Friday, July 11, 2025

રજનીકુમાર પંડ્યા (6): પસ્તી કા ખામોશ સફર હૈ

(રજનીકુમાર પંડ્યા સાથેનાં સ્મરણો)

ચરિત્રલેખન વિશે ગુજરાત અને ગુજરાતીમાં વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે. એના વિશે લોકોની પૂર્વધારણાઓ એટલી બધી સજ્જડ અને કાલ્પનિક હોય છે કે એ વિશે સ્વસ્થ ચર્ચાને ભાગ્યે જ અવકાશ હોય. પૂર્ણ સમયના લેખક તરીકે મારી ઓળખ 'ચરિત્રકાર'ની હતી, પણ રજનીભાઈની મુખ્ય ઓળખ વાર્તાકારની. એમની વાર્તાઓનું મૂલ્યાંકન કરતાં કરતાં મોટે ભાગે લોકો એમના વ્યાવસાયિક ચરિત્રલેખનની ટીકા કરવા પર ચડી જતા. એટલેથી ન અટકતાં એને નૈતિકતાને ત્રાજવે તોળવાની ચેષ્ટા કરતા. વાર્તાકારની કલમે કોઈનું જીવનચરિત્ર લખાય તો એ કેવું હોય એનો નમૂનો જોવો હોય તો રજનીભાઈએ લખેલાં જીવનચરિત્રોને પૂર્વગ્રહના ચશ્મા ઊતારીને વાંચી જોવા. તેઓ અખબારમાં કટારલેખન કરતા. આને કારણે તેમનું નામ ઘણું જાણીતું. મુખ્યત્વે તેઓ સંસ્થાવિષયક લેખો લખતા એને કારણે સંસ્થાવાળાઓ એમનો સંપર્ક કરતા. આ બધાને પરિણામે રજનીભાઈ પાસે પુષ્કળ કામ રહેતું. સંસ્થાવિષયક વિગતો તેમજ ચરિત્રલેખનને કારણે પુષ્કળ સામગ્રીના ઢગ ખડકાયેલા રહેતા. આ ઊપરાંત તેમને કોઈ પણ વસ્તુની ઝેરોક્સ નકલ કઢાવવાની આદત. એક તબક્કે તેઓ પોતાની જાતને 'ઝેરોક્સ મેનિયાક' તરીકે ઓળખાવતા. 

ક્યારેક અમારે કામ માટે બહારગામ જવાનું હોય ત્યારે હું આગલી રાતે તેમને ઘેર પહોંચી જતો, જેથી સવારે વહેલા સાથે નીકળી શકાય. એ વખતે રાતે અમે જાતભાતની વાતો કરીએ, જેમાં કરવાના કામની પણ ચર્ચા રહેતી. એ દરેક ચર્ચા દરમિયાન અમે 'ગર્લફ્રેન્‍ડ' ફિલ્મનું કિશોરકુમાર અને સુધા મલ્હોત્રાએ ગાયેલું ગીત 'કશ્તી કા ખામોશ સફર હૈ, રાત ભી હૈ, તનહાઈ ભી' અચૂક યાદ કરતા.  રજનીભાઈ એની પેરડી બનાવીને આસપાસ ફેલાયેલા ઢગ તરફ હાથ કરીને કહેતા, 'પસ્તી કા ખામોશ સફર હૈ, રાત ભી હૈ, તનહાઈ ભી'.. મોડી રાતે બહાર બધું શાંત હોય, અમે બન્ને એકલા બેઠા હોઈએ એટલે ગીતની પંક્તિને અનુરૂપ 'રાત' અને 'તનહાઈ'નો માહોલ પણ બરાબર તાદૃશ્ય થતો. 

આજે પણ કિશોરકુમાર અને સુધા મલ્હોત્રાના સ્વરમાં એ ગીત સાંભળું તો મને 'કશ્તી'ને બદલે 'પસ્તી' જ સંભળાય છે. 

No comments:

Post a Comment