Tuesday, March 29, 2022

રસ્તો ભૂલી ગયા તો દિશાઓ ફરી ગઈ


ગૂગલપૂર્વેના યુગમાં પ્રવાસની એક જુદી મજા હતી. સૌ પહેલાં તો જવાનું સ્થળ નક્કી કરવાનું, તેને લગતી વિગતો શોધવાની. ત્યાં કોઈ જઈ આવેલું હોય એવાને શોધીને એની પાસેથી પણ માહિતી લેવાની. 1992માં અમે મિત્રોએ કોડાઈકેનાલ જવાનું નક્કી કર્યું એ સાથે આ કવાયત શરૂ થઈ. કોડાઈકેનાલની પસંદગી 'દૂર આવેલા અજાણ્યા સ્થળ' તરીકે કરવામાં આવેલી. મારો એક સહકર્મી ત્યાં જઈ આવેલો એણે મને મદ્રાસથી કોડાઈકેનાલ જવા સૂચવ્યું. મયુરનો એક સહકર્મી કોચીન થઈને ત્યાં ગયેલો. આમ, બે વિરુદ્ધ માર્ગ સૂચવાયા એટલે અમે મૂંઝાયા. નકશો લઈને અમે બેઠા અને જોયું તો કોચીનથી કોડાઈકેનાલ વધુ નજીક હતું. નક્કી કર્યું કે કોચીનથી જ જવું. જો કે, આ સ્થળ અતિશય દૂર હોવાથી ધીમે ધીમે એક યા બીજા કારણોસર મિત્રો ખડતા ગયા. છેવટે ફક્ત ત્રણ જણ રહ્યા. વિજય પટેલ, મયુર પટેલ અને હું. અમે અમદાવાદ જઈને કોચીનની ટિકિટો રિઝર્વ કરાવી દીધી. વળતાંનું બુકિંગ પણ કરાવી લીધું. એ સમયે કોંકણ રેલવે નહોતી, આથી કોચીન પહોંચતાં પૂરા 48 કલાક- પૂરા બે દિવસ લાગતા.
ટ્રેનપ્રવાસમાં પહેલે દિવસે બહુ મઝા આવી, પણ બીજા દિવસથી ટ્રેન લગભગ ખાલી થઈ ગઈ. કોઈમ્બતૂર, પલક્કડ, ત્રિચૂર જેવાં જાણીતાં નામવાળાં સ્ટેશનો આવતાં ગયાં. આખરે અમે ત્રીજા દિવસે સવારે કોચીન ઊતર્યા. ઉતરતાંવેંત અમે કોડાઈકેનાલ જવાની તજવીજ શરૂ કરી. પણ આ સાવ અજાણી ભૂમિમાં અમને કશી માહિતી ન મળી. કોઈ હિન્દીમાં વાત ન કરે. એસ.ટી.ડેપોની પૂછપરછની બારી પર 'વોન્લી ઈંગ્લીસ ઓર મલયાલમ'નો આગ્રહ રખાય, અમે અંગ્રેજી બોલવા જઈએ અને સરવાળે કોઈ એકબીજાનું અંગ્રેજી સમજી ન શકે. છેવટે અમે ટેક્સીસ્ટેન્ડમાં ગયા અને ત્યાંથી ટેક્સી માટે પૂછપરછ કરી, જે ઘણી મોંઘી જણાઈ. પણ આવવાની વાત થઈ એટલે એ ટેક્સીવાળો છૂટી પડ્યો. કહે, 'સર, અહીંથી કોડાઈકેનાલ કોઈ નહીં આવે. કેમ કે, વાયા મુનાર જવું પડે, અને એ રસ્તો બહુ જ ખરાબ છે. એટલે તમે એમ કરો કે કોઈમ્બતૂર જતા રહો. ત્યાંથી કોડાઈકેનાલ જવાશે. આ વળી નવી ઉપાધિ! કોઈમ્બતૂર તો અમે ટ્રેનમાં આગલા દિવસે રાતના સમયે પસાર કરેલું. ત્યાં જતાં પાંચેક કલાક થાય. એટલે અમારે પાછા જવું? અમે કંટાળીને નક્કી કર્યું કે લુંગીને બદલે હવે કોઈક પેન્ટ પહેરેલી વ્યક્તિને પૂછવું. અમને એવું બેસી ગયેલું કે પેન્ટ પહેરેલી વ્યક્તિ સરખી રીતે કમ્યુનિકેટ કરી શકશે. (એવા લોકોની સંખ્યા ત્યાં સાવ જૂજ જણાયેલી) .કેરલ અમે સૌ પહેલી વાર જ આવ્યા હતા. સામેવાળો ગુજરાતી સમજવાનો જ નથી એની ખાતરી હોવાથી વિજય પોતાની અકળામણ ગુજરાતીમાં જ કાઢતો.
કોચીનના બસ સ્ટેન્ડે અમે એક વિચિત્ર વસ્તુ વેચાતી જોઈ. પીળા રંગની, લાંબી અને તળાઈને મૂકાઇ હોય એવી. પહેલી નજરે લાગે કે જાણે માછલી તળીને મૂકી છે. અમે એ વિશે પૂછ્યું ત્યારે મહામુસીબતે અમને સમજાયું કે એ તળેલું કેળું છે. કેળાને આખેઆખું તળીને મૂક્યું હતું. વિજયથી રહેવાયું નહીં અને એ એક ખરીદી લાવ્યો. જેવું તેણે બટકું લીધું કે અંદરથી કેળાનો ચિકાશવાળો ભાગ બહાર નીકળી આવ્યો. એ સાથે જ વિજય અકળાયો અને કહે, 'આ તો માછલી જ લાગે છે. મારા હાળાઓ છેતરે છે!' વિજયની અકળામણ વાજબી હતી, કારણ કે અમે સવારના ફરતા રહ્યા હતા અને અમને યોગ્ય માહિતી મળી નહોતી રહી.
મયુરે લખેલા હિસાબમાં 'તળેલા કેળા'નો ઉલ્લેખ

