Sunday, April 30, 2017

એક્સ-રે નથી, આ છબી જ છે.


- ઉત્પલ ભટ્ટ
(અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટનો આ વખતે એક નવીન વિષયનો અહેવાલ.) 

૨૦૧૧ થી શરૂ કરેલા 'પ્રોજેક્ટ યુનિફોર્મ' અને ત્યાર પછી શરૂ થયેલા 'સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ'ને ગામવાસીઓ દ્વારા સુંદર પ્રતિસાદ મળ્યો. તેને પગલે ગુજરાતના આદિવાસી વિસ્તારોની મહિલાઓ સ્વરોજગાર મેળવી શકે તે માટે નવી પ્રવૃત્તિઓ કરવાનો ઉત્સાહ જાગ્યો છે. ગુજરાત સરકારની ખાતર કંપની જી.એન.એફ.સી. દ્વારા યુરિયા ખાતરને 'નીમ કોટિંગ' કરવા માટે 'નીમ પ્રોજેક્ટ' શરૂ કરાયો છેજેમાં આદિવાસી મહિલાઓ દ્વારા લીંબોળી ભેગી કરાવીને સરકાર રોકડા ચૂકવીને ખરીદી કરે છે. ભેગી થયેલી લીંબોળીનું તેલ કાઢીને તેનો ઉપયોગ યુરિયાને નીમ કોટિંગ કરવામાં થાય છે. એમ કરતાં વધેલા તેલમાંથી લીંબોળીનું તેલ, લીમડા સાબુ, હેન્ડ વોશ, ફેસ વોશ, મોસ્કીટો રેપેલન્ટ વગેરે બનાવવામાં આવે છે.

'નીમ પ્રોજેક્ટ' અંતર્ગત એપ્રિલ ૧૭ થી ૨૧ દરમ્યાન દક્ષિણ ગુજરાતના વિવિધ ગામડાઓની મુલાકાત લેવાનો મોકો મળ્યો. મારું કામ આદિવાસી મહિલાઓમાં લીંબોળી એકત્રીકરણના પ્રચાર-પ્રસારનું હતું. ગામડાઓમાં 'નેટવર્ક' બનાવવા વખતે ગુજરાત વિદ્યાપીઠની કેટલીક વિદ્યાર્થીનીઓની મદદ લીધી. ગુ.વિ. માં લગભગ ૭૦% વિદ્યાર્થીઓ આદિવાસી વિસ્તારોમાંથી ભણવા આવે છે. આ પ્રવાસ દરમ્યાન બને એટલા વધુ ગામોની મુલાકાત લઇ શકાય એટલા માટે રોજ સવારે થી રાત્રે ૧૧ સુધી પ્રવાસ ખેડવાનું નક્કી કર્યું.
**** **** ****

આ પ્રવાસ નેત્રંગ પાસેના વાલિયા ગામથી શરૂ થયો. ત્યાં પાણી સંચય સમિતિઓની મુલાકાત લીધી. અને નેત્રંગ તરફ આગળ વધ્યા. નેત્રંગમાં 'આગાખાન ફાઉન્ડેશન' અને 'રિલાયન્સ ફાઉન્ડેશન'ની સમાજ કલ્યાણના કાર્યોમાં સારી એવી હાજરી છે. આ બંને સંસ્થાઓમાં વિવિધ ખેડૂત સંગઠનોની મુલાકાત લીધી. સાંજે માંડવી તરફ આગળ વધ્યા. પ્રથમ દિવસે આદિવાસી મહિલાઓનો ખાસ ભેટો થયો નહોતો. રાતવાસો માંડવીમાં કરવાનો હતો. માંડવી પહોંચ્યા અને તેમાં આવેલા એક માત્ર ગેસ્ટહાઉસના હાલહવાલ જોઇને ત્યાં રહેવાની ઇચ્છા મરી પરવારી. રાતવાસો ક્યાં કરવો તેનો વિકટ પ્રશ્ન ઉભો થયો.

