Sunday, February 28, 2016

ઉર્દુ પર ઓળઘોળ ત્રણ દિવસ : ડેઢ જશ્ન મેં કટ ગયે, ડેઢ મહેફિલ મેં


-અમીત જોશી

(આ બ્લોગ પર દિલ્હીસ્થિત મિત્ર અમિત જોશીએ અગાઉ વિશ્વ પુસ્તક મેળાનો યાદગાર અહેવાલ લખ્યો હતો. આ વખતે તેઓ ત્રણ દિવસના ઉર્દુ મહોત્સવ જશ્ન-એ-રેખ્તાનો અહેવાલ આપે છે.) 


૧૨-૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૬ દરમિયાન જનપથ સ્થિત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કળા કેન્દ્ર IGNCAમાં દ્વિતીય ઉર્દુ સાહિત્ય મહોત્સવ જશ્ન-એ-રેખ્તા યોજાઈ ગયો. ઉર્દુ કવિતા અને સાહિત્યની વિશ્વની સૌથી મોટી વેબસાઈટ rekhta.org  દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના પ્રકારનાં મૈદાન- એ-જંગમાં જેના નામની કસમો ખવાય છે તે શહર- એ- દેહલીના ઉપરાજ્યપાલ નજીબ જંગે દિલધડક જશ્ન-એ -રેખ્તાનો આગાઝ કર્યો. ત્રણેત્રણ દિવસ અમે તેનો લુત્ફ ઉઠાવ્યો. રાજેન્દ્રપ્રસાદ રોડ અને જનપથના કાટખૂણે આવેલી આ સંસ્થાનું રમણીય પ્રાંગણ દિવાન- એ- આમ (સ્ટેજ લોન), દિવાન- એ-ખાસ (ઓડીટોરીયમ), બઝ્મે રવાં (એમ્ફીથીયેટર) અને કુંજ- એ- સુખન (સ્પીકિંગ ટ્રી) એમ ચાર હિસ્સામાં વહેંચાયેલું હતું. ઉત્તર ભારતની તડકીલી ભડકીલી પરંપરાથી વિપરીત પંડાલ કંતાનના સાદગીપૂર્ણ કાપડથી શોભતો હતો. ઠેર ઠેર દેવનાગરી, ફારસીમાં ચુનિંદા શેર માહોલને જીવંત બનાવતા હતા.


