ચાઉમાઉ એક બુદ્ધિજીવી રાજા હતો. આથી તેને ખબર હતી કે એકલી બુદ્ધિથી જીવી શકાય નહીં. અને કદાચ જીવી જવાય તો પણ કંંઈ ચીનાઓના હૃદય પર રાજ ન થઈ શકે. તેને કેવળ ચીન પર નહીં, ચીનાઓના હૃદય પર રાજ કરવું હતું. અરે! ચીનાઓના કેવળ હૃદય પર નહીં, એમના મસ્તક, કિડની, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ એમ બધે જ રાજ કરવું હતું. તેને ખબર હતી કે એમ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી પડે. ચાઉમાઉ વિજ્ઞાનનો અભ્યાસી હતો. એ શાળામાં ભણતો ત્યારે વિજ્ઞાનના વિષયમાં અવ્વલ રહેતો. તેને બૉઈલ, પાસ્કલ, ન્યૂટન, હૂક જેવા વિજ્ઞાનીઓએ શોધેલા નિયમો મોઢે હતા. બૉઈલના નિયમ મુજબ દબાણ અને તાપમાન વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે દબાણ વધે તો તાપમાન ઘટે. તેણે શાળાકાળમાં જ આ નિયમનું પ્રાયોગિક નિદર્શન કર્યું. વિજ્ઞાનશિક્ષક બહુ ગરમમિજાજી હતા. તેઓ વર્ગમાં વિદ્યાર્થીઓને કારણ વગર ધીબેડી નાખતા. એમાં એક વાર ચાઉમાઉનો વારો ચડી ગયો. ચાઉમાઉએ ત્યારે તો માર ખાઈ લીધો, પણ શાળા છૂટ્યા પછી વિજ્ઞાનશિક્ષકને તેની ટોળકીએ આંતર્યા. ટપલીદાવ કર્યો, ઊઠબેસ કરાવી. પણ આટલેથી તેઓ અટક્યા નહીં. 'એસિડમાં બોળતાં લાલ લિટમસ ભૂરું થાય છે' એવું ઊંધું વૈજ્ઞાનિક સત્ય તેમના મોંએ પચીસ વાર બોલાવ્યું. એ પછી વિજ્ઞાનશિક્ષકને હસતું મોં રાખીને ઘેર જવા કહ્યું. આમ, વિજ્ઞાનશિક્ષક પર દબાણ આવ્યું એ પછી એમના મગજનું તાપમાન ઘટી ગયું. વર્ગના સૌને બૉઈલનો નિયમ આ રીતે યાદ રહી ગયો.
Friday, August 2, 2024
ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-16): ચાઉમાઉનું વ્યવહારુ વિજ્ઞાન
એ રીતે એક વાર ન્યૂટનના નિયમનો વારો આવ્યો. ન્યૂટને શોધેલા ગતિના ત્રણ નિયમો પૈકીના પહેલા બે સાવ સહેલા છે. એટલે કે એ લાંબા હોવાને કારણે એને યાદ રાખવાની જરૂર નહીં. એની કાપલી જ બનાવીને લઈ જવાની રહેતી. પણ ત્રીજો નિયમ ટૂંકો હોવાથી યાદ રાખવામાં મુશ્કેલી પડતી. એ જ વિજ્ઞાનશિક્ષક સમક્ષ બૉઈલનો નિયમ નિદર્શીત કર્યા પછી ચાઉમાઉ અને એની ટોળકીએ એક વાર એમને કહ્યું, "સર, તમે અમને સૌને એક એક થપ્પડ લગાવો." વિજ્ઞાનશિક્ષક રાજી થઈ ગયા. તેમને થયું કે બદલો લેવાનો આ મોકો ન છોડાય! તેમણે ચાઉમાઉ અને એની ટોળકીના દરેક સભ્યને વારાફરતી એક એક થપ્પડ લગાવી. ચાઉમાઉ અને એના સાથીઓએ થપ્પડ ખાઈ લીધી. પછી પૂછ્યું, "સર, ન્યૂટનનો ત્રીજો નિયમ શો?" સરે ઉત્સાહમાં આવીને કહ્યું, "આઘાત અને પ્રત્યાઘાત સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે." આ સાંભળતાં જ ચાઉમાઉના દરેક સાથીએ એ શિક્ષકને એક એક થપ્પડ લગાવી. આમ, ન્યૂટનનો ત્રીજો નિયમ તેમને યાદ રહી ગયો. તે એ હદે કે ગાદી સંભાળ્યા પછી પણ તે એને ભૂલ્યો નહીં.
આને કારણે ચીનમાં વિજ્ઞાનશિક્ષકોની બહુ માંગ ઊભી થઈ. સૌ માતાપિતાને લાગતું કે પોતાનું બાળક ચાઉમાઉની જેમ વિજ્ઞાનપ્રેમી બને. ચાઉમાઉ પોતાનો વિજ્ઞાનપ્રેમ પ્રદર્શિત કરવાની એક તક જતી ન કરતો.
તેને થયું કે ચીનની આખી દિવાલ પાન્ડાની લાદથી લીંપી લેવી જોઈએ. કેમ કે, એમ કરવાથી એ રેડિયોએક્ટિવ કિરણોનો પ્રતિરોધ કરી શકશે. આથી ભવિષ્યમાં ચીનની દિવાલ પર કોઈ અણુબૉમ્બ ફેંકે તો દિવાલને કશું નુકસાન થશે નહીં. તેણે ફરમાન બહાર પાડ્યું કે સૌએ પાન્ડાની લાદ એકઠી કરીને ચીનની દિવાલ આગળ તેનો ઢગલો કરવો.
ચીનાઓ ભારે કામગરા અને આજ્ઞાંકિત હતા. તેઓ દિવસરાત જોયા વિના પાન્ડાની 'પાછળ' પડી ગયા. ટોપલા લઈ લઈને તેઓ પાન્ડાને અનુસરતા. એમ ને એમ તેઓ એ હદે પાન્ડામય થઈ ગયા કે પોતાની જાતને જ પાન્ડા માનવા લાગ્યા. આને કારણે એક સપ્તાહમાં જ ચીનની દિવાલ સાડા ત્રણ વખત લીંપાય એટલી લાદનો ઢગલો થઈ ગયો.
પોતાની પ્રજાનો વિજ્ઞાનપ્રેમ જોઈને ચાઉમાઉએ આંખમાં આવેલાં હર્ષાશ્રુ લૂછવા ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને નાકે દાબ્યો.
સંવેદનશીલ, વિજ્ઞાનપ્રેમી ચાઉમાઉના રાજમાં લોકોને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment