Sunday, May 16, 2021

વ્યાવસાયિક પ્રકાશનના ગૌરવાન્‍વિત છડીદારની વિદાય!

 ભગતભાઈ શેઠનું 15 મેના રોજ અવસાન થતાં પ્રકાશકોની એક આખી પેઢીનો જાણે કે અંત આવ્યો. આર.આર.શેઠની કંપની સાથે મારે એક લેખક તરીકે સંકળાવાનું બન્યું નથી, પણ ચારેક વર્ષથી પ્રકાશન જગતને લગતા (રજનીકુમાર પંડ્યા સાથેના) એક મહત્ત્વના કામ અંગે તેમના નિકટના સંપર્કમાં આવવાનું બનેલું. એ પછી ત્રણ-ચાર મહિને રૂબરૂ મુલાકાત અને ફોન પર વાતો પણ કામ સંદર્ભે થતી રહેતી. જરૂર મુજબ ઈ-મેલ વ્યવહાર પણ ખરો. તેમની સજ્જતા, ખંત અને પરખવૃત્તિ પહેલી મુલાકાતમાં જ ઉડીને આંખે વળગે એવી. વ્યાવસાયિક પ્રકાશનના તે ગૌરવાન્વિત છડીદાર હતા અને દૃઢપણે માનતા કે સંસ્થાકીય પ્રકાશકોની સરખામણીએ વ્યાવસાયિક પ્રકાશકો વધુ જોખમ ઉઠાવતા હોય છે. માત્ર સત્તર વર્ષની વયે પ્રકાશન વ્યવસાયમાં પ્રવેશનાર ભગતભાઈ આજીવન આ જ ક્ષેત્રે સમર્પિત રહ્યા.

