Thursday, February 20, 2014

'સાગર'સંહિતા aka The Saga of the Sagar यानि दास्तान-ए-सागर (૧)


પેલેટના સંચાલકે વાચકોને લગાડ્યો ચૂનો
પેલેટનું પાટિયું પડી ગયું.
હજારો લોકોને રંગ લગાડીને પેલેટના સંચાલક રફુચક્કર
પ્લેટની લ્હાયમાં ભૂલાઈ પેલેટ’.

આવાં આવાં અનેક મથાળાં સૂઝે છે. અવકાશી ઓટલાશિબિરમાં આવી ચર્ચાઓ થઈ રહી નથી, પણ એમ માનવું ચોક્કસ ગમે કે આવી વાતો થતી હોય.
વર્ષ ૨૦૧૩માં 'પેલેટ'ની બ્લોગપોસ્ટનો આંકડો અચાનક સેન્‍સેક્સે ખાધેલી પછડાટની જેમ નીચે આવી ગયો ત્યારે ઘડીભર તો મને પોતાને લાગ્યું કે ગણતરીમાં કંઈક ભૂલ હશે. પણ અહીં બ્લોગપોસ્ટની ગણતરી મારે કરવાની હતી નહીં, તેથી લાગ્યું કે ભૂલ હોવાની શક્યતા નથી. એમાંય ડિસેમ્બરમાં તો સાવ એક જ પોસ્ટ અને જાન્યુઆરી આખો કોરોધાકોર! આ જોઈને કોઈને ઉપર લખેલાં હેડીંગ સૂઝે તો એમાં એમનો કશો દોષ ન ગણાય.
શુભેચ્છકો, જેમની સંખ્યા વધુ છે, જેને ઘણા લેખકો વાચકરાજ્જાની ગાળથી સંબોધે છે, એ માનતા હતા કે હું કંઈક એવું કામ કરી રહ્યો હોઇશ, જેમાંથી સમય નહીં મળતો હોય એટલે લખી શકતો નહીં હોઉં. કામ હું જે કરતો હોઉં એ, પણ એનાથી મારી આર્થિક ઉન્નતિ થશે (અથવા તો મારું ગબડી રહેશે) એ વિચારે એમાંના ઘણા રાજી હતા. ઘણા ચિંતિત થઈને પૂછતા કે બધું બરાબર છે ને? હું હા કહું, એટલે (જાણે કે ખાતરી કરવા માંગતા હોય એમ) તરતનો સવાલ હોય કે હમણાં શું ચાલે છે?’ મારો જવાબ હોય, સાગર મુવીટોન’/Sagar Movietone. એટલે એ કહે કે હા, હા. પેલું રામાનંદ સાગરવાળું ને! તે શું છે એનું? એમની ફિલ્મની સ્ટોરી લખવાનું કામ મળ્યું છે? હું મનોમન કહું કે મને ક્યાં સ્ટોરી-બોરી લખતાં આવડે છે? અને તમે સાગર મુવીટોન એટલે રામાનંદ સાગરનું માનો છો એ નહીં. પણ પ્રગટપણે એટલું જ કહું કે – સાગર મુવીટોન એ રામાનંદ સાગરવાળું નહીં. આ તો ત્રીસના દાયકાની એક કંપની હતી.
ત્રીસના દાયકાની વાત આવે એટલે સામેવાળો હથિયાર હેઠાં મૂકી દે. એની આપણને ખબર ન પડે. આમ, વાત ત્યાં પૂરી થઈ જાય.