જુમ્માની આ સાંજનો આરંભ થયો કૈફી અને શૌકત આઝમીના જીવનની કૈફીયત પઠન કૈફી ઔર મૈં થી. કૈફીસાબની દીકરી શબાના આઝમી અને દામાદ જાવેદ અખ્તર દ્વારા આ ઉમદા પ્રસ્તુતિ કરવામાં આવી. વચ્ચે કૈફીના પ્રતિનિધિ કલામની પણ રજૂઆત કરવામાં આવી. કંપની સરકાર દ્વારા ગળીની ખેતી કરવાની ફરજ સામે કૈફીના દાદાએ કરેલા વિરોધથી વાત આરંભાય છે. જમીનદાર દાદા આ બળજબરી દ્વારા પરંપરાગત ખેતીનો મૃત્યુઘંટ વાગી ગયો હોવાનું ભાળી જાય છે. તેઓ ગામ જોગ તમામ ખેડૂતોને ગળીનાં બીજ બાળીને વાવવાનું કહે છે. આ ન રહેગા બાંસ, ના બજેગી બાંસુરી પદ્ધતિએ અંગ્રેજો સામેના બળવાનું બીજ રોપ્યું.
કૈફીના પિતાને થયું કે એકાદ બાળકને દીની તાલીમ મળવી જોઈએ, જે કમ સે કમ બાપદાદાની કબર પર ફાતિહા તો પઢી શકે. મદરસામાં મોકલવા માટેની પસંદગી બાળક કૈફ પર ઉતરી. કૈફ ગયા તો  ખરા, પણ મૌલવી કે તાલીમ કશુંયે રાસ ના આવ્યું. તેમણે વિદ્યાર્થી યુનિયન બનાવ્યું અને હડતાળ પડાવી. કૈફી કહે છે બાપદાદાની કબર પર તો નહિં, પણ મૌલવીની જડસુ તાલીમના તો મેં ફાતિહા પઢી જ લીધા.
કૈફીનું આઝમગઢ છોડવું, મુંબઈ આવવું, રેડીકલ હ્યુમનિસ્ટ એમ એન રોયનો પરિચય, પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ વચ્ચે સામ્યવાદી પક્ષ સાથે ફૂલ ટાઇમ જોડાવું, અવારનવાર જેલ યાત્રા, ભૂગર્ભપ્રવૃત્તિ અને ફિલ્મ જગતમાં પોતાને કપાળે લાગેલા બુંધિયાળની છાપ, તરક્કીપસંદ લેખક અને થિયેટર સંઘની પ્રવૃત્તિઓ તેમજ બીજી બાજુ એકલપંડે શૌકતની બે છેડા ભેગા કરવાની જદ્દોજહદ, શબાના પેટમાં હતી ત્યારે ફાકામસ્તીમાંથી પસાર થઈ રહેલા આ યુગલ પર એબોર્શન કરાવી નંખાવવા માટે પાર્ટીનું પ્રેશર અને તેની સામે શૌકતનું ઝઝૂમવું... જેવી બાબતોનું બયાન આ કથનમાં છે.
શૌકતની દુનિયા કૈફીની આસપાસ હતી તો કૈફીની વાત દુનિયાની આસપાસ. શબાનાનું વાચિકમ નટખટ અને જરીક નાટયાત્મક લાગે, જ્યારે જાવેદસાહેબ તો જાણે પૂરેપૂરા કૈફીડુબ થઈ ગયા હતા.

**** **** ****

ઈસ નઝાકત કા બુરા હો, વો ભલે હૈ તો ક્યા
હાથ આવે તો ઉન્હેં હાથ લગાએ  ન બને 
- ગાલિબ

**** **** ****

તર-દામની(શરાબતર વસ્ત્ર) પર, શૈખ, હમારી ન જાઈયો
દામન નીચોડ દેં તો ફરિશ્તે વઝુ કરે 
- મીર દર્દ

**** **** ****

શનિવારે સવારે ગુલઝાર યે કૈસા ઈશ્ક હૈ ઉર્દુ જબાં કા લઈને હાજર હતા. તેમનો ઘેઘૂર અવાજ અને ઉર્દુ જબાન બંને ભેગા થાય ત્યારે ગાળો બોલાય તો પણ રામનામ લાગે એવો માહોલ. તેમની કવિતાઓનું પઠન તો હતું , પણ જગપ્રસિદ્ધ બલ્લીમારાન નઝમની જેટલી અદભુત સિકવલ પ્રાપ્ત થઈ. ચાહકોએ ગમે ત્યાંથી મેળવીને વાંચવી, સાંભળવી અને પુણ્ય મારા ખાતે રીચાર્જ કરાવી લેવું. માતૃભાષા પંજાબી, ઉર્દુમાં ભણતર, બંગાળીથી પ્રભાવિત અને મરાઠી સહિતના ભારતીય સાહિત્યના ચાહક એવા ગુલઝારસાહેબે અનુવાદ અંગે કહ્યું કે અનુવાદ માદરી ઝબાનમાં કરવો/થવો જોઈએ. અનુવાદ એક માત્ર સાધન છે, જેના દ્વારા ભારતીય ભાષાની ખાસિયતોનું આદાનપ્રદાન થઈ શકે. ઉર્દુની ફારસી સ્ક્રીપ્ટ પર ભારે પડી રહેલા દેવનાગરીના ચલણ સામે તેમણે લાલબત્તી ધરી. ઉર્દુ મૂળભૂત રીતે ધ્વનિની ભાષા છે, જેમાં નુક્તા સરખી પણ છૂટછાટ ભાષાનું સૌંદર્ય છીનવી શકે છે. પિતાજી दवाखाने જાય કે दवा खाने નુક્તા વડે સ્પષ્ટ થઇ શકે. (નુક્તે સે ખુદા જુદા હો જાતા હૈ એવી પણ ઉક્તિ છે.)

