Friday, June 17, 2022

લગ્નચાળો અને ચૂંટણીગાળો

 (લગ્નચાળો અને ચૂંટણીની મોસમ સાથે આવે ત્યારે....)

"શું લાગે છે તમને?"
"મને લાગે છે કે ઠંડી હજી ચાલુ રહેશે. જુઓ ને, હજી શરૂ જ ક્યાં થઈ છે એવી? જોયું નહીં, હું તો હજી અડધી બાંયનું શર્ટ જ પહેરું છું."
"એમ નહીં, યાર! આ પાર્ટીઓમાંથી......"
"ભઈ, એવું છે ને કે આપણને કોઈ પણ પાર્ટીઓ માટે કશો વિરોધ નથી, જ્યાં સુધી એમાં મને ગાવાનું કહેવામાં ન આવે. આજકાલ તો જ્યાં જઈએ ત્યાં લોકો કારાઓકે શરૂ કરી દે અને પછી વારાફરતી બધાને ગાવાનું કહે છે. હું તો મારી બાથરૂમની સ્ટોપર તૂટેલી હોય તો બી નહાયા વિના ચલાવી લઉં છું, પણ ગાઉં તો નહીં જ."
"હેં? ગાવાનું? આમાં ગાવાનું ક્યાંથી આવે?"
"હુંય એ જ કહું છું કે આમા ગાવાનું આવવું જ ન જોઈએ. યાર, પાર્ટી ગમે એની હોય- બર્થડેની હોય કે કોકના વેડિંગ ડેની, અને કોને ખબર, અચાનક લોકોના લગ્નની સિલ્વર જ્યુબિલીઓ થવા લાગી છે. એ બધામાં આજકાલ લોકોને જાતે ગાવા સિવાય ચાલતું જ નથી."
"અરે, યાર! તમે પણ ઝીંક્યે રાખો છો ને! હું એમ પૂછું છું કે તમારો મત...."
"તો શું આ હું તમારો મત જણાવી રહ્યો છું? આ મારો જ મત છે."
"ઓકે. જવા દો. એટલું કહી દો કે કોણ જીતશે?"
"એવી બધી મને ખબર ન પડે. હું તો સીધુંસાદું એટલું સમજું કે જીતશે ગમે તે એક જ જણ."
"તમારી સાથે ચર્ચા કરવી જ નકામી છે."
"શું વાત કરો છો? આ ચર્ચા હતી? મને એમ કે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો."
(અચાનક સંગીતસંધ્યાના ગાયકો/ ફટાકડાની લૂમ/લગ્નગીતોના ગાયકો/ ડીજે સિસ્ટમનો ઘોંઘાટ શરૂ થઈ જાય છે.)

****
"પેલા સફેદ ઝભ્ભા અને નહેરુ જાકીટવાળાને ઓળખ્યા? એમણે બહુ મોટી શોધ કરી છે, જેનો ફાયદો ભાગ્યે જ કોઈ જાણી શક્યું છે."
"કોણ પેલા બે હાથ જોડીને સૌને નમન કરે છે એ? ફ્રેન્કલી હું છાપાંમાંથી કુપન ફાડવા સિવાય એને જોતો જ નથી. એમના મોં પર તેજ જ કેવું ઝળહળે છે!"

"મોં પરના તેજનું તો.....હવે યાર, તમને શું કહું? એમને લોકો ઓળખે છે જ લાલાભાઈ 'લેક્મે'ના નામથી. એટલે એ વાત જવા દઈએ. એમની શોધ વિશે કહું તો નવાઈ પામી જશો...."
"ઓકે, ઓકે, સમજી ગયો. પેલા ઈવીએમમાં ગમે ત્યાં ચાંપ દબાવીએ તો પણ એક જ પાર્ટીને મત જાય એ શોધ ને? મને લાગ્યું કે ક્યાંક મેં વાંચેલું હતું...અથવા કદાચ મારા દીકરાના સ્કૂલના પ્રોજેક્ટમાં...ડોન્ટ રિમેમ્બર બટ...."

