Monday, January 9, 2012

જોધપુર:પથ્થરની નગરી કેમેરાની આંખે


નવા વરસમાં નવા સંકલ્પો લેવાને બદલે જૂની ચીજવસ્તુઓ ઠેકાણે ગોઠવવાનું કામ કરવું વધુ ગમે છે. અત્યાર સુધી ચીજો ગોઠવવાનો મતલબ એવો હતો કે બસ, કામની સામગ્રી યોગ્ય ઠેકાણે મૂકાયેલી હોવી જોઈએ. આને કારણે થતું એવું કે ગોઠવણી દેખાય સરસ, પણ કામને ટાણે કશું જડે નહીં. લેખનના ક્ષેત્રમાં આવ્યા પછી, અને ખાસ કરીને બ્લોગ શરૂ કર્યા પછી ખ્યાલ આવ્યો કે માત્ર યોગ્ય ઠેકાણે ગોઠવવું જરૂરી નથી, સમયે તે હાથમાં આવે એ વધુ જરૂરી છે.
          આ બ્રહ્મજ્ઞાન લાધ્યું એ સાથે જ બે દિવસ આખું ઘર માથે લીધું અને કામની ઘણી બધી ચીજોને નવેસરથી ગોઠવી. એટલે કમ સે કમ અત્યારે તો લાગે છે કે કામને ટાણે બધું મળશે. પણ આવું લાગે એ પૂરતું નથી. એનો પ્રયોગ કરી જોવો જોઈએ. એટલે મનમાં નક્કી કર્યું કે ચાલો, જોધપુરના ફોટા શોધી જોઈએ. અને આશ્ચર્ય! તરત જ એ હાથમાં આવી ગયા. પણ જોધપુરના જ ફોટા કેમ? 
****   ****  ****
            રાજસ્થાનનું આકર્ષણ જબરું છે. એમાંય જોધપુર/Jodhpur, જેસલમેર/ Jaisalmer ની વાત જ શી કરવી? જેસલમેર બેએક વખત જવાનું બન્યું છે, તો જોધપુર ત્રણેક વખત. અહીં રખડવાની એવી મઝા આવે કે ન પૂછો વાત. જેસલમેર શહેરની બાંધણી અને પથ્થરનું સૌંદર્ય અતિ આકર્ષક છે, એમાં કોઈ બેમત નથી. પણ મને લાગે છે કે જોધપુર શહેરનો મહિમા ભારતીય પ્રવાસીઓમાં જોઈએ એવો થયો નથી. ત્યાં લોકો જાય છે ખરા, પણ જેસલમેરના રૂટમાં આવતા એક શહેર તરીકે. ટ્રેનમાં જનારા મોટે ભાગે સવારે જોધપુર ઉતરે અને દિવસ આખો જોધપુર પતાવીને રાત્રે ઉપડી જાય જેસલમેર તરફ.
         જોધપુરમાં બે-ત્રણ દિવસ આખા આરામથી ફરી શકાય. અહીંથી પાંસઠેક કિલોમીટર દૂર આવેલું નાનકડું ગામ ઓસિયાં ફરવા જેવું છે. જોધપુરથી એસ.ટી.બસમાં ઓસિયાં જઈ શકાય અને આખો દિવસ ત્યાં ગાળીને સાંજે પાછું જોધપુર આવી જવાય.
            જોધપુર-ઓસિયાં- જેસલમેરના એક પ્રવાસમાં હું (મારા પરિવાર સાથે) -બિનીત-ઉર્વીશ હતા. એ વખતે અનેક તસવીરો લીધી હતી. એમાંથી આ વખતે ફક્ત જોધપુર અને ઓસિયાં/Osian ના જ કેટલાક ફોટોગ્રાફ્સ અહીં મૂક્યા છે. એ વખતે અમે એવો ઉપક્રમ રાખેલો કે એક કેમેરામાં રંગીન રોલ રાખવો અને બીજામાં શ્વેતશ્યામ. (જાણકારોને ખ્યાલ હશે જ કે પહેલાંના જમાનામાં કેમેરામાં રોલ નાંખવા પડતા હતા.) એમાંથી કેટલીક શ્વેતશ્યામ તસવીરો. આમાં કયા ફોટા અમારા ચારમાંથી કોણે પાડ્યા એ સંશોધનનો વિષય છે. અને અમે બહુ ઉદાર ભાવે બીજાને એની ક્રેડીટ આપવા તત્પર રહીએ છીએ. એટલે બિનીત અને ઉર્વીશને પૂછવાથી (કે પૂછ્યા વિના સામે ચાલીને ઉદારતાથી) એ લોકો કહે કે આ ફોટા એમણે નહીં, મેં પાડ્યા છે, તો નમ્રતાપૂર્વક હું એમનો એ દાવો માન્ય રાખીશ. એમ તો હજી આ સ્થળોના બીજા કલર ફોટા તેમજ જેસલમેરના ફોટા બાકી જ છે પણ એ ફરી ક્યારેક. 
           આ શહેરના સારા ફોટા પાડવા માટે ખાસ કશી આવડતની જરૂર નથી- એમ કોઈને લાગે તો...! તો એ સાચું જ છે. અને કોઈને લાગે કે આના માટે વિશેષ આવડતની જરૂર છે, તો એ પણ સાચું છે. 