બપોરના સેશનમાં ઝીંદગી કી સુરતગરી – ટીવી પર ઉર્દુ કે રંગ પર ભારતના બે અને બે પાકિસ્તાનના ટેલીજનો – સરમદ સુલતાન ખુસટ, સાનિયા સઈદ, કંવલજિતસીંઘ અને લુબના સલીમ પેનલીસ્ટ હતા. ભારતીય સિરિયલોની અધમતા વિષેની પીડા ત્યારે હળવી થઈ જાય જયારે જાણવા મળે કે પાકિસ્તાનમાંયે આવી જ બુરી હાલત છે. ક્રિએટીવીટી પર બજાર હાવી થઇ જાય ત્યારે જે હાલત થાય તેના બંને પાડોશીઓએ કોરસમાં રોદણાં રોયા. એટલું સમજાયું કે બન્ને મુલ્કોના સુખનું તો અલ્લા જાણે, પણ દુ:ખ બંને પડોશીઓના એક જ છે. આ ચર્ચામાં પાકિસ્તાનના બંને પેનલીસ્ટે જે ફબ્તીયાં કસી, તેનાથી હ્યુમરસમૃદ્ધ ઉર્દુની મજા માણવા મળી. (યાદ આવ્યું? બકરા કીશ્તોં પે)
જનરલ ઝિયાના તાનાશાહ રાજમાં સર્જકતા પર કેવી અવળી અસર પડી હતી એના જવાબમાં ખુસટે કહ્યું કે ઉલટું સૌથી શાનદાર સમય ઝીયાયુગ હતો. કારણ કે દમનના ઘોર અંધારિયા વાતાવરણમાં સર્જકતાનું ટમટમીયું જલાવવા એક્સ્ટ્રા એફર્ટ કરવા પડે, મેસેજ પહોંચાડવા સો છટકાં ગોઠવવાં પડે અને લાખ માથાપચ્ચી પછીની પ્રોડક્ટ મજાની હોય છે. મુલ્કનું સારું કહી શકાય એવું હ્યુમર ઝીયાકાળની જ પેદાશ છે. ટીપીકલ મુસ્લિમ પાત્રાલેખનને ભારતમાં ઘરારા અને પાયજામામાં ફીટ કરી દેવામાં આવે છે એ વિષે પણ ખડખડાટ વાતો થઇ. ભારતીય સીરીયલમાં મોહતરમા પલંગમાંથી ઉઠે તો ચાદરને સળ પડે, પણ મેકઅપને નહિ. તો પાકિસ્તાનમાં ભલે મિયાંબીવી હોય, સીરીયલમાં કદી તેમને એકસાથે એક ખાટલા પર બેસાડવાની ગુસ્તાખી કરવા પર પાબંદી હતી. ખુસટ કહે, તમારે ત્યાં વેનિટી ઈશ્યુ છે, અને અમારે ત્યાં સેનિટી. ચેનલ ઝીંદગી વિષે વાત થઇ. મારે હજી એટલો કપરો કાળ આવ્યો નથી કે ટીવી સીરીયલો જોઈને ગુજારો કરવો પડે, પરંતુ છાપાં – ટીવી દ્વારા બતાવાતા પાકિસ્તાન કરતાં એટલીસ્ટ આ સીરીયલોનું પાકિસ્તાન કદાચ વાસ્તવિકતાની નજીક હશે એટલું આ ચર્ચા પરથી લાગ્યું.