દરમિયાન અમે લક્ષદ્વીપના પ્રવાસ અંગેની વિગતો પણ તેની ઑફિસે જઈને મેળવી.

કોડાઈકેનાલથી મહેમદાવાદ કરેલા ફોનનું બીલ
અને લક્ષદ્વીપ વિશેની જાણકારી મેળવવા માટે
સંબંધિત અધિકારીનું કાર્ડ

આખરે ખ્યાલ આવ્યો કે કોઈમ્બતૂર ગયા વિના ચાલશે નહીં. કોઈમ્બતૂરની મુસાફરી પાંચેક કલાકની અને અમે બપોર સુધી કોચીનમાં જ રખડ્યા કર્યું.
છેવટે અમે બપોરે બસમાં બેઠા અને રાત્રે આઠેકની આસપાસ કોઈમ્બતૂર પહોંચ્યા. રાત અહીં જ રોકાવું પડે એમ હતું, એટલે પહેલાં એ વ્યવસ્થા કરી અને પછી અમે કોડાઈકેનાલ શી રીતે જઈ શકાય એની તપાસ કરવા નીકળ્યા. કોઈમ્બતૂર જાણે કે કોઈ જુદા જ ગ્રહનું શહેર હોય એવું અમને જણાયું. સમજાય નહીં એવી બોલી અને લિપિ અમને વધુ મૂંઝવતી હતી. અમારા ત્રણમાંથી વિજય એવો હતો કે એ ભૂલી જતો કે પોતે ગુજરાતની બહાર છે. એ કોઈ પણની સાથે ગુજરાતીમાં- ચરોતરીમાં સવાલ પૂછવા લાગતો, અને પછી સામો માણસ તાકી રહે એટલે એ વ્યક્તિ વિશેની અકળામણ અમારી સમક્ષ વ્યક્ત કરતો. એક તરફ અમને હસવું આવે, અને બીજી તરફ પેલી વ્યક્તિ કશુંક અવળું ન સમજી બેસે એવી તકેદારી રાખવાની. અમને બરાબરની ભૂખ લાગેલી અને પગપાળા ફરતાં એક હોટેલ અમારી નજરે પડી. વિશાળ ડાઈનિંગ હૉલ આખો ભરેલો હોવાથી અહીં ભોજન સારું હશે એમ ધારીને અમે એમાં પ્રવેશ્યા. અમને સમજાય નહીં એવી બોલીમાં કશીક સૂચના અપાઈ એટલે વિજય કહે, 'આ મારો હારો શું બોલે છે એ ખબર પડતી નથી!' હસવું દાબીને અમે એક ખાલી ટેબલ પર ગોઠવાયા. વિજયે આસપાસ નજર કરી અને કહ્યું, 'અલ્યા, આ બધા તો હાથ વડે ઢોસા ઝાપટે છે.' અમે ઢોસાનો ઓર્ડર આપ્યો અને એ અમને પીરસાયા એમાં કાંટો કે ચમચી નહોતાં. વિજયે તત્ક્ષણ કહ્યું, 'અલ્યા, ચમચી લાય ને! ખબર નથી પડતી?' મયુરે એનો અનુવાદ કરીને વેઈટરને જણાવ્યો. એ નવાઈ પામીને ગયો અને એક ચમચી લઈને આવ્યો, એટલે વિજયની સરસ્વતી નવેસરથી ચાલુ થઈ. માંડ હસવું દાબીને અમે જમવાનું પતાવ્યું અને નીકળ્યા.
અલગ અલગ જગ્યાએ પૂછતાં સમજાયું કે અમારે કોઈમ્બતૂરથી પલાની જવું પડશે, અને ત્યાંથી અમને કોડાઈકેનાલની બસ મળશે. અમને સધિયારો બેઠો કે હવે કોડાઈકેનાલ પહોંચાશે ખરું. બીજા દિવસે સવારે સાત વાગ્યાની બસ હતી. એ પકડીને અમે પલાની ગયા અને ત્યાંથી આખરે કોડાઈકેનાલની બસ મળી ત્યારે સાંજના સમયે અમે કોડાઈકેનાલ પહોંચ્યા. ત્યાં પાંચેક દિવસનું યાદગાર રોકાણ કર્યું, અને વળી પાછા કોચીન આવીને અમદાવાદની ટ્રેન પકડી.

