Wednesday, June 1, 2022

તેનતલાવ: વાયકા અને વાસ્તવિકતા વચ્ચે ઊભેલું કળાત્મક સર્જન

"તમે એટલું ન કરો? આ કૃતિઓને સાચવવાનો પ્રયાસ ન કરો?" ફોર્બસે પૂછ્યું.

શાસ્ત્રીજી ખિન્ન હૃદયે ફીક્કું હસ્યા, 'મરણ પામેલી પ્રજાની હરેકેહરેક દૃષ્ટિ હણાઈ ગઈ હોય છે. આંહી એ પથ્થર પર છોકરાં થૂંકશે- તમે એને લઈ જાઓ- હીરાધરનો કોઈ સમાનધર્મી હજાર વર્ષે પણ જાગશે તો છેવટે ત્યાંથી આંહી યાત્રા કરવા આવશે. એ કૃતિઓને સાચવવાની કે સમજવાની એક પણ શક્તિ આ જમીનમાં રહી નથી."
****
આ સંવાદ 'ધૂમકેતુ'ની ખ્યાતનામ નવલિકા 'વિનિપાત'નો છે. ડભોઈના 'ગોરાસાહેબ' જેમ્સ ફોર્બસ અને વિદ્વાન સોમેશ્વર શાસ્ત્રી વચ્ચે ઈ.સ.1783ના અરસામાં આવી વાતચીત થઈ હોવાનું નવલિકામાં ઉલ્લેખાયું છે. નવલિકા સાચી હશે કે કાલ્પનિક, એની ખબર નથી, પણ એમાં કહેવાયેલી વાત એકદમ સત્ય છે. આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી ઉદાસીનતા આજકાલની નથી, એ સદીઓ જૂની બિમારી છે.

દર્ભાવતી એટલે કે ડભોઈ સાથે અભિન્નપણે જોડાયેલું નામ છે હીરાધર શિલ્પીનું. અમુક સ્થાને તેનો ઉલ્લેખ હીરો 'કડીયો' કે 'હીરો સલાટ' તરીકે પણ કરવામાં આવે છે એ જ સૂચવે છે કે આપણે મન શિલ્પી અને કડિયા કે સલાટ વચ્ચે કશો ફરક નથી. કડિયો અને સલાટના વ્યવસાય પ્રત્યે પૂરા આદર સાથે પણ એ જાણવું રહ્યું કે શિલ્પી સાવ અલગ જ સર્જનાત્મક હથોટી ધરાવે છે.

ડભોઈની હીરાભાગોળની ઉત્કૃષ્ટ શિલ્પરચના જોતા જ રહીએ એમ થાય! હીરાધર શિલ્પી ખરેખર કયા સમયગાળામાં થઈ ગયો? તેણે કલાની તાલિમ કોની પાસે લીધી? હીરાભાગોળનો કળાત્મક દરવાજો બનાવવા માટે કયા ધોરણે તેની પસંદગી કરવામાં આવી? તેના વંશજોમાંથી કોઈએ આ કળા અપનાવી અને આગળ વધારી ખરી? તેણે હીરાભાગોળ ઉપરાંત બીજાં કયાં સર્જન કર્યાં? આવા અનેક સવાલો યા તો અનુત્તર રહ્યા છે, યા કપોળકલ્પનાનો વિષય રહ્યા છે.
અલબત્ત, છેલ્લા સવાલનો જવાબ મળે છે ખરો. ડભોઈથી ચાણોદના રસ્તે, સેગવા ચોકડી વટાવીને આગળ વધતાં તેનતલાવ નામનું ગામ આવે છે. ચારેક વરસ અગાઉ પહેલી વાર આ રસ્તે પસાર થવાનું બન્યું ત્યારે આ ગામ વિશે કશી જાણ નહોતી, છતાં તળાવને અડકીને જતા માર્ગેથી પસાર થતાં વાહન ફરજિયાત ઊભું રાખવું પડે એવું આકર્ષણ એ ખાલી તળાવને જોઈને થયું હતું. પથ્થરના સળંગ પગથિયાં, વચ્ચે ઓવારા અને લગભગ અષ્ટકોણીય આકારનું તળાવ. પથ્થરો પર કોઈ કોતરકામ નહોતું, છતાં તેની ગોઠવણ બહુ કળાત્મક હતી. એ પછી આ ગામ અને તેની સાથે સંકળાયેલી હીરાધરની વાયકા વિશે જાણવા મળ્યું.

