(રજનીકુમાર પંડ્યાનો આજે જન્મદિન છે. 15 માર્ચ, 2025ના રોજ થયેલી તેમની વિદાય પછીનો પહેલો, એટલે ખરું જોતાં જન્મજયંતી કહી શકાય. પણ કેવળ શારિરીક વિદાય કંઈ ઓછું કોઈની સ્મૃતિને મિટાવી શકે? તેમની સાથેના સાડા ત્રણ દાયકાના લાંબા પટના પરિચય દરમિયાન અનેક અનેક બાબતો એવી હતી કે જે એક યા બીજા સમયે સતત યાદ આવતી રહે. તેમની સાથેનાં કેટલાંક છૂટાંછવાયાં સંભારણાં અહીં મૂકવાનો ઉપક્રમ છે.)
રજનીભાઈ આમ તો માનવમનના ઊંડા અભ્યાસી. ઊપરાંત એમની રમૂજવૃત્તિ બહુ નરવી. આથી પોતાનો અભ્યાસ તેઓ ગંભીરતાથી નહીં, બલકે રમૂજ સાથે જણાવે. એક લક્ષણ તરીકે તેને મૂકે. આથી બહુ મજા આવે.
તેમની સાથે જીવનકથાના એક પ્રકલ્પમાં હું પહેલી વાર જોડાયો. એ અનુભવ બહુ વિશિષ્ટ બની રહેલો. એમાં જીવનકથા માટે જરૂરી કૌશલ્ય શીખાતું ગયું, એમ એ પણ શીખવા મળ્યું કે કેવળ એટલું પૂરતું નથી. આ કામમાં માણસો સાથે સંકળાવાનું હોય છે, અને એ એવડું મોટું પાસું છે કે જેને અવગણી શકાય નહીં. એ સમયગાળા દરમિયાન રજનીભાઈ મને આગ્રહ કરતા કે હું કંઈક લખું. પણ શું લખવું એ મને સમજાતું નહોતું.
એ પ્રકલ્પ પૂરો થયા પછી દિવસો સુધી તેના અનુભવો મનમાં રમતા રહ્યા. એ ખબર હતી કે એ સમયે જે બારીકીઓ યાદ રહી છે એ સમય જતાં ભૂંસાતી જશે, અને લાંબે ગાળે કેવળ જાડી, બાહ્ય રેખાઓ જ મનમાં રહેશે. આથી મેં એ સ્મરણો લખવાનું શરૂ કર્યું. એકે એક બાબતને ઝીણવટપૂર્વક આલેખી. ત્યારે હજી લખવા માટે કમ્પ્યુટરનો ઊપયોગ નહોતો કરતો. આથી ફૂલસ્કેપ પાનાંમાં એ લખતો ગયો. બધું તાજું હોવાથી એ વિગતવાર આલેખાયું. એમાં અમુક પ્રકરણનાં શિર્ષક કે અન્ય અમુક બાબતો મેં મૂળ પુસ્તકની પેરડી તરીકે પણ લખેલી. આખું લખાયા પછી એ મેં ઉર્વીશને વાંચવા આપ્યું. એને બહુ મજા પડી. એ પછી એણે એ રજનીભાઈને આપ્યું. રજનીભાઈ એ આખું વાંચી ગયા, એટલું જ નહીં તેમણે એમાં જરૂરી પરામર્શન પણ કર્યું અને મને મોકલ્યું. આ અનુભવકથાનું નામ શું આપવું?
રજનીભાઈએ અગાઉ એક વાર પોતાની વાર્તાની સર્જનકથા લખેલી, જેનું શિર્ષક હતું 'કેળવનમાં ચીસ'. આથી એમણે તત્ક્ષણ કહ્યું, 'આ તો 'કેળવનમાં ચીસાચીસ' છે.' બસ, એ શિર્ષક ફાઈનલ.
રજનીભાઈએ અને ઉર્વીશે એ લખાણ વાંચીને જોયું કે મારી મૂળભૂત 'લેન' હાસ્યની છે. એ પછી રજનીભાઈએ 'ગુજરાતમિત્ર'માં ચં.પુ. (ચંદ્રકાન્ત પુરોહિત)ને મારા વિશે વાત કરી. ચં.પુ.એ મને ફોન કરીને નમૂનારૂપે એકાદ બે હાસ્યલેખ મોકલવા જણાવ્યું. મેં એ મોકલ્યા, એમને પસંદ આવ્યા અને 'ગુજરાતમિત્ર'માં મારી પહેલવહેલી કોલમ શરૂ થઈ. કુલ પંચોતેર હપતા એટલે કે પોણા બે વરસ જેટલું એ ચાલી. મને ખ્યાલ નહોતો આવતો કે કોલમ કેવી જાય છે! પણ કેટલીક મૂળભૂત બાબતો મનમાં બરાબર ગોઠવાઈ, જે આગળઊપર બહુ કામ આવી. ખાસ તો, કોલમલેખનની શિસ્તથી પરિચીત થવાયું. તેમણે કદી એ બાબતે જશ ખાટવા પ્રયત્ન નથી કર્યો કે મારું કોલમલેખન એમણે શરૂ કરાવ્યું.
અમારા સંયુક્ત રીતે લખાયેલા કોઈ પુસ્તકના સર્જન વિશે ક્યારેક વાત થાય ત્યારે 'કેળવનમાં ચીસાચીસ'નાં પણ ઘણાં વર્ઝન અમે ઉપયોગમાં લેતાં, જેમ કે, કેળવનમાં રાડારાડ, કેળવનામાં બૂમબરાડા...વગેરે. પણ એ કેવળ વાતચીત પૂરતાં જ રહ્યાં.
No comments:
Post a Comment