એક અદ્‍ભુત ફિલ્મકંપની પર લખાયેલું પહેલવહેલું પુસ્તક
The first ever book on a giant film company 

પણ છેલ્લા એકાદ મહિનાથી આ સાગર મુવીટોનમાં ઘણા મિત્રોનો રસ નવેસરથી જાગૃત થયો. આમીર ખાન નામના સ્ટાર તત્ત્વનો તેમાં ઉમેરો થયો એ સાથે જ આખા કામનું પરિમાણ અને એને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.
અત્યાર સુધી ઘણા મિત્રોના સવાલના જવાબમાં હું જણાવું કે- હું પુસ્તકો લખું છું, તો એ માનતા ન હોય એમ જોઈ રહેતા. અમુક (એ.સી.પી.પ્રદ્યુમ્નની અદામાં) પૂછતા, કઈ જાણીતી વ્યક્તિની જીવનકથા તેં લખી? (કે અમને જાણ સુદ્ધાં ન થઈ?)’ જવાબમાં હું કહું કે- હું એ રીતે જાણીતી વ્યક્તિઓની જીવનકથાઓ નથી લખતો. હું તો કમીશન્‍ડ ધોરણે લખું છું. આ સાંભળીને પૂછનારને ઘણી વાર મનોમન ભયાનક આઘાત લાગતો કલ્પી શકાતો હતો કે – આ તો હદ કહેવાય. જીવનકથાઓમાંય લોકો કમીશન ખાય છે. વધુ આઘાત એ વાતનો લાગતો કે આજીવિકાનું આવું ક્ષેત્ર વિકસી ચૂક્યું છે અને પોતાને એની જાણ સુદ્ધાં ન થઈ? કેટલા ટકા કમીશન આમાં છૂટતું હશે?
ફિલ્મ વિધાતા’/Vidhata માં પોતાની સાથે એન્‍જિન ચલાવતા યાર દિલીપકુમાર/Dilip Kumar(શોભરાજ)ને શમ્મી કપૂર/Shammi Kapoor (ગુરબક્ષ) વરસો પછી મળે છે. શમ્મીની સ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો હોતો, પણ દિલીપકુમારની ઉન્નતિ ખૂબ થઈ હોય છે. એ જોઈને આઘાત પામેલો શમ્મી એકનો એક જ સવાલ દિલીપકુમારને પૂછ્યા કરે છે, “એક બાત બતા, યાર. તૂ અમીર કૈસે બના?’ કંઈક આવા જ વિસ્મયથી, હો નહીં સકતા પ્રકારની જિ‍જ્ઞાસાથી અમુક મિત્રો થોડા મહિનાઓના અંતરે પૂછતા, “તારો વ્યવસાય ખરેખર જીવનકથાઓ લખવાનો છે?” 
ગઈ ૧૧ મી ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ મુંબઈના ખાર જિમખાનામાં સાગર મુવીટોન નામના આ પુસ્તકનું ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં આમીર ખાનના હાથે વિમોચન થયું, એ સાથે જ આમીર ખાન/Aamir Khanની પ્રસિદ્ધિના તેજમાં સૌએ આ પુસ્તકને નિહાળ્યું. આમીર ખાન જ શા માટે, તેમણે પોતે બારોબાર નોંતરું દઈને અનિલ કપૂર/Anil Kapoor, વિધુ વિનોદ ચોપરા/Vidhu Vinod Chopra, પ્રસૂન જોશી/Prasoon Joshi, રાજકુમાર હીરાણી/Rajkumar Hirani, વિક્ટર/Victor જેવા પોતાના મિત્રોને આવવા જણાવી દીધું હતું, અને એ સૌ સમયસર આ પુસ્તકના વિમોચનમાં આવી પહોંચ્યા હતા. એ અદ્‍ભૂત અને અનોખા કાર્યક્રમનો બે ભાગનો અહેવાલ ઉર્વીશના બ્લોગ પર અહીં  અને અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.

