Sunday, April 10, 2022

હસતાં શીખીએ, હસાવતાં શીખીએ

(કાર્ટૂન ચીતરવાના માર્ગદર્શન અંગેની એક અનોખી શિબિરનો અહેવાલ)  


શાળા હોય એટલે વક્તવ્યના તેમજ અન્ય કાર્યક્રમો યોજાતા રહે એની નવાઈ નથી હોતી. આ કાર્યક્રમોમાં શક્ય હોય ત્યાં સુધી એકના એક પ્રકારના કાર્યક્રમનું પુનરાવર્તન ન થાય એ જોવાય છે. અલબત્ત, કોઈ સરકારી શાળામાં આવા કાર્યક્રમ યોજાય ત્યારે નવાઈ લાગે. એ સરકારી શાળા ખેડા જિલ્લાના ગુતાલ ગામની હોય ત્યારે ખાસ, કેમ કે, ગુતાલની ખ્યાતિ જરા જુદી રીતની છે.

આ શાળાના એક સન્નિષ્ઠ શિક્ષક અને મિત્ર પારસ દવે અહીં અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અનેક લેખકો-કવિઓને નિમંત્રીને વિદ્યાર્થીઓ સાથે તેમના સંવાદનું આયોજન તેઓ કરતા આવ્યા છે. એ મુજબ અમારી વાત થઈ ત્યારે અમે નક્કી કર્યું કે મારે આ શાળાનાં બાળકો સમક્ષ કાર્ટૂનકળાનો પરિચય આપવો. મૂળ વિચાર એ હતો કે વિદ્યાર્થીઓને કાર્ટૂન સૃષ્ટિની ઝાંખી કરાવવી. કોને ખબર, આમાંથી કોઈક ભવિષ્યમાં કાર્ટૂનિસ્ટ બનવાનું સપનું જુએ! એમ ન થાય અને તેઓ વિવિધ પ્રકારનાં કાર્ટૂન માણતા થાય તોય ઘણું.

એકાદ કલાકના એ કાર્યક્રમમાં કાર્ટૂન એટલે શું? તેને શી રીતે માણી શકાય? તેની સામાજિક/રાજકીય અસર વગેરે વિશે વાત કરવાનું ગોઠવાયું. 5 માર્ચ, 2021ના રોજ એ કાર્યક્રમ ગોઠવાયો, જેમાં મુખ્યત્વે માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓ સામેલ હતા. થોડાં સહેલાં, થોડાં અઘરાં એવાં વિવિધ કાર્ટૂનોનો સંચય કરીને પડદે તેમને બતાવવામાં આવ્યાં. ટી.વી.પરનાં એનિમેટેડ કાર્ટૂનોથી સૌ પરિચીત હતાં, પણ આ કાર્ટૂનોથી નહીં.

કાર્ટૂન વિશેનો પહેલી વારનો વાર્તાલાપ 

સાવ શબ્દ વિનાનાં, પહેલી નજરે ઊકેલવામાં વાર લાગે એવાં કાર્ટૂનોને આ વિદ્યાર્થીઓ જે રીતે ઊકેલી આપતાં હતાં એ જોઈને તેમના વિશે સાંભળેલી વાત સાચી હોવાનો અનુભવ થયો. અહીંના વિદ્યાર્થીઓની ગ્રામ્ય પૃષ્ઠભૂમિ, તેમનો દેખાવ અને તેમની બોલી થકી તેમને ઓછા આંકવા જેવા નથી. તેમનામાં જે જિજ્ઞાસા જોવા મળે છે, અને પોતાને થતો સવાલ જે બેધડકપણે રજૂ કરે છે એ જોઈને ખરેખર આનંદ થાય.

જો કે, સૌને એમ લાગ્યું કે આ તો તરસ્યાને કૂવા સુધી લાવવા જેટલું જ કામ થયું. પાણીનો સ્રોત મળ્યો, પણ તરસ છીપી નહીં, બલ્કે વધુ પ્રબળ બની. આથી બીજા કાર્યક્રમમાં વધુ સઘન અને કોઈ એક વિષયકેન્‍દ્રી કાર્ટૂન બતાવવા વિશે વાત થઈ.

એ પછી કોવિડની બીજી અને ખતરનાક લહેર આવી, જેમાં બધું ઠપ્પ થઈ ગયું. વર્ષની આખરમાં થોડી કળ વળવા લાગી એટલે ગોઠવાયો બીજી વારનો કાર્યક્રમ.

****

બીજી વારના કાર્યક્રમમાં વિષય રાખેલો વ્યંગ્યચિત્રોમાં ગાંધીજી’. પહેલી વાર એક શાળાનાં વિદ્યાર્થીઓ સમક્ષ 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમ કર્યો ત્યારે મને એમ લાગેલું કે વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ જરા ઉપલા સ્તરનો થઈ પડે છે. સીધેસીધાં ગાંધીજી વિષયક વિવિધ કાર્ટૂનો તેમને બતાવતાં અગાઉ કાર્ટૂનકળા વિશે પ્રાથમિક પરિચય આપવો જોઈએ એમ લાગ્યું. આ વખતે વિદ્યાર્થીઓ પણ નવા હતા. આ વખતે એવું રાખ્યું કે સૌ પ્રથમ પોણા કલાક જેટલા સમય માટે કાર્ટૂનકળાનો પ્રાથમિક પરિચય આપવો. એ પછી દસેક મિનીટનો બ્રેક રાખવો. ત્યાર પછી 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિશે વાત કરવી. 

'વ્યંગચિત્રોમાં ગાંધી' વિશે વાર્તાલાપ 

પચાસેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એક ખંડમાં હતાં. પડદા પર નવું કાર્ટૂન દેખાય એ સાથે ગૂંજતા અટ્ટહાસ્યના અવાજો સાંભળીને લાગ્યું કે કરેલી મહેનત એકદમ વસૂલ થઈ ગઈ. જે ઝડપે આ વિદ્યાર્થીઓ કાર્ટૂનને ઊકેલીને પ્રતિભાવ પાઠવતાં હતાં એ કારણે મને પણ કાર્ટૂનકળા વિશેની બીજી અનેક બાબતો યાદ આવવા લાગી અને તેમને એ કહેતો ગયો. આ શાળાના વિદ્યાર્થીઓનો અગાઉ  અનુભવ હતો આથી અહીં પ્રશ્નોત્તરી માટે પણ સમય રાખેલો. છૂટા પડતી વખતે પણ વિદ્યાર્થીઓ અનેક પ્રશ્નો પૂછતા હતા. આમ, એક જ શાળામાં, એક જ વર્ષમાં એક જ વિષય પરના બબ્બે કાર્યક્રમ યોજાયા. કદાચ બીજી કોઈ શાળા કે શિક્ષક હોત તો એને થાય કે બસ! બહુ થયું. એને બદલે કાર્ટૂનમાં વિદ્યાર્થીઓને પડતો રસ જોઈને પારસભાઈએ વધુ એક આયોજન સૂચવ્યું. એ આયોજન હતું કાર્ટૂન માટેની શિબિરનું. એટલે કે વિદ્યાર્થીઓને કાર્ટૂન ચીતરતાં શીખવવાનું.

