Sunday, December 14, 2025

નિબંધલેખન નિમિત્તે સંવાદ સાધીને ક્ષિતિજો વિસ્તારવાનો ઊપક્રમ

- બીરેન કોઠારી

શાળામાં ભણતા હોઈએ ત્યાં સુધી 'નિબંધ' એટલે એવો સવાલ કે જે છથી દસ માર્ક સુધીનો હોય. જે નિબંધની તૈયારી કરીને જઈએ એ પૂછાય તો શક્ય એટલા વધુ માર્ક આવે, કેમ કે, એમાં વધુ પાનાં ભરી શકાય. આવી માન્યતા શાળામાં ભણતર પૂરું કર્યા પછી પણ મનમાં રહી જતી હોય છે, જેમાં બદલાવ લાવવાનો ખાસ પ્રયત્ન કરાતો નથી. એ તો વાંચનના શોખના પ્રતાપે ગુજરાતી સાહિત્યના શિખર સમા લેખકોએ લખેલા નિબંધ વાંચવામાં આવ્યા ત્યારે નિબંધના સ્વરૂપના સૌંદર્યનો અંદાજ મળી શક્યો. અલબત્ત, શાળામાં ભણતી વખતે કેટલાક શિક્ષકોએ એની ઝલક અવશ્ય આપી હતી. પણ આજના હળાહળ વ્યાપારીકરણના યુગમાં માર્કકેન્દ્રી શિક્ષણવ્યવસ્થા થઈ ગઈ હોય ત્યારે કોઈ શાળા પોતાના વિદ્યાર્થીઓને નિબંધલેખન માટે સજ્જ કરે, અને એ પણ વધુ માર્ક લાવવા માટે નહીં, તેમની વિચારસૃષ્ટિ વિસ્તરે એ માટે- તો આશ્ચર્ય થયા વિના રહે નહીં.
કલોલની 'હોલી ચાઈલ્ડ સ્કૂલ'નાં આચાર્યા હેતલબહેન પટેલનો થોડા દિવસ અગાઉ સંદેશ આવ્યો ત્યારે આવી નવાઈ ન લાગી, પણ કુતૂહલ જરૂર થયું. નવાઈ એટલા માટે ન લાગી કે આ શાળાના સંચાલક હરીશભાઈ બ્રહ્મભટ્ટ સાથે ત્રણેક વર્ષથી પરિચય છે. બે એક વખત તેમની શાળામાં જવાનું બન્યું છે, અને હરીશભાઈ ઊપરાંત તેમનાં પરિવારજનો- પત્ની વિભાબહેન અને દીકરા રાજ સાથે થોડો સમય વીતાવ્યો છે. તો હેતલબહેન તેમજ બીજા કેટલાક શિક્ષકમિત્રો સાથે પણ વાત કરવાની તક મળી છે. આથી હેતલબહેન સાથે સામાસામા સંદેશાની આપલે કરવાને બદલે અમે ફોનથી વાતચીત જ કરી. નિબંધલેખન શા માટે, શી રીતે, કોના માટે કરાવવું એ વિશે ચર્ચા થઈ. વક્તવ્યનો મૂઢ માર આમાં ન જ હોવો જોઈએ. તેના નિષ્કર્ષરૂપે છેવટે એવું તારણ નીકળ્યું કે અત્યારે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ સાથે બેઠક કરવી. પણ એક બેઠકમાં વધુમાં વધુ ત્રીસથી પાંત્રીસ જ વિદ્યાર્થીઓ. ઊપરાંત અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પણ ખરા. એ રીતે અલગ અલગ જૂથ સાથે એક દિવસમાં ત્રણ બેઠક થઈ શકે. તો પણ બીજા વિદ્યાર્થીઓ બાકી રહે. આથી બીજા દિવસે પણ આવી ત્રણ બેઠક કરવી જરૂરી. આમ, કુલ બે દિવસ મારે કલોલ રોકાવું પડે.
મારા આ રોકાણનો મહત્તમ ઊપયોગ થવો જોઈએ એમ મને થયું. એના માટે ખાસ વિચારવું ન પડ્યું. આ શાળાના મુખપત્ર 'સંપર્ક'ના એક અંકમાં હેતલબહેને લખેલું કે શાળાની વિદ્યાર્થીનીઓ શાળાના પ્રાંગણમાંના ફૂલપાંદડાં વડે રંગોળી બનાવી રહી છે. મેં એ રંગોળીની તસવીરો મને મોકલવા વિનંતી કરતાં તેમણે એ મોકલી આપી. આથી વચ્ચેના એક કલાકમાં આ દીકરીઓ સાથે કામિની વાત કરે એવા સૂચનને હેતલબહેને તરત જ સ્વીકારી લીધું. કામિનીએ બનાવેલી કેટલીક રંગોળીની તસવીરો પણ એમને મોકલી આપી હતી. આમ, આખા દિવસમાં ત્રણ મુખ્ય અને એક નાનું, એમ કુલ ચાર, અને બે દિવસના કુલ આઠ સેશનથી આખો કાર્યક્રમ ભરચક થઈ ગયો.



વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો દ્વારા બનાવાયેલી
કેટલીક રંગોળીઓના નમૂના 

હેતલબહેન અને હરીશભાઈને સામાવાળાની દરકાર લેવાની એમની સહજ વૃત્તિને કારણે સહેજ ખચકાતાં હતાં કે મારો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત થઈ જશે અને મને સમય બિલકુલ નહીં રહે. પણ હજી એક સાંજ રહેતી હતી. હરીશભાઈની ઈચ્છા કેટલાક મિત્રોને આમંત્રીને સ્નેહમિલન જેવું કંઈક રાખવાની હતી. હરીશભાઈની ફિલ્મો અને ફિલ્મસંગીતની રુચિ વિશે જાણ હોવાથી મેં સૂચવ્યું કે મિત્રોને તેઓ જરૂર નોંતરે, પણ આપણે 'નમ્બરિયા' કાર્યક્રમ રાખીએ. એમ આખા દિવસના ભરચક કાર્યક્રમ પછી સાંજે 'નમ્બરિયા'નું આયોજન રખાયું.



11 અને 12 ડિસેમ્બર એમ બે દિવસ આખા વિવિધ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું બન્યું. નામ તો અમે 'વર્કશોપ'નું આપેલું, પણ મૂળભૂત આશય તો સંવાદનો હતો. વિદ્યાર્થીઓને વિવિધ ટાસ્ક આપીને તેમની સાથે એ કરવાની મજા આવી. વિદ્યાર્થીઓ દ્વારા પૂછાતા સવાલ પણ મજાના હતા, કેમ કે, એમાં વિષયબાધ નહોતો. નિબંધલેખનની ચર્ચા થઈ, અને એમાં કેવી કેવી રીતે વિવિધ વિષયો આવી શકે એનાં ઉદાહરણ ચર્ચાયાં. સૌથી સારી વાત એ બની કે દરેક સેશનમાં વારાફરતી મિત્તલબહેન, નીલમબહેન, રીટાબહેન, ચારુબહેન, રિદ્ધિબહેન, અલકાબહેન, હેતલબહેન, અરુણભાઈ, જિજ્ઞાસાબહેન, સમીરભાઈ જેવા શિક્ષકો હાજર રહ્યાં. તેમની ઉપસ્થિતિને કારણે આખી વાત વાસ્તવદર્શી બની રહી. બીજા દિવસના સેશનમાં એક બે વિદ્યાર્થીઓ મારા વિશે ગૂગલિંગ પણ કરતા આવેલા.