વિમોચન દરમ્યાન: (ડાબેથી) બીરેન કોઠારી, સુકેતુ દેસાઈ, આમીર ખાન, દક્ષા દેસાઈ
During Release: (l to r): Biren Kothari, Suketu Desai, Aamir Khan, Daksha Desai 
આ બધી ઝાકઝમાળ વચ્ચે પુસ્તકનું વિમોચન થયું એનો આનંદ કેમ ન હોય! ખાસ તો અમારા કશા પ્રયત્ન વિના, સાવ સહજપણે આ થયું એટલે વધુ આનંદ થવો સ્વાભાવિક હતો. આમ છતાંય સૌથી ચડિયાતો આનંદ તો એક અઘરું, વિશાળ વ્યાપ ધરાવતું, અને અત્યાર સુધી ન થયેલું કામ યોગ્ય રીતે પાર પાડ્યાનો હતો. આ કામ વાસ્તવમાં શું હતું, શી રીતે થયું, કેવી તકલીફો પડી, કેવી સહાય મળી, અને શી રીતે કારવાં બનતા ગયાની સ્થિતિ સરજાઈ એની અંતરંગ વાતો અહીં રજૂ કરવાનો ઉપક્રમ છે. વાત એટલી જૂની નથી. ૨૦૧૧ નો ઓક્ટોબર હતો.

**** **** ****

“આમને મળ્યા તમે? એમની કથા રસ પડે એવી અને પ્રેરણાત્મક છે. એમનોય ઈન્‍ટરવ્યૂ કરવા જેવો છે. એમની સફળતાની કથા પર પુસ્તક લખાય એવું છે.” આવું કહેનાર હતા હરીકૃષ્ણ મજમુદાર. જેમને તે આ કહી રહ્યા હતા એ અમદાવાદના કેટલાક જાણીતા લેખકો, પત્રકારો કે કટારલેખકો હતા. અને જેના માટે એ આમ કહી રહ્યા હતા એ વ્યક્તિ હતાં દક્ષા સુકેતુ દેસાઈ.


અમેરિકાથી હરીકૃષ્ણ મજમુદાર/Harikrishna Majmudar પોતાનાં પુસ્તકોના વિમોચન માટે ભારત આવ્યા હતા. અમેરિકાના ગુજરાતીઓમાં એ દાદાજીના હુલામણા નામે જાણીતા છે. અમદાવાદમાં એ દક્ષાબહેનના ઘરે ઉતર્યા હતા. આ ગાળામાં અનેક પત્રકાર, લેખકો તેમને મળવા, તેમનો ઈન્‍‍ટરવ્યૂ લેવા આવતા. આ સૌની યજમાનગીરી સ્વાભાવિકપણે દક્ષાબહેનના ભાગે આવતી. હરીકૃષ્ણદાદા સાથેની વાત પૂરી થાય એ પછી આવનાર વ્યક્તિને એ અચૂક ઉપર જણાવ્યાં મુજબનાં વાક્યો કહેતા. આમાંના મોટા ભાગના લોકોના નામ દક્ષાબહેન માટે અપરિચીત હતા, કેમ કે, અમેરિકાથી ભારત આવ્યાને તેમને માંડ બે-ત્રણ મહિના જ થયા હતા અને એવા કોઈ સંપર્ક હજી સ્થાપિત થયા નહોતા. હરિકૃષ્ણદાદાના અંગુલિનિર્દેશને લઈને ઘણા લેખકો-પત્રકારો દક્ષાબહેનને તેમની કથા પૂછવાનો પ્રયત્ન કરતા. તેની પરથી પુસ્તક લખવાનો પ્રસ્તાવ પણ મૂકતા. પણ કોણ જાણે કેમ, દક્ષાબહેનના મનમાં કંઈ વાત બેસતી નહોતી. એમ નહોતું કે પોતાની સફળતાને એ ઓછી આંકતા હતાં. તેમની સફળતાની કહાણી આલેખવા યોગ્ય હતી એ તે જાણતાં હતાં. પણ તેમના મનમાં કંઈક એવી લાગણી થતી હતી કે હિમાલયોની કથા આલેખાયા વિના રહે, અરે, લોકોને એની જાણ સુદ્ધાં ન થાય અને સીધું પાવાગઢનું માહાત્મ્ય થવા માંડે એ કેવું?
વાત જરા વિગતે સમજવા જેવી છે.

