Wednesday, February 22, 2023

સાહિત્ય-બાહિત્ય (7)

 સેશન શરૂ થતાં પહેલાં

“સર, એક સેલ્ફી પ્લીઝ!”
“ઓહ શ્યોર. વ્હાય નૉટ? બટ જસ્ટ એ ક્વેશ્ચન. વ્હાય નાઉ?”
“સર, તમે આ સેશનમાં જાવ એ પછી તમારી સાથે સેલ્ફી માટે પડાપડી થઈ જશે. તો મને થયું કે ઍડવાન્સમાં....”
“સેશન? યૂ મીન અહીં ટી.એન.શેષન આવવાના છે?”
“ઓહ નો, સર! સેશન, સેશન...સેશન્સ કોર્ટ હોય છે ને એ...”
“ઓહ! ગૉટ ઈટ. મોબાઈલ સેશન્સ કોર્ટ, પેન્ડિંગ કેસિસ, પેલું શું કહે છે લોક...લૉક...અરે ભાઈ! તમે ક્યાં ચાલ્યા? સેલ્ફી લેવાનું કહેતા હતા તે?”
“જવા દો. તમે અગાઉના બિલ્ડિંગ મટીરિયલ એક્ઝિબિશનના સ્ટૉલ હજી ઉઠાવ્યા નથી, એમાં.......”
*****

સેલ્ફી વીથ સેલિબ્રેટેડ
“ઓ ભાઈ, ઓ અન્કલ! બે મિનિટ કાઢશો મારા માટે?”
“બોલોને સાહેબ! બે મિનિટ શું, બે કલાક પણ કાઢું તમે કહેતા હો તો. આજે હજી પહેલો દિવસ છે એટલે બધું ગોઠવવાનું ચાલશે. એ તો માણસો કર્યા કરશે. અને ઘરાક તો કોઈ ખાસ આવવાના નહીં આજે.”
“તમે સહેજ અહીં ઊભા રહો. પાછળ તમારા આ સ્ટૉલનું બૅનર વંચાય એ રીતે. તમારી સાથે સેલ્ફી લઈ લઈએ એક.”
“સેલ્ફી? મારી સાથે? સાહેબ, કશી ગેરસમજ થાય છે આપની. હું તો આ સ્ટૉલનો કૉન્ટ્રાક્ટર છું. કોઈ લેખકબેખક નથી. મારી સાથે આજદિન સુધી કોઈએ સેલ્ફી લીધી નથી- મારી ઘરવાળીએ પણ નહીં.”
“હવે યાર, તમે આમ ઊભા રહોને સરખા! સેલ્ફી લેખકો જોડે જ પડાવાય એવું કોણે કહ્યું? આમ ઉપર જુઓ તો...”
“સાહેબ, માફ કરજો. પણ તમારી હજી કશી ગેરસમજ થાય છે. હું તો આ સ્ટૉલનો કૉન્ટ્રાક્ટર છું.”
“અલ્યા ભઈ, તેં એક વાર કહ્યું એ સાંભળી લીધું. હવે શું એની એ રેકર્ડ વગાડ્યા કરે છે? એ તો મને ખબર છે કે તું લેખક નહીં, કૉન્ટ્રાક્ટર છું. સ્ટેટ્સમાં રહેતા મારા સાળાને ઓછી ખબર છે?”
“હજી ન સમજ્યો, સાહેબ!”
“એટલે જ તું કૉન્ટ્રાક્ટર છો. ઇંગ્લિસ વાંચતા આવડે છે?”
“સાહેબ, અમારે ટેન્ડર ભરવાનાં એટલે એ તો પહેલું શીખવું પડે.”
“સારું. જો આ વાંચ જોઈએ. મારા ફોનમાં મેં શું લખ્યું ?”
“હં....At Book fair. Feeling great with a celebrated Gujarati Writer.”
*****
આવા અનેક પ્રસંગ ધરાવતી, 'અનપ્લગ્ડ' નામની ફેસબુક શ્રેણીનો આરંભ જ અમદાવાદમાં યોજાયેલા પુસ્તકમેળા વખતે થયેલો. એ 'શ્રેણી' બનશે કે કેમ એ પણ ખબર નહોતી. છતાં પુસ્તકમેળો ચાલ્યો એટલા પાંચેપાંચ દિવસ અહીં વિવિધ સંવાદપ્રસંગો લખવામાં આવ્યા. આ કારણે 'સાહિત્ય-બાહિત્ય' પુસ્તકમાં 'પુસ્તકમેળા'નો પણ અલાયદો વિભાગ રાખવો એ નક્કી હતું. આમ, લેખક-વાચક, પ્રકાશક, ઈનામ-સન્માન સમારંભ, લિટફેસ્ટ ઉપરાંંતનો ચોથો વિભાગ એટલે 'પુસ્તકમેળો'. સાવ શરૂઆતમાં એમ વિચાર્યું હતું કે જે તે વિભાગ શરૂ થાય એટલે આરંભે એ વિભાગનો પરિચય આપતું એકાદું અવળચંડું વાક્ય મૂકવું. જો કે, વિભાજક પર કાર્ટૂન મૂકવાનું નક્કી કર્યું એટલે અવળચંડું વાક્ય લખવાનો વિચાર બાજુએ રહ્યો. હવે સવાલ આવ્યો કે 'પુસ્તકમેળો' વિભાગના વિભાજક પર કયું ચિત્ર બનાવવું?
બહુ વિચારવું ન પડ્યું. 'મેળો' શબ્દ સાંભળતાં તીણો અવાજ ધરાવતાં પિપૂડાં સૌથી પહેલાં યાદ આવે. બસ, એ વિચારને વિકસાવીને તેમાં 'મેળા' સાથે સંલગ્ન અન્ય બાબતો ઉમેરી. કદાચ 'જોકર' જોઈને કોઈને સર્કસ યાદ આવે, પણ પિપૂડું વગાડતો, અને ફુગ્ગા વેચવા માટે હોય છે એવી ફ્રેમમાં પુસ્તકો વેચતો જોકર 'મેળા'નો આભાસ કરાવે એમ લાગ્યું.
અહીં 'સાહિત્ય-બાહિત્ય' પુસ્તકના વિભાજક 'પુસ્તકમેળો' માટે બનાવેલું મૂળ કાર્ટૂન અને પુસ્તકમાં ઉપયોગમાં લેવાયેલું એ પૃષ્ઠ મૂકેલાં છે.
વિભાજક માટેનું મૂળ ચિત્ર 

પુસ્તકમાં ચિત્રનો ઉપયોગ 


('સાહિત્ય-બાહિત્ય' પુસ્તક મંગાવવા માટે વૉટ્સેપ નં. 98252 90796, કિંમત રૂ. 130/, વળતર સાથે 120/, પોસ્ટેજ ફ્રી, પૃષ્ઠસંખ્યા: 120)

Tuesday, February 21, 2023

અર્પણ, તર્પણનો આનંદ

સંગીતકાર ઈલૈયા રાજાએ કોઈક ઈન્ટરવ્યૂમાં કહ્યું હોવાનું યાદ છે કે તમે જે ફિલ્મને 'ભંંગાર' ગણીને કાઢી નાખો છો એ ફિલ્મ અમારે આઠ-દસ વાર જોવી પડતી હોય છે. ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા હોવાને કારણે આ તબક્કો અનિવાર્ય બની રહે છે. આ જ બાબત પુસ્તકને અમુક હદે લાગુ પાડી શકાય. પ્રકાશન થાય એ અગાઉ નિર્માણ પૂર્વેના વિવિધ તબક્કામાંથી પુસ્તક પસાર થાય છે અને દર વખતે એ વાંચવું પડે છે. એટલું ખરું કે એ બાબતને પુસ્તકની ગુણવત્તા સાથે કશી લેવાદેવા હોતી નથી, કેમ કે, પુસ્તક પ્રકાશન થાય એ અગાઉ એ લેખકના મનમાં તૈયાર થઈ ચૂક્યું હોય છે.

પુસ્તક સામાન્ય રીતે અર્પણ કરવાની પરંપરા છે. આમ તો એ ઔપચારિકતા છે, જેનું મૂલ્ય ભાવનાત્મક વધુ છે. અર્પણ કરનાર અને જેને અર્પણ કરાયું છે એ બે માટે તે વિશેષ મહત્ત્વ ધરાવે. એ ઘણી વાર પુસ્તકના વિષય અનુસાર હોય તો ક્યારેક ભાવનાત્મક અનુસંધાન મુજબ હોય, પણ લેખકની એ સાવ અંગત લાગણી હોય છે.
વ્યાવસાયિક ચરિત્રલેખન ક્ષેત્રે કાર્યરત હોવાથી મારા ભાગે ઘણી વાર પુસ્તકોનું નિર્માણ સંભાળવાનું આવ્યું છે. એ કામ મને સોંપવામાં આવેલું હોવાથી તેમાં વધુ ચીવટ રાખવી પડતી હોય. હસ્તપ્રત ફાઈનલ થયા પછી એના પર જેટલા સંસ્કાર થાય એ થયા પછી હસ્તપ્રત લગભગ આખી વાંચવી પડતી હોય છે, અને એ પણ માથે સાવ ટૂંકી ડેડલાઈનમાં. માનસિક રીતે આ પ્રક્રિયા કંટાળાજનક અને અમુક વાર થકવી નાખનારી હોય છે, છતાં એમાં ચૂક થાય એ ચાલે નહીં. આ પ્રકારનાં પુસ્તક ભલે લખ્યાં હોય મેં, પણ આખરે એ મને સોંપાયેલાં વ્યાવસાયિક કામ હોવાથી એનું અર્પણ એ કામ સોંપનારની ભાવના મુજબ થાય એ સ્વાભાવિક છે. સામાન્ય સંજોગોમાં એ અંગેનું સૂચન હું કરતો હોઉં છું.
મને અર્પણ થયું હોય એવું પહેલું પુસ્તક ઉર્વીશ કોઠારીનું પણ પહેલવહેલું પુસ્તક 'સરદાર: સાચો માણસ, સાચી વાત' હતું. એ પછી રજનીકુમાર પંડ્યાએ ઉર્વીશને અને મને સંયુક્તપણે બે પુસ્તક અર્પણ કરેલાં. 'શબ્દઠઠ્ઠા' અને થોડા સમય પહેલાં પ્રકાશિત 'ફિલ્માકાશ.'
પણ મારું પોતાનું પુસ્તક હોય ત્યારે? એ હકીકત છે કે વ્યાવસાયિક ધોરણે પચાસેક પુસ્તક/પુસ્તિકાઓ લખવા છતાં મારાં પોતાનાં કહી શકાય એવાં પુસ્તકની સંખ્યા ગણીને ચાર જ છે. 'ગુર્જરરત્ન', 'સળી નહીં, સાવરણી', 'હોમાય વ્યારાવાલા' અને હમણાં પ્રકાશિત 'સાહિત્ય-બાહિત્ય'. આ તમામ 'સાર્થક પ્રકાશન' દ્વારા પ્રકાશિત છે. 'ગુઝરા હુઆ ઝમાના' અને 'સાગર મુવીટોન' મને અતિ પ્રિય હોવા છતાં મને સોંપાયેલાં કામ હતાં.
'ગુર્જરરત્ન' પુસ્તકમાં વિવિધ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતીઓની લીધેલી મુલાકાત પર આધારિત લેખો છે. આમ તો વ્યક્તિચિત્રોના લેખનમાં મારી પ્રેરણારૂપ રજનીકુમાર પંડ્યાનું નામ સહજપણે જ સૂઝે, પણ કુકેરી (દક્ષિણ ગુજરાત)નાં વાચક ડાહીબહેન પરમારને મેં એ પુસ્તક અર્પણ કરેલું. એ લેખો 'અહા!જિંદગી' માસિકમાં પ્રકાશિત થતા ત્યારે જ ડાહીબેને મને એનું પુસ્તક કરવાનું સૂચન કરેલું, એટલું જ નહીં, એ માટેનો તમામ ખર્ચ પોતે ભોગવશે એમ જણાવેલું. એ વખતે 'સાર્થક પ્રકાશન'નું અસ્તિત્વ નહોતું. આ પુસ્તક 'સાર્થક' દ્વારા પ્રકાશિત થયું ત્યારે ડાહીબહેનનો સ્વર્ગવાસ થયેલો, છતાં એ પુસ્તક તેમને જ અર્પણ કરવા બાબત મારા મનમાં સહેજે અવઢવ નહોતી.
'ગુર્જરરત્ન' પુસ્તકનું અર્પણપૃષ્ઠ 

હાસ્યલેખોનું મારું પુસ્તક 'સળી નહીં, સાવરણી' પ્રકાશિત થયું, જેમાં વિવિધ વિષયો પરના ટૂંકા હાસ્યલેખોનો સમાવેશ હતો. એના અર્પણ બાબતે પણ મારા મનમાં પહેલેથી સ્પષ્ટતા હતી. અમેરિકન હાસ્યવ્યંગ્યનું સામયિક 'મૅડ' વાંચીને મારી રમૂજવૃત્તિ પાકટ બની હતી. આ સામયિકના માસ્કોટ એવા આલ્ફ્રેડ ઈ. ન્યુમનને એ પુસ્તક અર્પણ કર્યું હતું.
'સળી નહીં, સાવરણી'નું અર્પણપૃષ્ઠ 

ત્રીજું પુસ્તક હોમાય વ્યારાવાલા કોને અર્પણ કરવું એ પણ પહેલેથી સ્પષ્ટ હતું. હોમાયબહેન સાથે મારી નિકટતા સ્થપાઈ એમાં મહત્ત્વનું પ્રદાન મારી જીવનસંગિની કામિનીનું રહ્યું. આથી એ પુસ્તકનું અર્પણ તેને કરવામાં આવ્યું.
'હોમાય વ્યારાવાલા' પુસ્તકનું અર્પણપૃષ્ઠ 

હવે વાત હમણાં જ પ્રકાશિત થયેલા ચોથા પુસ્તક 'સાહિત્ય-બાહિત્ય'ની. આ પુસ્તકમાં પૃષ્ઠભૂમિ બૃહદ અર્થમાં સાહિત્યની છે, પણ તેના કેન્દ્રમાં શું છે? હાસ્યવ્યંગ્ય ખરાં, પણ આમ જુઓ તો નરી મસ્તી, ટાંગખિંચાઈ, ટોળ વગેરે...આવી મસ્તી અમુક મિત્રો સાથે જ થઈ શકે. કૉલેજકાળમાં કે હોસ્ટેલમાં રહેતા હોઈએ અને જે રીતની બેફામ ફટકાબાજી થાય એવું જ કંઈક આ પુસ્તકમાં છે. આથી સ્વાભાવિકપણે જ જેમની સાથે એ સતત થતી હોય અને હજી થતી રહે છે એવા મારા મિત્રો યાદ આવે. ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ (આઈ.વાય.સી.) નામનું અનૌપચારિક સંગઠન એટલે મહેમદાવાદના મારા શાળાકાળના ગોઠિયાઓ. ઘણી વાર મજાકમાં હું કહું છું કે 'આઇ.વાય.સી.'માંથી હવે માત્ર 'સી.' (ક્લબ) જ રહ્યો છે. મતલબ કે હળવુંમળવું અને ખાણીપીણી. કેમ કે, 'ઈન્ટેલિજન્ટ' હોવાનો ભ્રમ ભાંગી ગયો છે, અને 'યુથ' વીતી ચૂક્યું છે. આવી મસ્તીઓ જે ટોળકી સાથે સતત ચાલતી રહેતી હોય એવી આ મિત્રમંડળીને 'સાહિત્ય-બાહિત્ય' અર્પણ કરવાનું નક્કી કર્યું. એમાંના ઘણાને સાહિત્ય સાથે ખપપૂરતી લેવાદેવા, પણ બેફામ ફટકાબાજી આ પુસ્તકનું પ્રમુખ લક્ષણ અને અમારી મંડળીનું પણ. આથી એ તમામ મિત્રોને એ અર્પણ કર્યું. મિત્રપત્નીઓ અને મિત્રસંતાનો એટલાં જ અંગત અને પ્રિય હોવા છતાં એમનો સમાવેશ આમાં કર્યો નથી, કેમ કે, મિત્રોની શાળાકાળની અવસ્થા આમાં ધ્યાને લીધેલી છે.
'સાહિત્ય-બાહિત્ય' પુસ્તકનું અર્પણપૃષ્ઠ 

('સાહિત્ય-બાહિત્ય' પુસ્તક મંગાવવા માટે વૉટ્સેપ નં. 98252 90796, કિંમત રૂ. 130/, વળતર સાથે 120/, પોસ્ટેજ ફ્રી, પૃષ્ઠસંખ્યા: 120)

Monday, February 20, 2023

સાહિત્ય- બાહિત્ય (6)

 વધેલાનો કરીએ વઘાર

“આ વખતે એકસો ઓગણપચાસ કૃતિઓનાં જ નામ આવ્યાં છે અને જાહેર થયેલા પુરસ્કારોની સંખ્યા એકસો ચોર્યાશી છે. ભારે મૂંઝવણ છે. એક કૃતિને કંઈ બે ઇનામ તો અપાતાં નથી! તો વધેલાં ઇનામોનું શું કરીશું?”
“આપણા બધાનાં પુસ્તકો જ્યાં છપાય છે એ ‘આર્ટિસ્ટિક પ્રિન્ટિંગ પ્રેસ’ના ટીકુભાઈને ઇનામ આપીએ તો કેવું? આમ જોઈએ તો સાહિત્યસર્જનમાં એમનું પ્રદાન પણ કહેવાય જ ને?”
“ટીકુભાઈ? ઓહ! ધેટ્સ ગ્રેટ! પણ એ તો એક જ ઇનામ થયું ને! ચાલો, જરા લિબરલ બનીએ તોય એમના પ્રેસનો સ્ટાફ પંદરનો ગણો. હવે બાકીના ઓગણીસનો મેળ કેમનો પાડીશું?”
**** **** ****
આ અને આવા અનેક સંવાદપ્રસંગો 'સાહિત્ય-બાહિત્ય' પુસ્તકના 'ઈનામ, સન્માન સમારંભ, લિટફેસ્ટ' વિભાગમાં છે. સાહિત્યનાં વિવિધ ઈનામ ઘોષિત થાય એની પાછળની પ્રક્રિયા શી હોય છે, લિટફેસ્ટમાં કેવી કેવી પરિસ્થિતિઓ હોઈ શકે, અને સન્માન સમારંભમાં કેવા સીન સર્જાય- આ બધા પર વ્યંગ્ય કરતાં પ્રસંગો હોવાથી પુસ્તકના આ ખંડનું વિભાજક/સેપરેટર શું રાખવું એ વિચારવાનું હતું. સાવ ઉભડક, કશા ધોરણ વિના, અને અધ્ધરતાલ પસંદગી થાય છે એ મૂળ વિચાર મનમાં ખરો, પણ એને ચિત્ર દ્વારા શી રીતે દર્શાવવો એ વિચારવાનું હતું.
પહેલો યાદ આવ્યો મેળામાંનો રિંગ ફેંકવાનો સ્ટૉલ. સામે વિવિધ વસ્તુઓ પડેલી હોય અને અમુક અંતરે ઊભા રહીને રિંગ ફેંકવાની. એ રિંગ જે વસ્તુ પર પડે એ આપણી. આમાં સામે વિવિધ પુસ્તકો બતાવવાં એમ વિચાર્યું અને એ મુજબનું ચિત્ર બનાવ્યું. 
આ ચિત્ર, જે પછી રદ કર્યું

જો કે, એ બનાવ્યા પછી વિચાર આવ્યો કે રિંગ ફેંકતી વખતે એ ફેંકનાર અમુક વસ્તુને તાકીને ફેંકે છે, પછી ભલે ત્યાં સુધી રિંગ ન પહોંચે. બીજી રીતે કહીએ તો પસંદગી કરનારના મનમાં પોતાનું એક 'ધોરણ' હોય છે. અને એનો પ્રયત્ન એ માટેનો હોય છે. મારે આ શક્યતા પણ નહોતી દેખાડવી. આથી રિંગવાળું ચિત્ર રદ કર્યું. એ ચિત્ર બરાબર બન્યું નહોતું, પણ એ તો સરખું થઈ શકે એમ હતું. પણ એ પછી મારા વિચારને અનુરૂપ વધુ સચોટ ચિત્ર બનાવ્યું.

મૂળ ચિત્ર 

પુસ્તકમાં આ ચિત્રનો ઉપયોગ 

('સાહિત્ય-બાહિત્ય' પુસ્તક મંગાવવા માટે વૉટ્સેપ નં. 98252 90796, કિંમત રૂ. 130/, વળતર સાથે 120/, પોસ્ટેજ ફ્રી, પૃષ્ઠસંખ્યા: 120)

Sunday, February 19, 2023

સાહિત્ય- બાહિત્ય (5)

 "સર, આપના આ પુસ્તક 'સાહિત્ય-બાહિત્ય' વિશે કંઈક કહેશો?"

"અફ કોર્સ! જુઓ, એની છાપેલી કિંમત 130/રૂ. છે, પણ વળતર અને પોસ્ટેજ સાથે રૂ. 120/માં એ મળી શકે છે અને એને 98252 90796 નંબર પર વૉટ્સેપ દ્વારા મંગાવી શકાય છે. ઈઝ ધેર એનીથિંગ યુ વોન્ટ મોર?"
"ઓહ, સર! આપ પણ...આ કંઈ ટી.વી.પર ડીબેટ નથી કે આપ આપનો એજેન્ડા જ ચલાવ્યે રાખો. મારું એમ પૂછવું હતું કે એ પુસ્તક શેના વિશે છે, એનો શો વિષય છે, આપની સર્જનપ્રક્રિયા....ઓકે. ચાલો. મને બે વાક્યોમાં કહો કે એ પુસ્તક મારે શા માટે ખરીદવું જોઈએ."
"બસો-અઢીસો રૂપિયાનો ગમે એવો પીત્ઝા ખાઈને પેટ બગાડવા કરતાં માત્ર એકસો ને વીસ રૂપિયામાં મગજ બગાડવું સારું. અને એય તે ઘેરબેઠે. ઓકે?"
"સર, યુ ક્રોસ્ડ ધ લિમિટ. આપે ત્રણ વાક્યોમાં જવાબ આપ્યો. 'ઓકે' પણ સ્વતંત્ર વાક્ય જ ગણાય."
"ભઈ, તું મારી લિમિટ બતાવવાને બદલે તારી લિમિટમાં રહે ને? ચાલ, તું મને કહે કે તું આ પુસ્તક શા માટે ખરીદે? વાક્યોની કોઈ લિમિટ નથી, ઓકે?"
"પહેલું કારણ તો એ કે એક ચોપડી ખરીદવાથી હું કેટલા બધા પરિવારોને સપોર્ટ કરું છું. લેખક, પ્રકાશક, પ્રિન્ટર, બાઈન્ડર, વિક્રેતા, પેકેજિંગ કરનાર, કુરિયરવાળો....એન્ડ મેની મોર!"
"હેં????"
"હજી સાંભળો તો ખરા. એકસો વીસ રૂપિયાની વેલ્યુ શું આ જમાનામાં? સાહેબ, ગાયોને લીલું ઘાસ નાખવા જઈએ ને તો એનો પૂળોય દોઢસોનો આવે છે. અને એમાંય અડધું ઘાસ સૂકું હોય. હવે સાહેબ, મને તો મારા ખાનદાનમાંથી જ સંસ્કાર મળેલા છે કે આપણે કમાય એટલું પુણ્ય કમાઈ લેવું. સાહેબ, તમે જ કહો. આ ભાવે આટલું પુણ્ય મળે તો કોઈ છોડે?"
"..............."
"હેલો! એકસો આઠ? અહીં એક ભાઈ પડ્યા છે. ના, ના. કોઈએ ટક્કર નથી મારી. લોહીબોહી નથી નીકળ્યું. ઈન્ટર્નલ ઈન્જરી લાગે છે...ઓકે, સાત-આઠ મિનીટમાં ને? ફાઈન. એન્ડ વન મોર થિંગ! એકસો ને વીસ રૂપિયા છૂટા રાખજો."

Saturday, February 18, 2023

સાહિત્ય-બાહિત્ય (4)

હાસ્યવ્યંગ્યકેન્દ્રી આ પુસ્તકમાં ટૂંકા કે લાંબા લેખો નથી, પણ વિવિધ પરિસ્થિતિઓ છે, જેનું નિરૂપણ સંવાદસ્વરૂપે કરાયું છે. સંવાદ લાંબા કે ટૂંકા હોઈ શકે. એ બોલનારનાં નામ કે અન્ય ઓળખ અપાઈ નથી, એટલે વાંચનારે એ ઓળખ ધારી લેવાની છે.

તમામ સંવાદપ્રસંગોને એમાં કેન્દ્રિત મુખ્ય પાત્રનાં લક્ષણ કે વિષય અનુસાર ચાર વિભાગમાં વહેંચી દેવામાં આવ્યાં છે. આ ચાર ઉપરાંંત પાંચમો વિભાગ પ્રતિગીત (પેરડી)નો છે, જેમાં આ જ વિષય આધારીત પ્રતિરચનાઓ મૂકેલી છે.
પુસ્તકની અનુક્રમણિકા 

મારે આ પાંચે વિભાગ શરૂ થાય એનાં વિભાજક પર એવું કશુંક વ્યંગ્યાત્મક રીતે બતાવવું હતું કે જે એ વિભાગની ઝલક આપે. લેખક-વાચક વિભાગના વિભાજક વિશે અગાઉની પોસ્ટમાં જણાવ્યું. એ જ રીતે હવે વારો હતો પ્રકાશક વિભાગનો. મારે એક પણ સંવાદ વિના પ્રકાશકને, તેની માનસિકતાને વ્યંગ્યાત્મક રીતે દર્શાવવી હતી. બીજાં કોઈ પાત્રોને પણ ચીતરવાં નહોતાં. આથી આ ચિત્ર વિશે વિચારવું અઘરું હતું. અનેક બાબતો વિચારતાં આખરે અહીં મૂકેલું વ્યંગ્યચિત્ર ફાઈનલ કર્યું.
મૂળ ડ્રોઈંગ 
આ ચિત્રમાં શું છે? ચિત્ર સ્વયંસ્પષ્ટ છે, છતાં એના વિશે વાત કરું. બગીચામાં સામસામા બેસીને રમત રમવા માટેનું 'ઉંચકનીચક' અથવા 'ચીચુડો' એમાં મુખ્ય પાત્ર છે. આ ચીચુડાની બન્ને તરફ અલગ અલગ વજન ધરાવતી વ્યક્તિ બેસે તો એ ઉંચુંનીચું થાય. આથી ચીચુડાની એક તરફ પ્રકાશક દ્વારા પ્રકાશિત પુસ્તકોનો ઢગ મૂકેલો બતાવ્યો. આ ઢગ કેટલો ઊંચો છે? એ સંદર્ભ બતાવવા માટે નાળિયેરીનું ઝાડ અને ઉપર વાદળ પણ બતાવ્યાં. સ્વાભાવિક છે કે વાદળો સુધી પહોંચતો પુસ્તકોનો ઢગ હોય તો ચીચુડાનો એ ભાગ નીચો જ રહે. એને ઉંંચે લઈ જવા માટે સામા છેડે પુષ્કળ વજન મૂકવું પડે. પ્રકાશકે માત્ર પોતાના એક પગનો પંજો મૂકેલો છે, અને સામા છેડે મૂકાયેલા પુસ્તકોના ઢગવાળું પડખું આખું ઉંચકાઈ ગયેલું છે. પ્રકાશક 'વી ફૉર વિક્ટરી'ની સંજ્ઞા બતાવે છે.
બસ, આનું અર્થઘટન વાચકો પર!
'પ્રકાશક'ના વિભાજક પર ઉપયોગ 
('સાહિત્ય-બાહિત્ય' પુસ્તક મંગાવવા માટે વૉટ્સેપ નં. 98252 90796, કિંમત રૂ. 130/, વળતર સાથે 120/, પોસ્ટેજ ફ્રી, પૃષ્ઠસંખ્યા: 120)

Friday, February 17, 2023

વાત એક પુસ્તકની સર્જનપ્રક્રિયાની ( = પુસ્તકપ્રચારનો એક નુસખો)

 તાજેતરમાં પ્રકાશિત મારા પુસ્તક 'સાહિત્ય-બાહિત્ય' બાબતે ખૂણેખૂણેથી પૂછપરછ આવી રહી છે. ( = લોકો ખૂણે ભરાઈ ગયા છે અને પૂછી રહ્યા છે કે આ પુસ્તક વિશે લખાતું બંધ થાય ત્યારે અમને જાણ કરજો) આ અનન્ય અને અભૂતપૂર્વ વ્યંગ્યપુસ્તક બાબતે બે શબ્દો કહેવા અસ્થાને નહીં ગણાય. ( =સીદીબાઈને સીદકાં વહાલાં) અસલમાં અમદાવાદમાં 2015માં યોજાયેલા પુસ્તકમેળા વખતે સાવ અનાયાસે આ પુસ્તકનું બીજ રોપાયું હતું. પુસ્તકમેળામાં ઊભી થતી કેટલીક પરિસ્થિતિઓ વિશે કાલ્પનિક સંવાદો લખવાનો આરંભ કર્યો ત્યારે એમ વિચાર્યું કે એને કશુંક શિર્ષક આપવું. ઝાઝું વિચાર્યા વગર એને નામ આપ્યું 'અનપ્લગ્ડ'. એ વખતે મનમાં એમ કે એકાદ બે દિવસ આવી મસ્તી કરીશું. પણ ધીમે ધીમે એમાં મઝા પડવા લાગી. એટલે એ લખાતું ગયું. એ પુસ્તકમેળો તો પૂરો થયો, પણ પછી બીજા વરસે એ આવ્યો ત્યારે લોકોએ 'અનપ્લગ્ડ'ને યાદ કર્યું. ( = કોઈ પણ સર્જનપ્રક્રિયાને પબ્લિક ડિમાન્ડ સાથે જોડવાથી વજન પડે.) ત્રણ-ચાર વરસ પુસ્તકમેળા દરમિયાન આ દોર ચાલ્યો એ પછી મેં આ તમામ લખાણને ભેગા કર્યા. તેને લેખક, વાચક, પ્રકાશક, ઈનામ- પુરસ્કાર, પુસ્તકમેળો એમ વિવિધ શિર્ષક મુજબ વિભાજીત કર્યા અને 'સાર્થક પ્રકાશન'ના અધિષ્ઠાતાઓ અને કેટલાક મિત્રોને મોકલી આપ્યા. ( = તમને હીરાની પરખ ન હોય તો હીરાને સ્વમુખે 'લાખ હમારા મોલ' કહેવાનો વાંધો નથી.) તીક્ષ્ણ વ્યાવસાયિક સૂઝ ધરાવતા કાર્તિક શાહ અને તીવ્ર રમૂજવૃત્તિનાં માલકણ હેતલ દેસાઈએ એ વાંચીને તરત કહ્યું, 'આનું પુસ્તક કરો.' ( = તીર નિશાને લાગ્યું.) જો કે, એ પછી એમાં ઘણો વિલંબ થયો. ( = એક સાથે બબ્બે જણ શૂળી પર ચડવાનું કહે ત્યારે ઉતાવળ ન કરવી.) આખરે ઘણા અંતરાલ પછી આ પુસ્તક આપના હાથમાં છે. (=તમે મંગાવો, ભઈશાબ, તો જ એ તમારા હાથમાં આવશે.)

જો કે, આ પુસ્તકમાં 'વિભાજક'/સેપરેટર પર પ્રતીક વ્યંગ્યચિત્ર મૂકવાં એમ મને હતું. ( =બહુવિધ પ્રતિભાનું દર્શન કરાવવાની લાલચથી કોણ બચી શક્યું છે?) એ મુજબ, પહેલો વિભાગ 'લેખક-વાચક'નો છે. આ પુસ્તકનો કેન્દ્રવર્તી ધ્વનિ વ્યંગ્યનો હોવાથી એવું કયું ચિત્ર બનાવવું એ વિશે મથામણ ચાલી. અનેક ચિતરામણ થયાં. આખરે માઈકેલ એન્જેલો મદદે આવ્યા. ( =મોટાં નામ છાંટવાથી વાચકો પર વજન પડતું હોય છે.) તેમનું બનાવેલું જગવિખ્યાત ફ્રેસ્કો 'The creation of Adam'માં એવી કલ્પના છે કે શ્વેત દાઢીવાળા ઈશ્વર પોતાના જમણા હાથની પહેલી આંગળીને આદમના ડાબા હાથની પહેલી આંગળીનો સ્પર્શ કરીને તેનામાં જીવનચેતનાનો સંચાર કરે છે.


આખું ભીંતચિત્ર અતિ જાણીતું છે, પણ માત્ર સામસામા બે હાથ દર્શાવતો તેનો અંશ સુદ્ધાં વિખ્યાત છે. અનેક સ્થળે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બસ, આ સામસામા બે હાથવાળા વિચાર પર કામ શરૂ કર્યું. ( =વ્યંગ્યના પુસ્તકમાં વિદ્વત્તાનો ભાર ખાસ વરતાવો જોઈએ.)



ઘણા લેખકો પોતાને 'દિવ્ય' શક્તિ ધરાવતા માનતા હોય છે, તો અમુક લેખકો એમ માને છે કે પોતે લખતા નથી, પણ કોઈક અદૃશ્ય શક્તિ પોતાને લખાવે છે. ( = 'ઘણા' અને 'અમુક' એટલે બધા જ, પણ આવી છટકબારી રાખવી જરૂરી, જેથી કોઈ વાંધો ઉઠાવે તો કહેવાય કે તમે અપવાદ છો.) આથી પોતે જો વાચકોને પોતાનું કોઈ પુસ્તક ભેટરૂપે આપે તો વાચકો કૃતકૃત્યતા અનુભવે. વાચકો પણ જાતભાતના હોય છે. એમના મનમાં લેખક વિશે ચિત્રવિચિત્ર કલ્પનાઓ હોય છે. ( = લેખક ગમે એ હોય, પુસ્તક પર વળતર મળવું જોઈએ.) બસ, એક વાર આ લાઈન પર વિચારવાનું શરૂ થયું એટલે અનેક વિચાર સૂઝતા ગયા. આખરે એક વિચાર ફાઈનલ કર્યો.


અહીં ચિત્રમાં માઈકેલ એન્જેલોનું મૂળ ચિત્ર, એનો હાથવાળો અંશ અને એના પરથી પ્રેરિત મેં બનાવેલું અને પુસ્તકમાં મૂકેલું વ્યંગ્યચિત્ર મૂકેલું છે. ( = માત્ર અભિનંદન આપીને કે વખાણ કરીને વાત પૂરી ન કરશો, પણ પુસ્તકની આ જાહેરાત માનજો.)


આ પુસ્તકના કુલ પાંચ વિભાજક છે, એ પૈકીના સૌ પ્રથમ વિભાજકની કથા અહીં કરવામાં આવી છે. આપ સૌ સુજ્ઞ છો, આથી વધુ લખવું નથી. ( = મૂળ કારણ એ કે લખાણ લાંબું થઈ જાય.)
પુસ્તક હજી 'સાર્થક પ્રકાશન'ની વેબસાઈટ પર મૂકાયું નથી. ( = પ્રકાશકે બિચારાએ પરાવલંબી હોવાનો પુરાવો આપવો રહ્યો.) ત્યાં સુધી તેને વૉટ્સેપ નંબર 98252 90796 દ્વારા મંગાવી શકાશે. ( = આ નંબર કાર્તિકભાઈનો છે. એમનેય ખબર પડવી જોઈએ કે પુસ્તકનું સૂચન આપવું સહેલું છે, પણ વેચવું અઘરું છે.) કિંમત રૂ. 130/ છે, પણ વળતર અને પોસ્ટેજ ફ્રી સહિત એ માત્ર 120/માં મળશે. ( = લાખ રૂપિયાની વસ્તુ હોય તો પણ 'માત્ર' શબ્દ વપરાય છે.)

Thursday, February 16, 2023

મંકોડાની વર્ષગાંઠે

 આજે મિત્ર મયુર પટેલનો જન્મદિવસ છે. 

મયુર એટલે મહેમદાવાદના અમારા શાળાકાળના ગોઠિયાઓના અનૌપચારિક સંગઠન 'ઈન્‍ટેલિજન્‍ટ યુથ ક્લબ' (આઈ.વાય.સી.)માંનો એક. મયુર અને હું ત્રીજા ધોરણમાં ભેગા થયેલા, એ પછી ચોથા ધોરણમાં જુદા પડ્યા. પાંચમાથી બારમા ધોરણ સુધી, વચ્ચેના એક નવમાને બાદ કરતાં અમે સાથે જ હતા. 

એ બારમામાં હતો ત્યારે એના પપ્પા નટવરકાકાનું અવસાન થયું. એ વરસે બારમાની પરીક્ષા માટે મયુર, પ્રદીપ અને મેં મણિનગર સેન્‍ટર ભરેલું. મયુર પ્રદીપની સાથે પ્રદીપના મામાને ત્યાં ઉતરેલો અને હું મારા મામાને ત્યાં. અમારો નંબર દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં આવેલો. સવારના એ બન્ને જણા રીક્ષામાં નીકળતા અને વચ્ચેથી હું જોડાતો. એ વખતે બારમા ધોરણમાં દિવસના બે પેપર રહેતા. વચ્ચે મળતા એક કલાકના બ્રેકમાં મારાં મમ્મી, મારા મામાના દીકરા રાજેશભાઈ સાથે એમના સ્કૂટર પાછળ બેસીને આવતાં અને અમારા માટે ચા-નાસ્તો લાવતાં. સાંજના સમયે પેપર પત્યે અમે ત્રણે જણ ચાલતા પાછા આવતા. બારમા ધોરણ પછી અમારી મંડળીના બીજા સભ્યો વિપુલ, ચોકસી, તુષારની જેમ મયુર પણ વિદ્યાનગરમાં ડિપ્લોમા ઈન મિકેનીકલ એન્‍જિ. ભણ્યો. 

મયુરના અક્ષર ઘણા સારા. એની પર અમે ઘણી વાર મજાક કરતા. એક વાર એને એ.ટી.કે.ટી. આવી ત્યારે અમે અહેતા કે એના માટે કારણભૂત એના અક્ષર છે. એ શી રીતે? સારા અક્ષર જોઈને પરીક્ષકને આખો જવાબ વાંચવાનું મન થાય, અને એ જવાબ વાંચવા જાય ત્યારે એમાં ગપ્પાં માર્યાં હોય. એના અક્ષરની બીજી એક રમૂજ એનાં મમ્મી ઈન્‍દીરામાસીએ કરેલી, જેઓ પોતે કન્યાશાળામાં શિક્ષિકા રહી ચૂકેલાં. મયુરે પોતાના લગ્ન વખતે જરૂરી ચીજોની યાદી પોતાના અક્ષરમાં બનાવેલી. એ યાદી ઈન્‍દીરામાસીના હાથમાં આવી હશે. અમે એક વાર એમને ત્યાં ગયા એટલે તેમણે યાદીમાંની એક ચીજ પર આંગળી મૂકી અને હસીને કહ્યું, 'જુઓ, આ તમારા ભાઈબંધે શું લખ્યું છે!' એમાં 'દળેલી સૂંઠ'ને બદલે 'દળેલી સૂંઢ' લખેલું હતું. 

મયુરનાં મમ્મી તેમજ માસી, મામાની રમૂજવૃત્તિ તીવ્ર. એકદમ સપાટ ચહેરો રાખીને તેઓ કોઈક નીરિક્ષણ જણાવે કે કશીક ટીપ્પણી કરે ત્યારે સામેવાળાથી ખડખડાટ હસ્યા વિના રહેવાય જ નહીં. મયુરમાં એ લક્ષણ અમુક અંશે ઉતરી આવ્યું જણાય. 

મયુરના બન્ને મામાઓ વરસોથી યુ.કે. સ્થાયી થયેલા. તેનાં મમ્મી ઈન્‍દીરામાસીનો પણ બ્રિટીશ પાસપોર્ટ. આથી મયુરને પહેલેથી 'લંડન' પોતાના વતન જેવું લાગે એમ અમે માનતા. સાવ શરૂઆતમાં તેણે પોતાનો જન્મ લંડનમાં થયું હોવાનું કહ્યું હોવાની અફવા હતી. એ પછી તે એક રીઢા લંડનવાસીની જેમ, બિનનિવાસી ગુજરાતીની લઢણમાં બોલતો, 'અમારા લંડનમાં તો આમ...' ને 'અમારા લંંડનમાં તો તેમ...' એવે વખતે મુકો અને તુષાર તેને શુદ્ધ ગુજરાતીમાં સંભળાવતા અને એ ગુજરાતમાં હોવાનો અહેસાસ કરાવતા. ધીમે ધીમે અમારી એ માન્યતા દૃઢ થઈ કે મયુરિયો કહે એમાંથી 20 ટકા જ સાચું માનવું. અમારી આ માન્યતા સામે મયુરને પણ ખાસ વાંધો નહીં. એટલે એક તબક્કે એ 'સ્વપ્રમાણિત' 80-20 બની ગયો. એક સમયે એ પોતાના સ્ટેમ્પ કલેક્શન માટે યુવક મહોત્સવમાં છેક રાજ્ય કક્ષા સુધી પહોંચ્યો હતો. એનો આ દાવો સાચો હોવા છતાં અમને એમાં શંકા રહે. અમારા ગૃપ વિશે તે પોતાના આડોશપાડોશમાં એવી સુપરલેટિવ રીતે વાત કરતો કે અમુક બાબતોની જાણ અમનેય ન હોય. પણ એને કારણે અમારા ગૃપની ઈજ્જતઆબરૂમાં વધારો થતો એ નક્કી. 

મયુરની આદત એવી કે એ સામેવાળા વિશે કશીક રમૂજી ટીપ્પણી આપણા કાનમાં એટલી ધીમેથી કરે કે આપણાથી હસ્યા વિના રહેવાય નહીં. સ્કૂલમાં ઘણી વાર એ જે.જે.ત્રિવેદીસાહેબના પિરીયડમાં આમ કરતો ત્યારે આસપાસના બે-ચાર જણાથી કેમે કરીને હસવું રોકાતું નહીં. એવે વખતે ત્રિવેદીસાહેબ ભણવાનું અટકાવીને અમને હસી લેવા દેતા. મેટ્રિકમાં અમે ત્રિવેદીસાહેબને ઘેર અંગ્રેજીના ટ્યૂશન માટે જતા, પણ તેઓ મને અને પ્રદીપને અલગ સમયે બોલાવતા. ફક્ત શનિવાર એવો દિવસ હતો કે અમે સૌ ભેગા હોઈએ. એ વખતે મયુર એવી રમૂજ કરતો કે મોટા ભાગનો સમય હસવામાં જ નીકળી જતો. ત્રિવેદીસાહેબ પણ એવા સાલસ હતા કે આ એક દિવસ સૌને મસ્તી કરવા દેતા. 

મયુરનો નાનો ભાઈ નીલેશ ડિપ્લોમા ઈન કેમિકલ એન્‍જિ.માં મારો ક્લાસમેટ હતો. એમની બાજુમાં જ મહેન્‍દ્ર પટેલ રહેતો. આથી મુકાની મુલાકાત મયુરના ઘેર બહુ રહેતી. કેમ કે, ત્યાં મુકાને મોકળું મેદાન મળતું. મયુરની અમુક વાત પણ એ રીતે મુકા દ્વારા અમારા સુધી પહોંચતી. એક વાર મુકાએ કહ્યું કે મયુરિયો નવરાત્રિમાં વાળ એટલા માટે કપાવે છે કે એ એને ગરબા ગાતાં નડે છે. એ જ રીતે, નવરાત્રિમાં એ સાંજે જ 'શેવ' કરે છે એ પણ મુકા દ્વારા જાણવા મળેલું. કપડાંની પસંદગી અને ફેશનની બાબતમાં મયુર અમારા સૌમાં જુદો પડે. એક નવરાત્રિમાં એ રંગીન ઝભ્ભાનાં કાપડ લઈ આવેલો અને એમાંથી ઝભ્ભાને બદલે શર્ટ સીવડાવેલાં. મામાઓને કારણે એને ઘેર વિવિધ કેસેટો રહેતી. આથી એને અંગ્રેજી ગીતોનો અને એની પર સ્ટેપ લેવાનો શોખ પણ હતો. માઈકલ જેક્સનનાં ગીતો એને બહુ ગમતાં. 

વિપુલને ઘેર રોજ સાંજે થતા અમારા મિત્રમિલનમાં મયુર હોય જ. ઘણી વાર એ સાયકલ લઈને આવતો, તો ક્યારેક ચાલતો. વિપુલને ઘેરથી અમે સૌ નીકળીએ એ પછીની અમારી હરકત બહુ વિશિષ્ટ હતી. એને ત્યાંથી પાછલા રસ્તે સ્ટેશન તરફ જતાં એક ભાગ એવો આવતો કે જ્યાં બંગલા પૂરા થતા અને શીખ લોકોનાં ઝૂંપડાં થોડા આગળ હતાં. આમ, એ વિસ્તાર લગભગ 'નો મેન્સ લેન્‍ડ' જેવો કહી શકાય. જેવા એ બંગલા પૂરા થાય કે અમારું વર્તન બદલાઈ જતું. અમે મોટેથી બૂમો પાડતા, અણગમતી વ્યક્તિઓનાં નામ એની ખીજ સાથે બોલતા, અને હોરર ફિલ્મોમાંના ભૂત કરે છે એવું અટ્ટહાસ્ય કરતા. આ ભાગને અમે 'એફ.ઈ.ઝેડ.' નામ આપેલું, એટલે કે 'ફ્રી એક્સપ્રેશન ઝોન'. આમાં મયુર ઉપરાંત ચોકસી, મુકો, ઉર્વીશ અને હું હોઈએ. મંટુ ક્યારેક હોય, તો ક્યારેક ન પણ હોય. એ પછી મયુરે બીજું સૂચન કર્યું કે આપણે બધાનાં નામ પાડીએ. શરત એવી કે વ્યક્તિના નામનો પ્રથમાક્ષર અને 'પાડેલા' નામનો પ્રથમાક્ષર સમાન હોવા જોઈએ. રોજ એક પેટર્ન લેવાની. જેમ કે, આજે પ્રાણીઓનાં નામ....તો મયુર મંકોડો, બીરેન બકરી, અજય અજગર વગેરે... બીજા દિવસે મકાનના વિવિધ ભાગનાં નામ...જેમ કે, મયુર માટલું, બીરેન બાલ્કની, વિપુલ વરંડો વગેરે...આ નામકરણમાં અમે અમારા વડીલોને પણ બક્ષતા નહીં. હા, આ નામ 'એફ.ઈ.ઝેડ.'માં જ બનતાં અને ત્યાં જ બોલાતાં. આમ છતાં, મયુર એની આદત મુજબ ક્યારેક અન્ય જગ્યાએ આપણા કાનમાં સામેની વ્યક્તિનું નામ ધીમેથી બોલી દે ત્યારે હસવું રોકવું ભારે પડી જતું! 

મયુરનું સગપણ વિદ્યાનગરની હેતલ સાથે થયુંં, અને એ જ અરસામાં મારું સગપણ કામિની સાથે. તેઓ મહેમદાવાદ આવે ત્યારે વિપુલને ઘેર હાજરી પૂરાવતાં. મયુરે પરંપરા મુજબ હેતલનું નામ 'હરણ' અને કામિનીનું નામ 'કીડી' પાડ્યું. 

