Friday, May 14, 2021

નીરો અને સીલ

'મહોર' યા 'મુદ્રા', જેને અંગ્રેજીમાં 'સીલ' કહે છે તેનો ઉપયોગ આદિકાળથી થતો આવ્યો છે. હડપ્પન યુગમાં બળદની આકૃતિ ધરાવતી સીલ પ્રચલિત હતી, જે ઉત્ખનન દરમિયાન મળી આવી હતી. વિવિધ શાસકો પોતપોતાના શાસનમાં વિવિધ વ્યવહાર માટે સીલનો ઉપયોગ કરતા હતા. સામાન્યત: આ સીલનો ઉપયોગ મહત્ત્વના દસ્તાવેજો પર, મુખ્યત્વે વ્યાપારી કરારો પર તેમજ રાજકાજના દસ્તાવેજો પર થતો.

રોમના શાસકો મોટે ભાગે પોતાના ચહેરાના ચિત્રવાળી સીલ તૈયાર કરાવતા. નીરો પોતાની ઓળખ ચહેરા થકી નહીં, પોતાના વ્યક્તિત્ત્વ થકી ઉપસાવવા ઈચ્છતો હતો. તેણે એક વિશિષ્ટ સીલ તૈયાર કરાવડાવી, જેમાં ત્રણ પૂર્ણ કદની માનવાકૃતિઓ હતી. આમ તો એ એક પૌરાણિક પ્રસંગનું ચિત્રીકરણ હતું, જેમાં એપોલો અને માર્સિઅર્સ વચ્ચે યોજાયેલી સંગીતની હરિફાઈનો પ્રસંગ ઉપસાવવામાં આવેલો. દેવતાના હાથમાં લાયર/Lyre વાદ્ય બતાવાયું હતું. નીરો પોતે પણ આ જ વાદ્ય વગાડી જાણતો હતો. પૌરાણિક કથાના આ ચિત્ર દ્વારા નીરોએ પોતે સંગીતના દેવતા તરીકેની પોતાની છબિ દર્શાવવાનો પ્રયાસ કર્યો. હવે સવાલ આવ્યો આ સીલના ઉપયોગનો.


અત્યાર સુધી સીલનો જે ઉપયોગ થતો હતો એ ઉપરાંત અનેક સ્થાને તેનો ઉપયોગ કરવા બાબતે નીરોએ ફરમાન જારી કર્યાં. દસ્તાવેજો ઉપરાંત જે પણ ચીજો રોમથી નિકાસ થતી કે આયાત થતી એ તમામ પર આ સીલ ફરજિયાત કરવામાં આવી. માનો કે, રોમમાંથી દ્રાક્ષની નિકાસ થતી હોય તો એ દ્રાક્ષના પેકિંગ પર આ સીલ મારવી પડતી. સીલ વિનાનો કોઈ માલ પકડાય તો એ માટે ભારે સજા હતી. ધીમે ધીમે કરતાં તમામ ખાદ્યપેય ચીજોને આમાં આવરી લેવામાં આવી.
એ પછી નીરોએ રોમના સાહિત્ય પર નજર દોડાવી. તેણે આદેશ કર્યો કે રોમમાં જે કોઈ કાવ્યો કે અન્ય સાહિત્ય તૈયાર થાય તો એ સંગ્રહ પર આ સીલ ફરજિયાત જોઈશે. રોમના સાહિત્યકારોએ નીરોને સૂચવ્યું કે માત્ર સાહિત્ય પર જ શા માટે, સાહિત્યકારો પર પણ આ સીલ લગાવવી જોઈએ, જેથી સ્વદેશી સાહિત્યકારોની અસ્મિતા જળવાઈ રહે. નીરોને આ સૂચન ગમ્યું, પણ સાહિત્યકારના શરીરના કયા ભાગ પર સીલ લગાવવી એ નક્કી કરી શકાયું નહીં. કેમ કે, સીલ એ સ્થાને હોવી જોઈએ કે તે સહુ કોઈની નજરે પડે.
રોમના કોલોઝિયમમાં યોજાતી વિવિધ ક્રૂર રમતોમાં અનેક ગુલામો વાઘનો શિકાર બનતા. નીરોને લાગ્યું કે આ ગુલામોની માલિકી પણ રોમની જ ગણાય. આથી તેણે એ મૃત ગુલામોના શરીર પર પણ પોતાની સીલ લગાવડાવવાનું શરૂ કર્યું. ગુલામોની માલિકી રોમની, તો પછી તેમને મૃત બનાવનાર વાઘ રોમની માલિકીના જ ગણાય. એ રીતે, તમામ વાઘના શરીર પર પણ સીલ લગાવવામાં આવી.
હવે દરેક રોમનોએ માગણી કરી કે તેમને શરીરે પણ સીલ લગાવવામાં આવે. નીરોએ આ પ્રસ્તાવ નકારી કાઢ્યો. માત્ર આ જ કારણથી રોમના સાહિત્યકારો અને સામાન્યજન વચ્ચે કશો ફેર ન રહે એ ઠીક ન કહેવાય! અલબત્ત, ત્યારે તો નહીં, પણ થોડા સમય પછી રોમના નાગરિકોની ઈચ્છા પૂરી થઈ ખરી. રોમમાં પ્રચંડ આગ લાગી અને એમાં ફસાઈ જતા લોકો બળીને ભડથુ થવા લાગ્યા. નીરોએ આદેશ આપ્યો કે દરેક મૃતકના દેહ પર સીલ લગાવવી. સમગ્ર વિશ્વમાં ગર્વભેર કહી શકાશે કે રોમની આગમાં માર્યા ગયેલા મૃતકો બીજા કોઈ નહીં, પણ રોમન જ હતા. એ મુજબ, રોમની શાહી કચેરીના અમલદારો સીલ લઈને આગ લાગેલી વસતિમાં ફરતા રહ્યા. કેટલાક મૃતદેહો બળીને કોલસો થઈ ગયા હતા. તેમની પર સીલ પાડવા જતાં બળેલા કોલસાની જેમ જ એમાંથી રાખનો ભૂકો ખરતો. આમ છતાં, રોમન અમલદારોએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી. કેટલેક ઠેકાણે અમુક લોકો બળી ગયેલા, છતાં તેમનો શ્વાસ ચાલુ હતો. એ નાગરિકોએ અમલદારોને સીલ લગાવવા માટે વિનંતી કરી. રોમન નાગરિકોની વફાદારી જોઈને અમલદારોની આંખો ભિંજાઈ. પણ પોતે નિયમથી બંધાયેલા હતા. તેમણે કહ્યું, 'અમને ફક્ત મૃતદેહો પર જ સીલ લગાવવાનો હુકમ છે. પણ આપ ચિંતા ન કરો. અમે પાંચ-દસ મિનીટ ઉભા રહીશું. રાહ જોઈશું.' રોમના અમલદારોની ફરજપરસ્તી જોઈને રોમન નાગરિકોની આંખો પણ ભિંજાઈ. પણ તેમની આંખોમાં ધસી આવેલા પાણીનો પ્રવાહ એટલો મોટો નહોતો કે તેનાથી આગને બુઝાવી શકાય.
દિવસો સુધી ચાલેલી આગ આપમેળે શમ્યા પછી મૃતદેહોને એકઠા કરવાની કામગીરી ચાલી ત્યારે આ સીલ ઘણી મદદરૂપ બની રહી. સીલ ધરાવતા આ મૃતદેહો જોઈને એ એલાન ગર્વભેર કરી શકાય એમ હતું કે તેઓ રોમની ઐતિહાસિક આગમાં જ મૃત્યુ પામ્યા છે, નહીં કે કોઈ વિદેશી આક્રમણખોરના હુમલા વખતે પીછેહઠ કરીને.
સમ્રાટ નીરો અને તેમણે બનાવડાવેલી સીલ ગંભીર આપત્તિના કાળે કેવી કામમાં આવી એની યશોગાથા રોમના સાહિત્યકારો પછીનાં વરસોમાં ગાતા રહ્યા. આ સાહિત્યકારો રાજકચેરી સાથેના પોતાના સંબંધોનો ઉપયોગ કરીને એ સીલ પોતાના શરીર પર મરાવી આવ્યા હતા. સૌએ પોતપોતાની રુચિ અનુસાર પોતાના શરીરના પસંદગીના વિસ્તાર પર એ સીલ મરાવી હતી, પણ એટલું ધ્યાન રાખ્યું હતું કે સીલ ગમે ત્યાં મરાવેલી હોય,એ નજરે પડવી જોઈએ. રોમના સાહિત્યકારો સીધા, ટટ્ટાર ચાલી શકતા નહીં એની પાછળનું સાચું કારણ આ હતું.

(By clicking image, the URL will be reached) 

No comments:

Post a Comment