સુરેન્દ્ર દેસાઈ (બુલબુલભાઈ) /
 Surendra Desai (Bulbulbhai) 
દક્ષાબહેનના સ્વ.સસરા સુરેન્‍દ્ર દેસાઈ/Surendra Desai (બુલબુલભાઈ) ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. તેમના પિતાશ્રી ચીમનલાલ દેસાઈ/Chimanlal Desai(ચાચાજી) એક જમાનાની વિખ્યાત ફિલ્મકંપની સાગર મુવીટોનના માલિક હતા. ચાચાજી સાથે રહેવાનો મોકો દક્ષાબહેનને બહુ ઓછો મળ્યો. પણ બુલબુલભાઈ સાથે રહેવાનો લાભ ઘણો મળ્યો. ત્યારે દેસાઈ પરિવારનાં વાંદ્રા (મુંબઈ)માં ફક્ત બે સિનેમાઘરો જ રહ્યાં હતાં, જેમાંથી તેમણે તો નિવૃત્તિ લઈ લીધી હતી. નિવૃત્તિના આ સમયમાં ઘણી વાર દક્ષાબહેને પોતાના સસરાને લઈને જૂના સ્નેહીઓને ત્યાં જવાનું બનતું. ઘણી વાર તે સીંઘચાચા (કે.એન.સીંઘ)ને ત્યાં જતા. કવિ પ્રદીપજી/Kavi Pradeepji ને ત્યાં પણ મળવા ગયા હોવાનું તેમને યાદ હતું. (અભિનેતા) ડેવીડઅંકલ’ અને પી. જયરાજ ઘણી વાર તેમને ત્યાં આવતા. બુલબુલભાઈ, કે.એન.સીંઘ/K.N.Singh, ડેવીડ/David અને પી. જયરાજ/P.Jairaj ની ચોકડી હતી, જેને બુલબુલભાઈ મજાકમાં ચંડાળચોકડી કહેતા. એ જ રીતે પાછલાં વરસોમાં રામચંદ્ર ઠાકુર પણ નિયમિતપણે ભાઈ’(બુલબુલભાઈ)ની મુલાકાત લેતા અને બન્ને નિરાંતે વાતો કરતા. તેમની આ બેઠક સમયે તેમની વાતોના સાક્ષી બનવાનો લ્હાવો દક્ષાબહેનને મળતો. એ સાંભળીને તેમને એટલો ખ્યાલ આવતો કે ભૂતકાળમાં તેમની બહુ મોટી ફિલ્મકંપની હતી. પણ ન તેમને એ ગાળાની ફિલ્મો વિષે જાણકારી હતી, કે ન તે એમાંના મોટા ભાગના કલાકારોને ઓળખતાં. આમ છતાંય તેમની વાતોમાં દક્ષાબહેનને બહુ રસ પડતો. તેમને ઘણી વાર થતું કે પોતે તો ચાચાજીની ત્રીજી પેઢીએ ઘરમાં આવેલી વહુ ગણાય. ફિલ્મકંપનીની જાણકારી બાબતે પોતાની આ હાલત હોય તો તેમનાં સંતાનોને એ વિષે કેટલી ખબર હોવાની? અને એ જાણવામાં તેમને રસ પણ કેટલો પડવાનો? માનો કે તેમને રસ હોય તો પણ એ વાત જણાવી શકે એવી વ્યક્તિ ઘરમાં હયાત હોવી જોઈએ ને? આનો સીધો મતલબ એ થાય કે ચાચાજીની ચોથી પેઢીનાં સંતાનોએ પોતાના બાયોડેટામાં લખવા પણ કામ ન લાગે એવી આ વાત બાળપણમાં સાંભળેલી કોઈક બાળવાર્તાની જેમ યાદ રાખવી હોય તો રાખવાની અને ભૂલવી હોય તો ભૂલી જવાની કે અમારા ગ્રેટ ગ્રાન્‍ડ ફાધર એટલે દાદાના પિતાજી ફિલ્મલાઈનમાં હતા. સામેની વ્યક્તિ આ સાંભળીને વાઉ! કે ઓહ! રીયલી! જેવા ઉદ્‍ગાર કાઢે એટલે રાજી થઈ જવાનું. પણ એ વ્યક્તિ પૂછે કે તેમણે કેટલી અને કઈ કઈ ફિલ્મો બનાવી, તો જવાબમાં મોટું મૌન, જેનો અર્થ થાય આઈ ડોન્નો’.
જો કે, દક્ષાબહેનને એટલો અંદાજ હતો કે ચાચાજીનું પ્રદાન ફિલ્મઉદ્યોગમાં પાયાનું હતું. અને એની જાણ ફિલ્મવાળાઓને, એટલે કે તેની સાથે સંકળાયેલા કલાકારો, પત્રકારો, સંગીતપ્રેમીઓ, સંશોધકોને હશે જ. હોવી જોઈએ.
આમ છતાંય, તેમના મનમાં એવો વિચાર નહોતો આવ્યો કે એનું પુસ્તક તૈયાર થઈ શકે.

