Thursday, February 2, 2023

તારી જોડે શું વાત કરું, લ્યા?

 આજે મિત્ર વિજય પટેલનો જન્મદિન છે.

એનું આખું નામ વિજય હરગોવનદાસ (હરગોવિંદદાસ) પટેલ. પણ એને કોઈ નામ પૂછે તો એવી શક્યતા ખરી કે એ જવાબ આપવાને બદલે સવાલ સાંભળ્યો જ ન હોય એમ 45 અંશના ખૂણે પોતાની ગરદન ઊંચી કરીને ઊભો રહી જાય.

અમારા બાળગોઠિયા મિત્રોના અનૌપચારિક સંગઠન 'ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ' (આઈ.વાય.સી.)નો એ સભ્ય ખરો, પણ અમારા કરતાં ભણવામાં એક વરસ આગળ અને ઉંમરમાં પણ અમારા સૌ કરતાં મોટો. એમ તો એ થોડો સમય મારો પાડોશી પણ રહી ચૂકેલો, પણ એ વખતે અમારે એટલો સંપર્ક નહોતો. એની સાથે અમારો પરિચય થયો બારમા ધોરણ પછી અમે સૌએ કૉલેજ માટે અપડાઉન શરુ કર્યું ત્યારથી. એ વિદ્યાનગર બી.એસસી. કરતો. પોતાના અભ્યાસ દરમિયાન અને એ પછી તેણે નોકરી વખતે ટ્રેનમાં જે પણ અપડાઉન કર્યું એ બધો સમય એક ટેક એણે લીધી નહોતી, છતાં જાળવી રાખેલી. અને તે એ કે કદી ટ્રેનની ટિકિટ નહીં ખરીદવાની. તેની આ ટેક એવી જળવાઈ કે અમે તેને કહેતા કે પશ્ચિમ રેલ્વેએ તારું ખાસ સન્માન કરવું જોઈએ. અથવા તો- હવે તારે ટિકિટ ચેકર આગળ સરેન્ડર કરી દેવું જોઈએ. જો કે, વિજયે એમ કરવાને બદલે કેનેડા જવું પસંદ કર્યું. એ પછી રેલ્વેનું ખાનગીકરણ કરવાનો વિચાર ધીમે ધીમે અમલી બન્યો. અમને પાકી શંકા છે કે આ બન્ને બનાવો વચ્ચે કંઈક કડી છે.


અમારો સંપર્ક વધતો થયો ત્યારથી અમને ખબર કે એને જૂનાં ગીતોનો બહુ શોખ છે. વિજય અમારી સાથે લગભગ અગિયારમા-બારમા પછી ભળતો થયો. આથી શરૂ શરૂમાં બહુ મજા આવતી. તેનો અમને બરાબર પરિચય થયો અમારા આબુ પ્રવાસ દરમિયાન. ત્યાં તે બ્રશ કરતાં કરતાં 'યે ચાંદ સા રોશન ચહેરા' ગાતો અને અમે લોકો એને જોતા. એ સમયે કેમેરા અને રોલની મર્યાદા, પણ એને પોઝ આપીને ફોટો પડાવવાનો ગજબ શોખ. આબુમાં અમે જે ફોટા લીધા એ પછી ઘેર આવીને કોણ કયા ફોટામાં છે એ ગણ્યું તો વિજય સૌથી વધુ ફોટામાં હાજરી પુરાવતો હતો. નખી તળાવમાં બતકોનાં ઝુંડ તરતાં હોય છે કે વચ્ચે આવેલા નાનકડા ટાપુ પર ફરતા હોય છે. બે-ત્રણ મિત્રો એ બતક પકડવા જતા હોય એવો ફોટો લેવડાવ્યો એમાંય વિજય હાજર અને એની ગરદન આસમાન તરફ! વિજયનો સગો કાકો નરેન્દ્ર (ભોપો) અમારી સાથે ભણતો, પણ અન્ય વર્ગમાં. વિજય ભણતો થયો એ પછીના અરસામાં તેના પપ્પા હરગોવનકાકાને એની બહુ ચિંતા. એમાંય 'તોલા', 'રોકડ' વગેરેની વાતો એના લગ્ન અંગે થતી રહે. વિજયને એ બિલકુલ પસંદ નહીં. એના પપ્પાનો ઉલ્લેખ એમની ગેરહાજરીમાં અમે 'એચ.જી.દાસ' (એચ.જી.વેલ્સની તરાહ પર) તરીકે કરતા. દાસકાકા મારા નામનો ઉચ્ચાર 'બીરેન્દ્ર' કરતા. અમારા વર્તુળમાં મયુર અને ખાસ તો, હેતલ આજે પણ મને એ ઉચ્ચારે જ સંબોધે છે.

