ચાઉમાઉ અત્યંત ઉર્જાવાન રાજા હતો. તેને પોતાને પણ આ હકીકતની જાણ હતી. આથી તેનું સઘળું ધ્યાન 'ઉર્જા' પર રહેતું. તે ચોવીસ કલાકના દિવસમાંથી ચોવીસે ચોવીસ કલાક કામ કરતો. સૂવું પણ તેના માટે કામનો જ એક અનિવાર્ય અને મહત્ત્વનો હિસ્સો હતો. માણસ પૂરતું સૂએ નહીં, તો એનું સ્વાસ્થ્ય ઠીક ન રહે, અને તેને લઈને એનામાં ઉર્જા ન રહે.
પોતાના જમાનાથી તે અનેક દાયકાઓ આગળ હતો. આજે સમસ્ત વિશ્વમાં વૈકલ્પિક ઊર્જા અને તેના સ્રોતો વિશેની વાતો ચર્ચામાં છે, ત્યારે ચાઉમાઉ એ દિશામાં નક્કર પગલાં લઈ રહ્યો હતો.
આવું એક પગલું એટલે સૂપ બાઉલમાં રહેલા સૂપની વરાળને બાંધીને તેમાંથી વીજળી પેદા કરવાની યુક્તિ, જેના વિશે અગાઉ જણાવાઈ ગયું છે. ચીનમાં ગાયોની વસતિ પણ ઘણી હતી. ચીનની દીકરીઓ અને ગાયોને પોતાનું ચિત્ર ચીતરાવવું બહુ પસંદ હતું. આથી જે તેમને દોરે ત્યાં એ જતી. ચાઉમાઉના રાજના વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું કે ગાયો પોદળા મૂકે તેની સાથે એક વાયુનો પણ ઉત્સર્ગ કરે છે. આ વાયુને નાથવામાં આવે તો એનાથી ચીનમાં ઘેર ઘેર રસોઈ કરી શકાય. મુખ્ય સવાલ એ હતો કે એ વાયુને નાથી શી રીતે શકાય? ચાઉમાઉના વિજ્ઞાનીઓ પાસે હરેક સવાલનો જવાબ હતો અને હરેક સમસ્યાનો ઊકેલ. તેમણે ખાસ પ્રકારના રબરના નળાકાર બનાવ્યા, જેનું મુખ ગળણી જેવું હતું. આ ગળણીવાળા નળાકાર ગાયના પૂંછડે બાંધી દેવાના. એ ભરાય એટલે એને કાઢીને ત્યાં બીજો નળાકાર લગાવી દેવાનો. ભરાયેલા નળાકારને રસોડામાં લઈ જઈને સ્ટવ સાથે જોડી દેવાનો. એમ માનો ને કે આ શોધે ચીનમાં ક્રાંતિ કરી નાખી. અત્યાર સુધી ચીનાઓ ખોરાક રાંધવાની ઝંઝટમાં પડતા નહીં. હવે તેઓ ખોરાક રાંધવાનું વિચારવા લાગ્યા. પેલા નળાકારમાં ખાસ કશું ભરાતું નહીં, એટલે તેઓ સ્ટવ પેટાવવાનો પ્રયત્ન કરતા, પણ એ પ્રયત્નો વ્યર્થ જતા. વિજ્ઞાનીઓના ધ્યાન પર આ વાત આવી એટલે તેમણે જણાવ્યું કે મૂળ સમસ્યા સળગાવવાના માધ્યમની છે. તેમણે એક ચીની લાઈટર બનાવ્યું અને તેના વડે ઘાસની ગંજી સળગાવી. જોતજોતાંમાં એ ભડભડ કરતી સળગી ગઈ. ચીનાઓ આ જોઈને ઉત્સાહિત થઈ ગયા અને લાઈટર વસાવવા લાગ્યા. આમ છતાં, ઘરમાં રહેલો સ્ટવ સળગી નહોતો રહ્યો.
ચીનાઓને લાગ્યું કે પોતાનામાં જ કશી ખોટ છે, એ વિના આમ ન થાય. આમ, ચીનમાં જે પણ ગાય દેખાતી એના પાછલા ભાગે નળાકાર લટકાવાયેલા જોવા મળતા.
