Wednesday, May 12, 2021

નીરો અને રમતો

 નીરો સત્તાની સીડી ચડ્યો એ સીડીના પ્રત્યેક પગથિયે તેના કોઈ ને કોઈ કુટુંબીજન-સ્વજનનો મૃતદેહ હતો. રોમના ઘણા સર્જકો રીતસર પડાપડી કરી મૂકતા કે આ પગથિયા પર પોતાનો વારો આવે. એ માટેની મુખ્ય લાયકાત નીરોના સંભવિત સ્પર્ધક હોવાની હતી, જેમાં આ સર્જકો ગેરલાયક ઠરતા હતા. કેટલાક સર્જકોએ તો પોતાની જનેતાને ઉદ્દેશીને ઉપાલંભકાવ્યો લખ્યા હતા કે તેણે પોતાને કેમ રાજવંશમાં જન્મ ન આપ્યો.

રોમના એક સર્જક આલ્બેનિયન ભાષાના નિષ્ણાત હતા. રોમના સૈન્યમાં નવજુવાન સૈનિકોની ભરતી કરવાની આવે ત્યારે આ સર્જકની સેવા લેવામાં આવતી. રોમના ચોકમાં યુવકોને એકઠા કરવામાં આવતા. એ પછી પેલા સર્જકને તેમની પર છોડી મૂકવામાં આવતા. આ સર્જક પહેલાં તો આલ્બેનિયન ભાષામાં વક્તવ્ય આપતા. એ પછી આલ્બેનિયન ભાષામાં પોતે લખેલાં દીર્ઘ કાવ્યોનો પાઠ કરતા. યુવકોમાં રીતસર નાસભાગ મચી જતી. એ વખતે ઘોષણા કરવામાં આવતી: 'રોમના ભાવિ સૈનિકો! તમે રોમન સૈન્યમાં જોડાઈ જાવ. ત્યાં તમારે કેવળ દુશ્મનનો ઘા જ ચૂકવવાનો રહેશે.' આ અપીલની જાદુઈ અસર થતી અને રોમન સૈન્યના સંખ્યાબળમાં દેખીતો વધારો થઈ જતો.
આ યુવા સૈનિકોને બરાબર તાલીમબદ્ધ કરવામાં આવતા. તેમને તાલીમ આપવાની રીત પણ આગવી હતી. કોલોઝિયમમાં એક વાર રોમના સ્થાપના દિન નિમિત્તે હજારો લોકો એકઠા થયેલા. રોમના શાહી પરિવારના લોકો ઉપસ્થિત હતા. પેલા રંગરૂટો પણ અહીં હાજર હતા. આગલી રાતે રંગરૂટોને તેમની કસોટી વિશે જણાવી દેવામાં આવેલું.
રેફરીએ જમણી આંખની પાંપણ સહેજ ઊંચી કરીને 'સ્ટાર્ટ'નો આદેશ આપ્યો. એ સાથે જ અચાનક દોડધામ મચી ગઈ. એકઠા થયેલા લોકોને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. રોમના લોકો એક બાબત જાણતા હતા કે પોતાને ન સમજાય એવું કશું બને ત્યારે બન્ને હાથે તાળીઓ પાડીને તેને વધાવી લેવાનું. આવી કોઈ પણ બાબત હોય તો એ નીરોનો 'એમ્પરર્સ બ્લો'(Emperor's Blow) ગણાતો, જેના રોમનો ચાહક જ નહીં, બલ્કે આદિ બની ચૂકેલા. આ નિયમ મુજબ, રોમનોએ ગગનભેદી હર્ષનાદ કર્યા.
ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થતું ગયું. કેટલાક લોકો પોતાનો જાન બચાવવા દોડી રહયા હતા. આ લોકો શાહી પરિવારના હતા. એક એક જણની પાછળ દસ દસ જણ દોડી રહ્યા હતા. પાછળ પડનાર કેટલાકના હાથમાં ખુલ્લી તલવાર પણ હતી, જેને તેઓ વીંઝતા હતા. જાન બચાવવા દોડનારનાં વસ્ત્રોના લીરેલીરા ઉડતા હતા. તલવારના લસરકા પણ તેમના શરીરે દેખાતા હતા. જો કે, રોમન પ્રેક્ષકોને જે જોવાની સૌથી વધુ મઝા આવતી હતી એ હતા તેમના ચહેરાના હાવભાવ. મોત નજર સામે ભાળનારનો ચહેરો કેવો થઈ જાય? આ હાવભાવ જોઈને રોમનોને 'પૈસા વસૂલ'ની લાગણી થતી હતી. અત્યાર સુધી ભૂખ્યા વાઘને ધરી દેવાતા ગુલામોનાં દૃશ્યો તેમણે જોયાં હતાં, પણ એમાં હવે ખાસ રોમાંચ નહોતો રહ્યો. તેને બદલે આ જીવસટોસટની દોડ જબ્બર રોમાંચકારી હતી.


નીરો એવો ક્રૂર નહોતો. એ કંઈ પોતાના પરિવારજનોને મારી નાંખવા નહોતો ઈચ્છતો. થોડા સમય પછી રેફરીએ બન્ને આંખો સહેજ વાર મીંચીને રમત બંધ કરવાનો આદેશ આપ્યો. એ સાથે જ પેલા પાછળ દોડનારા સૈનિકો શિસ્તબદ્ધ રીતે કતારબંધ ઉભા રહી ગયા. શાહી પરિવારના લોકો હજી દોડી રહ્યા હતા. એ જોઈને ઉપસ્થિત જનસમુદાયે નવેસરથી હર્ષનાદ કર્યા.
કહેવાય છે કે આ બનાવ પછી આ દોડમાં ભાગ લેનાર, શાહી પરિવારના એક વયસ્ક સભ્યનું આઘાતથી મૃત્યુ થયું. બીજા સભ્યોએ કાયમ માટે રોમ છોડીને બીજે વસવાટ કરવાનું નક્કી કર્યું. નીરોએ તેમને ખુશીખુશી એ સુવિધા પૂરી પાડી. જ્યુપિટર દેવતાના અવકાશી શરણમાં તેમના કાયમી નિવાસની વ્યવસ્થા કરી આપી અને રાજપરિવાર પ્રત્યે પોતાનું કર્તવ્ય બજાવ્યું.

(By clicking image, the URL can be reached) 

No comments:

Post a Comment