****

અગાઉ 2 ડિસેમ્બર, 2021ના રોજ તરલાબહેન શાહના નિમંત્રણથી વનસ્થળીની મુલાકાત લીધી અને ત્યાંના બાળકો સમક્ષ કાર્ટૂનકળા વિશે રજૂઆત કરી એ વખતે આચાર્ય મનીષભાઈએ કાર્ટૂન ચીતરવા અંગેની શિબિર બાબતે વાત કરેલી. એ અગાઉ મને કદી આવો વિચાર આવ્યો નહોતો. હવે પારસભાઈએ પણ કાર્ટૂન ચીતરવા માટેની શિબિર વિશે વાત કરી એટલે એમાં શું શું અને કેવી રીતે હોવું જોઈએ એ વિશેની રૂપરેખા અમે વિચારી. 

અત્યાર સુધી કોઈકના દ્વારા ચીતરાયેલા કાર્ટૂનને માણવાની વાત હતી, તેને બદલે હવે જાતે જ કાર્ટૂન ચીતરવાનું હતું. આથી પહેલી તૈયારી તો મારે પોતાને જ કરવાની હતી. એ મુજબ મેં આ શિબિરના પોસ્ટરની સાથે મૂકવા માટે તેને અનુરૂપ એક કાર્ટૂન ચીતરીને મોકલ્યું.


કાર્ટૂન શિબિરની ઘોષણા 

 બીજા દિવસે પારસભાઈનું અને મારું પોતાનું એક કેરિકેચર ચીતરીને મોકલ્યું. જો કે, મારું પોતાનું કેરિકેચર બરાબર નહોતું, પણ મહાવરા માટે એ દોરેલું હોવાથી જેવું આવ્યું એવું મોકલ્યું.

પારસ દવેનું કેરિકેચર 

બીરેન કોઠારીનું કેરિકેચર 

આ પ્રકારની આ પહેલવહેલી હોવાથી શિબિરનો સમય ચારેક કલાકનો હોય તો એ પૂરતો થઈ પડે.

આમાં પહેલા એક કલાકમાં કાર્ટૂન ચીતરવા અંગે માર્ગદર્શન આપવું એમ નક્કી થયું. 

શિબિરના આરમ્ભે કાર્ટૂન દોરવા અંગે વાતચીત 

વિદ્યાર્થીઓને કાર્ટૂન દોરવા માટે બે કલાક આપવાના હતા, જેમાં તેમણે ઓછામાં ઓછા બે કાર્ટૂન ચીતરવાનાં હતાં. એ પૈકી એક કાર્ટૂન અને એક કેરિકેચર તેમણે બનાવવાનું હતું. આમ તો વિદ્યાર્થીઓ કોઈ પણ વિષય પર કાર્ટૂન બનાવવા માટે મુક્ત હતા, છતાં તેમને કંઈક દિશાસૂચન મળે એ માટે ત્યાં ને ત્યાં જ, સૌને પૂછીને પાંચેક વિષય નક્કી કર્યા. કેરિકેચર બાબતે પણ એમ જ કર્યું.

સર્વાનુમતે નક્કી થયેલા વિષય અને બે-ત્રણ કેરિકેચરનું નિદર્શન 

બધું મળીને વીસ-પચીસ વિદ્યાર્થીઓ ભાગ લેશે એવો અંદાજ હતો તેને બદલે પચાસેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હોંશેહોંશે જોડાયા. 

ભારતીબહેન ચૌહાણ પણ કાર્ટૂન ચીતરવા બેઠાં 

આ બે કલાક દરમિયાન કેવળ વિદ્યાર્થીઓ જ ચીતરવા બેસે એવું નહોતું. કામિની અને હું તો જાણે ચીતરવા બેઠા જ, પણ પારસભાઈ, અને શાળાની બે શિક્ષિકાઓ દીપિકાબહેન ચૌધરી અને મનીષાબહેન પરમાર સુદ્ધાં કાગળ પેન્‍સિલ લઈને બેઠા. સેવક ભાઈ રાકેશે સૌ વિદ્યાર્થીઓને કાગળ અને પેન્‍સિલ વહેંચેલા. એ કામ પતાવ્યા પછી તે પોતે પણ કાગળ અને પેન્‍સિલ લઈને ચીતરવા માટે ગોઠવાયા. ચોકીદાર ભાઈ રાજુ સતત સહયોગમાં રહ્યા. 

અગાઉ આ શાળાની મુલાકાતે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને તેમનાં પત્ની ભારતીબહેન આવેલાં. શાળાની પ્રવૃત્તિઓ જોઈને ભારતીબહેને પારસભાઈને જણાવેલું કે શાળાના કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં હાજરી આપતાં પોતે આનંદ અનુભવશે. એ મુજબ ભારતીબહેન કોઈ વી.આઈ.પી. તરીકે નહીં, કાર્યક્રમના એક હિસ્સેદાર તરીકે ઉપસ્થિત હતાં. તેમણે પણ કાગળ અને પેન્‍સિલ પકડીને ચીતરવાનું શરૂ કર્યું. નડિયાદના ખ્યાતનામ વકીલ સંતોષ દુબે આ શાળાના શુભેચ્છક છે. તે આ આખા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા. આમ, શાળામાં ઉપસ્થિત સહુ કોઈ કાર્ટૂન ચીતરી રહ્યું હોય એવો માહોલ થઈ ગયો અને ખરા અર્થમાં આ 'શિબિર' બની રહી. એવી શિબિર, જ્યાં કોઈ કોઈને કશું શીખવતું ન હોય, પણ સહુ એકબીજાનું કામ જુએ અને શીખવા પ્રયત્ન કરે. 


વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાયેલી કે તેઓ પોતપોતાના જૂથમાં બેસીને ચીતરી શકે, એકબીજાનું કામ જોઈ શકે, સૂચન આપી શકે અને નિયત સમયમર્યાદામાં પૂરું કરવાની ઉતાવળ ન કરે, કેમ કે, આ પરીક્ષાનું પેપર નથી. 

અમે લોકો પણ અમારું કામ કરતાં કરતાં વિદ્યાર્થીઓનું કામ જોવા ફરતા હતા. અમુક વિદ્યાર્થીઓએ કોઈક વર્ગખંડનો ખૂણો શોધેલો. એકાદ જૂથ પાછળ લીમડા નીચે ગોઠવાયેલું, તો બીજું જૂથ પાછલી દિવાલને ટેકે કામ કરતું હતું.

કાર્ટૂનની નીચે જમણે ખૂણે સૌને પોતાનું નામ અને તારીખ લખવા જણાવેલું.

મોટા ભાગના વિદ્યાર્થીઓએ બે કલાક પહેલાં પોતાનું કામ પૂરું કર્યું. એ પછી વારો હતો તમામ કાર્ટૂનોના પ્રદર્શનનો. શાળાના ચારેક બૉર્ડ પર દરેકે દરેક જણે ચીતરેલાં કાર્ટૂન લગાવી દેવામાં આવ્યાં. 





વિદ્યાર્થીઓએ ચીતરેલાં કાર્ટૂન અને કેરિકેચર 

શિક્ષક/શિક્ષિકા, અતિથિ, માર્ગદર્શકે ચીતરેલાં કાર્ટૂન 

એ પછી દરેક બોર્ડ પાસે જઈએ, દરેક જણ પોતાના કાર્ટૂન વિશે વાત કરે એવું આયોજન કરાયેલું. આ ભાગ કાર્યક્રમનો સૌથી મજેદાર હિસ્સો હતો. વિદ્યાર્થીસહજ ઘોંઘાટ તો હોય, પણ દરેક વિદ્યાર્થી પોતાના કાર્ટૂન વિશે જણાવે એ વાત જ બહુ મસ્ત હતી. 