આનો રસ્તો કાઢવા માટેનો વિચાર કરતાં માંડવી પાસેના પીપલવાડા ગામે રહેતી અને ગુ.વિ.ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અકુલા યાદ આવી. તેને ફોન જોડ્યો અને રાતવાસો ક્યાં કરી શકાય તે પૂછ્યું. એણે પળનોય વિચાર કર્યા વિના કીધું કે મારા ઘેર આવી જાઓ. મારી પાસે એની વાત માનવા સિવાય બીજો વિકલ્પ હતો નહિ. એનો ભાઇ થોડી  વારમાં બાઇક લઇને આવી ગયો. બાઈકની પાછળ બેસીને હું પીપલવાડા પહોંચ્યો. અકુલાના ઘરમાં પગ મૂકતાં  ઘરની સાચી પરિસ્થિતિ સમજાઈ ગઈ. કાચું-પાકું છાપરાનું ઘર, ઘરમાં બારસાખ બેસાડી હતી, પરંતુ તેમાં બારી-બારણા નહોતા લગાવી શકાયા, ફરસ પર ટાઇલ્સ નહિ, કહેવાતા દીવાનખંડમાં ફર્નિચરના નામે જુદા જુદા રંગની બે પ્લાસ્ટિકની ખુરશીઓ. ઘરમાં રેડિયો, ટી.વી. હજુ પ્રવેશી નથી શક્યા. બારણા નથી તેેેેથી ચોરાઈ જાય તો ? એમ જ માનવુું નેેે!સાદો નાનો મોબાઇલ ખરોપણ બેલેન્સ વિનાનો.  પ્રથમ વખત મળી રહ્યો હોવા છતાં ઘરના તમામ સભ્યોએ ભાવભીનો આવકાર આપ્યો. ઘરના સભ્યોમાં અકુલા અને એની મોટી બહેન એલિસાએક નાનો ભાઇ અને ખેડૂત મા-બાપ હતાં. પહોંંચ્યા ત્યારે જમવાનો સમય થઇ ગયો હતો. એલિસા અને અકુલા રસોડામાં રસોઇ બનાવી રહ્યા હતા. મેં રસોડામાં આંટો માર્યો. અને અજબ કૌતુક જોયું. શાળામાં ભણતી વખતે 'હાંલ્લા કુસ્તી કરેએવો રૂઢિપ્રયોગ ભણવામાં આવેલો. પણ એ કુસ્તી કેવી હોય એની કલ્પના કદી નહીં આવેલી. એ તો વાર્તામાં જ હોય, એમ ધારીને. પણ આજે મારી નજર સામે એ દૃશ્ય જોયું. 
રસોડામાં સગડી અને ગેસ સિવાય બીજું કશું નહોતું. હિસાબે રસોડામાં ખૂબ જગ્યા હતી. થોડીક કોરી રોટલીઓ અને કાંદાનું શાક બની રહ્યાં હતાં. શું કહેવું કે કરવું એ જ ન સમજાયું. થોડી વારમાં એ તૈયાર થઈ ગયું. પ્રેમથી એ થાળીમાં પીરસાયું. આ ભોજન સ્વાદિષ્ટ જ લાગે અને જેટલું મળે એ પેટ ભરીને જમ્યા હોઈએ એમ લાગેજમ્યા પછી દીવાનખંડમાં આવેલી પ્લાસ્ટિકની ખુરશી પર હું બેઠો
દરમ્યાન બંને ખ્રિસ્તી બહેનો ફળિયામાં ગઈ. અને મહિલાઓને બોલાવી લાવી. એ  રાત્રિસભામાં  મહિલાઓને  લીંબોળી એકત્રીકરણ વિશેની જાણકારી આપી. 
અકુલા-એલિસાને ઘેર રાત્રિસભા 