અમારી આખી મિત્રમંડળી એક વાર આબુ ગયેલી, અને બીજી વાર એમાંના થોડા માથેરાન ગયેલા. પણ કોડાઈકેનાલનો કાર્યક્રમ બન્યો ત્યારે એમાં ત્રણ જ જણ તૈયાર થયા. મયુર, વિજય અને હું. અમારો એ પ્રવાસ યાદગાર રહ્યો. (એનો એક કિસ્સો અહીં વાંચી શકાશે.) એ પછી અમે નક્કી કર્યું કે ફરી વખત આ રુટ પર આવવું, અને એ અગાઉ યોગ્ય આયોજન કરવું. એ મોકો બહુ જલદી આવી ગયો. મયુર-હેતલનું અને મારું-કામિનીનું લગ્ન ચારેક દિવસના અંતરે હતું. આથી અમે દક્ષિણ ભારતનો કાર્યક્રમ સુઆયોજિત રીતે તૈયાર કર્યો. લક્ષદ્વીપ, થેકડી, કોડાઈકેનાલ, ઉટી, માયસોર, બેંગલોરનો એ પ્રવાસ અમે એટલો માણ્યો કે હજી આજેય અમારી વાતચીતમાં એના સંદર્ભ આવતા હોય છે. એ સમયે મારી પાસે પોતાનો કેમેરા નહોતો. મયુર માટે કદાચ એના લગ્નમાં આવેલા મામા કેમેરો લેતા આવેલા. મયુરે પોતાના સસરા મહેન્‍દ્રભાઈ (મોટા) પાસેથી એક કેમેરાની વ્યવસ્થા મારા માટે કરી. એ કેમેરાથી મેં થોડાઘણા ફોટા લીધેલા, અને એ પ્રવાસમાં કેટલાક સ્કેચ બનાવેલા. 

મિત્રોના લગ્નની જવાબદારી અમે સૌ મિત્રો જ સંભાળતા. અમુક અનુભવે ખ્યાલ આવી ગયો કે કોને કઈ જવાબદારી સોંપવી. મયુરની વિશેષતા એવી કે એને કશું કામ સોંપવું એ પછી નક્કી થાય, પણ એ વાતનું ધ્યાન રાખવું પડે કે એ અને વિજય કોઈક કામ કરતી વ્યક્તિ સાથે વાતોએ ન ચડે. નહીંતર તેઓ પેલાને વાતો એવો વળગાડી દે કે એને એનું કામ ભૂલવાડી દે.

હેતલ અને મયુર  

લગ્નની જેમ જ અમારે ત્યાં સંતાનજન્મ વચ્ચે પણ ચારેક દિવસનું જ અંતર. તેના દીકરા કલ્પ અને મારી દીકરી શચિ બન્ને આ કારણે શરૂઆતનાં ત્રણેક વર્ષ સાથે જ ઉછર્યા એમ કહી શકાય. હેતલ પણ અમારા સૌમાં એવી ભળી ગઈ કે પરસ્પર મજાકમસ્તી સતત ચાલતી રહે. એની ચરોતરી બોલીમાં બોલાયેલા અમુક સંવાદ અમને બહુ મજા કરાવે. જેમ કે, મારી પાસે બાઈક હતી એ વખતે એક વાર મારા દીકરા ઈશાનને પગે એનું ગરમ સાઈલેન્‍સર ચંપાઈ ગયું. એ અરસામાં અમારે ઘેર આવેલી હેતલે ઈશાનના પગે કંઈક લગાવેલું જોઈને પૂછપરછ કરી એટલે કામિનીએ એને વિગત જણાવી. એ સાંભળીને હેતલના ઉદ્‍ગાર: 'બર્યાં તમારાં સાઈલેન્‍સર!' એનો આ સંવાદ એની ઓળખ બની રહ્યો. અમે અનેક વાર એની ફરમાઈશ કરીએ અને એ તેને પૂરી કરે.  

મહેમદાવાદથી એ થોડો સમય વિદ્યાનગર રહ્યો. એ પછી થોડા લંડનનિવાસ પછી તે પાછો આવ્યો અને હવે એ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે. તેના સ્થાનિક પ્રતિનિધિ તરીકે તેનો ભાઈ નીલેશ અમારાં દરેક મિલનમાં નિયમીતપણે હાજરી પૂરાવે છે. એમ મયુર અને હેતલ પણ લગભગ નિયમીતપણે સૌના સંપર્કમાં ફોન દ્વારા રહે છે. 

મયુરના દીકરા કલ્પનું લગ્ન 2022માં વડોદરાની નીશી સાથે થયું ત્યારે નીલના લગ્ન પછી લાગલગાટ બીજી વાર અમે મિત્રોએ વહીવટની કશી જવાબદારી વિના માત્ર ભેગા બેસવાનો અને ગપાટાં મારવાનો આનંદ માણ્યો હતો. 

હેતલ-મયુર અને કલ્પ 

અમે મળીએ ત્યારે કશી અપડેટની વાત કરીએ કે ન કરીએ, પણ અમુક જૂની વાત યાદ કરીને અચૂક ખીખીયાટા કરવાના જ. આવા આ મિત્રને જન્મદિનની અનેક શુભેચ્છાઓ. 

(તસવીરો: મયુરની ફેસબુક ટાઈમલાઈન પરથી) 

Wednesday, February 15, 2023

સાહિત્ય-બાહિત્ય (3)


"વેલકમ, સર! અમારા 'ચોપડીને ચોપડો' કાર્યક્રમમાં આપનું સ્વાગત છે."

"ભાઈશ્રી, પહેલાં તો તમે તમારા કાર્યક્રમનો ઉચ્ચાર સરખો કરતાં શીખો. 'ચોપડી ને ચોપડો' એમ બોલાય. અહીં 'ને' એટલે 'અને' સમજવું. 'અ'નો અહીં લોપ થાય છે. ચોપડી નારી જાતિ અને ચોપડો નરજાતિ. લિંગભેદ થકી અહીં વિરોધાભાસ પેદા થાય છે અને એ બન્નેનો આ કાર્યક્રમમાં સમન્વય હશે એમ ધારું છું."
"સોરી સર, પણ મહેમાન તરીકે આવ્યા છો તો મહેમાનની જેમ જ વર્તો. તમને એમ હશે કે ગુજરાતી વ્યાકરણ તમને એકલાને જ આવડે. તો સાંભળો. આ કાર્યક્રમની વિભાવના હતી 'ચોપડીને મણમણની ચોપડો.' ખરેખર તો કર્મણિ પ્રયોગ અનુસાર 'ચોપડાવો' આવે, પણ આપના જેવા વિદ્વજ્જનોને ગોથું ખવડાવવા માટે અમે 'ચોપડો' રાખ્યું. 'મણમણ' શબ્દસમૂહનો અહીં લોપ થાય છે. હવે આપણે કાર્યક્રમ શરૂ કરીશું?"
"!!!!!"
"મિત્રો, 'ચોપડીને ચોપડો' કાર્યક્રમમાં આજે જે ચોપડીને આપણે ચોપડવાની છે એનું નામ છે 'સાહિત્ય-બાહિત્ય'. એના લેખકશ્રી આજે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સ્વાગત છે, સાહેબ. પધારો."
"નમસ્તે."
"સર, સૌથી પહેલાં મને એ કહો કે આપની ચોપડીને આમ તો વાચકો ચોપડાવે છે. એને બદલે આપે ચોપડીનું નામ જ એવું રાખ્યું કે જાણે આપ પોતે જ એને ચોપડાવતા હો એમ લાગે છે. આનું કારણ શું?"
"આત્મનિર્ભરતા."
"આપ બહુ નિખાલસ છો, સર! આ ચોપડી લખવાની પ્રેરણા આપને શી રીતે મળી?"
"લેખકોને પ્રેરણાઓ શી રીતે મળે એ બાબત લેખક કરતાં વાચકો વધુ જાણતા હોય છે. એટલામાં સમજી જાવ."
"ધેટ્સ વન્ડરફૂલ. નાઉ આ ચોપડીના કન્ટેન્ટ વિશે કંઈક કહેશો?"
"ના, નહીં કહું. અરે, ગમ્મત કરું છું. તમે મને અહીં કહેવા માટે તો બોલાવ્યો છે, તો વાક્યના છેડે પ્રશ્નાર્થચિહ્નને બદલે પૂર્ણવિરામ જ રાખો ને!"
"સર, અમારે શું કરવું એ આપ ઑફ્ફ ધ માઈક કહેશો. અત્યારે હું પૂછું એટલાનો જવાબ આપો."
"તમે મને અહીં ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યો છે કે ઈન્ટરરોગેશન માટે?"
"ઓહ...માય...માય...! યુ આર વેરી સ્માર્ટ, સર! એકચ્યુલી અમારા ઈન્ટરવ્યૂ ઈન્ટરરોગેશન લેવલના જ હોય છે. આપે તરત પકડી પાડ્યું, હોં! આમ તો કહેવાય નહીં, સર, પણ એક ગેસ્ટ આ કાર્યક્રમમાં આવેલા તો એમને અમારા સવાલથી એટલો પસીનો છૂટી ગયેલો કે અડધો ડઝન નેપકીન ઓછા પડેલા."
"પેપર નેપકીન?"
"સર, આપ ધાર્યા કરતાં વધુ સ્માર્ટ નીકળ્યા. ગમે એ કહો, પણ આપ લેખક લાગતા નથી. આમાં આવ્યા એ પહેલાં આપ શું કરતા હતા?"
"હું નીચે મારી સાયકલ પાર્ક કરતો હતો. બહુ મથ્યો, પણ સ્કૂટરો એટલાં બધાં નજીક ગોઠવાયેલાં કે મારી પાતળી સાયકલ એની વચ્ચે જઈ જ ન શકી. આથી મારે આવવામાં ત્રીસ સેકન્ડનો વિલંબ થયો."
"ધેટ્સ નથિંગ, સર! અમે અહીં ત્રીસ મિનીટ મોડા આવીએ તોય પંચ થઈ જાય."
"આપણામાં કહેવત છે ને કે પંચ ત્યાં પરમેશ્વર. પણ તમે મને મારી ચોપડીના કન્ટેન્ટ વિશે પૂછતા હતા."
"વેલ સર, ધ ટાઈમ ઈઝ અપ નાઉ. હવે ફરી ક્યારેક અમારા કાર્યક્રમમાં તમને આવવાનો લાભ મળે ત્યારે વધુ વાત કરીશું."
"વાત મારે કરવાની છે કે તમારે?"
"તો દર્શક મિત્રો, આપે જોયું કે આપણા આ કાર્યક્રમમાં આપણે 'સાહિત્ય-બાહિત્ય' નામની આ ચોપડીને કેવી ચોપડાવી દીધી. આ નિર્ભયતા જ અમારા કાર્યક્રમની પિછાણ છે. અને આપ સૌના પ્યાર થકી જ એ અમે લાવી શક્યા છીએ. અમારા આ કાર્યક્રમમાં ચોપડાવવા લાયક ચોપડીઓનાં સૂચન આપ અમને મોકલી શકો છો. આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે. અમારો આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો એનો પ્રતિભાવ આપ અમને વૉટ્સેપ પર મોકલી શકશો. સર્વોત્તમ માટે 1, ઉત્તમ માટે 2 અને સારો માટે 3 ટાઈપ કરશો. અમારો વૉટ્સેપ નંબર છે...."
"... 98252 90796, કાર્તિક શાહ. પુસ્તકની કિંમત ર..130/, વળતર સાથે 120/, પોસ્ટેજ ફ્રી. સાર્થક પ્રકાશનની વેબસાઈટ પર એ મૂકાય ત્યાં સુધી આપ વૉટ્સેપ દ્વારા ઓર્ડર નોંધાવી શકશો. જયહિંદ."
"અરે સર! તમે અમારા કાર્યક્રમમાં તમારો એજન્ડા ક્યાં ઘૂસાડ્યો?"
"તમે જ શીખવ્યું. ગુડબાય, દર્શકમિત્રો!"