પોતે ચીતરેલાં કાર્ટૂન વિશે વાત કરતા વિદ્યાર્થીઓ 
તેમના દિમાગમાં શું ચાલી રહ્યું હશે એનો આછેરો અણસાર તેમના આ કથનમાંથી મળતો હતો. હજી આ પહેલો પ્રયાસ હતો એટલે કામ શિખાઉ હશે, પણ પ્રયત્નો પૂરેપૂરા પ્રામાણિક હતા. કોને ખબર, આ રીતે બે-ચાર જણને પણ વ્યંગ્યના અસરકારક માધ્યમ જેવી કાર્ટૂનકળામાં રસ પડે! તેઓ ભલે કાર્ટૂન ચીતરતા થાય કે ન થાય, પણ વ્યંગ્યને માણતાં થાય તોય ઘણું! સબળ રમૂજવૃત્તિ જીવનની ભલભલી વિપરીતતાઓ સામે ટકી રહેવાનું બળ પૂરું પાડે છે એ હકીકત છે.

આવા મસ્ત આયોજન બદલ ગુતાલ માધ્યમિક શાળા સાથે સંકળાયેલા સહુ કોઈને અભિનંદન. આવાં આયોજનો આપણી આવડતની ધાર કાઢવાનો પણ મોકો પૂરો પાડતાં રહે છે.

**** 

શિબિરમાં વિદ્યાર્થીઓએ ચીતરેલાં કેટલાંક કાર્ટૂનો 


માસ્ક પહેરવાની ગણેશજીની મૂંઝવણ 

નિષ્ફળ ગયેલા એસ.એલ.વી.બાબતે 'અમૂલ' દ્વારા 
પોતાની જાહેરખબરમાં કરાયેલી ટીપ્પણીના 
સંદર્ભે કાર્ટૂન અને અબ્દુલ કલામનું કેરિકેચર 

સૂરજમુખી અને વૃક્ષ સંવાદ 

પારસસરે કહેલું કે આત્માનો 
અવાજ સાંભળો. એટલે 
વિદ્યાર્થી કહે છે- સર, 
કેટલા અવાજ સાંભળીએ? 

Saturday, April 9, 2022

કહાણી ક્રિકેટરની: ઈમરાન ખાન

 "મિયાં અસલમ બિનઅનુભવી હતા અને 1985ની ટેસ્ટ શ્રેણી દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ તેમને ખુલ્લેઆમ ભાંડતા. મહિના પછી વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી દરમિયાન પેશાવર ખાતેની ત્રીજી મેચમાં ફરી વખત તેમની નિમણૂક કરવામાં આવી. તેમણે લૅરી ગોમ્સને રનઆઉટ ઘોષિત કર્યો, જે ટેલિવિઝનના રિપ્લેમાં પુરવાર થયા મુજબ સાચો નિર્ણય હતો. આ નિર્ણય બદલ તેમને વેસ્ટ ઈન્ડીઝના એક ખેલાડી દ્વારા ભાંડવામાં આવ્યા, આથી તે એકદમ નર્વસ થઈ ગયા અને પરિણામે અમારી વિરુદ્ધમાં થોડા ખોટા નિર્ણયો આપ્યા. લંચ વખતે મેં મિયાં અસલમને કહ્યું કે એ ખેલાડીની ગેરવર્તણૂકની જાણ તેમણે વેસ્ટ ઈન્ડીયન મેનેજરને કરવી. તેમણે જણાવ્યું કે કોઈએ તેમને ભાંડ્યાબાડ્યા નથી. આ સાંભળીને આખી પાકિસ્તાની ટીમ ખડખડાટ હસી પડી, કેમ કે, સૌએ એ સાંભળેલું. એ ક્ષણે રફી નસીમ રૂમમાં આવ્યા અને મેં તેમને કહ્યું કે બૉર્ડે સક્ષમ અમ્પાયર તો કમ સે કમ નીમવા જોઈએ. તેમણે જવાબ આપ્યો, 'ઓકે, તારો પ્રિય અમ્પાયર કોણ છે?' તું કોને ઈચ્છે છે?' હું અકળાઈ ગયો. એ શ્રેણી સરભર હતી અને અમારી ટીમે સખત ઝઝૂમવું પડેલું. મિયાં અસલમના અમ્પાયરિંગ કે રફી નસીમના રમત પ્રત્યેના જડ વલણને લઈને મને ફિકર હતી. મેં તેમને રૂમ છોડીને ચાલ્યા જવા કહ્યું."

"કલાક પછી તે પાછા આવ્યા. ત્યાં સુધીમાં અમે બે વિકેટ ગુમાવી ચૂક્યા હતા અને હું પૅડ લગાવીને મારા વારા માટે તૈયાર થઈને બેઠો હતો. તેમણે તમામ ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં બોલાવ્યા, બારણું બંધ કર્યું અને માફી માગવા જણાવ્યું. તેમણે મને જણાવ્યું કે બીસીસીપી (બૉર્ડ ઑફ ક્રિકેટ કન્ટ્રોલ પાકિસ્તાન) ના અધિકારીઓ મન ફાવે એમ કરી શકે છે અને ડ્રેસિંગરૂમ એ કંઈ કેપ્ટનનું અધિકારક્ષેત્ર નથી. તેમણે મને કહ્યું કે મને 'મારા સ્થાને' મૂકી દેવામાં આવશે. મારી 'રાતની ગતિવિધિઓ' જાહેર કરી દેવાની તેમણે મને ચીમકી આપી. હું સ્તબ્ધ થઈ ગયો. મેચની તણાવગ્રસ્ત પરિસ્થિતિ સાથે આ માણસને કશી લેવાદેવા નહોતી. એ બહાર જાય એમ ન હતો એટલે હું જ બહાર નીકળી ગયો અને પેવિલિયનમાં જઈને બેઠો. બેટિંગ કરવાની મન:સ્થિતિમાં હું રહ્યો નહોતો. પછી મેં બીસીસીપીના પ્રમુખને આ બનાવ જણાવ્યો અને કહ્યું કે હું રાજીનામું આપવા ઈચ્છું છું. તેમણે મને ખાતરી આપી કે ફરી આવું નહીં થાય."
"આ જ શ્રેણી દરમિયાન બીસીસીપીના અન્ય એક અધિકારી પોતાના પુત્ર સાથે ડ્રેસિંગ રૂમમાં આવી ગયા અને પોતાના દીકરાની ઑટોગ્રાફ બુકમાં મને હસ્તાક્ષર આપવા જણાવ્યું. ટીમના અન્ય ખેલાડીઓના હસ્તાક્ષર પણ હું તેમના પુત્ર માટે ઉઘરાવી લાવું એમ તે ઈચ્છતા હતા. હું પૅડ લગાવીને બેટિંગ માટે તૈયાર બેઠો હતો એટલે મેં સહી કરી આપી, પણ બીજા કોઈના હસ્તાક્ષર માટે ઊભો ન થયો. ખેલાડીઓ સાથે તે ચપરાસી જેવો જ વ્યવહાર કરતા હતા, આથી તે બરાબર ગિન્નાયા. તેમણે ઈન્ક્વાયરી કમિટી સમક્ષ મારો રિપોર્ટ કર્યો."



[ઈમરાન ખાન, ઑલ રાઉન્ડર, પાકિસ્તાન ક્રિકેટ ટીમ, આત્મકથા 'All Round View'નો એક અંશ, પ્રકાશન: 1988]

Friday, April 8, 2022

કહાણી ક્રિકેટરની : સુનિલ ગાવસ્કર

(કેટલાક ક્રિકેટરોની આત્મકથાના ચૂંટેલા અંશ) 

"મુંબઈના અમારા વિસ્તારમાં બિલ્ડીંગનાં અલગ અલગ બ્લૉક વચ્ચે ટેનિસ બૉલની 'ટુર્નામેન્ટ' યોજાતી અને અમે સામસામી ટીમમાંથી રમતા એ વખતથી હું સુધીર નાઈકને જાણતો હતો. મને આંચકો લાગ્યો અને લાગ્યું કે આ કોઈ ગેરસમજનો મામલો છે. શું થયેલુંં એ મેં તેને પૂછ્યું નહોતું, પણ પછી તેણે મને આખી કથની જણાવેલી. એની નિર્દોષતા બાબતે મારા મનમાં સહેજ પણ શંકા નહોતી.

એ કમનસીબ સાંજે એ લંડનમાં ખરીદી માટે નીકળેલો, જ્યારે અમે કેટલાક લોકો ફિલ્મ જોવા ગયેલા. કેટલાક ખેલાડીઓએ થોડા અન્ડરવીયર, પ્રસાધનને અન્ય ચીજો લાવવા માટે તેને પૈસા આપી રાખેલા. ઑક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલા માર્ક્સ એન્ડ સ્પેન્સર ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તે ગયો એ અગાઉ તેણે એક બુટિકમાંથી સ્લેક્સની બે જોડ ખરીદેલી, અને હેન્ડલ ધરાવતી એક પેપર બેગમાં તેને લઈને ફરતો હતો. ત્યાંથી તે ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ગયો અને વીસેક જોડી મોજાં ખરીદ્યાં, તેને પેપર બેગમાં મૂક્યા અને તેનાં નાણાં ચૂકવવા માટે કાઉન્ટર પરની સેલ્સગર્લ પાસે ગયો. મોજાં તેણે સેલ્સગર્લને આપ્યા અને પૅક કરવા જણાવ્યું. અચાનક સુધીરને યાદ આવ્યું કે ચાર ખેલાડીઓએ પોતાના અન્ડરવીયર ખરીદવા માટે તેને કહેલું છે. એ ખરીદવા માટે તે બીજા કાઉન્ટર પર ગયો, અને એ ખરીદી લીધાં. કાઉન્ટર પરની સેલ્સગર્લે પેપર બેગમાં મૂકીને એ તેને આપ્યાં. માર્ક્સ એન્ડ સ્પેન્સરવાળા હેન્ડલવાળી પેપર બેગ નથી આપતા, આથી સુધીરે આ પેપર બેગને પોતાના બીજા હાથે પકડવી પડી અને તે મોજાંનાં નાણાં ચૂકવવા અને તેની ડિલીવરી લેવા માટે પાછો મૂળ કાઉન્ટર પર ગયો. પોતાના બન્ને હાથમાં તે સંભવત: પકડી નહીં શક્યો હોય એટલે તેણે મોજાંના પ્પાર્સલને પેપર બેગમાં મૂકવા વિનંતી કરી. આમ કરતી વખતે સેલ્સગર્લની નજર બુટિકમાંથી ખરીદેલા સ્લેક્સની નીચે મોજાંની જોડ પર પડી. સુધીરે મને કહ્યું કે પોતે જ્યારે શેલ્ફ પરથી મોજાં લીધાં ત્યારે તેણે બધા જ મોજાં સ્લેક્સની સાથે બેગમાં જ મૂકેલાં અને કેશ કાઉન્ટર પર તેનાં નાણાં ચૂકવવા માટે ગયો ત્યારે એને બહાર કાઢેલાં. આમ કરવામાં મોજાંની આ બે જોડ દેખીતી રીતે જ ટ્રાઉઝર્સની જોડની નીચે સરકી ગયેલી અને પોતાના ધ્યાને એ નહીં પડેલી. જે જોડીની 'ચોરી'નો તેના પર આક્ષેપ મૂકવામાં આવ્યો એ આ જ જોડી.
ગમે એ હોય, એ માનવું મુશ્કેલ છે કે કોઈ વ્યક્તિ મોજાંની વીસ જોડનાં નાણાં ચૂકવી દે અને બે જોડનાં ન ચૂકવે. ડિપાર્ટમેન્ટના સત્તાવાળા મક્કમ રહ્યા અને સુધીરનો ખુલાસો કાને ન ધર્યો. આ તબક્કે, મને લાગે છે કે સુધીરને ખોટી સલાહ આપવામાં આવી. મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લેવાનું તેને કહેવામાં આવ્યું, અને ખાતરી આપવામાં આવી કે મામલો ત્યાં જ પતી જશે અને તેની કોઈ પબ્લિસિટી નહીં કરવામાં આવે. તેણે પોતાની નિર્દોષતાનું ગાણું ગાયે રાખ્યું તો કેસ આગળ ચાલશે અને તેનો ખર્ચ કોણ ભોગવશે? સંબંધિત સહુ કોઈનો અભિગમ એવો હોવો જોઈતો હતો કે, 'તેલ લેવા જાય ખર્ચો. આપણે આગળ લડીશું અને કોઈ સારો વકીલ રોકીશું.' પણ સુધીરને વિચાર કરવાનો સુદ્ધાં મોકો આપવામાં ન આવ્યો અને ઉતાવળે તેણે ગુનો કબૂલી લીધો. આ ઘટના એવી કાળી ટીલી સમાન બની રહી જે કદી ભૂંંસી શકાઈ નહીં. આ પ્રકારના મામલે ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ સાથે ખેલાડી 'ચૂપ' રહેવાના કરાર પર સહી કરે છે એ તેને પાંગળો બનાવી દે છે. આમ, પ્રેસ સમક્ષ સુધીર કોઈ પણ રીતે હકીકત રજૂ કરી શક્યો નહીં. અલબત્ત, અખબારો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં હતાં. આનું પરિણામ એ આવ્યું કે ઈન્ગ્લેન્ડમાં કે ઘરઆંગણે તે લોકોના મનમાં રહેલી શંકાઓને નિર્મૂળ કરી શક્યો નહીં."

સુનિલ ગાવસ્કર 

સુધીર નાઈક 
(સુનિલ ગાવસ્કર, બૅટ્સમેન, ભારતીય ક્રિકેટ ટીમ, આત્મકથા 'Sunny Days'નો એક અંશ: પ્રથમ આવૃત્તિ: 1976)

Thursday, April 7, 2022

લેખન કારકિર્દીના સોળમા વર્ષમાં પ્રવેશ ટાણે

લેખકોની કારકિર્દી વિશે સામાન્ય રીતે લોકો ધારણા અને કલ્પનાથી વધુ કામ લેતા હોય છે. લખનારા તમામ લેખક ગણાય, પણ સૌનો લેખનપ્રકાર જુદો જુદો હોઈ શકે એ બાબતે બીજાઓ તો ઠીક, ખુદ લેખકો પણ સ્પષ્ટ નથી હોતા. પંદરેક વર્ષ અગાઉ, મારી બાવીસ વર્ષની પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રની કારકિર્દી છોડીને, 42ની વયે મેં લેખનને પૂર્ણ સમયના વ્યવસાય તરીકે અપનાવ્યું ત્યારે મારો મુખ્ય આશય ચરિત્રલેખન દ્વારા આજીવિકા રળવાનો હતો. આ નિર્ણયની પૃષ્ઠભૂમિ તરીકે રજનીકુમાર પંડ્યા સાથે પાંચેક વર્ષ આ પ્રકારનાં કામોમાં રહેલી મારી સક્રિય ભૂમિકા હતી. મારા એ પ્રકારના કૌશલ્યનું ઘડતર તેમણે કર્યું હતું. અલબત્ત, આ નિર્ણય લેવામાં પત્ની કામિની અને ભાઈ ઉર્વીશ તેમજ મમ્મી- પપ્પાનો પૂરો સહયોગ અને ટેકો ખરો જ.

