Tuesday, February 21, 2023

અર્પણ, તર્પણનો આનંદ

સંગીતકાર ઈલૈયા રાજાએ કોઈક ઈન્ટરવ્યૂમાં કહ્યું હોવાનું યાદ છે કે તમે જે ફિલ્મને 'ભંંગાર' ગણીને કાઢી નાખો છો એ ફિલ્મ અમારે આઠ-દસ વાર જોવી પડતી હોય છે. ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા હોવાને કારણે આ તબક્કો અનિવાર્ય બની રહે છે. આ જ બાબત પુસ્તકને અમુક હદે લાગુ પાડી શકાય. પ્રકાશન થાય એ અગાઉ નિર્માણ પૂર્વેના વિવિધ તબક્કામાંથી પુસ્તક પસાર થાય છે અને દર વખતે એ વાંચવું પડે છે. એટલું ખરું કે એ બાબતને પુસ્તકની ગુણવત્તા સાથે કશી લેવાદેવા હોતી નથી, કેમ કે, પુસ્તક પ્રકાશન થાય એ અગાઉ એ લેખકના મનમાં તૈયાર થઈ ચૂક્યું હોય છે.

પુસ્તક સામાન્ય રીતે અર્પણ કરવાની પરંપરા છે. આમ તો એ ઔપચારિકતા છે, જેનું મૂલ્ય ભાવનાત્મક વધુ છે. અર્પણ કરનાર અને જેને અર્પણ કરાયું છે એ બે માટે તે વિશેષ મહત્ત્વ ધરાવે. એ ઘણી વાર પુસ્તકના વિષય અનુસાર હોય તો ક્યારેક ભાવનાત્મક અનુસંધાન મુજબ હોય, પણ લેખકની એ સાવ અંગત લાગણી હોય છે.
વ્યાવસાયિક ચરિત્રલેખન ક્ષેત્રે કાર્યરત હોવાથી મારા ભાગે ઘણી વાર પુસ્તકોનું નિર્માણ સંભાળવાનું આવ્યું છે. એ કામ મને સોંપવામાં આવેલું હોવાથી તેમાં વધુ ચીવટ રાખવી પડતી હોય. હસ્તપ્રત ફાઈનલ થયા પછી એના પર જેટલા સંસ્કાર થાય એ થયા પછી હસ્તપ્રત લગભગ આખી વાંચવી પડતી હોય છે, અને એ પણ માથે સાવ ટૂંકી ડેડલાઈનમાં. માનસિક રીતે આ પ્રક્રિયા કંટાળાજનક અને અમુક વાર થકવી નાખનારી હોય છે, છતાં એમાં ચૂક થાય એ ચાલે નહીં. આ પ્રકારનાં પુસ્તક ભલે લખ્યાં હોય મેં, પણ આખરે એ મને સોંપાયેલાં વ્યાવસાયિક કામ હોવાથી એનું અર્પણ એ કામ સોંપનારની ભાવના મુજબ થાય એ સ્વાભાવિક છે. સામાન્ય સંજોગોમાં એ અંગેનું સૂચન હું કરતો હોઉં છું.
મને અર્પણ થયું હોય એવું પહેલું પુસ્તક ઉર્વીશ કોઠારીનું પણ પહેલવહેલું પુસ્તક 'સરદાર: સાચો માણસ, સાચી વાત' હતું. એ પછી રજનીકુમાર પંડ્યાએ ઉર્વીશને અને મને સંયુક્તપણે બે પુસ્તક અર્પણ કરેલાં. 'શબ્દઠઠ્ઠા' અને થોડા સમય પહેલાં પ્રકાશિત 'ફિલ્માકાશ.'
પણ મારું પોતાનું પુસ્તક હોય ત્યારે? એ હકીકત છે કે વ્યાવસાયિક ધોરણે પચાસેક પુસ્તક/પુસ્તિકાઓ લખવા છતાં મારાં પોતાનાં કહી શકાય એવાં પુસ્તકની સંખ્યા ગણીને ચાર જ છે. 'ગુર્જરરત્ન', 'સળી નહીં, સાવરણી', 'હોમાય વ્યારાવાલા' અને હમણાં પ્રકાશિત 'સાહિત્ય-બાહિત્ય'. આ તમામ 'સાર્થક પ્રકાશન' દ્વારા પ્રકાશિત છે. 'ગુઝરા હુઆ ઝમાના' અને 'સાગર મુવીટોન' મને અતિ પ્રિય હોવા છતાં મને સોંપાયેલાં કામ હતાં.
'ગુર્જરરત્ન' પુસ્તકમાં વિવિધ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર ગુજરાતીઓની લીધેલી મુલાકાત પર આધારિત લેખો છે. આમ તો વ્યક્તિચિત્રોના લેખનમાં મારી પ્રેરણારૂપ રજનીકુમાર પંડ્યાનું નામ સહજપણે જ સૂઝે, પણ કુકેરી (દક્ષિણ ગુજરાત)નાં વાચક ડાહીબહેન પરમારને મેં એ પુસ્તક અર્પણ કરેલું. એ લેખો 'અહા!જિંદગી' માસિકમાં પ્રકાશિત થતા ત્યારે જ ડાહીબેને મને એનું પુસ્તક કરવાનું સૂચન કરેલું, એટલું જ નહીં, એ માટેનો તમામ ખર્ચ પોતે ભોગવશે એમ જણાવેલું. એ વખતે 'સાર્થક પ્રકાશન'નું અસ્તિત્વ નહોતું. આ પુસ્તક 'સાર્થક' દ્વારા પ્રકાશિત થયું ત્યારે ડાહીબહેનનો સ્વર્ગવાસ થયેલો, છતાં એ પુસ્તક તેમને જ અર્પણ કરવા બાબત મારા મનમાં સહેજે અવઢવ નહોતી.
'ગુર્જરરત્ન' પુસ્તકનું અર્પણપૃષ્ઠ 