Tuesday, February 14, 2023

સાહિત્ય-બાહિત્ય (2)

 "સર, અભિનંદન!"

"ભઈ, શેના અભિનંદન? મને એકે પદ્મ પુરસ્કાર નથી મળ્યો એના?"
"સર, એટલા બધા વિનમ્ર ન બનો. નહીંતર કોકની આંખે ચડી જશો અને તમને એ મળી જશે તો પછી મુશ્કેલી થશે."
"અરે યાર! કોકની આંખે નથી ચડાતું એ જ તો તકલીફ છે. પ્લીઝ, કંઈક ગોઠવો ને આપણું?"
"આપણું? મારે એની જરૂર નથી. અને તમારી એ લોકોને જરૂર નથી. પછી કેમનું ગોઠવાય? પણ આ બધામાં તમે આખી વાતને આડે પાટે ચડાવી દીધી."
"એમ? એ શી રીતે?"
"જુઓ ને, હું એમ કહેતો હતો કે તમારા હાસ્યલેખોની સુપરહીટ બુક 'સળી નહીં, સાવરણી' પછી તમે એવી જ સુપરહીટ બીજી બુક લઈને આવી રહ્યા છો એવું જાણવા મળ્યું."
"એક મિનીટ, બ્રો! તમને આવી ખોટી માહિતી કોણે આપી?"
"કઈ ખોટી માહિતી? તમે નવી બુક લઈને આવી રહ્યા છો એ?"
"અરે , ના યાર! મારી આગલી બુક સુપરહીટ હતી એ!"
"ઓહ સર! તમેય શું? સાચું માની ગયા? આ તો શ્રાવણ માસની આગળ જેમ 'પવિત્ર' લખીએ એના જેવો વહેવાર છે."
"હા...આ....શ!"
"એટલે તમે હાસ્યની નવી સુપરહીટ બુક લઈને આવી રહ્યા છો એ તો સાચું ને?"
"હા ભઈ! એની ના નહીં પાડું. પણ એની વિગતો હમણાં નહીં આપું, હોં! શું કે પછી બધા પૂછપૂછ કરે ને આપણને ખબર ન હોય તો નીચાજોણું થાય, યુ નો!"
"સર, ટુ બી ઓનેસ્ટ એન્ડ ફ્રેન્ક, કોઈ કાકોય તમારી બુક વિશે પૂછવા નવરો નથી. આ તો શું કે, મને ડાયરેક્ટ પ્રેસમાંથી ખબર પડી એટલે થયું કે લાવો, તમને સરપ્રાઈઝ આપીએ. ઓકે? તમતમારે જલસા કરો હોં! કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરે."
"આભાર, દોસ્ત! વધુ વિગતો ટૂંક સમયમાં હોં!"
"જેને જોઈતી હોય એને આપજો."

Monday, February 13, 2023

સાહિત્ય-બાહિત્ય (1)

 "સર, પછી શું થયું પેલું?"

"કેમ? હિન્ડનબર્ગ રિપોર્ટ તો આવી ગયો. હવે શું થવાનું બાકી છે?"

"અરે, સર! તમે વૈશ્વિક સ્તરથી થોડા નીચે ઉતરો. હું તો પેલી તમારી ચોપડીની વાત કરતો હતો. એ ક્યારે બહાર પડવાની છે? એની શું પ્રાઈસ છે? એની પર શું ડિસ્કાઉન્ટ છે? એ ક્યાંથી મળશે?"
"ઓહ! એમાં શું છે એ અંગે તમને સહેજ પણ જિજ્ઞાસા નથી, મિત્ર?"
"સર, સાચું કહું ને તો, તમારી નહીં, કોઈ બી ચોપડીમાં હોઈ હોઈને શું હોવાનું? એનું એ જ જ્ઞાન, એની એ જ ફિલોસોફી, પોતે સુપિરિયર હોવાનો દાવો, ગૂગલ પરથી લીધેલી માહિતી...!"
"તો પછી તમને એની પ્રાઈસ, ડિસ્કાઉન્ટ ને એ બધામાં શો રસ?"
"સર! મારા બાપાએ બાળપણથી મને શીખવ્યું છે કે હંમેશાં જરૂરતમંદ માટે કંઈક કરી છૂટવું. આપણે એ સંસ્કાર હજી જાળવી રાખ્યા છે. ગમે એવી વાહિયાત ચોપડી હોય તો પણ હું દસ પંદર ખરીદીને મિત્રોને ભેટ આપતો હોઉં છું."
"મને આપનું બજેટ જણાવશો? તો શું કે કોસ્ટિંગ એ મુજબ સેટ કરાવું."
"સર, બજેટ નો ઈશ્યુ. પણ દોઢસો સુધી ચાલે."
"ઓકે. તમે કેટલી, સોએક નકલ લેવાના?"
"સર, સર! તમે આ સવાલ મને દસ વરસ પહેલાં પૂછ્યો હોત તો હું સો નહીં, બસો કહેત. પણ હવે મારી પાસે મિત્રો જ રહ્યા નથી."
"આયેમ સોરી. એ બધા કોરોનામાં.....?"
"અરે, ના સર. કોરોના તો પછી આવ્યો. આ ચોપડીઓ વહેંચવાની મારી પ્રવૃત્તિ નડી ગઈ."
"ઓહ, સો સોરી! તમે મિત્રતાના ભોગે આ સત્કાર્ય કરો છો એનો આનંદ છે. પણ મારે હવે નવેસરથી કોસ્ટિંગ કરાવવું પડશે. ત્યાં સુધી તમે થોડા નવા મિત્રો બનાવી લો. ઓકે?"
"થેન્ક યુ, સર! આજકાલ વાચકની વ્યથા સમજે એવા લેખક જ ક્યાં રહ્યા છે? એક આ તમે અપવાદ નીકળ્યા."
"તમે નસીબદાર કે તમને એક જ અપવાદ મળ્યા. અમારે તો અપવાદ જ અપવાદ છે. મારું બેટું, કોઈ એવું મળતું જ નથી કે નિયમ સાબિત કરે."
"સર, એ તો જેવું જેનું ફિલ્ડ, હેં ને!"

Sunday, February 12, 2023

આંસુસંહિતા

 'એક ધાંસૂ, એક આંસૂ' યોજના અંતર્ગત હવે સમગ્ર રાષ્ટ્ર એક સાથે એક જ મુદ્દે આંસુ વહાવતું થાય એવું આયોજન થવાની વકી છે. આની આગોતરી તૈયારી રૂપે પ્રસ્તુત છે આંસુ અંગે કેટલીક માહિતી. વાંચનારને અજ્ઞાનનો બોજ ન અનુભવાય એ હેતુથી આ માહિતી સવાલજવાબ રૂપે મૂકાઇ છે.

પ્ર.: મગર અને સોનમ કપૂરમાં સામ્ય શું?
ઉ.: તેમને આંસુ માટે ગ્લીસરીનની જરૂર પડતી નથી.
પ્ર.: આંસુનો સ્વાદ કેવો હોય છે?
ઉ.: એટલો ખારો નહીં કે લેમોનેડમાં મીઠાની અવેજીમાં ઉમેરી શકાય.
પ્ર.: આંસુ સાચા છે કે બનાવટી એ શી રીતે ખબર પડે?
ઉ.: કોને?
પ્ર.: આંસુનું મહત્ત્વ શેના આધારે નક્કી થાય? કેટલાં વહાવ્યાં એની પર? કે કોને માટે વહાવ્યાંં એની પર?
ઉ.: કોની સામે વહાવ્યાં એની પર.
પ્ર.: કોઇ આંસુ વહાવે ત્યારે સામાવાળાએ શું કરવું ઉચિત રહે?
ઉ.: આંસુના પ્રમાણ મુજબ આસપાસમાં ઉપલબ્ધ હોય એવું પાત્ર ઝડપથી આંખ નીચે ધરીને આંસુ એકઠાં કરી લેવા જોઇએ, જેથી ખારું પાણી પૃથ્વીના ભૂગર્ભ જળને દૂષિત ન કરે.
પ્ર.: કહેવાય છે મોરના આંસુ થકી જ ઢેલ ગર્ભવતી થાય છે. આ સાચું છે?
ઉ.: તમને ચીતરવા પડ્યા હોય એમ લાગતું નથી.
પ્ર.: આ રીતે અને આ જ દરે આંસુ વહાવાતાં રહેશે તો ભાવિ કેવું રહેશે?
ઉ.: દેશ નમકને મામલે આત્મનિર્ભર બની જશે. દરેકના ગાલ પર આંસુમાંથી નમક છૂટું પાડવાનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.
પ્ર.: આંસુ ખુશીનાં છે કે શોકનાં એ શી રીતે ખ્યાલ આવે?
ઉ.: પહેલાં એટલું જાણી લો કે હજારો તરહ કે યે હોતે હૈ આંસુ.
પ્ર.: આંસુથી કોઇ પીગળે ખરું?
ઉ.: હા, જરૂર. આંખમાં બાઝેલા પીયા, ચીપડા, પોપડા પીગળી શકે.
પ્ર.: આંસુઓને રોકવા માટે શું કરી શકાય?
ઉ.: એની પર આડબંધ બાંધીને એનો સંગ્રહ કરી શકાય. એ રીતે સંઘરાયેલા આંસુને સમુદ્રમાં મોકલી શકાય, જેથી સમુદ્રસૃષ્ટિનું સંવર્ધન થઇ શકે. એ આંસુનો ઉપયોગ મગરો પણ કરી શકે.

(સંદર્ભ: ફેબ્રુઆરી, 2021ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુલામનબી આઝાદની નિવૃત્તિ નિમિત્તે ગૃહમાં સારેલા આંસુ) 

Monday, February 6, 2023

કુછ યાદ ઉન્હેં ભી કર લો

 આજે રામચંદ્ર દ્વિવેદીની જન્મજયંતિ છે એમ કહીએ તો કદાચ એમની ઓળખાણ ઝટ ન પડે, પણ 'કવિ પ્રદીપ' કહેતાં જ અનેક ગીતો યાદ આવી જાય. 'પ્રદીપ' તખલ્લુસથી હિન્દી ફિલ્મોમાં તેમણે આગવી શૈલીએ ગીતો લખ્યાં. હિન્દી શબ્દાવલિ, સરળ શબ્દો તેમજ વિશિષ્ટ અંત્યાનુપ્રાસ તેમનાં ગીતોની ઓળખ બની રહ્યો. સરળમાં સરળથી ગહન ભાવવાળા ગીતો તેમણે લખ્યાં. પ્રદીપજી સાથે મારી એક વારની અને ઉર્વીશની બે-ત્રણ વારની મુલાકાત અત્યંત વિશિષ્ટ અને યાદગાર બની રહી છે. આજે પણ એ યથાતથ યાદ છે.