આટલા વરસોમાં ચરિત્રલેખન થયું, એ પછી કટારલેખન તેમજ 'સાર્થક જલસો'ના સહસંપાદન સાથે પણ સંકળાવાનું બન્યું. વાંચન ચાલુ રહ્યું, પણ શોખ માટેનું વાંચન નહીંવત્ બનતું ગયું, અને તેનું સ્થાન કામ માટેના વાંચને લીધું.
પંદર વર્ષ એવો મુકામ છે કે જ્યાંથી પાછું વળીને સફરના આરમ્ભબિન્દુ તરફ નજર કરી શકાય અને ત્યારથી અત્યાર સુધીની સફરનો અંદાજ લગાવી શકાય! ચરિત્રલેખક તરીકે હું કેટલો સફળ રહ્યો એ નક્કી કરવા માટેનો કોઈ દેખીતો માપદંડ નથી, કેમ કે, એ પ્રકારે લખેલાં જૂજ પુસ્તકો વેચાણ માટે હોય છે. હા, અનુભવસમૃદ્ધ ઘણો થયો. અત્યાર સુધી મેં કરેલા કામથી મને પોતાને સંતોષ છે, એમ જેમના માટે મેં એ કામ કર્યું એમને પણ સંતોષ અને આનંદ હોય એમ જણાય છે.
એક પરિવર્તન આટલાં વરસોમાં એ આવતું જણાયું છે કે હવે ઘણા લોકો સ્વીકારતા થયા છે કે નાણાં ખર્ચીને જીવનચરિત્ર લખાવી શકાય. આમ છતાં, આ આખું ક્ષેત્ર એમના માટે અજાણ્યું છે, આથી તેમના મનમાં કેટલા નાણાં ખર્ચવા પડશે એનો અંદાજ હોતો નથી. મોટે ભાગે એમ પણ જોવા મળે છે કે પોતાને એક્ઝેક્ટલી શું લખાવવું છે એય ઓછા લોકો જાણતા હોય છે. આથી ચરિત્રકાર તરીકે તેમની સાથે કોઈ પણ તબક્કે વાતચીત થાય ત્યારે તેઓ માત્ર ને માત્ર પોતે કરવાના ખર્ચનો આંકડો જ જાણવા માંગે છે, જે કામના જથ્થાને જાણ્યા વિના જણાવવો અશક્ય છે. પ્રાથમિક પ્રશ્નોત્તરીના આધારે એ જણાવવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે એ આંકડાની સરખામણી તેઓ પોતાના મનમાં ધારેલા એક આંકડા સાથે કરે છે, જે મોટે ભાગે મેળ ખાતો નથી હોતો. આમ, શું અને કેટલું કામ કરવાનું છે એ જાણ્યા વિના માત્ર ને માત્ર ખર્ચના આંકડાને લઈને વાત આગળ વધતી અટકી જાય છે અથવા એમાં વિલમ્બ થાય છે.
ચરિત્રલેખન પુસ્તકાકારે કરવાનું હોય એ સામાન્ય રીતે લાંબા પટે ચાલનારું કામ છે, કેમ કે, તમામ વિગતો મેળવવાની હોય છે અને તેના માટે અનેક બેઠકો કરવી પડતી હોય છે. વિગતો મળ્યા પછી તેનું પ્રોસેસિંગ અને એ પછી લેખન. આ સમય માંગી લેતું કામ છે, જે શરૂ થયા પછી ચરિત્રનાયકને સમજાય, પણ એ પહેલાં ભાગ્યે જ સમજાય છે.
આ બધા અવરોધ છતાં કામ કરતી વખતે સાવ અજાણી વ્યક્તિના જીવનમાંથી પસાર થવાનું બને એ અનુભવ વિશિષ્ટ બની રહે છે. એટલા સમય પૂરતી એ વ્યક્તિ ચરિત્રકાર સાથે અનહદ ઘનિષ્ટતા અનુભવે એવું લગભગ સામાન્ય છે. એ વ્યક્તિનાં પરિવારજનો પણ આની અનુભૂતિ કરી શકે છે. અલબત્ત, એ ઘનિષ્ટતા ત્યારે જ ટકી રહે જો આખરી પરિણામ (પુસ્તક) સંતોષકારક આવે.
ચરિત્રલેખનને ઘણા લેખકો અંશકાલીન કામ તરીકે સ્વીકારે છે, પણ પૂર્ણ સમયના ચરિત્રકાર બનવાની તૈયારી ઓછા લોકોની હોય એમ જણાયું છે.
હું હજી આ ક્ષેત્રમાં સ્વેચ્છાએ ક્યાં સુધી સક્રિય રહીશ એ ખબર નથી. એવું કશું વિચાર્યું નથી. છતાં એમ ઈચ્છું ખરો કે આ ક્ષેત્રે સારું લખનારા ચરિત્રકાર તરીકે પૂર્ણ સમય માટે કામ કરતા થાય. સાથે એમ પણ ઈચ્છું કે ચરિત્રલેખન ન ફાવતું હોય તો એ લોકો મળે એ કામ લઈ લેવાને બદલે એ કામ પોતાને માટે નથી એમ સમજી-સ્વિકારીને એ કામ માટે કોઈ ચરિત્રકારનું નામ ચીંધતા થાય.

Wednesday, April 6, 2022

દસ કા દમ, કદમ બ કદમ!

શાળાકાળથી અમે કેટલાક મિત્રો સાથે હતા, અને અગિયારમા-બારમા ધોરણમાં આવ્યા ત્યારે અમને ભાન થયું કે આને તો આપણું 'ગૃપ' કહેવાય. અગિયારમા અને બારમા ધોરણમાં હતા એ દરમિયાન અમે માસિક પાંચ પાંચ રૂપિયા એકઠા કરીને એક લાયબ્રેરી શરૂ કરેલી, જેમાં વિવિધ મેગેઝીન અમે લાવતાં. મેગેઝીન લાવવાનું કામ મુખ્યત્વે પ્રદીપ પંડ્યા કરતો, કેમ કે, તેની અવરજવર અમદાવાદ રહેતી. અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આવેલા એ.એચ.વ્હીલરના સ્ટૉલવાળા 'કિશનકાકા' સાથે તેણે એ વ્યવસ્થા ગોઠવેલી. અમે એક રબર સ્ટેમ્પ પણ બનાવડાવેલો અને આપવું પડે એટલા માટે, ઝાઝો વિચાર કરીને 'ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ' નામ આપ્યું. રબર સ્ટેમ્પની જરૂરિયાત મુજબ વચ્ચે અંગ્રેજી પ્રથમાક્ષરો I.Y.C. લખ્યું. (એના વિશે થોડી વિગત ઉર્વીશે હમણાં જ એક પોસ્ટમાં લખી છે. https://urvishkothari-gujarati.blogspot.com/.../blog-post...) 1981માં અમે સૌએ બારમું ધોરણ પાસ કર્યું. જો કે, અમારામાંથી મનીષ શાહ (મંટુ) દસમા પછી ડિપ્લોમામાં ગયેલો, છતાં અમારા ગૃપનો જ એ સભ્ય હતો.