મેહરાનગઢ/ Mehrangarh શહેરમાં ગમે ત્યાંથી એનાં દર્શન થઈ શકે એટલી ઉંચાઈ પર છે. 

મંડોર: જોધપુરથી સાવ નજીકનું નગર. .


ઉમેદભવન પેલેસ 


 ઓસિયાંનાં મંદિરોની કારીગરી ઘણે અંશે અખન્ડીત છે. 

9 comments:

 1. Dear Biren,
  Nice photographs!

  ReplyDelete
 2. Lovely angles of photos - would like more !!

  ReplyDelete
 3. જોધપુર અને જેસલમેરનું ખૂબ જ આકર્ષણ મને પણ છે... ઇન ફેક્ટ... અમે પણ જેસલમેરથી વળતાં રસ્તામાં આવતું હોવાથી જ જોધપુર "પતાવ્યું" હતું.. પણ ફેસબૂક ફ્રેંડ્સની સાથે ગયો હોવાથી બધાના ટાઈમ ટેબલને સાથે રાખીને ચાલવું પડે... પણ જોધપુરના કિલ્લાની પાછળ જ હોટેલ મળી'તી જ્યાથી કિલ્લો સાવ નજીક અને અમે અમારા રૂમની બહાર જ અગાશી... એટ્લે રાત્રે મોડે સુધી કિલ્લો નિહાળ્યો... પાછો દિવાળીનો વખત એટ્લે કિલ્લા પરથી આતશબાજી પણ જોવા મળી... પણ એ કિલ્લો હજી પણ બોલાવે છે... બસ જાણે શાંતિથી બેસીને એ કિલ્લો નિહાળ્યા જ કરીએ... !

  એક કાર્ટૂનિસ્ટ છે સિકંદરબાદના... Subhani Cartoonist જેમણે જોધપુરના કિલ્લાનું આબેહૂબ ફ્રીહેંડ સ્કેચ કંડાર્યું છે અને ફેસબૂક પર મૂક્યું છે એની લિન્ક અહીં મૂકું છું... તમારા જેવા જોધપુર-પ્રેમીને ચોક્કસ ગમશે... !

  https://www.facebook.com/photo.php?fbid=202540113171824&set=a.112437228848780.20996.100002475116775&type=1

  ReplyDelete
 4. પ્રિય બીરેન ભાઈ,
  જોધપુર કિલ્લાના અને બીજા ફોટો જોયા અને ગમ્યા જો તમે 'શેપિયા' કલરમાં આપ્યા તેના કરતાં
  'બ્લેક એન્ડ વાયટ' મુક્યા હોત તો મઝા પડત,અગર સાથે સાથે આ ઐતિહાસિક કિલ્લા અને સ્થળની
  થોડી વિગતો જણાવી હોત તો ઔર મઝા પડી જાત.
  કાઈ વાંધો નહિ તમે આટલી તો 'સેર' કરાવી!!
  અભાર.

