Wednesday, April 12, 2023

અલવિદા, દક્ષા દેસાઈ!

દક્ષાબહેન દેસાઈની આજે ત્રીજી પુણ્યતિથિ છે. ત્રણ વર્ષ પહેલાં, 12 એપ્રિલ, 2020ના રોજ તેમનું અવસાન થયું. આ નિમિત્તે તેમની સાથે ગાળેલો એક ટૂંકો, પણ સઘન સમયગાળો યાદ આવી ગયો.
દક્ષા દેસાઈ 
માણસના જન્મ અને મૃત્યુની વચ્ચે એક આખું જીવન હોય છે. આ જીવનકાળ દરમિયાન તે કોઈક એવું કાર્ય હાથ પર લે અને સંપન્ન કરે તો તે ખરા અર્થમાં અવતારકાર્ય બની રહે છે. અમદાવાદમાં જન્મેલાં દક્ષા પટેલનું લગ્ન મુંબઈના સુકેતુ સુરેન્દ્ર ચીમનલાલ દેસાઈ સાથે થયું. એ પછી બદલાતા સંજોગો અનુસાર તેઓ મુંબઈ-અમદાવાદ અને પછી અમેરિકા સ્થાયી થયાં. અમેરિકામાં દક્ષાબેને 'દીદીઝ' નામે અત્યંત સફળ રેસ્તોરાંનું સંચાલન કર્યું અને અમેરિકા આવતા ભારતીય કલાકાર વર્ગમાં ઠીક ઠીક લોકપ્રિય બની રહ્યાં. જો કે, અઢારેક વરસના તેમના અમેરિકાનિવાસ પછી સંજોગો એવા ઊભા થયા કે તેમણે ભારત આવવું પડ્યું. અમદાવાદમાં તેમણે જીવનનો વધુ એક નવો અધ્યાય શરૂ કર્યો.
દરમિયાન અમેરિકન ગુજરાતીઓમાં 'દાદાજી'ના નામે ઓળખાતા હરિકૃષ્ણ મજમુદાર અમદાવાદ ખાતે દક્ષાબેનના મહેમાન બન્યા. એ વખતે 'દાદાજી'ની મુલાકાત માટે આવતા પત્રકારોને 'દાદાજી' દક્ષાબેનની સાહસકથા જણાવતા અને એ વિશે લખવા જણાવતા. આમ, દક્ષાબેનના મનમાં પુસ્તક લખાવવાનું વિચારબીજ રોપાયું, પણ એ પોતાના વિશેનું નહીં.
હિન્દી બોલપટના પહેલા દાયકે ફિલ્મઉદ્યોગમાં જેમનો દબદબો હતો એવા ચીમનલાલ દેસાઈ દક્ષાબેનના સસરા સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ)ના પિતા થાય. 1930માં મૂકપટથી શરૂઆત કરીને પછી બોલપટ ક્ષેત્રે પ્રવેશનાર ચીમનલાલ દેસાઈની ફિલ્મનિર્માણ સંસ્થા 'સાગર મુવીટોન'ની સાહસકથાઓ કુટુંબમાં દંતકથા તરીકે દક્ષાબેને સાંભળેલી. તેમને થયું કે પોતાના શ્વસુર પક્ષે આવા પ્રતાપી વડવા થઈ ગયા હોય અને છતાં તેમના વિશે દંતકથાથી વિશેષ કશી નક્કર માહિતી ઉપલબ્ધ ન હોય એ સંજોગોમાં પુસ્તક તો એમના વિશે લખાવું જોઈએ. બસ, આ વિચાર સાથે તેમણે શોધ આરંભી એવું પુસ્તક લખી આપે એવા લેખકની. પણ એ ક્યાં કોઈને જાણતા હતાં?
અનાયાસે તેમની મુલાકાત એક રેસ્તોરાંમાં શાળાજીવનના પોતાના એક સહાધ્યાયી સાથે થઈ. 'અરે! તું?તમે?' જેવા આરંભિક ઉદ્ગાર સાથે એ પરિચય તાજો થયો અને બહુ ઝડપથી પારિવારિક બન્યો. ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે પોતાના એ સહાધ્યાયી જૂના ફિલ્મસંગીતમાંં ઊંડો રસ ધરાવે છે, એટલું જ નહીં, જૂનાં ગીતોનાં કાર્યક્રમ કરતી સંસ્થા 'ગ્રામોફોન ક્લબ' સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. 'સાગર મુવીટોન' પુસ્તક લખવા માટે યોગ્ય 'જણ'ની શોધમાં એ મદદરૂપ થઈ શકશે એ ખ્યાલે તેમણે પોતાના એ સહાધ્યાયીને આખી વાત જણાવી અને મદદ માંગી. એ સહાધ્યાયી એટલે ચંદ્રશેખર વૈદ્ય- જેમની સાથે અમારી મિત્રતા પણ જૂનાં ફિલ્મી ગીતોને લઈને હતી અને ઉત્તરોત્તર ગાઢ બની હતી. આમ, ચંદ્રશેખરભાઈ દક્ષાબેન અને મારી વચ્ચે 'ગોરકર્મ' કરાવી આપવામાં નિમિત્ત બન્યા.
