ચાઉમાઉના રાજમાં વિવિધ કળાકૌશલ્યમાં નિષ્ણાત કલાકારો હતા, અને તેમને રાજ્યાશ્રય પણ મળતો. આને કારણે રોજબરોજના જીવનમાં સામાન્ય મનાતાં ઘણાં કળાકૌશલ્યો ચીનમાં વિકસ્યાં હતાં. અનેક ચીની શાહુકારો બૅન્કો ધરાવતા હતા અને તેઓ જરૂરતમંદોને નાણાં ધીરતા. ધીરેલાં નાણાં પર વ્યાજની ગણતરી બાબતે ચીની શાહુકારો બહાર પાડે એ જ આંકડો અંતિમ ગણાતો. આ કૌશલ્યને રાજ્યાશ્રય મળેલો. સમાંતરે બીજું એક કૌશલ્ય પણ રાજ્યાશ્રયે ફૂલ્યુંફાલ્યું હતું. કેટલાય ઉસ્તાદ કલાકારો ચીની શાહુકારો પાસેથી નાણાં ઊછીના લેતા, અને એ પછી તેઓ ફુર્રર્ર કરતાકને ઊડીને વિદેશમાં સ્થાયી થઈ જતા. તેમને પણ રાજ્યાશ્રય મળતો. ચીની શાહુકાર બિચારા ફરિયાદ કરે તો કોને કરે? કેમ કે, તેઓ વિદેશમાં જઈને આવું જ કરીને ચીનમાં રાજ્યાશ્રય પામીને સ્થાયી થયા હતા. ચાઉમાઉના શૈક્ષણિક અનીતિના સલાહકારોએ ચાઉમાઉને અનેક વાર સલાહ આપી કે આવાં કૌશલ્યોનો યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવેશ થઈ જાય તો રાજ્યની તિજોરી પરનો બોજ ઘટી શકે. ચાઉમાઉએ તેમને ચેતવતાં જણાવ્યું કે સલાહકારોએ શૈક્ષણિક અનીતિ બાબતે જ સલાહ આપવી, તિજોરી કે અન્ય બાબતોમાં માથું મારવું નહીં. સલાહકારો કહ્યાગરા અને સમજુ હતા. ચાઉમાઉ ઉપરાંત પોતાના જીવનને પણ તેઓ ચાહતા. આથી તેમણે ચાઉમાઉની ચેતવણીનો અમલ કર્યો.
ચીનનો વિસ્તાર ઘણો વિશાળ હતો. તે વિવિધ પ્રાંતમાં વિભાજીત હતું. એ દરેક પ્રાંતમાં સુચારુ વહીવટ માટે સૂબેદારની નિમણૂક ચાઉમાઉ પોતે જ કરતો. આને કારણે ચીનમાં કાષ્ઠકામ કરતા કારીગરોને રોજગારી મળતી. કારણ એ કે આ સૂબેદારો તરીકે કઠપૂતળી રહેતી, જેનું ખુરશીના પાયા પાસે સ્થાપન કરાતું. ખુરશી પર ચાઉમાઉની મોજડી નહીં, પણ તેના પંજાના માપનું પૂંઠાનું કટઆઉટ રહેતું. આ કઠપૂતળીઓને અગ્નિ બાળી શકતો નહીં, પાણી ભીંજવી શકતું નહીં, કે શસ્ત્રોથી તે છેદાઈ શકતી નહીં, કેમ કે, કઠપૂતળીઓને બાળી, ભીંજવી કે છેદીને કરવાનું શું? ક્યારેક જે તે પ્રાંતમાં કશી ગંભીર દુર્ઘટના થાય ત્યારે જ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કઠપૂતળીને બદલવામાં આવતી. આને કારણે કાષ્ઠકામ કરતા કારીગરો પાસે સમગ્ર વર્ષ દરમિયાન ખાસ કામ રહેતું નહીં. તેમના મંડળે ચાઉમાઉ સમક્ષ આની રજૂઆત કરી. તેમણે કહ્યું કે અમે ભલે રાજ્યાશ્રયી છીએ,પણ અમને બેઠેબેઠે તમારા નૂડલ્સ ચૂસવા ન ખપે. અમારે તો કામ જોઈએ. ચાઉમાઉએ હસીને કહ્યું, ‘ચાઉમાઉ ખુસ હુઆ. મંય કુછ જુગાડ કરતા હૂં.’ કોઈને એમ લાગે કે ચાઉમાઉ અચાનક હિન્દી બોલતો ક્યાંથી થઈ ગયો? આવી શંકા કરનારા કદાચ જાણતા નથી કે રાજાઓને ભાષા-બોલીનું વરદાન હોય છે. તેઓ કોઈ પણ દેશની ભાષા બોલી-સમજી શકતા હોય છે, એમ તેના પ્રજાજનો માને છે, એવું રાજા ધારી લે છે.
