ચાઉમાઉને અંગ્રેજી ખાસ ફાવતું નહીં, અને એ બાબતની એને કશી સભાનતા પણ નહીં. ક્યારેક ગમ્મતે ચડે તો તે અંગ્રેજી બોલતો. ગુસ્સે થાય ત્યારે તે ફ્રેન્ચમાં બોલવા પ્રયત્ન કરતો, પણ ફ્રેન્ચ તેને આવડતી ન હોવાથી એ ગુસ્સે થવાનું માંડી વાળતો. એ શાળામાં ભણતો ત્યારે અંગ્રેજી વિષય શીખવવા એના સાહેબે ખૂબ પ્રયત્ન કરેલા. છેવટે શાળાના સંચાલકોએ પોતાની શાળામાં અંગ્રેજી વિષય ભણાવવાનું માંડી વાળ્યું, અને અંગ્રેજીના શિક્ષકોને કૂંગ ફૂનો વિષય આપી દીધો.
એ મુજબ, રાજા બન્યા પછી ચાઉમાઉએ નવિનીકરણ કરવા માંડ્યું. તેના દરબારમાં અનેક દરબારીઓ હતા. આ દરબારીઓ રોજેરોજ દરબારમાં આવતા, બેસતા, ઝોકા મારતાં અને ચા પીને પાછા ચાલ્યા જતા. ચાઉમાઉને આ બાબતનો ખ્યાલ ઝટ ન આવતો, કેમ કે, તે પોતે પણ ઝોકાં મારતો. જો કે, એને એ ‘પાવર મેડિટેશન’ જેવા અંગ્રેજી નામે ઓળખાવતો. એ જાગીને જોતો તો ‘જગત’ દીસતું નહીં, એટલે કે દરબારીઓ ચાલ્યા ગયેલા જણાતા. ચાઉમાઉને થયું કે આ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવો જોઈશે.
તેણે દરબારીઓને જણાવ્યું કે હવે એ સૌએ અલગ અલગ ક્ષેત્રે તાલીમ માટે જવું પડશે. દરબારમાં હવે નવા અને વધુ બુદ્ધિશાળી લોકોને લાવવામાં આવશે. તાલીમ લેવાનું દરબારીઓને બહુ ગમતું, કેમ કે, ચાઉમાઉના દરબારમાં સળંગ સૂવા મળતું નહીં, માત્ર ઝોકાં ખાઈને સંતોષ માનવો પડતો. તેને બદલે તાલીમમાં સળંગ ઊંઘ મળતી. દરબારીઓને ઊંઘની આટલી સખત જરૂર કેમ રહેતી એ કોયડો હતો. ઘણા સમાજશાસ્ત્રીઓ એ કોયડાને ચીનની ફાટફાટ થતી વસતિ સાથે સાંકળતા.
ચાઉમાઉએ પોતાના દરબારનું પરિવર્તન પણ કર્યું અને વિસ્તરણ પણ. કેટલાક દરબારીઓને તેણે પત્રકાર બનવા મોકલ્યા, અને તેમનું સ્થાન ભરવા અમુક પત્રકારોને દરબારમાં લઈ લીધા. એ જ રીતે, કેટલાક દરબારીઓને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલ્યા, અને સામે પક્ષે અર્થશાસ્ત્રીઓને દરબારમાં સ્થાન આપ્યું. આમ, ચાઉમાઉના દરબારમાં ધીમે ધીમે ડૉક્ટરો, પ્રાધ્યાપકો, શિક્ષકો, વકીલ, ન્યાયાધીશ, ફિલસૂફ, સાધુસંતો, સાહિત્યકારો, બૅન્કૉરો સહિત વિવિધ પ્રજાતિના લોકોને સ્થાન મળવા લાગ્યું. તો તેમને સ્થાને ગોઠવાયેલા દરબારીઓને પણ આવાં વિવિધ ક્ષેત્રોનો પરિચય થતો ગયો. સરવાળે ચીનને ફાયદો હતો.
આ પરિસ્થિતિ પરથી વરસો પછી ભારતના એક ગીતકાર નિદા ફાઝલીએ એક પંક્તિ લખેલી, ‘જહાં ભી જાઉં યે લગતા હૈ, તેરી મહેફિલ હૈ’. આવી તો કેટલીય પંક્તિઓનો ચાઉમાઉ પ્રેરક બની રહ્યો. ખાસ કરીને ભારત દેશના ફિલ્મી ગીતકારોને તેણે ખૂબ પ્રેરણા આપી. હસરત જયપુરી નામના ગીતકારે ચાઉમાઉના પ્રભાવ હેઠળ લખેલું, ‘તેરા જલવા જિસને દેખા, વો તેરા હો ગયા’. બીજા એક કવિ ભરત વ્યાસે તો ત્યાં સુધી લખ્યું કે, ‘સૈયાં જૂઠોં કા બડા સરતાજ નીકલા’. આવાં અનેક ઉદાહરણ આપી શકાય એમ છે.