આલેખનનો સમયગાળો દોઢેક વરસનો હશે, એ દરમિયાન અમે આમોદ, ભરૂચ, સુરત, મુંબઈ, બેંગ્લોરના પ્રવાસો સાથે કર્યા. અનેક વિગતો મેળવી. એ તમામ વિગતોના પરિપાકરૂપે 'સાગર મુવીટોન' લખાયું, જે આ ફિલ્મસંસ્થા પરનું સૌ પ્રથમ અને અધિકૃત કહી શકાય એવું પુસ્તક હતું. આ પુસ્તકના વિમોચનમાં દક્ષાબેન અને સુકેતુ દેસાઈએ પોતાના એક સમયના પાડોશી આમીર ખાનને નિમંત્રણ આપ્યું. આમીર ખાને પણ જૂના સંબંધને તાજો કરીને એ નિમંત્રણ સ્વીકાર્યું, એટલું જ નહીં, પોતાની રીતે જ અનિલ કપૂર, વિધુ વિનોદ ચોપરા, વિક્ટર આચાર્ય, રાજકુમાર હીરાણી, પ્રસૂન જોશી જેવા પોતાના મિત્રોને બારોબાર નોંતર્યા અને એ સૌ ઉપસ્થિત પણ રહ્યા. પોતાના અનૌપચારિક વક્તવ્યમાં આમીર ખાને 'દક્ષા આન્ટી'ના આ પ્રયાસને બીરદાવ્યો.
દસ્તાવેજીકરણ/જીવનકથાના પુસ્તક માટે મારે એક-દોઢ વરસ જેટલા લાંબા સમયગાળા માટે જે તે વ્યક્તિ સાથે સંકળાવાનું, સતત કામ કરવાનું બનતું હોય છે. આ સમયગાળો એવો હોય કે તેમાં દલીલો થાય કે તીવ્ર મતભેદ પણ પડે. જો કે, પુસ્તકનું સમાપન થઈ જાય એ પછી 'ખાટીમીઠી' યાદોમાંથી કેવળ 'મીઠી' વાતો જ યાદ રહી જતી હોય છે, અને વ્યાવસાયિક સંબંધનું એક આજીવન પારિવારિક સંબંધમાં રૂપાંતર થતું હોય એમ બનતું હોય છે. તેમના પતિ સુકેતુભાઈ, પુત્રીઓ રાધિકા અને ઋતુજા સાથે પણ એવો જ પરિચય કેળવાયો.
દક્ષાબેનની હક દાખવવાની પ્રકૃતિને કારણે ઘણી વાર કાર્યશૈલી માટે અમારે મતભેદ થયા હશે, પણ એ પછી કશું નહીં! ફરી ફોન આવે ત્યારે એ જ પ્રેમભાવ! યોગાનુયોગ કેવો કે દક્ષાબેન વિશે મને પહેલવહેલી વાર જણાવનાર મિત્ર ચંદ્રશેખર વૈદ્યે જ દક્ષાબેનની અંતિમ વિદાયના પણ સમાચાર આપ્યા. જાણવા મળ્યું કે ટૂંકી બિમારી પછી તેમનું હોસ્પિટલમાં જ અવસાન થયું.
દેખીતી રીતે ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલાં ન હોવા છતાં, 'સાગર મુવીટોન' પુસ્તકના આલેખન પાછળનુંં પ્રેરકબળ બની રહેનારાં દક્ષાબેનના આ પરોક્ષ પ્રદાન બદલ સિનેમાઈતિહાસના પ્રેમીઓ તેમના ઋણી રહેશે. દક્ષાબેનનું આ ખરા અર્થમાં અવતારકાર્ય બની રહ્યું છે!

'સાગર મુવીટોન'ના વિમોચનવેળા (ડાબેથી) બીરેન કોઠારી, 
સુકેતુ દેસાઈ, આમીર ખાન અને દક્ષા દેસાઈ 

No comments:

Post a Comment