તેમના પિતાજી ભૂરાલાલ રણછોડલાલ શેઠ ગાંધીવિચારથી પ્રભાવિત અને દેશની સ્વતંત્ર્ય ચળવળમાં સક્રિય હતા. ગાંધીજી સાથે યરવડા જેલમાં પણ રહી ચૂક્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી ગાંધીવિચારના પ્રસાર માટે તેઓ ગાંધીજીના ‘નવજીવન’ અખબારનું મુંબઈના બોરીબંદર પર વેચાણ કરતા. 1926માં તેમણે મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટમાં એક દુકાન ભાડે લઈને પુસ્તકો દ્વારા ગાંધીવિચારનો પ્રસાર થઈ શકે એ માટે પુસ્તકોના વિતરણનું કામ શરૂ કર્યું. 1942માં મુંબઈ પોર્ટમાં થયેલા ધડાકાને કારણે પરિવારને લઈને તેઓ સલામતીના કારણોસર વડોદરામાં સ્થાયી થયા. અહીં તેમનો પરિચય રમણલાલ વસંતલાલ દેસાઈ સાથે થયો. આ પરિચયને કારણે સાહિત્ય તેમજ ગુજરાતીમાં પુસ્તક પ્રકાશનના વિચારને વેગ મળ્યો. ‘વિરાટ પ્રકાશન મંદિર’ના નામે પ્રકાશન પ્રવૃત્તિનો આરંભ થયો અને ર.વ.દેસાઈનાં પુસ્તકોથી જ તેની શરૂઆત થઈ.
ગાંધીજીએ કાર્યકરોને અંતરિયાળ ગામડાંઓમાં જઈને થાણું બનાવવાની હાકલ કરી હતી. તેને પગલે ભૂરાલાલ શેઠ 1947માં ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલા સોનગઢ ગામે પહોંચ્યા. માંડ બે હજારની વસતિ ધરાવતા આ ગામમાં એમણે પ્રિન્ટીંગ પ્રેસ, બાઈન્ડીંગ સહિતની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી, જે ક્રાંતિકારી ગણાઈ હતી.
1956માં ભૂરાલાલ શેઠના ભાઈઓ પરસ્પર સંમતિથી અલગ થયા અને સંસ્થાનો સંપૂર્ણ વહીવટ ભૂરાલાલે એકલે હાથે સંભાળ્યો. પ્રકાશન, વેચાણવ્યવસ્થા, લેખકસંપર્ક ઉપરાંત મુંબઈ અને સોનગઢની ઓફિસોની વ્યવસ્થા તેમણે સક્ષમ રીતે સંભાળી. જો કે, 1959 માં ભૂરાલાલનું અને છ મહિના પછી તેમનાં પત્ની મંછાબેનનું અવસાન થયું અને સંસ્થાનું અસ્તિત્ત્વ જોખમમાં આવી પડ્યું.
આ દંપતિના એક માત્ર વારસ ભગતભાઈએ સંસ્થાનો વહીવટ સંભાળી લેવો પડે એવી સ્થિતિ ઉભી થઈ. ભગતભાઈની ઉંમર ત્યારે માત્ર સત્તર વર્ષની હતી. તેમણે માસા શામળદાસ મહેતા પાસેથી વહીવટ સંભાળ્યો. આરંભિક મુશ્કેલીઓ વટાવ્યા પછી બહુ ઝડપથી તેમણે આ વ્યવસાયમાં હથોટી કેળવી લીધી અને ઘણી પ્રતિષ્ઠા હાંસલ કરી.
ર.વ.દેસાઈ પછી અનેક પ્રતિષ્ઠિત ગણાતા લેખકો આ સંસ્થા સાથે સંકળાતા ગયા. ગુણવંતરાય આચાર્ય, ઈશ્વર પેટલીકર, પિતાંબર પટેલ, વિ.સ. ખાંડેકર, શયદા, ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, સુન્દરમ, સુંદરજી બેટાઈ, સારંગ બારોટ, વિઠ્ઠલ પંડ્યા તેમજ દક્ષિણામૂર્તિનું સંપૂર્ણ લેખક મંડળ શરૂઆતનાં વર્ષોમાં આ સંસ્થા સાથે સંકળાયેલું હતું.
આગળ જતાં ગુજરાતી સાહિત્યની ઓળખ કહી શકાય એવા અનેક લેખકો જોડાતા ગયા, જેમની નામાવલિ અહીં આપવી શક્ય નથી. સાથે સાથે બિનગુજરાતી તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણે પ્રતિષ્ઠિત લેખકોનું અનુવાદિત સાહિત્ય પણ આ સંસ્થા દ્વારા પ્રકાશિત થતું રહ્યું. રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત લેખક-લેખિકાઓનાં પુસ્તકોના અનુવાદ પણ આ સંસ્થાએ પ્રકાશિત કર્યા. આ પુસ્તકોએ ગુજરાતી પ્રકાશનોમાં ‘ગેમ ચેન્જર’ની ભૂમિકા અદા કરી છે, અને ગુજરાતી પ્રકાશનજગતની રૂખ બદલવામાં વિરાટ પ્રદાન કરેલું છે, એમ બહુ યોગ્ય રીતે, પૂરતી વિનમ્રતા સાથે, પણ તથ્યની રીતે ભગતભાઈ માનતા.