આઈનાખાનેમેં લફ્ઝ સેશન પાકિસ્તાનના શાયર અનવર મક્સુદના નામે હતું. એ જમાનામાં ભારતમાં રાજીવ અને પાકિસ્તાનમાં બેનઝીર વઝીરે આઝમ હતાં. રાજીવની પાકિસ્તાન મુલાકાત દરમ્યાન એક સરકારી સમારંભમાં શાયર અનવરને તેડાવેલા. ઈસ્લામાબાદની એક હોટલમાં તેમનો ઉતારો. મક્સુદે કહ્યું કે આગલી રાત્રે હોટલ પર વર્દીધારી આ ટપકે.
‘કાલે શું પહેરશો ?’ વર્દીધારીનો સવાલ.
‘કપડાં.’ મક્સુદનો ઉત્તર.
‘કપડે કા મતલબ હિન્દુસ્તાનના વઝીરે આઝમ જેવો બંધ ગલા પહેરવાનો છે.’ વર્દીધારીનો આદેશ.
‘ઇતની તો સમઝ હૈ હમેં. હમ હમારી વઝીરે આઝમ કી તરહ તો કપડે પહન હી નહિ સકતે.’ મક્સુદે કહ્યું અને ખડખડાટ હાસ્ય.
દૂરદર્શનનો રાજીવ યુગ ઘણાને યાદ હશે. અનવર કહે છે કે બંને દેશોના સરકારી ટીવીમાં હંમેશા PM બજે રહતે. હવે મર્હુમ એવા ક્લાસિક શાયરોને પત્ર લખવાની અનવરની સ્ટાઇલ સરસ હતી. પાકિસ્તાનના રાષ્ટ્રીય શાયર અને કાશ્મીરી પંડિત સહજ સપ્રુના પૌત્ર અલ્લામા ઇકબાલના ભાગલા બાદ કરવામાં આવેલા કદસંકોચન વિષે તેમણે જણાવ્યું કે પહેલાં જેનો કલામ આખા ઉપખંડનો હતો, તે ઘટતો ઘટતો આજે માત્ર સિયાલકોટીમાં સમેટાઈ ગયો.
મારા-તારાની હુંસાતુસીમાં બંને દેશોએ કેટકેટલી હસ્તીઓને વામણી બનાવી દીધી છે!
        આ સેશન પછી સાંજે મો.સઈદ આલમ લિખિત અને દિગ્દર્શિત ગાલીબ કે ખતનું મંચન હતું. ગાલીબના પત્રવ્યવહારના દસ્તાવેજીકરણને આવરી લેતા આ નાટકમાં અભિનય ટોમ ઓલ્ટરનો હતો. અતિ મજબૂત નાટક! પત્રો લખવાની ગાલીબની ઘેલછાની હદે વિહ્વળતા ઉપસે છે, સાથે સાથે કંપની સરકારના જામી રહેલાં મૂળિયાં અને સંધ્યાકાળે ઉભેલી દિલ્હી સલ્તનત તેમજ આર્થિક સલામતી માટે શાયરની છટપટાહટ – આ બધું દર્શક ભીંતે ભાળી શકે છે. મકાનની અને નાણાંની- બંનેની ખસ્તા હાલત વિષે મિર્ઝા લખે છે : બાદલ ઘંટાભર  બરસતા હૈ તો છત ચાર ઘંટે. ગાલીબની બેગમ અને એમની સેવિકા વફાદાર વચ્ચેના સંવાદ અને અભિનય બંને ધારદાર. ઉ.ત. વફાદારનો સ્વગત સંવાદ : ‘કૈસા ઘર હૈ યે ખુદા..શરાબ કા નામ તક કાનોંમેં પડને સે બીવી સૌ બાર વજુ કરતી હૈ ઔર મિયાં? શરાબ કો હી વજુ સમઝતા હૈ...’ 