બારમા પછી એક પ્રદીપના અપવાદ સિવાય મોટા ભાગનાઓએ ડીપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવ્યો. એમાં અજય પરીખ, મયુર પટેલ, વિપુલ રાવલ, તુષાર પટેલ અને હું. મુકેશ પટેલ આઈ.ટી.આઈ.માં જોડાયેલો. વિજય પટેલ આમ પણ અમારાથી એક વરસ આગળ હતો અને એ બી.એસસી. કરતો હતો. પ્રદીપને બી.ઈ.માં પ્રવેશ મળેલો. ડિપ્લોમામાં ગયેલા એ સૌ 1984માં પાસ થયા અને બહુ ઝડપથી એક યા બીજા ઠેકાણે નોકરીએ લાગ્યા. એમાંના મોટા ભાગના એપ્રેન્ટીસ તરીકે જોડાયેલા. 1985માં સૌની નોકરી પાકી થઈ. એ સાથે જ અમે સૌ પ્રથમ વાર કશેક બહાર જવાનું વિચાર્યું. નડિયાદ કે અમદાવાદ ફિલ્મ જોવા જઈએ એ અલગ વાત છે, પણ અમે ભેગા ક્યાંય કોઈ દૂરના સ્થળે ગયા નહોતા. સર્વાનુમતે પસંદગી આબુ પર ઢળી, કેમ કે, હજી આર્થિક રીતે કંઈ બધા એવા સ્વનિર્ભર નહોતા.
માર્ચ, 1985માં અમે દસ જણ આબુ જવા નીકળ્યા. ત્યાં અમે કદાચ છથી સાત દિવસ રહેલા. બધાની ઉંમર 21-22ની આસપાસની. હજી વ્યક્તિત્વની સ્વતંત્ર ઓળખ બની નહોતી. એ પ્રવાસમાં એવા કોઈ સાહસ અમે નહોતા કર્યા, પણ આ રીતે ઘરની બહાર સૌ સાથે પહેલી વાર નીકળ્યા અને આટલું રહ્યા એને કારણે એ પ્રવાસ બહુ યાદગાર બની રહ્યો. એ પછી એવો પ્રવાસ, જેમાં બધા જ સામેલ હોય એવો યોજાયો નથી, એટલે પણ એનું વિશેષ મહત્ત્વ છે.
એ વખતે કદાચ મારી પાસે એક કેસેટ કેમેરા હતો, અને મયુર પાસે. ફોટા ખેંચવા મોંઘા હતા, તો પણ અમે અનેક ફોટા ખેંચ્યા. અમે રોજ સાંજે નખી તળાવ જતા. નખી તળાવ પર ફોટોગ્રાફરો પોતાનો કેમેરા લટકાવીને ફરતા હોય છે. અમારો દસે જણનો ફોટો અમારે લેવડાવવો હતો એટલે પ્રદીપે એક ફોટોગ્રાફર સાથે વાત કરી. કોણ જાણે કેમ, પણ પેલો ફોટોગ્રાફર પ્રદીપનો દોસ્ત બની ગયો અને નજીકના દોસ્તની જેમ એને 'લમ્બૂ' કહીને સંબોધવા લાગ્યો. અમે જેટલી વાર નખી તળાવ જઈએ એટલી વાર એને હાથ કરીએ અને પેલો 'લમ્બૂ'ને ખાસ સંબોધીને બોલાવે. એ સમયે રોલ ડેવલપ કરાવીને તેની પ્રિન્ટ કઢાવવામાં સમય જતો. અમારે જોતજોતાંમાં જવાનો દિવસ આવી ગયો અને પેલો ગૃપ ફોટો આવવામાં વાર લાગે એમ હતી. ફોટોગ્રાફરે કહ્યું કે એ 'લમ્બૂ'ને મોકલી આપશે. પ્રદીપે અમદાવાદ રહેતા પોતાના બાબુમામાનું સરનામું લખાવ્યું. અમે પૈસા તો આપી દીધા હતા, પણ પેલો ફોટો મોકલશે કે કેમ એ બાબતે અમે અવઢવમાં હતા.
થોડા જ સમયમાં બાબુમામાના સરનામે આબુથી એક એન્વેલપ આવ્યું. 

પ્રદીપના મામાના સરનામે આબુથી આવેલું એન્વેલપ

એમાં ફોટો તો હતો જ, સાથે 'પ્રિય મિત્ર લમ્બૂભાઈ'ને ઉદ્દેશીને લખાયેલો પત્ર પણ હતો. 
'પ્રિય મિત્ર લંબૂભાઈ'ને ઉદ્દેશીને લખાયેલો પત્ર

પ્રદીપને ત્યાર પહેલાં અને ત્યાર પછી કોઈએ આ સંબોધનથી બોલાવ્યો નથી.
આ આખા પ્રવાસમાં વિજયનો ફોટોપ્રેમ સૌએ પહેલવહેલી વાર જાણ્યો. વિજય કોઈ પણ સ્થળે ઊભો રહે, પોતાની ગરદન આસમાન તરફ કરે અને કહે, 'મારો અહીં ફોટો લઈ લે ને!' નખી તળાવમાં વચ્ચે એક નાના ટાપુ જેવું છે, ત્યાં કેટલાંક બતક ફરતા હોય છે. વિજયની ઈચ્છા આ બતક સાથે ફોટા પડાવવાની હતી. એટલે એ બતક પાસે જઈને ઊભો તો રહ્યો, પણ ગરદન આસમાન તરફ!
રોલ ધોવાઈને ફોટા આવી ગયા એટલે કદાચ કુતૂહલ ખાતર જ મેં એક કવાયત હાથ ધરી કે કોણ કેટલા ફોટામાં દેખાય છે. એ ચિઠ્ઠી નીચે મૂકેલી છે. વિજયનો સ્કોર એમાં સૌથી વધુ છે.
કુલ 70 ફોટામાં કોણે કેટલી વાર દેખા દીધી
 એના આંકડા

આ આબુપ્રવાસની મેં રોજનીશી પણ લખેલી. એ હજી સચવાયેલી છે. એનું એક પાનું પણ અહીં મૂક્યું છે.

આબુપ્રવાસની રોજનીશીનું એક પાનું

આબુપ્રવાસ પછી આશા તો એવી હતી કે આવા અનેક પ્રવાસ સાથે ખેડીશું, પણ એ શક્ય બન્યું નહીં. દસેદસ જણને એકસામટી અનુકૂળતા કદી ગોઠવાઈ નહીં. માથેરાનનો પ્રવાસ કર્યો એમાં પાંચ-છ જણ હતા. દસનો મેળ કદી પડ્યો નહીં. હવે તો સૌ અલગ અલગ ભૂખંડમાં સ્થાયી છે, અને મુકો તો સ્વર્ગલોકમાં, એટલે આ પ્રવાસનું અમારા સૌ માટે આગવું મહત્ત્વ છે.

દસની ટોળકી: (પાછલી હરોળ, ડાબેથી) હિમાંશુ, મુકેશ, અજય,
મયુર, વિપુલ (આગલી હરોળ, ડાબેથી) તુષાર, બીરેન, મનીષ,
વિજય અને પ્રદીપ (બે હરોળની વચ્ચે) 

Tuesday, April 5, 2022

જાહેરખબરમાં જમાનો (3)

(વિવિધ ઉત્પાદનોની, વિવિધ સમયગાળાની, વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત જાહેરખબરો અહીં સંકલિત કરીને મૂકેલી છે. સાથે જરૂર પૂરતી ટીપ્પણી પણ ખરી. આ જાહેરખબરોને જે તે જમાનાનું દર્પણ કહી શકાય એમ છે. )

વસ્ત્રો અહીં સિવડાવો 'રાજ'.