કોઈમ્બતૂરથી પલાની અને પલાનીથી
કોડાઈકેનાલના ખર્ચનો ઉલ્લેખ

આ અથડામણ પછી અમને કોડાઈકેનાલ શી રીતે સહેલાઈથી પહોંચી શકાય એ જાણવા મળ્યું, અને પાછા આવ્યા પછી મારા અનેક મિત્રોને મેં કોઈમ્બતૂરથી કોડાઈકેનાલ મોકલ્યા. એ પછી તો કોડાઈકેનાલના નજીકના રેલ્વે સ્ટેશન ડીંડીગલ સુધી પણ સીધી ટ્રેન શરૂ થતાં એ ઓર સહેલું બન્યું. એ પછીના વરસે, 1993માં અમારાં લગ્ન થયાં ત્યારે અમે પહેલાં લક્ષદ્વીપ અને એ પછી આખા રુટનું સુવ્યવસ્થિત આયોજન જાતે જ કર્યું અને યાદગાર પ્રવાસ કર્યો. પણ એ અગાઉનો આ કોડાઈકેનાલનો પ્રવાસ હજી યાદ આવે અને એકલાં એકલાં હસવું આવી જાય છે ! ખાસ તો, વિજયની ટીપ્પણીઓને કારણે !
મહેમદાવાદ ફોનના બીલનો ઉલ્લેખ અને
કુલ ખર્ચનો સરવાળો તેમજ વિભાજન

દક્ષિણ ભારતના આ યાદગાર પ્રવાસનો હેન્ગ ઓવર એટલો બધો રહેલો કે ઘણા વખત સુધી અમે ગુજરાતી પણ દક્ષિણ ભારતીય લહેજામાં બોલતા રહેલા. વિજય તો હવે કેનેડા છે, અને મયુર ઓસ્ટ્રેલિયા, છતાં હજી ક્યારેક ફોન પર વાત થાય તો દક્ષિણ ભારતીય લહેજામાં અનાયાસે ગુજરાતી બોલાઈ જાય છે.
અમારી આ ત્રિપુટીની કેટલીક તસવીરો મિત્ર મયુર પટેલે નીચે મૂકી છે.

કોડાઈકેનાલમાં (ડાબેથી):
વિજય, બીરેન, મયુર 

'યગપ્પા'નો ઉચ્ચાર અમે દક્ષિણ ભારતીય લહેજામાં જ કરતા 

કોચીનમાં ચાઈનીઝ ફીશીંગ નેટ પાસે 

No comments:

Post a Comment