"અરે યાર! તમે પણ શું? એ તો બાપડો સીધોસાદો માણસ છે. એને 'લેક્મે' લગાવવા સિવાય બીજો કોઈ શોખ નથી. કેટરીંગનો એ કિંગ ગણાય છે. અને લગ્નમાં પીરસવા માટે જે લાંબા અને મોટા હાથાવાળા ચમચા વપરાય છે, એમાં હાથો ચમચાનો અને મોં ચમચીનું કરવાનો આઈડિયા પહેલવહેલી વાર એમણે આપેલો. પેલી એક ફિલ્મ આવેલી ને.... જુરાસિક પાર્ક, એમાં ડાઈનોસોરને જોઈને એમને આ વિચાર આવેલો.."
****

"તો બોલો, ભાઈ! શું લેશો?"
"એ તો તમે ઓર્ડર આપો એ મુજબ હું જણાવું."

"શેનો ઓર્ડર? હું તો એમ પૂછું છું કે ચા લેશો કે ઠંડુ?"
"માફ કરશો. જ્યાં સુધી આપણું ડીલ નક્કી ન થાય ત્યાં સુધી હું કંઈ નહીં લઈ શકું."

"ડીલ? તમને કોણે બોલાવ્યા છે? આઈ મીન, તમે કોને મળવા, સોરી, તમે શેના માટે આવ્યા છો, વડીલ?"
"કેમ? તમારે ત્યાંથી ફોન નહોતો આવ્યો કે ઓર્ડર છે એ નક્કી કરવા આવી જાવ."

"અરે કાકા, તમેય શું કલ્લાકના બોલતા નથી. એ તો અમારી બિલકુલ પાછળ. લગન એમને ત્યાં છે. હા, જવું પડશે અહીંથી જ. શું કે એમને ત્યાં બહુ ફરીને જવું પડે છે એટલે અમે વચ્ચે કૉમન ગેટ મૂકાવ્યો છે."
****

"અરે યાર, પેલા ભાઈ કોણ છે? એની હથેળીઓ કોઈકે ફેવીક્વિકથી ચોંટાડી દીધી છે કે શું? જો ને, યાર, હાથ નીચે કરતા જ નથી. એ ઈલેક્શનમાં ઉભા છે કે શું?"
"અરે ના યાર! એણે કેટરીંગનું કામ હમણાં જ શરૂ કર્યું છે."
****