ચાઉમાઉના અંગ્રેજી કરતાં તેનો આત્મવિશ્વાસ ઘણો બહેતર હતો. આથી તે નવા નવા અંગ્રેજી શબ્દો બનાવતો રહેતો. એક વખત તેણે પોતાના મહેલની બારીમાંથી જોયું તો નીચે એક માણસ બળદગાડું ચલાવીને જઈ રહ્યો હતો. બળદો પોતાની મસ્તીમાં, સીધી લીટીમાં ચાલી રહ્યા હતા અને ગાડું ચલાવનાર રીતસર ઊંઘી ગયો હતો. ચાઉમાઉના મનમાં શબ્દ સ્ફૂર્યો, ‘બુલડોઝર’ એટલે ‘બુલ’ ચલાવતાં ચલાવતાં ‘ડોઝીંગ’ કરે એ.
એક વાર કશીક વાત નીકળતાં તેના દરબારમાં ભરતી થયેલા એક બૅન્ક મેનેજરે કહ્યું, ‘આઈ હેવ અ કાઉન્ટર ટુ સેલ.’ ચાઉમાઉને મસ્તી સૂઝી. એ કહે, ‘કાઉન્ટરની આગળ આર્ટિકલ ‘એ ’ ન આવે, ‘એન’ આવે. એન કાઉન્ટાર!’ બૅન્ક મેનેજર આમ હોંશિયાર હતો. તેણે તરત કહ્યું, ‘આપની વાત સાચી છે, નામદાર. એન્કાઉન્ટર જ બોલાય.’ ચાઉમાઉ હસીને કહે, ‘મેનેજર, તમે તમારાં કૌભાંડો સિફતથી ઢાંકી શકો છો, એમ મારા માટેનો ભક્તિભાવ પણ છુપાવો છો. બોલો, સાચું ને?’ મેનેજરને સમજાયું નહીં કે શો જવાબ આપવો. તેણે હાઉવાઉ સામું જોયું. હાઉવાઉ હસતા હતા. મેનેજર સમજી ગયા કે રાજા અંગ્રેજીની ચર્ચા કરે છે એનો અર્થ એ કે એ ગમ્મતે ચડ્યા છે. બૅન્કરને બૅન્કિંગની તાલિમ દરમિયાન શીખવવામાં આવેલું કે હાથી, ડ્રેગન અને રાજા મસ્તીએ ચડે ત્યારે આપણે સલામત અંતરેથી જોયા કરવાનું, વચ્ચે નહીં આવવાનું. તેણે એમ જ કર્યું. ચાઉમાઉ કહે, ‘બોલો, એન્કાઉન્ટર.’ મેનેજરે પુનરાવર્તન કર્યું.
આવા તો અનેક અંગ્રેજી શબ્દોને ચાઉમાઉએ જન્મ આપ્યો અને સદીઓ અગાઉ અંગ્રેજોએ ચીન સાથે કરેલા દુર્વ્યવહારનો ગુપ્ત રીતે બદલો લીધો. ગુપ્ત રીતે એટલા માટે કે અંગ્રેજોને આની ગંધ સુદ્ધાં આવી નહીં. પછી તો આ શબ્દોને નિકાસ કરવાનો નિર્ણય લેવાયો, જેથી ચીનને વિદેશી હૂંડિયામણની આવક થઈ શકે. ચીન સાથે વ્યાપારી સંબંધો ધરાવતા દેશોમાં આ શબ્દોની માંગ ઊભી કરાઈ.
શિક્ષણ વિભાગમાં ચાઉમાઉના કેટલાક દરબારીઓ હતા, જેમણે ચાઉમાઉના અનેક પ્રયોગોને ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં સ્થાન આપ્યું. જો કે, આ હકીકતની જાણ ઘણી મોડી થઈ, કેમ કે, વિદ્યાર્થીઓ શાળાએ જાય તો પાઠ્યપુસ્તક જુએ ને!
ચાઉમાઉના રાજની પરિસ્થિતિ પરથી પ્રેરિત થઈને ભવિષ્યમાં પ્રદીપ ઊપનામ ધરાવતા એક કવિએ લખેલું, ‘ઊપર ગગન વિશાલ, નીચે ગહરા પાતાલ, બીચ મેં ધરતી, વાહ મેરે માલિક, તૂને કિયા કમાલ! વાહ મેરે માલિક ક્યા તેરી લીલા, તૂને કિયા કમાલ!’ સાદો અર્થ એ કે ચીનની ધરતી એવી વચ્ચોવચ્ચ છે કે ઉપર આકાશ છે, અને નીચે સાવ પાતાળ. એટલે કે ચાઉમાઉના શાસનમાં ‘સદાચાર’ આકાશને આંબતો અને નૈતિકતા પાતાળને સ્પર્શતી, છતાં ચીન ટકી રહ્યું હતું એ કેવી કમાલ! વધુમાં ‘લીલા’ શબ્દ ‘લીલાલહેર’નો સૂચક છે.
ધન્ય હજો રાજા ચાઉમાઉને કે જેમણે દેશદેશાવરના અનેક કવિઓ-ગીતકારોને પ્રેરણા આપી. ધનભાગ ચીનના લોકોનું કે એમને આવા રાજા મળ્યા, જેના રાજમાં સૌને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)
No comments:
Post a Comment