પછી
બધા વિખરાયા
એલિસા મોટી અને અકુલા નાનીએલિસા શરમાળ અને અકુલા બોલકી. ઉંમર આશરે ૨૨-૨૫ ની હશે. વાતવાતમાં મેં તેમને 'બે ઇંગ્લીશ બહેનો' કહીને મજાક કરી. તેમણે  હળવાશથી માણી! અનેક પ્રતિકુળતાઓ હોવા છતાં બંને બહેનોની આંખોમાં ભવિષ્ય માટેની સોનેરી ચમક જોઇ શકાતી હતી.
 હા, આ ઘરમાં વીજળી હતી. જો કે, પંખો એક પણ નહોતો. એમને ગરમી નહીં લાગતી હોય? અને મચ્છર ?
એમનું જે હોય એ, મને આ તકલીફ ન પડે એટલે ગામની કોઇક 'સમૃદ્ધ' વ્યક્તિને ઘેરથી પેડસ્ટલ ફેન લાવવામાં આવ્યો. 
એલિસા-અકુલાના ખેડૂત પિતા અર્જુનભાઇ સાથે મેં ગોષ્ઠિ શરૂ કરી. એ રીતે દેશના ખેડૂત સાથે સીધો વાર્તાલાપ શરૂ કર્યો. કેેેટકેટલી વાતો નીકળી! કોઇ ખાસ કારણ વિના વટલાઇને ખ્રિસ્તી બન્યા તેની વાત, ખ્રિસ્તી બન્યા પછીયે આર્થિક હાલતમાં કોઇ ફરક પડ્યો તેની વાત, નાના ખેતરમાં શેનો પાક લેવાય છે તેની વાતો, ખેતીમાંથી ખાસ કોઇ આવક નથી થતી તેની વાતો, બંને છોકરીઓ સારું ભણી રહી છે તેની વાતો...ઘરમાં મદદરૂપ થવા માટે નાનો દીકરો ગામમાંથી પસાર થતા રસ્તાની બાજુએ શેરડીના રસનો સંચો ચલાવે અને થોડી આવક રળે. એમ ઘરનું ગાડું ગબડે. દેશના ગરીબ અને નાના ખેડૂતને રોજબરોજ શી મુશ્કેલીઓ પડી રહી છે તે ખબર પડી રહી હતી
મારાથી ઉંમરમાં નાનો હોવા છતાં અનેક પ્રકારના બોજથી દબાયેલો ખેડૂત વૃધ્ધ અને માનસિક  રીતે થાકેલો લાગી રહ્યો હતો. રાત જામી એટલે નીંદરે આક્રમણ કર્યુંઘરના એકમાત્ર પલંગ પર હું નિદ્રાધીન થયો
માતાપિતા સાથે અકુલા-એલિસા 
કૂકડાએ બાંગ પોકારી. સવાર વહેલી પડી. બારી-બારણા વગરના ખુલ્લા ઘરને કારણે ઠંડક ઘણી સારી હતી. ઘરની પાછળ ખુલ્લા ખેતરો અને એના પછી શરૂ થતી ગિરિમાળાનું દૃશ્ય આંખોને ઠંડક આપનારું હતું. ઊઠીને પરવારવાનું શરૂ કર્યું. એમના ઘરે શૌચાલય નહોતું