"પછી શું નક્કી કર્યું, સાહેબ?"
"એમાં નક્કી શું કરવાનું? હવે તો પતી ગયું. તમે મોડા પડ્યા."
"અરે મોટાભાઈ, હું ઈલેક્શનનું નથી પૂછતો. તમારે ત્યાં પ્રસંગ હતો એના કેટરિંગના ઓર્ડરની વાત કરેલી ને તમે...."
"નાનાભાઈ, હું પણ એની જ વાત કરું છું. તમને ખ્યાલ નહીં હોય કે મને પોલિટિક્સમાં સહેજે રસ જ નથી."
****
"વડીલ, હું એક્સવાયઝેડ બોલું છું. મારે તમારો મત......"
"ભઈ, આ રીતે અજાણ્યા નંબર પરથી ખોટેખોટા ફોન ન કરો. મત તો અમારે જેને આપવો હોય એને જ આપીશું, સમજ્યા ને!"
"અરે વડીલ, તમે કંઈક ગેરસમજ કરો છો. હું તો તમારો મત...."
"ભઈ, અઢાર વરસના થયા ત્યારથી જ ગેરસમજ કરતા આવ્યા છીએ, તો એક વધારે. રૂબરૂમાં લોહી ઓછું પીવો છો તે પાછા ફોન કરવા લાગ્યા?"
"(મોટેથી) અરે કાકા, સાંભળો તો ખરા. હું એમ પૂછતો હતો કે તમારે ત્યાં હમણાં પ્રસંગ ગયો, એમાં તમે કેટરિંગનો ઓર્ડર જેને આપેલો એ લાલીયાભાઈના મેન્યુ વિશે તમારો મત પૂછવો હતો. તમેય ઝૂડ્યે જ રાખો છો કંઈ સાંભળ્યા વગર..."
"દોસ્ત, એ લાલીયાના મેન્યુનો જ આ કકળાટ છે. બધામાં એણે લાલ મરચું એટલું ધબકાર્યું હતું કે ત્યારનું મગજ તેજ થઈ ગયું છે. બોલો, શું પૂછવું હતું?"
"આભાર, વડીલ."
****
"ભઈ, હાઈક્લાસ ફૂડ હતું, હોં!"
"થેંકયુ કાકા."
"હું શું કહેતો હતો...તમારું કંઈક કાર્ડ-બાર્ડ હોય તો આપી રાખો ને? મારા વોટ્સેપ ગ્રુપમાં બસો ને એકાવન લોકો છે. તો શું કે ક્યારેક જરૂર પડે તો તમારો રેફરન્સ આપીએ. આપણને આવી સમાજસેવામાં બહુ રસ પડે. તમે નહીં માનો, આપણે આવા વીઝીટીંગ કાર્ડનું આખું આલ્બમ બનાવ્યું છે. આ વોટ્સેપ ને એ બધું તો હમણાં આવ્યું. આપણે તો અસલના જમાનાના વોટ્સેપ છીએ. અને આપણી એક ટેવ છે. આપણે એક કાર્ડ એકસ્ટ્રા જ લેવાનું. શું કે સ્ટેન્ડ બાય હોય તો ક્યારેક આઘુંપાછું હોય તો વાંધો નહીં."
"કાકા, આ મુખવાસ ખાધા પછી તમે જેનાથી દાંત ખોતરી રહ્યા છો એ અમારું જ કાર્ડ છે."
"ભઈ, એટલે તો એક એકસ્ટ્રા માગું છું. હવે બે આપજે. આ મુખવાસ તમારો દાંતમાં ભરાઈ જાય એવો છે."