અમુક સમયગાળા પછી વિજયની પ્રકૃતિ જાણે કે બદલાઈ અને એનામાં ધૂનીપણું પ્રવેશ્યું. અમુક જણ એને 'આવેલું' માનતા, તો અમુક એને 'લાવેલું' માનતા. જેમ કે, વિજયને આપણે કશી વાત કરીએ તો એ વાત પત્યા પછી તે પૂછે, 'શું કહ્યું?' ઘણી વાર એ એવા સવાલો કરતો કે જેના જવાબ ખબર જ હોય. જેમ કે, હું ત્યારે વડોદરાથી ટ્રેનમાં અપડાઉન કરતો. અમે મળીએ એટલે એ પૂછતો, 'સવારે આવ્યો? લોકલમાં? 8.40ની? સાંજે જવાનું? નાઈટ શિફ્ટમાં? ગુજરાત ક્વિનમાં?' ખરેખર તો આ સવાલમાં જ જવાબ સમાયેલા છે, પણ વિજયને એવી ટેવ પડેલી. એક વખત પ્રદીપ એને મળ્યો. વિજય કશું પૂછે એ પહેલાં જ પ્રદીપે બોલવા માંડ્યું, 'હું ફલાણી ગાડીમાં આટલા વાગ્યે આવ્યો છું, ફલાણી ગાડીમાં જવાનો છું, અહીં આટલા દિવસ રોકાવાનું છે અને આ આ કામ કરવાનો છું. બોલ, હવે કંઈ જાણવું છે?' પ્રદીપની આ ટ્રીટમેન્ટથી વિજય તો ઠીક, અમે બધા પણ અવાક થઈ ગયેલા.

વિજય ખાસ કરીને (અજય) ચોકસી સાથે જે કમેન્‍ટબાજી કરે એ સાંભળવા જેવી. અજયના પપ્પાનું નામ ચંદુલાલ અને એના દાદાના નામની 'મગન રણછોડ'ની પેઢી. આથી વિજય ચોકસીને 'મગન રણછોડ'ના નામે જ બોલાવે. એક સાંજે વિજય અને ચોકસી મારે ઘેર આવેલા. મારે આંખમાં 'જીવદયા નેત્રપ્રભા' આંજવાની હોવાથી એની સાથે આવતો કાચનો સળિયો હું શોધતો હતો. એ જોઈને ચોકસી બોલ્યો, 'વેચી કાઢ્યો હશે.' મેં કહ્યું, 'વેચી કાઢ્યો હોય તોય તારી દુકાને જ આવ્યો હોય.' આ સાંભળીને વિજયે તત્ક્ષણ કહ્યું, 'આમની દુકાને તો ખાલી ચોરીનો માલ જ લે છે.'