ટોમ સાહેબની ઉર્દુ ઝબાન બેશક માશાલ્લા છે, પણ એ જ કારણસર એમને નાટ્યજગતના દિલીપકુમાર કહી દેવું વધારે પડતું કહેવાય, જેમ આપણે ત્યાં  ફાધર વાલેસને ઘણા ઉત્સાહીઓ સાહિત્યની અંબાડીએ બેસાડી દેવા માટે લાલાયિત હોય  છે.
સાંજે સાબરી બ્રધર્સની કવ્વાલી હતી, પણ આચમન લઈને રવાના થવું પડ્યું. રાત્રે રાજેશ રેડ્ડી સહિતના શાયરોનો મુશાયરો પણ ભારે હૈયે છોડ્યો. કારણ, સવારે નવ વાગ્યાથી શરુ થયેલા સેશનમાં માત્ર એક જ સેશનમાં કાબીલ તશરીફ પામ્યા હતા, ગોયા અબ હમારે ટાન્ટીયે ભી જવાબ દેને લાગે થે.

**** **** ****
બેગમ ભી  હૈ ખડી હુઈ મૈદાન એ હશ્ર(પ્રલય) મેં
મુઝ સે મીરે ગુનાહ કા હિસાબ, અય ખુદા, ન માંગ 

- હાશિમ અઝીમાબાદી
**** **** ****

જો ગુઝારી ન જા સકી હમ સે 
હમને વો ઝીંદગી ગુઝારી હૈ 
- જૌન એલિયા 

**** **** ****

શનિવારે સાંજે અંકિત ચઢ્ઢા અને પૂનમ દ્વારા દાસ્તાનગોઈમાં એલીસ કી દાસ્તાંનો અંશ માણ્યો. દાસ્તાનને ડાયરો કહેવો આ લોકકથાનું અવમૂલ્યન ગણાશે, પણ તેની કથનશૈલી લાજવાબ હોય છે. શબ્દોમાં ઝાઝી ગમ ના પડે, છતાંયે ઘડીક સૂતપુત્ર કર્ણ બની જઈએ. ડાયરામાં ઊંધું હોય છે. એમાં શબ્દોમાં ખબર પડે એટલે કંટાળો આવે. આગળના દિવસોએ બાળકોની ઘેરહાજરીથી અમને વસવસો થયેલો, એટલે આજે અમે સૌએ સાકટમ આવીને તેનું પ્રાયશ્ચિત કર્યું.


