Tuesday, May 18, 2021

નીરો અને ધર્મગુરુઓ

પ્રાચીન રોમમાં બાર મુખ્ય દેવીદેવતાઓ હતા. રોમનો પોતાનાં દેવદેવીઓ બાબતે અત્યંત આસ્થાળુ હતા. એ સમયે હજી ખ્રિસ્તી ધર્મ નવોસવો અમલી બનેલો. રોમનો ખ્રિસ્તીધર્મીઓને તિરસ્કારની નજરે જોતા. ખુદ નીરો ખ્રિસ્તીઓને ધિક્કારતો. જો કે, નીરો પોતાની જાત સિવાય કોને પ્રેમ કરતો એ કહેવું મુશ્કેલ હતું.

પ્રત્યેક દેવદેવીઓના ફાંટાફિરકા અને એ દરેકનાં વિધિવિધાન હતાં. પોન્ટીફેક્સ તરીકે ઓળખાતા ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં, તેમના શુભ હસ્તે આ વિધિવિધાન સંપન્ન થતાં. આ પોન્ટીફેક્સનું ઠીકઠીક વર્ચસ્વ આસ્થાળુઓ પર રહેતું. લોકો પોતાનાં બાળકના નામ માટે રોમન કવિઓ કે લેખકોનો નહીં, પોન્ટીફેક્સનો સંપર્ક કરતા. ક્યારેક કોઈ ખ્રિસ્તીની હત્યા પોતાનાથી થઈ જાય તો તેનો આનંદ પણ સૌથી પહેલો પોન્ટીફેક્સ સમક્ષ વ્યક્ત કરવા અમુક રોમનો દોડી જતા. ઘણા રોમન સૈનિકો ઋજુહૃદયી હતા. ખરાખરીની લડાઈ ન થાય અને લોહી ન વહે તો તેમને કોઈનો જાન લીધાનો સંતોષ થતો નહીં. આથી તેઓ સાંકળથી હાથપગ બંધાયેલાં હોય એવા નિ:શસ્ત્ર ગુલામના હાથમાં ક્યારેક તલવાર પકડાવી દેતા અને તેને જાતે જ પોતાના શરીર પર ઘા મારવાનો હુકમ કરતા. આ રીતે ગુલામો ઘવાતા. લોહી વહેતું અને એ પછી પેલા સૈનિકો એ ગુલામને હણતા. સૈનિકોને ખ્યાલ હતો કે આ રીત યોગ્ય નથી, એમ તેઓ એ પણ જાણતા હતા કે આ ગુલામ આ જીવનમાં કદી પોતાની સામે લડી શકવાનો નથી. આવી કશ્મકશ પછી એ ગુલામનો જાન લીધા પછી તેમને અસુખ લાગતું. એવે વખતે પોન્ટીફેક્સ દર્શનશાસ્ત્ર અને રોમન પુરાણોમાંથી ઉદાહરણ ટાંકીને તેમના મનનું સમાધાન કરાવતા. ટૂંકમાં રોમના વિવિધ પ્રજાજનો પર વિવિધ પોન્ટીફેક્સનો પ્રભાવ રહેતો. રોમના શાસકો પણ પોન્ટીફેક્સનો આદર કરતા.


નીરો તમામ પોન્ટીફેક્સનો આદર કરતો. રોમન પરંપરા અનુસાર ઝૂકીને આદર આપવાનું તેને ફાવતું નહોતું, કેમ કે, પોતાનું પેટ આડે આવતું હતું. આથી નીરો તેમની મુઠ્ઠી સાથે પોતાની મુઠ્ઠી હળવેકથી ટકરાવતો. પોતપોતાના પોન્ટીફેક્સને મળતું આવું વિશેષ સન્માન જોઈને તેમના અનુયાયીઓ હરખાતા. ધીમે ધીમે આ અનુયાયીઓ પોતાના પોન્ટીફેક્સને ભગવાન સમકક્ષ ગણવા લાગ્યા.
વરસમાં ત્રણ-ચાર વખત નીરો તમામ પોન્ટીફેક્સને પોતાને ત્યાં ભોજન માટે નોંતરતો. આ મિલન સાવ અનૌપચારિક રહેતું. નીરો ઊંચા આસને બિરાજતો, જ્યારે પોન્ટીફેક્સ આરસની ભોંય પર ઊભા પગે બેસતા. ભોજન પહેલાં નીરો લાયરવાદન કરતો.
એક વખત નીરોએ પોન્ટીફેક્સને ભોજન માટે નોંતરેલા અને તે લાયરવાદન કરી રહ્યો હતો. નીરોએ અધવચ્ચે વાદન અટકાવ્યું અને ઊંચે જોઈને પૂછ્યું, ‘ભૂખ લાગી છે ને?’ શો જવાબ આપવો એની કોઈ પોન્ટીફેક્સને સમજ ન પડી. છેવટે એક જાડીયા પોન્ટીફેક્સે સહેજ ડરતાં ડરતાં ‘હા’ પાડી. નીરો નવાઈથી તેમની સામે જોઈ રહ્યો. તેણે પૂછ્યું, ‘મેં તમને ક્યાં પૂછ્યું છે?’ આમ કહીને નીરોએ તાળી પાડી. એ સાથે જ એક માણસ સાંકળે બાંધેલા વાઘને લઈને ખંડમાં આવ્યો. નીરોએ હસીને વાઘ તરફ આંગળી ચીંધી અને બોલ્યો, ‘હું આને પૂછતો હતો. ચાલો, તમે હવે ‘હા’ પાડી છે તો...’ પછી વાઘ તરફ ડોકું ફેરવીને કહ્યું, ‘આનો આજનો ટંક તો નીકળી જશે.’ આ સાંભળીને પેલા જાડીયા પોન્ટીફેક્સ ફસડાઈ પડ્યા. પછી તે ઊભા થયા અને દોડીને નીરોના પગ પકડવા લાગ્યા. પલાંઠી વાળીને બેઠેલા નીરોએ પલાંઠી ખોલીને પગ લાંબા કર્યા, જેથી પોન્ટીફેક્સને એ પકડવામાં સુવિધા રહે. નીરોના પગ પકડીને પોન્ટીફેક્સ કરગરવા લાગ્યા, ‘મારી ભૂલ થઈ ગઈ. મારો પરિવાર ભૂખે મરી જશે. મારા અનુયાયીઓનું શું થશે? રોમના જ નહીં, સમગ્ર વિશ્વના સમ્રાટ એવા હે નીરો! મને બચાવી લો.’

