ચાઉમાઉને ચીનાઓ બહુ પ્રેમ કરતા. એ હદે કે ઠેરઠેર તેઓ ચાઉમાઉનાં ચિત્રો મૂકતાં. આને લઈને ચીનમાં આવતા વિદેશી પ્રવાસીઓને લાગતું કે ચાઉમાઉ ખુદ પોતાની જાતના પ્રેમમાં છે અને એ જ બધે પોતાનાં ચિત્રો મૂકાવે છે. ચાઉમાઉને ઘણી વાર લાગતું કે પ્રજાનો આટલો બધો પ્રેમ સારો નહીં! પણ કરવું શું? ચાઉમાઉનો વિકલ્પ હજી શોધાયો નહોતો.
ચીનાઓ બિચારા ભોળા હતા એટલે એમને કંઈ એવું ભાન ન હોય કે ચાઉમાઉનાં ચિત્રો ક્યાં મૂકાય અને ક્યાં ન મૂકાય! એટલે જાહેર સ્થાનો પર તો ઠીક, ઘરમાં પણ દીવાલો પર, સૂપના બાઉલ પર, ચોપસ્ટીક પર, નેનચાકુ પર, ધાબળા, ચાદર કે ઓશિકાનાં કવર પર એમ વિવિધ જગ્યા કે વસ્તુઓ પર ચાઉમાઉનાં ચિત્રો જોવા મળતાં.
ચિત્રો મૂકાવાનું કારણ એ હતું કે ચીનમાં હજી છબિકળા પ્રવેશી નહોતી. અલબત્ત, સમસ્ત વિશ્વને છબિકળાની ભેટ ચીને જ આપેલી. ખરું જોતાં, વિશ્વની પ્રત્યેક શોધ સૌથી પહેલી ચીનમાં જ થયેલી, પણ પછી વિદેશી આક્રમણખોરો એ બધું તફડાવી ગયેલા. એટલે ચીનમાં કશું રહેલું નહીં. આથી વર્તમાન સમયમાં બિચારા ચીનાઓએ વિદેશ પર આધાર રાખવો પડતો. ચાઉમાઉએ એક વિભાગ જ અલાયદો રાખેલો કે જેનું કામ હતું વિશ્વની કઈ શોધ ચીનમાં નથી થઈ એ શોધવું. આ વિભાગના કર્મચારીઓ પાસે કશું કામ જ નહોતું. ટૂંકમાં, ચાઉમાઉની છબિઓને બદલે ચિત્રો ચલણમાં હતાં એનું કારણ આ હતું.
એમ તો, ચીનમાં હજી શૌચાલય પણ ચલણમાં નહોતાં આવ્યાં. શૌચાલય માટે ચીનાઓ પ્રાકૃતિક વાતાવરણનો ઉપયોગ કરતા. તેઓ વાંસના ડબલામાં પાણી લઈને નીકળતા. આ ડબલા પર ચાઉમાઉનું ચિત્ર હોય એ સ્વાભાવિક ગણાય, પણ કેટલાક વિજ્ઞાનીઓએ એવી શોધ કરેલી કે ડબલાની અંદર રહેલા પાણીમાં પણ ચાઉમાઉનો ચહેરો દેખાય. એ પાણી જે કામ માટે ડબલામાંથી બહાર કઢાય ત્યારે જમીન પર પડતાં પણ એમાંથી ચાઉમાઉના ચહેરાની આકૃતિ બનતી. આટલું ઓછું હોય એમ ચીનાઓ દ્વારા કરાતા ઉત્સર્ગ થકી પણ ચાઉમાઉની આકૃતિ બનતી.
હાઉવાઉને આ બધું ગમતું નહીં. આથી તેણે એક વાર ચાઉમાઉને કહ્યું, "સમ્રાટ, જુઓ, આપ ડ્રેગન ફ્રૂટ કાપીને ખાવ કે ચૂસીને, એનો વાંધો નથી. પણ આપણા લોકો આમ જ્યાં ને ત્યાં તમારાં ચિત્રો મૂકે એ યોગ્ય ન કહેવાય." ચાઉમાઉ હસીને કહે, "એમાં તમને શું પેટમાં દુ:ખ્યું? પ્રજાનો આવો પ્રેમ પામવા માટે પણ લાયકાત જોઈએ. મને લાગે છે કે મારો જનમ એના માટે જ થયો છે. ઈન ફેક્ટ, મારો જનમ નથી, અવતાર છે. યુ નો, અવતાર!" હાઉવાઉ સમજી ગયો કે મહારાજ હવે સાચું અંગ્રેજી બોલવા પર ચડી ગયા છે એટલે ગમ્મતના મૂડમાં છે. તેણે હળવેકથી કહ્યું, "મહારાજ, આપ અત્યારે 'પાન્ડા કી લાદ' કાર્યક્રમમાં નથી બોલી રહ્યા. મારી સાથે વાત કરી રહ્યા છો." ચાઉમાઉએ સહેજ અકળાઈને કહ્યું, "એમ? તો દીવાન તરીકે તમારી એ ફરજ બને છે કે મને જાણ કરવી. દીવાન છો કે કોણ છો?" હાઉવાઉ બોલ્યો, "દીવાન જ છું. પણ તમારો પગાર નથી ખાતો. આપણે ભેગા મળીને જનતાનું સહિયારું ખાઈએ છીએ."
ચાઉમાઉ કહે, "સોરી, આઈ ગૉટ અ બીટ ઈમોશનલ. તમે ઈચ્છો છો શું એ કહો ને!" હાઉવાઉ કહે, 'લોકો તમારા એકલાનું જ ચિત્ર બધે મૂકે છે. તો પાછળ મારુંય ચિત્ર મૂકે એવું કંઈક કરો ને!" ચાઉમાઉ કહે, "ઠીક છે. તમારે જ આદેશનો અમલ કરાવવાનો છે. તમને ઠીક લાગે એ રીતે કરાવી દેજો."
ચીની ચિત્રકારો કાબેલ હતા. હવે પછી ચીનમાં દરેક ચીજો પર ચાઉમાઉ અને હાઉવાઉ બન્નેના ચિત્રો મૂકાવા લાગ્યાંં. અલબત્ત, ચાઉમાઉનું ચિત્ર આગળ અને મોટું, અને હાઉવાઉનું ચિત્ર પાછળ અને સહેજ નાનું.
હાઉવાઉ ખુશ થયો. ચાઉમાઉ તો ખુશ હતો જ. આ બન્ને ખુશ હોય તો ચીનાઓને કયું દુ:ખ હતું! ચાઉમાઉના રાજમાં એમને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)
No comments:
Post a Comment