હાસ્યલેખોનું મારું પુસ્તક 'સળી નહીં, સાવરણી' પ્રકાશિત થયું, જેમાં વિવિધ વિષયો પરના ટૂંકા હાસ્યલેખોનો સમાવેશ હતો. એના અર્પણ બાબતે પણ મારા મનમાં પહેલેથી સ્પષ્ટતા હતી. અમેરિકન હાસ્યવ્યંગ્યનું સામયિક 'મૅડ' વાંચીને મારી રમૂજવૃત્તિ પાકટ બની હતી. આ સામયિકના માસ્કોટ એવા આલ્ફ્રેડ ઈ. ન્યુમનને એ પુસ્તક અર્પણ કર્યું હતું.
'સળી નહીં, સાવરણી'નું અર્પણપૃષ્ઠ 

ત્રીજું પુસ્તક હોમાય વ્યારાવાલા કોને અર્પણ કરવું એ પણ પહેલેથી સ્પષ્ટ હતું. હોમાયબહેન સાથે મારી નિકટતા સ્થપાઈ એમાં મહત્ત્વનું પ્રદાન મારી જીવનસંગિની કામિનીનું રહ્યું. આથી એ પુસ્તકનું અર્પણ તેને કરવામાં આવ્યું.
'હોમાય વ્યારાવાલા' પુસ્તકનું અર્પણપૃષ્ઠ 

હવે વાત હમણાં જ પ્રકાશિત થયેલા ચોથા પુસ્તક 'સાહિત્ય-બાહિત્ય'ની. આ પુસ્તકમાં પૃષ્ઠભૂમિ બૃહદ અર્થમાં સાહિત્યની છે, પણ તેના કેન્દ્રમાં શું છે? હાસ્યવ્યંગ્ય ખરાં, પણ આમ જુઓ તો નરી મસ્તી, ટાંગખિંચાઈ, ટોળ વગેરે...આવી મસ્તી અમુક મિત્રો સાથે જ થઈ શકે. કૉલેજકાળમાં કે હોસ્ટેલમાં રહેતા હોઈએ અને જે રીતની બેફામ ફટકાબાજી થાય એવું જ કંઈક આ પુસ્તકમાં છે. આથી સ્વાભાવિકપણે જ જેમની સાથે એ સતત થતી હોય અને હજી થતી રહે છે એવા મારા મિત્રો યાદ આવે. ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ (આઈ.વાય.સી.) નામનું અનૌપચારિક સંગઠન એટલે મહેમદાવાદના મારા શાળાકાળના ગોઠિયાઓ. ઘણી વાર મજાકમાં હું કહું છું કે 'આઇ.વાય.સી.'માંથી હવે માત્ર 'સી.' (ક્લબ) જ રહ્યો છે. મતલબ કે હળવુંમળવું અને ખાણીપીણી. કેમ કે, 'ઈન્ટેલિજન્ટ' હોવાનો ભ્રમ ભાંગી ગયો છે, અને 'યુથ' વીતી ચૂક્યું છે. આવી મસ્તીઓ જે ટોળકી સાથે સતત ચાલતી રહેતી હોય એવી આ મિત્રમંડળીને 'સાહિત્ય-બાહિત્ય' અર્પણ કરવાનું નક્કી કર્યું. એમાંના ઘણાને સાહિત્ય સાથે ખપપૂરતી લેવાદેવા, પણ બેફામ ફટકાબાજી આ પુસ્તકનું પ્રમુખ લક્ષણ અને અમારી મંડળીનું પણ. આથી એ તમામ મિત્રોને એ અર્પણ કર્યું. મિત્રપત્નીઓ અને મિત્રસંતાનો એટલાં જ અંગત અને પ્રિય હોવા છતાં એમનો સમાવેશ આમાં કર્યો નથી, કેમ કે, મિત્રોની શાળાકાળની અવસ્થા આમાં ધ્યાને લીધેલી છે.
'સાહિત્ય-બાહિત્ય' પુસ્તકનું અર્પણપૃષ્ઠ 

('સાહિત્ય-બાહિત્ય' પુસ્તક મંગાવવા માટે વૉટ્સેપ નં. 98252 90796, કિંમત રૂ. 130/, વળતર સાથે 120/, પોસ્ટેજ ફ્રી, પૃષ્ઠસંખ્યા: 120)

No comments:

Post a Comment