 

બાજુમાં પડેલા આરસના એક બાઉલમાંથી નીરોએ દ્રાક્ષ તોડી. એને દબાવી. એમાંથી પીચકારી છૂટી, જેની સેર પોન્ટીફેક્સના હોઠ પર પડી. નીરો એકદમ હસી પડ્યો અને બોલ્યો, ‘અરે! તમે તો ગંભીર થઈ ગયા. હું ગમ્મત કરતો હતો.’ હજી પેલા પોન્ટીફેક્સ કરગરી રહ્યા હતા. કેમે કરીને પગ છોડતા જ નહોતા. નીરોએ તેમને બેય હાથે ઊભા કર્યા અને કહ્યું, ‘પોન્ટીફેક્સ, એક વસ્તુ ધ્યાનમાં રાખવી. તમારા ધર્મસ્થાનોમાં ગમે એટલા કવિઓ-લેખકો ભેગા કરો અને કવિતા-કવિતા કે વાર્તા-વાર્તા રમો...પણ તમારા હોદ્દાનો ખ્યાલ રાખો, સમજ્યા ને? તમે એ બધાને એમ દ્રાક્ષનો આસવ પીવડાવવા નીકળી પડો એ ન ચાલે, સમજ્યા? તમે છેવટે મારા પ્રતિનિધિ છો.’ પોન્ટીફેક્સ હજી ધ્રુજી રહ્યા હતા. માંડ માંડ તે બોલી શક્યા, ‘મને મારી વિનમ્રતા આડે આવે છે. શું કરું? આપ જ સૂચવો.’ નીરોએ તેમનો ખભો થપથપાવ્યો અને માથે હાથ પસવારતાં કહ્યું, ‘અમારો આ અપોલો છે એને વિનમ્ર લોકો બહુ પસંદ છે. ખરું ને, અપોલો?’ પોન્ટીફેક્સ કશું સમજે એ પહેલાં વાઘની ત્રાડ તેમને કાને પડી. નીરોએ કહ્યું, ‘બોલો, પોન્ટીફેક્સ! ફાવી જશે ને?’ પોન્ટીફેક્સ બોલી ઉઠ્યા, ‘ફાવશે. ફાવી જશે. ફાવી ગયું. ’
બાકીના અગિયાર પોન્ટીફેક્સની જુબાન જાણે કે સિવાઈ ગઈ હતી. નીરો હવે એમની નજીક ગયો. તેમને સમૂહમાં ઉદ્દેશીને બોલ્યો, ‘પોન્ટીફેક્સ છો, તો પોન્ટીફેક્સની જેમ રહેજો. નાણાંકીય ગોલમાલ, યુવતીઓને ફોસલાવવી, વસૂલી, જમીન પર દબાણ, બનાવટી ઓસડિયાં....હું બેઠો છું ત્યાં સુધી આ બધું કરવાની તમારી હિંમત શી રીતે ચાલી? તમને મેં અહીં બેસાડ્યા છે શેના માટે? આ બધું મારી જાણબહાર કરવા માટે?’
પેલા અગિયારે જણાએ નકારમાં ડોકું ધુણાવ્યું. નીરો હસી પડ્યો અને કહે, ‘તમે તમારી ફરજ પણ ભૂલી ગયા. આ બધા માટે તો તમને બેસાડ્યા છે. પણ તમે મારાથી હિસાબ છુપાવો એ કેમ ચાલે? મને બતાવવાનો ચોપડો અલગ, અને તમારો ચોપડો અલગ! વાંધો નહીં.’ આમ કહી તેણે અપોલો સામે જોયું અને કહ્યું, ‘અપોલો, આજનો દિવસ બેઈમાન માણસોથી ચલાવી લે. છે તો પવિત્ર જ! આપણા પોન્ટીફેક્સ જ છે.’ અપોલોએ ત્રાડ પાડી. નીરોએ દૂરથી જ કહ્યું, ‘સારું, સારું. વિનમ્ર માણસ પણ આપીશ. પણ અહીં ગંદકી ન જોઈએ. જ્યુપીટર અને નેપચ્યૂનને પણ થઈ રહેશે.’
નીરો પોતાનું લાયર ત્યાં જ મૂકીને ખંડની બહાર નીકળી ગયો. એ રાતે નીરો ફક્ત દ્રાક્ષ ખાઈને સૂતો. બીજા દિવસે બાર પોન્ટીફેક્સની એકસામટી નવી નિમણૂંકની ઘોષણા કરવામાં આવી. રોમનોને પહેલાં નવાઈ લાગી, પણ ‘નીરો છે તો કંઈ પણ સંભવ છે’ એમ માનીને તેમણે આ ઘોષણાને દૈવી સંકેત ગણીને વધાવી લીધી.

(By clicking image, the URL will be reached) 

No comments:

Post a Comment