(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)
રજનીભાઈ સાથે 2002માં પહેલવહેલી વાર એક જીવનકથાના લેખન માટે હું સંકળાયો. એમણે મને જોડાવા કહ્યું ત્યારે અમારા બન્નેમાંથી કોઈના મનમાં મારી ભૂમિકા બાબતે સ્પષ્ટતા નહોતી, પણ હું હોઈશ તો કામ લાગીશ એવી ખાત્રી. એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન થયો ત્યાર પછી એમને મળતા જીવનકથાના દરેક પ્રોજેક્ટમાં હું હોઉં જ. એ પછી 2007થી મારી નોકરી મૂકીને હું પૂર્ણ સમયનો ચરિત્રકાર બન્યો અને મને સ્વતંત્રપણે કામ મળતાં થયાં, છતાં તેમના એકે એક પ્રોજેક્ટમાં મારી સામેલગીરી રહેતી.
એ નિમિત્તે અમારે અનેક વાર સાથે કારમાં પ્રવાસ કરવાના થતા. રાજકોટ, જૂનાગઢ, જેતપુર, સુરત, મુંબઈ, ભરૂચ, વીસનગર, ગાંધીનગર વગેરે અનેક સ્થળોએ અમે સાથે જતા. એ વખતે રસ્તે જતાં અવનવી વાતો થતી, પણ એમાં રમૂજ કેન્દ્રસ્થાને રહેતી. કોઈ વિખ્યાત અને અતિ ચવાઈ ગયેલી જોકનું તેઓ કે હું વિસ્તરણ કરીએ. એને તેઓ 'માળ ચણ્યો' કહેતા.
એમની અનેક વાર્તાઓ- ખાસ કરીને 'બિલોરી' શ્રેણીની-નો અમે સંદર્ભબિંદુ તરીકે ઊપયોગ કરતા. કેમ કે, એમાં દર્શાવેલાં લક્ષણો એવાં હતાં કે એ ગમે એમાં પ્રગટતાં દેખાય.
એવી એમની એક વાર્તા હતી 'મને તો એમ કે હું આમાં ચાલું.' રજનીભાઈ એમની કાઠિયાવાડી જબાનમાં બોલતા ''હું આમાં હાલું.' વાર્તાનો સાર એવો કે એક ગામમાં આવેલી નાટકમંડળીને મેકઅપમેનની જરૂર પડે છે. સાવ નાના ગામમાં એની વ્યવસ્થા ક્યાંથી કરવી? છેવટે ગામનો ટપુ નામે એક વાળંદ એ કામ કરી આપવા તૈયાર થાય છે. નાટકનો ખેલ ભજવાતો અને લોકોને તાળીઓ પાડતા જોઈને ટપુને એમ થાય છે કે ખરી કમાલ પોતાના મેકઅપની છે. દિગ્દર્શક પણ ખુશ હતા. આથી થોડા દિવસ પછી ટપુ દિગ્દર્શનમાં 'સલાહ' આપવા જાય છે. પણ બદલામાં અકળાયેલા દિગ્દર્શકની થપ્પડ એને પડે છે. ટપુને લાવનાર મિત્ર એને સમજાવે છે કે આ એની 'લેન' નહીં. ત્યારે ટપુને ભાન થાય છે અને મનમાં શબ્દો ઊગે છે, 'મને તો એમ કે હું આમાં ચાલું.'
પોતાની 'લેન' ન હોય છતાં એમાં ટાંગ અડાડવા જાય એવી વ્યક્તિના લક્ષણને અમે આ નામ આપેલું. બોલવામાં લાંબું, અને એનો ઊપયોગ વધુ જોઈને અમે એને ટૂંકાવીને કર્યું 'એચ.એ.એચ.' (હું તો આમાંય હાલું) પછી જુઓ મજા.
અમે હજી જીવનચરિત્રના લેખનની વાત કરતા હોઈએ અને સામેનું પાત્ર કદીક પોતાને સાહિત્યમાં કેવોક રસ હતો અને ધારે તો પોતે હજી પોતાની કથા લખી શકે એમ છે એમ કહે એટલે મારી અને રજનીભાઈની નજર એક થાય. તેઓ જરાય હાવભાવ બદલ્યા વિના કહે, 'એચ.એ.એચ.' એક તરફ મને હસવું આવે, સાથે સામેની વ્યક્તિને એવી ગંધ ન આવે કે એની વાત થઈ રહી છે એટલે હું ઠાવકાઈથી કહું, 'હા. બિલકુલ. આપણે ધાર્યું હતું એમ.' અથવા 'એમ જ હોય ને!' અથવા તો બીજું જે સૂઝે એ.
એ હદે કે ક્યારેક અમે બન્ને પણ એકબીજાને આમ કહીએ. તેઓ કદીક કશું ટેક્નિકલ કામ જાતે કરવા જાય તો હું કહું, 'ગુરુ, રહેવા દો. આમાં 'એચ.એ.એચ.' ન કરો.' એક વાર એમની એક નવલકથાનો બીજો ભાગ મેં લખવાની તૈયારી દેખાડી. અલબત્ત, તેઓ એ લખી શકે એમ ન હતા એટલે. તો એ મને કહે, 'તને 'એચ.એ.એચ.' તો નથી ને?'
No comments:
Post a Comment