ચીનમાં થઈ ગયેલા અગાઉના શાસકોને દૃષ્ટિવંત ન કહી શકાય. તેઓ બસો-પાંચસો વરસનું વિચારતા, પણ વર્તમાનનું વિચારી ન શકતા. તેમની સરખામણીએ ચાઉમાઉ અલગ હતો. તે વર્તમાનનું વિચારતો. એ હદે કે આવતી કાલનું પણ નહીં, આ ક્ષણનું વિચારતો. આથી ચીનીઓ તેને બહુ ચાહવા લાગ્યા હતા.
ચીનમાં અનેક જૂનાંપુરાણાં બાંધકામો હતાં, જે અગાઉના શાસકોએ બંધાવડાવેલાં. એ એટલાં મજબૂત, ટકાઉ અને ભવ્ય હતાં કે એને કશું થતું જ નહીં. પેઢીઓની પેઢીઓ એ જોતી જોતી મોટી થઈ હતી. ચાઉમાઉને ખબર હતી કે પ્રજાને શું ગમે છે. તેણે રાતોરાત નવાં નવાં બાંધકામ તૈયાર કરાવવા માંડ્યા. ખાસ કરીને જાહેર સ્થળોનાં. સદીઓથી એકની એક ઈમારતો અને માળખાં જોતા આવેલા ચીનાઓ બહુ ઉત્સાહમાં આવી ગયા. નવી ઈમારતોને જોવા માટે લોકોની ભીડ ઉમટવા લાગી. ચીનમાં આમેય લોકો પાસે કામધંધો ખાસ હતો નહીં. આથી તેઓ દરેક નવી ઈમારતોની મુલાકાત લેવા લાગ્યા, ચાહે એ મહેસૂલ ખાતાની કચેરી હોય, જાહેર દવાખાનું હોય, શાઓલીન ટેમ્પલ હોય, કરાટે સ્કૂલ હોય કે બીજું કંઈ પણ હોય. ચાઉમાઉએ આ તમામ સ્થળની મુલાકાતની ટિકિટ બહાર પાડી. ચીનાઓને એ ખરીદવા સામે કશો વાંધો નહોતો, બલકે તેઓ હોંશેહોંશે ચૂકવતા અને કહેતા, ‘આટલો બધો ખર્ચ રાજ્યે કર્યો હોય તો આપણે આટલું તો કરી જ શકીએ ને!’
ચાઉમાઉએ જૂના રસ્તાઓ ખોદાવવા માંડ્યા અને નવા બનાવવા શરૂ કર્યા. વરસોથી આ રસ્તાની બન્ને બા8જુએ ઊગાડેલા વૃક્ષોનો છાંયો રસ્તાને ઢાંકી દેતો હતો. સૂરજના તાપમાં રસ્તા કેવા લાગતા હશે એ ચીનાઓએ પહેલવહેલી વાર જોયું. અનેક ઉત્સાહી ચીની કવિઓએ ‘ઊઘાડા રસ્તા’ પર કવિતા લખવા માંડી.
ચાઉમાઉએ પોતાનો સંદેશો દરેક ચીનાઓને પહોંચે એ સુનિશ્ચિત કર્યું કે ચીન સતત નવિનતા ઝંખે છે. અગાઉના શાસકોએ પ્રજાને એનું એ જ દેખાડ દેખાડ કર્યું છે અને પોતાનાં ખિસ્સાં ભરતા રહ્યા છે. આજનું ચીન જુઓ, એકે એક ઈમારત તમને નવી લાગશે. તમે ઘરમાં ન બેઠા રહો, મારા વહાલા ચીનીઓ, બહાર નીકળો, ફરો, ટિકિટ ખરીદીને આ બધી ઈમારતની મુલાકાત લો અને રાષ્ટ્રની આગેકૂચમાં તમારું પ્રદાન આપો. બસ, પછી તો જોઈતું શું હતું! રજા હોય કે ચાલુ દિવસ, ચીનાઓ નીકળી પડતા.
એક સરકારી ઈમારતના ધાબે કેટલાક ચીનાઓ ચડેલા. આટલે ઊંચેથી પોતાનું શહેર કેવું દેખાય છે એ તેઓ જોવા માગતા હતા. આઠ-દસ જણા એ રીતે ઊપર ચડ્યા. એ જ વખતે અચાનક ધાબાની છત કડાકા સાથે તૂટી. તૂટેલી છત સૌથી ટોચના માળની ભોંયે પડી, જે એની નીચેના માળની છત હતી. આમ, જોતજોતાંમાં એ ઈમારત આખી જમીનદોસ્ત થઈ ગઈ. એમાં રહેલા કર્મચારીઓ તેમજ આવેલા મુલાકાતીઓ દટાઈ ગયા. આમ છતાં, ચીનાઓની ચાઉમાઉમાં શ્રદ્ધા અડગ રહી. તેઓ છત પર ચડેલા આઠ-દસ ચીનાઓને દોષિત માનીને એમને ભાંડવા લાગ્યા કે એ લોકોનું વજન પચાસ કિલો હતું. આવા જાડિયાઓ એક સાથે ધાબે ચડી જાય પછી છત પડે નહીં તો બીજું શું થાય? ચાઉમાઉએ દટાઈ ગયેલા લોકો પ્રત્યે શોક અને તૂટી ગયેલી ઈમારત પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો. તેણે કહ્યું, ‘હવે આની જગ્યાએ એકદમ અદ્યતન ઈમારત બનાવવામાં આવશે. અગાઉની ઈમારતના ધાબે આઠદસ જણા ચડવાથી એ તૂટી ગયેલી. હવે આપણે ખાસ વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીશું, અને વધુમાં વધુ ત્રણ-ચાર લોકો ધાબે ચડશે કે એ તૂટી પડશે. હરેક તૂટતી ઈમારતને સ્થાને બનતી નવી ઈમારતમાં આ બાબતનું ખાસ ધ્યાન રખાશે. આ સાંભળીને ચીનાઓએ ચાઉમાઉનો જયજયકાર કર્યો.
બસ, એ પછી તો જાતભાતની ઈમારતો પડી ભાંગવાનો દૌર શરૂ થયો. કોઈ એ બન્યાના બે વરસમાં, કોઈ એક વરસમાં, તો કોઈ એના બન્યાના છ મહિનામાં તૂટી પડતી. એમાં મુલાકાતીઓ દટાઈ જતા, એમ અંદર રહેલા બીજાઓ પણ! છતાં ચાઉમાઉનો જયજયકાર થઈ જતો.
નવા બનેલા રસ્તાઓ પહેલા વરસાદમાં બેસવા લાગ્યા. ઠેરઠેર ભૂવા પડવા લાગ્યા. ચીનમાં એવા ઘણા બુઝુર્ગો હતા કે જેમની ઈચ્છા જીવનમાં એક વાર રસ્તા પર પડેલો ભૂવો જોવાની હતી. ચાઉમાઉએ એ મોકો તેમને પૂરો પાડ્યો અને તેમને ધન્ય કર્યા. રસ્તે પડેલા ભૂવાને તેણે જાણી જોઈને ન પૂરાવ્યા. આને કારણે ચીનના ઈતિહાસમાં કદી ન નોંધાયું હોય એવા ‘ભૂવા ટુરિઝમ’નો આરંભ થયો. આ પ્રવાસનને વધુ ‘જીવંત’ બનાવવા માટે તેમાં ફસાઈ ગયેલા લોકોને અંદર જ રહેવા દેવામાં આવતા. પ્રવાસીઓ તેમને જોવા આવે ત્યારે ખાડામાંના લોકો હાથ લાંબા કરીને પોતાને બહાર કાઢવાના પોકાર કરતા. પ્રવાસીઓને ચીની ભાષા સમજાતી નહીં. આથી તેમની સાથે આવેલા ચીની ગાઈડ તેમને જણાવતા કે ખાડામાંના લોકો તેમનું અભિવાદન કરી રહ્યા છે. પ્રવાસીઓ પોતાની હૅટ ઊતારીને એમને સામું અભિવાદન કરતા. ખાડામાં જે લોકો જીવતા રહ્યા હોય તેમને રાજ્ય તરફથી ભોજન પૂરું પાડવામાં આવતું. આમ, સાવ ખાડામાંના માણસની દરકાર ચાઉમાઉ રાખતો.
સતત નવિનતા ઝંખતા કરવાની ટેવ ચાઉમાઉએ જ ચીનાઓને પાડી હતી. અને એ બાબતે તે તનતોડ મહેનત કરી રહ્યો હતો. સાથોસાથ ચીનમાં બેકાબૂ બની રહેલા વસતિવધારાની સમસ્યાને પણ તેણે સિફતપૂર્વક ઊકેલવાની શરૂઆત કરી દીધી હતી. જે રાજમાં રાજા આવો હોય, અને પ્રજા પણ આવી હોય, ત્યાં લીલાલહેર ન હોય તો બીજું શું હોય!
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)
No comments:
Post a Comment