**** **** ****

વચ્ચેના અઢારેક વરસનો ગાળો દક્ષાબહેનના પરિવારના અમેરિકાનિવાસનો હતો. કંઈક કરી બતાવવાનું એક ઝનૂન મનમાં સવાર હતું એટલે ત્યાં આ વાત મનમાં ઉગવાનો સવાલ હતો જ નહીં. અનિશ્ચિતતાને તાંતણે લટકી રહેલો માણસ પોતાના ઈતિહાસને યાદ કરે કે નીચે ઉતરીને જમીન પર પગ સ્થિર કરવાનું વિચારે? કંઈક એવી જ સ્થિતિ હતી તેમની.
અમેરિકાનિવાસ દરમ્યાન અનેક સંઘર્ષોનો સામનો કરીને તેમણે પોતાની દીદીઝ રેસ્ટોરાંનો આરંભ કર્યો. ધીમે ધીમે તેની એક પ્રતિષ્ઠા બંધાતી ગઈ. વિશેષ તો ભારતથી આવતા નાટકના અને ફિલ્મના કલાકારોની તે અતિ માનીતી બની રહી. નાણાંની સાથેસાથે સંબંધોની પણ કમાણી થતી રહી. આ બધાથી તેમને એક પ્રકારનો આનંદ મળતો હતો, અને સંતોષ પણ.
અમેરિકાનિવાસ દરમ્યાન દક્ષા દેસાઈ
Daksha Desai during her stay in USA
સંજોગોનું ચક્ર ફર્યું અને તેમણે વળી પાછા ભારતમાં સ્થાયી થવાના સંજોગો ઉભા થયા. અને ઓગસ્ટ, ૨૦૧૧માં તે અમદાવાદમાં સ્થાયી થયાં. ત્યાર પછી ઓક્ટોબર, ૨૦૧૧માં હરીકૃષ્ણ મજમુદાર તેમના મહેમાન બન્યા. અને શરૂઆતમાં જણાવી એ વાત બની. સફળતાની કથા પરથી પુસ્તક લખી શકાય એ વાત ત્યારે દક્ષાબહેનના મનમાં પહેલી વાર રોપાઈ, પણ જરા જુદી રીતે! પુસ્તક લખવાનું સૂચન કે પ્રસ્તાવ મળ્યાં ત્યારે તેમને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે પોતાના વ્યવસાયની પ્રાપ્તિ જો સફળતા ગણાતી હોય, તો ચાચાજીએ તેમના જમાનામાં જે કરી બતાવ્યું એની શી વાત કરવી! તેમના પ્રદાન આગળ પોતાની આ સફળતાની શી વિસાત! તેમને લાગ્યું કે હિમાલયની હસ્તીની નોંધ પણ ન લેવાય, અને સીધું પાવાગઢનું માહાત્મ્ય કરવાનું? આ અરસામાં તેમને દિલ્હી જવાનું થયું. અહીં ફિલ્મના ઈતિહાસને લગતો એક કાર્યક્રમ ટી.વી. પર જોવાનું બન્યું. આ કાર્યક્રમમાં સિનેજગતમાં પાયાનું પ્રદાન કરનાર અનેક મહત્વની વ્યક્તિઓને ગણી ગણીને યાદ કરવામાં આવી હતી, સિવાય ચીમનલાલ દેસાઈ,એટલે કે ચાચાજીને. આ જોઈને તેમને મનોમન બહુ ગુસ્સો આવ્યો. એક જાતની લાચારીની લાગણી પણ જન્મી. થયું કે આ લોકોને જણાવવું જોઈએ કે ભાઈ, તમે આટલા બધા લોકોને યાદ કર્યા તો આવી મહત્વની વ્યક્તિના નામને તમે શી રીતે ઉવેખી શકો? તમે જાણો છો કે એમનું શું પ્રદાન હતું?