(1978 ની આ જાહેરખબરમાં જે ફેશનનાં નામ છે એ ખાસ જોવાં. આજે નવી ગણાતી ફેશન ક્યારની છે એ ખ્યાલ આવશે.)




**** 
આ એક્ઝેક્ટલી છે શું?



****
......એટલે જ હું હાથીને પાળતો નથી.


**** 

ઘણા વરસો પહેલાં મુકુલ ચોકસીની આ પંક્તિઓ વાંચેલી, તે યાદ આવી ગઈ.
કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !
મુકુલભાઈની કવિતા તો બરાબર, પણ પારલે ગ્લુકોની કવિતાય કમ નથી!


****
કુળદેવતાનું નામ કે અન્ય વિશેષ નામ તો સમજ્યા, પણ પોતાની પ્રોડક્ટનું નામ પ્રાણીના નામે રાખવાનો શો તર્ક? અને એ પણ એવું પ્રાણી જેને આખી વાત સાથે કશી લેવાદેવા નથી.
જેમ કે, ગાય છાપ બેસન.....


****
'આ પિસ્તોલનો દેખાવ જ એવો છે કે જે દુશ્મનની નજરે પડતાં જ તે નહાસભાગ કરે છે.'


****
સફેદ વસ્ત્રો પહેરનાર ઘણા લોકોનાં નામની પાછળ 'ટીનોપાલ' લગાડાતું હતું.


****
ચુંબકનો ચમત્કાર.


****

ફિલ્મી ગીતો નહોતાં એ જમાનામાં લોકો શું ગાતાં-વગાડતાં હશે?
એ સવાલનો કંઇક અંશે જવાબ.


****
મને એમ કે પિયાનો એટલે પિયાનો.
એના પણ આટલા બધા મોડેલ આવે છે એ નહોતી ખબર.


****
આ બ્રાન્ડનેમ ગમી ગયું.
આપણી વાર્તાઓના કોઈ પાત્ર પરથી આવું કોઈ ઉત્પાદન થયેલું ધ્યાનમાં ખરું?


****
આવું એલ્યુમિનિયમનું લન્ચ બોક્સ મેં વાપરેલું છે.


****
'રાઈટર' મહાશયો! એમ ન સમજતા કે આ બિસ્કીટ સારું લખી શકાય એ માટે છે. એના બનાવનારની અટક 'રાઈટર' છે.
વધુ એક સ્પષ્ટતા: ચિત્રમાં જે માથાના દુ:ખાવા માટેની ગોળીના આકારની ચીજ છે, એ બિસ્કીટનો ડબ્બો છે.

Monday, April 4, 2022

જાહેરખબરોમાં જમાનો (2)

(વિવિધ ઉત્પાદનોની, વિવિધ સમયગાળાની, વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત જાહેરખબરો અહીં સંકલિત કરીને મૂકેલી છે. સાથે જરૂર પૂરતી ટીપ્પણી પણ ખરી. આ જાહેરખબરોને જે તે જમાનાનું દર્પણ કહી શકાય એમ છે. )

છે તો આ એક વિદેશી બૂટની જાહેરખબર, પણ અહીં તેને જુદા હેતુસર મૂકી છે. તેમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ રમત બાળપણમાં ઘણા રમ્યા હશે. જો કે, અહીં જે રીતે પાછળથી આગળની તરફ છોકરો કૂદતો બતાવાયો છે, તેને બદલે આપણે અહીં બાજુ પરથી કૂદતા હતા.

આ રમતનું નામ શું? ખબર નથી, પણ કૂદતી વખતે એક શબ્દ બોલવાનો રહેતો. અમે 'સીન્ગલ હેન્ડલ', 'ડબલ હેન્ડલ' એમ બોલતા. ક્યારેક 'સોમવાર', 'મંગળવાર' એમ સાત વારનાં નામ વારાફરતી બોલતા. જેનો દાવ હોય એ છોકરો આ રીતે ઊભો હોય અને બધા વારાફરતી તેની પરથી કૂદે. એમ કરતાં કૂદનારના પગનો કોઈ ભાગ છોકરાના માથાને અડકી જાય તો એ આઉટ. માથું નમેલું રાખવાનું હોય, પણ અમુક ચબરાક છોકરાઓ કૂદનાર કૂદતો હોય એ વખતે જ પોતાનું માથું સહેજ ઊંચું કરી દેતા. એક વખત બધા કૂદી લે પછી નીચે નમેલો છોકરો પોતાની ઊંચાઈ સહેજ સહેજ વધારતો જાય અને 'રવિવાર' આવતાં સુધીમાં તો એ લગભગ ઊભો થઈ ગયો હોય.
'સોમવાર', 'મંગળવાર'ને બદલે ઘણા મજાકમાં 'સોમાકાકા', 'મંગળદાસ', 'બુધાકાકા' એમ પણ બોલતા. આ રમતમાં કૂદવા માટે વધુ ઊંચાઈની જરૂર ન પડે, પણ દોડતા આવીને નમેલા છોકરાની પીઠ પર બન્ને હથેળીનું વજન દઈને આસ્તેથી કૂદી જવામાં અમુક બટકા છોકરાઓ પણ ઊસ્તાદ હતા. સ્વાભાવિક છે કે આ રમત છોકરાઓ પૂરતી જ મર્યાદિત રહેતી.
મને લાગે છે કે ગામ, નગર કે શહેર- દરેકમાં આ રમત રમાતી હશે. પણ દરેક જગ્યાએ તેનું નામ અલગ હશે. અથવા તો કૂદતી વખતે કૂદનાર દ્વારા અલગ અલગ શબ્દો બોલાતા હશે.
એલ.પી.જી. પેઢીને આ રમતનો લાભ ભાગ્યે જ મળ્યો હશે, એમ લાગે છે. આ રમત રમી રમીને મોટા થયા પછી પિતા બનેલાઓ આ રમત પોતાનાં સંતાનોને રમવા દેતા નથી. રખે ને પોતાના છોકરાનું માથુંબાથું ક્યાંક ફૂટી જાય તો! કોઈક એની ગરદન પર વધુ પડતું જોર આપી દે તો!


****
સતયુગ કે કળયુગ જેવું કશું હોય છે કે નહીં એની ખબર નથી. પણ સામાન્ય સમજણ, રમૂજવૃત્તિ કે મૂળભૂત માનવીય મૂલ્યોનું સરેરાશ સ્તર નીચું જતું લાગે અને તેના માટે કોઈ ફિકર તો ઠીક, એવું ભાન પણ ન પડે, અને ઉપરથી એ બદલ ગૌરવ અનુભવવામાં આવે ત્યારે ઘણાને કળયુગ બેઠેલો લાગે તો નવાઈ નહીં. જો કે, આવી લાગણી મોટે ભાગે બેય પક્ષે હોય તો નવાઈ નહીં.
આ ચર્ચાનો અર્થ નથી, પણ મને લાગે છે કે કોઈ હાસ્યલેખમાંની અત્યંત વાઈલ્ડ રમૂજ કે કાર્ટૂનમાં દર્શાવાયેલી અશક્યવત્ પરિસ્થિતિ વાસ્તવિકતા બનીને આવે અને એનો કોઈને અહેસાસ સુદ્ધાં ન થાય ત્યારે જે થાય એ શું? આપણે એડ ફીશર/Ed Fischerનું કાર્ટૂન જોઈને આંસુ સારવા કે અક્ષયકુમારને ચમકાવતી જાહેરખબર જોઈને દાંત કાઢવા એ જ ન સમજાય!




