Thursday, April 6, 2023

સુચિત્રા મેડમ નહીં, સુચિત્રા 'સર'!

 મહાબલીપુરમમાંના અમારા દિવસો સતત વાતોમાં પસાર થતા રહ્યા, જેમાં પ્રોન અને આલ્કોહોલનો સાથ હતો, તેમજ વખતોવખત એક સ્ક્રીપ્ટ બીજીથી સાવ જુદી પડતી. પરિણામે આખરમાં અમારી પાસે વાત કરવા જેવી કોઈ ઠોસ વસ્તુ ન રહી. સુચિત્રા સેન માટે વાર્તા લખવા બાબતે મારી બેચેની વધતી જતી હતી. નિરાશ થઈને હું મારે ખર્ચે દિલ્હી ઊપડ્યો. અકબર હોટેલના એક રૂમમાં મેં 'આંધી'ની સ્ક્રીપ્ટ લખી. મારા માટે ચા-નાસ્તો અને ભોજન લાવતા, અને મારા નખરા સહન કરતા હોટેલના કર્મચારી 'જે.કે.'ના નામ પરથી મેં ફિલ્મમાં સંજીવના પાત્રનું નામ પણ 'જે.કે.' રાખ્યું. અકબર હોટેલના એ રૂમમાં સુચિત્રા સેનની, સંજીવકુમારની, આર.ડી.બર્મનની 'આંધી'ની સફર આરંભાઈ. પછી અમે એ પણ ઠરાવ્યું કે કમલેશ્વરજી બન્ને વાર્તાઓને નવલકથા સ્વરૂપે લખશે.

પૂર્ણ થયેલી સ્ક્રીપ્ટ સાથે હું નિર્માતા જે.ઓમપ્રકાશને લઈને કલકત્તા ઊપડ્યો. મિસીસ (સુચિત્રા) સેનને તેમના બાલીગંજ સર્ક્યુલર રોડ ખાતેના નિવાસસ્થાને અમે મળ્યા કે તેમણે મારી સામું જોયું અને કહ્યું, 'કશી ચર્ચા નહીં, કોઈ સવાલ નહીં. હું એક પણ પ્રશ્ન નહીં પૂછું. તમે જે કહો એ સ્વીકાર્ય.' આ સાંભળીને મને અપમાનિત થવા જેવું લાગ્યું. સ્પષ્ટ હતું કે અમારી પહેલી મુલાકાત તેઓ ભૂલ્યાં નહોતાં.
પટકથા સાંભળીને તેમણે ફિલ્મ કરવાની સંમતિ આપી દીધી. મેં મલકાઈને તેમને કહ્યું, 'તમે આ ફિલ્મમાંના એકે પાત્રમાં વધઘટ કે અન્ય કોઈ ફેરફાર નહીં કરી શકો. કેમ કે, સ્ક્રીપ્ટમાં સાવ ઓછાં પાત્રો છે, અને મહિલા પાત્ર તો તમે એક જ!' મિસીસ સેનને નવાઈ લાગી, કારણ કે, અન્યોની જેમ જ તેમને પણ ખ્યાલ નહોતો આવ્યો કે ફિલ્મમાં વાસ્તવમાં એક જ મહિલા પાત્ર છે. હકીકતમાં ફિલ્મ જોયા પછી પણ ઘણાબધાએ એ નોંધ્યું નહોતું.
અમે શૂટિંગ શરૂ કર્યું કે તરત જ માથાકૂટ થઈ. તેમણે મને બધાની સામે 'સર' કહેવાનું શરૂ કર્યું. આ બાબતે તેમની સાથે વાત કરવાનું મેં નક્કી કર્યું. એ મારા કરતાં મોટાં હતાં, તો શા માટે મને 'સર' કહે? મિસીસ સેનને આમ જણાવતાં તેમણે કહ્યું, 'તમે મારા નિર્દેશક છો, અને મારે તમને 'સર' કહેવું જ જોઈએ.' મેં એમને કહ્યું કે એમ જ હોય તો હું પણ હવેથી તમને 'સર' કહીશ. એમ મારે પગલે યુનિટના તમામ સભ્યો એમને 'સર' કહીને બોલાવવા લાગ્યાં. અમારું આ સમીકરણ આજીવન જળવાયું. કાશ્મિરમાંના શૂટિંગનો કાર્યક્રમ બહુ યાદગાર રહ્યો. મારી દીકરી બોસ્કી- મેઘના ગુલઝાર ત્યારે નાની હતી અને સર તેની સાથે રમતાં. રાખીજી પણ અમારી સાથે હતાં. અમે બધાં- રાખીજી, સંજીવ, સર અને હું- અડ્ડો જમાવતાં. સંજીવ અને સર વચ્ચે ગજબનો તાલમેલ હતો.
શૂટિંગ પત્યું. અમે પહેલવહેલા રશીઝ જોયા અને આખા યુનિટ પર જાણે કે કાળો ઓછાયો ઉતરી આવ્યો. ફિલ્મ કોઈને ગમી નહીં, સરને પણ નહીં. પણ તેઓ મને મોં પર કશું કહી શકે એમ નહોતાં. આથી એટલું જ કહ્યું, 'આમ સારી બની છે. પણ મને લાગે છે કે હજી ઘણું ઉમેરાશે. સંગીત પણ આવશે.' તેમનું કહેવું હું સમજી ગયો. મેં કહ્યું, 'જુઓ, ફિલ્મ તો આ જ છે. હવે એ આનાથી જુદી કે નવી નહીં બને.' મારા કેમેરામેને મને બાજુએ બોલાવીને કહ્યું, 'આપણે સમાચારમાં જે કંઈ જોઈએ છીએ એ જ બાબત ફિલ્મમાં જોવા માટે કોઈ શું કામ જાય?' એમના મતે ફિલ્મ કોઈ વાહિયાત અખબાર કરતાં વધુ સારી નહોતી. હું એડિટિંગ ટેબલ પર પાછો ગયો અને એ પછીની ફિલ્મમાં લોકોનો રસ પુન: જાગ્રત થયો. મિસીસ સેનના તેજસ્વી અભિનય અને પડદા પર તેમની ઉપસ્થિતિ જોઈને સહુ કોઈ ચકિત થઈ ગયા.
- ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો 'Actually...I met them' પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: 'આંધી'ની રજૂઆત પછી થોડો સમય તેના પર પ્રતિબંધ મૂકાયો એ જાણીતી વાત અહીં ટાળી છે.
આ ફિલ્મમાંના ગુલઝારે લખેલાં અને આર.ડી.બર્મને સંગીતબદ્ધ કરેલાં કુલ ચાર પૈકીનાં ત્રણ ગીતો ખૂબ જાણીતાં અને લોકપ્રિય બન્યાં. આજે પણ તેનું આકર્ષણ ઓસરી શક્યું નથી.
અહીં તેનું ચોથું, પ્રમાણમાં ઓછું જાણીતું ગીત મૂક્યું છે, જે ચૂંટણીલક્ષી છે, અને તેમાં અનેક લોકો દર્શાવાયા છે. સુચિત્ર સેનનો પરદા પરનો પ્રભાવ કેવો વરતાય છે એ આ ગીતમાં બહેતર રીતે જોઈ શકાશે.


No comments:

Post a Comment