****
"હેં? આટલા બધા ભાવ? કાકા, તમે લૂંટવા બેઠા છો? આ તમારાથી દસમી દુકાને તો અડધા ભાવે ફટાકડા મળે છે."
"ભઈ, એવું છે ને કે એમણે પાકિસ્તાન મોકલવા માટે ક્યારનો સ્ટોક જમા કરી રાખેલો. એટલે એ અડધા ભાવે કાઢવા બેઠા છે. આપણો તો ફ્રેશ માલ છે. ખાસ, લગન માટે ફોડવા જ લાવીએ છીએ."
****
"યાર, એક તો ઠંડી ને આ નદીકાંઠે ખુલ્લો પ્લોટ! લોકો બી આજકાલ ક્યાં ક્યાં લગન રાખતા થઈ ગયા છે!"
"ભઈ, બધું હેતુપૂર્વક ગોઠવાતું હોય છે, સમજ્યા ને!"
"આ નદીના પટમાં બુફેની ડીશ લઈને ચાલતાં ચાલતાંય પગ ખૂંપી જાય છે. એમાં શેનો હેતુ?"
"હેતુ તો ખરો, ખરો ને ખરો જ! તમને ખબર છે કે મંડપમાં કન્યાની એન્ટ્રી સી-પ્લેનમાં થવાની છે?"
****
"બોલ ભઈ! આ તારા બધા ફટાકડા ઉઠાઈ લઈએ. લગન અચાનક ગોઠવાયું છે ને આમેય તમારે ફટાકડા હવે કામના નથી. વીસ ટકામાં આપવા છે?"
"જવા દો, સાહેબ! મોડા છો અને આમેય તમને નહીં પોસાય. અડધી કિંમતે પેલા લોકોને જ વેચી માર્યા. અમે તો પહેલેથી જ કેપ્ચર કરી રાખેલા."
****
"આ રસોઈ હાઈક્લાસ છે, હોં! અને દાળ તો...."
"એ તો વીવીપેટની કમાલ છે."
"હેં?"
"હા. એણે દાળ બનાવી અને પછી અમે બધાએ પડીયો ભરીને પીધી. એટલે કન્ફર્મ જ કે હવે કશું થવાનું નથી. આ આપણું દેશી વીવીપેટ."
****
"સાહેબ, આજે તો હદ થઈ ગઈ, હોં!"
"ખરેખર યાર! આવો દિવસ આવશે એ ખબર નહોતી."
"ખોટું નહીં કહું, પણ...મને અંદાજ હતો જ આવો કે જે રીતે આ ચાલુ થયું છે તો એક દિવસ......"
"લોકો પોતાને મળેલા એવોર્ડોને બદલે ગાળો છપાવડાવશે એ જ ને! "
"હેં? ગાળો? એવોર્ડો? કોની વાત કરો છો તમે? "
"અરે ભાઈ, તમે કોની વાત કરો છો, એ કહો પહેલાં.."
"હું ને.....આ જુઓ, તમે ડીશમાં શું લીધું છે ચાટના કાઉન્ટર પરથી?"
"પાણીપુરી..."
"હા, અને એમાં પાણીને બદલે શું છે?"
"આઈસ્ક્રીમ છે."
"બસ! તો હું એની વાત કરતો હતો."
****
"આ તમારી આંગળી પર શેનો ડાઘ?"
"અરે, જવા દો ને વાત જ....."
"સમજી ગયો. ચૂંટણી તો હજી પરમ દિવસે છે. પણ તમે ક્યાંક બીજે જઈને બોગસ વોટિંગ કરી આવ્યા હશો. આજકાલ એ બહુ ચાલે છે."
"તમને યાર, ખબર ન હોય તો બોલશો નહીં."
"ઓકે. તો તમે જ કહી દો, બસ?"
"હવે શું કહું તમને? હું ઉતરતા ભજિયાનો ટેસ્ટ કરવા ગયો, અને મેં સીધું તાવડામાંથી જ ભજિયું ઉઠાવ્યું."
"ચૂંટણીમાં હવે 'લાઈવ ભજિયાં' આવવા લાગ્યાં?"
"ચૂંટણીમાં નહીં, યાર! લગ્નનો વહીવટ. તો એવો દઝાયો, તો મને કોઈકે કહ્યું કે એની પર ચટણી લગાવી દો. સહેજ ઠંડક રહેશે."
"હા, હોં! અમે ભજીયા પર એમ કરતા."
"અરે! ભજીયા પર નહીં, મારી દઝાયેલી આંગળી પર...."
"તો મને ખ્યાલ નહી કે તેલના ડાઘ પર ચટણી લગાવવાથી આવો ઈન્ક જેવો કલર થઈ જશે. હવે આની મારે પેટન્ટ લેવી પડશે."
"વાઉ ગ્રેટ! મને ખાલી એટલુ કહી દો કે લાલ ચટણી કે પીળી ચટણી?"
"સોરી! હવે ન કહેવાય. કેમ કે, પેટન્ટનો સવાલ છે."
****
"બોલો, તમારી શું સ્ટોરી છે?"
"કશી જ નહીં, સર! બસ, ભૂખ લાગી છે અને સાંભળ્યું કે હવે લગ્નના જમણવારમાં કંકોતરી માંગે છે. એ તો ક્યાંથી લાવવી, સાહેબ? એટલે મને કોઈકે કહ્યું કે પક્ષની ઓફિસે પહોંચી જાવ."
"સારું, કાકા! જુઓ, અહીંથી બહાર નીકળીને ડાબી બાજુ વળશો એટલે 'મનહૂસ પાર્ટી પ્લોટ'માં લગ્ન ચાલે છે. લો, આ કંકોતરી. ઓકે?"