એટલે બાજુના ઘરના શૌચાલયનો ઉપયોગ કર્યો. ઘરની બહાર આવેલા નાના બાથરૂમમાં ચૂલા પર ગરમ કરેલા પાણીથી સ્નાન કર્યું. મારા માટે ખાસ ડેટોલનો નવો સાબુ ખરીદાયો હતો. ઘરમાં બે ભેંસ છેપણ કોઇક કારણસર દૂધ નથી આપતી એટલે ખેડૂતના ઘરમાં રોજ ચા નથી બનતી. મારા માટે જ બહારથી દૂધ મંગાવાયુંઘરમાં ક્યારેક બનતી ચાની સોડમ ફેલાઇ. ઘણી ના પાડવા છતાં બિસ્કીટના બે પેકેટ ખોલવામાં આવ્યા. અજાણ્યા એવા મહેમાનની મહેમાનગતિમાં ક્યાંય કચાશ રહી જાય એનું સમગ્ર કુટુંબ દ્વારા ધ્યાન રખાઇ રહ્યું હતું. મારી જાણ બહાર કપાસિયા તેલની એક લિટરની બોટલ મંગાવી અને રોટલી-શાક પણ બનાવી દેવાયા. ખરેખરો યજમાનધર્મ એટલે
શું એ વાર્તાઓમાં વાંચેલું. એ દિવસે અનુભવ્યું. 
સવારે પીપલવાડાની પાસે આવેલા મોટી સરકૂઇ ગામે જવાનું હતુંએલિસા-અકુલાના હાથના રોટલી-શાક ખાઇને મેં પ્રેમાળ ખ્રિસ્તી કુટુંબની વિદાય લીધીઆભાર માનવા માટે કોઈ પણ શબ્દ સૂઝતા ન હતા. એલિસા ઓગષ્ટમાં MSW ની ડિગ્રી મેળવશે. અકુલા શિક્ષિકા બનવા માટે TET ની પરીક્ષાની તૈયારી કરી રહી છે. વિદાય લેતી વખતે મેં આગ્રહપૂર્વક એલિસાના હાથમાં થોડી રકમ મૂકી. તેણે એ લેવાની ઘણી આનાકાની કરી. છેવટે મારી જીત થઇ. અફસોસ કે હું એટલી રકમ આપી શકું તેમ હતો. મારી પાસેે વધુ પૈસા નહોતા  એ ખરું, પણ આ ઘરમાં મારાથી એવું બોલતાં જીભ જ ન ઉપડે એવી સ્થિતિ હતી. 
આસપાસના ગામોમાં 'નેટવર્કિંગ' માટે એલિસા-અકુલા અમારી સાથે જોડાયા. મોટી સરકૂઇ ખાતે ગુજરાત યુનિવર્સિટીની એમ.ફિલ. ની એક વિદ્યાર્થીનીને ઘેર અમે પહોંચ્યા. ત્યાં ગ્રામસભા કરી. પછી ઝરીમોરા, ઉમરખાડી થઇને સોનગઢ તાલુકાના ખાંજર ગામે જવા પ્રયાણ કર્યું. 'સેનીટરી નેપકીન્સ પ્રોજેક્ટ'નો કેસ સ્ટડી કરી રહેલી ગુ.વિ. ની વિદ્યાર્થીની સુનીતા ગામીતનું આ ગામ હતું.