સારા લેખકોનાં નવાં નવાં વિષયનાં શ્રેષ્ઠ પુસ્તકો પસંદ કરીને પ્રકાશિત કરવાની સાથે સાથે તેના વેચાણ માટેનું માળખું પણ ઉભું કરવામાં આવ્યું. પ્રકાશન પ્રવૃત્તિમાં ઊંડો રસ હોવાને કારણે ભગતભાઈ અનેક સાહિત્યીક કાર્યક્રમો, ગોષ્ઠિઓમાં નિયમીત હાજરી આપતા. તેને કારણે ગુજરાતીના અનેક આદરણીય લેખકો સાથે તેમનો પરિચય થતો ગયો. પરિણામે ગુજરાતીના ઉત્તમ લેખકોએ પોતાનાં સંતાન સમાં પુસ્તકોને પ્રકાશિત કરવા માટે આ સંસ્થાને પસંદ કરી.
1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો અલગ થયાં ત્યારે ભગતભાઈએ જોયું કે ગુજરાતી પ્રકાશનમાં ટકી રહેવા માટે હવે ગુજરાતમાં સંસ્થાની શાખાનો આરંભ કરવો જરૂરી છે. આથી તેમણે 1965માં, પોતાની માત્ર 23 વર્ષની ઉંમરે દૂરંદેશીભર્યો નિર્ણય લીધો અને અમદાવાદમાં ગાંધી રોડ પર શાખાનો આરંભ કર્યો. આજે પણ આ સંસ્થાનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ ખાતે જ છે. બદલાતા જતા સમયને પારખીને તેઓ વાચકોની રસરુચિ પારખતા ગયા, વાચકો સાથે સતત સંવાદ જાળવતા ગયા અને એ મુજબ વિવિધ પુસ્તકો પ્રકાશિત કરતા ગયા. આમ છતાં, તેમની દૃષ્ટિએ એક સત્ય શાશ્વત રહ્યું છે કે વાચકોને સારાં પુસ્તકો વાંચવાની ઈચ્છા રહે જ છે.
આજ સુધીમાં આશરે સાત હજાર પુસ્તકો ટાઈટલ્સ પ્રકાશિત કરી ચૂકેલી આ સંસ્થા હાલ દર વર્ષે ત્રણસોથી વધુ પુસ્તકો પ્રકાશિત કરે છે.
આ સંસ્થા દ્વારા વખતોવખત વિવિધ યોજનાઓ ઘોષિત કરવામાં આવતી રહી છે, જેથી સારા વાંચનને પ્રોત્સાહન મળે. સ્વ. ભૂરાલાલ ર. શેઠ સ્મારક યોજના અંતર્ગત ગુજરાતી ભાષાનાં વિશિષ્ટ અપ્રાપ્ય ગ્રંથો તેમજ વિદ્વાન લેખકો દ્વારા લખાયેલાં કે સંપાદિત ગ્રંથો પડતર કિંમતે સુલભ કરી આપવાની યોજના છે. આ ઉપરાંત શ્રેષ્ઠ વાર્તાશ્રેણી, સમયનો સદુપયોગ શ્રેણી, ગાગરમાં સાગર શ્રેણી, અંગ્રેજી ભાષા શીખવાની શ્રેણી, કવિતા શ્રેણી, નાટ્ય શ્રેણી, ગુજરાતી સાહિત્યનો અમર વારસો શ્રેણી, સુખનવર શ્રેણી, ઉર્દૂ સુખનવર શ્રેણી જેવી વિશિષ્ટ શ્રેણીઓ પ્રકાશિત કરાતી રહી છે.
‘ઉદ્ગાર’ સામયિકનું પ્રકાશન ચાર ચાર દાયકાથી નિયમીત ધોરણે થઈ રહ્યું છે, જે સાહિત્ય અને સાહિત્યરસિકો વચ્ચેના સેતુની ગરજ સારે છે.
ભૂરાલાલ શેઠે આરંભ કર્યા પછી ભગતભાઈએ સંસ્થાને સંભાળી. ભગતભાઈના બન્ને પુત્રો- ચિંતનભાઈ વીસેક વર્ષથી તથા રત્નરાજ પંદરેક વર્ષથી સક્રિય છે. આમ, ત્રીજી પેઢીએ પણ આ વ્યવસાયને અપનાવીને તેને આગળ વધાર્યો.
કોવિડને કારણે ભગતભાઈ ઑફિસ જવાનું ટાળતા હતા. એ પહેલાં તે નિયમિતપણે ઑફિસે જતા. કોઈ પુસ્તકને આંખથી નજીક લાવીને ઝીણી નજરે પુસ્તક વાંચી રહેલા ભગતભાઈનું દૃશ્ય ઑફિસના મુલાકાતીઓ માટે સામાન્ય હતું. પાંચ-છ વર્ષ અગાઉ ઈન્દોર ખાતે યોજાયેલા જ્ઞાનસત્ર વેળા, એક સાચા જ્ઞાનપિપાસુની જેમ દરેક ગોષ્ઠિમાં હાજરી આપવા ઉપરાંત, એક સામાન્ય મુલાકાતીની જેમ બુફે માટેની લાઈનમાં ઉભા રહેતાં તેમને જોયા ત્યારે બહુ નવાઈ લાગેલી.
વ્યાવસાયિક પ્રકાશનના આ છડીદારને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

No comments:

Post a Comment