****
"યાર, આ શું? જ્યાં જુઓ ત્યાં લાઈન! મતદારયાદી તપાસવા જઈએ તો લાઈન, આધાર કાર્ડ માટે જઈએ તો લાઈન, એને લીન્ક કરાવવા જઈએ તો એની પણ લાઈન, મત આપવા જઈએ તો લાઈન! હવે કરવું શું?"
"સામું જુઓ. તમારો નંબર આવી ગયો. અહીં પુરીઓ છે અને બાજુમાં ગરમાગરમ રોટલીઓ ઉતરે છે. તમારે શું જોઈએ?"
****
"આ લગ્નવાળાઓ પણ રાજકીય પક્ષોની જેમ ધૂમ ખર્ચા કરવા માંડ્યા છે. ખાણીપીણી, ધૂમધડાકા....! સાલું સમજાતું નથી કે કયા પક્ષમાં કોણ છે."
"અંકલ, આ લગ્નનું ફંક્શન નથી, 'અખિલ ભારત વરાહહિતરક્ષક પાર્ટી'નું સિલ્વર જ્યુબિલી ફંક્શન છે, બસ? સમજાઈ ગયું?"
"આવી કોઈ પાર્ટી છે ખરી? એને પચીસ પચીસ વરસ થઈ ગયાં? આની ઑફિસ ક્યાં મંગળ ગ્રહ પર હતી?"
"અંકલ, પચીસ વર્ષ નહીં, પચીસ સભ્યો થયા એનું સેલિબ્રેશન છે."
****
"અરે યાર! શું વાત છે! આ કાઉન્ટર પર સહેજ પણ લાઈન નહીં! ક્યા બાત હૈ! લાવ ત્યારે, જે હોય એ ગરમાગરમ આવવા દે."
"છુસ્સ્સ્સ્સ્સ્સ્સ્સ! "
"અરે! આ શું છે, દોસ્ત! આટલું બધું ગરમ!"
"કોલસો છે, સર!"
"હેં? કોલસા કબાબ? તમે લોકો યાર બહુ એડવાન્સ્ડ થઈ ગયા છો."
"ના સર, એટલે બધે અમે નથી પહોંચ્યા. આ તો તમે કહ્યું કે ગરમાગરમ આવવા દે. તો હવે આ જ ગરમ રહ્યું છે."
****
"ભઈ, અમે તો અહીં અમારા એક સંબંધીના દીકરાના લગ્નની જાનમાં આવ્યા છીએ. અમારી પાસે પૈસા-બૈસા ન હોય. તમે અમને ખોટા કીડનેપ કરો છો. પૈસા જોઈતા હોય તો એ સંબંધીનું સરનામું આપું. જુઓ આ રહી કંકોતરી. એમણે તો યાર લગનમાં ધૂમ ખર્ચો કર્યો છે. પર ડીશ અગિયારસો પંચાણું રૂપિયાનું તો મેનુ છે. અને લગનમાં બેન્ડવાળા તો છેક પી.ઓ.કે.થી બોલાવેલા છે. અમારી પાસે બહુ બહુ તો ચાંલ્લાનું કવર હોય. એ બી એ લોકોએ લેવાની ના પાડી છે. તમે યાર ખોટો તમારો ટાઈમ બગાડી રહ્યા છો. જુઓ, હવે જમવાનું શરૂ થઈ ગયું હશે. પછી જાનની બસ ઉપડી જશે તો અમે યાર અધવચ્ચે લટકી જઈશું. પ્લીઈઈઈઝ!"
"કાકા, અહીં સહી કરો. અને કાકી, તમે અહીં કરો."
"સહી? શેની? આ શું છે? તમે અમારી પાસે શું લખાવી લેવાના છો?"
"કશું નથી, કાકા. આ તો મેમ્બરશીપ ફોર્મ છે. પાર્ટીમાં સભ્યો તો જોઈએ કે નહીં? જાવ, હવે તમે છૂટ્ટા. બારસોવાળું મેનુ ઝાપટજો બરાબર."
"બારસો નહીં, યાર, અગિયારસો પંચાણું...."

No comments:

Post a Comment