જૂનાં ગીતોમાં અમારું ખેડાણ શરૂ થયેલું અને અમે લોકો એક એક કરીને કેસેટ ખરીદતા જતા હતા. વિજય સાથે એ કારણે ઘણી નિકટતા આવી ગઈ. દેવ આનંદનો એ પ્રેમી અને એમની ફિલ્મોનાં ગીતો એને હોઠે હોય. એક સમયે અમે 'રતન' અને 'અલબેલા'ની કેસેટ (બન્ને ફિલ્મોનાં ગીત આગળપાછળ) લાવેલા. 'અલબેલા' તો બરાબર, પણ 'રતન'નાં ગીતો વિજયને રીતસરનાં ચડેલાં. એ અમારે ઘેર આવે ત્યારે દાદર ચડતાં ચડતાં જ 'રુમઝુમ બરસે બાદરવા' કે 'સાવન કે બાદલોં ઉનસે યે જા કહો' ગણગણતો હોય. મારા પપ્પાની તબિયત બગડી અને એ પછી તેઓ ઘેર રહેતા થયા ત્યારે વિજય લભગ રોજ સાંજે અમારે ઘેર આવતો. પપ્પા સાથે એ એ રીતે વાત કરે કે જાણે ઉર્વીશ અને હું એના ભત્રીજા હોઈએ. 'શું કાકા, આપણા જમાનામાં તો હેં...અહાહા...'અનારકલી'નાં ગીતો એટલે...' આવી વાતો કરે. પપ્પાની પ્રકૃતિ પણ ટીખળી એટલે એમને મજા આવે. એ જ રીતે વિજયની દુકાને મગનલાલ કરીને એક સજ્જન આવતા. વિજયને ચા-ખાંડની દુકાન હતી. મગનલાલ ચાના નમૂના વેચવા આવતા. નજીકની લારી પર તેઓ ચાનું પડીકું આપતા અને એ ચા ગાળ્યા વિના બનાવડાવતા, જેથી એનો સ્વાદ ખ્યાલ આવે. આ મગનલાલ પણ જૂના ગીતોના ઘાયલ. એમને જોઈને વિજય ખીલે. 'મગનલાલ, આજે તો ગીતાદત્ત વિશે કંઈ કહો.' આવો પૂછનાર મળે પછી મગનલાલ ઝાલ્યા રહે? 'અહાહા, પટેલ! સાલું આજકાલના ગાયકોના તો અવાજ જ સાવ બોફોર્સ જેવા છે. ગીતાદત્ત એટલે ગીતાદત્ત. અહાહા! 'યે લો મૈં હારી પિયા', 'એ દિલ મુઝે બતા દે'....કેવા કેવા ગીતો, હેં!' અમે તો મગનલાલને એકાદ બે વાર જ મળેલા, પણ એમની અને વિજયની જુગલબંદી કલ્પી શકતા. આ મગનલાલે જ 'બોફોર્સ' શબ્દ ચલણી બનાવેલો, જેને અમે એક સમયે હોંશે હોંશે અપનાવી લીધેલો. મૂળ તો 'બોફોર્સ' કૌભાંડ વખતે એ શબ્દ 'કટકી' માટે વપરાતો, પણ પછી તમામ વાહિયાત બાબતો માટે અમે એ વાપરતા. જેમ કે, 'ફલાણી ફિલ્મ? બોફોર્સ છે!' 'પેલાને ત્યાં રસોઈ કેવી હતી? હાવ બોફોર્સ!' 'પેલો માણસ તરીકે કેવો? એકદમ બોફોર્સ!' વગેરે...

વિજયના પપ્પાને વિજયના લગ્ન બાબતે બહુ ચિંતા હતી. પણ તેઓ પ્રમાણમાં વહેલા મૃત્યુ પામ્યા. એ પછી દુકાન વિજય અને ભોપો બન્ને સંભાળતા. બેયની કાર્યપદ્ધતિ અલગ, પણ દુકાનની પ્રતિષ્ઠા ઘણી એટલે સારો વ્યાપાર હતો. ભણીને અમે સૌ નોકરીએ લાગ્યા, પણ વિજયનું થાણું મહેમદાવાદ જ રહ્યું એટલે અમે એની દુકાને બેસવા જતા. એના અમુક આગ્રહો બહુ કડક. કેટલીક વ્યક્તિઓ પ્રત્યે એને ગ્રંથિ હોય તો એ એને પ્રદર્શિત કરે. એની સાથે વાત સુદ્ધાં ન કરે. એટલું જ નહીં, પેલો વાત કરવા જાય તો વિજય મોં ફેરવીને ઉભો રહી જાય અને એને કહે, 'તારી જોડે શું વાત કરું?' અને આવી ગ્રંથિ બંધાવા માટે ખાસ કોઈ કારણની જરૂર નહીં. એ માણસને જૂનાં ગીતોમાં રસ ન હોય તો પણ વિજય આવું કહી શકે.