ચીમનલાલ દેસાઈ 'ચાચાજી'/
Chimanlal Desai 'chachaji'  
જો કે, આની પછવાડે દક્ષાબહેનને એવો સવાલ પણ થયો કે માનો કે કાર્યક્રમના આયોજકો દિલગીરી વ્યક્ત કરતાં કહે કે તેમના પ્રદાન વિષે અમને ખ્યાલ નથી. તમે એ અંગે જણાવી શકશો? ત્યારે શું જણાવવું આપણે?
બસ, ત્યારે મનમાં એક વિચાર દૃઢ થયો કે આ કામ પહેલાં તો આપણે કરવા જેવું છે. એક વખત આ વિચાર નક્કી થયો એટલે એ દિશામાં શોધ શરૂ થઈ કે એ કામ કરે કોણ? અને શી રીતે કરે? પોતે તો કોઈ એવા લેખકને જાણતા નથી કે જે આ કામ કરી શકે. અરે, લેખકને જ શા માટે, હજી અમદાવાદ આવ્યે માંડ બે મહિના જ થયા છે, અને ઘણા બધા જૂના સંપર્કોય ક્યાં તાજા કર્યા છે? જે સગાંસંબંધીઓ છે તેમને પણ ક્યાં હજી પોતાના અમદાવાદમાં સ્થાયી થવાની જાણ કરી શકાઈ છે?
ત્યારે દક્ષાબહેન ક્યાં જાણતાં હતાં કે આગળ જતાં કેવા કેવા યોગાનુયોગ ગોઠવાતા જવાના છે? તેમને કે બીજા કોઈને ક્યાં જાણ હતી કે કુદરત કે વિધાતા કે દૈવ કે જે ગણો એ પોતાના પાસા ગોઠવી રહ્યું હતું અને પોતે તેના દોરવાયા જ દોરવાવાનું હતું!(અરે, ના! એમ અમારી મુલાકાત તરત નહોતી થઈ ગઈ. અમે મળ્યાં છેક ફેબ્રુઆરી, ૨૦૧૨માં. દરમ્યાન વચ્ચે શું થયું? એ હવે પછી.) 

5 comments:

 1. એટલે હવે અનિશ્ચિતતાને તાંતણે અમારે લટકવાનું!! ખૂબ સરસ...!!

  ReplyDelete
 2. આટલા લાંબા વખત પછી પણ આટલો ટચુકડો લેખ ?
  ના ચાલે , એટલીસ્ટ આવતી વખતે બે ચેપ્ટર સાથે મુકજો...

  ReplyDelete
 3. Likhavat ni pakkad chhek chhelle sudhi.. Ati sundar ...

  ReplyDelete
 4. aa photograph book ma nathe?book ekaj betak ma vachi nakhi.jara pan kantlo nathi aavyo saras lakhan che. fari var vachvanu man thay aavi che.
  baharna vyakti tarike mane aa book pratham mali aavu lage che.mara friend hardik bhatt(bombay)tene book karavi che pan next week ma tamne pahochshe. aavu kahyu.

  ReplyDelete