Monday, May 17, 2021

નીરો અને ઉત્સવો

 નીરો એકદમ - 'કામાંધ' કહી શકાય એ હદે કામગરો હતો. ગાદીનો અખત્યાર સંભાળતાંની સાથે તે લોકોને જણાવી દેવા માંગતો હતો કે અત્યાર સુધી શાસન ભલે ગમે એમ ચાલ્યું, પણ હવે એ નહીં ચાલે. અલબત્ત, અત્યાર સુધીના રોમન શાસકોથી રોમના લોકો સંતુષ્ટ હતા, છતાં સંતોષ હોય કે આનંદ, એકધારાપણું (મોનોટોની) કંટાળો નીપજાવતું હોય છે. આથી સૌએ નીરોની વાતને ગંભીરતાથી લીધી. લોકોએ જાતે જ નીરો માટે એક સૂત્ર વહેતું કરી દીધું, 'એ જંપીને બેસતો નથી, અને કોઈને બેસવા દેતો નથી.' જો કે, નીરોએ કદી કોઈને આમ કહ્યું ન હતું. પણ સૂત્ર વહેતું થઈ જાય પછી જોઈતું'તું શું?

રોમન નાગરિકો અત્યાર સુધી બેસીને ભોજન લેતા હતા. નીરોના સૂત્રને સાર્થક કરવા માટે તેમણે ઊભે ઊભે ભોજન લેવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધી રોમન લેખકો બેઠા બેઠા લેખનકાર્ય કરતા હતા. તેમણે હવે ઊભે ઊભે લખવાનું શરૂ કરી દીધું. 'જંપીને બેસવા દેતો નથી'નો મંત્ર એટલો પ્રસર્યો કે મૃતદેહોને અગ્નિદાહ આપતી વખતે પણ તેમને સૂવાડવાને બદલે કશાકના ટેકે ઊભા રખાતા અને અગ્નિદાહ અપાતો. દફન થનારા મૃતદેહોને હવે ઊભા જ ખાડામાં ઊતારાતા. નીરોએ આમાંનું કશું કરવાનું કહ્યું ન હતું, પણ લોકો નીરોના આદેશને ઝીલવા તત્પર બની ગયા હતા.
નીરોએ ઘોષિત કર્યું કે પોતે હવેથી 23 કલાક કામ કરશે. આ જાણીને રોમનોને થયું કે આવો શાસક કદી થાવો નથી. કોઈકે નીરોને પૂછ્યું હોત તો જાણવા મળત કે નીરોએ ખરેખર તો કામના પોતાના કલાકો ઘટાડી દીધા હતા. આખા સપ્તાહના થઈને 23 કલાક કામ કરવાનું તેના મનમાં હતું, જ્યારે અગાઉના શાસકો સરેરાશ સો કલાકથી વધુ કામ કરતા.
રોમન લોકોનો મળી રહેલો પ્રતિસાદ જોઈને નીરોને થયું કે રોમનો પોતે ધાર્યું હતું એટલા મૂરખ નથી, પણ ધાર્યા કરતાં અનેકગણા મૂરખ છે. તેણે કેટલીક વધુ યોજનાઓ જાહેર કરી.
રોમની એક મોટી અશ્વશાળા હતી, જ્યાં સૈન્યમાં વપરાતા ઘોડાઓને રાખવામાં આવતા. આ ઘોડાઓની સંભાળ માટે વિવિધ કક્ષાના કર્મચારીઓ હતા, જેમાં અશ્વપતિના મુખ્ય હોદ્દાથી લઈને અશ્વલાદઉત્થાપક જેવા સૌથી નીચલી પાયરીના કર્મચારીઓ સુધીનો સમાવેશ થતો હતો. આ સૌ રાજ્યના સવેતન કર્મચારીઓ હતા. તેમને વેતન પ્રતિ સપ્તાહ ચૂકવાતું. નીરોએ આ પ્રથા બંધ કરીને માસિક ધોરણે વેતન ચૂકવવાનું શરૂ કર્યું. અત્યાર સુધી રાજ્યની તિજોરીમાંથી આ કર્મચારીઓને સીધું વેતન ચૂકવાતું. તેને બદલે હવે મહિને એક વાર રોમના કોલોઝિયમમાં 'વેતનોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું. રોમના લાખો લોકોની હાજરીમાં આ કર્મચારીઓને તેમનું વેતન ચૂકવવામાં આવતું. એક એક કર્મચારીનું નામ બોલાતું, હોદ્દો બોલાતો, અને વેતનની રકમ પણ! આ દરેક ઘોષણાને રોમના નાગરિકો તાળીઓથી વધાવી લેતા. સમ્રાટે વેતનમાં જબરદસ્ત વૃદ્ધિ કરી દીધી હોવાથી પોતાનું રાજ્ય અત્યંત સમૃદ્ધ હોવાનો તેમને ગર્વ થતો.