અત્યંત વિકટ રસ્તાઓ પર આગળ વધતા અમે ખાંજર ગામના બગદવડી ફળિયામાં પહોંચ્યા. અહીં આશરે ૫૦ જેટલી મહિલાઓ અમારી રાહ જોઇ રહી હતી. ફરીથી ગ્રામસભા થઇ, સવાલ-જવાબ થયા, મહિલાઓએ મહેનત કરીને કમાવાનો ખૂબ ઉત્સાહ બતાવ્યો. 

લીંબોળીઓનું અગત્ય સમજાવવા માટે લીમડાને છાંયે જ ગ્રામસભા 
ખાંજર ગામે ગ્રામસભા
પછી ત્યાંથી અમે થોડે દૂર આવેલા સુનીતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બેઠા ઘાટનું  લીંપણવાળું, નળિયાવાળું કાચું ઘર, બેસવા માટે એક ચારપાઇ, અજવાળું પાથરવા બે-ત્રણ પીળા બલ્બ. છત તરફ નજર કરી. હજી અહીં પંખાનું આગમન થયું નહોતું. ખાસ અમારા માટે બનાવાયેલું લીંબુ શરબત પીધું. સમગ્ર વિસ્તારમાં ઉનાળામાં પાણીની ખૂબ તકલીફ પડે છે એટલે ખેતીની જમીન હોવા છતાં પિયતના અભાવે કડિયાકામ કે મજૂરી કરવા દૂર જવું પડે છે. આવી જમીની હકીકતો જાણીને હવે આઘાત લાગતો નહોતો. 
ખાંજર ગામે સુનિતાનું ઘર 
અમે ગામના બીજા ફળિયામાં ગયા. ત્યાં પણ ગ્રામસભા. આમ ને આમ ત્યાંથી નીકળતાં રાત પડી ગઇ. રસ્તામાં ખરસી ગામનું ચર્ચ આવ્યુંત્યાં ગાડી રોકી. ચર્ચના પાદરી ગમનભાઇનો સંપર્ક નંબર સુનીતાએ આપ્યો હતોએના આધારે ગમનભાઇ સાથે વાત કરી. ત્યાં હાજર મહિલાઓને 'નીમ પ્રોજેક્ટ' દ્વારા થનારી આવકની વાત કરી. ગમનભાઇએ અમારા માટે પ્રભુ ઇસુને પ્રાર્થના કરી અને અમે રાતવાસો કરવા માટે બારડોલી જવા નીકળ્યા.
રીતે પાંચ દિવસમાં ભર ઉનાળે સોનગઢ, ઉચ્છલ, મહુવા તાલુકાના ઘણા ગામો ખુંદી નાખ્યા,  જેની વધુ વાતો હવે પછી કરીશું
એલિસા-અકુલાની આર્થિક હાલત જોઇને પહેલી વાત મગજમાં આવી કે ખેડૂતોના દેવા માફ કરવાના સરકારી નિર્ણયનો વિરોધ કરવા જેવો નથી. એના બદલે ઉદ્યોગપતિઓએ સમજી-વિચારીને બેંકોના (એટલે કે આપણા ) લાખો કરોડોનું ફુલેકું ફેરવ્યું છે એમને પકડવામાં આવે. દેશનો નાનો અને ગરીબ ખેડૂત આપઘાત કેમ કરે છે તે સ્વયંસ્પષ્ટ હતું. બીજો મહત્વનો બદલાવ જોયો કે ગુજરાતની (અને કદાચ દેશની) મહિલાઓ મહેનત કરીને કમાઇને આગળ વધવા માગે છેપરંતુ એમની પાસે સ્વરોજગાર માટે ખેતી કે ખેતમજૂરી સિવાય કોઇ પ્લેટફોર્મ નથી. સરકારે ગામેગામ સખીમંડળોની રચના કરી દીધી છે. એ માટે તોતિંગ સ્ટાફ નિભાવવા પાછળ જંગી બજેટ ફાળવે છે પરંતુ આંગળીને વેઢે ગણાય તેટલા સખી મંડળોને બાદ કરતાં બાકીના તમામ પાસે મહિને ૧૦૦-૧૫૦ ની બચત કરવા સિવાય કોઇ કામગીરી નથી. અલબત્ત, નેતાઓની સભામાં હાજરી દ્વારા ક્યારેક વધારાની આવક યા ભેટ મળે એ અલગ વાત છે. 