એ મુજબ, હીરા ભાગોળની રચના કરતાં કરતાં જ હીરાધરે આ તળાવનું નિર્માણ કરવા માંડેલું. વાયકા અનુસાર તૈની (કે તેની) નામની તેની એક પ્રેમિકાને કાજે હીરાધરે આ તળાવ બનાવવાનું વિચારેલું. ડભોઈના દરવાજાના પથ્થર તે રાત્રે અહીં ખસેડતો અને ગોઠવાવડાવતો. એ રીતે આખું તળાવ તેણે તૈયાર કરી દીધું. જો કે, રાજાને આ વાતની જાણ થઈ ગઈ. પરિણામસ્વરૂપ દરવાજાનું કામ પૂરું થતાં તેણે હીરાને એ જ દરવાજામાં જીવતો ચણાવી લીધો અને ફક્ત મોંનો ભાગ ખુલ્લો રાખ્યો. તેના મોંમાં ઘી રેડવામાં આવતું. બહુ ઝડપથી હીરાધર મૃત્યુ પામ્યો.

આ આખી વાતમાં સત્યનો અંશ કેટલો એ ખબર નથી, પણ વાયકા ભરપૂર છે. એપ્રિલ, 2022ના એક દિવસે એ તરફ જતાં વધુ એક વાર અમે ત્યાં ઊતર્યા ત્યારે એક ભાઈ પાળીએ બેઠેલા, જે બહારગામના હતા. તેમણે કહ્યું કે આ તળાવ એક જ રાતમાં ભૂતોએ તૈયાર કરેલું. સહેજ અટકીને એ ભાઈ બોલ્યા, 'એક રાતમાં કંઈ માણસો ઓછું આને બનાવી શકે?' લોકવાયકાઓ શી રીતે બનતી અને પેઢી દર પેઢી આગળ વધતી રહે છે એનો આ ઉત્તમ નમૂનો. અમને હસવું તો આવ્યું, પણ એ સમજાયું કે આ ભાઈને એ ખ્યાલ હતો કે તળાવ હીરાધર શિલ્પીએ તૈયાર કરાવડાવેલું. કદાચ આ વાત વધુ મહત્ત્વની છે.

ભરબપોરે અને પાણીના એક પણ ટીપા વિનાનું આ તળાવ એટલું જ સુંદર લાગતું હતું. તળાવના સામે છેડે વસેલા ગામની આકાશરેખા પણ ચિત્રાત્મક જણાતી હતી.

તળાવને સામે કાંઠે દેખાતું ચિત્રાત્મક સંયોજન

તળાવના એક હિસ્સામાં સપ્તપર્ણીનાં હારબંધ વૃક્ષો

પગથિયાંનું કળાત્મક આયોજન
તળાવના એક ભાગમાં હારબંધ સપ્તપર્ણીનાં વૃક્ષો હતાં, એક તરફ ચારેક પાળિયા હતા.

તળાવના એક પ્રવેશદ્વાર પાસેના પાળિયા

પહેલાં એમ લાગ્યું કે અહીં માત્ર પથ્થરોની આયોજનપૂર્વકની ગોઠવણી જ છે, પણ એકાદ ખૂણે નાનકડું શિલ્પ દેખાયું, જેની આગળ લોકોએ શ્રદ્ધાપૂર્તિ કાજે અન્ય મૂર્તિ મૂકી હતી અને બાધાને લગતી ચીજો ચડાવી હતી.

પાછળ દેખાતું શિલ્પ અને આગળ ધરાવાયેલી
પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ

જોઈને જીવ અવશ્ય બળ્યો કે આ તળાવની યોગ્ય જાળવણી થાય તો કેવું સારું? પણ જે આધુનિક રીતે આજકાલ તળાવોની 'જાળવણી' થઈ રહી છે એ જોતાં એમ લાગ્યું કે આને કશું ન કરાય તો પણ વાંધો નથી. બસ, એમાં પાણી હોય એટલે બસ!

'વિનિપાત'માંના સોમેશ્વર શાસ્ત્રીને વાર્તાના અંતે લાગેલું કે 'પડે છે ત્યારે સઘળું પડે છે.' આજે એ વાંચીને થાય છે કે શાસ્ત્રીજીએ કેટલો ઊતાવળો અભિપ્રાય આપી દીધેલો? ત્રણસો-ચારસો વરસ તેમણે રાહ જોઈ હોત તો આનો અર્થ તેઓ બરાબર સમજી શકત!

No comments:

Post a Comment