'વેતનોત્સવ' યોજનાને રોમનોનો જે પ્રતિભાવ મળ્યો એ નીરોની ધારણા મુજબનો હતો. હવે આગળનું પગલું ભરવાનો સમય પાકી ગયો હતો. નીરોએ જોયું કે ઘણા વખતથી રોમ પર બહારનું કોઈ આક્રમણ થયું નથી. જે કંઈ કત્લેઆમ થઈ છે એ તો રાજ્યની આંતરિક ખટપટને કારણે છે. એમ કરવામાં થોડા વફાદાર સેવકો પૂરતા છે. તેણે અશ્વશાળાના તમામ હોદ્દેદારોને તેમના હોદ્દેથી ફારેગ કરી દીધા. એને બદલે તેણે સહાયકો નીમી દીધા. એટલે કે અશ્વપતિના સર્વોચ્ચ હોદ્દે અશ્વપતિ સહાયક હોય, એમ અશ્વલાદઉત્થાપકના સૌથી નીચલા હોદ્દે પણ અશ્વલાદઉત્થાપકસહાયક હોય. આ સહાયક કર્મચારીઓનું વેતન નિર્ધારીત, તેમાં કશી વૃદ્ધિ નહીં, અને તેમણે આખું વરસ સેવા કરવી પડતી. આને કારણે જે મૂળ હોદ્દેદારો હતા એ હવે ફાજલ પડ્યા. નીરોએ તેમને અન્ય અનેક ઉત્પાદક કામોમાં જોતરવા માંડ્યા, જેમ કે, રોમના મુખ્ય બગીચાઓમાં આવેલાં વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓ ગણવા, રોમના મુખ્ય રસ્તાની બન્ને બાજુએ આવેલાં વૃક્ષો પર બેઠેલાં ફળોની ગણતરી કરવી, રોમના સરોવરમાં રહેલી દોઢ ઈંચ લંબાઈની માછલીઓ ગણવી વગેરે...આનાં પરિણામ ઝપાટાભેર મળવા માંડ્યાં. અશ્વશાળાના સહાયકો ખુશ રહેતા, એમ અશ્વશાળાના અસલ હોદ્દેદારો પણ રાજી રહેતા. તેઓ પોતાનો રાજીપો દરેક જણ સમક્ષ પ્રગટપણે વ્યક્ત કરતા, કેમ કે, તેમને અંદાજ નહોતો કે કયો માણસ નીરોનો જાસૂસ હશે.
અશ્વશાળાનું મોડેલ નીરોએ રોમનાં અન્ય ક્ષેત્રે પણ લાગુ પાડ્યું. દરમિયાન કોલોઝિયમમાં વિવિધ ઉત્સવો યોજાતા રહ્યા અને રોમનો તેનો આનંદ લૂંટતા રહ્યા. પહેલાં દર મહિને યોજાતા ઉત્સવો પછી દર સપ્તાહે, અને ધીમે ધીમે રોજેરોજ યોજાવા લાગ્યા.
રોમન ન્યાયપ્રણાલિને પણ નીરોએ ઉત્સવનું સ્વરૂપ આપી દીધું. 'સજામુક્તિઉત્સવ' ભાગ્યે જ યોજાતો, પણ 'કારાવાસોત્સવ', 'કોરડાઉત્સવ', 'શિરચ્છેદોત્સવ' નિયમિતપણે યોજાવા લાગ્યા. રોમન નાગરિકો હવે 'જંપીને બેસતો નથી, અને કોઈને બેસવા દેતો નથી' સૂત્રનો ગૂઢાર્થ સમજ્યા હતા. આજ સુધી રોમના કોઈ શાસકે લોકોના મનોરંજનની આટલી ખેવના કરી ન હતી. એ શાસકોએ રોમનોને યુદ્ધમાં જ વ્યસ્ત રાખ્યા હતા.
અલબત્ત, રોમન સેનેટમાં કેટલાક લોકો નીરોની આવી હરકતોથી નારાજ હતા. નીરોને એની જાણ હતી, પણ મુઠ્ઠીભર સેનેટને કોણ પૂછે? રોમન નાગરિકોની ખુશી વધુ અગત્યની હતી! પોતાની લોકપ્રિયતા વધારવા માટે નીરોએ વધુ એક ઘોષણા કરી. હવે પોતે 23 નહીં, પણ 24 કલાક કામ કરશે. આ સાંભળીને રોમનો હર્ષઘેલા થઈ ગયા. 23ને બદલે 24 કલાક કામ કરવાથી રોમની કાયાપલટ કઈ હદે થઈ જશે એ વિચારીને તેઓ રોમાંચિત થઈ ગયા.

(By clicking image, the URL will be reached)

No comments:

Post a Comment