****
ફૂટબૉલ સ્ટાર મારાડોના (કે જે ઉચ્ચાર થતો હોય એ)ને અમૂલની એડમાં જે તે સમયે આ રીતે સ્થાન અપાયેલું. ઉર્વીશ ત્યારે અમદાવાદ કૉલેજમાં જતો અને ચાલુ બસે નહેરુ બ્રીજ પર મૂકાયેલું 'અમૂલ'નું હોર્ડિંગ વાંચી લેતો. આ કારણે કેટલાંક લખાણો 'સમજવા' માટે અમારે ખાસી માથાકૂટ કરવી પડતી. અહીં આપેલું 'મેથ્યુઝ'વાળું લખાણ એવું જ છે. એ પછી અમે સૌ પહેલાં ડૉ. કુરિયનને આ પ્રકારની જાહેરખબર બાબતે અભિનંદન પાઠવતો પત્ર લખીને એ કોણ બનાવે છે એ પૂછાવેલું.
ડૉ. કુરિયને અમને જવાબ તો આપ્યો, સાથે અમારા પત્રની એક નકલ ભરત દાભોલકરને પણ મોકલી આપી, જે ત્યારે 'અમૂલ'ની એડ માટેનાં આવાં કેપ્શન બનાવતા હતા. એટલે થોડા સમય પછી ભરત દાભોલકરનો પણ જવાબ અમને મળ્યો.
મારાડોનાના અવસાનના સમાચાર નિમિત્તે દાભોલકરની એ એડ તાજી થઈ આવી.



**** 
ખોવાઈ છે. પત્તો આપનારે ઈનામ આપવાનું રહેશે.

માત્ર બે રૂપિયાની કિંમતની આ ‘કોલ્ડ સ્ટાર’ પીપરમીન્ટ - અને એમાં પણ રોઝ ફ્લેવરની, એટલે દિવ્યતા. માનવામાં ન આવે કે બે જ રૂપિયામાં આવો દિવ્ય અનુભવ થઈ શકે. મુંબઈ જાઉં ત્યારે મોટે ભાગે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનેથી આવાં પંદર-વીસ પેકેટ લઈ લઉં. રોઝ સિવાયની સાદી આવે છે, એ પણ અદભુત છે.
છેલ્લા થોડા સમયથી તે દેખાતી બંધ થઈ ગઈ છે. તેને વેચનારા ફેરીયાઓ કહે છે, ‘ક્યા કરેં સા’બ, માલ હી નહીં આતા હૈ!’ મને ખાતરી છે કે મારી જેમ તેના અનેક પ્રેમીઓ હશે. કોઈ આનો પત્તો આપી શકે? ‘વૉલ્ગા કન્ફેક્શનરીઝ, બોમ્બે- 11’ જેટલું જ સરનામું ધરાવતી આ કંપનીની પ્રોડક્ટનું શું થયું હશે? આની જાહેરખબર કદી જોઈ નથી, તેથી જ કદાચ બે રૂપિયા જેવી મામૂલી કિંમતે એ વેચાતી હશે.
તેમાં વપરાતાં રસાયણો અને તેના લાભાલાભની ચર્ચાને અવકાશ નથી. આની છેલ્લી ખરીદી 2015ની આસપાસ કરી હતી.



**** 
"દીકરીને ઘેર જવા દે,
રસપુરી ખાવા દે,
તાજીમાજી થવા દે,
પછી મને ખાજે."
દીકરીને ઘેર જતી ડોશીને રસ્તે મળતાં વાઘ-સિંહ-દીપડા જેવાં જંગલી પશુઓને ડોશી દ્વારા અપાયેલા આ વાયદાની વાર્તા સૌને ખબર છે. આ વાર્તા એક ચોક્કસ સંદર્ભે યાદ આવી ગઈ.
1970 ના દશકના અંત અને '80 ના દશકના આરંભ સુધીમાં વી.સી.આર. બહુ સામાન્ય બનવા લાગ્યા હતા. સાધનસંપન્ન લોકો વી.સી.આર. વસાવતા, અને જેને તે વસાવવો પોષાય એમ ન હોય તે ભાડે લાવતા. ભાડું દિવસે કલાક મુજબ અને સાંજે લાવીએ તો આખી રાતનું ગણાતું. કોઈક દિનવિશેષ હોય ત્યારે વી.સી.આર. પર ફિલ્મો જોવાના પ્રોગ્રામ ઘડાતા. પૈસા વસૂલ થાય એ માટે આઠ-દસથી લઈને પચીસ-ત્રીસ લોકોનો સમૂહ એકઠો કરાતો.
નાનાં ગામમાં એક તો વી.સી.આર. ભાડે આપનાર ઓછા હોય, અને એમાંય આવા કોઈ વિશેષ દિવસે રીતસરની પડાપડી થતી હોય. એવે સમયે વી.સી.આર. ભાડે આપનારનો પણ દબદબો કંઈક અલગ જ રહેતો. ગમે તેની સાથે રુક્ષ વર્તન કરવાનું લાયસન્સ તેને મળી જતું.
આ પોસ્ટ લખતી વખતે એવી કલ્પના આવી કે ધારો કે, કોઈક વી.સી.આર. ભાડે લેવા ગયો અને તેને વી.સી.આર.વાળાએ ખરીખોટી સુણાવી. ત્યારે ભાડે લેવા જનારે મનોમન કહ્યું હશે, 'બેટમજી, તારી પાસે આ ડોઘલું છે એટલે તને લોકો પૂછે છે. બાકી તારી હેસિયત શી?' પછી મનમાં નક્કી કર્યું હશે, 'નોકરીબોકરી મળવા દે, પહેલું બોનસ આવવા દે, વી.સી.આર. લાવવા દે, પછી તું જોજે.'
પણ અફસોસ! ઘણાનું આ સપનું સાકાર થઈ ન શક્યું. કેમ કે, નોકરી મળે, પહેલું બોનસ હાથમાં આવે ત્યારે વી.સી.આર.ની પ્રજાતિ જ સમૂળગી લુપ્ત થઈ ગયેલી. એટલે પહેલું બોનસ હાથમાં આવે ત્યારે દીકરીને ત્યાંથી પાછા વળતાં ભંભોટિયામાં બેઠેલી ડોશીની શૈલીમાં કહેવું પડે, 'કિસકા વી.સી.આર., કિસકા કામ,ચલ ભંભોટિયા અપને ગામ.'
ટિડીંગ.
કથાસાર એટલો કે 'પંચ'ના 1984ના અંકમાં છપાયેલી વી.સી.આર.ની આ જાહેરખબર જોઈને કોણ જાણે કેમ ડોશીની વાત યાદ આવી ગઈ. એ બંધબેસતી છે કે કેમ, એ ખબર નહોતી, એટલે ગમે એમ કરીને એનો મેળ બેસાડ્યો છે. તમને લાગે કે બંધબેસતી છે તો, 'બીરેનના બ્લૉગે જવા દે, શું મૂક્યું એ જોવા દે, વાંચવા જેવું લાગે તો, પછી એને વાંચજે' કહીને આનંદ લેજો. અને એમ લાગે કે વાર્તાનો ક્યાંય મેળ બેસતો નથી, તો પછી, 'ચલ ભંભોટિયા અપને ગામ...' કહીને આનંદ લેજો.
કથાસારનો સાર એટલો કે આનંદ લેવો.