એક વિજ્ઞાનીને વિચાર આવ્યો કે આ રીતે મજૂરી કરીને ચીનાઓનો શક્કરવાર વળતો નથી, આથી વધુ કાર્યક્ષમ ઊપાય વિચારવો.
તેણે જોયું કે ચીની ડ્રેગન કાયમ આગ ઓકતા હોય છે. આ ડ્રેગનના જડબા પર રેગ્યુલેટર મૂકી દેવામાં આવે તો એ આગનો કેટલો બધો રચનાત્મક ઉપયોગ થઈ શકે. રસોઈ તો ઠીક, આગગાડી, વિમાન, આગબોટ, વીજળી સહિત કેટકેટલાં ક્ષેત્રોને આમાં આવરી શકાય. એ પછી વિદેશોમાં આ ડ્રેગનના સોદા પાડવામાં આવે અને વિદેશી હૂંડિયામણ રળી શકાય. ચીની વિજ્ઞાનીએ એક ચીની વેપારી સાથે મળીને આખું મોડેલ તૈયાર કર્યું. એ પછી ચાઉમાઉ સમક્ષ તેમણે એ રજૂ કર્યું. ચાઉમાઉએ તેમની પીઠ થાબડી અને એ મોડેલને વ્યવહારુ બનાવવાની લાલ ઝંડી આપી. ચીનના ધ્વજનો રંગ લાલ હોવાથી ત્યાં કોઈ પણ કાર્યને આગળ વધારવા લાલ ઝંડી બતાવવાનો રિવાજ હતો.
ચાઉમાઉએ પોતાના મંત્રીમંડળનાં સહુ સભ્યોને જણાવ્યું કે તેમનાં સગાંને કહો કે આમાં મૂડીરોકાણ કરે અને રાષ્ટ્રને આગળ લઈ જવામાં મદદ કરે. એ બધું સમૂસૂતરું આગળ વધવા લાગ્યું. રેગ્યુલેટર બનવા લાગ્યા, એનું વિતરણતંત્ર ઊભું થયું. લોકોને એ વાજબી ભાવે આપવામાં આવ્યા.
પણ ચીનના લોકો સાવ ભોળા હતા. રેગ્યુલેટર તેમણે ખરીદી તો લીધા, પણ ડ્રેગનના મોંએ લગાવવા કેમના? ચીની વેપારીએ હવે રેગ્યુલેટરની સાથે ડ્રેગનના મોંએ એ લગાવવાની માર્ગદર્શિકા પણ મૂકવા માંડી. આમ છતાં, ચીનના લોકોનું ભોળપણ એમનું એમ રહ્યું. હવે તે ડ્રેગન શોધવા લાગ્યા. ચીનમાં મોટા ભાગની ભીંતો, દુકાનનાં પાટિયાં, ચીને વાનગીઓ વેચતી ભારતીયોની લારી સુદ્ધાં પર આગ ઓકતા ડ્રેગન ચીતરેલા રહેતા, પણ સાચાં ડ્રેગન ક્યાં?
ચીની નાગરિકોને લાગ્યું કે આ બાબતે પોતે સમ્રાટનું ધ્યાન દોરશે તો સમ્રાટ ખફા થશે, અને કદાચ પેલા વિજ્ઞાની અને વેપારીને ફાંસીની સજા પણ કરી શકે. આથી તેમણે નક્કી કર્યું કે જ્યાં પણ આગ ઓકતા ડ્રેગનનું ચિત્ર દેખાય ત્યાં જઈને એના મોં પર પેલું રેગ્યુલેટર લગાવી દેવું. જોતજોતાંમાં સમગ્ર ચીનમાં ઠેરઠેર ડ્રેગનના ચિત્ર પર રેગ્યુલેટર લટકતા દેખાવા લાગ્યા.
ચાઉમાઉ ક્યારેક નગરચર્યાએ નીકળતો ત્યારે પોતાના પ્રજાજનોની વિચક્ષણતા જોઈને હરખાતો. તેને થતું કે ચીન આજે જે કરે છે એ આવતી કાલે સમગ્ર વિશ્વમાં વિચારાશે.
પોતાના રાજમાં ઉર્જાકાર્યક્રમ સહુ કોઈએ અપનાવી લીધો એ જોઈને ચાઉમાઉ રાજીરાજી રહેતો. સમ્રાટ રાજીરાજી એ પ્રજાને પણ લીલાલહેર જ હોય ને!
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)
No comments:
Post a Comment