આરંભિક વિષયપરિચય

ટાસ્ક વિશે ચર્ચા

એવી જ મજા રંગોળી વિશે વાત કરવાની આવી. પહેલા દિવસે ચિત્ર કરતા કેટલાક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થઈ. ઘણા પોતે બનાવેલાં ચિત્રો પણ લાવ્યા હતાં. એમાં મૂળ આશય ચિત્રકળાની મીમાંસા કરવાનો નહીં, પણ એક પ્રચલિત ઢાંચામાંથી બહાર નીકળીને કંઈક નવું કરવા માટે પ્રેરવાનો હતો. બીજા દિવસે રંગોળી કરતી વિદ્યાર્થીનીઓ સાથે કામિનીએ વાત કરી. પરંપરાગત ભાતરંગોળીને અતિક્રમીને કેવા કેવા વિષય એમાં લાવી શકાય, એ ઊપરાંત પુષ્પગોઠવણી, સુશોભન જેવી બાબતોને આદતમાં શી રીતે તબદીલ કરી શકાય એની વાત કરવાની મજા આવી. કામિની માટે આ પહેલવહેલી જાહેર વાતચીત હતી. પણ પોતે જે કરી ચૂકી છે અને કરી રહી છે એના વિશે વાત કરવાની આવે ત્યારે ખચકાટ સહજ રીતે ઓગળી ગયો.

કામિની દ્વારા રજૂઆત

11મીની સાંજના 'નમ્બરિયા' કાર્યક્રમમાં કેટલાક સ્નેહીમિત્રો ઊપરાંત રસ ધરાવતા કેટલાક શિક્ષકો પણ ઊપસ્થિત રહેલા. એકદમ અંતરંગ વર્તુળમાં ફિલ્મસંગીતના આ વણખેડાયેલા પાસાની રજૂઆતને સૌએ માણી. માણસાથી મિત્ર અનિલ રાવલ અને મહેસાણાથી જયંતિભાઈ નાયી ખાસ મળવા માટે આવ્યા અને આ કાર્યક્રમમાં પણ ઊપસ્થિત રહ્યા એનો આનંદ.

'નમ્બરિયા'ની રજૂઆત

'નમ્બરિયા' પછી હેતલબહેનના ઘેર ભોજનવ્યવસ્થા હતી. બહુ આત્મીય અને અંતરંગ વાતાવરણમાં વાતો કરતાં કરતાં સૌ જમ્યાં, કે પછી જમતાં જમતાં વાતો કરી. હજી જાણે બાકી રહી જતું હોય એમ હરીશભાઈને ઘેર પણ વિભાબહેન અને રાજ સાથે બેઠક જામી. રણછોડભાઈ સહિત અનેક મિત્રોને યાદ કર્યા.
આ બે દિવસ સૌ સાથે ગાળેલો સમય યાદગાર બની રહ્યો. 12મીએ સાંજે કલોલથી પાછા આવવા નીકળ્યા. રણછોડભાઈ શાહની 'એમિટી સ્કૂલ' સાથે પરિચય થયા પછી તેમના થકી જ અંકલેશ્વરના 'સંસ્કારદીપ વિદ્યાલય' અને કલોલની આ 'હોલી ચાઈલ્ડ સ્કૂલ'ના સંચાલકો સાથે પરિચય થયો. શાળાની કાર્યપદ્ધતિ જોવા ઊપરાંત તેના સંચાલકો સાથે વાતચીત થતી રહે છે. એ સૌને મળીને આવ્યા પછી હૃદયમાં ઊંડે ઊંડે લાગે છે કે આવા સંચાલકો છે ત્યાં સુધી મૂલ્યનિષ્ઠ શિક્ષણ સીંચાતું રહેશે. સાથે સાથે એમ પણ થાય છે કે 'આજકાલના છોકરાઓ'નો વાતે વાતે વાંક કાઢતા રહેવાના સહેલા રસ્તાને બદલે તેમની સાથે સંવાદ કરતા રહેવાનો પ્રયત્ન ચાલુ રાખવો. એનાથી આપણો આપણા પોતાના પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ ચકાસવાની તક મળે છે.
આ જરૂરિયાત નવી પેઢીને છે એથીય વધુ આપણી હોવી જોઈએ એમ પણ લાગે છે. કાર્ટૂન, કળા કે ભાષાના માધ્યમ થકી આ રીતે સંવાદ સાધવાની તક વખતોવખત મળતી રહે એનાથી ઊત્તમ શું! સાથે જ એવા સંવેદનશીલ શિક્ષકો, સંચાલકો છે જે આનું મહત્ત્વ સમજે છે એનો આનંદ!

No comments:

Post a Comment