એલિસા-અકુલા અને સુનીતાને ઘેર ૨૦૧૭ માં પણ પંખા નથી હકીકત જાણીને આટલી ગરમીમાં પણ ધ્રુજી જવાય. ગુજરાતના દરેક ગામડામાં આવા તો અનેક ઘર હશે કે જ્યાં ઉનાળામાં પણ પંખાનો વૈભવ નથી
એક વિચાર એ આવ્યો કે સરકારની ઉજાલા યોજનાના રૂ.૧૧૧૦ ની કિંમતના નવા પંખા ખરીદીને તેમને આપીએ. એ પણ  થઇ શકે તેમ હોય તો સૌને એક અપીલ છે. તમારા ઘરના જૂના પંખા બદલીને ફાઇવ સ્ટાર રેટિંગવાળા ઓછી વીજળી વાપરતા નવા પંખા નાખો. તમારા જૂના પંખા મને મોકલી આપો. જરૂરિયાતવાળા ઘરોમાં જૂના પંખા પહોંચાડવાની વ્યવસ્થા હું  કરીશ. ૪૫ ડિગ્રી ગરમીમાં, આપણા વિકાસશીલ રાજ્યના ખેડૂતને ત્યાં એક પણ પંખો હોય તે આપણા માટે શરમની વાત છે. માત્ર સરકારને દોષ આપીને બેસી શકાય નહીં. 
જુવાર- ડૂંડા છૂટા પાડવાનું કામ ચાલી રહ્યું છે. 
 એક સારી બાબત એ કે આવા દૂરના ગામોમાંથી, ગરીબ કુટુંબોમાંથી દીકરીઓ શહેરમાં ભણવા આવે છે. ખૂબ મુશ્કેલીઓ પછી તેઓ સ્નાતક/અનુસ્નાતક સુધી પહોંચી હોય છે. શક્ય તમામ મદદ એવી દીકરીઓને કરીએ તો? એક જ ઉદાહરણ આપું તો ગુ.વિ. માં એમ.ફિલ. નો અભ્યાસ કરતી સુનીતા ગામીતને અભ્યાસ માટે લેપટોપની તાકીદની જરૂરિયાત છે. સરકારી જાહેરખબર મુજબ હવે તમામ અરજીઓ ઓનલાઈન કરવાની હોય છે. રેલ્વેના પાટા બિછાવાઈ ગયા હોય, પણ એન્‍જિન જ ન હોય તો એનો શો અર્થ? બીજી તરફ એવો ઘાટ છે કે એન્‍જિનો લવાઈને પડ્યાં પડ્યાં ધૂળ ખાય છે અને પાટા નખાવવાની ત્રેવડ કે આયોજન નથી. વિકાસશીલ ગણાવાતી કોઈ પણ યોજનાની સરખામણી આ ઉદાહરણ સાથે કરી જોજો. 

સુનિતાના મા-બાપે પોતાની બચતના રૂ.૧૮,૦૦૦ એને આપ્યા છે. તેમણે એ શી રીતે બચાવ્યા હશે એ કલ્પી લેજો. ધોરણસરનું લેપટોપ રૂ.૩૫,૦૦૦ ની આસપાસ આવે છે. બાકી રહેતા રૂ.૧૭,૦૦૦ ની વ્યવસ્થા કોઇ કરી આપે તો છોકરીને કામ આવી જાય અને તેનું ભણેલું લેખે લાગે. 

સમગ્ર પ્રવાસ દરમ્યાન ઘણી ગ્રામસભાઓ, રાત્રિસભાઓ કરી. આદિવાસી મહિલાઓ સાથે સીધો વાર્તાલાપ કરવાની તક મળી. ભવિષ્ય માટેના તેઓના સ્પષ્ટ વિચારો પણ જાણ્યા. પણ  લોકોને પડતી તકલીફો, અનંત ગરીબી, રોજગારના અત્યંત પાતળા વિકલ્પો.....આ જાણીને-જોઇને શું અનુભવાયું એ શી રીતે કહું? પરિસ્થિતિ જાણ્યાનો અને તેને નહિ બદલી શકવાનો ભારોભાર અફસોસ! 

વાત નાનકડી છે, નાનકડા ગામની છે, નાના લોકોની છે. પરંતુ વિચારશો તો એનું વિરાટ સ્વરૂપ સમજાશે. આપણે જેને એક્સ-રે ધારતા હોઈએ એ ફોટોગ્રાફ હોવાની ખબર પડે તો? બસ, આટલામાં બધું આવી ગયું. 
લેખને વધુ એક અહેવાલ તરીકે વાંચવો કે ઉદ્‍ગારવાચક શબ્દો (વાઉ!ગ્રેટ જેવા) કઢાવતી ઘટના તરીકે જોવી એ તમારી પર નિર્ભર છે. કોઇક એલિસા, અકુલા કે સુનીતાના જીવનમાં આપણે વધુ નહીં, થોડો બદલાવ પણ લાવી શકીએ તોય ઘણું. 