મુખ્ય વાત એ કે ચાઉમાઉએ લાં...બો વિચાર કીધો. બે દિવસ સુધી તેને જગાડવાની કોઈએ હિંમત ન કરી. એ પછી ચાઉમાઉએ કાષ્ઠકારો માટે ફરમાન બહાર પાડ્યું, ‘તમતમારે કઠપૂતળીઓ બનાવતા રહો. તમારી પાસે કામ નહીં ખૂટે.’ કાષ્ઠકારો આ સાંભળીને રાજી થઈ ગયા.
ચાઉમાઉએ એ પછી ચીનના પ્રાંતમાં જ નહીં, નાના ગામોમાં, મધ્યમ નગરોમાં, શહેરોમાં, સંસ્થાઓમાં, શાઓલીન ટેમ્પલમાં, કરાટે સ્કૂલોમાં, ચીનની દિવાલ પર આવેલા થાણાઓમાં- એમ બધે જ મુખ્ય સ્થાને આ કઠપૂતળીઓ ગોઠવવાનો આદેશ જાહેર કર્યો. આનું પરિણામ એ આવ્યું કે લોકો પોતાના ઘરમાં પણ કઠપૂતળીઓની સ્થાપના કરવા લાગ્યા.
ચીનના કાષ્ઠકારો સતત પોતાના સંઘેડા પર કામ કરતા રહ્યા. તેઓ નવરા પડતા જ નહીં. ચીનના લોકો પણ કઠપૂતળીઓના હેવાયા થઈ ગયા. તેમને લાગવા માંડ્યું કે ચીનની સૃષ્ટિના સંચાલક એક જ છે- ચાઉમાઉ અને આ બધી તેમની કઠપૂતળીઓ.
જો કે, ચીનમાં ‘સદાચાર’ નામનું જે રાજ્યાશ્રયી કૌશલ્ય વિકસેલું એના અંતર્ગત પેલા કાષ્ઠકારોએ લાકડાને બદલે માટીની ‘મટ’પૂતળીઓ બનાવવા માંડેલી. તેઓ તેની પર વુડન ફીનીશ લગાવી દેતા, જેથી એ લાકડાની બનેલી હોય એવી દેખાતી. બે વરસ સમગ્ર ચીનમાં દુષ્કાળ પડતો રહ્યો ત્યાં સુધી એ ‘મટ’પૂતળીઓ રહી. એ પછી જેવો વરસાદ આવ્યો કે એ બધી ઓગળવા લાગી. ચીનના લોકો બહુ જ કલાપ્રેમી અને સતત નવિનતા ઝંખનારા હતા. તેમણે જાતે જ કહ્યું, ‘આ બે વરસ ચાલી એ તો બહુ કહેવાય. ભલે માટીની, પણ પૂતળી તો હતી ને! બીજા દેશોમાં તો કાષ્ઠકારો સીધા રાજ્ય પાસેથી નાણાં ખંખેરી લે છે, અને કશું આપતા પણ નથી. તેના કરતાં આપણા ચીનમાં લોકો પ્રામાણિક છે.
આમ, ચીનમાં કઠપૂતળીઓ બદલાતી રહેતી જે હકીકતે ‘મટ’પૂતળીઓ એટલે કે માટીની રહેતી. લોકોને આ સહજસ્વીકાર્ય હતું. પોતાના રાજામાં પૂરી શ્રદ્ધા હોવાને કારણે તેઓ માનતા કે આ વ્યવસ્થા ખુદ ચાઉમાઉએ જ ગોઠવી હોય તો નવાઈ નહીં. કેમ કે, એ જે કરે એ પ્રજાના હિત માટે જ હોય.
ચાઉમાઉ પણ આ વ્યવસ્થાથી ખુશ હતો. ચીનમાં બધી વાતે લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)
No comments:
Post a Comment