સાકટમ હાજરી 
કેફીયત

રીરી અને મનવા
ફીલ્મોં મેં ઉર્દુ: કલ,આજ ઔર કલ માં જાવેદ અખ્તર, તિગ્માંશુ ધુલિયા, જાવેદ સીદ્દીકી અને ઈમ્તિયાઝ અલી હતા. ફિલ્મોમાં ઉર્દુ ઉચ્ચાર અને ધ્વનિની વાત થઈ ત્યારે જાવેદસાહેબે કહ્યું, કોઈ खुदा કહે કે ख़ुदा-મને ખરાબ નથી લાગતું, કારણ હું એથીસ્ટ છું. હા, કોઈ જાવેદને બદલે ઝાવેદ કહે ત્યારે જરૂર ખટકે.  ગુરુમુખીને અપનાવવાના સોદામાં બેશકીમતી ઉર્દુ વારસો ગુમાવવા બદલ એમનો પુણ્યપ્રકોપ પંજાબીઓ પર ફૂટી પડ્યો. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે દસ કરોડ મુસલમાનોએ સાત કરોડ મુસલમાનોને ઉર્દુ અપનાવવાની ના પાડી દીધી. ઉર્દુ નહિં બોલવાના મુદ્દે બલિદાન આપ્યાં અને બાંગ્લાદેશ રચાયો, છતાં લોકોના મગજમાં ભૂસું છે કે ઉર્દુ કેવળ એક કૌમની જબાન છે. (મારા બે સહકાર્યકરો છે, જેમાં એક JNUના ઉર્દુ ડોકટરેટ છે અને એક પંજાબી પુત્તર PUનો ઈંગ્લીશ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ઉર્દુ વિશેની મારી તમામ આંટીઘુટી પેલા ડોક્ટર નહિ, પણ ઉર્દુ નહિ  ભણેલો મરીઝ જ  નિર્મૂળ કરી આપે છે.) તિગ્માંશુ અને ઈમ્તિયાઝે કહ્યું કે અમે ઉર્દુની અહાલેક નથી પકડી, પણ ઉર્દુની જાણકારી અમને ઘણી ખપ લાગે છે. ખાસ તો નાના શહેરોમાંથી આવેલો નવા દિગ્દર્શકોનો ફાલ તરોતાઝા પ્રાદેશિક ફ્લેવર લઈને આવે છે, જે બોલીવુડને ફ્લોરા ફાઉન્ટનના કબુતર વચ્ચેથી અવધના ઈમામબાડાની પૈદલ રિક્ષામાં ઉડા લે ગયા.જાવેદસાહેબની અડફેટે ગ્રેટ મુગલે આઝમ પણ ચઢી ગઈ. અકબર નિતાંત સાદગીપ્રિય હતો. સાદો કુરતો, પાયજામો અને માથે સફેદ ફાળિયું વીંટતો. ઉર્દુ વખતે જન્મી પણ નહોતી. અકબર પર્શિયન બોલતો. મેરે મહેબુબ જેવી મુસ્લિમ સમાજના બીબાંઢાળ દર્શનની વાત પણ નીકળી. તેઓ કહે, આવી ફિલ્લમ જોઈ જોઈને હુન્નર કોમમાંથી વટલાયેલો કારીગરવર્ગ એવા ગુમાનમાં રાચવા લાગ્યો કે અમારા બાપદાદાઓ મુહમદ ગઝનીના ઘોડે સવાર થઇને આવેલા. અને ભાગલા વખતે મુહાઝીરો એવું વિચારીને ગયા કે આ જ ઘોડાઓ પરથી અમારી વતનવાપસી થઇ રહી છે. ઉર્દૂનો આરંભકાળ કંઈ એટલો જૂનો નથી. જાવેદસાહેબે કહ્યું કે વિશ્વની દરેક ભાષાનો આરંભ ધાર્મિક સાહિત્યથી થયો છે. ઉર્દુ એકમાત્ર એવી ભાષા છે જે જન્મથી બળવાની, વિદ્રોહ ભાષા રહી છે. ધાર્મિક સાહિત્ય કદી એનો અંગભૂત હિસ્સો નથી રહ્યું. એના વિષય પણ માનવસહજ પ્રેમની અને ઝીન્દગીની આસપાસ ફરતા રહ્યા છે. છતાંય લોકો ભાષાને દાઢીમૂછ લગાવે છેતે નિહાયત
અફસોસજનક છે.સાંજે દાસ્તાનગોઈમાં ભાગલાની કરમકથા દાસ્તાન એ તકસીમ એ હિન્દ રજુ થઇ. અનીલ શર્માની ગદર જોવાનો જઘન્ય અપરાધ જેમનાથી થઇ ગયો હોય એમણે આ દાસ્તાન પાં ચવાર જોઈને પ્રાયશ્ચિત કરવું પડે એટલી અદભુત !