1989-90ના અરસામાં અમે મુંબઈ જઈને મનગમતા કલાકારોને મળવાનો ઉપક્રમ આરંભેલો. એ વખતે મારી વય ચોવીસ-પચીસની અને ઉર્વીશની સત્તર-અઢારની. અમારો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્યત્વે જૂની ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારોને મળવાનો હતો. પ્રદીપજી એસ.વી.રોડ પર 'પંચામૃત' બંગલામાં રહેતા હતા. અમે સીધા જ એમને ઘેર ઊપડ્યા. પાર્લાની આસપાસ જઈને અમે એક દાણાવાળા (કરિયાણાવાળા)ને 'પંચામૃત'નું સરનામું પૂછ્યું. તેણે અમને સાચું સરનામું ચીંધ્યું અને અમે ત્યાં પહોંચી ગયા. ઝાંપો ખોલીને અમે અંદર પ્રવેશ્યા અને બેલ માર્યો. ઘણી વાર થઈ પણ કોઈ દેખાયું નહીં આથી અમે સહેજ ખચકાતાં ખચકાતાં અમે બંગલાના પાછળના ભાગમાં ગયા. ત્યાં સ્ટુડિયો જેવું દેખાયું, જેમાં થોડા વિદ્યાર્થીઓ ચિત્રકામ કરી રહ્યા હતા. અને એક બહેન ત્યાં ઉભેલા હતાં. અમને જોઈને તેઓ નજીક આવ્યાં અને અમારા આગમનનો હેતુ પૂછ્યો. અમે એમને હેતુ જણાવ્યો. તેમણે કહ્યું કે પ્રદીપજી બહારગામ ગયા હોવાથી એ મળી શકશે નહીં અને અમે ફરી મુંબઈ આવીએ ત્યારે શક્ય હોય તો અગાઉથી જાણ કરીને મળવાનો પ્રયત્ન કરવો. તેમનો આભાર માનીને અમે બહાર નીકળ્યા. બહાર નીકળીને જે પહેલી લાગણી થઈ તે એ કે ભલે પ્રદીપજી ન મળ્યા, પણ એ બહેને અમારી સાથે વાત બહુ સૌમ્યતાથી અને સરસ રીતે કરી. પછી ખબર પડી કે તેઓ પ્રદીપજીનાં દીકરી મિતુલ પ્રદીપ હતાં.
પછીના વરસે અમે મુંબઈનો કાર્યક્રમ બનાવ્યો ત્યારે અગાઉથી અમે પ્રદીપજીને એક પોસ્ટકાર્ડ લખ્યું અને જણાવ્યું કે અમે અમુક દિવસોમાં મુંબઈ આવવાના છીએ અને તમને મળવાનો પ્રયત્ન કરીશું. એ મુજબ અમે મુંબઈ પહોંચ્યા અને એક દિવસ સવારે એમને ઘેર ફોન કર્યો. પ્રદીપજીએ જ ફોન ઉપાડ્યો. અમે કહ્યું એટલે એમણે જણાવ્યું કે અમારું પોસ્ટકાર્ડ એમને મળ્યું છે. એમણે અમને મળવા આવવાનો સમય ફાળવ્યો. નિયત દિવસે સાંજે અમે એમને ત્યાં પહોંચ્યા. અમારી સાથે મારા મુંબઈ રહેતા પિતરાઈ ભાઈઓ કિશનભાઈ અને મયુરભાઈ હતા.
દરવાજો પ્રદીપજીનાં પત્ની ભદ્રાબહેને ખોલ્યો અને અમને આવકાર્યા. અમે અંદરના રૂમમાં ગયા જ્યાં પ્રદીપજી બેઠેલા હતા. સાવ સુકલકડી દેહ, અને પલંગ પર પણ પગ સંકોચીને વિશિષ્ટ મુદ્રામાં બેઠેલા. એમની પાસે પડેલી બે-ત્રણ વસ્તુઓએ ધ્યાન ખેંચ્યું. એક તો 'જન્મભૂમિ પ્રવાસી' પલંગ પર પડેલું. એની બાજુમાં મોટો બિલોરી કાચ હતો, જેમાં બલ્બ લગાવેલો. અને ત્રીજું એક હોલ્ડર, જેમાં સીગારેટ ભરાવેલી.
પ્રદીપજીના નિવાસસ્થાને તેમની સાથે ઉર્વીશ અને બીરેન 




આ અરસામાં રજનીકુમાર પંડ્યાએ લખેલા પ્રદીપજી વિશેના બેએક લેખ 'મિસ કમલ બી.એ.ની પત્ની પઠાણ' અને 'સંતોષીમાનું એરકન્ડીશનર' અમે વાંચેલા હતા. જો કે, અમારી એ મુલાકાત જોઈએ એવી જામતી નહોતી. પ્રદીપજી વળીવળીને રાજકીય મુદ્દા પર જતા રહેતા. મારા પિતરાઈ કિશનભાઈ એમાં ટાપશી પુરાવે એટલે એ વાત આગળ ચાલતી. પ્રદીપજી વયમાં એટલા મોટા, અમે એટલા નાના કે એમની વાત કાપવાની હિંમત થતી નહીં. પ્રદીપજીએ જણાવ્યું કે પોતે 'જન્મભૂમિ પ્રવાસી'ના નિયમીત વાચક છે અને બિલોરી કાચ વડે એ વાંચે છે. અમે તેમની તસવીરો લેવા પ્રયત્ન કર્યો તો તેમણે સહેજ અનિચ્છા બતાવી. આથી અમે ખચકાતાં ખચકાતાં થોડી તસવીરો લીધી. રજનીભાઈએ પ્રદીપજી વિશેના લેખમાં લખેલું, 'એ કંઈ ખજૂરીનું ઝાડ નહોતા. ફટાકડાની સેર હતા. તરત તડ્ તડ્ થઈ ગયા.' આ વાક્ય અમારા મનમાં સતત રમતું હોવાથી એ અંદેશો પણ ખરો કે તેઓ અમારી આગળ તડ્ તડ્ ન થઈ જાય. પોણો કલાક જેટલો સમય વીત્યો. અમને લાગ્યું કે હવે અમારે નીકળવું જોઈએ. આથી અમે તેમની સમક્ષ ઑટોગ્રાફ બુક ધરી અને એમાં ઑટોગ્રાફ આપવા વિનંતી કરી. પ્રદીપજીએ કહ્યું, 'એવું બધું આપવામાં હું માનતો નથી.' અમે તેમને આગ્રહ કરી ન શક્યા. તેમની રજા લઈને અમે ઉઠ્યા. તેઓ અમને છેક બારણા સુધી વળાવવા આવ્યા અને 'આવજો' કહ્યું. અમે લોકો બહાર નીકળ્યા અને પાછા સાન્તાક્રુઝ આવવા નીકળ્યા. પ્રદીપજીના ઑટોગ્રાફ ન મળી શક્યા એ અફસોસ રહ્યો, પણ તેમની તસવીર લઈ શકાઈ હતી એ આશ્વાસન હતું.
એ પછીના અરસામાં ઉર્વીશને ગુજરાત રિફાઈનરી તરફથી છએક મહિના માટે મુંબઈ જવાનું થયું. એ વખતે નલિન શાહ સાથે તેનો નિયમિત સંપર્ક રહ્યો. એક વાર નલિનભાઈ પ્રદીપજીને મળવા જઈ રહ્યા હતા અને તેમણે ઉર્વીશને સાથે લીધો. ઉર્વીશે આગોતરી તૈયારીરૂપે ઑટોગ્રાફ બુક સાથે રાખી. તેઓ 'પંચામૃત' પહોંચ્યા. ભદ્રાબહેન મળ્યાં એટલે નલિનભાઈએ પૂછ્યું, 'શું કરે છે શેઠ?' આ સવાલથી તેમની આત્મીયતા અને અનૌપચારિકતાનો ખ્યાલ આવતો હતો. પ્રદીપજી દાઢી કરી રહ્યા હતા એ જોઈને નલિનભાઈ ઉર્વીશને એમનો ફોટો લેવા કહ્યું. પણ ઉર્વીશ ખચકાયો એ જોઈને નલિનભાઈએ એની પાસેથી કેમેરા માંગ્યો અને ફોટો લીધો.
પ્રદીપજીના હસ્તાક્ષર 
નલિનભાઈએ ઉર્વીશનો પરિચય કરાવતાં કહ્યું, 'એને જૂનાં ગીતોમાં બહુ રસ છે.' આ સાંભળતાં જ પ્રદીપજી કહે, 'એમ? 'મોરે બાલાપન કે સાથી' ગાઈને બતાવો.' નલિનભાઈએ હસીને કહ્યું, 'એને કંઈ ગાતાં થોડું આવડે છે?' નલિનભાઈ હોય એટલે વાતનો દોર એમના હાથમાં જ હોય એ સ્વાભાવિક છે. આવી મુલાકાતમાં મૂક શ્રોતા બની રહેવાના લાભ હોય છે એ ઉર્વીશ સારી પેઠે જાણતો હતો. પ્રદીપજી પણ નલિનભાઈ સાથે બરાબરના ખીલ્યા હતા. આખરે જવાનો સમય આવ્યો. આ વખતે પ્રદીપજીએ આસાનીથી ઓટોગ્રાફ આપ્યા.
એ પછી ઉર્વીશને બેએક વખત પ્રદીપજીને મળવાનું બન્યું. નલિનભાઈ સાથે એમને ત્યાં લીધેલી વધુ એક મુલાકાત વેળા ઉર્વીશે 'કિસ્મત' અને 'બંધન'ની રેકોર્ડ સાથે રાખેલી. જતી વખતે એ રેકોર્ડ એણે પ્રદીપજી સામે ઑટોગ્રાફ માટે ધરી. પ્રદીપજીએ રેકોર્ડ હાથમાં લીધી. આમતેમ ફેરવી અને પાછી આપતાં કહ્યું, 'આમાં મારું નામ નથી. (એટલે હું સહી નહીં કરું)' આ વખતે નલિનભાઈ સાથે હતા એટલે એમણે પ્રદીપજીને કહ્યું, 'એમાં એ શું કરે? એણે કંઈ ઓછી રેકોર્ડ બનાવી છે? કરી આપો એને.' પ્રદીપજીએ એ રેકોર્ડ પર હસ્તાક્ષર આપ્યા.

'કિસ્મત' અને બંધન'ના એલ.પી.કવર પર પ્રદીપજીના હસ્તાક્ષએ 

પ્રદીપજી હવે હયાત નથી, પણ તેમનાં લખેલાં-ગાયેલાં અનેક ગીતો થકી તેમની સ્મૃતિ સતત તાજી રહે છે. અમારા માટે એ ગીતોની સાથોસાથ અમારી એ મુલાકાતનો રોમાંચ પણ ભળેલો છે.