  ReplyDelete
 5. Binit Modi (Ahmedabad)January 9, 2012 at 7:20 PM

  પ્રિય બીરેન,
  આ ફોટા સાથે મારી અને ઉર્વીશની એક યાદ એવી સંકળાયેલી છે કે 1998ના અમારા લગ્ન પહેલાનો તે છેલ્લો પ્રવાસ હતો. જોધપુર - જેસલમેર પ્રવાસના સંસ્મરણો તો કદી ખૂટે તેમ નથી. શ્રીમતી શિલ્પા બિનીત મોદીને પ્રવાસના આ ફોટા જોઈને આજેય એ વાતનો વસવસો થાય છે કે લગ્ન બે મહિના વહેલા થયા હોત તો સારું હતું. સાથે એ પણ યાદ આવ્યું કે શચિ સાથે પહેલીવાર અમદાવાદ બહાર ફરવાનો અને ધીંગા-મસ્તી કરવાનો સમય મળ્યો હતો. એક સ્પષ્ટતા કરવાની કે બધા જ ફોટા 'PENTAX' કેમેરાએ પાડ્યા છે જેમાં લેન્સ અને શટરનો ફાળો વિશેષ હતો.

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 6. Beautiful! You have sense of photography.
  When I was trying to learn photography in my school days, that is somewhere in 1955, my uncle, father's friend, who has a renowned studio on Gandhi Road that is Richie Road, 'Delux Studio' told me at the beginning that you shoud first master the photography inanimate things. Mastering that you should try to photograph human beings.

  ReplyDelete
 7. Devendra Gohil.
  Nice photographs...
  I think you must add one word to your profil, that is- "photographer"
  keep it up...

  ReplyDelete
 8. ભાઈ બિરેન,
  બાપુ સાથે બેસીને જોધપુરની નેટસફર કરવાની મઝા પડી. અમને લાગે છે કે રજનીકુમારના શિષ્ય કરતાં હોમાયબેનનો ચેલો જરાય કમ નથી.
  બઢિયા!!
  -સતિષ વીથ બાપુ

  ReplyDelete
 9. બીરેન કોઠારીJanuary 10, 2012 at 1:08 PM

  સૌ મિત્રોનો ઘણો આભાર.
  @Tushar Acharya: તમે આપેલી લીન્ક પર મહેરાનગઢનું લાઈન ડ્રોઈંગ બહુ જ અદભુત છે. એક પ્રવાસમાં આ કિલ્લાનું પેન્સિલ ડ્રોઈંગ કરવાનો મેં પ્રયત્ન કરેલો. પણ સમય ઓછો પડ્યો. જો કે પછી ઘેર આવીને એની પરથી પેપર કોલાજ બનાવ્યું.
  @ Prabhulal Bharadia: તમારી વાત સાચી છે. અત્યારે મનેય યાદ નથી આવતું કે આ ફોટા સેપિયામાં કેમ પ્રિન્ટ કરાવ્યા હશે. કદાચ એમ પણ બને કે મેં કહ્યું ન હોય અને સ્ટુડિયોવાળાએ પોતાની રીતે કરી નાંખ્યા હોય. જોધપુર વિષેની અન્ય વિગતો ભવિષ્યમાં જણાવવાની ઇચ્છા છે જ.
  @ Devendra Gohil: હવે સેલફોનમાં સુદ્ધાં કેમેરા આવી જવાથી બધા જ ફોટોગ્રાફર બની ગયા છે. એટલે એવી અલગ ઓળખ ક્યાં ઉમેરવી?

  ReplyDelete