જશ્નમાં પુસ્તક બજાર, કલાકારીગરી અને અફકોર્સ, ભોજન બાઝાર પણ હતું. ગુજરાતી અહેવાલમાં વાનગી વૈભવનું રસથાળ વર્ણન કરવાની ગુસ્તાખી નહિ કરું, પણ સ્ટોલનાં નામો પર એક નજર : અલ ઝવાહર (મુઘલાઈ), કરાંચી કેટરર (સિંધી), લાહોરી ગેટ (પાકિસ્તાની), નોમાદીક હાટ (બંઝારા ફૂડ), રૂમીઝ કિચન (અવધી), શીરી ભવન (મીઠાઈ) અને ચાની દુકાન ? – સિંગિંગ ટ્રી !જશ્નમાં ભારે હૈયે ઘણું મિસ પણ કર્યું ;  દિલ્હીના પ્રતિભાશાળી નાટ્યકાર દાનીશ ઇકબાલ લિખિત દારા શીકોહનું મંચન, ઈસ્મત ચુગતાઈ : રિવાયત શિકન ઔરત કી આવાઝ, નુકારી ઘંટિયા સી બઝતી હૈ: અખ્તરુલ ઈમાન કી યાદ, મંટો અબ તક હમકલામ, મીર તકી મીર : મત સહલ હમેં જાનો, રાજીન્દર સિંહ બેદી :ઈન્સાની રીશ્તોં કા રાઝદાન, ઉર્દુ હિન્દી અદબ: મુખ્તલિફ લફ્ઝોંમે મુશ્તરક ખ્વાબ, બાર એ સગીર કા અફસાના :ઈન્તિઝાર હુસેન કો ખિરાજે અકીદત, મહેફિલ એ મઝાં, બઈતબાઝી અને છેલ્લે વિનોદ દુઆનો ઝાઈકે ફ્રન્ટીઅર કે પુસ્તકચર્ચાનો કાર્યક્રમ ચુકી જવાય તો નકોરડો કરવો પડે કે નહિ?

ત્રણ દિવસના આ મહોત્સવમાં હ્યુમરના સટાકા, ઈમોશન્સ, જાત પર જ હસવાની ખેલદિલી માણ્યા પછી થોડી વાર માટે ગુજરાતી ભાષા સાથે અનાયાસે સરખામણી થઈ ગઈ. ઉર્દુ સંધિકાળમાં પસીનાસમૃદ્ધ લોકો વચ્ચે પલી બડી છે અને આપમેળે પડતીઆથડતી, ઝઝૂમતી ઉછરી છે. સ્વાભાવિક છે કે અભાવો વચ્ચે ટકી રહેવાથી ઉત્તમ પરિણામ મળતું હોય છે. આપણને થાય કે બંને દેશોના સુખ.દુખ, જમણ,મરણ અરે, વાહીયાત સીરીયલો અને અધમ રાજકારણીઓ સુદ્ધાં એક છે, તો કમબખ્તોં ! જખ મારવા જુદારું કર્યું?

(મારી ઉર્દુ જાણકારી ગુજરાતના સરેરાશ ભાષા અધ્યાપકની ભાષા જાણકારી જેટલી જ છે, એટલે હકીકતદોષ કે ઉચ્ચારદોષ પ્રત્યે ધ્યાન દોરવા ગુજારીશ. હકીકતદોષ કે ઉચ્ચારદોષ પ્રત્યે ધ્યાન દોરવા ગુજારીશ. આમીન )
(તસવીરો: અમીત જોશી)

7 comments:

 1. પ્રિય અમીત,
  તસવીરી અહેવાલ વાંચવાની મઝા પડી...હું કહીશ કે ઉર્દૂ જબાન માટે આ બ્રાહ્મણનું બયાન છે. દિલ્હીમાં રહીને મુલાકાત લેતા હોઇએ એ કક્ષાનો અનુભવ લખીને કરાવવા બદલ દિલ બાગ-બાગ. બન્ને દીકરીઓનો ફોટો જોઇને તો વધુ આનંદ.

  અમદાવાદમાં સરખેજના રોજા ખાતે જે કંઈ રંગારંગ કાર્યક્રમના આયોજન થાય છે તે કવ્વાલી અને સુફી સંગીતથી આગળ વધતા નથી. એ આયોજનો વધતા - ઓછા અંશે કોર્પોરેટ અને ક્લાસી પ્રકારના હોય છે જેમાં સામાન્યજનની ભાગીદારી હોય છે ખરી...સ્ટેજ બાંધવા અને ખુરશીઓ ગોઠવવા જેટલી.