Saturday, February 4, 2023

અવ્યક્ત સંવાદનો સંબંધ


આજે ઉર્વીશ કોઠારીનો જન્મદિન છે. સગપણે એ મારો નાનો ભાઈ- બરાબર છ વર્ષ નાનો, પણ અનુભવ અને સમજણમાં મારાથી ઘણો મોટો. તેના વિશે લખવામાં મોટામાં મોટી મૂંઝવણ એ છે કે અમે ભાગ્યે જ અમારી લાગણી એકમેક સમક્ષ વ્યક્ત કરતા હોઈશું. એવું નથી કે અમે 'અંગતતાની અભિવ્યક્તિ'ની પરેજી પાળીએ છીએ, પણ એની જરૂર જ પડતી નથી. વ્યક્ત કર્યા વિના પણ અમે સમજી જઈએ એવું અમારું ગઠબંધન છે.
કિશોરાવસ્થા સુધી છ વર્ષનો તફાવત ઘણો જણાય. જેમ કે, હું એસ.એસ.સી.માં હોઉં ત્યારે હજી તો એ ચોથા ધોરણમાં હોય. તેના જન્મ વખતે મમ્મીને લઈને મારાં દાદીમા મહેમદાવાદની હોસ્પિટલમાં ગયેલાં એ દૃશ્ય મને બરાબર યાદ છે. એ વખતે હું ચોથા ધોરણમાં, તાલુકા શાળામાં ભણતો. દવાખાનું શાળાની નજીક હોવાથી સ્કૂલેથી છૂટતાં હું દવાખાનાની કમ્પાઉન્ડં વૉલ પર ચડીને બારીએથી તેને જોતો. નાનો હોવાથી ઘરમાં એ સૌનો- ખાસ કરીને કનુકાકાનો લાડકો બની ગયેલો, પણ મને કદી એ કારણે અસલામતિ થઈ હોવાનું યાદ નથી. એને બન્ને પગે છ છ આંગળીઓ (અંગૂઠા સહિત) હોવાથી અમારા સગાંમાં ઘણા એને લાડથી 'છગડિયો' કહેતા. આગળ જતાં મધુ રાયની 'કાન' વાર્તા વાંચી ત્યારે ઉર્વીશને હરિયાના પાત્ર સાથે પોતાનું સામ્ય જણાયેલું.
શરૂઆતમાં હું એને ચીડવતો, મજાક કરતો, પણ બહુ ઝડપથી અમારો મિત્રભાવ કેળવાતો ગયો. હું સ્કૂલમાં ભણતો એ વખતની નાની નાની બાબતો એની સાથે શેર કરવાની આદત પડી. એમાં મુખ્ય ઘટના ઉપરાંત અન્ય નીરિક્ષણો પણ એને કહેતો. તેને એમાં કંટાળો ન આવતો, બલ્કે એ રીતે અમારા અનેક સંદર્ભો અમે વાતચીતમાં ઉપયોગમાં લેવા લાગ્યા. એ સમયે ઘેર આવતા મારા મિત્રો સાથે પણ એ ભળી જતો. એ સમયે ધીમે ધીમે વિકસતા જતા મારા શોખમાં પણ એ હિસ્સેદાર બનતો ચાલ્યો.
મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલમાં તે આવ્યો ત્યારે અમારા વખતના ઘણા શિક્ષકો તેને 'બીરેનના ભાઈ' તરીકે ઓળખતા. મારી સરખામણીએ એ તોફાની હોવાની છાપ ખરી, પણ ભણવામાં તે એ વખતના ધોરણ મુજબ 'હોશિયાર' હોવાથી ખાસ વાંધો આવતો નહીં. હું કૉલેજમાં આવ્યો એ પછી ત્રીજા અને ફાઈનલ વર્ષમાં મેં અને દેવેન્‍દ્રસિંહ ગોહિલ બન્નેએ નક્કી કરેલું કે ફર્સ્ટ ક્લાસ લાવવો. એ વરસે વિષયો વર્ણનાત્મક હોવાથી અમે લોકોએ રીતસર ગોખણપટ્ટી આદરેલી. એ વખતે આઠમ-નવમામાં ભણતા ઉર્વીશને અમે જવાબોની નોટ આપતા અને એની આગળ અમે કડકડાટ જવાબ બોલી જતા. અમારા બોલેલા જવાબમાં શબ્દની એકાદ ચૂક પણ એ ન ચલાવતો.
તે દસમામાં આવ્યો ત્યારે હું વડોદરા નોકરીએ લાગી ગયેલો. તેના ટકા સારા આવ્યા એટલે ઘરનાં સૌએ વિચાર કર્યો કે તેને ભણવા માટે વડોદરા મૂકીએ. વડોદરાની એક સ્કૂલમાં તેને પ્રવેશ મળી પણ ગયેલો, પણ તેને જવાનું આવ્યું ત્યારે સૌ એ હદે લાગણીસભર થઈ ગયેલાં કે એ નિર્ણય પડતો મૂકાયો.

મારું વડોદરા રહેવાનું તેમજ આવવા-જવાનું ચાલતું એ પછી તે પણ કૉલેજમાં આવ્યો અને અમદાવાદ અપડાઉન કરતો થયો. અમારા મળવાનો સમય સાવ ઘટી ગયો. ક્યારેક તો એમ બનતું કે એ સાંજે ટ્રેનમાં ઉતરે અને એ જ ટ્રેનમાં મારે નાઈટ શિફ્ટ માટે નોકરીએ જવાનું થાય. એવે વખતે અમે પ્લેટફોર્મ પર જ ઊભા ઊભા વાત કરી લેતા.
તેનું બી.એસ.સી.નું ભણતર પૂરું થયું ત્યાં સુધીમાં બે-ત્રણ શોખ તેનામાં વિકસી ચૂકેલા. એક તો વાંચનનો, બીજો જૂનાં ગીતોનો, અને ત્રીજો લેખનનો. અલબત્ત લેખન સાવ આરંભિક તબક્કાનું, અને મોટે ભાગે અમારા બે પૂરતું જ હતું. એમાં આગળ જતાં પત્રલેખન શરૂ થયું. ગમતા-ન ગમતા સાહિત્યકારો, કોલમિસ્ટ, અન્ય ક્ષેત્રના લોકોને પત્ર લખવાનું અમે શરૂ કર્યું, જે અમારા સંયુક્ત નામથી લખાતા, એના લખાણ વિશે અમે ચર્ચા કરતા, પણ લખાણ ઉર્વીશ લખતો. પત્રની લગભગ સમાંતરે વિવિધ પ્રસંગોનાં કાર્ડ બનાવવાનું પણ શરૂ થયું. સગાં-મિત્રો વગેરેના જન્મદિવસ, અન્ય પ્રસંગોએ અમે વિશેષ કાર્ડ તૈયાર કરતાં. એના લખાણ બાબતે અમે ચર્ચા કરતા, અને તે જે તે વ્યક્તિ માટેનું જ ખાસ વિચારતા. એના ચિત્રનો અને લખાણનો ભાગ હું સંભાળતો. એ વખતે હું ફાઈન આર્ટ્સમાં કેલીગ્રાફી શીખેલો, તેથી કાર્ડમાં એનો ઉપયોગ કરવાનો મોકો મળતો. આ કાર્ડના લખાણ વિશે અમે ખૂબ મથામણ કરતાંં.
એના ઉચ્ચ અભ્યાસ પછીના સમયગાળામાં કઈ કારકિર્દી પસંદ કરવી એ અંગે બહુ મૂંઝવણ હતી. પણ એ અરસામાં તેણે પોતાના શોખને બરાબર માંજ્યા. જૂનાં ગીતો એ વખતે દુર્લભ હતા, એ મેળવવા, સાંભળવા, એને યોગ્ય રીતે શ્રેણીબદ્ધ કરીને ગોઠવવા- આ બધામાં એ વ્યસ્ત રહેતો. નવરાશના, ખરી રીતે તો બેકારીના આ સમયનો તેણે કરેલો સદુપયોગ તેની ખાસિયત બની રહ્યો અને દસ્તાવેજીકરણની અવૈધિક તાલીમ આ રીતે તેણે પ્રાપ્ત કરી. અલબત્ત, આ બધું કારકિર્દી બનાવવામાં શું કામ લાગશે એ અમારા બેમાંથી કોઈને ખબર નહોતી. એ પછી તે પત્રકારત્વમાં જોડાયો અને મુંબઈ જવાનું થયું ત્યારે અમને સૌને લાગ્યું કે તેને એકદમ યોગ્ય કારકિર્દી મળી છે. મુંબઈ ગયા પછી અમારો પત્રવ્યવહાર સતત ચાલતો. તેના વિગતવાર પત્રોમાં અનેક વાતો લખાયેલી રહેતી. તેની સરખામણીએ મારા પત્રોમાં ખાસ નવિનતા ન હોય, કેમ કે, હું નોકરી એવી કરતો હતો. છતાં કશું વાંચેલું હોય કે બીજી કશી વાત હોય તો એ જણાવતો. યોગાનુયોગ એવો ગોઠવાયો કે એને મુંબઈથી અમદાવાદ આવવાનું થયું, એટલે એ મહેમદાવાદ રહે એમ ગોઠવાયું અને મારે મહેમદાવાદથી વડોદરા સ્થાયી થવાનું આવ્યું. ત્યારે પણ અમારું હેડક્વાર્ટર મહેમદાવાદ જ રહે એ અમારી સ્પષ્ટ સમજણ હતી.
નોકરીના સ્થળે મળતા ફાજલ સમયમાં મારું વાંચવાનું અને કશુંક ને કશુંક લખવાનું ચાલુ રહેતું. એ દરમિયાન ઉર્વીશનું નામ અખબારમાં આવતું થયું. એટલે મારા કાર્યસ્થળે ઘણા એમ માનતા કે ઉર્વીશ નામની જ નોકરી કરે છે, અસલ લખાણ તો હું જ લખું છું.
મારું લગ્ન સાવ સાદાઈથી કરવાના નિર્ણય સુધી તબક્કાવાર પહોંચવામાં ઉર્વીશ સાથે થતી રહેતી ચર્ચા મહત્ત્વની હતી.
મારું લગ્ન કામિની સાથે થયું અને એ પછી દીકરી શચિનો જન્મ થયો. એ સમયગાળામાં હું આંતરે દિવસે ઘેર આવતો. શચિનો ઉછેર ઉર્વીશની આંખ સામે જ થયો એમ કહી શકાય. એને લઈને એ બન્ને વચ્ચે એક વિશિષ્ટ સંધાન થયું, જે આજે પણ અનુભવી શકાય છે. આનો લાભ એ પછી જન્મેલા મારા દીકરા ઈશાનને સીધો જ મળ્યો. મારું લગ્ન થયું એ અરસો અમારા જીવનમાં નવા મિત્રોના પ્રવેશનો હતો. રજનીકુમાર પંડ્યા સાથે પરિચય થયેલો અને એ ગાઢ બની રહ્યો હતો, એમ બિનીત મોદી સાથે પણ એ અરસામાં પરિચય થયેલો. મહેમદાવાદના અમારા ઘરે કોઈ ને કોઈ નિમિત્તે અમે સ્નેહમિલન યોજતા. નવીસવી આવેલી કામિની માટે આ આખી દુનિયા અલાયદી હતી, પણ તેને સ્નેહમિલનની તૈયારી કરવામાં બહુ આનંદ આવતો. હું નોકરીને કારણે તૈયારીમાં ખાસ જોડાઈ ન શકું, પણ એ અને ઉર્વીશ બધી જવાબદારી સંભાળતાં.
વડોદરા મારા આવી ગયા પછી અમારો પત્રવ્યવહાર ચાલુ રહ્યો. ક્યારેક અમે ફોન પર વાત કરતા, પણ એમાં મઝા ન આવે, આથી જ્યારે પણ મળીએ ત્યારે વચગાળાની વાતોનો બૅકલૉગ પૂરો કરવાનો રહેતો.
ઉર્વીશનું લગ્ન સોનલ સાથે થયું ત્યારે અમે વડોદરા રહેવા આવી ગયેલા હતા. ઘરની આર્થિક બાબત અંગે મારી અને ઉર્વીશની વણકહી સમજણ એવી કે બેમાંથી કોઈ એકનું બરાબર ગોઠવાયેલું હોવું જોઈએ. કામિનીના કે સોનલના આગમન પછી પણ એ સમજણમાં કશો ફેર ન પડ્યો, બલ્કે એ બન્નેએ પણ એ જ બાબતને આગળ વધારી. અમારી વચ્ચે કદી કશો આર્થિક હિસાબ ન થાય. અમારાં સંતાનો શચિ, ઈશાન અને આસ્થાને ઘણી વાર નવાઈ લાગે છે કે તેઓ કોઈક મુદ્દે અમારા બન્નેમાંથી કોઈ સાથે વાત કરે તો અમારી પ્રતિક્રિયા લગભગ સમાન હોય છે. અમારી વચ્ચે એ બાબતે વાત સુદ્ધાં ન થઈ હોય તો પણ!
અલબત્ત, વૈચારિક સામ્ય આ હદનું હોવા છતાં અમારી પ્રકૃતિ સાવ ભિન્ન છે અને એની અમને જાણ છે.
મેં મારી નોકરી મૂકીને લેખનના ક્ષેત્રે આવવાનો નિર્ણય લીધો એ વખતે કામિની અને ઉર્વીશ મારી પડખે રહ્યા હતા અને તેમના પ્રોત્સાહનથી એ શક્ય બન્યું હતું.
અમને બન્નેને એકમેકના મિત્રોનો લાભ સીધો મળે છે. ઉર્વીશ જે ક્ષેત્રમાં છે એને કારણે સતત નવા મિત્રો એની મિત્રયાદીમાં ઉમેરાતા રહ્યા છે. એ મિત્રો આપોઆપ મારા પણ મિત્રો બની જાય છે.
અનેક સ્મૃતિઓ અમારી સહિયારી છે, અને મોટા ભાગની સુખદ છે. હવે સમયની વ્યસ્તતાને કારણે અમે રૂબરૂ મળીએ તો પણ વાત કરવાનો સમય ઓછો મળે છે, પણ કહ્યા વિના સમજવાનો જે નાળસંબંધ છે એમાં કશો ફરક નથી પડતો.
(આ લખાણ પછી ઉર્વીશે લખેલું મારા વિશેનું લખાણ અહીં વાંચી શકાશે.)