 ( સંપર્ક: ઉત્પલ ભટ્ટ: bhatt.utpal@gmail.com / વોટ્સેપ: 70161 10805 અથવા આ બ્લૉગના માધ્યમ દ્વારા.) 

(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ) 

12 comments:

 1. ૨૦૧૭નાં ગુજરતાની આ વાત છે તે માનવામાં આજના મારા જેવા ઉચ્ચમધ્યમ વર્ગના શહેરીને શું તકલીફ પડે એતે તકલીફનો અનુભવ મેં કર્યો.....

  ReplyDelete
 2. કલ્પના દેસાઇApril 30, 2017 at 4:57 PM

  સરસ રીતે લખાયેલી સત્ય હકીકત. વધુ ને વધુ લોકો સુધી પહોંચે ને વધારે મદદ મળે.

  કલ્પના દેસાઇ
  ઉચ્છલ

  ReplyDelete
 3. Heart touching. You are carrying out really remarkable social work.

  Hetal Dalal
  Surat

  ReplyDelete
 4. પાર્થિવી અધ્યારૂApril 30, 2017 at 5:03 PM

  ૨૦૧૭ માં કોઇને ઘેર પંખા ન હોવા તે માની ન શકાય તેવી વાત. તેમ છતાં સત્ય આ જ.

  પાર્થિવી અધ્યારૂ
  અમદાવાદ

  ReplyDelete
 5. માલા શાહApril 30, 2017 at 5:07 PM

  નવા નવા પ્રોજેક્ટ્સ વિશે જાણવા મળી રહ્યું છે. ગ્રામ્ય ગુજરાતની પરિસ્થિતિ પણ ખબર પડી રહી છે. ખૂબ તકલીફો છતાં વધુ ને વધુ ભણી રહેલી છોકરીઓની ખુમારીને સલામ.

  માલા શાહ

  ReplyDelete
 6. તેજલ સોલંકીApril 30, 2017 at 5:15 PM

  ભર ઉનાળે પંખા વિના કેમનું રહી શકાય તે વિચાર જ કંપારી આવે તેવો છે. પંખા માટેની વ્યવસ્થા કરીને જણાવીશ.
  ખેડૂતોના દેવામાફીનો વિરોધ ન જ કરી શકાય. આ એંગલથી પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું. આવી સંવેદનશીલ વાત જણાવવા બદલ આભાર. હલબલાવી નાખનારો લેખ.

  તેજલ સોલંકી

  ReplyDelete
 7. પૂર્ણેશ પટેલApril 30, 2017 at 7:55 PM

  વાહ, સવારમાં ઉઠતાંની સાથે જ તારી હાર્ટ ટચીંગ સ્ટોરી વાંચી મન ત્યાં ગામડે પહોંચી ગયું. આવી તો કેટલીય વાતો છે જે બહાર આવતી જ નથી. તુ આટલો સમય ફાળવીને ગામેગામ ફરે છે તે બદલ તને ધન્યવાદ આપવા જ ઘટે.

  પૂર્ણેશ પટેલ
  ન્યુ યોર્ક

  ReplyDelete
 8. Hi Utpalbhai,

  I will send $250 tomorrow. Please give it to Sunita for her laptop. Thanks.

  Sweta Patel
  Melbourne

  ReplyDelete
 9. We never knew this reality, came to know by your artical, very heart touching and work done by you is excellent and very helpful to them. And thanks for sending this artical .

  ReplyDelete
 10. ઉત્પલભાઈ, જાણીને અંદરથી હચમચી જવાય એવી જીંદગી જીવી રહેલાં લોકોને સહાયભૂત થવાના તમારા પ્રયાસો દાદ માંગી લે છે. તમારી વાત રજૂ કરવાની શૈલી પણ હૃદયને સ્પર્શી જાય છે.

  ReplyDelete
 11. ચરોતરમાં ય આથી જુદી હાલત નથી. માસ્તરનો જાત અનુભવ બોલે છે.

  ReplyDelete