  બિનીત મોદી (અમદાવાદ)

  ReplyDelete
 2. અદ્દભુત અહેવાલ સર.... જશ્ન એ રેખતાં માણવાનું સપનું તો ખબર નહિ ક્યારે પૂરું થાય.... પણ આ વાંચીને ત્યાં મૌજુદ હોવાનો અનુભવ થયો.... ઊર્દૂને એક વર્ગવિશેષની ભાષા ગણવી આ મૂર્ખામી છે... ખરેખર તો આ ભાષા ભારતની બે મુખ્ય કોમ અને સંસ્કૃતિ વચ્ચે પુલનું કામ કરે એવો દમખમ ધરાવે છે... મંટો, ઈસ્મત, ગુલઝાર, જાવેદસાબ, ઉપેન્દ્રનાથ અશ્ક, ગાલિબ, મીર, ઝોક અને બીજા અસંખ્ય નામી સર્જકોથી સમૃદ્ધ આ ભાષાને કરીયે એટલો પ્રેમ ઓછો પડે.... આટલા અદભુત અહેવાલ બદ્લ આભાર....

  ReplyDelete
 3. અદ્દભુત અહેવાલ સર.... જશ્ન એ રેખતાં માણવાનું સપનું તો ખબર નહિ ક્યારે પૂરું થાય.... પણ આ વાંચીને ત્યાં મૌજુદ હોવાનો અનુભવ થયો.... ઊર્દૂને એક વર્ગવિશેષની ભાષા ગણવી આ મૂર્ખામી છે... ખરેખર તો આ ભાષા ભારતની બે મુખ્ય કોમ અને સંસ્કૃતિ વચ્ચે પુલનું કામ કરે એવો દમખમ ધરાવે છે... મંટો, ઈસ્મત, ગુલઝાર, જાવેદસાબ, ઉપેન્દ્રનાથ અશ્ક, ગાલિબ, મીર, ઝોક અને બીજા અસંખ્ય નામી સર્જકોથી સમૃદ્ધ આ ભાષાને કરીયે એટલો પ્રેમ ઓછો પડે.... આટલા અદભુત અહેવાલ બદ્લ આભાર....

  ReplyDelete
 4. Dear Amit,
  Taro artcle khub j saras chhe. Amdavad ma delhi jovai gayu. February ma Gulzarji Amdavad aavi ne kavya pathan kari gaya tyare tane yad karyo hato.
  Nautam Modi

  ReplyDelete
 5. બહુ જ સરસ અહેવાલ. ત્યાં હાજર હોઈએ એવું સતત લાગ્યું. વાહ !
  આભાર બિરેનભાઈ.

  ReplyDelete
 6. વાહ....કોલેજકાળમાં અંગ્રેજીના નામી પ્રોફેસર હસન પાસે શોખ ખાતર ઉર્દુ શીખતો તે દિવસો યાદ આવી ગયા.
  અલીફ, બે, પે પછી એ પણ જાણેલું..."જીમ કે પેટમેં નૂક્તા"!

  ReplyDelete
 7. ગયા વર્ષે આ વાંચવાનું રહી ગયું હશે એટલે અત્યારે બે વાર વાંચી લીધું. અહેવાલદાતાએ પોતાના ઉર્દુ જ્ઞાનની સરખામણી કરી એ વાંચીને ભાષાનો અધ્યાપક ન હોવા માટે ફખ્ર અનુભવું છું. એકદમ મજેદાર અહેવાલ. કાશ અમદાવાદમાં યોજાતા સારા કાર્યક્રમોના અહેવાલો અમિત જોશી લખતા હોત!

  ReplyDelete