અમારા વર્તુળના મિત્રો એક પછી એક પરણતા ગયા. નવાગંતુક મિત્રપત્નીઓ સાથે વિજયની પહેલી મુલાકાત અણધારી જ હોય. સંબંધ નક્કી થયા પછી બિંદુ પહેલી વાર વિપુલને ઘેર આવી. અમે લોકો બેસીને વાતો કરી રહ્યા હતા અને વિજય આવ્યો. બિંદુનો હિતેચ્છુ હોય એમ આવીને સીધો જ એની બાજુમાં ગોઠવાઈ ગયો. એકદમ ઠાવકું મોં રાખીને કહે, 'આ બધા બોફોર્સ છે. એ લોકો કહે એ કશું સાચું માનવું નહીં.' આ સાંભળીને બધા ખડખડાટ હસે, પણ વિજય એકદમ ગંભીર.

વિજયનું લગ્ન વિદ્યાનગરની શેફાલી પટેલ સાથે થયું એ વખતે મોટા ભાગના મિત્રો મહેમદાવાદ છોડીને બીજે સ્થાયી થઈ ગયેલા. આથી અમારી સાંધ્યસભામાં હાજર રહેવાનું શેફાલીને બન્યું નહીં. અલબત્ત, ઉર્વીશ વિજયને ત્યાં જતો.

એ પછી 2002માં વિજય અને શેફાલી કેનેડા ઉપડ્યાં અને ત્યાં સ્થાયી થયાં. એની દીકરી સુહાની (બુલબુલ) અને દીકરા શુભનો ઉછેર કેનેડામાં થયો એમ કહી શકાય. વિજયનાં મમ્મી કાંતામાસી પણ એમની સાથે ગયાં અને વિજયનું અહીંનું ઘર ખાલી પડ્યું. વિજયની નિર્ણયશક્તિ, ખરેખર તો અનિર્ણયશક્તિના પરચા ત્યાં રહ્યે રહ્યે પણ મળતા રહે છે, ખાસ કરીને ચોકસીને. ત્યાં ગયા પછી વિજય અવારનવાર આવતો નથી, પણ ફોનથી સંપર્ક રાખે છે. સંપર્ક જ નહીં, દરકાર પણ. ચોકસીનો દીકરો અર્પ કેનેડા સ્થાયી થવા માટે ગયો ત્યારે વિજય એને એરપોર્ટ પર લેવા ગયેલો અને પોતાને ત્યાં લઈ આવેલો. મારા દીકરા ઈશાનને કેનેડા આવવું હોય તો તમામ સુવિધા પૂરી પાડવાની એની ઑફર કાયમી છે.

અમને વિજયની વાત પર પૂરો ભરોસો, પણ એવી ખાતરીય ખરી કે કેનેડાના એરપોર્ટ પર એ લેવા આવે અને પૂછી કાઢે કે અલ્યા, તું અહીં ક્યાંથી? કોને ત્યાં આવ્યો છું તો?
જન્મદિનની શુભેચ્છા એને પાઠવીએ તો પણ એ કદાચ એમ કહે કે- હવે પંચાણુમા વરસે શેની શુભેચ્છા! અને એ એટલું સાહજિકતાથી બોલે કે એને ન ઓળખતો હોય ને શંકા જાય કે આ માણસ પંચાણુનો લાગતો નથી, પણ કહેવાય નહીં! હોય પણ ખરો.

No comments:

Post a Comment