ એમને તરત જ સૂઝી આવે. ઘણી વાર એમ બને કે ગીત અમને ખબર હોય, પણ એની વચ્ચેની પંક્તિ તેઓ બોલે તો ખ્યાલ ન આવે કે આ કયું ગીત છે. એક પંક્તિનો તેઓ ખાસ ઉપયોગ કરતા. પોતાના મોબાઈલ ફોનમાં કે કમ્પ્યુટરમાં રહેલા કોઈ ફીચર વિશે તેમને જાણ ન હોય અને ક્યારેક એના વિશે હું કહું તો તેઓ તરત બોલે, 'આજ માલૂમ હુઆ, પહલે યે માલૂમ ન થા'. પહેલી વાર તેમણે આ પંક્તિનો ઉપયોગ કર્યો પછી મને પૂછ્યું, 'બોલ, કયું ગીત છે?' મેં કહ્યું, 'ગાઈને કહો તો કદાચ ખ્યાલ આવે.' એટલે એમણે એ ગાઈ બતાવ્યું અને મેં કહ્યું, 'આ તો જિંદગી ઈત્તેફાક હૈ'માં આવે છે.
એમનો બીજો રસ હતો પેરડીમાં. ફિલ્મના ગીતની પંક્તિ એમને સૂઝે એટલી જ ઝડપથી એની પેરડી પણ એ બનાવે. ફિલ્મના ગીત સિવાય પણ પેરડી બનાવે. એક વખતે તેઓ મારે ત્યાં વડોદરા આવેલા. મારા ઘરથી નજીક એક બહેનને ઘેર અમારે જવાનું હતું, જ્યાં એ બહેનના પતિ પોતાનો સંગ્રહ મૂકી ગયેલા. અમે બન્ને રજનીભાઈની કારમાં ત્યાં ગયા, ઘણી બધી વસ્તુઓ લીધી. કોથળા પણ ત્યાંથી જ મળ્યા એટલે એમાં બધું ભર્યું. બહેનને નાણાં ચૂકવ્યા. હવે સવાલ આવ્યો કે આ કોથળા પહેલે માળેથી ઊંચકીને નીચે કારમાં કેમના ગોઠવવા. એવામાં એક માણસ ઊપલા માળે ચડતો દેખાયો. એ કશુંક આપવા આવેલો. રજનીભાઈએ એને પૂછ્યું, 'બેટા, આ બે કોથળા ગાડીમાં મૂકી આપીશ?' પેલાએ હા પાડી અને બન્ને કોથળા વારાફરતી કારની ડીકીમાં ગોઠવી દીધા. એના હાથમાં પચાસેક રૂપિયા રજનીભાઈએ પકડાવ્યા. અમે કારમાં પાછા આવવા ગોઠવાયા. મેં કહ્યું, 'સારું થયું પેલો ભાઈ મળી ગયો. નહીંતર આ બધું ઊંચકીને મૂકવું અઘરું પડત.' એટલે રજનીભાઈએ તત્ક્ષણ પેરડી કરી, 'હતા ખજાના એવા કે હમાલો દોડતા આવ્યા.' ઘાયલસાહેબના શેરના આ એક જ મિસરાની પેરડી સાંભળીને અમે બહુ હસ્યા.
મારે ઘેર પાછા આવ્યા અને કારમાંથી કોથળા ઊતાર્યા. એ જોઈને કામિની કહે, 'આટલા કોથળા તમે શી રીતે ઊંચક્યા?' એટલે રજનીભાઈએ ફરી કહ્યું, 'હતા ખજાના એવા કે હમાલો દોડતા આવ્યા.' પછી તો 'દોડતા આવ્યા' વાળી પંક્તિઓની આગળ બીજા શબ્દો લગાડીને એ ચાલતું રહ્યું, પણ એના મૂળમાં આ પંક્તિ.
No comments:
Post a Comment